સોરઠ, તારાં વહેતાં પાણી/૨૯. નવી ખુમારી

← ૨૮. પાછા જવાશે નહિ સોરઠ, તારાં વહેતાં પાણી
૨૯. નવી ખુમારી
ઝવેરચંદ મેઘાણી
૩૦. બ્રાહ્મતેજ →


29. નવી ખુમારી


યુરોપનું મહાયુદ્ધ આગળ વધતું હતું. લોકોની અક્કલ પણ આગળ વધતી હતી. નાનાં ગામોની ને મોટાં શહેરોની ટપાલ-ઑફિસોના ઓટા 'વિન્ડો ડિલિવરી'ના કાગળો મેળવવા માટે આવનારાં લોકોથી ઠાંસોઠાંસ રહેતા. ચબૂતરાની પરસાળો અને દેવ મંદિરોની ફરસબંધીઓ પર છાપાંનાં પાનાં પથરાતાં. અમદાવાદ પણ ન જોયું હોય તેવા લોકો યુરોપની જાદવાસ્થળીના યુદ્ધક્ષેત્ર પર પથરાયેલી લડાયક સડકોને નાનેથી ત્યાં રમ્યાં હોય તેવાં પિછાનદાર બની પકડતા.

યુદ્ધના મોરચામાં ક્યાં-કયાં ભૂલો થઈ રહી છે તેનું જ્ઞાન કાઠિયાવાડના નવરા પેન્શનરો પાસે સરકારના સેનાપતિઓ કરતાં વધું હતું! લીજ, નામુર અને વર્ડુનના કિલ્લામાં કેમ જાણે પોતે ઇજનેરી કામ કર્યું હોય, તેટલી બધી વાકેફગારી, આ વાતોડિયા દાખવતા હતા.

પણ એજન્સી સરકાર એ સોરઠી યુદ્ધ-જ્ઞાનની અદેખાઈ કરવા લાગી. પ્રાંતપ્રાંતના ડેપ્યુટી પોલિટિકલ એજન્ટો ગામેગામ ભમવા લાગ્યા. જાહેર સભાઓમાં તેઓએ નક્શા લટકાવ્યા. સોટીની અણી વડે તેઓએ આ નક્શા પર લડાઈની મોરચા બંધી આલેખી બતાવી. 'મિત્ર રાજ્યો'ના અને અંગ્રેજી લશ્કરોના દિગ્વિજયો શ્રોતાઓના ભેજામાં ઠસાવતા તેઓએ સોટીના ધોકા બની શકે તેટલા જોરશોરથી માર્યા. અને સભાએ સભાએ તેઓએ પ્રજાજનોની દર્દભરી બાનીમાં હાકલ કરી કે, 'લડાઈના મોરચા પર ગયેલા આપણા હિન્દી સૈનિકોને ખાવા માટે લવિંગ એલચી ને સોપારી નથી. પીવા માટે બીડીઓ નથી. ચા નથી. આપણો ધર્મ છે કે તેમને માટે ફાળો ઉઘરાવી આ મુખવાસો મોકલીએ.

પછી લવિંગના, એલચીનાં ને સોપારીના ઉઘરાણાં શરૂ થયાં. અરસપરસ આંખના મિચકારા કરતા વેપારીઓ અરધા રતલથી માંડી મણ મણ તજ-એલચીની ભેટ નોંધાવવા લાગ્યા. ગોરા-પ્રાંતસાહેબની હાજરીમાં આ હિન્દી સૈનિકો પરની વણિક-પ્રીતિ બેપૂર ઉછળી પડી.

છતાં અંદરખાનેથી લોકો રાજ પલટો ચાહતા હતા. 'પૃથ્વીરાજ રાસો' વગેરે જૂના પોથાંમાંથી ચારણ-ભાટો આગમના બોલ ટાંકી બતાવતા લાગ્યાં કે,

તા પીછ ટોપી આવસી બહુ
અમલ કલમ ચલાવસી....

વગેરે વગેરે વિગતો સાચી પડતી આવે છે, માટે નવો રાજપલટો થયા વિના રહેવાનો નથી. પૃથુરાજ રાસામાં એમ લખ્યું છે!

એવી લોકધારણાએ વાતાવરણને ઘેર્યું હતું. ત્યારે સુરેન્દ્રદેવજીના બેડીગામ ખાતેના બંગલામાં સુંદરપુરના ઠાકોર એક છૂપી મસલત કરી રહ્યા હતા. બરકંદાજીમાં જેની રાણીઓ, બહેનો ને પુત્રીઓ પણ બાહોશી ધરાવતી હતી, બહારવટિયાને છુપાવવાનો સંદેહ-ડોળો જેના પર એજન્સી સરકાર ઠેરવી રહી હતી, તે આ ઠાકોર હતા. તેમણે વાતનો પ્રારંભ કર્યો: "રાજપલટો તો આવ્યો સમજો, સુરેન્દ્રદેવજી!"

