સ્નેહસૃષ્ટિ/રાજકુમારીની વાર્તા
← આશાની મીટ | સ્નેહસૃષ્ટિ રાજકુમારીની વાર્તા રમણલાલ દેસાઈ |
સરળ બનતો માર્ગ → |
પરંતુ કોણ જાણે કેમ મધુકરે જ્યોત્સ્નાનો સ્પર્શ કરવાનો વિચાર એકાએક માંડી વાળ્યો. જોકે તેને એમ લાગ્યું ખરું કે તેના સરખા પ્રેમીએ અહીં જ્યોત્સ્નાનો સ્પર્શ ન કરવામાં ભૂલ કરી ખરી ! કદાચ એ ભૂલ ન પણ હોય. સંયમ અને સંકોચ કદી પ્રેમની પવનપાવડી પણ બની શકે ! થોડીક ક્ષણો બાદ જ્યોત્સ્નાએ પાછળ જોયું. તે જાણતી જ હતી કે મધુકર તેની પાછળ ઊભો છે, છતાં તેણે પ્રશ્ન કર્યો :
‘હજી તું અહીં છે શું મધુકર ?’
‘હા, તું આજ્ઞા ન આપે ત્યાં સુધી મારાથી કેમ જવાય ?’ મધુકરે હસીને કહ્યું.
‘તો આપ પધારી શકો છો હવે.’ જ્યોત્સ્નાએ સામેથી હસીને કહ્યું.
‘પરંતુ ફરી પાછા ફરવાની આશાએ હું જાઉં છું.’
‘ “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.” હું જાણું છું, તું પાછો આવ્યા વિના રહેવાનો નથી.... અને તું નહિ આવે તો હું તને જરૂર બોલાવીશ. બસ ?’ જ્યોત્સ્નાએ સુપ્રસિદ્ધ ગઝલની સાથે પોતાનો જવાબ આપ્યો. અને મધુકર બારણા બહાર નીકળી ગયો. ત્યાંથી પણ તેણે પાછળ ફરી જ્યોત્સ્ના તરફ એક સ્મિત ફેંક્યું અને જ્યોત્સ્નાએ જ પોતાના ખંડનું બારણું બંધ કર્યું.
જ્યોત્સ્ના એકલી પડી અને તેણે પોતાના મેજ ઉપર એક નાનકડી પડેલી ચિઠ્ઠી જોઈ. સુરેન્દ્રના એ અક્ષર હતા. ચિઠ્ઠી વાંચી અને જ્યોત્સ્ના સહજ હસી. એ ચિઠ્ઠી એણે આજ બીજી વાર વાંચી શું ?... હવે એ ચિઠ્ઠી વાંચીને એણે ફાડી નાખી. તે પુસ્તક લઈ વાંચવા બેઠી. પુસ્તકને એણે વાંચતાં વાંચતાં પાછું ફેંકી દીધું, અને તેણે કોઈ નકશો જોવા માંડ્યો. પછી તો જમવાનો સમય થયો. કૉલેજમાં એ જઈ આવી અને બપોર વીતતાં પાછી આવી પોતાના ખંડમાં બેસી ગઈ. તેણે પોતાની ઘડિયાળ સામે થોડી વારે જોયું અને તે એકાએક ઊભી થઈ. પછી અભ્યાસખંડમાં આયાના સામે ઊભી રહી તેણે પોતાના વાળ સમાર્યાં, આછું આછું ગીત ગાયું અને ગીત ગાવું અને ગીત ગાતે ગાતે આયના સામે જોઈને નવું વસ્ત્ર પણ ધારણ કરવા માંડ્યું. આયનામાં પુરુષના દેહ પુરુષને સુંદર લાગે તો પછી આયનામાં સ્ત્રીને પોતાનો દેહ સુંદર લાગે એમાં નવાઈ નથી ! સામાન્યતઃ એમ મનાતું કે જ્યોત્સ્નાને પોતાના સૌંદર્યનું પૂરું ભાન નથી; પરંતુ સૌંદર્યના ભાન વગરની કોઈ સ્ત્રી જન્મી જ નથી. ત્વચા, મુખ, આંખ અને વસ્ત્રમાં કોઈ પણ પ્રકારનું રંગપ્રમાણ બંધ બેસતું આવે છે કે નહિ તે જોવામાં મશગૂલ રહેલી જ્યોત્સ્નાએ વસ્ત્રની પસંદગીમાં વાર કરવા માંડી. એક વસ્ત્ર નાપસંદ કરી બીજું લીધું અને બીજું નાપસંદ કરીને ત્રીજું લીધું. ધનિકતાને અને ધનિકતાના સ્ત્રીવિભાગને કપડાંની કદી ખોટ પડતી નથી... જોકે તેમને... તો કપડાંના દુષ્કાળનો ભાસ ચારે બાજુએ લાગ્યા જ કરે છે ! ત્રીજું વસ્ત્ર જ્યોત્સ્નાને ગમ્યું લાગ્યું. વસ્ત્રને વીંટાળતાં વીંટાળતાં તેણે વસ્ત્રને પોતાના હાથ સાથે, બંગડીના રંગ સાથે. કાનના લોલક-રત્ન સાથે અને અંતે લલાટ અને વાળ સાથે રંગ મેળવણીની દૃષ્ટિએ સરખાવી જોયું અને તેની ઘડિયાળમાં ચાર ટકોરા વાગ્યા. એકાએક તેણે પાછળ જોયું. પાછળ બારણું ખાલી બંધ હતું, એટલી જ જાણે ખાતરી કરવી હોય તેમ તેણે સહજ ગાતે ગાતે પોતાની એક સુંદર સાડી ઓઢવા માંડી. અને ઓઢવામાં અત્યાર સુધી શિથિલતા હતી તે દૂર કરી. પરંતુ તે વસ્ત્ર પહેરી રહી નહિ અને બારણા પર ટકોરા પડ્યા. જ્યોત્સ્નાએ વસ્ત્ર પહેરવામાં વધારે ઝડપ કરી, છતાં તે વસ્ત્રને પૂરું ગોઠવી શકી નહિ. બીજી વાર ટકોરા પડ્યા અને જ્યોત્સ્નાએ કહ્યું :
‘બારણું ખુલ્લું છે; આવો જે હો તે.’
આયનામાંથી જ્યોત્સ્ના જોઈ શકી કે સુરેન્દ્ર બારણામાંથી પ્રવેશ કરતો હતો. દેહ ઉપર વસ્ત્ર વીંટતી. વનિતાઓને નિહાળી સજ્જનો આડા ફરી જાય છે અને અર્ધ સજ્જનો આડા ફર્યા છતાં આંખને ખૂણે વસ્ત્ર તથા વનિતા બંને દેખાય એમ કીકીને ગોઠવે છે. સુરેન્દ્રે સંપૂર્ણ આંખ ફેરવી લીધી અને જ્યોત્સ્ના તરફ પીઠ ફેરવીને એક પુસ્તક જોવા માંડ્યું. વસ્ત્ર પૂરેપૂરું ગોઠવતે ગોઠવતે તેના ભણી ફર્યા વગર જ જ્યોત્સ્નાએ કહ્યું:
‘બહુ દિવસે દેખાયો, સુરેન્દ્ર !’ કહી હજી પણ વસ્ત્રને ગોઠવતી સુરેન્દ્ર તરફ તે આવી. એક ખુરશી પર બેઠી અને પાછું કહ્યું
‘બિરાજો, મહાશય ! આટલે દિવસે આવ્યા ખરા !’
સુરેન્દ્ર સામી ખુરશી ઉપર બેઠો અને જ્યોત્સ્ના સામે જોયા વગર જ તેણે જવાબ આપ્યો - સહજ અટકી અટકીને :
‘હું તો... ઠર્યા પ્રમાણે... અઠવાડિયે ત્રણ દિવસ આવી જાઉં છું.’
‘પછી?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.
‘પછી શું ? પછી તું મળે જ નહિ, એટલે આ ચિઠ્ઠી લખીને હું જરા વહેલો આવ્યો. તને કાંઈ હરકત તો નથી ને ?’
‘હરકત હોય તોયે શું ! તું હવે આવ્યો જ છો, એટલે? પણ જો, સુરેન્દ્ર જરા મારી સામે જો... હાં, એમ... હું હમણાં તો ઘણુંખરું પાંચ વાગ્યાથી મધુકર સાથે ફરવા જાઉ છું.’ કહી જ્યોત્સ્નાએ સુરેન્દ્ર તરફ જોવાનું ચાલુ રાખ્યું.
