સ્નેહસૃષ્ટિ/પ્રવેશનું પહેલું પગથિયું

← સ્વપ્નને માર્ગે સ્નેહસૃષ્ટિ
પ્રવેશનું પહેલું પગથિયું
રમણલાલ દેસાઈ
સ્ત્રીના શિકાર →


 
પ્રવેશનું પહેલું પગથિયું
 


રાવબહાદુર ગિરિજાપ્રસાદની સામે અત્યંત વિવેકથી મધુકરનો ‘કાર્ડ’ મૂકવામાં આવ્યું ત્યારે રાવબહાદુર પાસે ત્રણ-ચાર મુલાકાતીઓ બેઠેલા હતા. એમાંથી એકને રાવબહાદુરના જીવનની ટૂંકી નોંધ જોઈતી હતી અને બીજાને કૃષિ તથા ઉદ્યોગના સંમિશ્રણની એક યોજનામાં રાવબહાદુરનો ટેકો જોઈતો હતો. ત્રીજા મુલાકાતીની એવી વિનંતી હતી કે રાવબહાદુરે સ્થાનિક રોટરી ક્લબના સભ્ય બની સભાની રોનકમાં વધારો કરવો અને ચોથા ગૃહસ્થની આગ્રહભરી માગણી હતી કે તેમણે રચેલા મહાન પુસ્તકનું અર્પણ રાવબહાદુર સરખા મહાન અગ્રણીએ જ સ્વીકારવું. પુસ્તકો, યોજનાઓ, સંસ્થાઓ અને જાહેરાતોના અનિયમિત જંગલ જેવી બની ગયેલી આજની માનવદુનિયામાં ધનિકો અને યોજકો વચ્ચે ખેંચાખેંચી છતાં ઠીક ઠીક સહકાર ચાલે છે. આ બધી મહત્ત્વની માગણીઓમાંથી કયી સ્વીકારવી અને કયી નકારવી એનો ઝડપથી નિર્ણય ન આપી શકેલા રાવબહાદુરે નવા કાર્ડવાળા મુલાકાતીમાં આશ્રય શોધ્યો. અને તેને અંદર બોલાવવા પરવાનગી આપી.

ઘણા મુલાકાતીઓ હોય ત્યારે બધાયને સામટા બોલાવવામાં વધારે અનુકૂળતા પડે છે. કોઈને અતિ લાંબી વાત હૃદયદ્રાવક રીતે એકલા રાવબહાદુરને જ કહેવાની હોય તો તે બીજાઓની હાજરીમાં ઓછી હૃદયદ્રાવક બની રહે છે, કોઈને ગુપ્ત મંત્રણા કરવી હોય તેનાથી બીજાના દેખતાં વાતનું ગુપ્તપણું અને તેમાં રહેલું મહત્ત્વ જતું કરવું પડે છે. રાવબહાદુરે સવારના દસથી અગિયાર વાગતા સુધીનો સમય મુલાકાતીઓ માટે નિશ્ચિત કરી રાખેલો હતો એટલે સહુને એ કલાક ગાળામાં બોલાવી લેતા હતા. અને એ કલાકમાં મળવા આવનાર આફતોને પતાવી દેવા ઇચ્છતા હતા.

પરંતુ એ આફત માનવીની ધારણા પ્રમાણે પતી જતી નથી. રાવબહાદુરના હૃદયને સ્પર્શવા, તેમના વિસ્મયને વહાવવા,તેમના નકારને ડોલાવી હકારમાં ફેરવવા માટે એક કલાકથી પણ વધારે બેસવામાં મુલાકાતીઓને હરકત આવતી નહિ. અને ઘણી વાર મુલાકાતીઓ પોતાને મળેલા એક કલાકને ખેંચી લંબાવી ત્રણ કલાકનો પણ બનાવી શકતા હતા. છતાં રાવબહાદુરે સહુને સાથે બોલાવી લેવાની પ્રથા ચાલુ રાખી હતી અને મધુકરને બોલાવતાં જ મધુકરે રાવબહાદુરની સાંનિધ્યમાં પ્રવેશ કર્યો. મધુકરની ખાતરી હતી કે તે એની છટાથી રાવબહાદુરને આંજી શકશે. છટા અને વિવેકનું મિશ્રણ કરી સહુનું ધ્યાન ખેંચતા મધુકરને રાવબહાદુરે પ્રશ્ન કર્યો :

‘કેમ ? આપને કેમ આવવું થયું ?’

‘જી… આપે મને સાડા દસ વાગે આપને મળવાનું જણાવ્યું હતું.’ મધુકરે જવાબ આપ્યો.

‘મેં ? શું કામ હશે ?… મને યાદ નથી… આપનું નામ ?’

