← હાથમાં ઊતરતું ફળ સ્નેહસૃષ્ટિ
આંખના અંગાર
રમણલાલ દેસાઈ
લગ્ન અને માનવખરીદી →


૨૮
 
આંખના અંગાર
 

પલંગ ઉપર લાંબી થઈ સૂતેલી જ્યોત્સ્નાની આંખ આગળ ક્રમે ક્રમે ભજનિક, ભજનિકની સ્ત્રી અને તેમનાં બાળકો રમવા લાગ્યાં પરંતુ એ કરુણ દૃશ્યની પાછળ સુરેન્દ્ર પણ ઝાંખો ઝાંખો દેખાતો હતો જ ને ? આખા માસનો પોતાનો પગાર સુરેન્દ્રે આ ભજનિકોને આપી દીધો ! એમાં ડહાપણ ખરું ? આખો માસ સુરેન્દ્રનો ખર્ચ હવે શેમાંથી ચાલશે ? ઓછું વધતું કરીને સુરેન્દ્ર પોતે કદાચ પોતાનું એક માસ પૂરતું ગુજરાન વગર પૈસે ચલાવે. પરંતુ સુરેન્દ્ર એકલો ન હતો; એની માતાનું પોષણ પણ સુરેન્દ્રની જવાબદારી ગણી શકાય. એ જવાબદારી સુરેન્દ્ર શી રીતે અદા કરી શકશે ? પોતાની કમાણી વગર વિચાર્યે ગમે તેને આપી દેવાથી ન ગરીબોનો ઉદ્ધાર થાય, ન પોતાનો ઉદ્ધાર થાય !

અને તેને મધુકરનું વાક્ય યાદ આવ્યું : ‘સારું થયું સુરેન્દ્રની અસરમાંથી તું વેળાસર છૂટી.’

‘નહિ તો ?’

‘નહિ તો તને જ ભિખારીઓના ટોળામાં એ બેસતી કરત.’

શું મધુકર સાચો હતો ? સુરેન્દ્ર એટલા જ કારણે જ્યોત્સ્નાથી ભાગતો ફરતો હતો શું ? અને જ્યોત્સ્ના પોતે મધુકરની ધારણા પ્રમાણે સુરેન્દ્રની અસરમાંથી ખરેખર મુક્ત થઈ હતી ખરી ? શા માટે સુરેન્દ્ર હજી પણ તેને યાદ આવ્યા કરતો હતો ? સ્ત્રી પ્રેમની ના પાડે તો ઘટિત છે કે પુરુષે તેની પાસેથી ખસી જવું. એ જ નિયમ સ્ત્રીએ પોતાને માટે લાગુ કેમ ન પાડવો ? સુરેન્દ્ર પ્રત્યે જ્યોત્સ્નાને સદ્‌ભાવ હતો, એટલું જ નહિ, એને પ્રેમ હતો. સુરેન્દ્ર પાસે એણે પોતાના પ્રેમને બહુ સ્પષ્ટ રીતે વ્યક્ત પણ કર્યો હતો. એ સ્પષ્ટતા સુરેન્દ્ર ન સમજી શકે તો એને બેવકૂફ-બબૂચક તરીકે ગણવો જોઈએ. પરંતુ સુરેન્દ્રને બેવકૂફ કે બબૂચક ગણી શકાય એમ હતું જ નહિ. એ જાણી જોઈને જ્યોત્સ્નાથી દૂર ખસતો હતો. ગરીબી સ્વેચ્છાપૂર્વક હાથે કરીને સ્વીકારનાર યુવકથી ધનિક યુવતીનો પ્રેમ સ્વીકારી નીચી આર્થિક સપાટી ઉપર તેને ઉતારી ન શકાય એવી કોઈ ભાવના સુરેન્દ્રના હૃદયમાં જાગ્રત થઈ હતી. એ જ સુરેન્દ્રની ઉપેક્ષાનું કારણ કહી શકાય. પરંતુ એ ઉપેક્ષા કહી શકાય ? એને ઉપેક્ષા કરવી હોત તો એ જ્યોત્સ્નાને પોતાનું વૃન્દાવન બતાવત જ નહિ. પોતાના આદર્શને ખાતર સુરેન્દ્ર સંપત્તિ ત્યજતો હતો. એટલું જ નહિ પરંતુ સંપત્તિમાન યુવતીને પણ ત્યજતો હતો ! સુરેન્દ્ર બીજી કોઈ યુવતીને ચાહતો હોત તો જ્યોત્સ્ના એક ક્ષણમાં તેનાથી છૂટી પડી ગઈ હોત. જ્યોત્સ્નાને એ ચાહતો ન હતો એમ એણે કદી કહ્યું ન હતું. એ સંજોગોમાં સુરેન્દ્રને ચાહતી જ્યોત્સ્નાનો ધર્મ શો ? સુરેન્દ્ર એને ભલે ન સ્વીકારે; ચાહવું અને સ્વીકારવું એ બંને ભિન્ન ભાવ હોઈ શકે. પરંતુ એથી જ્યોત્સ્નાએ સુરેન્દ્રને વહેતો મૂકવો એ એનો ધર્મ બની શકે ખરો ?… અને… અને જ્યોત્સ્ના પોતાની સંપત્તિ જતી કરે તો સુરેન્દ્ર જ્યોત્સ્નાને સ્વીકારની અધિકારી ગણે કે કેમ ?

