સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો/બહાવરવટીઆની મીમાંસા/ગ્રેટ બ્રીટનના બહારવટીઆ

← વ્યાખ્યા સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો
બહાવરવટીઆની મીમાંસા - ગ્રેટ બ્રીટનના બહારવટીઆ
ઝવેરચંદ મેઘાણી
ઉત્તર હિન્દના બહારવટીઆ →


ગ્રેટબ્રીટનના બહારવટીઆ

બા૨મી શતાબ્દીમાં ઈંગ્લાંડના અરણ્યોમા રોબીનહુડ નામનો એક બહારવટીઓ થઈ ગયાનું વૃત્તાંત લોકરચિત ગીતકથાઓમાં ને કંઠસ્થ વાતોમા પ્રચલિત છે. ઈંગ્લાંડનો ઇતિહાસ આવા કોઈ પણ માનવીના અસ્તિત્વને આધાર આપતો નથી, છતાં એ લૂટારા વિષે એક બે નહિ પણ કુલ આડત્રીસ તો લાંબા લોકગીતો જ મુખપરંપરાથી ચાલ્યાં આવે છે. ને હવે તો એ ગીતો અંગ્રેજી સાહિત્યમાં ઉંચુ સ્થાન ભોગવે છે. Romanceના સુવિખ્યાત લેખક સર વૉલ્ટેર સ્કૉટૅ આ રોબીનહુડનું મહોજ્જવલ પાત્ર એમના 'Ivanhoe' નામક નવલમાં આલેખ્યું છે : પીકૉક નામના ગ્રંથકારે 'Maid Marian' નામની એક નાની પુસ્તિકામાં રોબીનની પ્રેમકથા અને અરણ્યમાંની જીવનચર્યા આલેખી છે. આ સમગ્ર સાહિત્યનો સાર એ છે કે ઇંગ્લાંડના રાજાઓ જંગલમાં પોતાની એકલાની જ લોલુપતા સંતોષવા માટે મૃગયા રમીને હરણાંનુ મીઠું માંસ ખાતા, પણ અન્ય સહુને માટે ત્યાં મૃગયાની સખ્ત મનાઇ કરતા. એ રાજાના આવા સ્વાર્થી કાયદાનો હમેશાં બેધડક ભંગ કરનાર એક પાવરધો અમીર રાજદ્રોહનો અપરાધી ઠરી, બરાબર પોતાની લગ્નવિધિને વખતે જ પોતાને પકડવા આવનાર રાજ-સેનાને ઠાર કરી, પોતાના સાથીઓને લઈ અધૂરે લગને બહારવટે ચડ્યો, રોબીનહુડ નામ ધારણ કર્યું, રાજાના માનીતા મૃગ-માંસની મહેફિલો ઉડાવવા લાગ્યો, ને જંગલના માર્ગો પર ઓડા બાધી. લૂંટ આદરી દીધી. એ સાચો વીર હતા. []૧.ખેડૂતોને અથવા કારીગરોને ન સંતાપતો. વિલાસમાં


  1. ૧.

    But look ye do no husband harm
    "That tilleth with his plough.
    “No more ye shall no g૦૦d yeoman
    "That walketh by Greenwood shaw,
    "Ne no knight me no squire
     "That would be a good fellow.”

