← લાજ-મલાજો સ્નેહસૃષ્ટિ
પ્રેમનમન
રમણલાલ દેસાઈ
અવેતન રંગભૂમિ →



૩૬
 
પ્રેમનમન
 

મધુકર હવે સમજી શક્યો કે જ્યોત્સ્ના હમણાં હમણાં શા માટે તેની સાથે પૂર્ણ છૂટથી વર્તતી ન હતી ! જ્યોત્સ્નાએ પોતે તો લાજ સુધીની તૈયારી બતાવી હતી; અરે કારમાંથી ઊતરતાં આછી લાજ કાઢી પણ હતી ! લાજ પણ સુંદર લાગતી હતી, નહિ ? અને લગ્નમાં પણ એને જૂની ઢબનો સ્વીકાર કરવાનો હતો એમ જ્યોત્સ્નાનાં માતાપિતાએ પણ કહ્યું ! મધુકરને સ્ત્રીઓની ગમે તે ઢબ ગમતી - જૂની કે નવી ! બન્નેની પાછળ અર્થ એક જ હતો ને ? પુરુષના આકર્ષણનો જ ! ભલે, જ્યોત્સ્ના અને તેનાં માતા-પિતા પ્રાચીન પ્રણાલિકાની રમત રમી આનંદ માને ! મધુકરને પ્રાચીન કે અર્વાચીન ગમે તે ઢબે જ્યોત્સના સાથે લગ્ન જ કરવું હતું ! એ માર્ગ એનો સફળ થયો હતો - એનાં પોતાનાં માતાપિતાએ કેટલીક મુશ્કેલીઓ ઊભી કરી તે છતાં ! એક ભવ્ય પ્રેમ-બલિની છટાથી એણે રાવબહાદુરને લખી પણ દીધું હતું કે માતાપિતાની શરતોને બાજુએ મૂકીને પણ જ્યોત્સ્ના સાથે એ લગ્ન કરશે !… મુખથી ન કહેવાય એવી આ વાત એણે લખીને સ્પષ્ટ કરી હતી. અને તેમાં પોતાની કક્ષા વધારી દીધી હતી.

હવે મધુકર જ્યારે જ્યારે એકાંતમાં જ્યોત્સ્નાને મળવાનો પ્રયત્ન કરતો ત્યારે ત્યારે જ્યોત્સ્નાનું માથા-ઓઢણ જુદી જુદી પરંતુ આકર્ષક ઢબે તેના મુખ ઉપર વિસ્તાર પામતું જતું હતું, અને વાતચીતમાં શબ્દવપરાશ ઘટતો જતો હતો. એક સંધ્યાએ ફરીથી પાછાં આવી મધુકરે જ્યોત્સ્ના સાથે ઘરમાં એકાંત મેળવ્યું. મુખ ઢાંકવા મથતી જ્યોત્સ્નાને તેમ કરતાં અટકાવી મધુકરે કહ્યું :

‘તારી લાજ તો વધતી જાય છે !’

‘હા; નથી ગમતી ?’

‘કદી કદી ગમે છે, કદી કદી નથી ગમતી.’

‘હું તો હવે એ પ્રથાને પસંદ જ કરું છું.’

‘ભલે, જે તોફાન કરવું હોય તે કરી લે; લગ્ન પછી તારી વાત છે !’

‘લગ્ન પછી શાની આ ધમકી છે ? લગ્ન પછી તો મારાથી તને તુંકારાશે પણ નહિ; અને આટલું પણ સામે જોવાશે નહિ…’

‘લગ્ન પછી તો હું પણ આજ્ઞા કરીશ.’ જરા ઉત્સાહમાં આવી મધુકરે કહ્યું.

‘પરંતુ લગ્ન પછી હું તારી આજ્ઞા ન માનું તો ?’ જ્યોત્સ્નાએ જરા ગંભીર બની મધુકરની સામે જોઈ પૂછ્યું,

‘તો તો મારે તારી જ આજ્ઞા માનવી રહી… છતાં મારી ખાતરી છે કે તું શ્રીલતા જેવી ઉછાંછળી, અછકલી અને બેઅદબ તો નથી જ.’ મધુકરે પોતાની વ્યવહારદક્ષતા આગળ કરીને કહ્યું. સ્ત્રીઓના વખતવખતના મનતરંગને ઓળખીને તેમને વશ કરવાની આવડત પોતાનામાં હતી જ એમ મધુકર માનતો હતો.

‘બિચારી શ્રીલતાને હવે તું શા માટે ફજેત કરે છે ? એને તો તેં છોડી દીધી !’ જ્યોત્સ્નાએ મધુકરને કહ્યું. જ્યોત્સ્ના આજ બહુ દિવસે મધુકર સાથે લાંબી વાત કરવાને તૈયાર હતી. તેનો લાભ લેવાની મધુકરને ઈચ્છા થાય એ સ્વાભાવિક હતું.

