સ્નેહસૃષ્ટિ/વીંટીનો ઘા
← ફૂલમાં કંટક | સ્નેહસૃષ્ટિ વીંટીનો ઘા રમણલાલ દેસાઈ |
ચિત્રપટ → |
મધુકર સહજ ચમક્યો. ફૂલમાં કાંટો ક્યાંથી ? પરંતુ એક ક્ષણ માટે તેને એમ લાગ્યું કે તેના અને શ્રીલતાના સ્નેહસંબંધનો આ ઢબે ઉલ્લેખ કરી જ્યોત્સ્ના તેને ચીડવવા માગે છે; અને પ્રેમીને ચીડવવામાં પણ પ્રેમપ્રદર્શન જ રહેલું છે એમ મધુકર સરખા અનુભવી પ્રેમીને લાગે એમાં નવાઈ પણ નહિ.
વળી જ્યોત્સ્નાએ પોતાનો હાથ ખેંચી પણ લીધો ન હતો. જો શ્રીલતા ખરેખર આવી હોત તો તેણે પોતાનો હાથ જરૂર પાછો ખેંચી લીધો હોત ! પ્રેમતુમાખીમાં મધુકરે પાછળ જોયું જ નહિ; જ્યોત્સ્નાનો હાથ પકડી રાખ્યો, અને જ્યોત્સ્નાએ પણ પોતાનો હાથ તેના હાથમાં રહેવા દીધો ! પરંતુ શ્રીલતાને સંબોધીને જ્યોત્સ્નાએ વાત લંબાવી ત્યારે મધુકર ખરેખર ચમકી ઊઠ્યો.
‘જો ને, આ મધુકર, શ્રીલતા ! હું કદી કોઈ પુરુષની સાથે શૅકહેન્ડ કરતી નથી તોય મધુકરે મારો હાથ ક્યારનોય પકડી રાખ્યો છે. હવે તું એને હાથફેર કરાવ ને જરા ? મધુકરને તો તારોય હાથ સરખો છે અને મારો હાથ પણ સરખો છે !’
જ્યોત્સ્ના હસતે હસતે બોલી, અને તેનો હાથ છૂટો થયો એટલે શ્રીલતા અને મધુકરને એકલાં છોડી જ્યોત્સ્ના ઝડપથી બગીચામાં બીજે સ્થળે ખસી ગઈ. મધુકરે સહજ પાછળ જોયું તો ખરેખર શ્રીલતા આવીને ઊભેલી જ દેખાઈ ! મધુકરે જ્યોત્સ્નાનો પકડેલો હાથ તેણે જરૂર જોયો હોવો જોઈએ. એને જ્યોત્સ્નાએ શ્રીલતાને કરેલું સંબોધન એ મધુકરને ચીડવવાનો જ્યોત્સ્નાનો પ્રેમપ્રયોગ નહિ પરંતુ સત્ય વસ્તુસ્થિતિ હતી, એમ પણ હવે મધુકરને લાગ્યું. શ્રીલતાનું મુખ પણ કોઈ પ્રેમઘેલી પ્રિયતમાનું મુખ ન હતું. પરંતુ ગાંભીર્યમાંથી વધતા જતા ક્રોધનું નિરૂપણ કરતું મુખ હતું, એમ પણ મધુકરને લાગ્યું. ક્ષણ બે ક્ષણ, મધુકરે મૂંઝવણ અનુભવી ખરી. એ મૂંઝવણમાં તેણે પોતાની બે હથેલીઓ સહેજ ભેગી કરી મસળી, મસ્તકના પાછલા ભાગ ઉપર ડાબો હાથ ફેરવ્યો અને એકાએક મૂંઝવણ ઉપર વિજય મેળવી, મુખ ઉપર સ્મિત લાવી, જાણે કંઈ બન્યું જ ન હોય એમ મધુર કંઠે તેણે કહ્યું :
‘શ્રીલતા ! તું ?’
‘હા, મધુકર ! હું જ શ્રીલતા.’ જરા ગંભીરતાથી શ્રીલતાએ કહ્યું. યુવતીઓનાં રૂપાળાં મુખ પણ કદી કદી ભયાનક બની જતાં હશે ખરાં !
‘બહુ દિવસે મળી.’ મધુકરે કહ્યું.
‘તું હવે મોટો માણસ બની ગયો. તને અકસ્માત સિવાય કેમ મળી શકાય ?’