ચકચૂર હૃષ્ટપુષ્ટ શરીરવાળા પાદરીઓને જુલ્મી અમીરોને અને કંજૂસ શ્રીમંતોને લૂટતો; []અને એ લૂંટના દ્રવ્યને ગરીબોની સહાય અર્થે વાપરતો. એ universal darling of the common people - જન સમૂદાયનો માનીતો ગણાતો. એની લૂંટવાની પદ્ધતિ પણ વિલક્ષણ હતી : પ્રથમ એ પ્રવાસીઓને પકડી, પોતાની સાથે પોતાના અરણ્યભુવનમાં લ્હેરથી પેટભર જમાડતો અને પછી એની કોથળીઓ ખોલાવતો. કોઈ સામંત સંકટમાં આવી પડી, ઉછીનાં નાણાં માગે તો પણ તે આપતો. અજોડ ધનુર્ધારી હતો. ધનુર્ધારીઓનું મોટું સૈન્ય એની ચાકરી કરતું. []પેાતે કુમારિકા મૅરીમાતાનો ભક્ત હોઈ સ્ત્રીજનોને ન લૂંટતો, એટલું જ નહિ પણ સ્ત્રીજનો જેના સંગાથમાં હોય તેવા હરકોઇ પુરુષ પ્રવાસી પર હાથ ન ઉગામતો. એનો જીવનમંત્ર 'વીરત્વ અને મોજમજાહ' હતો. એ 'merry outlaw' ગણાતો, મૃત્યુકાળે પણ એ ગમગીન નહોતો. એની કરુણામાંથી વિનોદ ઝરતો. આખરે અનેક અદ્ભૂત સાહસો દાખવી, એ એક ધાર્મિક મઠમાં એક બ્હેન કહેલી બાઈને હાથ દગાથી મર્યો. લોઢાના સળીઆ ધગાવી એની આંખોમાં ચાપી દેવામાં આવ્યા. ઈ. સ. ૧૨૪૭, ડિસેમ્બર, તા. ૨૪ : અને એના મૃત્યુકાળે જ્યારે એના જીવનસાથી 'લીટલ જ્હોને' માગણી કરી કે “આ સાધુડીઓના મઠ બાળી નાખવાની મને રજા આપો : ”ત્યારે મરતો મરતો બહારવટીઓ શું બોલે છે ?

“Now nay, now nay, quoth Robinhood,
That boon I will not grant thee;
I never hurt a woman in all my life,
Nor men in women's company.
I never hurt fair maid in all my time
Nor at mine end shall it be;


  1. "These bishops and these archbishops
    "Ye shall them beat and bind,
    "The high sheriff of Nottingham
    "Him hold ye in your mind.”

  2. Robin loved our dear Lady,
    For doubt of deadly sin;
    Would he never do company harm
    That any woman was in.”

[ના ભાઈ, ના બંધુ ! એ નહિ બને. મેં જીવનભર કોઈ સ્ત્રીને સંતાપી નથી, સ્ત્રીના સંગાથી કોઈ પુરૂષને પણ નહિ. છવનભર જે નથી કર્યું તે મૃત્યુ ટાણે હું શા સારુ કરૂં ?]

આ બહારવટીઆનાં ગીતોમાં અંગ્રેજ વિદ્વાનોને કેવું દર્શન થયું છે ? વાંચીએ :

The Robinhood ballads are inspired by the Norman-English love of Nature, love of freedom and love of justice. They are crude, simple stories, in rhyme, of the exploits of Robinhood and his men, and they came straight from the heart of the Englishman, that bold defiant heart which always beat more fiercely at the thought of injustice.

"રોબીનહૂડનાં ગીતો અંગ્રેજ પ્રજાના પ્રકૃતિ–પ્રેમ થકી, સ્વાતંત્ર્ય પ્રેમ થકી અને નીતિ-ન્યાયના પ્રેમ થકી પ્રેરાએલાં છે. રોબીનહૂડ અને એનાં માણસોના પરાક્રમ વિષેની એ પ્રાસબદ્ધ, સાદી, જાડી કથાઓ છે, અને એ સીધેસીધી અંગ્રેજ હૃદયમાંથી ચાલી આવી છે – જે બહાદુર હૃદય સત્તાની સામે પડકાર કરે છે, અને અધર્મ ના વિચારે અધિક ઉગ્ર બની ધબકે છે."

અજાયબી તો એ છે કે લોક-કલ્પના અને કંઠસ્થ સાહિત્યના આટલા જીવન્ત પાત્રની –ચૌદ વર્ષ સુધી કિલ્લાઓ તથા સાધુ-મઠોના પાયા થરથરાવનાર આ વ્યક્તિની ખુદ હસ્તીને વિષે જ ઇતિહાસકારો વચ્ચે ઉગ્ર મતભેદ છે. એને 'mythical being' 'exceedingly a creation of the ballad-muse', 'a fiction' વગેરે વિશેષણોથી વધાવવામાં આવે છે.

