સ્નેહસૃષ્ટિ/સ્નેહની અનોખી સૃષ્ટિ

← મધુકરનાં લગ્ન સ્નેહસૃષ્ટિ
સ્નેહની અનોખી સૃષ્ટિ
રમણલાલ દેસાઈ


૪૧
 
સ્નેહની અનોખી સૃષ્ટિ
 

નગર બહારના ભગ્ન શિવાલયમાં એક સાધુજન અને ભજનિક કુટુંબ સાથે સુરેન્દ્ર બેઠો હતો. બીજો પ્રહર વીતી ગયો હતો અને સાંજના પાંચેક વાગ્યા એટલે સુરેન્દ્ર ઊભા થઈ બહાર નજર કરી.

‘કેમ ભાઈ ! ઊભા થયા ?’ ભજનિક સ્ત્રીએ પૂછ્યું.

‘મારે એક મિત્રના લગ્નમાં જવું છે.’ સુરેન્દ્રે કહ્યું.

‘તે તમારા મિત્ર તો પૈસાવાળા હશે ને ?’ ભજનિકે કહ્યું.

‘હા, પરણનાર મિત્ર એક સ્ત્રી છે અને તે બહુ પૈસાદાર છે.’ સુરેન્દ્રે કહ્યું.

‘તો પછી તમને મોટર નહિ તો ગાડી નો મોકલે ?’ ભજનિક સ્ત્રીએ કહ્યું. સુરેન્દ્ર સાથે ગરીબ દુનિયાને અંગત પરિચય ઝડપથી થઈ જતો હતો.

‘પરણનાર યુવતીએ કંકોત્રીમાં જ મને લખ્યું છે કે મને લેવાને તો કાર જ આવશે... પરંતુ હજી કાર આવી નહિ અને સમય થવા આવ્યો છે...થઈ ગયો છે... એટલે મને લાગ્યું કે હું જ જઈને હાજરી આપું !’ સુરેન્દ્રે કહ્યું. અને તે જ ક્ષણે રસ્તા ઉપર એક મોટર કાર આવીને ભગ્ન મંદિર આગળ ઊભી રહી, જેણે સહુની નજર ખેંચી.

‘લો, ભાઈ ! તમારે માટે જ આ ગાડી આવી લાગે છે.’ ભજનિકે કહ્યું. અને એ કારમાંથી સાદો પોશાક પહેરેલી એક યુવતી બહાર નીકળી. સુરેન્દ્ર એક ક્ષણભર ચમક્યો હોય એમ સહુને લાગ્યું. મક્કમ પગલે અને હસતે મુખે મંદિરમાં પ્રવેશતી યુવતીને જાણે તેણે અણધારેલી આવેલી જોઈ હોય તેમ સુરેન્દ્રની ચમક ઉપરથી સહુને લાગ્યું અને એ યુવતી અંદર આવી સાધુને નમન કરી સુરેન્દ્ર સામે સહજ સ્મિત સહ ઊભી રહી, એટલે સુરેન્દ્રથી પુછાઈ ગયું :

‘જ્યોત્સ્ના ! તું ? તું કેવી રીતે આવી શકી ?’

‘કેમ, હું ન આવી શકું?’ હસીને જ્યોત્સ્નાએ સામે પૂછ્યું.

‘પણ તારું તો અત્યારે લગ્ન છે. હું આવવાને તૈયાર જ થતો હતો. તું ત્યાંથી છૂટી કેમ થઈ શકી ?’ સુરેન્દ્રે પૂછ્યું.

‘બધું સામધામ પાર ઊતરશે તો હું નહિ, પણ શ્રીલતા અને મધુકર પરણી જશે ! મારે તો મધુકર સાથે પરણવાનું હોય નહિ ને ?’ જ્યોત્સ્નાએ ધીમે રહીને સાદડી ઉપર સ્વસ્થતાપૂર્વક બેસીને કહ્યું. સુરેન્દ્ર પણ નીચે બેઠો અને બેસતાં બેસતાં તેણે કહ્યું :

‘પરંતુ કંકોત્રી, જાહેરાત, આમંત્રણપત્રિકા, એ બધું જ તારા લગ્નની જ જાહેરાત કરતું હતું - અને તે એક અઠવાડિયાથી. પછી આ શું ? તું શું કહે છે ?’

