સ્નેહસૃષ્ટિ/પ્રેમવૈચિત્ર્ય

← નાગચૂડ સ્નેહસૃષ્ટિ
પ્રેમવૈચિત્ર્ય
રમણલાલ દેસાઈ
લાજ-મલાજો →





૩૪
 
પ્રેમવૈચિત્ર્ય
 

માતાને પોતાની પાછળ આશીર્વાદ છાંટતી છોડી સુરેન્દ્ર આગળ ચાલ્યો. આજના યુગના અસહાય ભિખારીની કલ્પનામાં પણ મોટરકાર ન હોય એમ તો બને જ નહિ. સુરેન્દ્ર પણ એક ક્ષણ માટે ઇચ્છી રહ્યો કે તેને વાહન મળે તો સમયનો વધારે સારો ઉપયોગ થાય… અને દેહકષ્ટ ઓછું પણ થાય.

પરંતુ ભારતમાં સમયની કિંમત કેટલી ? કોને સમયની કિંમત હોય ? અમલદારી તૉર દર્શાવવો હોય, કાળા બજારમાં વધારે નફો લેવો હોય. અગર ચીલ ઝડપનો ગુનો કરી ઝડપથી ભાગી જવું હોય, એ સિવાય સમયમાં ઝડપ લાવવાની ભારતમાં જરૂર જ શાની પડે ? કારની સગવડ પણ નાનામાં નાના માનવીને ન થાય ત્યાં સુધી સુરેન્દ્રથી કાર તરફ મીટ મંડાય જ નહિ ! એ એનો આદ્ય સિદ્ધાંત. વળી પગે ચાલતાં વિચારો અને કલ્પનાઓ - યોજનાઓ અને ઘટનાઓ ઘડવામાં જે મોજ આવે છે એ મોટરકારનો ઉપયોગ કરનારને ન જ આવી શકે. પગે ચાલનારનું એ મોટામાં મોટું સુખ !

રાત્રે સ્વપ્ન દ્વારા એકવીસમી સદીના નૂતન યુગમાં પહોંચી ગયેલો સુરેન્દ્ર એ યુગની અને આજના વીસમી સદીના યુગની સરખામણીમાં પડ્યો. નૂતન યુગના ઘટાદાર વૃક્ષોવાળા રસ્તા ઉપર ચાલતાં સુરેન્દ્રે જરાય તાપ અનુભવ્યો નહોતો; અત્યારે ભરતાપમાં તે ફરતો હતો, પરંતુ એવાં દુઃખની ગણતરી કરી બેસી રહેનારથી નવી દુનિયા રચી શકાય જ નહિ.

એકાએક તેને ખભે કોઈનો હાથ પડ્યો. તેણે જોયું કે તેનો જૂનો મિત્ર પરાશર તેને રોકી રહ્યો છે !

‘પરાશર ! તું ક્યાં હતો આટલા દિવસ ?’ સુરેન્દ્રે પૂછ્યું.

‘કોઈને કહીશ નહિ… પણ હું યુ. જી. છું.’ પરાશરે કહ્યું.

‘યુ. જી. ? એટલે ?’

‘શું તુંયે, સુરેન્દ્ર ! આ નવી દુનિયામાં પણ તારે હજી બાઘા જ બનીને રહેવું છે ? યુ. જી. શું તેની તને ખબર નથી ? આપણે બંને એક વખત યુ.જી. હતા એ તને યાદ પણ નથી શું ?’

‘મને ફરી સમજાવ; મારી બુદ્ધિ જરા જડ બનતી જાય છે.’

‘યુ. જી. એટલે અંડર ગ્રાઉન્ડ - ભૂગર્ભમાં ઊતરી જવું તે ! અજ્ઞાતવાસ ! કોઈની આંખે ચડ્યા વગર, કોઈથી પકડાયા વગર આપણું કાર્ય ચલાવ્યે રાખવું તે !’

‘હાં હાં, હું સમજ્યો હવે… મને કોઈએ કહ્યું પણ હતું… પરંતુ આમ ખુલ્લે રસ્તે તું અવરજવર કરીશ તો તારો અજ્ઞાતનિવાસ બહાર પડી જશે.’