ઉત્તર ઈંગ્લાંડના ત્રણ બહારવટીયા

એનાં નામ આદમ બેલ, ક્લોગનો કીલ અને ક્લાઉડેલીનો વીલીઅમઃ એ ત્રણેનું કથાગીત પ્રો. ગમીઅરે પેાતાના 'The Popular Ballad' નામે પુસ્તકમા ઉતાર્યું છે, એ વિદ્વાન સંપાદક જણાવે છે કે–

“They were the outlaws whose skill in archery made them as famous in the North England as Robinhood and his fellows were in the Midland Countries. There home was in the forest of Englewood, not far from Carlysle.” “તેઓ બહારવટીયા હતા. ધનુર્વિદ્યાની કુશલતાએ જેમ રોબીનહૂડને તથા તેના સાથીઓને મધ્યપ્રદેશમાં સુપ્રસિદ્ધ કરેલા, તેમ આ ત્રણેને પણ ઉત્તર હિન્દમાં નામાંકિત કર્યા હતા, તેઓનું રહેઠાણ કારલાઈલ શહેરથી નજીક ઈંગલવૂડના જંગલમાં હતું.”

તેઓની કથા કહેતું લાંબુ લોકગીત આ રીતે ચાલે છે :

They were outlawed for venision,
These yeomen every one
They swore them brethren upon a day,
The Englyshe wood to gone.

આ ત્રણે જણાને રાજાજીના જ એકલાના ભોજન માટે જંગલમાં રક્ષાતાં ૫શુ (હરણાં)ઓનુ માંસ ખાવાના ગુન્હા બદલ બહારવટીઆ જાહેર કરવામાં આવેલા. એક દિવસે તેઓએ મળીને ભાઇબંધીના સોગંદ લીધા અને ઈંગલવુડના જંગલમાં જઈ રહેવાને નિશ્વય કર્યો.

રહે છે. રાજાને ખાવાનાં હરણાં મારીને ખાયપીએ છે. લુંટે છે. એ ત્રણેની ચોપાસ ચોકીપહેરા ગોઠવાઈ ગયા હતા. એમાં વીલીઅમને અડ૫ ચડી કે “ભાઈઓ, મારાં બાળબચ્ચાંને હું મળી આવું.”

If that I come not to-morrow brother,
By prime to you again,
Trust you then, that I am taken,
Or else that I am slain.

[જો કાલ સવારના પહોરમાં હું અહીં ન આવી પહોંચું, તો જાણજો ભાઈઓ, કે કાં તો હું પકડાયો છુ ને કાં કતલ થઈ ગયો છું.]

તીરકામઠું લઈને વીલીઅમ ઉપડ્યો. પોતાના ગામમાં રાત્રિયે પહોંચ્યો. ઘરના દ્વાર પર ટકોરા દીધા :

Where be you fair Alice, he said,
My wife and children three ?
Lightly let in thy own husband,
William of Cloudeslee.

એણે સાદ કર્યો: “તું કયાં છે ઓ મારી રૂપાળી એલીસ ? ઓ મારી સ્ત્રી અને મારાં ત્રણ બચ્ચાં ! ધીરેથી કમાડ ખોલ અને તારા ધણી ક્લાઉડેલીવાળા વીલીઅમને અંદર લઈ લે.

એની વ્હાલી સ્ત્રી એલીસ આવી, દ્વાર ઉઘાડ્યું, ફાળે જઇને બોલી:

Alas ! then said Alice fair,
And sighed wondrous sore;
This place has been beset for you,
This half a year and more.

“હાય !” કહીને એણે ઉંડો નિ:શ્વાસ નાખ્યો; “છેલ્લા દોઢ વરસથી તારે માટે આ જગ્યા ઉપર ચોકીપહેરા રહે છે. જાસુસો ફરે છે.”


“એની ફિકર નહિ વ્હાલી એલીસ !” કહીને વીલીઅમ અંદર ગયો. બચ્ચાંને હેત કરીને હૈયે ચાંપ્યાં. એલીસે રાંધ્યું ને પોતે ઉની ઉની રસોઈ જમ્યો. બને જણાં ઘણે દિવસે મળ્યાં છે અને ધડી બે ઘડીમાં તો પતિ પાછા ચાલ્યો જશે કાં ઝલાશે એમ સમજી બન્નેએ હેત ઠલવવા માંડ્યાં. ત્યાં તો તેઓના ઘરમાં એક આશ્રિત ડોશી હતી તે સરકીને ન્યાયકચેરી (justice hall)માં બાતમી દઈ આવી. ધણીધણીઆણી પ્યારમાં ગુલતાન છે તે વખતે બારીએથી બહારવટીઆએ પેાલીસનુ ટોળું, શેરીફ, ન્યાયાધીશ, તમામને ખડાં થઈ ગયેલાં દીઠાં. પણ એ તો મર્દ હતો. થડક્યો નહિ. એણે શું કર્યું ?