"હા! મુંબઈને કિનારે ઊતર્યો કે શું?"

"મશ્કરીની વાત નથી. મશ્કરીનો વખત પણ નથી."

"આપણને ઠાકોરોને મશ્કરી સિવાયનો બીજો સમય કેવો!"

"હું કહું તે એક વાર સાંભળી લેશો? પછી હસી કાઢજો."

"સંભળાવો."

"મારા ભત્રીજા કિશોરસિંહ લડાઇમાં ગયા છે. ત્યાંથી છૂપો કાગળ છે : મિત્ર રાજ્યોના છૂંદા થવાને વાર નથી."

"તેથી શું? આપણે તો જે આવશે તેનો દરબાર ભરી રાજાવેશ ભજવીશું, ને આજ સુધી સિંહ-ઘોડાનાં અંગ્રેજી મોરવાળા ચાંદરડા પહેરતા તે હવે પછી ગરુડ-મૉરાનાં જર્મન ચગદાં છાતીએ લગાવીશું ને જર્મન પોલિટિકલ એજન્ટને ગમશે તેવા શણગાર સજીશું."

"એ ઠીક વાત છે. એ વિના તો છૂટકો નથી, પણ જર્મનો આવે ત્યારે એની સત્તા આપણને કેવી સ્થિતિમાં માન્ય રાખશે?"

"કેવી?"

"આપણે જેવી સ્થિતિ તૈયાર રાખી હશે તેવી."

"એટલે?"

"એટલે એમ કે તમારા કડીબેડીના તાલુકામાં આજે બાજુનાં પચીસ ગામડાં દબાવી દઈને તમે બેસી જાઓ, તો નવી રાજસત્તા તમારો એ કબજો કબૂલ રાખશે. કજિયા સાંભળવા નહિ બેસે."

"તમે તે આ શું ધાર્યું છે, ઠાકોર સાહેબ?"

"હું મારી વેતરણમાં જ છું. આપણે બંને પંજા મિલાવી શકશું?"

"વધુ સાચવવાની મારી ત્રેવડ જ નથી. જેટલું વધુ તેટલી ગુલામી વિશેષ."

"મોકો ચૂકો છો. હું તો કહું છું કે છેલ્લો કડાકો થાય કે તત્કાળ એજન્સીનું વેજળ પરગણું દબાવી બેસો."

"માફ કરો તો એક વાત કહું...."

"કહો."

"પચીસ વર્ષ પછી કોઈ લેખક જો આપના વિષેની સાચી વાત લખશે તો એ દીવાનામાં ખપશે."

"એની મતલબ તો એ ને કે મને આપ દીવાનો માનો છો?"

"કારણ કે આપ કોઈ પ્રકારનો નશો તો કરતા નથી એ વાત હું જાણું છું." સુરેન્દ્રદેવજી બહુ મીઠાશથી ગાળો આપી શકતા હતા.

"તમને તો, સુરેન્દ્રદેવજી," ઠાકોરે ખેદ બતાવ્યો: "રાજાઓ જોડે કદી બંધુભાવ થયો જ નહિ."

"બંધુભાવની વાત રાજાઓની સંસ્થાને શોભશે નહિ. ભાઈઓને ઝેર દેવાનો તો આપણો પ્રાચીન સંસ્કાર છે."

"આપ કોની વાત કરો છો?" ઠાકોર સાહેબ ભડક્યા.

"હું તો પાંડવ-કૈરવોથી માંડી આજ સુધીના આપણા ઇતિહાસની વાત કરું છું"

"તો પછી જીવવું શી રીતે?"

"આપણા જીવવા પૂરતી જ જો ખેવના હોત તો આપણે હિંદ પર પીળું પોતું ફેરવી શકત. પણ આપણે તો આપણા મૂવા પછી પેઢાનપેઢી આપણી ઓલાદને કપાળે ગુલામીનો ભોજનથાળ ચોક્કસ ચોડી જવો છે. આપણે આપણા પોતાનાં ભૂત થઈને પૃથ્વી પર ભમવું છે."

ઠાકોર સાહેબને આ બધી વાત અક્ષાત્રવટ લાગી, એમણે તો સુરેન્દ્રદેવને મોંએ જ ચોડી દીધું: "દેવ! તમે તમારું તો ટાળશો, પણ છોકરાનીય રાબનું રામપાતર ફોડતા જશો."