‘મારું નામ મધુકર… આપને કોઈ સેક્રેટરીની સહાય જોઈએ એ માટે…’

‘હા… હા. બેસો… જ્યોત્સ્નાએ મને કાંઈ વાત કરી હતી ખરી. હું આમનું કામ પતાવી તમારી સાથે વાત કરું છું.’

સભ્યતાપૂર્વક છતાં સફાઈભરી ઢબે મધુકર ખાલી પડેલી ખુરશી ઉપર બેઠો.

‘લો, સાહેબ ! મારું કામ પતી ગયું હવે. આપના સેક્રેટરી જ આપના જીવનની ટૂંકી રેખા લખી આપી શકશે ! જલદી…’ કહી એક ગૃહસ્થ ઊભા થયા અને નમસ્કાર કરીને તેમણે ચાલવા માંડ્યું.

‘તો. સાહેબ ! મારી યોજના હું અહીં જ મૂકતો જાઉં છું… આપ તો બધી વિગત ન જોઈ શકો. હવે આપ સેક્રેટરી રાખો છો એટલે તે પૂરી રીતે તપાસી લેવાશે. હું એક અઠવાડિયામાં આપને મળી જઈશ.’ બીજા ગૃહસ્થે કહ્યું અને પોતાની યોજનાના નકશા તથા આંકડા રાવબહાદુર સામે મૂકી નમન કરી તેમણે પણ રજા લીધી.

‘તે રાવબહાદુર ! આજ સુધી આપે સેક્રેટરી રાખ્યો નથી ? અમે તો માનતાં હતાં કે આપની પાસે હશે… હવે સમજાયું કે આપ કેમ આનાકાની કરતા હતા… હવે તો આપ એ સગવડ મેળવી લો છો… સભાની નોંધ હવે રહી શકશે… આપ સભ્ય થયા એમ માનીને અમે ચાલીએ છીએ… સાહેબજી ! શુક્રવારે આપણી સભા… મહિનામાં ચાર જ.’ કહી રોટેરિયન બંધુ ઊભા થયા અને તેમણે ચાલવા માંડ્યું. મહિનામાં ચાર મિજબાનીઓ ભપકાભરેલી ઢબે ગોઠવી, અત્યંત ગંભીરતાપૂર્વક, બની શકે એટલા જાણીતા માણસોનાં ટૂંકા મગજને બહુ તકલીફ ન આપે છતાં બુદ્ધિવર્ધક મનાતાં વ્યાખ્યાનો ગોઠવી ભવ્ય સેવા કરનાર વિશ્વવ્યાપી મોટા માણસોનું આ મંડળ પોતાના સ્વાર્થને પણ બાજુએ મૂકી સેવા આપવા મહાપ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ કમબખ્ત માનવ જાત રોટેરિયનોની સેવા ઝીલવા હાથ પણ લાંબો કરતી નથી !… એટલે તેમને ન છૂટકે પોતાની સેવાને સ્વાર્થના પરિઘમાં જ રોકી રાખવી પડે છે ! પોતાનું કામ કરવા માટે સેક્રેટરી ન રાખી શકે એવો કોઈ પણ માનવી ‘રોટરી ક્લબ’માં દાખલ ન થઈ શકે એવો અલિખિત નિયમ પણ એ પાળતું હોય એમ દેખાય છે. અને રાવબહાદુરની સેક્રેટરી રાખવાની હિલચાલમાં પોતાની સફળતા નિહાળતા આ મહામાનવ રોટેરિયન પણ રાવબહાદુરનો હાથ ખેંચી હલાવી ત્યાંથી વિદાય થયા.

હજી ત્યાં બેઠા હતા એક લેખક, જેમને પોતાનું પુસ્તક રાવબહાદુરને અર્પણ કરવાનું હતું ! ઘણી વાર પુસ્તકનું અર્પણ એટલે પુસ્તકના ખર્ચનું નિવારણ, એવો પણ અર્થ થઈ શકે છે. લેખકે પણ પોતાની દલીલ કરી :

‘રાવબહાદુર સાહેબ ! તો હું આ મારું હસ્તલિખિત પુસ્તક અહીં મૂકો જાઉં છું… આપના સેક્રેટરી ભણેલા અને બાહોશ લાગે છે… એમને જોવા દો અઠવાડિયા સુધી… આપને અર્પણયોગ્ય એ પુસ્તક છે એવી તેમની ખાતરી થાય પછી આપ રજા આપો… અત્યારે તો જાઉ છું… નમસ્તે !’ કહી લેખક પણ ગયા અને મેદાન મધુકર માટે ખુલ્લું થયું. મુલાકાતીઓએ પણ સારા નસીબે મધુકરને સીધો આડકતરો ટેકો આપ્યો હતો, અને મોટાં કુટુંબોમાં સેક્રેટરીની ડગલે ને પગલે કેવી જરૂર પડે છે તેનું તેને અને રાવબહાદુરને ભાન પણ કરાવ્યું હતું.