એકાએક જ્યોત્સ્ના પલંગમાં બેઠી થઈ ગઈ. જ્યોત્સ્ના મિલકતનો ત્યાગ કરે તો સુરેન્દ્ર એનો સ્વીકાર કરે ! મિલકતનો ત્યાગ કરવામાં મુશ્કેલી ન જ હોય પ્રેમીઓને. પરંતુ પ્રેમ એ શું આવી પરાધીનતા હોઈ શકે ? પુરુષ મના કરે છતાં સ્ત્રીએ પુરુષ તરફ ખેંચાતા જવું જ જવું ? એવી સ્થિતિ ઊભી કરનાર સ્ત્રી પોતાના સ્ત્રીત્વને હીણું બનાવી રહેતી નથી શું ?… અને બિચારો મધુકર ! જ્યોત્સ્ના કહે તો એ જ્યોત્સ્નાનાં ચરણ ધોઈ પીવા પણ તૈયાર થાય !… જ્યોત્સ્નાને હસવું કેમ આવ્યું ? પત્નીના પગ ધોઈ પીનાર પતિની કલ્પના અને હસાવી રહી હતી શું ?

નૂતન યુગનાં આ મંથન જૂના યુગમાં ન હતાં… નહિ જ હોય ! માતાપિતા નક્કી કરે એ છોકરા-છોકરી પતિપત્ની બની સંસાર માંડે. તો કિશોરાવસ્થાથી યૌવન સુધીનાં, દેહ અને મનને દમી નાખતાં. આજનાં મંથનથી બચી ન જાય શું ?

નોકરે આવી જ્યોત્સ્નાને ખબર આપી કે એનાં માતાપિતા જમવા માટે એની રાહ જોઈને બેસી રહ્યાં હતાં. ઝડપથી કપડાં બદલી જ્યોત્સ્ના ભોજન સ્થળે આવી. અત્યંત શાંત રહેલી જ્યોત્સ્નાને માતાએ પૂછ્યું :

‘કેમ આટલી બધી શાંત બેઠી છો આજે ?’

‘કાંઈ નહિ, મા !’

‘તોપણ ? મનમાં હોય તે કહી નાખ.’

‘એક ભૂલ થઈ ગઈ.’