એકાએક મધુકરે શ્રીલતાને ખભે હાથ મૂક્યો, અને અત્યંત ભાવપૂર્વક તેણે કહ્યું :
‘એમ નહિ, શ્રીલતા ! તને ખબર નથી કે મારી નોકરી કેટલી કઠણ અને કડક છે. કેવા માણસો પાસે રહી મારે…’
‘તારી નોકરી કેટલી કડક અને કઠણ છે એ તો હું ક્યારની જાણું છું; કેવાં માણસોની તું નોકરી કરે છે એ પણ જાણું છું.’
‘હું સાચું કહું છું; તારા સમ !’
‘એ સત્ય મને અહીં જ જણાયું. પાંચેક મિનિટ થઈ હશે.’ કહી શ્રીલતાએ પોતાને ખભેથી મધુકરનો હાથ ખસેડી નાખ્યો.
‘અરે… શ્રીલતા ! મારી ગૂંચવણની તો તું વાત જ જવા દે. એ જ્યોત્સ્નાનું લફરું મારે ગળે વળગ્યું છે; એ કેમ, ક્યાં અને કેવી રીતે, એનું વર્ણન કરવું પણ મને ગમતું નથી. રોજ એને અને એનાં માબાપને લઈ મારે ફરવા નીકળવાનું… અને મને શી ખબર કે આ મીંઢી જ્યોત્સ્ના મને આમ વળગશે અને મને આટલું પજવશે ? ચાલ, ત્યારે હું હવે જાઉં… ફરી જરૂર મળીશું… રાવબહાદુર મારી રાહ જોતા હશે… પાછા બૂમ પાડશે… The old fool !’ કહી મધુકરે ચાલવા માટે પગ ઉપાડ્યો, પરંતુ શ્રીલતાએ તેને ઊભો રાખ્યો.
‘મધુકર ! ઊભો રહે. રાવબહાદુર તો તારી રાહ જોતા હશે, અને ભલે આજ એ બૂમ પાડે. પરંતુ તારા કહેવા પ્રમાણે હું તારી રોજ રાહ જોઉ છું, તેનું શું ?’
‘શ્રીલતા ! તું બહુ ડાહી છોકરી છે. આપણે કાલે આ વખતે જ મળીએ તો ? જરૂર…’
‘આ કેટલામી કાલ છે તે તેં ગણી છે ખરી ?’
‘Don't be silly, શ્રીલતા ! હું કાલે જ તને મારી પરિસ્થિતિ લંબાણથી સમજાવીશ, એટલે તું જરૂર મારી દયા ખાઈશ. ચાલ ત્યારે, સાહેબજી ! તારી દયાની મને ઘણી જરૂર છે.’
‘રોજ શેકહૅન્ડ કરતો તે આજે શેકહૅન્ડ તો કર ? અને પછી જા મારે તારી સાથે શેકહૅન્ડ કરવી છે.’ શ્રીલતાએ કહ્યું અને તેણે પોતાનો હાથ શેકહૅન્ડ કરવા માટે લંબાવ્યો. જરા કચવાતા મને મધુકરે પણ પોતાનો હાથ લંબાવ્યો. પણ શ્રીલતા મધુકરનો લંબાવેલો હાથ પકડી તેની સામું જ જોઈ ઊભી રહી. મધુકરે પોતાનો હાથ ખસેડવા પ્રયત્ન કર્યો, પરંતુ શ્રીલતાએ બળપૂર્વક હાથ પકડી રાખી તેને રોક્યો. અત્યંત ત્વરા ઇચ્છતા મધુકરે શ્રીલતાને જરા અકળાઈને કહ્યું :
‘કહે, કહે, શ્રીલતા ! જલદી કહે; શું કહેવું છે ?’
‘કહેવાની વાત તો બહુ લાંબી છે, એ હું પછી કહીશ.’ શ્રીલતાએ કહ્યું.
‘તો મારો હાથ કેમ પકડી રાખ્યો છે ? હવે મને જવા દે ને ! પેલાં ડોસાં બૂમ મારશે.’ મધુકરે કહ્યું. આજના યુવાનોને પોતાનાથી સહેજ મોટી ઉમરવાળાં સહુ કોઈ ડોસાં જ લાગે છે.
‘મારા મનમાં કે મારા હાથની આ વીંટી તને સહજ વાગશે ખરી !’
‘વીંટી તે વાગે, ઘેલી !’