"હું તો પેલા પુરબિયાની મનોદશા કેળાવી રહ્યો છું : સબ સબકી સમાલના, મેં મેરી ફોડતા હું. મારું સ્થાન તો હિન્દની પ્રજા સાથે છે. હું તો રાજા સાહેબોની સૃષ્ટિમાં વિધાતાની કોઈ સરતચૂકથી મુકાઈ ગયો છું."

"અધીરાઈ શી આવી ગઈ છે?"

"શૂળીની અણીને માથે ધીરજ રાખે તેની બલિહારી છે."

"ઠીક , આપણી વચ્ચે તો વિચારોનું અંતર જમીન-આસમાન જેટલું ગયું."

"એ અંતર પણ સમય પોતે જ પાજ બાંધી રહ્યો છે."

"ગમે તેમ, આપણે તો કૉલેજ કાળના ગોઠિયા."

"એ મૈત્રી તો કાયમી છે.'

દરબારગઢની ઘડિયાળમાં રાતના નવના ડંકા પડ્યા, ને સુરેન્દ્રદેવજી ઊઠયા. ઠાકોર સાહેબને એણે કહ્યું : "ચાલો ત્યારે વાળુ કરી લઈએ હવે."

“ઓલો વાંદરો હજુ આવે ત્યારે ને? “

“કોણ પ્રાંત – સાહેબ? હવે એ તો આવીને સૂઈ રહેશે.”

“એનું ખાવાપીવાનું?

“મારે ત્યાં તો ટાઈમ બહાર કોઈને ન મળે. મને પોતાને પણ નહિ.”

“ભૂખ્યો સૂવડાવવો છે એને?”

“ખાશે : એને ઉતારે પાઉં-બિસ્કિટ તો મુકાવ્યાં છે ને?” સુરેન્દ્રદેવજીના પેટનું પાણી હલતું નહોતું.

“હવે દીવાના બનવાનો તમારો વારો આવ્યો કે દેવ!”

ઠાકોર સાહેબે મશ્કરી કરતાં કરતાં પણ દેહશત અનુભવી.

“નહિ, નહિ; મારી અહીંની રસમ નહિ તૂટે.” સુરેન્દ્રદેવજી પોતાની કડકાઈ ન છુપાવી.

બેઉ ઊઠ્યા.

એક જ કલાક પછી ગામના કૂતરાં ભસ્યાં. પાંચ ઘોડેસવારો સાથે પ્રાંત સાહેબ ઝાંપે દાખલ થયા. ભસતાં કૂતરાને એણે અંગ્રેજીમાં બે ગાળો દીધી. કૂતરાં એ ગાળોને સમજ્યાં હોવા જોઈએ; કેમકે તેઓ દૂર જઈને વધુ ભસવા લાગ્યાં.

તારા સુધી પ્રાંત-સાહેબ જોતા ગયા. એણે આશા રાખી હતી કે ક્યાંઈક ને ક્યાંઈક રસ્તે સુરેન્દ્રદેવજી સામા લેવા ઊભા હશે, એને બદલે તેણે તો ઉતારામાં પણ સૂનકાર જોયો.

પૂછતાં જમાદાર અમલદારે કહ્યું: “દરબાર સાહેબ તો રોજના નિયમ મુજબ સૂઈ ગયા છે, સવારે મળશે.”

“હમેરા ખાના!” સાહેબે હુકમ કર્યો. જવાબમાં સૂકી અને ઠંડી ચીજો હાજર થઈ.

સાહેબને આ તમામ મામલો પોતાની જ નહીં પણ સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યની બેઅદબીથી ભરેલો ભાસ્યો. પણ એણે ગમ ખાધી. સોડા અને દારૂનું મિશ્રણ પીને એ સૂઈ રહ્યો. સવાર પડ્યું. સુરેન્દ્રદેવજી આવ્યા નહિ.

સાહેબ પોતે તેમને બંગલે જવા તૈયાર થયા. માણસ જવાબ લઈને આવ્યો કે દરબાર સાહેબા રોજિંદી પ્રભુ-પ્રાર્થનામાં બેઠા છે. નવ વાગ્યે બહાર આવીને સાહેબને મળશે.

એજન્સીની સ્થાપના પછી અંગ્રેજ અમલદારોનાં કૂતરાં પણ આજ સુધી કદી આવી સરભરા નહોતાં પામ્યાં. તુમાખી અને તોછડાઈની હદ વટાવી હતી. ગોરાને સ્થાને કોઈ પણ દેશી અમલદાર હોત તો રમખાણ મચાવીને ગામ છોડત.

પણ ગોરો હાકેમ અપમાનનો ઘૂંટડો પી ગયો, આનંદ રાખીને પી ગયો; કારણ કે એ પીવાનો હતો સામ્રાજ્યની રક્ષાને કારણે. સામ્રાજ્યની ભાવનાએ ગોરાના કલેજામાં પાષાણ અને મીણ બંને મેળવીને મૂક્યાં હતાં.