‘એ જ ખૂબી છે ને ! પોલીસ પાસે થઈને જાઉં પણ પોલીસ મને ઓળખી જ શકે નહિ ને !… હવે હું તને એક વાત પૂછું… તું તો પેલા શેઠિયાના બંગલામાં જ જાય છે ને ?… અહીંથી દેખાય છે એ !’

‘હા. મારે એને ઘેર નોકરી કરવી પડશે… એમ લાગે છે.’

‘બરાબર. એ ગોઠવણીની પાછળ અમારો હાથ છે એ તું જાણે છે ?’

‘ના, ભાઈ ! તમે અટલ સામ્યવાદીઓ અમારા ઈશ્વર જેવા જ કદી કદી અગમ્ય બની રહો છો. ઈશ્વરની માફક સામ્યવાદનો હાથ ક્યાં ન હોય એ કહી શકાતું નથી.’

‘ભલે ! તું હસતો રહે અમને. પણ છેલ્લું હાસ્ય અમારું જ છે… રાવબહાદુરને ત્યાં તને ગોઠવ્યો ત્યારે તું વળી મધુકરને લેતો ગયો… અને મધુકર જ્યાં જાય ત્યાં પ્રેમનાં થાણાં જ સ્થાપી આવે…’

‘મધુકરને તમે ઓળખવા માંડ્યો એ ઘણું સારું થયું…’

‘પણ જો, હવે આ તારી ગોઠવણ થાય છે… એમાં તું મૈત્રી અને પ્રેમનાં ભૂત પાછાં ઊભાં કરીશ… તું સામ્યવાદમાં અમુક રીતે તો માને જ છે ને ?’

‘હા, કેમ નહિ ? રશિયા અને ચીન સરખા દેશોએ જે વાદને સ્વીકાર્યો એને હસી તો શકાય જ નહિ. માત્ર મારે બે જ વાંધા છે… મૈત્રી અને પ્રેમનાં ભૂત તો મારી આસપાસ ભમવાનાં જ.’

‘એ ઠીક… પરંતુ પાછો મધુકરને ખેંચતો ન બેસીશ… રાવબહાદુરને ત્યાંનું વાતાવરણ બગાડનારા જ એ.’

‘એણે શું કર્યું એવું ?’

‘બન્ને - રાવબહાદુર તથા તેમનાં પત્નીને સામ્યવાદ વિરોધી બનાવી દીધાં… જે રકમો મળતી હતી… સાચેખોટે નામે… તે મધુકરે બંધ કરાવી દીધી… આ નવનીતભાઈ શેઠને ત્યાં તારી ગોઠવણ થાય છે એમાં ઊંડું રહસ્ય રહેલું છે. એ તને પહેલેથી સમજાવી દઉં.’

‘શું રહસ્ય છે એમાં ?… જો એમાં શેઠના કુટુંબને મારવાની કે એમના ખજાના ખોલીને તોડવાની યોજના હોય તો મારો એમાં સાથ નથી એમ માની લેજે.’

‘વચમાં આ તમારો કાયર ગાંધીવાદ ન આવ્યો હોત તો તમે બધા નિર્મળ કાંજીપીઉ નિર્માલ્યોને બદલે…’

‘જે બન્યું તે સ્વીકારવું જ રહ્યું ! એ પણ ઇતિહાસદીધું પરિણામ છે… ઇતિહાસે ઉપજાવેલો ઘન-ઘટ્ટ-અર્થ !’

‘સસ્‌સ્… જો હું જાઉં છું… મારી પાછળ પોલીસ પડી લાગે છે… હું કહું નહિ ત્યાં સુધી તું શેઠની નોકરી છોડતો નહિ…’ કહી પરાશર એકાએક અદૃશ્ય થઈ ગયો. અને ખરે, એક સ્વાંગ સજેલો પોલીસ પણ દેખાયો ખરો. સુરેન્દ્ર સહજ સ્મિત સહ આગળ વધ્યો. ધૂની માણસો, આદર્શવાદી માણસો, કોઈ જાતની માનસિક વ્યથા લઈ ફરતા માણસો સહુ આવા જ ઘેલા હશે ને ? ભારતમાં પણ વર્ગવિગ્રહમાંથી જનતાની ક્રાન્તિ લાવવા મથતો સામ્યવાદી પરાશર, સામ્યવાદમાંથી હિંસા ગાળી કાઢવા મથતો સુરેન્દ્ર અને સર્વાર્પણ કરીનેય ધન મેળવવા મથતો મધુકર, ત્રણેમાં ઘેલછા તો સરખી જ ! ત્રણેને પોતાના જ આદર્શો સાચા લાગતા હતા. આદર્શો સિદ્ધ થાય એવા લાગતા હતા. આદર્શસિદ્ધિ માટે ઈતિહાસ સાધન રચતો હતો, ચાલતો હતો એમ લાગતું હતું ! જાતને સુખી કરવી; જનતાના સુખમાં જ જાતનું સુખ નિહાળવું; અને જનતાને સુખી કરવા સુખનાં સાધનોનો કબજો લેઈ બેઠેલાઓને નાબૂદ કરવા ! ઉદ્દેશ લગભગ એક જ; માર્ગ જુદા જુદા ! નહિ ? સહુને સુખી કરવાની ભાવનામાં પણ અંતે તો પોતાની જાતને સુખી કરવાની તૃષ્ણા જ ઝાંખી ઝાંખી રહેલી છે ને ?

