← વેડફાતું વચન સ્નેહસૃષ્ટિ
ચાર આંખ
રમણલાલ દેસાઈ
ચાર આંખો →



૧૦
 
ચાર આંખ
 


જ્યોત્સ્નાને મેળવવાનો એક સફળ માર્ગ જડતાં મધુકરને નિદ્રા આવી. રાવબહાદુર અને તેમનાં પત્નીનું મન મનાવવું મધુકરને બહ મુશ્કેલ ન લાગ્યું. તેમની પાસે ધન હતું, વૈભવ હતો, શોખ હતો. ચાલી શકે એવા સંસ્કાર હતા ને ઠીકઠીક માનપ્રતિષ્ઠા પણ હતાં. હવે બીજું કાંઈ મેળવવાનું રહ્યું ન હોવાથી, હતી એના કરતાં વધારે કીર્તિ મળે એવી રાવબહાદુરને સ્વાભાવિક રીતે જ ઈચ્છા થાય. મબલખ સાધનોનો માલિક કાં તો ગુનાઈત વિલાસ તરફ વળે અગર કીર્તિ પાછળ ફરે. જોકે મોટે ભાગે બન્ને પાછળ એ ફરી શકે એમ હોય છે.

અને રાવબહાદુરે સુખ પણ શોધ્યું અને કીર્તિ પણ શોધી. એ બન્ને તેમને મળ્યાં, પરંતુ મળે એટલાથી સંતુષ્ટ રહે એનું નામ માનવી નહિ. રાવબહાદુર ગિરિજાપ્રસાદનું કુટુંબ પિતૃપક્ષે ગામડાના એક ઘસાઈ ગયેલા જમીનદારનું હતું. પરંતુ એક મિત્રની સોબતમાં તેઓ ભણ્યા અને આગળ પણ વધ્યા. એમના જ ગામડાનો રહીશ મિત્ર પણ ઘસાઈ ગયેલી જમીનદારીનો જ વારસ હતો. એનું નામ હતું કનકપ્રસાદ. ગિરિજાપ્રસાદ અને કનકપ્રસાદ બંને ગમે તેમ કરી ગામડાની બહાર નીકળી સાથે ભણવા માટે શહેરમાં ગયા. ભણતે ભણતે બંનેને રાષ્ટ્રવાદની ઝપટ લાગી ચૂકી. પરંતુ ગિરિજાપ્રસાદને લાગ્યું કે કમાણી વધારી પૈસો ભેગો કર્યા પછી જ રાષ્ટ્રને અસરકારક સહાય આપી શકાય. જ્યારે કનકપ્રસાદે વિચાર્યું કે ધનની લગની લાગતાં રાષ્ટ્રભક્તિ જીવનમાં ગૌણ સ્થાને બેસી જવાનો પૂર્ણ સંભવ મનાય. આ મતભેદમાંથી બંને મિત્રોના માર્ગ અને જીવન જુદાં પડી ગયાં. કનકપ્રસાદને ચાહવા લાગેલી એક રૂપાળી યુવતી કનકના ભયંકર ભાવિનો વિચાર કરી, ડહાપણ વાપરી કનક પાસેથી ખસી ગઈ અને ગિરિજાપ્રસાદને પરણી. જ્યારે રાષ્ટ્રભક્તિની ઘેલછાને સ્વીકારી લીધેલી એક યુવતીએ માતાપિતાની મરજી વિરુદ્ધ કનક સરસા અસ્થિર જીવન ગુજારતા યુવક સાથે લગ્ન કરી લીધાં.