‘એ જાહેરાત મેં નહોતી કરી. મારાં માતાપિતા અને મધુકરે કરી હતી.’ જ્યોત્સ્નએ સહજ હસીને કહ્યું.

‘પણ મારી આમંત્રણ પત્રિકામાં તો તેં તારે હાથે એમ પણ લખ્યું હતું કે તું આ પ્રસંગે મારે માટે કાર મોકલીશ.’ સુરેન્દ્રે કહ્યું.

‘કાર આવી જ છે.’

‘પરંતુ તું કેમ આવી શકી ?’

‘મેં વધારામાં શું લખ્યું હતું તે પૂરું વાંચ્યું દેખાતું નથી. મેં એમ પણ લખ્યું હતું કે બનશે તો એ વખતે હું જ તને લેવા આવીશ. પૂરું વાંચતો પણ નથી શું ?’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘મારા મનમાં કે તે મને સારું લગાડવા વિવેક કર્યો છે. પણ તું જાતે આવી પણ ખરી. અને નવી વાત લાવી પણ ખરી. ખરેખર નવી, કલ્પનામાં પણ ન આવે એવી !’

‘હું નવી વાત લાવી નથી. એની એ જૂની વાત લઈને આવી છું. તારી કલ્પનાનાં તેજ ઘટતાં જાય છે શું ?’

‘શી વાત ? કઈ જૂની વાત ? તું સતત મને ગભરાવતી જ રહી છો !’

‘એ વાત... એમ... કે... તારી હા હોય તો હું અને તું બન્ને લગ્ન કરીએ. અને અહીં સાધુને અને મારે ઘેર જઈ માતા-પિતાને પગે લાગીએ.’

‘જ્યોત્સ્ના ! હજી આવું જોખમ વહોરવું છે ?’

‘સુરેન્દ્ર ! તારે માટે હું ગમે એટલાં જોખમ ખેડીશ - ગમે ત્યાં સુધી !’ જ્યોત્સ્નાએ કહ્યું અને આ વિચિત્ર યુગલને એકલાને જ વાત કરવાનો મોકો મળે એ માટે ભજનિક કુટુંબ અને સાધુજન એકાએક ત્યાંથી ઊઠી પોતપોતાને કામે લાગી ગયાં. છતાં સહુના કાન આ બન્ને વિચિત્ર વ્યક્તિઓની વાતચીત જરૂર સાંભળી રહ્યા હતા.

‘જ્યોત્સ્ના ! હું હૃદયહીન છું. નહિ ? મારી હા થાય ત્યાં સુધી તો...કદાચ આપણો આ જન્મ વતી પણ જાય ! ત્યાં સુધી તારે રાહ જોવી પડે !’ સુરેન્દ્રે દર્દભર્યાં કંઠે કહ્યું.

‘તેની હરકત નહિ; રાહને માટે તું ચિંતા ન કર. પરંતુ તને શું હજી એવી નિરાશા છે કે મારા અને તારા જીવતાં તારું પણ પૂર્ણ નહિ થાય ?’ જ્યોત્સ્નાએ કંઠમાં જરા પણ દર્દ લાવ્યા સિવાય ઉત્તેજક કંઠે કહ્યું.

‘ઉમંગ છે. હોંશ છે. આશા છે કે એક રાતમાં, એક દિવસમાં એક વર્ષમાં મારું પણ સફળ કરું પરંતુ બીજી પાસ એવડી અને એવડી નિરાશ પણ છે. મારું આખું જીવન વીતી જાય છતાં એ લીધેલું પણ પૂર્ણ ન પણ થાય !’ સુરેન્દ્રે ગંભીરતાથી શબ્દોચ્ચાર કર્યો.

‘તારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય પછી તું લગ્ન કરી શકીશ કે નહિ?’

‘જરૂર.’

‘અને તે કોની સાથે ?’

‘જવા દે એ સ્વપ્ન, જ્યોત્સ્ના ? અશક્ય સ્વપ્નને ક્યાં ખુલ્લું કરવું?’ સુરેન્દ્રે કહ્યું.