‘હં... સારું...’ સુરેન્દ્રે જવાબમાં કહ્યું, અને આંખ ફેરવી લીધી.
‘પણ હું ક્યાં ક્યાં એની સાથે જાઉ છું એની તને ખબર છે ? ક્લબમાં, સિનેમામાં, હૉટેલમાં, કોઈ મિત્રને ત્યાં અગર બાગમાં... મધુકર જ્યાં લઈ જાય ત્યાં હું જાઉં છું.’
‘ઘણું સારું. તારે આ રીતે ફરવાની સહેજે જરૂર જ હતી. અને ખાસ કરીને તું જે દુનિયામાં રહે છે, તેમાં તો બહુ જ જરૂરી.’ સુરેન્દ્રે મુખ ઉપર કોઈ પણ મનોભાવ વ્યક્ત કર્યા સિવાય કહ્યું.
‘ફરવું એ જરૂરી ખરું. પરંતુ મારો અભ્યાસ એ પણ જરૂરી ખરો ને?’
‘તારો અભ્યાસ તો સારો ચાલે છે; તારા પ્રોફેસર તારાથી રાજી છે.’ સુરેન્દ્રે કહ્યું.
‘પરંતુ તું ક્યાં રાજી છે. મારા અભ્યાસથી ?’ જ્યોત્સ્નાએ સહજ તીખાશથી કહ્યું.
‘જ્યોત્સ્ના ! અભ્યાસમાં તને કદી મારી જરૂર હતી જ નહિ. એ મેં તને પહેલેથી જ કહ્યું હતું, અને કહેતો જ આવ્યો છું અને અત્યારે પણ કહું છું કે મારા વગર પણ તારો અભ્યાસ સારો ચાલે છે.’ સુરેન્દ્રે જવાબ આપ્યો.
‘હું તને સમજી શકતી નથી, કે તું મને સમજી શકતો નથી ? ખામી તારામાં છે કે મારામાં?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.
‘ખામી મારામાં જ છે એમ માની લેજે. મને સમજવો એ બહુ અઘરું કામ નથી.’ સુરેન્દ્રે જરા સ્મિત કરી કહ્યું.
‘હું અને તું બંને જવલ્લે જ હસીએ છીએ. તને આ ક્ષણ સ્મિત કરવા સરખી લાગતી હોય તો તું જાણે. પરંતુ હું મધુકર સાથે હરવાફરવા જાઉં છું એ તો તેં સાંભળી લીધું ને?’
‘હા, અને નોંધી પણ લીધું.’
‘સુરેન્દ્ર ! તારામાં અદેખાઈ નહિ હોય એ હું જાણું છું. મને એ ગમ્યું જરૂર... પણ તારામાં જરાય અભિમાન છે ખરું ?’
‘શાનું અભિમાન ?’
‘રૂપનું, ભણતરનું, શક્તિનું, ભાવનાનું… અને તારા પૌરુષનું… કશાનુંય અભિમાન છે ખરું ?’
‘તારે શું કહેવરાવવું છે ?’
‘કે તારામાં અભિમાન છે.’
‘અને હું એમ ન કહું તો ?’
‘તો… હું... તને થોડું અભિમાન ઉછીનું આપીશ.’
‘જ્યોત્સ્ના ! મારું પોતાનું અભિમાન ઘસાઈ ઘસાઈને ઊડી ગયું છે. તું ઉછીનું અભિમાન આપીશ તેયે ઘસાઈને ઊડી જશે તો ?’
‘મારી પાસે અખૂટ અભિમાન છે… અભિમાનનો ભંડાર ભર્યો છે… ખૂટે ત્યારે હું તને આપ્યે જઈશ; માગી લેજે… મારી સાથે રહેવું હોય તો…’
‘હું કાંઈ પણ માગતો આવીશ તે ક્ષણે તારા મહેલના દરવાજા આપોઆપ મારી સામે બંધ થઈ જશે.’
‘તું મારી પાસે અભિમાન માગીશ તોપણ ? એ કાંઈ કિંમતી વસ્તુ નથી…’ જ્યોત્સ્ના બોલી.
‘હા, કાંઈ પણ માગવું એટલે જીવ વગરનું ખોખું મેળવવું… માગ્યે અભિમાન પણ તું મને નહિ આપે !’ સુરેન્દ્રે જવાબ આપ્યો.