He took his sword and his buckler,
His bow and his children three;
And went into his strongest chamber,
Where he thought surest to be.

એણે પોતાની તલવાર તથા પટો ઉઠાવ્યાં. પોતાનું ધનુષ્ય તથા ત્રણે બચ્ચાંને ઉપાડી લીધા. અને પોતાના ઘરના સૌથી મજબૂત ઓરડામાં, કે જ્યાં પોતે સલામત રહી શકશે એમ લાગ્યું, તેમાં જઈને ભરાયો. અને એની શૂરી સ્ત્રીએ શું કર્યું ?

Fair Alice like a lover true
Took a pollo axe in her hand
Said, he shall die that cometh in
This door, while I may stand.

સુંદરી એલીસે એક સાચી પ્રિયતમાની રીતે, હાથમાં કુવાડી ઉપાડી અને શત્રુઓને હાકલ કરી કે “હું અંહી ઉભી છું ત્યાં સુધી જે કોઈ મારી ખડકીમાં આવ્યો છે તો એનું મોત સમજજો !”

એમ એલીસે ગીસ્તને રોકી રાખી, એટલે બહારવટીઆએ શું કર્યું ?

Cloudeslee bent a right good bow,
That was of a trusty tree;

He smote the Justice on the breast,
That his arrow burst in three.

બહારવટીઆએ પોતાનું મજબૂત ઝાડની બનાવટનું ધનુષ ખેંચ્યું અને તીર છોડ્યું. એ તીર શત્રુસૈન્યમાં ઉભેલા ન્યાયાધીશની છાતીમાં અથડાઈને ત્રણ ટુકડા થઈ ગયું, કેમકે ન્યાયાધીશે બખ્તર પહેરેલુ હતું. નિ:શસ્ત્ર થઈ ગયેલા બહારવટીઆને ન્યાયાધીશે હાકલ કરી કે

Yield thee Cloudeslee, said the Justice,
And thy bow and thy arrows the fro;
A curse on his heart, said fair Alice
That my husband counselleth so.

“ઓ ક્લાઉડેસ્લી ! તારા ધનુષ્યબાણ લઈને શરણે થઈ જા !” “નહિ નહિ!” સુંદરી ઍલીસે સામી હાકલ દીધી; “મારા ધણીને એવી શીખામણ આપનારનુ પીટ્યાનું સત્યાનાશ નીકળજો ! મારો મર્દ મૂછાળો શું હથીઆર મેલશે ?”

“ત્યારે સળગાવી મૂકો એના ઘરને !” ન્યાયાધીશે હુકમ દીધો. અને

They fired the house in many a place,
The fire flew up on high:
Alas ! then cried fair Alice
I see we here shall die.

ઠેકઠેકાણેથી તેએાએ ઘર સળગાવ્યું. આગના ભડકા આકાશે ઉઠ્યા. સુંદરી એલીસે પોકાર કર્યો કે “હાય! હાય! મને લાગે છે કે આપણે આંહી જ બળી મરશું,” પણ ત્યાં તો

William opened a back window
That was in his chamber high,
And there with sheets he did let down
His wife and children three.

બહારવટીઆ વીલીઅમે એના દિવાનખાનાની ઉંચી મેડીની પાછલી બારી ઉઘાડી અને ત્યાંથી લુગડાં બાંધીને એણે પોતાનાં એારત તથા ત્રણ બચ્ચાંને નીચે ઉતાર્યા. પછી શત્રુઓને હાકલ દીધી :

Have you here my treasure, said William,
My wife and my children three;
For Christe's love do them no harm,
But wreke you all on me.

“આ લ્યો આ મારો ખજાનો-મારી ઓરત અને મારાં ત્રણ બચ્ચાં. ઇસૂને ખાતર તમે એને ઈજા કરશો નહિ, પણ ખુશીથી તમે તમામ મારા એકલાના ઉપર તૂટી પડો !” એમ કહીને એણે ધીંગાણું આદર્યું :

William shot so wondrous well,
Till his arrows were all ago,
And the fire so fast upon him fell,
That his bow-string brent in two.