‘જો સુરેન્દ્ર ! મેં તને મારું સ્વપ્ન કહી સંભળાવ્યું છે ! તેં તે અશક્ય બનાવ્યું. તારું સ્વપ્ન મને કહી સંભળાવીશ તો કદાચ એ અશક્ય સ્વપ્ન હું જ શક્ય કરી શકીશ.’ જ્યોત્સ્ના બોલી.

‘જ્યોત્સ્ના ! તારા અભિમાને પણ તને અહીં આવતાં અટકાવવી જોઈતી હતી. હું તારી સહાનુભૂતિને લાયક ક્યાં રહ્યો છું?’ સુરેન્દ્રે થડકાતે કંઠે કહ્યું.

‘હવે મારા અભિમાનની વાત જવા દે અને મને કહે...’

‘શું કહું તને, જ્યોત્સ્ના ? શબ્દો ખૂટ્યા છે.’

‘છતાંય મને કહે તો ખરો કે તું પરણે તો કોને પરણે ? આથી વધારે સ્પષ્ટ પ્રશ્ન તો ન જ હોય ને ?’ જ્યોત્સ્ના બોલી.

‘કદી કહ્યું નથી... કહેવા ધાર્યું નથી તે આજે તારે મારી પાસે કહેવરાવવું છે ? તો સાંભળ... પ્રતિજ્ઞા પૂર્ણ થાય... અને ત્યાં સુધી તારું લગ્ન થયું ન હોય... તો તારી સાથે જ લગ્ન કરીશ.’

‘એટલું બસ છે. એ મુદત સુધી મારું લગ્ન નહિ થયું હોય એમ ખાતરી રાખજે. પરંતુ તું કહે તો ખરો કે તારી પ્રતિજ્ઞા પૂર્ણ ક્યારે થશે ?’

‘એ પ્રતિજ્ઞા ત્યારે પૂર્ણ થશે કે જ્યારે માનવવિશ્વ ગરીબીના નાશનો ઢંઢેરો પિટાવશે !’ સુરેન્દ્રની આંખમાં બોલતાં બોલતાં કાંઈ અજબ ચમક ચમકી ઊઠી.

‘ઓહો ! એટલું જ ને ? એ ઢંઢેરો કદાચ તને લાગે છે એટલો દૂર ન પણ હોય.’

‘તો.. એ બહુ પાસે લાગે છે તને ?’

‘હા, સુરેન્દ્ર ! વીસમી સદીએ શું શું નથી કર્યું ? જો રશિયા અને ચીને સમાજરચનાના પાયામાંથી ખાનગી મિલકત ખોદી, ફેંકી, દાટી સમાજને સોનાના પાયા આપ્યા. કદી કોઈએ ધાર્યું હતું ? હજી વિચાર કરી જો ! હિંદુસ્તાનમાંથી અંગ્રેજો જાય એમ કોઈએ કહ્યું હતું ? ગાંધીજીએ પણ ? છતાં એ સ્વપ્ન સાચું પડ્યું જ છે ને ? માનવજાતની સમજમાં યુદ્ધનો ધક્કો વાગીને કે ધક્કો વાગ્યા વગર એક પલટો આવી જાય તો કાલ સવારે તારાં અને મારાં લગ્ન થઈ શકે.’ બોલતાં બોલતાં જ્યોત્સ્નાની આંખમાં પણ કોઈ નવી ચમક ચમકી ઊઠી.

‘જ્યોત્સ્ના, જ્યોત્સ્ના ! આ તું બોલે છે ? તું તો એક ધનવાનની દીકરી!’