સુરેન્દ્રદેવજીને મળ્યો ત્યારે ગોરો હાકેમ જરીકે દોર ચૂક્યો નહિ. માનપાનની લાગણીને તો એણે હ્રદયના પાતાળમાં ઉતારી હતી. દરબારશ્રીના ઓરડાની દીવાલ પર એક ટીડડું બેઠું હતું તે જોઈને પણ એ બોલી ઊઠ્યો: “ઓહ, વ્હોટ એ લવ્લી લિટલ ફેઇરી યૂ હેવ મેઇડ યોર પેટ! (ઓહ! કેવી રમ્ય પરીને તમે પાળી છે!)"

પછી એણે લડાઈની લોન વિષે તેમજ થોડા રંગરૂટો(યુદ્ધ માટે ફોજમાં ભરતી થનારાઓ) વિષે માગણી કરી.

સુરેન્દ્રદેવજીએ બેઉ વાતોની ઘસીને ના કહી.

છતાંય ગોરો હસ્યો. માણસમાં મનમાં અગ્નિરસના ઓંધ ચાલી રહ્યા હોય છતાં એ હોઠ પર સ્મિત રમાડતો રહે, ત્યારે એની પાસે એવું યોગીપણું સધાવનાર જે કોઈ ભાવના હોય તે આપણાં માથાંને નમાવે છે – ભલે એ ભાવના સામ્રાજ્યવાદની હોય.

“કંઇ નહિ દરબાર સાહેબ, હું તમારી સ્થિતિ સમજું છું. હું ‘એ. જી.‘ને યોગ્ય રિપોર્ટ કરી નાખીશ. તમે ચિંતા ના કરશો.”

એટલું કહીને એણે ઘોડા હંકાર્યા.

*

એ વખતે ગિરના એક નાકા ઉપર શિકારનો એક કેમ્પ નખાતો તો અને એ કેમ્પમાં રમખાણ બોલી રહ્યું હતું.

“નહિ મિલેગા : બકરા હમેરી તરફસે નહિ મિલેગા તુમકો.“ એ અવાજ રાવસાહેબ મહીપતરામનો હતો. એ જવાબ સાંભળનાર સાહેબ લોકોનો બબરચી હતો. બબરચી ધૂઆંપૂઆં થઈ રહ્યો હતો. કેમકે પ્રાંત-સાહેબનાં બબરચીને આમ પોતાની કારકીર્દીમાં પહેલી જ વખત સાંભળવા મળ્યું કે, ‘બકરો નહિ મળે’

“અચ્છા! તબ હમ સાબકા ખાના નહિ પકાયગા!” એમ કહીને બબરચી રિસામણે બેઠો.

રાવસાહેબ મહીપતરામનું નવું પોલીસ-થાણું બે ગાઉ છેટે હતું, એમની તો નિમણૂંક બહારવટિયાના હંગામને કાનૂમઆં લેવા માટે થઈ હતી. ને હજુ તો ગઈ કાલે જ તાબાનું મોજણી ગામ ભાંગ્યું હતું. છતાં, સાહેબલોકોનો શિકારનો કેમ્પ ગોઠવવાની ફરજ બીજી સર્વ ફરજોથી અગ્રપદે ગણાતી હોવાથી, એમને અહીં આવવું પડ્યું હતું.

એક તાબેદાર અમલદાર તરીકે એમની તો ફરજ હતી કે સાહેબના બબરચીની પૂરેપૂરી તહેનાત એને ઉઠાવવી. પરંતુ રાવસાહેબની અંદર રહી ગયેલા 'બ્રાહ્મણિયા' સંસ્કાર રાવસાહેબને ભારે પડ્યા. પ્રમોશનો મેળવવાની સીડીનાં પગથિયાં સાહેબ લોકોની તે કાળની સૃષ્ટિમાં બે હતાં : એક પગથિયું સાહેબનો બબરચી; બીજું પગથિયું સાહેબનાં 'મેમ સા'બ' બેઉમાં બબરચીનું ચલણ સવિશેષ હતું.

એવા મહત્તવના માણસને રાવસાહેબ મહીપતરામ ન સાચવી શક્યા. એમણે પોતાના તરફથી બકરા-કૂકડાનો બંદોબસ્ત ન કરી આપ્યો. બબરચીએ તો કંઈ કંઈ આશાઓ રાખી હતી, ને મહીપતરામ તો પહેલેથી જ પાણીમાં બેસી ગયા. બબરચીએ મહીપતરામને ધોળા દિવસે તારા દેખાડવાનો નિશ્ચય કર્યો.

બપોર ધખ્યો ને સાહેબોના ઘોડાની પડઘી વાગી.

બબરચીને શૂરાતન ચડ્યું.