‘એમ ? તને એ બીક લાગે છે !… વારુ !… તને વધારે પિછાનવો જોઈતો હતો… કહે… મારા દરવાજામાંથી બહાર નીકળી હું તને અભિમાન આપવા તારે ત્યાં આવું તો ?… તારે માગવાપણું રહેશે જ નહિ.’
સુરેન્દ્ર થોડી ક્ષણ જ્યોત્સ્ના સામે જોઈ રહ્યો; જ્યોત્સ્ના પણ તેની સામે જ જોઈ રહી હતી. બંનેની આંખમાં ક્ષણભર કોઈ પ્રેમની જ્વાલા ઝબકી રહી હતી. સુરેન્દ્રે આંખ ખસેડી લીધી. માથા ઉપર પોતાનો હાથ ફેરવ્યો, અને બંને હાથ ભેગા કરી સહજ મસળ્યા… જાણે વસ્તુને હાથમાંથી એ ખંખેરી નાખી સાફ કરતો હોય તેમ.
‘તું કાંઈ સમજ્યો ?… કે વધારે સમજણ આપું ?’ સુરેન્દ્રની શાંતિ અસહ્ય થઈ પડતાં જ્યોત્સ્નાએ પૂછ્યું.
‘એટલે… મારામાં અભિમાન તો નથી જ… સાથે સમજ પણ આછી છે, ખરું જ્યોત્સ્ના ?’ સહજ હસીને સુરેન્દ્રે પૂછ્યું.
‘તારામાં અભિમાન નથી એમ તું કહે છે… તારામાં અભિમાન કરતાં પણ અક્કલ ઓછી છે એમ હું કહું છું… સાચું એ તો ભાવિ કહેશે… પણ… સાંભળ, એક નાની સરખી વાત હું તને કહું.’ જ્યોત્સ્ના બોલી.
‘વાંચવું નથી ?… પાછો તારે મધુકર સાથે ફરવા જવાનો સમય થશે.’
‘ભલે થાય… મધુકર આવશે તો એ પણ મારી વાર્તા સાંભળશે… હવે તારી સાથે વાંચવું તો છે જ નહિ… માત્ર તારી સાથે એક જ કામ રહ્યું છે… તને એક વાર્તા કહેવાનું !’
‘કહે ભલે ! હું સાંભળીશ.’
‘અને સમજીશ એમ કહે.’
‘હા; સમજીશ.’
‘જો… એક લાંબી વાર્તા માંડું… સાંભળ… એક હતો રાજકુમાર; એને ચાહતી હતી એક રાજકુમારી…’
‘હં… પછી ?’ વાર્તા ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવાનો ડોળ કરી સુરેન્દ્રે કહ્યું.
‘વચમાં આવ્યો એક લૂંટારો…’
‘હં’
‘એ લૂંટારાને જોઈએ રાજકુમારીનાં ઘરેણાં, લૂગડાં, મિલકત અને રાજ્ય… કારણ રાજ્યની વારસ પણ હતી એ રાજકુમારી…’
‘પછી ?’
‘એ લૂંટારામાં ઠીક ઠીક અક્કલ હતી… એણે જોયું કે રાજકુમારીને ઉપાડી જવામાં જ એને બધું મળે એમ હતું. એણે રાજકુમારીને ઉપાડી જવા માંડી…’
‘હં… પણ એ સામી ન થઈ ?’
‘એ વાર્તા હજી આગળ આવશે… સાંભળ તો ખરો !… એ લૂંટારાને લૂંટનો માર્ગ ચીંધનાર જ પેલો રાજકુમાર, જેને રાજકુમારી ચાહી રહી હતી તે જ.’
‘સરસ વાર્તા છે. રોમાંચભરી ! પછી ?’ સુરેન્દ્રે કહ્યું.
‘પછી તો… લૂંટારાએ રાજકુમારીને ઊંચકવા માંડી… ઊંચકી પણ ખરી… એને ઊંચકીને ચાલવા પણ માંડ્યું…’
‘એમ ?’
‘અરે, સાંભળ તો ખરો ! રાજકુમાર જાણે છે કે રાજકુમારી એને ચાહે છે… રાજકુમાર જુએ છે કે લૂંટારો તેને ઊંચકી જાય છે… હવે રાજકુમારી પૂછે છે કે રાજકુમારને આંખ છે કે નહિ ?… રાજકુમાર કહે છે કે એને પોતાને આંખ છે… છતાં એ લૂંટારાની સામે થતો નથી… રાજકુમારીની બૂમ તે સાંભળે છે છતાં…’ જ્યોત્સ્નાએ અસરકારક ઢબે વાર્તા કહી.