‘વાગે નહિ પરંતુ વીંટી પોતાની યાદ તો જરૂર આપે - વીંટી જેને પહેરાવી હોય તે ભલે યાદ ન આવે તોય !’
'શ્રીલતા! કાંઈ ભૂલ થાય છે !'
‘મારી ભૂલ થતી હોય તો મને દેખાડ. હું તો તેં કહ્યું છે ત્યારથી, રોજ અહીં આવી તારી રાહ જોઉ છું. પણ તું બીજે ફરતો હોય છે છતાં અહીં આવતો નથી.’
‘એનું કારણ હું તને સમજાવીશ. મારે કબૂલ કરવું જોઈએ કે મારી કાંઈ ભૂલ થઈ છે તો ખરી - તારી દૃષ્ટિએ. એ બદલ હું તારી માફી માગું છું. જોકે શ્રીલતા ! હું તો છું તેનો તે જ છું.’ કહી શ્રીલતાનો હાથ પકડી, ઘૂંટણીએ બેસી તે શ્રીલતા સામે જોઈ રહ્યો. પાવરધા પ્રેમીઓ એમ જ માને છે કે તેમની આંખમાં અંજનના ભંડાર ભર્યા છે, જે વડે તેઓ ગમે તે યુવતીને આંજી નાખે. શ્રીલતા અત્યારે અંજાઈ હોય એમ લાગ્યું નહિ. એણે તો જરા કડકાઈથી કહ્યું :
‘મધુકર ! નાટક ન કરીશ; નાટકની જરૂર નથી.’
‘હું માફી માગું છું એ તને નાટક લાગે છે ?’ એકદમ ઊભા થઈ મધુકરે વાણીમાં જરા વિષ લાવી કહ્યું.
‘મને જે લાગતું હોય તે ખરું, પણ આજની આપણી મુલાકાતમાં હું તને યાદ રાખવા જેવી એક વાત કહી દઉં.’ શ્રીલતા બોલી.
‘કાલ ઉપર ન રાખે ?’
‘ના; અબઘડી જ કહેવું છે.’
‘તો કહી નાખ ને જલદી, Dear!’
‘તો સાંભળી લે. સ્ત્રીઓનાં હૃદય એ રમવાનાં, રમીને ભાંગવાનાં અને ભાંગીને તોડીફોડી ફેંકી દેવાનાં રમકડાં નથી !’ શ્રીલતાએ જરા ભાર દઈને મધુકરને કહ્યું.
‘આ બધું તું મને - મધુકરને સંભળાવે છે, શ્રીલતા ? વારુ બીજું કાંઈ ?’
‘મેં કહ્યું તે યાદ નહિ રાખે તો બીજું ઘણું ઘણું યાદ રાખવું પડશે… અને મધુકર ! કાલથી હું તારી રાહ જોવા માટે આવનાર નથી. આજ આટલું બસ છે. હવે તું જઈ શકે છે, જ્યાં જવું હોય ત્યાં. રાવબહાદુર પાસે જા, કે જ્યોત્સ્ના પાસે જા.’ કહી શ્રીલતા પોતે જ ત્યાંથી જલદી પગલાં ભરતી ચાલી ગઈ. એક ક્ષણભર મધુકર ઊભો રહ્યો. એકાએક તેણે પોતાની હથેલીમાં બીજા હાથની મુઠ્ઠી પછાડી કાંઈ નિશ્ચય કર્યો હોય એવો દેખાવ કર્યો અને વિજયી ગતિથી તેણે ડગલાં ભર્યાં. જોતજોતામાં તે રાવબહાદુર અને યશોદાબહેન બેઠાં હતાં ત્યાં આવી પહોંચ્યો. જ્યોત્સ્ના પણ ત્યાં જ બેઠી હતી. મધુકરના આવતાં બરાબર જ્યોત્સ્નાએ સ્મિત કર્યું અને પૂછ્યું;
‘શ્રીલતાએ તને બહુ વાર રોક્યો નહિ ?’
‘શ્રીલતા કોણ ?’ યશોદાબહેને એકાએક પૂછ્યું.
