← બાગ અને પ્રેમ સ્નેહસૃષ્ટિ
સમજની શરૂઆત
રમણલાલ દેસાઈ
મધ્યમ વર્ગનાં ગૃહ →



 
સમજની શરૂઆત
 

યાંત્રિક વાહનને અંતરનો હિસાબ હોતો નથી. જ્યોત્સ્ના અને સુરેન્દ્રને વાહને ઝડપથી આગળ લીધાં. રાવબહાદુર ગિરિજાપ્રસાદ સરખા એક નામાંકિત શહેરીની પુત્રી જ્યોત્સ્ના જરા અતડી, ઓછાબોલી અને તેથી સહજ ઘમંડી લાગતી હતી. તેને મિત્રો હતા, સખીઓ હતી અને પરિચયવર્તુલ હતું ખરું, પરંતુ એની રચના એની પોતાની નહિ. વર્તુલમાં તે કદી ખેંચાઈ આવતી; અને જોકે રમતગમતમાં રંજન પ્રયોગોમાં, પ્રવાસોમાં, મિજબાનીઓમાં તે ભાગ લેતી ખરી, છતાં તે જાણે સહુથી અલગ રહેતી હોય એવો ભાસ પણ તે સતત આપતી. ઘણુંખરું તો તેની અંગત સખી શ્રીલતાના આગ્રહથી જ એ મિત્રવર્તુલમાં પ્રવેશ કરતી હતી. શ્રીલતા બહુ જ તોફાની - બધામાં ભળી જાય. પરંતુ જ્યોત્સ્ના સહુ સાથે ભળવા છતાં ભળતી ન હોય એમ સહુને લાગતું. સ્મિતભરી વાતચીત તેની ખરી; પરંતુ તેણે બાંધેલી મર્યાદાની અંદર તે કોઈને પ્રવેશ કરવા દેતી નહિ. ભાગ્યે જ એણે કોઈ પુરુષમિત્ર સાથે ‘શેકહૅન્ડ’નો અખતરો કર્યો હોય; કદી તેણે પોતાની કારમાં કોઈ પુરુષમિત્રને આજ સુધી બેસાડ્યો ન હતો. સિનેમામાં પણ તે એકલી પુરુષમિત્રો સાથે કદી જતી નહિ. આજ એણે સુરેન્દ્રને એકલાને પોતાની સાથે કારમાં બેસાડ્યો એની સહુને નવાઈ તો લાગી જ… પણ કદાચ જ્યોત્સ્નાને પોતાને પણ સહજ નવાઈ લાગ્યા વગર રહી નહિ ! શા માટે ?

સુરેન્દ્ર તો એક નાનકડા ગીચ વસતીવાળા વિભાગમાં રહેતો હતો; રાવબહાદુરનો વિશાળ બંગલો શહેરની બહારના એકાન્ત - અર્ધ એકાન્ત સ્થળમાં આવ્યો હતો. સુરેન્દ્ર જ્યાંથી પોતાને ઘેર સરળતાથી જઈ શકે. એ વિભાગ જોતજોતામાં આવ્યો અને સુરેન્દ્રે કહ્યું :

‘જ્યોત્સ્ના ! આભાર માનું છું… મને અહીં જ ઉતારી દઈશ તો બસ.’

‘અહીં પછી મોકલીશ, પહેલો તને મારે ઘેર લઈ જવો છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘તારે ઘેર કેમ ?’ સુરેન્દ્રે જ્યોત્સ્નાનો પરિચય કૉલેજમાં સહજ મેળવ્યો હતો. પરંતુ હવે તે કૉલેજનો અભ્યાસ પૂરો કરી ચૂક્યો હતો અને નોકરીની શોધમાં પડ્યો હતો. જ્યોત્સ્નાનું ભણતર માટેનું છેલ્લું વર્ષ હતું, અને આમે જ્યોત્સ્ના અને સુરેન્દ્ર બન્ને અતડાં અને અવ્યવહારુ ગણાતાં હોવાથી અરસપરસ અંગત મિત્રો હજી બની શક્યાં ન હતાં. એટલે જ્યોત્સ્નાના કથને સુરેન્દ્રના પ્રશ્નમાં આશ્ચર્ય પણ ઉમેર્યું.

‘મને થોડી મદદ ન કરે અભ્યાસમાં ?… મારે મદદની જરૂર છે.’

‘જરૂર… કહે તો કાલથી હું મારી નોંધ તને આપતો જાઉં.’

‘આપણે નક્કી કરવું પડશે… શું શીખવવું, ક્યારે તારે આવવું, કેટલા કલાક આવવું, તને આપવું શું… એ બધું આપણે વિચારી લઈએ.’

‘કાંઈ જ વિચારવાની જરૂર નથી… મને આપવામાં… તો થોડો સમય…’

‘સુરેન્દ્ર ! બીજું પણ એક કામ છે. મારા પિતા વારંવાર એક સારા ભણેલા સેક્રેટરીની શોધ કર્યા કરે છે… તું એ કામ ન કરે ?’

‘જ્યોત્સ્ના ! હું વિચારીને તને કહીશ.’

‘વિચાર્યું હવે ! તું એક વખત ચાલ તો ખરો. મારા પિતાને મળી લે. તું બીજાં કામો કર્યા કરે છે. તારો ચરિતાર્થ ચલાવે છે અને ભણે છે એ હું આજથી જાણતી નથી, ક્યારનીયે જાણું છું… અમારે જરૂર છે, અને તારે વિચારમાં પડવું છે ?’

‘શિક્ષણની મને હરકત નથી… પરંતુ સેક્રેટરીનું કામ મને કદાચ ન ફાવે.’

‘કારણ ?’

‘એ કામ મેં કદી કર્યું નથી.’

‘તું તો ગામડાનો રહીશ ને ?’

‘હાસ્તો… તારા જ પિતાનું ગામડું.’

‘તારા પિતાનું પણ ખરું ને.’

‘હં !… પણ એ તો… જે થયું તે ખરું. એ વાત કેમ યાદ કરવી પડી ?’

‘એટલા માટે કે તું અને હું બંને કોઈ યુગમાં ગામડે પણ રહેતાં. શહેરમાં રહેતાં આપણને આવડતું નહિ…’

‘તને તો આવડતું હશે જ… મને નહિ.’

‘વારુ, એમ. પણ એ ગામડે રહેનારો તું શહેરમાં આવી રહી શક્યો અને ભણી શક્યો… એ બતાવી આપે છે કે કામ ન કર્યું હોય તે કરતાં કરતાં આવડી જાય છે. એટલું જ કહેવાનું.’

સુરેન્દ્ર સહજ હસ્યો, આ ધનિક ઘરની એકની એક દીકરી પોતાની સહજ દયા ખાતી હોય એમ સુરેન્દ્રને લાગ્યું. તે જાતે આખા વિશ્વ ઉપર દયા કરવા માટે તૈયાર હતો. પરંતુ તેને પોતાને કોઈનીયે દયા ખપતી ન હતી. અને એ દયાનો ઈશારો પણ થતાં એનું પૌરુષ ઘવાતું લાગતું. તેનું પોતાનું ઘર તો હવે છેટે રહી જ ગયું હતું. કાર એટલી આગળ આવી હતી કે હવે જ્યોત્સ્નાને બંગલે પહોંચ્યે જ છૂટકો હતો. બંગલો પણ આવી પહોંચ્યો. રાત્રિ પણ પડી ચૂકી. રાત્રિને દિવસમાં ફેરવી નાખવાના માનવપ્રયત્નો વિદ્યુતદીપક રૂપે ઝબકી રહ્યા હતા.

કારમાંથી બંને યુવક-યુવતી ઊતર્યા ત્યારે જ્યોત્સ્નાનાં માતાપિતા અત્યંત સુશોભિત દીવાનખાનામાં ધનિકતાને શોભે એવો સમય વ્યય કરી રહ્યાં હતાં. સરસ સોફા, સરસ ખુરશીઓ, સરસ મેજ, સરસ ગૃહશૃંગાર, સરસ પ્રકાશ : એમ બધું દીવાનખાનામાં જ નહિ, પરંતુ આખા બંગલામાં સરસ લાગતું ગોઠવાઈ ચૂક્યું હતું. એ સરસ બંગલાના સરસ દીવાનખાનામાં ધનવાનોને શોભે એવાં વસ્ત્રો પહેરી રાવબહાદુર ગિરિજાપ્રસાદ અને તેમનાં પત્ની યશોદા બેઠાં હતાં અને એક સભ્ય દેખાતા ગૃહસ્થની સાથે વાતચીત કરી રહ્યાં હતાં.

