સ્નેહસૃષ્ટિ/સુરેન્દ્રની ધૂન
← સરળ બનતો માર્ગ | સ્નેહસૃષ્ટિ સુરેન્દ્રની ધૂન રમણલાલ દેસાઈ |
હાથમાં ઊતરતું ફળ → |
જે સમયે રાવબહાદુર ને યશોદાગૌરી જ્યોત્સ્ના-મધુકરનાં લગ્નની સુભગ કલ્પના કરી રહ્યાં હતાં તે સમયે જ્યોત્સ્ના અને મધુકર ઝડપથી કારમાં ચાલ્યાં જતાં હતાં.
‘ક્યી બાજુએ આપણે આજ જવું છે ?’ મધુકરે પૂછ્યું.
‘મારે સુરેન્દ્રને શોધી કાઢવો છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘એને કાઢી મૂક્યા પછી પાછો એને શોધવો છે ?’
‘કાઢી ક્યાં મૂક્યો છે ? એ જાતે જ જવા માગતો હતો.’
‘એમ કહે. તોય એના ગયા પછી એની પાછળ દોડવાની કાંઈ જરૂર ?’
‘શું, મધુકર ! તુંયે એની અદેખાઈ કરે છે ? ગમે તેમ, પણ એ મારો અને તારો મિત્ર તો મટી ગયો નથી ને ?’
‘મિત્ર તો છે જ… પણ હું સાચેસાચ તને પૂછું છું : આવી મૈત્રી ક્યાં સુધી ચાલુ રહે ? એના માર્ગ જુદા… આપણા માર્ગ જુદા… કૉલેજજીવનની વાત જુદી છે… હવે તારે અને મારે જવાબદારી સમજવી જોઈએ ને ?’
‘મેં હજી ક્યાં કૉલેજ છોડી છે ?’
‘છોડવાની તૈયારીમાં જ છે તું તો…’
‘પણ પછી જવાબદારી મારે કઈ ?… કૉલેજ છોડ્યા પછી ?’
‘જીવન એકલાં ગાળવું છે ?’
‘ના, એ શક્ય નથી. સમાજ એકલતાને પોષતો નથી.’
‘તો પછી જવાબદારી તો ખરી જ ને ?’
‘જેને મારી સાથે જીવન ગાળવું હોય તે જવાબદારી લે. મારે શું?’
‘કોની સાથે જીવન ગાળવું છે, જ્યોત્સ્ના ? હું પૂછી શકું ?’
‘શા માટે ન પૂછી શકે ? તેં પૂછ્યું પણ છે, કહ્યું પણ છે. કેટલામી વાર ?’
‘પરંતુ તેં કાંઈ હજી ચોક્કસ જવાબ તો ન જ આપ્યો ને ?’
‘જવાબ પણ મેં આપ્યો છે… યાદ કર.’
‘શો જવાબ તેં આપ્યો ?’
‘ભૂલી ગયો ? એ જવાબ તને તારા કે મારા લગ્નમાં મળી જશે…’
‘કેમ એમ બોલે છે ? તારા કે મારા એટલે શું ? બન્નેનાં લગ્ન જુદાં થવાનાં છે ?’ લાગ મળતાં સ્પષ્ટતા વધારવા મધુકરે પૂછ્યું.
‘તારી મરજી ઉપર બધો આધાર રહેશે. તું ફરી બેસીશ તો આપણાં લગ્ન જુદાં જુદા પણ થાય.’ જ્યોત્સ્ના બોલી.
‘અશક્ય વાત આગળ ન કરીશ !’ મધુકરે કહ્યું.
મધુકરના વાક્યને જાણે જ્યોત્સ્નાએ સાંભળ્યું ન હોય એમ તેનાથી બોલાઈ ગયું :
‘જો પેલું ટોળું !… સુરેન્દ્ર પાછળ ઊભેલો દેખાય છે, નહિ ?’કહી જ્યોત્સ્નાએ ત્યાં જ કાર ઊભી રાખી.
‘એવાં તો કંઈક ભિખારીઓનાં ટોળાં ભેગાં થયાં કરશે. ક્યાં ક્યાં કારને ઊભી રાખીશ ?’
