સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો/બહાવરવટીઆની મીમાંસા/ઉત્તર હિન્દના બહારવટીઆ

← ગ્રેટ બ્રીટનના બહારવટીઆ સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો
બહાવરવટીઆની મીમાંસા - ઉત્તર હિન્દના બહારવટીઆ
ઝવેરચંદ મેઘાણી
સૌરાષ્ટ્રના બહારવટીઆ →


ઉત્તર હિન્દના બહારવટીઆ

દેશી રાજસ્થાનો અને પહાડી પ્રદેશો હોય ત્યાં જ બહુધા બારવટે ચડવાના સંજોગો હોય છે. તેમ છતાં આપણે “સત્યવીર શ્રદ્ધાનંદ”ની આત્મકથામાં બાલક મુન્શીરામે આપેલુ, સંગ્રામસિંહ નામના એક બહાદુર બહારવટીઆની સરકાર સામેની લડતનું નીચે મુજબનું રોમાંચક વર્ણન વાંચીએ છીએ : [ સત્યવીર શ્રદ્ધાનંદ : પા. ૭ ]

“કાશીથી મારા પિતાની બદલી બાદ થતાં મારા બાલ–હૃદય ઉપર બે બીનાઓએ અજબ પ્રભાવ છાંટી દીધો. એક તો બહારવટીઆ સંગ્રામ સિંહનુ દર્શન. બનારસ જીલ્લાના એક ગામડામાં સંગ્રામસિંહ ખેતી કરી પેટગુજારો ચલાવતો હતો. એક દિવસ એ ઘેર નહોતો તે વખતે પોલીસે આવીને એના ઘરની જડતી લીધી અને એની પત્નીનું શિયળ લોપવાની કોશીષ કરી. ઘેર આવતાં રાજપૂતને આ વાતની જાણ થઈ અને એ પોલીસના મોટા અધિકારીની પાસે રાવે દોડ્યો, ત્યાં એની સાથે પણ પોલીસે પિશાચી આચરણ બતાવ્યું. સંગ્રામસિંહનું રાજપૂત રક્ત ઉકળી ઉઠ્યું. ઘરમાં છુપાઈને પડેલી કાટેલી જૂની તલવાર ઉઠાવી. પહેલાં પ્રથમ પોતાની નિરપરાધી અર્ધાંગનાને સદાને માટે બદનામીમાંથી બચાવવા સારુ ઠાર કરી; ને પછી પોતે પહાડી જંગલમાં નીકળી ગયો. સાથે હાથીસિંહ નામનો એક રાજપૂત જઈ ભળ્યો. હાથીસિંહની બંદુકનું નિશાન કદિ ખાલી જતું નહોતું. વીસ પચીસ બીજા સિપાહીઓ પણ ભેગા કરી લીધા. એ રીતે સંગ્રામસિંહ એક નાની સરખી સેનાનો સરદાર બની ગયો.

“જોતજોતામાં તે અંગ્રેજી ઇતિહાસમાં અને નવલકથાઓમાં દેશભકિત બહારવટીઆઓની જેવી વાતો આવે છે, તેવી વાતો સંગ્રામસિંહને નામે પણ લોકોમાં પ્રસરવા લાગી. સંગ્રામસિંહ તો અમીરોને લુંટી લઈ ગરીબોને આપે છે : વનવગડામાં વારાંગનાઓને બોલાવી નાચગાનથી જંગલમાં મંગળ કરે છે : દાયરા ભરે છે : એવાં એનાં યશોગાન ગવાવા લાગ્યાં. જીલ્લેજીલ્લામાં એનાં રમખાણ બોલવા લાગ્યાં.

“દોઢસો હથીઆરબંધ સિપાહીઓને લઈ ગોરા પેાલીસઉપરીએ સંગ્રામસિંહના રહેઠાણને ઘેરી લીધું. સાહેબ પોતે બે અર્દલીને સાથે રાખી ધીમે પગલે આગળ વધ્યા જાય છે. કાળું ઘોર અંધારું છે. એકાએક બે આદમી આવી ચડ્યા. છલાંગ મારીને બે અર્દલીને બાથમાં ઝકડી લીધા. ત્રીજો નીકળ્યો. એણે સાહેબ બહાદૂરને ઘોડા પરથી નીચે પટકી, છાતી પર ચડી બેસી તમંચો બતાવ્યો. પછી બોલ્યો કે “આટલી વાર છે. નહિ તે કાઢ પૈસા !”