એ વાત હવે બહુ જૂની થઈ ગઈ ને લગભગ ભુલાઈ પણ ગઈ. ગિરિજાપ્રસાદનો ભાગ્યસિતારો વધારે અને વધારે તેજથી ચમકવા લાગ્યો અને કનક તો દેશસેવાની ધૂનમાં કૈંક કાવતરામાં સંડોવાઈ કેદમાં ગયો, અને કેદમાં ન હોય તો ત્યારે ભૂગર્ભમાં અદૃશ્ય થતો ગયો. એની પત્ની અને એનો એક પુત્ર કદી કદી ગિરિજાપ્રસાદને મળતાં. પરંતુ ધીમે ધીમે એ સંબંધ પણ ઘસાઈ ગયો. કનકની પત્નીને કે પુત્રને સઘન બનતા જતા ગિરિજાપ્રસાદને આર્થિક કે સામાજિક સહાયની બહુ ગરજ હોય એમ લાગ્યું નહિ. મોટા બનતા જતા માનવીના નાનપણના મિત્રો ભુલાઈ જ જાય છે - ભુલાવા માટે જ સર્જાયા હોય છે. ભૂલવાપાત્ર માનવીઓ ભુલાઈ જાય અને ઊંચે ચડવાપાત્ર માનવીઓ ઊંચે ચડે એ વિશ્વક્રમ અનુસાર ગિરિજાપ્રસાદ ઊંચે ચડતા ગયા અને મિત્ર કનક અને તેનું કુટુંબ ધીમે ધીમે વિસરાઈ ગયું. વર્ષો સુધી પરસ્પર ન મળવાને કારણે ઓળખાણ ન જ રહે એ સમજી શકાય એમ હતું. કદી સ્મરણમાં કનક ધસી આવતો, પરંતુ તે ઝડપથી પાછો નીકળી જતો. ગિરિજાપ્રસાદ ધનિક બન્યા, બંગલો અને કારના માલિક બન્યા, અંગ્રેજી અમલમાં રાવબહાદુર બન્યા, અને દેશસેવકોને મદદ કરવાની આછીપાતળી શંકા તેમના ઉપર આવી ન હોત તો તેઓ ‘સર’ પણ બન્યા હોત.

આમ તેઓ સર્વાંશે સુખી હતા. માત્ર તેમને એક જ દુઃખ હતું. રાવબહાદુરને પુત્ર ન હતો; એક પુત્રી હતી. પરંતુ તેમણે અને તેમનાં પત્નીએ થોડા સમય પુત્રહીનતાનું દુઃખ અનુભવી અને પુત્રીમાં જ પરમ સુખ માની લીધું હતું. પુત્રી દેખાવે ઘણી સારી હતી; ભણવામાં પણ એની પ્રગતિ સંતોષકારક હતી; સહજ અતડી રહેતી હોવાથી મિત્રો અને બહેનપણીઓના અતિ સહવાસથી તે દૂર રહેતી, અને તેને લીધે અનેક પ્રસંગો, કુથલીઓ અને આક્ષેપોથી હજી તેનું નામ અળગું રહ્યું હતું. પુત્રપુત્રીનાં લગ્ન એ માબાપની દખલનો વિષય ભલે ન બને, માબાપની સત્તાના વર્તુળમાં એ ભલે ન આવે, છતાં માબાપની કાળજી અને ચિંતાનો પણ એ વિષય ન બને એમ માનવું એ માબાપના વાત્સલ્યની કિંમત ન સમજવા સરખું છે. રાવબહાદુરને અને યશોદાને જ્યોત્સ્ના માટે યોગ્ય વર શોધવાનું મન થાય એ સ્વાભાવિક હતું. પરંતુ હજી સુધી તેમને નજરમાં એવો કોઈ યુવક આવ્યો લાગ્યો ન હતો, અને જ્યોત્સ્ના તો જાણે પ્રેમ સરખી દુનિયા છે જ નહિ એવો ભાસ આપી માતાપિતાના સ્વાસ્થ્યને ધક્કો આપતી જ નહિ - જોકે વયે આવતાં પુત્રપુત્રી પ્રેમદુનિયાને ન ઓળખે એવાં ભોળાં હોય છે એમ માનનાર માતાપિતા ભુલભુલામણીમાં જ રમે છે !