નવનીતલાલ શેઠનો બંગલો આવી પહોંચ્યો. જેમ ઝૂંપડીઓની એક જ શૈલી, ચાલની એક જ શૈલી, તેમ ધનિકોના બંગલાઓની પણ એક જ શૈલી ! બંગલાઓના દેખાવ આકર્ષક… પરંતુ પ્રત્યેક બંગલા ઉપર જાણે અલિખિત અક્ષરોથી કોઈ ભયંકર મનાઈ લખી રાખી હોય એમ તેને દેખાતું :

‘આ બંગલો મારો છે. મારી રજા વગર કોઈને પણ એમાં આવવાનો અધિકાર નથી !’

બંગલામાં જ્યાં નજર નાખીએ ત્યાં આવા જ અક્ષરો લખી રાખેલા હોય એમ સુરેન્દ્રને અહીં પણ ભાસ થયો.

સુરેન્દ્રને તો અંદર આવવાની પરવાનગી જ હતી - આમંત્રણ જ હતું. પરંતુ વિશાળ કમ્પાઉન્ડના અનેક બંધ દરવાજાઓમાંથી પ્રવેશનો દરવાજો કયો એ શોધતાં વાર લાગી. અને પ્રવેશ કરતાં જ તેને દેખાયું કે શીખ તથા ગુરખા દરવાનો, વાઘ બનવાની તૈયારી કરી રહેલા કૂતરાઓ, અને એ બન્ને વ્યૂહથી બચી જતાં પ્રત્યેક આવનારને ચોર માનતા પૂછપરછિયા નોકરોનાં ચક્રો ભેદ્યા સિવાય ધનિકગૃહમાં કોઈને પ્રવેશ મળે એમ બને જ નહિ. પ્રવેશ મળ્યો ત્યારે સુરેન્દ્રને આજ્ઞા પણ મળી કે શેઠસાહેબ ચા પી રહે નહિ ત્યાં સુધી એણે રોકાવું !… એટલે કે ઊભા રહેવું !

માનવી રોકાય એના કરતાં ધનિકની ચાનું મહત્ત્વ વધારે જ હોય. અડધા પોણા કલાકની આસાએશ માટે તૈયારી કરી ખુરશી શોધવા મથતા સુરેન્દ્રે પોતાને થતું સંબોધન સાંભળ્યું :

‘સુરેન્દ્ર ! તું અહીં ક્યાંથી ?’

સુરેન્દ્ર પાછળ ફરીને જોયું તો એણે શ્રીલતાને નિહાળી.

‘મને નવનીતલાલ શેઠે બોલાવ્યો છે… પણ તું ક્યાંથી અહીં, શ્રીલતા ?’ સુરેન્દ્રે જવાબમાં પૂછ્યું.

‘નવનીતભાઈ અમારા સગા થાય છે… આજ તો હું અને જ્યોત્સ્ના બન્ને એમની દીકરીઓને મળવા આવ્યાં છીએ.’

‘જ્યોત્સ્ના પણ અહીં છે ?’

‘હા, ભાઈ ! તને ગમે કે ન ગમે તોપણ અમે તો બધે જ ખરાં. ચાલ અંદર, બધાં સાથે ચા પીએ.’

‘હું તો ચા પીતો જ નથી ને !’

‘ભલે, પણ અમસ્તો આવીને તો બસ !’