‘કહો ભાઈ ! હવે તમારી વાત પતાવી દઈએ… તમે કોઈ વાર સેક્રેટરીનું કામ કર્યું છે ?’ રાવબહાદુરે મધુકરને પૂછ્યું.

‘હા જી.’

‘ક્યાં કામ કર્યું છે ?’

‘કૉલેજમાં એક પણ સંસ્થા એવી ન હતી કે જેમાં મેં સેક્રેટરી તરીકે કામ ન કર્યું હોય.’

‘અરે… પણ… એ કામ જુદું અને મારું કામ જુદું.’

‘એ હું જાણું છું, સાહેબ ! પરંતુ કૉલેજમાં રહ્યે રહ્યે કંઈક પ્રોફેસરના ખાનગી મંત્રી તરીકે કામ કરેલું છે… મારું લખાણ આપને પસંદ આવશે… મને કામ સોંપી જુઓ.’ મધુકરે કહ્યું.

‘કયું કામ સોંપીશું તમને ?’ કહી રાવબહાદુરે બાજુએ જોયું તો યશોદાબહેન ઝડપથી આવતાં દેખાયાં. આવતાં બરોબર તેમણે કહ્યું :

‘હવે ક્યારે પરવારવું છે ?’

‘હું તૈયાર જ છું… આ ભાઈને સેક્રેટરી તરીકે નાણી જોવા છે… શું નામ તમારું ?’ રાવબહાદુરે પૂછ્યું.

‘મારું નામ મધુકર, સાહેબ… હું ઇચ્છું કે આપ મને આપની જીવનનોંધથી શરૂઆત કરવા દો. હું નમૂનો ઘડી આપું.’ મધુકરે મિષ્ટતાથી કહ્યું.

‘હા હા; તમે એનાથી જ શરૂઆત કરો… ક્યારે કરશો ?’

‘હમણાં જ. આપને એકબે કલાકમાં જ તૈયાર કરી બતાવું… માહિતી તો મળી રહેશે.’ મધુકર બોલ્યો.

‘હા, એ બરાબર… પણ તમે જમી લ્યો અમારી સાથે. હું જમતે જમતે તમને મારી હકીકત કહીશ.’ રાવબહાદુરે કહ્યું.

‘હું જમીને જ આવ્યો છું… આપની થોડી હકીકત હું જાણું છું…’

‘અને બીજી… પેલા કબાટમાં માનપત્રો પડ્યાં છે એમાંથી મેળવી શકાશે… માહિતી મળે એટલે જોડેના ખંડમાં બેસી લખવાનું શરૂ કરી દેજો.’ કહી થોડી નોંધ, માનપત્રોવાળું કબાટ અને લેખનવ્યવસાયનો ખંડ બતાવી રાવબહાદુર પોતાનાં પત્ની સાથે જમવા ગયા.

મધુકર જમ્યો ન હતો. પરંતુ એને ઈચ્છા અને આશા હતી કે જ્યોત્સ્ના તેને મળશે, અને જ્યોત્સ્ના પાસેથી ચા-નાસ્તો માગી લેવાશે. ઉપરાંત રાવબહાદુર અને તેમનાં પત્નીને જીતી લેવાનો મધુકરને જે મોકો મળ્યો હતો, એમાં જરાય ગફલત કરવાની તેની ઇચ્છા ન હતી. ઝડપથી તેણે નોંધ જોઈ લીધી, માનપત્રો જોઈ લીધાં ને લેખનખંડમાં બેસી સ્વચ્છ, સારા અને દમામદાર અક્ષરો વડે રાવબહાદુરના જીવનની રેખાઓ તેણે દોરવા માંડી. માનવીની ઘણી ઘણી રેખાઓ કલ્પિત હોય છે, જૂની રેખાઓ ભૂંસાઈ ગયા પછીથી એ ઉપસાવી કાઢેલી હોય છે, અને એમાં ચાલુ પરિસ્થિતિના જ રંગમાંથી રેખાઓ દોરવાની હોય છે. એ કલા મધુકરને સારી રીતે આવડી હોય એમ લાગ્યું. વયે પહોંચેલા માનવીનું બાળપણ એ માનવી પણ ભૂલી ગયેલો હોય છે, એટલે આજની મોટાઈનાં લક્ષણો બાળપણથી જ દેખાઈ આવતાં હતાં એમ લખવામાં રેખાચિત્ર દોરનારને માનવીનું બાળપણ જરાય રોકે એમ હોતું નથી. પત્ની જરાય ઉપયોગી કે દેખાવડાં ન હોય છતાં કોઈ પતિની મગદૂર નથી કે પત્નીના ઉપયોગીપણા કે સૌન્દર્ય ઉપરના અનુકુળ વિવેચનમાં તે ભૂલ કાઢી શકે. મોટો માણસ સાહસ કર્યા વગર ન રહે, પરોપકાર કર્યા વગર ન રહે, દેશભક્તિ કર્યા વગર ન જ રહે. એવા પ્રસંગો કલ્પનાથી ઊભા કરવામાં આવ્યા હોય તોય એ જૂઠા છે એમ કહેવાની હિંમત કોઈ પણ કરી શકે નહિ - રેખાચિત્રનો વિષય બનનાર માનવી પણ હિંમત કરી શકે નહિ !