નવા યુગમાં સ્ત્રીએ પણ પુરુષની સાથે જ આગંતુકોને માન આપવા હાજર રહેવું પડે છે. જે જુનવાણી ગુજરાતમાં સ્ત્રીઓની અવરજવર માટે મર્યાદિત સીમાઓ હતી, એ ગુજરાત હવે શહેરમાંથી અને શહેરની ધનિકતામાંથી અદૃશ્ય થઈ ગયું છે. સ્ત્રીઓના અલગ નિવાસખંડો હજી રહ્યા છે. પરંતુ આજના રામથી સીતાની અવરજવર ઉપર સીમાબંદી દોરી શકાતી નથી... અને દોરી હોય તોય સીતાએ ક્યાં એ સીમા માની હતી ? રાવણોના ભયથી વર્તમાન સીતાઓ ભય પામતી નથી, એટલે રાવબહાદુરને મળવા આવનારે રાવબહાદુરનાં પત્નીને પણ સાથે જ મળવાનું હોય એ સ્વાભાવિક છે.

લાંબી વાતચીતનો અંત આવતો હતો એમ લાગ્યું. ગૃહસ્થે જરા હલનચલન કરતાં કહ્યું :

‘તો રાવબહાદુર ! હું હવે રજા લઉં.’

‘એમ ? જશો ત્યારે ?’

‘પણ... પ્રમુખસ્થાન આપે જ લેવાનું છે એ હવે નક્કી.’ ગૃહસ્થે કહ્યું.

‘વારુ. આપનો આગ્રહ છે એટલે બીજું શું કહું ?’ રાવબહાદુરે કહ્યું. નૂતન જીવનઘટનામાં પ્રમુખસ્થાનની પોકળતા વધારે અને વધારે મહત્ત્વ ધારણ કરતી જાય છે. સહુથી પ્રથમ સત્તાધીશ; એ ન મળે તો ધનિક; તે પણ ન મળે તો કોઈ વાચાળ વિદ્વાન. આમ ગમે તેનાથી શોભાવી શકાતું પ્રમુખસ્થાન રાજમુગટ સરખું તદ્દન નિરુપયોગી છતાં ઇચ્છનીય સ્થાન બની જતું લાગે છે !… અને તે પણ સામાના આગ્રહને લઈને જ સ્વીકારાતું સ્થાન મનાય છે ! જે આગ્રહની પાછળ તલપૂર પણ હૃદય હોતું નથી…

‘હવે ચાલે જ નહિ, રાવબહાદુર અને યશોદાબહેન ! આપે પ્રમુખસ્થાન માટે જેમ હા પડાવી તેમ આપે પોતે જ રાવબહાદુરને સાથે લઈ આવવાનું છે… બરાબર પાંચપિસ્તાળીસે… હું સભાગૃહ પર ઊભો જ હોઈશ.’ ગૃહસ્થે આગ્રહ ઉપર બની શકે એટલો ભાર મૂક્યો. અને નમસ્કાર કરી તેમણે વિદાય લીધી.

ધનિકપત્ની ધનિકપતિના જીવનમાં કેટકેટલો મહત્ત્વનો ભાગ ભજવતી હશે તેનું શાસ્ત્રીય માપ નીકળી શકે એમ નથી. સત્તાધીશો અને ધનિકોની પત્નીઓ અંગત રીતે તો પોતાનું ભારે મહત્ત્વ માનીને જ ચાલે છે એમાં શક નહિ. તે પતિનો શણગાર અને પડછાયો બની રહે છે એટલું તો કોઈ પણ સમજી શકે એમ છે. પતિનાં સુખદુઃખમાં મોટે ભાગે ધનિકોને દુઃખ હોતું જ નથી - ભાગ લેતાં યશોદાગૌરીએ ગૃહસ્થના ગયા પછી જાણે કશું ભારણ માથેથી ખસ્યું હોય એમ ઉદ્‌ગાર કાઢ્યો :

‘કેટલાં માણસો ! કોઈ ભાષણ માગે છે, કોઈ છબી માગે છે. કોઈ પ્રમુખસ્થાનનો આગ્રહ કરી જાય છે ! કેટલું ભારણ ? ક્યાં પાર આવે ?’

આ બધાં મહાકષ્ટોમાં બીજાં મહાકષ્ટો રખે રહી જાય એમ વિચારી રાવબહાદુરે કહ્યું :

‘એટલેથી પાર આવતો હોય તો સારું ! ફંડ ફાળા, દાન, શિષ્યવૃત્તિની ધોધમાર માગણીને પણ પાછું પહોંચી વળવાનું ને ?’