‘હું કોઈને ઓળખતો નથી… અને મને આમંત્રણ નથી.’

‘આમંત્રણ મારું માની લેજે…’ કહીને શ્રીલતાએ તેનો હાથ ઝાલી ખેંચ્યો અને બન્ને જણ બંગલાની અંદરના ભાગમાં ગયાં.

એક સરસ શૃંગારિત ખંડમાં બેસી ત્રણચાર છોકરાઓ, ત્રણચાર છોકરીઓ, ગૃહિણી ને ગૃહમાલિક તથા જ્યોત્સ્ના તેમ જ મધુકર સાથે બેસી ચા પીતાં હતાં ! સુરેન્દ્રને જોતાં બરાબર મધુકર ચમકી ઊઠ્યો, અને તેની નોંધ જ્યોત્સ્નાએ લીધી હોય એમ પણ સુરેન્દ્રને લાગ્યું.

‘આ અમારાં સહુના મિત્ર છે… શ્રી સુરેન્દ્ર… બહુ માનવંત મિત્ર …બહાર બેઠા હતા તે હું ખેંચી લાવી અંદર… એમને એમ એકલા બેસાડી ન રખાય…’ શ્રીલતાએ કહ્યું અને એક ખુરશી ઉપર તેને બેસાડ્યો.

સરેન્દ્ર અને મધુકર બન્નેએ જોયું કે જ્યોત્સ્ના સુરેન્દ્ર સામે જોતી જ ન હતી - જાણે તેને કદી ઓળખ્યો જ ન હોય, અગર એને ઓળખવાની તેને પરવા જ ન હોય.

‘હા હા, સારું કર્યું, બહેન ! તું એમને અંદર લઈ આવી તે… એમને નકામાં બહાર બેસી રહેવું પડે… ચા આપ એમને.’ નવનીતલાલે કહ્યું.

ધર્મિષ્ઠ ગણાતા એ જ ધનિકને થોડા જ સમયમાં આખું અર્થશાસ્ત્ર શીખી લેવું હતું !

‘સુરેન્દ્રભાઈ અમારી ચા પીતા જ નથી.’ શ્રીલતા બોલી.

‘ટોસ્ટ તો આપ… જરા સારું માખણ અને મુરબ્બો લગાડીને.’ નવનીતલાલે કહ્યું. જનતાના મોટા ભાગને જિંદગીભર જે વસ્તુઓ મળતી નથી તે ધનિકોના ઘરમાં ચાર ચાર વખત જમી શકાય છે. નાનો ટોસ્ટનો ટુકડો સુરેન્દ્રને લેવો પડ્યો. પરંતુ જે બીજાને ન મળી શકે તે પોતાનાથી ન જ લેવાય એ તેનો નિશ્ચય દૃઢ થતો ગયો.

સુરેન્દ્ર એ પણ સમજી શક્યો કે જ્યોત્સ્ના તથા શ્રીલતાએ ગોઠવેલા નાટકમાં નવનીતલાલની પુત્રીઓને ભાગ લેવાનો ઉત્સાહ હતો, ને એ અંગે વાતચીત કરવા નવનીતલાલ તથા તેમનાં પત્નીએ જ્યોત્સ્ના તથા શ્રીલતાને બોલાવ્યાં હતાં. જ્યોત્સ્ના જાય ત્યાં મધુકરે જવું જ જોઈએ એવો લગભગ નિયમ થઈ ચૂક્યો હતો. અને જોકે મધુકરનાં માતાપિતાએ ધનિક ઘરની કન્યા લેવાની શર્તમાં વધારે પડતો લોભ દર્શાવ્યો હતો અને જ્યોત્સ્નાનાં માતાપિતાને નારાજ કર્યાં હતાં, છતાં એ પરિસ્થિતિને વાળી લેતાં મધુકરને નહોતું આવડતું એમ તો કહેવાય જ નહિ. પોતાનાં માબાપ દ્વારા પોતાની આર્થિક કિંમત કરાવી એ કિંમત જતી કરવાની ઉદારતા પ્રદર્શિત કરવાનું મધુકર ચૂકે જ નહિ… એ જાણતો જ હતો કે જ્યોત્સ્નાની મિલક્ત એ એની જ મિલકત હતી !