એકાએક વિચિત્ર ઢબે આ નાનકડા સુખી કુટુંબમાં બે યુવકોએ પ્રવેશ કર્યો : સુરેન્દ્ર અને મધુકરે. જ્યોત્સ્નાની ઈચ્છા એકલા સુરેન્દ્રના જ પ્રવેશ પૂરતી મર્યાદિત હતી. પરંતુ સુરેન્દ્રે જે મધુકરને આ કુટુંબમાં સ્થાન અપાવ્યું. જે સ્થાને મધુકર હતો એ સ્થાન માટે એ કેટલો સુયોગ્ય હતો એ મધુકરે જોતજોતામાં પુરવાર કરી આપ્યું. રાવબહાદુર અને યશોદા બંને તેનાથી સતત પ્રસન્ન રહેતાં અને વાજબી સમય કરતાં પણ વધારે સમય સુધી તેને રોકી રાખી કદી કદી જમવામાં પણ સાથે રાખી તેના ઉપરના વધતા જતા સદ્‌ભાવની પ્રતીતિ આપતાં હતાં. એ સદ્ભાવ સતત વધતો રહે એ માટેના રસ્તા પણ ચબરાક મધુકરને ઝડપથી જડી આવતા હતા.

મધુકરના આવ્યા પછી રાવબહાદુરની ‘ઑફિસ રૂમ’ - લેખનખંડ વધારે જીવંત બન્યો હતો. અને રાવબહાદુર ત્યાં વધારે સમય ગાળતા. એક દિવસ પોતાના નામનો મહિમા સાંભળવાના શોખમાં બેઠેલા રાવબહાદુરની સામે મધુકરે વર્તમાનપત્રોની થોડીક કાપલીઓ મૂકી દીધી. રાવબહાદુરે પૂછ્યું :

‘શું લાવ્યા, મધુકર ?’

‘આપની છબીઓ ! આજનાં બધાં જ પત્રોમાં એ આવી છે.’ મધુકર કાપલીઓ છૂટી પાડતાં કહેતો.

‘એમ ? જોઉં !’ કહી રાજી થતા રાવબહાદુર બહુ જ ઉત્સાહપૂર્વક એકએક છબી જોઈ રહેતા. જોકે પોતાને પોતાનું મુખ વારંવાર જોવું ગમતું નથી એમ સહુ કોઈ કહ્યા કરે છે ખરાં !

વર્તમાનપત્રોમાં આવતી છબીઓ ભાગ્યે જ આકર્ષક હોય છે. એનાં બે મુખ્ય કારણો : એક તો છબી પ્રસિદ્ધ કરાવનારનું મુખ સદા સર્વદા આકર્ષક હોતું નથી. પોતાની અંગત આંખ સિવાય બીજાની આંખે પણ રૂપાળી લાગે એવી સોમાંથી બે વ્યક્તિઓ પણ ભાગ્યે જ નીકળી આવે - પુરુષોમાં જ નહિ, સ્ત્રીઓમાં પણ ! એટલે સો છબીઓમાંથી એક જ મુખ છબીમાં જોવું ગમે એવું હોય છે. બીજું કારણ એ વર્તમાનપત્રોના મોટા ભાગને છબીઓ સારી ઊતરે એના કરતાં બીજાં વધારે મહત્ત્વનાં કામો કરવાનાં હોય છે. રાવબહાદુરની બધી જ છબીઓ સારી ન હતી એમ જોનારને ભલે લાગે. પરંતુ રાવબહાદુરને એવું ખાસ લાગ્યું નહિ. તેમણે પોતાની છબીઓ ત્રણ વાર જોઈ અને અંતે મધુકરને તેમણે કહ્યું પણ ખરું :

‘આ છબીઓ યશોદાને બતાવજો.’

‘બતાવી દીધી, સાહેબ !’ મધુકરે ત્વરાથી ઉત્તર આપી પોતાની બાહોશીની એક વધારે છાપ પાડી. ચબરાક માનસ જોતજોતામાં સમજી જાય છે કે મોટા માણસોની કૃપા મેળવવાનો માર્ગ મોટા માણસોના જનાનખાનામાં થઈને જ લંબાય છે.