[બહારવટીઆ વીલીઅમે અજબ ચાલાકી અને બહાદૂરી સાથે બાણ છોડ્યાં. છેવટે એનાં તમામ તીર ખૂટી ગયાં. અને બીજી બાજુ ઘરની આગે એને એવી ઝડપથી ઘેર્યો કે છેવટે એના ધનુષ્યની પણછના બે ટુકડા થઈ ગયા.]

બહારવટીઆને મેાત સૂઝી આવ્યું. પણ એણે વિચાર્યું : “આમ ભીંત હેઠળ ભીંસાઈને શીદ મરવું ? તે કરતાં ધીંગાણે ન મરૂં ?”

He took his sword and his buckler
And among them all he ran,
Where the people were most in prece
He smote down many a man.

તલવારપટા લઈને એણે ટોળા સામે દોટ કાઢી. અને જ્યાં શત્રુએાનું જૂથ જાડું હતું ત્યાં જઈ કેટલાયને ઢાળી દીધા.]

There might no man abide his strokes
So fiercely on them he ran;
Then they threw windows and doors on him
And so took that good yeoman.

એવો ઝનૂની બનીને એ તૂટી પડ્યો. કે કોઇ પણ આદમી એના ઘા સામે ટક્કર ઝીલી શક્યો નહિ. પછી તો તેએાએ એના ઉપર બારીઓ અને બારણાં ઉપાડી ઉપાડીને ફગાવ્યાં. અને એ રીતે આ બહાદૂર ધનુર્ધારીને કેદ પકડ્યો.

એને બંદીખાને નાખ્યો. ફાંસીની સજા ફરમાવી. ખાસ નવી ફાંસી ઘડાવી. એને ફાંસી દેવાને દિવસે ગામના દરવાજા બંધ કરાવ્યા.

એ વખતે એક છોકરો ત્યાં ઉભીને ફાંસી ખોડાતી જોતો હતો :

A little boy among them asked
What meaned that gallow-tree?

They said, to hang a good yeoman
Called William of Cloudeslee.

છોકરાએ પૂછ્યું “અરે ભાઈ આ કોના સારુ ?” તેએા બેાલ્યા “ક્લાઉડેલી ગામવાળા ભારાડી તીરંદાજ વીલીઅમને લટકાવવા સારુ.”

છોકરાને ઓસાણ આવ્યું. એણે દોટ દીધી. ઈંગલવુડ જગલમાં જઇ પહોંચ્યો. બહારવટીઆના બને ભેરૂઓને જાણ કરી.

“શાબાસ દોસ્ત ! ઠીક ખબર દેવા આવ્યો.” એમ કહી, ઈનામ તરીકે એને એક હરણકું મારી દીધું અને બેય જણા શહેર પર ચાલ્યા. આવે ત્યાં દરવાજા બંધ દીઠા. હવે શું થાય ? પણ હતા હિકમતબાજ. બન્યા રાજાજીના કાસદીઆ. દરવાજા ભભડાવ્યા :

Who is there, now, said the porter,
That maketh all this knocking ?
We be two messengers, quoth Clym of Clough
We come right from our king

“કોણ અત્યારે કમાડ ભભડાવે છે ?” દરવાણીએ અંદરથી પૂછ્યું.

“અરે ભાઈ ઉઘાડ ઝટ ! ” ક્લેાગ ગામવાળા ક્લીમે કહ્યું, “અમે રાજાજીના ખેપીઆ સીધા રાજાસા'બની કનેથી જ આવીએ છીએ.”

દરવાણીએ દરવાજા ખોલ્યા. એટલે એને મારી. પાછા આવવા સારુ ચાવીઓ પડાવી લઈ, બેય ભેરૂ ફાંસી દેવાતી હતી તે ઠેકાણે પહોંચ્યા. ઉભા ઉભા મામલો જુવે છે, શી બીના બની રહી છે ?

The justice called to him a lad,
Cloudeslee's clothes he should have;
To make the measure of that yeonan
Thereafter to make his grave.