વધારામાં મધુકરે એ પણ સમજી લીધું હતું કે જ્યોત્સ્નાનો સુરેન્દ્ર પ્રત્યેનો પ્રેમ હજી પૂરો ઓસર્યો ન હતો. સુરેન્દ્રને વિચિત્ર, કફોડી અને જ્યોત્સ્નાનો પ્રેમ ઓસરી જાય એવી સ્થિતિમાં મૂકી દેવાની મધુકરને ઇચ્છા હતી જ. અને ઇચ્છા પાર પાડવાની યોજના પણ તે ઘડતો હતો. દરમિયાન એક યોજના એને એ જડી જ કે જ્યોત્સ્નાને બને ત્યાં સુધી એકલી મૂકવી જ નહિ. અને એ સિદ્ધાંત અનુસાર તે આજે જ્યોત્સ્નાની સાથે જ નવનીતલાલને ઘેર વગર આમંત્રણે પણ આવ્યો હતો. રાવબહાદુરના સેક્રેટરી તરીકે તેને હવે ધનિક ઘરોમાં માગે ત્યારે સ્થાન મળી શકતું. જ્યોત્સ્નાની સાથે ફરીને હવે મધુકર રાવબહાદુરના જમાઈનું સ્થાન નક્કીપણે જાહેર કરવા મથી રહ્યો હતો. સુરેન્દ્ર ઘરમાંથી રવાના થયો હતો, અને જ્યોત્સ્નાએ પોતાની સાથેના લગ્નની ના પાડી હોય એવો તેને આભાસ પણ થયો ન હતો - જ્યોત્સ્નામાં સંકોચ દેખાયો હોય છતાં.

તેમાં પાછી શ્રીલતાને એણે જોઈ અને સાથે જ હવે અણગમતા બની ગયેલા સુરેન્દ્રને પણ અણધાર્યો જોયો. એ ચમક્યો તો ખરો જ, પરંતુ એની તીવ્ર બુદ્ધિએ શ્રીલતા અને સુરેન્દ્રના પ્રવેશમાં પોતાનો માર્ગ મોકળો થતો પણ નિહાળ્યો. દસેક મિનિટ વહેલાં આવેલાં જ્યોત્સ્ના અને મધુકરને નવનીતલાલ, તેમનાં પત્ની અને બાળકો વહેલાં જ ચાખંડમાં લઈ આવ્યાં હતાં. શ્રીલતા કાંતો દસ મિનિટ વહેલી પણ આવી ચઢે અને દસ મિનિટ મોડી પણ આવે, એવી તેણે પોતાને માટે ખ્યાતિ મેળવી હતી. તે સહજ મોડી પડી અને એણે પણ સુરેન્દ્રને નવનીતલાલની રાહ જોતો અણધાર્યો જ નિહાળ્યો. સગપણને અંગે એ સુરેન્દ્રને અંદર તો લાવી શકી, પરંતુ એનો એક સુંદર ઉપયોગ કરવાની મધુકરને એમાંથી મુક્તિ જડી આવી એનો ખ્યાલ મધુકરને એકલાં મળતા સુધી શ્રીલતાને પણ આવ્યો નહિ.

ચા પીવાની ક્રિયા પૂરી થઈ. એ ક્રિયા પણ શ્રાદ્ધ કરવા જેટલો જ વિધિ માગી લે છે. નવનીતલાલે અંતે કહ્યું :

‘તો હું આ તમારા મિત્રને મારી સાથે લઈ જાઉ છું.’

‘કેમ ?’ શ્રીલતાએ કારણ પૂછ્યું.

‘મારે એમનું થોડું કામ છે.’

‘એની પાસે કામ ફાવે એટલું કરાવજો, પણ એને ચર્ચામાં ન ઉતારશો.’ મધુકરે મિત્રનો પરિચય આપ્યો.

‘કેમ?’ નવનીતલાલે પૂછ્યું.

‘એ નહિ હોય ત્યાંથી સામ્યવાદ ઊભો કરશે અને એને ગાંધીવાદી અંચળો ઓરાઢશે.’ શ્રીલતાએ જ મધુકરનો જવાબ આપી દીધો.