‘બીજું કામ પણ શું છે ?… અને કોણ જાણે કેમ, ભિખારીઓનાં ટોળાં મને ગમવા માંડ્યાં છે… હું એ ટોળાંનાં ચિત્રો દોરું છું એ ખબર છે ને ?’
‘ચિત્ર દોરવા હોય તો કોઈ સભાનાં, યુવકસંમેલનનાં, ગરબાસમૂહનાં દોરતી રહે. ભિખારીઓનાં ચિત્રો તારે કાઢવાં છે ?… સતત ?’
‘એ વધારે જીવંત હોય છે… રંગબેરંગી હોય છે… યુવકો, સંમેલનો કે ગરબાસમૂહો કરતાં…’
‘ભિખારીઓ જીવંત ? રંગબેરંગી ?… સારું થયું સુરેન્દ્રની અસરમાંથી તે વેળાસર છૂટી !’
‘નહિ તો ?’
‘નહિ તો તને જ ભિખારીઓનાં ટોળાંમાં એ બેસતી કરત.’
‘તે હું ભિખારીઓનાં ટોળામાં બેસવાની જ છું !’
‘કેમ ?’
‘આપણા નાટકમાં એક એવું દૃશ્ય આવ્યું જ છે.’
‘નાટકની વાત જુદી છે… એમાં ફાવે તે થજે ને !… ચાલ, હવે જઇશું ?’
‘ના, સુરેન્દ્રને જતે જતે મળી નથી તે હું મળી આવું.’
‘હું નથી આવતો.’
‘ભલે; તું કારમાં બેસ… અને ખિસ્સામાં ડબ્બો હોય તો સિગારેટ પી… સુરેન્દ્ર જ છે નક્કી.’ કહી જ્યોત્સ્ના નીચે ઊતરી ટોળા તરફ વળી.
‘મધુકર આ ઘેલી યુવતીને નિહાળી રહ્યો. ટોળાની પાછળના ભાગની ખુલ્લી જગામાં કાર ઊભી રહી હતી… અને ટોળાના પાછલા ભાગમાં સુરેન્દ્ર ઘડી દેખાતો - ન દેખાતો ઊભો હતો. ટોળાની વચ્ચેના ભાગમાંથી ભજન અને મંજીરાંના અવાજ આવતા હતા. સ્ત્રી, પુરુષ અને બાળકોના ભજનસાદ ભેગા મળી ગીતને સુશ્રાવ્ય બનાવી રહ્યા હતા. જ્યોત્સ્ના ટોળા પાસે પહોંચી, ભજન પૂરું થયું અને ટોળું વીખરાવા લાગ્યું. રસ્તા ઉપરના મેદાનનો એક ભાગ ત્યાં હતો, અને જમીન ઉપર ધૂળમાં બેસી સામે લૂગડાનો કકડો નાખી એક પુરુષ, એક સ્ત્રી, એક જરા મોટી છોકરી અને બે બાળકો ભજન પૂરું કરી રહ્યાં હતાં. સો-દોઢસો માણસનું ટોળું ભજન સાંભળતું ઊભું રહ્યું હતું. પરંતુ તે વીખરાતાં માત્ર આઠદસ પૈસા નાખતું ગયું. પડતા પૈસાને એ ભજનિક મંડળ જે આવકારથી વધાવી રહ્યું હતું એ દૃશ્ય કરતાં વધારે કરુણ દૃશ્ય બીજું હોઈ શકે કે કેમ એનો વિચાર કરતો સુરેન્દ્ર કાંઈ કકડા ઉપર ફેંકવા આગળ પગ મૂકતો હતો અને તેણે ભજનિક સ્ત્રીપુરુષ વચ્ચે થતી હળવી વાતચીત સાંભળી. કકડા ઉપર પહેલા પૈસાની કંગાલ સંખ્યા વીણતાં વીણતાં પુરુષથી બોલાઈ ગયું :
‘મહેનત માગું છું… મહેનતનું કામ મળતું નથી; ભીખ માગું છું… અને ભીખ મળતી નથી. કલાક સુધી ભજન ગાયાં અને પૂરા અઢી આના પણ ન મળ્યા… અને આ બાળકોનું રુદન ! મને એમ થાય છે કે આપણે પાંચે જણ સાથે કૂવે પડીએ !’