‘હા. હું ધનવાનની દીકરી ! અને તે હું જ બોલું છું - ધનને ઓળખીને- પરખીને - નાણીને બોલું છું અને સુરેન્દ્ર ! સાથે સાથે એ પણ સમજી લેજે કે આ શબ્દો તારા રૂપથી, તારી દેશભક્તિથી, તારી જનકલ્યાણની ભાવનાથી કે તારા તપથી મોહ પામેલો માત્ર સ્ત્રીદેહ જ બોલતો નથી ! તું જે માગે છે એ સિદ્ધ કરવા તત્પર થયેલું સ્ત્રીહૃદય આ બોલે છે. તું મારી જરાય દયા ન ખાઈશ, મારી જરાય ચિંતા ન કરીશ, મને સારું લગાડવા મથન પણ ન કરીશ ! તારું પણ સિદ્ધ થયું એમ લાગે ત્યારે તું મને પુછાવજે કે હું તને પરણવા માટે કુંવારી રહી છું કે નહિ.. ભલે ! પચીસ વર્ષ થાય.. પચાસ વર્ષ થાય.. સાઠ વર્ષ થાય તેની ચિંતા ન રાખીશ... અને સાથે સાથે તને.… વચમાં... કદી એમ થાય કે તને આછાપાતળા વિસામાની જરૂર છે. તો મારી પાસે ચાલ્યો આવજે. અર્ધા કલાક બેસજે અગર જ્યાં હોઉ ત્યાં મને યાદ કરજે... હું પણ એમ જ કરીશ.... તારી પ્રતિજ્ઞાનો હું જ ભંગ થવા નહિ દઉં... તારી પ્રતિજ્ઞાનું રક્ષણ એ જ મારી પ્રતિજ્ઞા !’

સુરેન્દ્ર જ્યોત્સ્નાની સામે ટગર ટગર જોઈ રહ્યો. તેના હૃદયનું નાવ કોઈ ભારદરિયામાં આકાશપાતાળના ઝોલા લેતું હોય એમ તેને પોતાને જ લાગ્યું.

‘સામે જોઈ ન રહીશ, સુરેન્દ્ર ! તને મોહ પમાડવા માટે મોહિનીનું રૂપ બની હું આ બધું કહેતી નથી. હવે તારું પણ એ જ મારું પણ.’ જ્યોત્સ્નાએ કહ્યું. અને સુરેન્દ્ર એક શબ્દ પણ બોલ્યા વગર જ્યોત્સ્નાની સામે જોઈ રહ્યો.

જ્યોત્સ્નાની સામે જોતાં જોતાં તેણે મન ઉપર સંયમ સાધ્યો. તેને પોતાને જ લાગ્યું કે કદાચ જ્યોત્સ્નાએ સુરેન્દ્રના સરખી પ્રતિજ્ઞા અત્યારે ન લીધી હોત તો... કદાચ... તેના હૃદયે... અરે, તેની વાણીએ...જ્યોત્સ્ના સાથે લગ્ન કરવાની હા પાડી દીધી હોત ! પ્રતિજ્ઞાભંગમાંથી આ નવયુગની વીરાંગનાએ તેને બચાવી લીધો હતો ! જ્યોત્સ્ના ક્યારની જોઈ શકી હતી કે સુરેન્દ્રની આંખમાં એક એવી ઘેલછા ઉત્પન્ન થઈ હતી કે જે સુરેન્દ્રને જ્યોત્સ્નાના પગ પકડવા પ્રેરે, હાથ પકડ્યા પ્રેરે અગર આખા દેહને બાથ ભરી લેવા પ્રેરે ! સ્ત્રી જ એ પુરુષઘેલછાને ઓળખી શકે છે. જ્યોત્સ્નાએ આગળ કહ્યું :

‘તો સુરેન્દ્ર ! ચાલ, જરાય મારો ભય રાખ્યા વગર હું અને તું બંને કામે લાગીએ. પહેલું કામ તો એ કે મધુકર અને શ્રીલતાને આપણે બંને જણ જઈ અભિનંદન આપીએ.’

‘પરંતુ તારું શું થશે? તારાં માતા-પિતા તને શું કહેશે?’ સુરેન્દ્રે કહ્યું.

‘એની તું ચિંતા ન કરીશ. પિતાની કારમાં આજ હું છેલ્લી બેસું છું. જે ધન સહુનું નહિ તે મારું નહિ.’

થોડી ક્ષણે યંત્રવત્ સુરેન્દ્ર ઊભો થયો. તેણે સાધુની પાસે જઈ નમસ્કાર કર્યા અને કહ્યું: ‘મહારાજ ! હું જરા કલાકેક જઈ આવું... મારાં પરિણીત મિત્રોને અભિનંદન આપવા. પછી હું અહીં જ આવું છું...આપણે ગરીબી ટાળવાની મારી યોજના વિશેની અધૂરી ચર્ચા પૂરી કરીશું...’