“સાહેબે પોતાનું સોનાનું ઘડીઆળ. અછોડો, નોટ, રૂપીઆ વગેરે બધો માલ બહારવટીઆને સુપ્રત કર્યો. બહારવટીઓ ઉભો થયો. સાહેબને સલામ કરી અને કહ્યું “સંગ્રામસિંહને પકડવા માટે આવી ગફલતથી હવે પછી ન આવજે સાહેબ બહાદુર !"

"ઉઠીને ગોરા સાહેબે તો ઘોડાને એવા દોડાવી મૂક્યા કે વ્હેલો આવે પેાતાનો બંગલો !"

“પછી તો કાશીનગરી ઉપર બહારવટીઆના હુમલા થવા લાગ્યા. એમાં આલમસિંહ નામના રાજપૂત કોટવાળે બડાઈ મારી કે 'અરે ભાર શા છે સંગ્રામસિંહના ! એક મહિનામાં તો એ બેટાને પકડીને માજીસ્ટ્રેટ પાસે હાજર કરીશ.' ચાર પાંચ દિવસે આલમસિંહ પર જાસાચિઠ્ઠી આવી પહોંચી. એમાં લખ્યું હતુ કે “હવે તો અમારા ધામા કાશીનગરીમાં જ નખાઈ ગયા છે. અને ચંદ્રગ્રહણનું સ્નાન કરવા માટે પણ હું આવવાનો છું. જો ક્ષત્રીના પેટનો હો તો આવી જજે.”

“ચંદ્રગ્રહણની રાત આવી પહોંચી. પહાડમાંથી પોતાની માતાને ગંગામૈયામાં સ્નાન કરાવવા માટે બે સાથીઓને લઇ સંગ્રામસિહે મણિકર્ણિકાના ઘાટનો માર્ગ લીધો. માતાને નવરાવી, બને સાથીએાની સાથે રવાના કરાવી, સંગ્રામસિંહ એકલો ચાલ્યો. ક્યાં ચાલ્યો ? એના ઓડા બાધીને જ્યાં આલમસિંહ ફોજ સાથે વાટ જોતો હતો ત્યાં ! ચોકીપહેરા ફોગટ ગયા. કોઈ એને ઓળખી શક્યું નહિ. ફક્ત એક કામળો જ ઓઢીને એ જવાંમર્દ સડસડાટ ફોજ વચ્ચેથી પસાર થયો. આલમસિંહની લગોલગ આવી પહોચ્યો. મ્હોં પરથી કામળી ઉઘાડી કરીને પડકાર કર્યો “જોઈ લે. રજપૂત ! સંગ્રામસિંહ સ્નાન કરીને જાય છે.”

“આલમસિંહ ચમકી ઉઠ્યો. મ્હોંમાંથી વેણ નીકળે ત્યાં તો સંગ્રામસિંહની કટાર, વીજળી શી ઝબૂકી ઉઠી. આલમસિંહ દિગ્મૂઢ બનીને પાછો હટ્યો. સંગ્રામસિંહ અદ્રશ્ય થયો. અને “દોડો દોડો ! પકડો પકડો ! ઓ જાય, ઓ જાય !” એવા એવા હાકલા થવા લાગ્યા. પણ કોને પકડે ? દાંતોમાં દઈને ગયો.