ભજનમાં ભાગ લઈ રહેલી મોટી છોકરીની આંખમાંથી ગરગર આંસુ વહી રહ્યાં અને આંસુ અટકાવવા તેણે આંખે હાથ મૂક્યો. બે નાનાં બાળકો ભૂખી આંખે પૈસા તરફ નિહાળી રહ્યાં હતાં.
બાળકોની માતાએ મોટી છોકરીને પાસે લઈ ખોળામાં સુવાડી તેની આંખ લૂછવા પ્રયત્ન કર્યો. ટોળું હવે સમૂળ વીખરાઈ ગયું હતું. સાર્વજનિક આનંદનો ઉપભોગ કરનારને આનંદની કિંમત આપવી ફાવતી નથી. આસપાસ થોડે દૂર જતી આવતી જનતાને ભજનિકના શબ્દો સાંભળવાના જરૂર પણ ન હતી.
‘કૂવે પડતાં પહેલાં હજી ઘણું ઘણું થાય એમ છે.’ દીકરીને ખોળામાં સુવાડી તેનાં અશ્રુ લૂછતી માતાએ કહ્યું. ઘણી વાર ભાંગી ગયેલા પુરુષને હિંમત આપનાર તેની પત્ની જ હોય છે.
‘જૂના કાળમાં તો વખાનાં માર્યાં માનવીનાં છોકરાંને પૈસાદારો વેચાતાંયે રાખતાં. આજ કોણ લે ? પત્નીની હિંમતથી પુરુષનું હૈયું સામર્થ્ય પકડી શકતું ન હતું.’
‘શું તુંયે આમ પગ ભાંગીને બેસે છે ? ભગવાન છે… ભજન કરીએ છીએ… કોઈ હરિનો લાલ મળી આવશે… રસ્તો જડ્યા વગર તે રહે ખરો ?’ સ્ત્રીએ કહ્યું.
‘હવે તો એક રસ્તો જડે છે…’
‘તે હવે લેવા માંડ…’
‘હવે તો તને ગીરો વેચાણમાં મૂકું ત્યારે !… અને પછી ઝેર પી સૂઈ જાઉ.’ કપાળે હાથ મારી પુરુષ બોલી ઊઠ્યો, અને સ્ત્રીની આંખ ચમકી ઊઠી.
સુરેન્દ્ર ભજનિકોની સહેજ પાછળ ઊભો રહ્યો હતો તે એકાએક આગળ આવ્યો અને બોલી ઊઠ્યો :
‘હાં હાં, ભગત ! એમ હિંમત શું હારો છો ?’
ભજનિક સ્ત્રી, પુરુષ અને બાળકોએ સુરેન્દ્ર તરફ દૃષ્ટિ કરી. સહુ તેને આછું ઓળખતાં લાગ્યાં. તેમની આંખમાં સુરેન્દ્રને નિહાળી કાંઈ તેજ આવતું લાગ્યું.
‘શું કરું, ભાઈ ! બે દિવસથી ભૂખે ટળવળી થાકી ગયેલાં બાળકોને જે જુએ એને મરવાનું મન ન થાય તો કોને થાય ?… અને તે માબાપ હોય પાછાં !’ ભજનિક પુરુષે કહ્યું.
‘જુઓ ! આટલું પાસે રાખો. ઠીક ઠીક ચાલશે તમારે… અને એટલી કમાણી કરી લ્યો ત્યારે પાછું આપજો.’ કહી પોતાને મળેલા પગારની બધીય રકમ સુરેન્દ્ર ભગતના હાથમાં મૂકી દીધી.
ભગત અને તેની પત્નીની આંખ રકમ જોઈ ફાટી ગઈ. એક સામટા સો રૂપિયા તેમણે કદી દીઠા ન હતા. આપનાર યુવાન ડાહ્યો છે કે ઘેલો તેની ખાતરી કરવા તેમણે સુરેન્દ્ર સામે તાકીને જોયું. પછી સ્ત્રીથી બોલાઈ ગયું :
‘રકમ પાછી આપવા તમને ક્યાં શોધવા, ભાઈ ?’
‘મને શોધવાની જરૂર નથી. હું જ તમને શોધતો રહીશ.’ સુરેન્દ્રે કહ્યું.