‘પછી ?’ નિષ્ક્રિય ઢબે સુરેન્દ્રે પૂછ્યું.
‘પછી પછવાડું અને આગળ ભીંત !… નથી કહેવી મારે વાર્તા આગળ ! જાણી જોઈને જે વાતોની કહેણી બગાડે એને વાર્તા શી કહેવી ?’ કહી જ્યોત્સ્ના જરા મુખ ફેરવી બેઠી.
સુરેન્દ્ર પણ થોડી ક્ષણ શાંત બેઠો અને અંતે એણે એક નિઃશ્વાસ સહ કહ્યું :
‘જ્યોત્સ્ના ! તારા જીવનમાં રાજ્ય, રાજકુમાર કે રાજકુમારી છે જ નહિ.’
‘તે તેં જ્યોતિષીને પૂછ્યું હશે, ખરું ?’
‘માનવ વિશ્વમાં જ્યોતિ જ ક્યાં છે તે હું પાછો જ્યોતિષને પૂછવા જાઉ ? વાતો આગળ લંબાવવી હોય તો હવે એમ કહે…જે રાજકુમાર આમ જોવા છતાં નિષ્ક્રિય બની બેઠો. હાલ્યોચાલ્યો નહિ અને રાજકુમારીએ છોડી દીધો, એની સામે પણ જોયું નહિ, એનું નામ પણ લીધું નહિ અને સાહસિક લૂંટારાને રાજકુમારીએ વરમાળા આરોપી દીધી…’ સુરેન્દ્રે આગળ વાર્તા કહી.
‘એટલે એમ કહેને કે રાજકુમારને રાજકુમારી ગમતી જ ન હતી ! નહિ ?’
‘ગમતી હોય તોય ! રાજકુમારના ઝુંપડી બની ગયેલા રાજમહેલમાં રાજકુમારીને સુખથી રાખી શકાય એમ ન હોય… તો રાજકુમાર બીજું શું કરે ? સુરેન્દ્રે જવાબ આપ્યો.
‘પરંતુ… રાજકુમારી રાજ્ય ને રાજમહેલ પોતાની સાથે લઈને આવતી હોય તો ?’
‘પત્નીને વૈભવે જીવતો પુરુષ પતિત છે, જ્યોત્સ્ના !’ સુરેન્દ્રે કહ્યું.
‘અને સ્ત્રીઓએ પતિના વૈભવ ઉપર જીવવું, નહિ ?’
‘કોઈ કોઈના વૈભવ ઉપર ન જીવે… પોતપોતાની શ્રમકમાણી ઉપર જીવે… અને સહુ જીવે… એવી દુનિયા હું માગું છું. જ્યોત્સ્ના !’
‘ધર્મ થયા, ધર્માચાર્યો થયા : ફિલસૂફી રચાઈ અને ફિલસૂફો ઊપજ્યા, ધન ઊપજ્યું. રાજા-મહારાજા અને સરમુખત્યાર જમ્યા; યુદ્ધો થયા, સેનાપતિ થયા અને યુદ્ધશાંતિ પણ થઈ ચૂકી. છતાં માનવજાતને માથેથી ગરીબીનો કાળો કાંટાળો તાજ હજી ખસ્યો નથી… કોનું અભિમાન રહે ? ક્યાં અભિમાન રહે ?’ સુરેન્દ્ર બોલ્યો.
‘રાજકુમારના હૃદયમાં સ્થાન હશે તો રાજકુમારીને ઝૂંપડીની ગરીબી કદી ગભરાવી શકે એમ નથી… મહેલનિવાસીને ઝૂંપડીનો નિવાસ ન જ ગમે એમ ન માનીશ… તારામાં અભિમાન આવે તે દિવસે મને સંદેશો મોકલજે… મારે કહેવાનું મેં કહી દીધું. તું હવે જઈ શકે છે… મારે હવે તારી પાસે ભણવું નથી.’ કહી જ્યોત્સ્ના ઊભી થઈ ગઈ અને તેના ખંડને બારણે ટકોરા પડ્યા.