[ન્યાયાધીશ સાહેબ એક છોકરાને આજ્ઞા દઈ રહ્યા છે કે બહારવટીઆ વીલીઅમનાં કપડાં કાઢીને લઈ આવ. એની કબર ખોદાવવી છે તે માટે માપ લેવા જોઈશે. એ સાંભળીને બહારવટીઓ બોલ્યો :

He that maketh a grave for me
Himself may lie therein.

“બચ્ચાજી ! મારે માટે કબર ખોદાવનારને ખુદને જ એ કબરમાં સૂવું પડશે.” સાંભળીને ન્યાયાધીશને ગુસ્સો ચડ્યો :

Thou speakest proudly, said Justice,
I will thee hang with my hand.

“તું ફાટતું બોલે છે, પણ જોજે, હું મારે હાથે જ તને લટકાવીશ." આ વાત સાંભળતા બે ભેરૂબંધ ઉભા હતા, તેઓએ મસલત કરી :

Then spake good Adam Bell,
To Clym of the Clough so free
Brother, so you mark the Justice well
Lo, yonder you may him see.

બેમાંથી વીર આડમ બેલે બહાદુર ક્લીમને કહ્યું “ભાઈ, પેલા ન્યાયાધીશને જાયો ? તું એને આંટજે હો કે ? હુ આંટુ છું શેરીફને.”

And at the Sheriff shoot I will
Strongly with an arrow keen;
A better shot in merry Carlisle
This seven year was not seen.

બેઉ તીરંદાજોએ નિશાન તાક્યાં. તીર છોડ્યાં. બેઉ અમલદારોને ઉપાડી લીધા. આખા કારલાઈલ શહેરમાં છેલ્લા સાત વર્ષમાં આ તીરંદાજોને ટપે તેવા કાઈ દેખાયા નહોતા.

અમલદારો ૫ડ્યા કે લોકો નાઠા. ત્યાં તો વીલીઅમ ફરસી લઈને ઠેક્યો. એક અમલદારને ઢાળી દીધો. ત્રણે ભેરૂએાએ રણથળ મચાવ્યું

They fought to-gether as brothren true
Like hardy men and bold,
Many a man to the ground they threw,
And many a heart made cold.

સગા ભાઈઓ સરખા એ ત્રણે જણા મજબુત બહાદૂરોની માફક ધીંગાણે ઘૂમ્યા. ઘણાએાને તેએાએ ધરતી પર ઢાળી દીધા અને કેટલાયનાં કલેજાં થીજાવી દીધા. એવે ટાણે ગામનો મેયર (નગરશેઠ) આવ્યો. સાથે મોટી ફોજ લાવ્યો. બહારવટીઆ ભારી લડ્યા. પછી જંગલમાં નાસી ગયા.

Thus be these good yeomen to the wood
As lightly as leaf on bynde (tree);
They laugh and be merry in their mood,
Their enemies were far behind.

આ રીતે આ ભલા તીરંદાજો ઝાડનાં પાંદડાં ખરે તેવાં તરવરીઆ હળવાં પગલાં ભરતાં જંગલમાં ચાલ્યા ગયા. હસવા અને મોજ ઉડાવવા

લાગ્યા. એના દુશ્મનો તો ક્યાંયે પાછળ રહી ગયા.

They set them down and made good cheer
And ate and drank full well;

બેઠક જમાવીને લ્હેરમાં ચડ્યા. પેટ ભરીને ખાધું પીધું. ત્યાં તો વીલીઅમે રસ્તા પર ઍલીસને આવતી દેખી, બોલી ઉઠ્યો;

Have here the best Alice my wife!
Said William of Cloudeslee,
By cause you so boldly stood by me
When I was slain full nigh.

“ઓ મારી વ્હાલી એલીસ ! આ લે, આ મીઠામાં મીઠી મદિરાની પ્યાલી પી ! કેમકે હું જે વેળા લગભગ કપાઈ જતો હતો તે વેળા તું બહાદુરીથી મારે પડખે ઉભી રહી હતી.”

Then went they to supper,
With such meat as they had,
And thanked God their fortune,
They were both merry and glad.

પછી તે બધા વાળુ કરવા બેઠાં, જે કોઈ માંસ મળેલુ હતુ તે જમ્યાં. પોતાના સુભાગ્ય બદલ પ્રભુનો અહેશાન ગાયો. અને આનંદથી લ્હેર કરવા લાગ્યા. રાજીખુશીથી તેઓ રાજાજીના દરબારમાં હાજર થવા લંડન ગયા.