‘જ્યોત્સ્નાને બતાવી ?’

‘બતાવીશ… આપની આજ્ઞા હશે તો.’

‘એમાં આજ્ઞા શી ? એને જરૂર ગમશે.’ રાવબહાદુરે કહ્યું.

‘હમણાં વાંચે છે. વધારે… બારણાંયે બંધ રાખીને. સુરેન્દ્ર સિવાય કોઈ પાસે જાય એ હમણાં, આ પરીક્ષાવાંચનના દિવસોમાં એ પસંદ ન કરે એ સ્વાભાવિક છે. એમની ફુરસદ જોઈ હું બતાવીશ.’

‘તમે જાઓ એમાં હરકત નથી. અને તમે તો એના મિત્ર પણ છો.’ પોતાને કોઈના પણ ઉપર વહેમ નથી એવી પ્રગતિશીલતાની છાપ પાડવાના ઘણા માણસોને હોંશ છે.

મધુકરે જ્યોત્સ્નાનાં માબાપની આમ પ્રસન્નતા પણ મેળવવા માંડી, સાથે જ્યોત્સ્ના અને સુરેન્દ્રનો સંબંધ તોડવાનો મોરચો પણ શરૂ કરી દીધો.

કોઈ દિવસ એકાદ મહત્ત્વના વર્તમાનપત્રને રાવબહાદુર સામે મૂકી મધુકર કહેતો :

‘આપના આખા વ્યાખ્યાનને વર્તમાનપત્રોએ આજે ઉતાર્યું છે.’

વર્તમાનપત્રોને એટએટલી વિવિધતા સંઘરવાની હોય છે કે ભાષણકારોનાં આખાં ભાષણો તેઓ ભાગ્યે જ રજૂ કરી શકે. આખું વ્યાખ્યાન વર્તમાનપત્રોમાં કોઈનું આવે તો જાણી લેવું કે એ કોઈ પ્રધાનનું ભાષણ હશે અગર જાહેરખબરના ભાવ આપી પોતાની વાણીને કિંમતી બનાવનાર કોઈ ધનિકનું ભાષણ હશે.

‘એમ ? જોઉં !’ રાવબહાદુર રાજી થઈને પત્ર હાથમાં લેતા.

‘એટલું જ નહિ… આપના વ્યાખ્યાન ઉપર તો અગ્રલેખ પણ આવ્યો છે.’ મધુકરે કહ્યું.

વાણીના ધોધમાર ઉપયોગમાં અગ્રલેખ માગે એવું ભાગ્યે જ ઉચ્ચારણ થતું હોય છે. પરંતુ અગ્રલેખ પણ વર્તમાનપત્રનો મહત્ત્વનો ભાગ ગણાય. કદી કદી કોઈના ઉચ્ચારણને મહાવાક્ય માની એના ઉપર અગ્રલેખરૂપી મીમાંસા અધિપતિઓને લખવી પણ પડે છે. અગ્રલેખ માગે એવો ઉચ્ચાર બહુ થોડાનો જ હોય છે, અને એ મહત્ત્વ જેને મળે તેણે પોતાના આકાશમાં સોનાનો સૂરજ ઊગ્યો એમ જ માનવું જોઈએ. રાવબહાદુરે આજ એમ માની લીધું.

નામના મેળવવી, કીર્તિ મેળવવી, લોકોની દૃષ્ટિ સમક્ષ આવ્યા કરવું અને લોકોની જીભે ચઢી રમવું એ જૂના યુગ જેવું આજ મુશ્કેલ નથી. જૂના યુગમાં કીર્તિ મળે કોઈ વીરને, સંતને, સતીને કે દાનેશ્વરીને. આજ કીર્તિ મેળવવા કોઈએ વીર બની માથું કપાવવાની જરૂર નથી. સંત બની સ્વાર્થત્યાગ કરવાની જરૂર નથી, સતી બની ચિતા ઉપર ચઢવાની જરૂર નથી. ધન તો એક પાસ એટલું ઊભરાવી શકાય છે કે કંજૂસમાં કંજૂસ માનવી પણ આજ દાનેશ્વરી સહેલાઈથી બની શકે એમ છે. એને ધન વૈભવનો જરાય ત્યાગ કરવાની જરૂર નથી. ધન જ એને વીર, સંત, સતિયો અને દાનેશ્વરી બનાવી શકે એમ છે.