‘અમે તે વળી શોધ્યાં જડીએ ? આજ અહીં. કાલ બીજે…’ સ્ત્રી બોલી.
‘હરકત નહિ; હું જાણું છું તમે ક્યાં રહો છો તે.’ સુરેન્દ્રે કહ્યું.
‘અમે તે વળી ક્યાં ઠામઠેકાણાંવાળાં છીએ ?’
‘કેમ ? જેને ઠામઠેકાણું ન હોય એને મસ્જિદ કે મંદિર આશરો આપે… હજી ભાંગ્યાંતૂટ્યાં એ સ્થાનો નિરાશ્રિતો માટે છે ખરાં… હું જાણું છું તમે… કદી કદી… પેલા સાધુવાળા ખંડેરો શિવાલયમાં રહો છો… શહેર બહાર.’ સુરેન્દ્રે કહ્યું.
એની વાત સાચી નીકળી.
એકાએક ભજનિક સ્ત્રીને આંસુભરી આંખે સુરેન્દ્રનાં ઓવારણ લીધાં. ભજનિક પુરુષ પણ કાંઈ ચમત્કાર બનતો હોય એમ ઘડીમાં સુરેન્દ્ર તરફ અને ઘડીમાં આકાશ તરફ અને ઘડીમાં ભૂખ્યાં બાળકો તરફ નિહાળી અશબ્દ આભાર વ્યક્ત કરી રહ્યો હતો. દાનની અસર જોવા ઊભો રહેનાર સાચો દાનેશ્વરી નથી. અને સુરેન્દ્રને પોતે ભજનિક કુટુંબને અત્યારે દાન કરી રહ્યો હોય એમ કદી માની શકે એમ હતું જ નહિ. તેણે પાછો પગ ભર્યો. જરા આશ્ચર્યથી તેણે નિહાળ્યું કે જ્યોત્સ્ના તેની બહુ જ પાસે ઊભી રહી તેનો વ્યવહાર જઈ રહી હતી. સુરેન્દ્ર કાંઈ પણ બોલ્યા વગર સહજ દૂર ઊભેલી કાર તરફ નજર નાખી. કારમાં મધુકર આરામથી બેસી સિગારેટ પીતો પીતો ધૂમ્રનાં કલામય વર્તુલો રચાવી મહાક્રિયા કરી રહ્યો હતો. જ્યોત્સ્ના તરફથી નજર ખસેડી જાણે એને જોઈ જ ન હોય એવો દેખાવ કરી સુરેન્દ્ર આગળ ચાલ્યો.
‘કેમ, ઓળખાણ મટી ગયું શું ? હજી બે કલાક પણ મળ્યે વીત્યા નથી.’ જ્યોત્સ્નાએ સુરેન્દ્રને ઊભો રાખીને પૂછ્યું.
‘તું અહીં ક્યાંથી ?’ સુરેન્દ્રે જરા સ્મિત કરી પૂછ્યું.
‘તને જોવા માટેસ્તો.’
‘મને જવા દે ને મારે રસ્તે, જ્યોત્સ્ના !’
‘હું ક્યાં તને રોકું છું ? રોક્યો રોકાય પણ તું શાનો ? કહે, શું આપ્યું તેં પેલા ભગતને ?’
‘મારો અડધો પગાર.’ સુરેન્દ્ર જૂઠું બોલ્યો. આખો પગાર આપી દેવાની મૂર્ખાઈ જ્યોત્સ્નાથી છૂપાવવાનું તેને ઠીક લાગ્યું.
‘જુઠ્ઠો ! હું ન માનું.’ જ્યોત્સ્નાએ સ્પષ્ટ કહ્યું. સુરેન્દ્ર ધારતો હતો એના કરતાં જ્યોત્સ્ના સુરેન્દ્રના હૃદયને વધારે સારી રીતે ઓળખતી લાગી.
‘કેમ ?’
‘બતાવ મને તારો બાકીનો પગાર, જો તું સાચો હો તો !’ જ્યોત્સ્નાએ કહ્યું. સુરેન્દ્ર જરા હસ્યો. એણે બધોયે પગાર ભજનિકને આપી જ દીધો હતો.
‘પગાર તો બધોય અલોપ થઈ ગયો, જ્યોત્સ્ના !’ સુરેન્દ્રે કહ્યું.
