સ્રોતસ્વિની/અતૃપ્તિ
← સ્ખલન | સ્રોતસ્વિની અતૃપ્તિ દામોદર બોટાદકર |
પ્રયણાસ્ત્ર → |
અતૃપ્તિ
(કવ્વાલી)
વધારે બે દિવસ વ્હાલા ! રહ્યો ના હું ગૃહે તારે, અતૃપ્તિ એ થકી ઉંડી રહી ગઈ અંતરે તારે.
ભલે સ્નેહી હૃદય માંહે અતૃપ્તિ રાત દિન રે'તી, અને એની વિમળ વૃત્તિ ભલે તૃપ્તિ નહિ લેતી.
ઉપેક્ષા તૃપ્તિની પુત્રી સદાયે સંગમાં રે'છે, રહે આવી તુરત ઉભી, હૃદય જો તૃપ્તિને સેવે.
અતૃપ્તિ એજ પ્રીતિની સજીવનતા બતાવે છે, અતૃપ્તિ એજ તન્મયતા હૃદય માંહે રચાવે છે.
અતૃપ્તિ પ્રીતિવલ્લીને સુધારસ સર્વદા સિંચે, અતૃપ્તિના ઉદર માંહે હજારો તૃપ્તિઓ હિંચે.
અતૃપ્તિ શુંખલા સાચી પ્રણય-સંબંધને માટે, અતૃપ્તિ દિવ્ય નિઃશ્રેણિ જવાને પ્રેમ-પ્રાસાદે.
અમલ અદ્વૈતની વ્હાલી જરૂર છે જન્મદાત્રી એ. પ્રણયને પોષતી સ્હેજે ધરી ઉર માંહિ ધાત્રી એ.
અતૃપ્તિ અંત જો પામે વૃથા તે જીંદગાની છે,
અતૃપ્તિની સમાપ્તિમાં સકળ રસની સમાપ્તિ છે પ્રણયનો પાર ના પામે હજારે માસ કે વર્ષો, અરે ! શો આશરો એમાં બિચારા બે દિવસ કેરો ?
સમયની ક્ષુદ્ર સીમામાં પ્રણય પૂરાય શી રીતે ? સમયથી માપ પ્રીતિનું કહે લેવાય શી રીતે ?
અરે ! સંતોષને માટે હતા દિન બેજ શું બાકી ! અને ત્રીજે દિવસ વ્હાલા ! ઉપેક્ષા શું હતી મારી ?
વિયેાગે પ્રેમનાં પાત્રો સદા સંયેાગ સેવે છે, પ્રસંગો સર્વ પ્રીતિના પ્રતિપળ ત્યાં પ્રકાશે છે.
હૃદય કરતાં વપુ કેરૂં વધારે મૂલ્ય શું માને ? પરોક્ષે પ્રેમીઓ પૂરો નહિ સંબંધ શું સાધે ?
કદી આનંદને માટે મને તું રોકવા માગે, પ્રણય છે અંતરે જેને સદા આનંદ એને છે.
સમય-સાફલ્યને માટે કહે તે યોગ્ય ના ભાસે, જીવન-સાફલ્ય પ્રેમીને, સમય-સાફલ્ય તો સ્હેજે !
વધારે રોકવા કેરો સુહૃદનો ધર્મ જો ધારે, થઈ અદ્વૈતની સિદ્ધિ, પછી શો ધર્મ છે તારે ?
અને સંસારના ધર્મો પ્રણયનાં પાત્ર ના પાળે,
નહિ સંસારને પંથે પ્રવાસી પ્રેમના ચાલે. સુહૃત્સહવાસથી સ્હેજે જગતજંજાળ ભૂલાયે, અને એ કારણે મુજને મથે તું રોકવા માટે.
પરંતુ સ્નિગ્ધ અંતરને નહિ જંજાળ કો શોષે, દૃશદ્ લૌકિક દુઃખોના પડી ત્યાં પીગળી જાશે.
પ્રણયની સંસ્મૃતિ માંહે જગતની વિસ્મૃતિ સ્હેજે, સદા એ સંસ્મૃતિ સેવી, હૃદય રાચી સુખી રે'જે.