‘શ્રીલતાને મેં છોડી દીધી એમ તું કહે છે ?’ મધુકરે જાણે પોતાને અન્યાય થયો હોય એમ મુખ ઉપર દુઃખ લાવી કહ્યું :

‘શ્રીલતા તો એમ કહે છે જ.’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘સારું થયું કે તેં આ વાત કાઢી. હવે તને ખબર પડી કે શ્રીલતા ક્યાં ક્યાં જાય છે તે ?’ મધુકરે પૂછ્યું.

‘મને તો કંઈ જ ખબર નથી, ઘણુંખરું તો એ મારી સાથે જ રહે છે - આપણા નાટ્યપ્રયોગને અંગે.’

‘અને નાટ્યપ્રયોગ ન હોય ત્યારે એ ક્યાં હોય છે એ તું જાણે છે ?’

‘મને શી ખબર ?’

‘તારે ખબર રાખવા જેવી છે.’

‘કારણ ?’

‘કારણ એટલું જ કે જે સમય એને મળે છે તેમાં… કોની સાથે ફરે છે તે તું જાણે છે ?’ મધુકરે પૂછ્યું,

‘ના, ભાઈ ! મને એ ખબર નથી.’

‘તો તું જાણી લે કે એ તો પેલા સુરેન્દ્રની સાથે ફરે છે - જે સુરેન્દ્ર પાછળ તું ઘેલી થઈ હતી તે.’

‘હું? હું શું સુરેન્દ્ર પાછળ ઘેલી થઈ હતી? તારી ભૂલ થાય છે. મધુકર ! હું કદી કોઈ પુરુષ પાછળ ઘેલી થાઉ જ નહિ.’ જ્યોત્સ્નાએ કહ્યું. તે જાણતી હતી કે કદાચ તે પોતાની જાતને છેતરતી હોય. મધુકરે પણ તેને એમ જ કહ્યું :

‘તું ભૂલી ગઈ લાગે છે. મારા તરફ તેં જોયું ન હોત તો સુરેન્દ્ર તને ક્યારનો ઊંચકી લઈ ખાડામાં નાખી આવ્યો હોત. એણે હવે એ અખતરો શ્રીલતા ઉપર અજમાવવા માંડ્યો છે - તને મેં વખતસર એની ચુંગાલમાંથી ખસેડી લીધી એટલે !’ મધુકરે સ્પષ્ટતા કરી.

‘શ્રીલતા ઉપર, સુરેન્દ્ર ઉપર અને મારી ઉપર તું ખોટો વહેમાય છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘જેમ તું સુરેન્દ્રને અહીંની સમાજસેવાના ઢોંગમાં સહાય કરતી હતી તેમ હવે શ્રીલતા કરે છે.’

‘એવું શા ઉપરથી તું ધારે છે ?’

‘કહું શા ઉપરથી ! જે નવનીત શેઠને ત્યાં એને હાલમાં નોકરી મળી છે. એ શેઠનું એવું કહેવું હતું કે તે અને શ્રીલતાએ મળીને સુરેન્દ્રને એ સ્થાને ગોઠવી દીધો છે ! એટલું જ નહિ, પરંતુ એને રોજ ને રોજ પગાર આપવા માટેની વ્યવસ્થા પણ તમે જ કરી દીધી છે.’

‘એ તને કોણે કહ્યું?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘જેણે કહ્યું તેણે. હું આ શહેરમાં છેક અજાણ્યો તો નથી જ.’ મધુકરે જવાબ આપ્યો.

‘તું અજાણ્યો રહી શકે જ નહીં. કદાચ નવનીતભાઈએ જ તને કહ્યું હશે - ક્લબમાં.’

‘એમ પણ હોય... હું તો માત્ર વિનંતી કરી શકું... માહિતી આપી શકું... સુરેન્દ્ર અને શ્રીલતા બંનેમાં જેટલો વધારે વિશ્વાસ રાખીશ એટલી તું દુઃખી થઈશ, જ્યોત્સ્ના !’

‘જો ને મધુકર ! સુરેન્દ્ર અંતે મિત્ર તો ખરો જ ને ? તારો તેવો જ અમારો. એને મુશ્કેલીમાં મદદ તો કરવી જ જોઈએ ને? તું હોય તો તું એમ જ કરે ને ? ખરું જોતાં સુરેન્દ્રના આગ્રહથી જ તું અમારા ગૃહમાં પ્રવેશ પામ્યો.’

‘એ બદલ હું સુરેન્દ્રનો આભાર માનીશ.’ જરા હસીને મધુકરે કહ્યું અને વાતને પલટો આપવાની એણે યુક્તિ કરી. ‘સુરેન્દ્રનો ક્યારે આભાર માનવો છે ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘મારું લગ્ન થશે તે દિવસે - મારાં માતાપિતાને કે મારાં સાસુસસરાને પગે લાગતા પહેલાં હું સુરેન્દ્રને પગે લાગીશ. પછી કાંઈ ?’ મધુકરે હસતે હસતે તેને ગમતી લગ્નની વાત તરફ જ્યોત્સ્નાનું લક્ષ દોર્યું. વાતે ચઢેલી જ્યોત્સ્ના એકાએક સાવધ થઈ અને તેણે પોતાનું ઊઘડી ગયેલું મસ્તક પાછું ઢાંક્યું. મધુકરે તેને એમ કરતાં રોકી લગભગ તેનો હાથ અટકાવીને.