ચબરાક વાતની પટાબાજી ઉપર રીતસર હસવું જોઈએ. તે પ્રમાણે. હસ્યાં. એક અક્ષર ઉચ્ચાર્યા વગર બેઠેલા સુરેન્દ્રને સાથમાં લઈ નવનીતલાલ પોતાના કાર્યખંડમાં ગયા. જતે જતે સુરેન્દ્રને શ્રીલતાએ કહ્યું:

‘સુરેન્દ્ર ! અમારું “સ્ટેજ રીહર્સલ” એક અઠવાડિયામાં જ થવાનું છે. તારા વગર અમે એ કરીશું નહિ. ગરીબોની સેવા એ દિવસે જરા મુલતવી રાખજે.’

‘ક્યાં રાખ્યું છે ?’ જતે જતે સુરેન્દ્રે પૂછ્યું.

‘રાવબહાદુરને બંગલે...જ્યોત્સ્ના બીજે ક્યાં થવા દે એમ છે ?’ કહી શ્રીલતા હસી.

એ જ ક્ષણે સુરેન્દ્ર સામે આટલી વારે જ્યોત્સાએ જોયું... સુરેન્દ્ર પણ જ્યોત્સ્ના સામે જોયું અને બન્નેએ પોતપોતાની દૃષ્ટિ ખસેડી લીધી. સુરેન્દ્ર અને નવનીતલાલ ખંડની બહાર નીકળી ગયા.

મધુકર અને શ્રીલતા જ્યારે જ્યારે મળતાં ત્યારે એકાંત શોધી કાઢતાં... અને લડતાં... આજ પણ શ્રીલતાએ જ કહ્યું :

‘ઉષાબહેન ! તમારું સંગ્રહસ્થાન હું મધુકરને બતાવી દઉં. જ્યોત્સ્ના ! તેં તો જોયું છે. ઉત્સવ અંગેની બધી વાત ઉષાબહેનને તું સમજાવ. એમની પાસેથી નાટકની અનેક વસ્તુઓ મળે એમ છે.’

મધુકર પણ આજ બહુ દિવસે અણગમો દર્શાવ્યા સિવાય ઊભો થઈ શ્રીલતા સાથે જરાય આનાકાની વગર બહાર નીકળી ગયો. જ્યોત્સ્નાએ ઉષાબહેનને અને તેમની નાનીમોટી દીકરીઓને ગ્રામ્યદૃશ્ય ભજવવા અંગે વાતો કરી. અને તેમાં સહુ કોઈ ભાગ લે એવી ઇચ્છા પણ વ્યક્ત કરી.

‘હું તો હવે શું ભાગ લઉં ? પણ આ છોકરીઓ જરૂર આવશે.‘ ઉષાબહેને કહ્યું. ઉષા નામ ધારણ કરનારી સન્નારીઓએ મોટે ભાગે પોતાના જીવનમાં કાંઈ અને કાંઈ નાટકો કરેલાં જ હોય એમ નામની નવીનતા અને મૂળ નામધરી બાણાસુરની ઉષાના ઈતિહાસ ઉપરથી કહી શકાય ખરું. નવનીતલાલનાં પત્ની ઉષાબહેનને પણ એમના યુગમાં સારાં નાટક, મૂક દ્રશ્યો અને નૃત્યો ગોઠવેલાં - જે ઉપરથી નવનીતલાલે તેમના પ્રેમમાં પડી બીજી કન્યાઓને બાજુએ મૂકી ઉષાબહેન જોડે સ્નેહલગ્ન કરેલાં. જીવનમાંથી સ્નેહ જવા છતાં લગ્ન તો વળગેલું જ રહે છે ! નવનીતલાલ અને ઉષા વચ્ચે સ્નેહ ઘટ્યો હોય એમ બેમાંથી કોઈ પણ જણાવા દેતું નહિ. અને તેથી એ બન્ને પતિપત્ની ઘણાં ઘણાં સંસ્કારવર્ધક કાર્યોમાં ભાગ લેતાં હતાં અને અનેક સંસ્થાઓનાં મુરબ્બી સભ્યો તરીકે કલા-સંસ્કારને મદદ કરતાં.

લગભગ પોણો કલાક થયો. મધુકર અને શ્રીલતાએ નવનીતલાલનું સંગ્રહસ્થાન બહુ વિગતે નિહાળ્યું. જ્યોત્સ્નાએ દૃશ્યનો આખો ચિતાર અનુભવી ઉષાબહેનને સમજાવ્યો અને એમની સૂચનાઓ ધ્યાનપૂર્વક નોંધી રાખી તેમની સહાય નક્કી કરી.