‘ભૂલ ? શાની ?’ માતાએ પૂછ્યું અને પિતાએ ધ્યાનથી પુત્રી તરફ જોયું. પુત્રી અસ્વસ્થ તો આછી આછી હતી જ. અને યૌવનજાગ્યો પ્રેમ  આવી અસ્વસ્થતા ઉપજાવે એ સ્વાભાવિક ગણાય. અને માતાપિતાએ માની પણ લીધું હતું કે જ્યોત્સ્ના મધુકર સાથે પ્રેમમાં જ છે !

‘એક આમંત્રણ આપી આવી છું.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘કોને ?’

‘મધુકરનાં માતાપિતાને… ચા પીવાનું.’

‘એમાં તને ભૂલ શી લાગી ? ઓ હો ! મારા મનમાં કે તું કૉલેજની બધી છોકરીઓને બોલાવી લાવવાની હોઈશ.’ માએ કહ્યું.

‘ભલે. એ તો સારું કર્યું… એમાં મોટી વાત શી ? કાલે કાર લઈને તું જ બોલાવી લાવજે ને ?’ પિતાએ કહ્યું.

‘હું તો નહિ જાઉ.’ જ્યોત્સ્ના બોલી.

દીકરીની લજ્જાએ માતાને પ્રસન્નતા અર્પી. માતા પણ જરા મોજમાં આવી ગયાં. તેમણે કહ્યું :

‘ખરી તું છોકરી ! બધી જ વ્યવસ્થા કરવી છે અને પાછું શરમાવું છે !’

‘પણ તું તો કોઈને મળી જ નથી ને ?’ પિતાએ પૂછ્યું.

‘એટલે ?’

‘તું આવી ત્યારે તેં જ કહ્યું હતું કે તું તેમના ઘરમાં ગઈ જ ન હતી.’

‘મેં કહાવ્યું… મધુકર જોડે.’ જ્યોત્સ્નાએ કહ્યું અને માતાને લાગ્યું કે મધુકરના નામનો ઉચ્ચાર કરતાં જ્યોત્સ્નાના કંઠમાં સહજ થડકાર હતો.

‘ભલે. કાલે તને જેમ ગમે તેમ કરજે.’ માતાએ કહ્યું.

રેડિયો ઉપરના સમાચાર, ગીત તથા રૂપકો સાંભળ્યા વગર આજની ધનિકતાને નિદ્રા આવતી જ નથી. માતાપિતાને રેડિયોની શ્રવણસૃષ્ટિમાં મૂકી જ્યોત્સ્ના પોતાના ખંડમાં ચાલી ગઈ. લાંબા સમય સુધી રાત્રીદીવો એના ખંડમાં બળતો જ રહ્યો. એ રાત્રે એણે ઘણું વાંચન કર્યું. અને પ્રભાત વીતી ગયે એ ઊઠી ત્યારે દિવસ ઘણો વધી ગયો હતો. માતાપિતાની પાસે જઈ ચા પીવાની એણે શરૂઆત કરી અને એટલામાં જ મધુકર આવ્યો. જ્યોત્સ્નાનું મસ્તક ખુલ્લું હતું. આજની નાગરિકતા ગુર્જર સ્ત્રીની કેશાવલીના વિવિધ પ્રકારોને પ્રદર્શિત રાખવામાં નૂતન સૌદર્ય અનુભવે છે. લાજ એટલે સ્ત્રીમુખ ઢાંકવાની લાજની પદ્ધતિ - નગરોમાં તો લગભગ અલોપ થઈ ગઈ છે, અને કિશોરીઓ તથા યુવતીઓ માતાઓ તેમ જ સાસુનણંદો અને જેઠાણીઓ આ સુધારાની સામે નિઃસહાય બની રહ્યાં છે. એટલે જ્યોત્સ્નાનું મસ્તક ખુલ્લું હોય એ સહજ હતું.