‘તો મધુકર ! હું માથે ઓઢી લઉ તે પહેલાં તને એક પ્રશ્ન પૂછી લઉં.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘એક નહિ, સો પ્રશ્ન તું પૂછી શકે છે. કહે શું પૂછવું છે?’ મધુકરે વહાલભર્યો વિવેક કર્યો.

‘હું એમ પૂછું છું કે જો તું લગ્ન પછી સુરેન્દ્રને પહેલો પગે લાગે તો મને ક્યારે પગે લાગીશ ?’ જરા સ્મિત કરી આંખ ચમકાવી, સ્મિત સાથે ગાલ ઉપર વર્તુલ ઉપસાવી જ્યોત્સ્નાએ પૂછ્યું.

મધુકર એકાએક ખડખડ હસ્યો અને બોલ્યો : ‘તને તો લગ્ન પહેલાં પણ પગે લાગ્યો છું અને લગ્ન પછી પણ પગે લાગીશ ને !’

‘મને યાદ નથી કદી તું મને પગે લાગ્યો હોઉં.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘તારે માનસિક નમસ્કાર જોઈએ છે કે શારીરિક ?’

‘તને જે ગમે તે.’

‘જો, માનસિક નમસ્કાર તો હું તને રોજ કરું છું. અને જો તારી ઇચ્છા હોય તો શારીરિક નમસ્કાર પણ તને હમણાં જ કરી બતાવું.’

‘મધુકર ! તું કેવા નમસ્કાર કરીશ? બે હાથ જોડીને, દંડવત કરીને કે તારી જાણીતી અંગ્રેજી ઢબે ?’ જ્યોત્સ્નાએ તેને રમૂજમાં પ્રશ્ન કર્યો. મધુકરને હવે ચોક્કસ લાગ્યું કે જ્યોત્સ્નાને તેની ભૂરકી બરાબર લાગી છે, અને તે આજ તેની સ્પષ્ટતા કરવા પ્રેમરમૂજે ચઢી છે. રમૂજે ચઢેલી લલનાને વધારે રમૂજે ચઢાવવામાં મધુકર પાવરધો હતો. અત્યારનો પ્રસંગ તેને જતો કરવા જેવો લાગ્યો નહિ. તેણે પણ સામેથી ખૂબ મીઠાશભરી રીતે પૂછ્યું :

‘જ્યોત્સ્ના ! તને કઈ ઢબના નમસ્કાર ગમે ? તું કહે તે ઢબના નમસ્કાર હું તને કરવા તૈયાર છું.’

‘ત્રણે ઢબના નમસ્કાર તું કરી બતાવ, એટલે મને કઈ ઢબ પસંદ છે તે હું તને કહી દઉં, જેથી લગ્ન પછી તારે કરવાના નમસ્કારમાં ભૂલ ન પડે.’

‘જો, આ બે હાથ જોડીને થતા નમસ્કાર.’ કહી અત્યંત ભાવપૂર્વક મધુકરે જ્યોત્સ્નાના સામે બે હાથ જોડ્યા અને મસ્તક નમાવ્યું.

‘તારી લટક તો ભાઈ ! બહુ ભારે You are very charming in what you do. હવે બીજી ઢબ બતાવ.’ જ્યોત્સ્નાએ આગળ વિનંતી કરી.

‘જો. આ અંગ્રેજી લઢણના નમસ્કાર.’ કહી એક ઘૂંટણ ઉપર બેસી પોતાની છાતી ઉપર હાથ મૂકી તેણે જ્યોત્સ્ના સામે માથું ઝુકાવી નમન કર્યું.

આ ઢબમાં તો મારે તારી છબી પાડી લેવી પડશે. આ નમન પણ બહુ રૂપાળું લાગે છે. હવે ત્રીજું નમન કરી બતાવ. ‘જ્યોત્સ્નાએ કહ્યું.

'જો, સૂર્યનમસ્કાર સરખા આ સાષ્ટાંગ દંડવત નમસ્કાર.’ કહી મધુકરે જમીન ઉપર પાથરેલા ગાલીચા ઉપર પોતાના દેહને આખો અને આખો લંબાવી હાથ પણ લાંબા કરી ભાવિક ભક્તિનું અદ્દભુત દૃશ્ય ઊભું કર્યું. નમન કરી તેણે સહજ ઊંચું જોયું તો જ્યોત્સ્નાને મુખ ઉપર સાડીનો છેડો ખેંચતાં તેણે પકડી - અરે, એટલું જ નહિ પણ એણે શ્રીલતાને પણ બારણામાં ઊભેલી નિહાળી અને તે પોતે જ જ્યોત્સ્નાને દંડવત પ્રણામ કરતો પકડાઈ ગયો.