‘ફત્તેહ કર, દીકરા ! હવે ચર્ચાની જરૂર નથી. યુવક અને યુવતીના આવા ભોગ જ્યાં અપાતા હોય ત્યાં ચર્ચા ચાલે જ નહિ. છતાં... જતે જતે.... સમય હોય તો તારી માતાને કહેતો જજે કે તારા પિતા જડ્યા છે.અને પોતાના પુત્રમાં જીવનની સફળતા પિતાએ સાધી લીધી છે.’ સાધુની આંખમાં એક ક્ષણભર પાણી ચમકી ગયું.

સુરેન્દ્રે બીજું આશ્ચર્ય આજ નિહાળ્યું ! દેશસેવાની ધૂનમાં જીવનને નિષ્ફળ ગયેલું માની અદૃશ્ય થયેલા તેના જ પિતા સાધુ સ્વરૂપે તેની જ સામે ઊભા હતા શું ? આશ્ચર્ધદગ્ધ સુરેન્દ્રે પૂછ્યું :

‘આપ શું કહો છો ?’

‘તેં જે સાંભળ્યું તે જ ! તારા જ સરખી તેજસ્વી યુવતીની સાથે સાથે તને આગળ કદમ માંડતો જોઉં એ મારી સિદ્ધિ. હવે હું અહીંથી કંઈ જઈશ નહિ. તારી માતાને કહેજે કે તારા સરખો પુત્ર આપીને એણે મારી નિષ્ફળતા દૂર કરી છે... અને દીકરી જ્યોત્સ્ના ! તું પણ તારાં માતા-પિતાને કહેજે કે તેમના સુખમાં જ સુખી થનાર તેમનો બાલમિત્ર તારા સરખી તેજસ્વી પુત્રીનાં માતા-પિતાને મુબારકબાદી આપે છે...’

‘તેં... આ સુરેન્દ્રના પિતા તો નથી? એનું અને મારું નાનપણ યાદ કરાવનાર મારા પિતાના આપ મિત્ર...’

‘પૂર્વાશ્રમ જતો કરજે, બહેન ! મારો અને તારાં માતાપિતાનો !....હવે પાછો હું... થાકેલો તાજો થાઉં છું અને વિશ્વની ગરીબી ટાળનાર સાધુઓની વણજારમાં સામેલ થઈ જાઉ મારું સાધુપણું મૂકીને, મારું ગુરુપણું મૂકીને - અને યૌવનનું શિષ્યપદ સ્વીકારું !’

જવું... ન જવું એમ ડગમગતો વિચાર કરતાં યુવક-યુવતીને માથે સાધુએ હાથ મૂક્યો અને તેઓ હસ્યા.

જ્યોત્સ્ના અને સુરેન્દ્ર બન્ને સહજ શરમાઈને ધીમે પગલે મંદિરથી બહાર નીકળ્યાં. જ્યોત્સ્નાએ સુરેન્દ્રને પોતાની સાથે કારમાં બેસાડ્યો અને પોતે કારનું યંત્ર હાથમાં લઈને બેઠી. ક્ષણભર સુરેન્દ્રને થયું કે સાધુને સાથમાં લઈ ઘેર ઉતારે. પરંતુ અનેક પ્રબળ આશ્ચર્યો વચ્ચે એ વિચારને નિશ્ચયમાં મૂકતા પહેલાં કાર ચાલવા લાગી.

સાધુના મનમાં વિચાર આવ્યો : ‘હવે માનવવિશ્વમાંથી ગરીબી યંત્રની ઝડપે દૂર થશે.’

અને ખરેખર કારમાં કોઈ અજબ વેગ આવી ગયો. બે જીવંત માનવી - એક યુવતી અને એક યુવક - ઝડપી વાહનમાં બેઠાં હતાં !... અને વધારામાં એ વાહનનું સુકાન એક તેજસ્વી યુવતીના હાથમાં હતું !...

એ ક્યાં જતાં હતાં ? પરણવાં નહિ ! પરણનારની સ્નેહસૃષ્ટિને અભિનંદન આપવા ! છતાંય એમનીયે સ્નેહસૃષ્ટિ આકાર લેતી નહિ હોય એમ કેમ કહેવાય ? સંયમ કયો આકાર સૃષ્ટિને આપે ?