ધનિકોના કષ્ટની ગરીબોને ક્યાંથી સમજણ પડે ?

‘એક સારો ભણેલોગણેલો સેક્રેટરી રાખી લ્યો ને ?… તમારો વ્યવસાય હવે બહુ વધી પડ્યો છે…’ યશોદાબહેને સૂચન કર્યું.

‘હું પણ એમ જ ધારું છું… કહી મૂક્યું છે… જ્યોત્સ્ના પણ કાંઈ કહેતી હતી કે એકબે સારા ભણેલા ગ્રેજ્યુએટોને તે વાત કરશે… હવે તો જ્યોત્સ્ના પણ ભણી રહેવા આવી ! આગળ શું ભણાવવું ?’

‘એને તે જિંદગીભર ભણાવ્યા જ કરવી છે ? કે પછી એને કાંઈ પરણાવવી પણ છે ?… હજી આવી નહિ… કોણ જાણે ક્યાં ફર્યા કરે છે ?‘ માતાએ ઊંચો જીવ કર્યો. પુત્ર કરતાં પુત્રીના લગ્ન એ માતાપિતાની અધિક ચિંતાનો વિષય હોય છે. લગ્ન એટલે જીવનનો મોટામાં મોટો જુગાર ! અને સતયુગના ક્ષત્રિયોની માફક, અગર તો વર્તમાન યુગની ઝમકદાર ક્લબોના સભ્યોની માફક સહુએ એ જુગાર ખેલવાનો જ ! આજનાં યુવક-યુવતી પણ એ જાણે છે અને ખેલવા ઈચ્છે પણ છે. પરંતુ પૂર્વે બાળકોનાં લગ્નો જુગાર માતાપિતા રમતાં હતાં તે બદલાઈને હવે યુવક-યુવતીઓએ જાતે એ રમત હાથમાં લઈ લીધી છે. એટલે માબાપ માત્ર ચિંતાનાં અધિકારી રહ્યાં છે !

મોટરકારનું હૉર્ન વાગ્યું અને માતાપિતાએ જાણ્યું કે પુત્રીએ બંગલામાં પ્રવેશ કર્યો. તેની રાહ જોઈ રહેલાં બંને જણે જોયું કે જ્યોત્સ્નાની સાથે એક યુવક પણ દિવાનખાનામાં પ્રવેશ કરતો હતો અને બંનેને નમસ્કારનો અભિનય દર્શાવી રહ્યો હતો.

‘મને જરા મોડું થયું નહિ, મા ? આ સુરેન્દ્ર. એમ. એ. થઈ ગયા છે, આગળ અભ્યાસ પણ કરે છે. અને ભાઈ ! તમે સેક્રેટરીની વાત કરતા હતા ને ? એ મારા અભ્યાસમાં પણ મદદ કરશે અને આપનું પણ કામ કરી શકશે - સેક્રેટરી તરીકે.’ જ્યોત્સ્નાએ માતાની સોડમાં ઊભા રહી કહ્યું.

માતાપિતા બંને સુરેન્દ્રને જોઈ રહ્યા તો હતાં જ. પ્રથમદર્શને સહુ સારાં લાગે. પિતાએ સુરેન્દ્રને ખુરશી પર બેસાડ્યો અને કહ્યું :

‘હું બહુ રાજી થયો… કહો ક્યારથી આવી શકશો ?’

‘આપ કહો ત્યારથી હું આવી શકીશ. પરંતુ…’ સુરેન્દ્ર જરા અટક્યો. જ્યોત્સ્ના સહેજ આંખ સ્થિર કરી તેની સામે જોઈ રહી, પરંતુ સુરેન્દ્રે જ્યોત્સ્નાની નજર પકડી નહિ.

‘પગારનો ઊંચો જીવ ન રાખશો…’ રાવબહાદુરે કહ્યું. ધનિકોની ખાતરી થઈ ગયેલી હોય છે કે જગતભરમાં માનવી પગાર ઉપર જ જીવતાં હોય છે ! અને તે ધનિકો આપે તે જ પગાર ઉપર !

‘ના જી… હું પગારનો વિચાર જ કરતો નથી.’ સુરેન્દ્રે કહ્યું.

‘ત્યારે ?’

‘મારી પાત્રતાનો વિચાર કરું છું.’

‘એટલે ?’