જવાનો સમય તો સહુને માટે છે જ !

જ્યોત્સ્નાએ ઉષાબહેનની રજા લઈ શ્રીલતાને કહ્યું :

‘ચાલ, શ્રીલતા ! હું તને મૂકી દઉં.’

‘ના. તું અને મધુકર બન્ને સાથે જાઓ ને? હું તો આજ સુરેન્દ્રને લઈને જવાની છું.’ શ્રીલતાએ કહ્યું.

મધુકર અને જ્યોત્સ્નાએ શ્રીલતા સામે જરા તાકીને જોયું અને બન્નેએ વિદાય લીધી.

સુરેન્દ્રની રાહ જોતી શ્રીલતા નવનીતલાલના ખંડમાંથી સુરેન્દ્ર બહાર નીકળે એની ખબર મંગાવી બેઠી હતી. ખબર આવી એટલે શ્રીલતાએ પણ વિદાય લઈ સુરેન્દ્રનો સાથ લીધો.

બંગલાની બહાર નીકળતાં જ સુરેન્દ્રે પૂછ્યું :

‘શ્રીલતા ! આજ મારા ઉપર કેમ કૃપા કરી ?.. ગાડી કરી લાવું?’

‘ના. ગાડીમાં ઝડપથી જવાય. મારે તારી સાથે લાંબી વાત કરવી છે. તારા ઉપર મારી કેમ કૃપા થઈ છે એનું કારણ હું તને ચાલતે ચાલતે કહીશ.’ શ્રીલતા બોલી.

‘વાત કરી શકાય એવું એકાંત પણ લાંબે સુધી ચાલશે.’ સુરેન્દ્ર હસીને કહ્યું.

‘ત્યારે તને પણ મારી સાથેનું એકાંત ગમ્યું ખરું !’

‘એટલે ?’ જરા ચમકીને સુરેન્દ્ર બોલ્યો.

‘એટલે કાંઈ નહિ. મધુકરે મને આજ બહુ જ લાંબી અને ગમે એવી શિખામણ દીધી.’

‘શાની ?’

‘મારે તારી સાથે પ્રેમ કરવો એવી શિખામણ !’ સ્વસ્થતાપૂર્વક શ્રીલતાએ કહ્યું.

‘શ્રીલતા ! મારી સાથે પ્રેમ ? મશ્કરી ન કરીશ... હું તો પ્રેમથી ભાગનારો માનવી છું.’

‘પરંતુ મધુકર તને વધારે જાણે છે. એમ કહે છે કે મારો પ્રેમ કરવા લાયક કોઈ પણ યુવક હોય તો તે તું જ છે !’ શ્રીલતાએ કહ્યું. રસ્તો શૂન્ય હતો એટલે યુવકયુવતીની પ્રેમની વાત પ્રેરી શકે એવો હતો.

‘પછી ?’

‘પછી શું ? તુંયે કેવો પ્રશ્ન કરે છે ? પછી એટલું જ કે.. તને હું પૂછી લઉં, તારી સાથે પ્રેમમાં પડવાની મને રજા છે ખરી ?’ શ્રીલતાએ જરા હસીને જવાબ આપ્યો.

‘તું ખોટું તો નહિ લગાડે? મારે એક પ્રશ્ન તને કરવો છે.’

‘વારુ. આજની સ્ત્રીએ ગમે તેવા પ્રશ્નોથી ટેવાઈ જવું જોઈએ. ફાવે તે પ્રશ્ન પૂછે લે.’

‘તું અને મધુકર... એવાં પ્રેમી ગણાતાં... કે તમારાં લગ્નની અમે સહુ રાહ જોતાં હતાં... એ આજ કેમ બદલાઈ ગયું ?’

‘સુરેન્દ્ર ! પ્રેમની વ્યાખ્યા જ આપણે ખોટી કરીએ છીએ. પ્રેમ અચલ હોઈ શકે જ નહિ. એ ફરતો જ રહે. આપણે નાહક એની સ્થિર સ્થાપના કરવા માગીએ છીએ... મધુકરને પહેલાં હું ગમતી હતી. હવે એને જ્યોત્સ્ના ગમે છે...’ કહી શ્રીલતાએ ચાલતે ચાલતે સુરેન્દ્રની સામે જોયું. જ્યોત્સ્નાનું નામોચ્ચારણ પણ સુરેન્દ્રને ગમતું હોય એમ શ્રીલતાને લાગ્યું.