‘હું જાણું ને ? અને તું શું કરીશ હવે આખો મહિનો ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.
‘હું શું કરીશ ?… હાં… કહું ?…’
‘કહે. જલદી કહે… મારે જવું છે.’
‘ખોટું તો નહિ લગાડે ને ?’
‘મને ખોટું લાગે તેની તને પરવા છે ખરી ને !… કહે, હવે શું કરીશ ? માને માટે કાંઈ રાખ્યું પણ નહિ.’
‘માને માટે… હું છું ને ? માને ભૂખે મરવા નહિ દઉં…’
‘અને તું ?’
‘હું ? એ જ તને કહેવા જતો હતો… હું વળી કોઈ સુંદરીને ભણાવીશ… એ સુંદરી મને પ્રેમ કરશે… અને પ્રેમ સિવાય પૈસો નહિ મળે તો હુંયે પ્રેમ કરવા માંડીશ…’ કહી સુરેન્દ્ર જરા હસ્યો.
‘કર્યો તેં પ્રેમ ! તને પ્રેમ કરતા આવડતો હોત તો તું ક્યારનોયે કારમાં ફરતો હોત…’
‘જ્યોત્સ્ના ! પ્રેમ કરું તોય તે માનવી સાથે… નિર્જીવ કારનો મને પ્રેમ હોય જ નહિ ને !’
‘બહુ સારું, મશ્કરી કરવા જેટલોય તું જાગૃત થઈ શક્યો એ માટે હું તને અભિનંદન આપું છું.’ જ્યોત્સ્ના બોલી.
‘જ્યોત્સ્ના ! મારાં અને તારા પાંચ ભાંડુ કૂવે પડવાની તૈયારી કરતાં હતાં… મારી અને કદાચ તારી નજર સામે !… એ જગતમાં મારી અને તારી ભૂખ જીવી શકે ખરી ? પ્રેમની વાત તો ભૂખ પછી જ થાય ને ?’ સુરેન્દ્રે કહ્યું.
જ્યોત્સના આ ઘેલા યુવકને નિહાળી રહી… ક્ષણભર, આખા માસનો પગાર વધારે જરૂરિયાતવાળા કુટુંબને આપી પોતે જ સાધનહીન બની જતા યુવાનને શું કહેવું અને એને શું કરવું એની જાણે એને સમજ ન પડી હોય તેમ અંતે જ્યોત્સ્નાએ કહ્યું :
‘એ પ્રશ્નના જવાબ માટે તું હજી તૈયાર થયો નથી. ભૂખ પહેલી કે પ્રેમ એ વિશે… તારો અધિકાર થશે એટલે હું તને બહુ સ્પષ્ટ જવાબ આપીશ… તને જ્યાં હોઈશ ત્યાંથી શોધી કાઢીને જવાબ આપીશ… આવવું છે સાથે ?’
‘ના.’ સુરેન્દ્રે કહ્યું.
‘વારુ, જા. હું પણ જાઉં. તને પૂરો ઓળખી લીધો; હવે બહુ નહિ મળીએ.’ કહી જ્યોત્સ્ના કાર તરફ ચાલી ગઈ.
કંટાળી ગયેલા મધુકરે કહ્યું : ‘કેટલી વાર કરી ?’
‘સુરેન્દ્રે પોતાનો બધોય પગાર ભજનિકોને આપી દીધો.’
‘એમ ? શું કહે છે તું ?’
‘તેં ન જોયું ?’
‘મૂર્ખાઈને કાંઈ સીમા છે ?’
‘મધુકર ! બે દિવસના ભૂખ્યા કુટુંબને તું જુએ તો તું શું કરે ?’ કારમાં બેસતે બેસતે જ્યોત્સ્નાએ પૂછ્યું.
‘અલબત્ત, એ કુટુંબને સારી રીતે જમાડું.’ મધુકરે કહ્યું.
‘કેટલા પૈસા ખરચીને ?’
‘મારો આખો પગાર આપી દઈને તો નહિ જ ! એ તો મરનારની સંખ્યા વધારવા સરખું પાપ થાય !’ મધુકરે કહ્યું.
જ્યોત્સ્નાએ કાંઈ જવાબ વાળ્યો નહિ…
કાર આગળ ચાલી.