મધુકરે છટાબંધ પોતાનું લખાણ લખવા માંડ્યું. ચારે બાજુની દુનિયાને જાણે તે વીસરી ગયો હોય એવા ધ્યાનથી એકચિત્તે તે લખી રહ્યો હતો. છેલ્લું પાનું અને છેલ્લો અક્ષર લખી તેના ઉપર બ્લોટિંગ પૅડ દાબી તેણે પેનને બાજુએ મૂકી અને જરા સુસ્તાવાનો પ્રયત્ન કર્યો અને ક્યારનીયે ખબર પડી હતી કે રાવબહાદુર છેલ્લી દસ મિનિટથી ધીમે ધીમે આવી મધુકરની પાછળ ઊભા રહી એકધ્યાનથી લખતા મધુકરને જોઈ રહ્યા હતા. છતાં દસે મિનિટ તેણે સ્વસ્થતા ધારણ કરી રાવબહાદુર જાણે આવ્યા જ ન હોય એવો દેખાવ કરી લેખનકાર્ય ચાલુ રાખ્યું.

કામ પૂરું થતાં તેણે પાછળ જોયું અને રાવબહાદુરની આંખનો સંતોષ વાંચતા બરોબર તે ઊભો થયો. ખુરશી ઉપરથી ખસી જઈ તેણે કહ્યું :

‘રાવબહાદુરસાહેબ ! નોંધ પૂરી કરી રહ્યો છું… જરા વાર થઈ, નહિ ?’

‘વાર ? જરાય નહિ. મારે તમને શાબાશી આપવી જોઈએ. હું ક્યારનો ઊભો છું તેનો તમને ખ્યાલ ન આવ્યો એવી તો તમારી એકાગ્રતા હતી. હું બહુ રાજી થયો.’

‘હું વાંચી બતાવું, સાહેબ ? અગર બહેનને અથવા બાઈસાહેબને બોલાવવાં છે ?’

‘ખાસ જરૂર નથી. તમારી નિમણૂક થઈ ગઈ તમે માની લેજો… ટાઈપ કરતાં શીખી લેજો. ટાઈપ કરાવી હવે મને સાંજના પાંચ પછી મળજો.’

‘તો હું રજા લઉં.’

‘હા; કાલે પેલા ભાઈ આવ્યા હતા… શું નામ ? સુરેન્દ્ર ! હા. એમણે તમારે માટે સાચું જ કહ્યું હતું.’

‘મારે માટે ?… સુરેન્દ્રે શું કહ્યું હતું ?’

‘કે તમે સેક્રેટરી તરીકે ઘણા દક્ષ નીવડશો… જ્યોત્સ્નાની રૂબરૂમાં એમણે તમારી ભલામણ કરી હતી.’

‘જ્યોત્નાબહેનની રૂબરૂમાં ? એ સુરેન્દ્ર અહીં ક્યાંથી ?’

‘કેમ ? તમને ખબર નથી ?’ બહેનને અભ્યાસમાં એ મદદ આપવાના છે.

‘બહેનને મદદની જરૂર નથી, સાહેબ !… હું જરા એમને મળી શકું ?’

‘હા હા, કેમ નહિ !… એ તો કહે છે કે તમે બધાં મિત્રો છો !’

‘હા જી. માટે જ મળવું છે.’

‘વારુ, તમે મારા સેક્રેટરી છો એમ અત્યારથી જ માનીને ચાલશો.’ કહી રાવબહાદુર આરામ લેવા માટે ગયા.

મધુકરે જ્યોત્સ્નાને મળવા કહેણ મોકલાવ્યું. પરંતુ જ્યોત્સ્નાને અત્યારે મધુકરને મળવાની ફુરસદ ન હતી.

‘એમ ?’ કહી મધુકર સાંજે પાછો આવવા માટે રાવબહાદુરનું મકાન છોડી ચાલ્યો ગયો.