કીર્તિશોખીનોને કીર્તિનો પ્રકાશ બહુ સ્થાનેથી મળી શકે એમ છે. સભાઓ અને સમાજ જોઈએ એટલા પ્રમાણમાં સ્થપાય છે, ઉથાપાય છે અને નવા સર્જાય છે. પ્રત્યેક સભાને શોભાવવા માટે પ્રમુખ તો જોઈએ જ. એ સનાતન કીર્તિસ્થાન ઉપર બિરાજી કાંઈ પણ કર્યા વગર એકાદ ભાષણ કે આછુંપાતળું દાન કરીને કીર્તિ મેળવી શકાય છે. લગભગ બધી જ સભાઓ અને બધાય સમાજના ઉદ્દેશો તો સેવાના જ હોય છે - જેમાં જાત, પહેલાં સેવાનો મુદ્રાલેખ આપતી ભપકાદાર રોટરી ક્લબ હમણાં હમણાં સમાજનો મુગટમણિ પણ બની રહી છે. સેવા શી થઈ છે એ તો ઊજળાવાજળા ચા-ખાણમાં મશગૂલ રહી કદી કૃપા કરી ભાષણો સાંભળતા રોટેરિયન બંધુઓ જાણે ! પરંતુ જાત પહેલાં સેવા - ‘Service before self’ સરખો મુદ્રાલેખ પણ આપવો એ નાની સેવા ન જ કહેવાય ! રાવબહાદુરને ધાર્યા કરતાં વધારે કીર્તિ મળવા લાગી અને મધુકરની સહાય મળતાં સભાઓના પ્રમુખપદ, વક્તાપણું, મુલાકાત, અભિપ્રાય અને વર્તમાનપત્રોની જાહેરાત વડે કોઈ પણ કીર્તિવાંછુને સંતોષ થાય એટલી કીર્તિ રાવબહાદુરને મળવી શરૂ થઈ ગઈ.

રાવબહાદુરને તો કીર્તિ મળે એ સમજી શકાય પરંતુ મધુકરની દક્ષતા યશોદાબહેનને પણ કીર્તિના તેજવર્તુલમાં લાવી શકી. મુલાકાત પણ વધી પડી. અને બપોરના ચારના ટકોરા થાય એટલે મધુકર આરામ લેતાં યશોદાબહેન પણ ખબર લાવે :

‘હવે સ્ત્રીમંડળના સભ્યો આપની મુલાકાતે આવવા જોઈએ.’

‘ક્યાં આ જંજાળ તમે ઊભી કરી, મધુકર !’ યશોદાબહેન અણગમો બતાવી કહેતાં. જોકે મુલાકાતે આવનારી સ્ત્રીઓની રાહ જોતાં ખરાં !

‘મોટાઈની પણ કિંમત આપવી પડે, યશોદાબહેન !’

‘આપણે નથી મોટાં થવું.’ યશોદાબહેન કહેતાં. મોટાઈ પ્રાપ્ત કરનારને મોટાઈ ગમતી નથી એમ કહેવું ઠીક ઠીક સહેલું અને સોહામણું છે.

પરંતુ યશોદાબહેન કરે પણ શું ! એમને માથે લોકો મોટાઈ ફંકી જતાં હોય ત્યાં તેમનો ઇલાજ પણ શો ?