પરંતુ મધુકર દૃષ્ટિએ પડતાં બરોબર જ્યોત્સ્નાએ અત્યંત સૌંદર્યભર્યા હસ્તવળોટથી મસ્તકે પોતાનું લૂગડું કેમ ઓઢી લીધું ? માતા, પિતા અને મધુકર ત્રણેને જ્યોત્સ્નાના આ નૂતન અભિનયથી આશ્ચર્ય ઊપજ્યું. મધુકર તરફ બિલકુલ નિહાળ્યા વગર જ્યોત્સ્નાએ મધુકર પાસે ચાનો પ્યાલો મૂકી દીધો; કોઈ કાંઈ બોલ્યું નહિ. શાંતિ જરા અસહ્ય બનવા લાગી અને મધુકરે કહ્યું :

‘મારાં માતાપિતાને… આજે… આમંત્રણ શાનું જ્યોત્સ્નાએ આપ્યું ?’

‘અરે, જ્યોત્સ્નાએ આમંત્રણ આપ્યું એ અમે જ આપ્યું છે એમ માની લેજો ને ?’ યશોદાબહેને કહ્યું.

‘પણ કાંઈ કારણ ?’ મધુકરે પૂછ્યું.

‘વાહ ! એમાં કારણ શું ? આટલા દિવસથી તમે આવતા - જતા હો અને તમારાં માબાપને અમે ઓળખીએ પણ નહિ, એ બરાબર ન કહેવાય.’

‘પણ એ બન્ને આવા સ્થળથી પરિચિત નથી.’

‘તે હવે થશે… થયા વગર કાંઈ ચાલવાનું છે ?’

‘એમણે તો મને ના કહેવા મોકલ્યો છે.’

‘એ ચાલે જ નહિ. એ ન આવે તો અમને ખોટું લાગે.’ યશોદાબહેને આગ્રહ કર્યો.

એ જ ક્ષણે ચા પી રહી જ્યોત્સ્ના ત્યાંથી ઊઠી મસ્તક ફરીથી ઢાંકી ખંડમાંથી ચાલી ગઈ.

જ્યોત્સ્ના આમે સભ્ય તો ઘણી જ હતી, પરંતુ આજની એની સભ્યતા, મર્યાદા અને ઠાવકાશ સહુની નજરે ચોંટી જાય એવાં હતાં. આ નવો ફેરફાર પ્રેમ જ લાવી શકે. અને પ્રેમ પણ ત્યારે જ લાવી શકે કે જ્યારે પ્રેમના મધ્યબિંદુ સરખો પ્રેમી નક્કી થયો હોય ! યશોદાબહેનને મન એટલું સ્પષ્ટ થયું કે જ્યોત્સ્નાની સ્વસ્થતા અને અસ્વસ્થતા પાછળ મધુકર જ કારણરૂપ હતો !

મધુકરે પણ જ્યોત્સ્નાના આ વિચિત્ર લાગતા પરંતુ વાંધો ન લેઈ શકાય એવા અભિનયમાં એ જ કારણ વાંચ્યું, અને પોતાની નાનકડી ફરજ બજાવી લઈ લાગ જોઈ એણે જ્યોત્સ્નાના ખંડ તરફ પોતાનાં પગલાં દોર્યાં. પરંતુ જ્યોત્સ્ના સ્નાનાગારમાં ગઈ હતી એવા સમાચાર મળ્યા. આજ સુખી કુટુંબોનાં સ્નાનાગર પચાસ વર્ષ પહેલાંનાં ખુલ્લાં સ્નાનાગાર હોઈ શકે નહિ જ; એ બંધ જ હોય. અને પ્રાચીન કાળનો પાંચ મિનિટનો સ્નાનાવિધિ એ આજનો સ્નાનવિધિ હોઈ શકે જ નહિ. સ્નાનાગારમાં પુરુષ કે સ્ત્રી મુખ્યત્વે સ્ત્રી - પ્રવેશ કરે એટલે ઓછામાં ઓછા એક કલાક સુધી એમને દુનિયામાંથી ગુમ થયેલાં જ ગણી લેવાનાં ! ધરતીકંપ થાય. જ્વાલામુખી સળગી ઊઠે. ઍટમ બૉમ્બ પડે અગર રાજકીય ઊથલપાથલ થાય તોય સ્નાનાગારમાં પ્રવેશ પામેલી સ્ત્રી સ્નાનવિધિ, દેહશૃંગાર અને મુખશૃંગાર પણ કર્યા સિવાય સ્નાનાગારનું બારણું કદી ખોલી શકે જ નહિ. કોઈ આજના ચિત્રકારને સ્નાનમગ્ન સુંદરીનું ચિત્ર ચીતરવું હોય તો એણે નદીકિનારે જ જવું પડે ! અને પૈસા આપી ગમે તે સ્ત્રીને પાણીમાં ઝબકોળવી પડે ! પ્રાચીન - એટલે પચીસ-પચાસ વર્ષ પહેલાં જેમ બનતું તેમ આજ ભાગ્યે જ કોઈ પણ ગૃહ સ્નાનામગ્ન સુંદરી માટેનું ‘મોડેલ’ પૂરું પાડે ! પહેલાં તો પ્રત્યેક ચોક અને ઓટલા સ્નાનશોભિત સુંદરીને પ્રગટ કરતા !