‘મારી એક બહેનપણી છે. કોઈક કોઈક વાર આવે છે. આપણે ત્યાં. તને યાદ નહિ હોય, મા !’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘શું ભણે છે. એ ?’ રાવબહાદુરે પૂછ્યું. મધુકરનું કોઈ સ્ત્રીમિત્ર હોય એ રાવબહાદુરને પણ ગમ્યું નહિ. લગ્નબજારમાં પુરુષોના ભણતરની સાથે સ્ત્રીઓના ભણતરની પણ કિંમત સરખાવા લાગી છે.
‘એ મારી સાથે જ ભણે છે, અને કદાચ… મધુકર સાથે એ પરણી પણ જશે એમ સંભળાય છે.’ કહી જ્યોત્સ્ના જરા હસી. લગ્ન અને પ્રેમ વિશે વાત થતી હોય ત્યાં એક ક્ષણ પણ ઊભી ન રહેનારી જ્યોત્સ્ના અત્યારે વાચાળ શા માટે બન્યે જતી હતી તેની મધુકરને સમજણ પડી નહિ. તેણે મૂંઝાઈને કહ્યું :
‘શું તમેયે, જ્યોત્સ્નાગૌરી ! મારી મશ્કરી કરો છો ?’
‘મશ્કરી ? હું કરું છું ? મેં તો ચોક્કસ સાંભળ્યું હતું અને હું માનું છું કે એમ જ થવાનું છે !’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘જ્યોત્સ્નાગૌરી ! મને માફ કરો. આજનાં ભણતાં યુવકયુવતીઓને સહુ કોઈ જાણે છે. કોઈ દિવસ સહજ અભ્યાસની વાત કરતાં અમે ઊભાં હોઈશું ત્યારથી મિત્રોએ મશ્કરી શરૂ કરી છે. ને એમાં જ્યોત્સ્નાબહેન પણ સામેલ છે. લગ્ન પહેલાં તો મારે કમાવું છે, વિલાયત જવું છે, દેશને ઉપયોગી થઈ પડવું છે, પછી લગ્નનો વિચાર. આજ તો એનું સ્વપ્ન પણ નથી !’ કહી મધુકરે જ્યોત્સ્નાનાં માતાપિતા આગળ પોતાની વિશુદ્ધ જીવનકક્ષા સ્પષ્ટ કરી.
અંધારું થઈ જવા આવ્યું હતું. અંધારામાં બેસવાની ખાસ જરૂરતવાળાં પ્રેમીઓ સિવાય ફરવા આવેલાં માનવીઓ ધીમે ધીમે વિખરાતાં હતાં. રાવબહાદુરે અને યશોદાબહેને હવે પાછા જવાની તૈયારી કરી. જ્યોત્સ્નાએ ઊઠતાં ઊઠતાં કહ્યું :
‘મા ! આજે એક બહુ સરસ અંગ્રેજી ચિત્ર આવ્યું છે. આપણે બધાંય જોવા જઈશું ?’
‘તમારાં અંગ્રેજી ચિત્રોમાં તો મને કાંઈ સમજ પડતી નથી. આમ તો હવે હું “ટાઈમ્સ” પણ વાંચું છું. પરંતુ આ તમારા અંગ્રેજી ચિત્રોમાં પાત્રો શું બોલે છે એ સમજાતું નથી. જવું હોય તો તમે બે જણ જઈ આવો. કેમ ખરું ને ?’ કહી યશોદાબહેને પોતાના પતિની સંમતિ માગી ઘણી પત્નીઓ આજ્ઞાધારકપણું સાબિત કરી પોતાનું મનધાર્યું કરે છે; અને સંમતિ આપી ઘણા પતિ સ્ત્રીજાતિ પ્રત્યેની ઉદારવૃત્તિ અનુભવ્યાનો સંતોષ લે છે. રાવબહાદુરે મધુકર અને જ્યોત્સ્નાને એકલાં ચિત્રપટ જોવા જવા સંમતિ આપી. બહુ વિચારપૂર્વક, મધુકર સરખો આકર્ષક યુવક જ્યોત્સ્ના સિવાયની બીજી યુવતી સાથે ફરતો હતો એવા જ્યોત્સ્નાના કથને ઊભી કરેલી ચિંતાનો ઉકેલ માતાપિતાને મન એક જ હોઈ શકે : જ્યોત્સ્ના અને મધુકર વધારે સાથે રહે… વધારે એકાંતમાં !
લગ્નનો પ્રશ્ન સીધાસાદા માનવીઓને પણ રાજકારણમાં રીઢા બનેલા કાવતરાખોર મુત્સદ્દીઓ બનાવી દે છે.