ચારેક સુખી, શરીરે ઠીકઠીક પુષ્ટ અને અઠવાડિયે એક વાર સમાજમાં મળી ભાષણ કરી અગર સાંભળી - અને તે નહિ તો ગેરહાજર બહેનોની ગુપ્ત વાત કરી સંતુષ્ટ રહેતાં સમાજસેવી સન્નારીઓ યશોદાબહેનની મુલાકાતે આવી જ ચઢતાં અને શીવણવર્ગની સ્થાપના. પાપડની પરીક્ષા, સુવાવડમાં મજૂર સ્ત્રીઓને મળવી જોઈતી રજા, બાળસંમેલનની તારીખ અને ઊંધિયા-પાર્ટીનું સ્થળ તથા પ્રમુખસ્થાન જેવા મહત્ત્વના પ્રશ્નોનો નિર્ણય યશોદાબહેનની સલાહ અનુસાર લેવાતો પણ ખરો.

નવાઈની વાત તો એ હતી કે હવે રાવબહાદુર તથા યશોદાબહેન બન્ને વ્યાખ્યાનો પણ કરી શકતાં ! આજના યુગમાં જેને બોલતાં ન આવડે એ બાજુએ રહી જાય છે… ને એક વાર હિંમત કરનારને સમજાય છે કે વ્યાસપીઠ ઉપર ચઢી ભાષણ કરવું એના જેવી સહેલી કળા બીજી એક નથી… મનમાં ચાલતી ઘટમાળ જીભે ઉતારવી અને જીભે ચઢેલો લવારો વ્યાસપીઠે ચડાવવો એનું નામ ભાષણ !

આ કાર્યક્રમ મધુકરના આવ્યા પછી નિત્યનો બની ગયો હતો, અને સાંજની બગીચાની ફેરણી પણ આવશ્યક બની રહી હતી. બહુ મુલાકાતો પછી ઊપજતો કંટાળો નિવારવા રાવબહાદુર અને યશોદાબહેન મધુકરને કારમાં સાથે લઈ ફરવા જતાં. હમણાંની જ્યોત્સ્ના તેમની સાથે ફરવા ન જતાં ઘેર બેસી રહી અભ્યાસમાં જ પરોવાયેલી રહેતી. કોઈ કોઈ વાર માતા પોતે જાતે જઈને અગર મધુકરને મોકલી પુત્રીને સાથ આપવા કહાવતી, પરંતુ જ્યોત્સ્ના મોટે ભાગે ના પાડતી, એકલી બેસી વાંચતી અગર લાંબા સમય સુધી સુરેન્દ્ર પાસે બેસી પુસ્તકો ઉથામતી.

જ્યોત્સ્નાનો અભ્યાસખંડ પણ અત્યંત સુંદર હતો. સફાઈભરી બિછાયત, પુસ્તકો અને વસ્તુઓની સુશોભિત ગોઠવણી. છબીઓની પસંદગી, ફૂલદાની અને ધૂપ, જરૂર પૂરતી ઠંડક અને આંખને વાગે નહિ એવું અજવાળું જ્યોત્સ્નાના અભ્યાસખંડને આદર્શ નિવાસ બનાવી દેતાં હતાં. ખંડની ખુલ્લી જમીન ઉપર સુંદર ફૂલપાથર્યો બગીચો વિસ્તરી રહ્યો હતો. ખંડના સૌંદર્યથી આંખ જરા કંટાળે તો બહાર નિહાળે. અને બહારની લીલોતરી તથા પુષ્પોની રંગીન જ્યોત એ કંટાળેલી આંખને જુદું જ સૌંદર્ય બતાવે !

એકનું એક સૌંદર્ય પણ કંટાળો ઉપજાવતું જ હશે, નહિ ?

તે સિવાય સાધનસંપન્ન માનવી આટઆટલા સૌંદર્યને, શોભાને પોતાની આસપાસ કેમ ખડકતાં હશે ? અને કદાચ સૌંદર્યની અતિશયતા સૌંદર્યને, પણ કદરૂપું બનાવી દેતી હશે ખરી ? નહિ તો જ્યોત્સ્નાના ખંડને દિપાવે એવા મધુકરને સ્થાને વસ્ત્રસૌંદર્યનો વિરાગી સુરેન્દ્ર શા માટે ત્યાં બેઠેલો હોવો જોઈએ ?