They proceed prestly into the hall,
Of no man had they dread,
The porter came after and did them call,
Aud with them began to chide.

સડેડાટ તેએા મહેલમાં ચડી ગયા. એને કોઈનો ભય નહોતો. દરવાન બુમો પાડીને વઢવા લાગ્યો. રાજાજીની પાસે ખડા થઈ તેઓએ હથીઆર છોડ્યાં. પગે પડી માફી માગી. રાજાને એાળખાણ આપી.

રાજાજી રોષે ભરાયા. ત્રણેને કેદ કર્યા. ફાંસીની સજા ફરમાવી. એ વાતની રાણીને જાણ થઇ. રાણીનું હૈયુ બહારવટીઓની વીરતા ઉપર ઢળી પડ્યું હતુ. એણે રાજાજી પાસે જઈને વિનવ્યું:

Then good my lord I you beseech,
These yeoman grant ye me.

“ઓ મારા ભલા ખાવંદ ! તમારી પાસે પાલવ પાથરીને માગું છું કે આ તીરંદાજો મને સુપ્રત કરી દો !” રાજાએ ઉત્તર દીધો:

Ye might have asked towers and towns
Parks and forests plenty.

“ઓ રાણીજી ! એથી તો તમારે કોટકાંગરા ને નગર માગવાં હતાં. મન માને તેટલા બાગ બગીચા માગવા હતા.” રાણી બેાલ્યાં:

None so pleasant to my pay, she said,
Nor none so lefe (dear) to me.

“હે ખાવીંદ ! એમાનું કશું ય મને આ વરદાન જેટલું મનગમતું નથી.”

પછી તો રાજાજીને બહારવટીઆની કારકીર્દીના બધા અહેવાલ મળે છે. રાજા બહારવટીઆની પાસે જાય છે. કહે છે કે “તમારી તીરંદાજીનું પારખું કરવું છે. તૈયાર થાઓ.”

રાજાએ મેદિની ભરી. એની વચ્ચે બહારવટીઆને બોલાવ્યા ને પછી વીલીઅમના વ્હાલા દીકરાને મેદાનમાં બેસારી તેના માથા પર રાજાએ જમરૂખ મૂકાવ્યું. મૂકાવીને કહ્યું કે “સાચો તીરંદાજ હો તો આ તારા દીકરાના માથા પરથી જમરૂખ ઉડાવી દે.”

“ઉડાવી દઉ નામદાર !" કહીને વીલીઅમ ઉભો થયો.

And when he made him ready to shoot
There was many a weeping ee.

ને જ્યારે એણે તીર છોડવા પણછ તાણી. ત્યારે ઘણા ઘણા પ્રેક્ષકો રડી પડ્યાં. બહાદૂર વીલીઅમે તીર છોડ્યું. પહેલે જ ઘાયે જમરૂખ ઉડાવી દીધું. દીકરાને જરીકે ઈજા ન થઈ. રાજાજી આફ્રિન બન્યા. બહારવટીઆઓને સારી નોકરી આપી......

Thus endeth the life of these good yeomen,
God stand them eternal bliss,
And all that with a hand-bow shoteth,
That of heaven may never miss.

આ રીતે આ ભલા તીરંદાજોના આયુષ્યના સુખી અંત આવ્યો. ઈશ્વર તેઓને અખંડ શાંતિ આપજો !

પછી આપણે સ્કોટકૃત 'રૉબરોય'નામની સ્કોટીશ નવલમાં રૉબરોય, નામના ઇતિહાસમાન્ય બહારવટીઆનો પરિચય પામીએ છીએ. એ લૂંટારાનો આખો વંશ, અન્ય એક શત્રુ-કુળ સાથેના ધીંગાણામાં એક નિર્દોષ પાદરી-સંઘની કતલ કરીને ગુન્હેગાર ઠર્યો, ને પછી બહારવટે નીકળ્યો. તેના વૈરની, ઘાતકીપણાની, લુચ્ચાઈની, જોરાવરીની અને દિલાવરીની ઘટનાઓ એ નવલમાં ગુંથી લેવાઈ છે.