“આખરે પોલીસની આવ-જા માટેના તમામ રસ્તા ઉજ્જડ બન્યા એટલે ત્રણે જીલ્લામાં નવી પેાલીસની ભરતી થઈ. હજારો પોલીસોએ તમામ રસ્તા પર એાડા બાંધી લીધા. મારા પિતા પણ એક સ્થળે મોટી સંખ્યા લઈને નાકું બાંધી ઉભા. પાંચ દિવસ સુધી નદીના પાણીની અંદર છુપાઈ રહ્યા પછી ખાવાને માટે સંગ્રામસિંહ પાંચ છ સાથીઓની સાથે બહાર નીકળ્યો. એમાંથી એક આદમી પિતાજીના હાથમાં પકડાયો. એની પાસેથી પત્તો મેળવીને પોલીસ આગળ વધી. સંગ્રામસિંહ એક ચમારની ઝૂંપડીમાં પેસી ગયો. ઝૂંપડીને પોલીસે આગ લગાવી, બહાદૂર રાજપુત બહાર નીકળ્યો, પણ પાણીમાં પડવાથી દારૂ નકામો થઈ ગયો હતો એટલે બંદુક ન વછુટી. તલવાર ખેંચવા જાય તો તલવાર મ્યાનમાંથી બહાર જ ન નીકળી. આ બાજુ પોલીસે ગોળીઓની ઝીંક બોલાવી. પાંચે સંગાથી પટકાયા. સંગ્રામસિંહે બંદૂક ઉંધી ઝાલીને લાકડી તરીકે વીંઝી. જોતજોતામાં ત્રણચાર સિપાઈને ઢાળી દીધા. પિતાજીના ઘોડાની ગરદન પર પણ એવી ચોટ લાગી કે ઘોડો પંદર કદમ પાછો હટી ગયો. પ્રથમ તો પિતાજીએ આ એકલા દુશ્મન પર ગોળી ચલાવવાની મના દીધી હતી. પણ આખરે પોતે ક્ષત્રીવટ ચુક્યા. ગોળીબાર'નો હુકમ દીધો. પચીસ ગોળીઓ ખાઈને સંગ્રામસિંહ પડ્યો. એને બાંધીને કાશીની ઈસ્પીતાલમાં લઈ આવ્યા. સીવીલ સર્જને જ્યારે એના શરીર પર ૨૫ જખ્મો જોઈને કહ્યું કે “કાં ! પકડાઈ ગયો ને !” ત્યારે એ વીર ક્ષત્રીએ જવાબ વાળ્યો કે “એમાં શી બહાદુરી કરી ! એક વાર મારા હાથમાં તલવાર આપો ને પછી મારી સામે ર૦ આદમી આવી જાય ! જોઇ લઉં મને કોણ પકડે છે !”

“સાભળીને સાહેબ તાજ્જુબ થયા. સંગ્રામસિંહને ફાંસી મળી. પણ હિંદુસ્તાની પેાલીસ અમલદારોને એ વીરના મૃત્યુથી બહુ જ દિલગીરી થઈ.ખાટલા પર સૂતેલા એ સંગ્રામસિહનો દેખાવ મને હજુ યાદ છે. મારા જીવન પર એની ઉંડી છાપ છે.”

દક્ષિણ પ્રાંતોમાં “દાત્યા–મોન્યા” નામના બે બહારવટીઆ થઈ ગયા તે એટલા બધા લોકપ્રિય હતા કે આજે પણ કોઈ બે જણા વચ્ચે ગાઢ મૈત્રી હોય તે તેઓને કહે છે કે “તમે તો દાત્યા–મોન્યા છો.” એ ઉપરાંત વર્તમાનકાળના રાજકીય ક્ષેત્રમાં પંજાબના બબ્બર અકાલીઓ, યુ. પી. કાકોરી કેસના રામપ્રસાદ બિસ્મીલ વગેરે, અને બંગાળના રાજશાહી જીલ્લાના યુવકો કે જે સરકારી લશ્કરને હાથે સામી છાતીએ લડતા લડતા મરાયા, તે સહુ 'બહારવટીઆ' નામ સાર્થક કરે છે. ભીલ બહારવટીઆ ટંડ્રાની કારકીર્દિ પણ મશહૂર છે. એને પકડવા માટે તે સરકારને ખાસ ટંડ્રા પોલીસની ફોજ રાખવી પડેલી. એવો જ રસિક અને રોમાંચક અહેવાલ પંજાબી કૂકાઓનો છે.