કલાક સુધી થોભવાની મધુકરની તૈયારી હતી. પરંતુ પાંજરાપોળમાં પશુઔષધાલય ખોલવાના ઉત્સવપ્રસંગે પ્રમુખસ્થાનેથી રાવબહાદુરે કરવાના વ્યાખ્યાન માટે ભારતીય પશુઓનો છેલ્લામાં છેલ્લો આંકડો સેક્રેટરી તરીકે મધુકરે મેળવવાનો હતો. એ નક્કી કરવા માટે રાવબહાદુરે જ તેને બોલાવ્યો, એટલે અત્યારે જ્યોત્સ્નાને મળવાની તક મુલતવી રાખવી પડી.

અને સાંજે તો અપાયેલા આમંત્રણ અનુસાર પોતાનાં માતાપિતાની સાથે મધુકર રાવબહાદુરને બંગલે આવી જ પહોંચ્યો ! રાવબહાદુરની કાર વાપરવાની તેણે ના પાડી હતી. રાવબહાદુરને અંગે થયેલાં અનેક ઓળખાણોમાંથી ક્વચિત્ કારનો ઉપયોગ કરવાની ઉદારતા દર્શાવે એવાં થયેલાં ઓળખાણે તેને આજની સાંજ સુધી એ કાર આપી હતી. જમાઈની પરિસ્થિતિમાં ઝડપથી પહોંચી જવાની તાલાવેલી રાખનાર યુવકે ભાવિ શ્વસુરગૃહની તાત્કાલિક પરવા ઘટાડી નાખવાનો દેખાવ કરવો જોઈએ !

રાવબહાદુરે અને યશોદાબહેને મધુકરનાં માતાપિતાનું ખૂબ સન્માન કર્યું. બાગ, બંગલા, ફરનિચર અને ગૃહશૃંગારની પ્રથમ ચમકથી અંજાઈ ગયેલાં મધુકરનાં માતાપિતાનો પ્રાથમિક સંકોચ દૂર થયો. જ્યોત્સ્નાએ આવી વગર બોલ્યે ચાની વ્યવસ્થા કરી દીધી. યશોદાબહેને મધુકરની આવડત તથા ચબરાકીનાં વખાણ કરી જાણે એ એક કુટુંબી જ બની ગયો હોય એમ જાહેરાત કરી. મધુકરનાં માતાએ મધુકરની પ્રશંસા માન્ય રાખી, ઉપરાંત રાવબહાદુરના આખા કુટુંબની પ્રશંસા કરતાં જણાવ્યું કે :

‘મધુકર તો આ તમારી દીકરીનાં વખાણ કરતાં થાકતો જ નથી… અને… ઘરમાં બીજી વાત જ નહિ… જ્યોત્સ્નાબહેન, જ્યોત્સ્નાબહેન. સિવાય ! અને આ અમે અહીં જોઈ ત્યારે… વાહ બહેન ! અમને સાચું લાગ્યું. જાણે ઇન્દ્રરાજાના દરબારની અપ્સરા !’