‘હું શિક્ષક… કદાચ બની શકું… સેક્રેટરી નહિ.’

‘કેમ ?’

‘આપને લાગશે, મારા વિચારો જરા ક્રાન્તિકારી છે… આપને નહિ લાગે તોય આપને કોઈ ને કોઈ એમ કહેશે જ.’

રાવબહાદુર જરા મોટાઈ ભર્યું હસ્યા. ક્રાન્તિ ક્રાન્તિ પોકારતા કેટલાય યુવાનોને તેમણે ચુપચાપ સરકારી અને ખાનગી નોકરીમાં પેસી જતા જોયા હતા… અને ક્રાંતિ પણ વગર પૈસે થતી હોય એમ તેઓ ધારતા નહિ. મહાસભાને જ માત્ર નહિ, પરંતુ સમાજવાદની છાપવાળાં મંડળોને ઠીક ઠીક પૈસાની જરૂર પડે છે. એનો એમને અંગત અનુભવ હતો. હસતે હસતે તેમણે કહ્યું :

‘તમે પ્રામાણિક લાગો છો… તમારી જાતે જ તમે તમારી મર્યાદા બતાવો છો… એની હરકત નહિ. યૌવનમાં સહુ કોઈ ક્રાંતિકારી… પછી વિચારોની તીખાશ હળવી પડી જશે…’

‘આપને મારા કરતાં વધારે અનુકૂળ મિત્ર સેક્રેટરી તરીકે મેળવી આપું તો ?’

‘કોની વાત કરો છો ?’ જ્યોત્સ્નાએ જરા ચિંતાભર્યા કંઠે કહ્યું.

‘તમે ઓળખો છો !… આપણા મધુકરની વાત. એને જરૂર પણ છે અને એ વધારે લાયક પણ છે.’ સુરેન્દ્રે કહ્યું.

‘ભલે, એમને બોલાવો. કાલ સવારથી જ આવે… હું મળી લઈશ.’ કહી રાવબહાદુર ઊભા થયા.

જ્યોત્સ્નાએ કહ્યું :

‘પણ મારું શિક્ષણ તો તમારે જ સાચવવું પડશે. છેલ્લું વર્ષ છે. અને તમે ન આવો તો…’

‘તારે જોઈએ એ પહેલું, બહેન ! સેક્રેટરી ભલે કાલે આવે. આજથી જ આ સુરેન્દ્રભાઈ તારા શિક્ષક ! પછી કાંઈ ?’ માતા યશોદાએ કહ્યું. અને રાવબહાદુરે પત્નીનું સૂચન મંજૂર રાખ્યું. એટલું જ નહિ, પુત્રીને માથે વાત્સલ્યપૂર્વક હાથ ફેરવી પિતા દીવાનખાનાની બહાર ગયા. તેમની સાથે જ ધનિક પત્નીને શોભે એમ યશોદા પણ ચાલી નીકળ્યાં. જ્યોત્સ્નાએ માતાપિતાની પાછળ વિવેક ખાતર જવાનું હતું, પરંતુ સુરેન્દ્રને વિદાય આપવાના કારણે તે પાછળ રહી અને તેને કારમાં પાછો મોકલવા સારું સાથે જતાં જતાં તેણે કહ્યું :

‘સુરેન્દ્ર ! શા માટે તેં મધુકરનું નામ લીધું ?’

‘જ્યોત્સ્ના ! તને મધુકરની અભિલાષા અને તેની સ્થિતિ વચ્ચેનો ફેર કદી સમજાયો છે ?’ સુરેન્દ્રે કહ્યું.

‘મારે એ જાણીને શું કરવું છે ?’

‘રાવબહાદુરનું કામ મારા કરતાં વધારે સારું એ કરશે. એને જ આવવા દે… અને એને સાચવી રાખજે.’ સુરેન્દ્રે કહ્યું.

‘તું છે જ એવો ! બધા અમસ્તા તારી મજાક કરે છે ?’

‘જ્યોત્સ્ના ! જીવન પણ માનવીની એક મહાન મજાક છે, નહિ ?’

‘એ જે હોય તે તારે મને શીખવવા જરૂર આવવાનું છે… કાલથી જ… ભૂલતો નહિ.’

જ્યોત્સ્નાએ સુરેન્દ્રને પોતાની કારમાં જ પાછો ઘેર મોકલ્યો. અને આ વિચિત્ર યુવકનો વિચાર કરતી પાછી ફરી.