એક સીધી ખુરશી ઉપર અત્યારે સુરેન્દ્ર બેઠો હતો અને એક પુસ્તકમાંથી જ્યોત્સ્નાને નોંધ લખાવતો હતો. જ્યોત્સ્ના આરામખુરશી ઉપર સામે બેઠી હતી અને બન્નેની વચમાં એક નાની ટીપોઈ પડી હતી. સુરેન્દ્રની આંખ પુસ્તકમાં હતી છતાં એણે જોયું તો જ્યોત્સ્ના પગ સહજ હલાવી રહી હતી. સુરેન્દ્રે પુસ્તકમાંથી આંખ ઊંચકી સીધું જોયું તો જ્યોત્સ્ના નોંધ લખતી બંધ પડી હતી, અને નોંધપુસ્તકને બાજુએ મૂકી માથાની વેણીનું એક ફૂલ તોડી ટીપોઈ ઉપર મૂકી રહી હતી. બહુ વાંચીને કંટાળતી જ્યોત્સ્ના અભ્યાસ બંધ રખાવવા આવાં આવાં ચિહ્નોનો ઉપયોગ કરતી. સુરેન્દ્ર સમજ્યો અને જ્યોત્સ્નાને તેણે પૂછ્યું :

‘આગળ વાંચવું નથી, જ્યોત્સ્ના ?’

‘ના.’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘હવે થોડો જ ભાગ વાંચવાનો રહ્યો છે. જરા વારમાં પુસ્તક પૂરું થઈ જશે.’

‘વાંચવા માટે પુસ્તક સિવાય બીજું કંઈ જ સર્જાયું નહિ હોય. સુરેન્દ્ર’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘શા માટે નહિ ? કલાકારો રંગરેષાને વાંચે. પ્રકૃતિપ્રેમીઓ વૃક્ષપુષ્પને વાંચે. કવિઓ માનવ ઊર્મિઓને વાંચે અને ફિલસૂફો સમાજઘટનાને વાંચે. જેવી જેની આંખ.’ સુરેન્દ્રે એક શિક્ષકની અદાથી સમજૂતી આપી.

‘તને આંખ છે ખરી, સુરેન્દ્ર ?’ જરા રહી જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘હા, પુસ્તક વાંચવા પૂરતી - અહીંને માટે…’ સુરેન્દ્રે જવાબ આપ્યો.

‘એટલે… તને એક જ આંખ છે… જે પુસ્તક જ વાંચી જાણે છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘મને બે આંખો છે, જ્યોત્સ્ના… અને તે બહુ બહુ દૂર સુધી જઈ શકે છે.’ સુરેન્દ્ર વિસ્તારથી જવાબ આપ્યો.

‘એમ જ હોય તો તને ઈશ્વરે ચાર આંખ આપવી જોઈતી હતી.’

‘કેમ એમ ? સહુ માનવીથી જુદી જ રચના ? મારે માટે ?’

‘તારે માટે ખાસ રચના જરૂરી છે. તારી બે આંખો તો સાથે ઊઘડે અને જુએ;. પરંતુ બીજી બે આંખો એટલા માટે કે તારી બે આંખને ક્યારે શું જોવું તે શીખવે !’ જ્યોત્સ્નાએ કહ્યું.

સુરેન્દ્રના હાથમાંથી મોટું પુસ્તક હતું. જ્યોત્સ્નાની વાત સાંભળી એ પુસ્તક સુરેન્દ્રના હાથમાં પડી ગયું.

‘તારે હાથે પણ ચાર જોઈએ એમ લાગે છે !’ હસીને જ્યોત્સ્નાએ કહ્યું. જ્યોત્સ્ના - ભાગ્યે જ હસતી જ્યોત્સ્ના - હમણાંની હસતી થઈ હતી.