કોઈ પણ યુવતીનું રૂ૫ વર્ણવવું હોય તો એની સરખામણી અપ્સરા સાથે થતી - પચાસ વર્ષ પહેલાંના પ્રાચીન કાળમાં અને એટલેથી જ્યારે સંતોષ થતો નહિ ત્યારે એને ઇન્દ્રની અપ્સરા સાથે મૂકવામાં આવતી, અલબત્ત રૂપ પૂરતી ! પરંતુ આજની યુવતીને રૂપ પ્રથમ જેવું જ ગમે છે - અપ્સરા જેવું જ - છતાં એને અપ્સરા સાથેની રૂપઉપમા નથી ગમતી, પછી એ અપ્સરા ભલે ઇન્દ્રરાજાના દરબારની હોય !

જ્યોત્સ્ના કોઈને ખબર ન પડે એમ ખંડમાંથી ચાલી ગઈ. મધુકરનાં માતાપિતાને જ્યોત્સ્નાની મર્યાદા અને અબોલા ઘણાં ગમ્યાં. ધનિક કુટુંબની છોકરીઓનો વાક્‌વ્યવહાર એમના ધન સરખો જ અખૂટ રહેતો હોય એવો સહુની માફક મધુકરનાં માતાપિતાને ઊપજેલો ખ્યાલ જ્યોત્સ્નાની અશબ્દ હાજરીએ નિર્મૂળ કરી નાખ્યો.

ચા પતાવ્યા પછી રાવબહાદુર અને યશોદાબહેને મહેમાનોને ઘર તથા બગીચો બતાવવાનું કાર્ય માથે લીધું, જેમાંથી મધુકરે માફી મેળવી અને ધીમે રહી તે જ્યોત્સ્નાના ખંડ તરફ સરકી ગયો. જ્યોત્સ્ના આયનામાં મુખ જોઈ એક પુસ્તક વાંચવા બેઠી હતી, પરંતુ એનું ચિત્ત પુસ્તકમાં ન હતું. કોઈના આગમનની તે રાહ જોતી હોય એમ વારંવાર પુસ્તકમાંથી બહાર નજર કરી રહી હતી. દૂરથી એણે મધુકરને પોતાના ખંડ તરફ આવતો નિહાળ્યો.

એને આવતો જોઈને જ્યોત્સ્નાએ મુખ ફેરવી બીજી આરામ ખુરશી ઉપર સ્થાન લઈ અત્યંત ગંભીરતાપૂર્વક પુસ્તક વાંચવું શરૂ કર્યું. વાંચનમાં જ્યોત્સ્ના એવી તલ્લીન બની બેસી ગઈ કે મધુકર તેના ખંડમાં આવી પહોંચ્યો એનો પણ જાણે એને ખ્યાલ ન હોય એવો દેખાવ એણે કર્યો.

મધુકર થોડી ક્ષણ શાંતિથી ઊભો રહ્યો; પછી એણે એક પુસ્તક ખેંચ્યું અને પાછું મૂક્યું; એક ખુરશીને પણ ખસેડી, જરા અવાજ કર્યો; છતાં જ્યોત્સ્નાની એકાગ્રતા હાલી નહિ. એટલે મધુકરે મેજ ઉપર પડેલી ઘંટડી વગાડી, છતાં જ્યોત્સ્નાએ તેની તરફ જોયું નહિ. એટલે સહજ ઉગ્રતાપૂર્વક જ્યોત્સ્નાની પાછળ આવી, જ્યોત્સ્નાના હાથમાંથી જ એણે પુસ્તક ખેંચી લીધું !