‘જ્યોત્સ્નાને પણ હવે મધુકર ગમતો જ હશે ને ?’ સુરેન્દ્ર પૂછ્યું.

‘તે સિવાય બન્ને ભેગાં અને ભેગાં અડકી અડકીને ફરતાં હશે ? તું જોતો નથી, આવ્યા સાથે અને ગયાં સાથે... મને કે તને લીધા વગર... મધુકરને બોલાવ્યો નહોતો, છતાં એને સાથે લઈને જ જ્યોત્સ્ના આવી !’

‘હં.’ સુરેન્દ્રે લાંબો જવાબ ન આપ્યો.

‘એટલું કહીને અટકી જવાની જરૂર નથી... મારા પ્રશ્નનો જવાબ તેં કેમ ન આપ્યો ?’

‘કયો પ્રશ્ન ?’

‘તારી સાથે પ્રેમમાં પડવાની પરવાનગી બદલનો.’

‘શું તુંયે શ્રીલતા? ઘેલી વાત કરે છે? પ્રેમની પરવાનગીઓ હોતી હશે ?’

‘હાસ્તો. તેં બિચારી જ્યોત્સ્નાને નિરાશ કરી... એટલે એ બીજું શું કરે ?... મધુકર હા પાડશે ત્યાં સુધી એની સાથે ફરશે... તમે પુરુષોએ સ્ત્રીઓની કેવી બૂરી હાલત કરી છે એનું તમને ભાન જ નથી હોતું... ચાલ ત્યારે... આપણે પણ પ્રેમની રમત અત્યારથી શરૂ કરીએ... જો પેલી ગાડી જાય..હું થાકી છું...એ ગાડીવાળા !’ બૂમ પાડી શ્રીલતાએ રસ્તે જતી રિક્ષાને આમંત્રણ આપ્યું અને પોતે પહેલી બેસી ગઈ.

સુરેન્દ્ર સાથે જવાની આનાકાની કરી એટલે શ્રીલતાએ તેનો હાથ ખેંચી ગાડીમાં લઈ લીધો અને ગાડી ચાલવા લાગી.

‘તારે આનાકાની કરવાની જરૂર નથી. હું જાણું છું તારી પાસે ગાડી કરવા જેટલો પૈસો નહિ જ હોય.’ શ્રીલતાએ કહ્યું.

‘આ ગાડીના પૈસા હું જ આપવાનો છું.’ સુરેન્દ્રે દૃઢતાથી કહ્યું.

‘મારી પાસેથી ઉછીના લઈને જ ને ? ’હસીને શ્રીલતા બોલી.

‘કોણે આપ્યાં ?’

‘નવનીતલાલે.’

‘એ તે પહેલા આપે? નોકરી તો તું આજે શરૂ કરે છે.’

‘છતાં આપ્યા... અને તને નવાઈ લાગશે કે એમાં જ્યોત્સ્નાની જ ભલામણ હતી.’

‘એટલે ?’

‘મારી નોકરીની - નોકરીની શરત - એણે પહેલેથી જ ગોઠવણ કરી હતી... એમાં મુખ્ય શરત એ હતી કે મહિના સુધી મને રોજિંદો પગાર આપવો...’

શ્રીલતાના મુખ ઉપર જરા પ્રસન્નતા વ્યાપી. જરા વાર રહી સુરેન્દ્રે કહ્યું :

‘શ્રીલતા ! મારો એક સંદેશો જ્યોત્સ્નાને ન પહોંચાડે ?’

‘તે તું જ પહોંચાડ ને ? તારે અને એને બોલવાની તો બાધા નથી ને?’

‘હમણાંની એ બોલતી નથી મારી સાથે.’

‘કહેઃ શું કહેવું છે ?’

‘જ્યોત્સ્નાને એમ કહેજે કે મારી ચિંતા કરવી મૂકી દે.’

‘એક શરતે - કહીશ.’

‘શી શરત ?’

‘હું તારી સાથે પ્રેમ કરતી રહીશ...’ કહી શ્રીલતા ખડખડ હસી અને સુરેન્દ્ર ચમકી ઊઠ્યો.