જ્યોત્સ્ના જાણે ચમકી હોય એમ ઊઠીને ઊભી થઈ. મધુકર તેની સામે જોઈ રહ્યો. જ્યોત્સ્નાએ વસ્ત્ર ખેંચી ખુલ્લું મસ્તક ઢાંક્યું અને આછું સ્મિત કર્યું !

‘હું ક્યારનો આવ્યો છું તે તું જાણે છે ?’ મધુકરે પૂછ્યું.

‘હા.’

‘તો પછી… મારી સાથે અબોલા છે શું ?’

‘હા.’

‘કારણ ? મારો કશો અપરાધ ?’

‘તારો અપરાધ તું જાણે ! કારણમાં તો… આર્યતા’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘આર્યતા ? કાંઈ સમજાય એવું તો કહે ?… અને આજે જ ક્યાંથી આર્યતા ઊભરાઈ આવી ?’

‘તું જાણે છે… તારાં અને મારાં માતાપિતા આટલામાં જ છે. હું અને તું વાત કરીએ એ એમને ગમે ખરું ?’

‘શા માટે નહિ ?’

‘બન્ને પક્ષે આર્યતા તરફ પક્ષપાત છે… અને આર્યભાવના પરપુરુષ સાથેની વાતચીત સ્ત્રીઓમાં ઇચ્છતી નથી.’

‘અને એ પરપુરુષ સ્વપુરુષ બનવાનો હોય ત્યારે ?’

‘ત્યારે તો બેવડી મનાઈ !’

‘મશ્કરી ક્યાં સુધી લંબાવવી છે ?’

‘લગ્ન સુધી તો ખરી જ… મારી મર્યાદાને તું મશ્કરી કહેતો હોય તો !’

‘કોના લગ્ન સુધી ?’

‘વિચારી જો ! કોનાં તે તારાંસ્તો’

‘નક્કી છે ?’

‘મારું ચાલે ત્યાં સુધી તો નક્કી જ !’

‘ઓ જ્યોત્સ્ના ! ઓ દેવી !’ મધુકરે ઊર્મિવશતા બતાવી એક ડગલું આગળ ભર્યું.

‘તારી માએ મને અપ્સરા કહી. તું મને દેવી કહે છે. સાચું શું ?’

‘તારો હસ્ત ચૂમતે ચૂમતે સાચું શું એ હું તને કહી સંભળાવું.’ મધુકરે યુરોપીય વીરની ઢબે એક ઘૂંટણ નમાવી જ્યોત્સ્નાનો હાથ પકડવા પ્રયત્ન કર્યો. જરા ખસી જઈ જ્યોત્સ્નાએ કહ્યું :

‘એક એકાંતશોભન કાર્ય જાહેરમાં ન થાય.’

‘જાહેરમાં ? અહીં એકાંત જ છે ને ?’

‘ના; હું દૂરથી શ્રીલતાને આપણા ખંડ તરફ આવતી જોઉં છું.’

‘શ્રીલતા ?… હજી તું એને બોલાવ્યા કરે છે ?’

‘કેમ નહિ ? આખા નાટકનો ભાર એના ઉપર જ છે.’

‘કયું નાટક ?’

‘તું કેમ વારંવાર ભૂલી જાય છે ?… આપણે ગ્રામજીવન અને નગરજીવન વિષે નાટક ગોઠવીએ છીએ. એ જ !’

‘એ પછી તું શ્રીલતાનો સાથ છોડી દે.’

‘તારી આજ્ઞા છે ?’

‘જે કહેવું હોય તે… મને એ છોકરી ગમતી નથી… જુઠ્ઠી !… ગળેપડુ !’

‘એ તો આવી પહોંચી પણ ખરી.’

અને બારણું ખોલી શ્રીલતાએ જ્યોત્સ્નાના ખંડમાં પ્રવેશ કર્યો. શ્રીલતાની આંખમાંથી અંગાર ખર્યા.