← ગૃહિણી સ્રોતસ્વિની
અપરોદ્વાહ
દામોદર બોટાદકર
સૌરાષ્ટ્રસુંદરી →


<poem>

અપરોદ્વાહ

( હરિણી )

ઝરણ વહતું પ્રીતિ કેરૂં દ્વિધા કરી નાખવું, ઉર કુસુમને કાપીને બે દિશા મહિં ફેંકવું; નહિ નહિ બને એ મારાથી ભલે પ્રિય ! તું કહે, જગ પણ ભલે તારા જેવો મને ઉપદેશ દે !

સુતરહિત આ સૂનું મારૂં તને ગૃહ લાગતું, હૃદય અતિશે તેથી તારૂં દીસે દુઃખ પામતું; પણ ઉચિત તે દર્શાવેલો ઉપાય ન તે તણો, જન જગતના માને એને ઉપાય ભલે ખરો.

મુજ હૃદય તો વેચી દીધું સખે ! બહુ કાળથી, પ્રિયમય બની ચૂકેલું તે સ્વતંત્ર હવે નથી; નથી હૃદયમાં બીજા માટે જગે જરીએ રહી, ઇતર જનને કયાં બેસાડું કહે કરથી ગ્રહી ?

અનુમતિ ભલે એ સંબંધે પ્રિયા પણ આપતી, મુજ હિત થવા એ પોતાનું હશે સુખ છોડતી; પ્રકટ કરતી પ્રીતિભાવે અવશ્ય ઉદારતા,

પ્રકટ કરવી તે શું મારે દગો દઈ દુષ્ટતા ?
<poem>

વિમલ ઉરને વીંધુ વ્હાલા ! કયા અપરાધથી ? હૃદયતલથી ત્યાગું એને કયા અધિકારથી ? કુલિશ કદલીશીર્ષે મારે નથી કદી નાખવું, કમલ કુમળું કંપાવીને નથી કરમાવવું.

જનક બનવા માટે શાને પડું પતિધર્મથી ? જનક બનવા કેરી ઈચ્છા નથી ઉર બાળતી; પ્રણય ફળ હું પામી ચૂક્યો પ્રિયા-ઉર પાસથી, ઇતર ફળને અર્થે એને ત્યજુ કયમ મોહથી !

સુત જગતને સોંપી દેતો હશે સુખ સ્વર્ગનું, સુતરહિતના ભુંડા ભાગ્યે હશે, નરકે જવું; સુરસદનની શાંતિ સ્હેજે અહીં મુજને મળે, પ્રણય રસને પીતાં પીતાં પળે સુખની પળે.

અમરસુખ આ છેડી દેવા અરે ! નથી ઈચ્છતો, જગત-સુખનાં ખાટાં ખારાં ફળે નથી રાચતો; જરૂર સુખની વ્યાખ્યા જૂદી જનો જગનાં કરે, મુજ હૃદયને એવી વ્યાખ્યા નહિ ઘડીએ ગમે.

કઠિન હૃદયે બે પત્નીનું ભલે સુખ ભોગવે, દશ તનુજને પામી સ્વર્ગે ભલે પછી સંચરે; જનક-સુખને લ્હાવો લેતાં ભલે જગ માણતાં,

ઉર ઉભયને સ્નેહાભાસે ભલે સમજાવતાં.
<poem>

મુજ હૃદયને એવી ચેષ્ટા અરે ! નહિ આવડે, કપટ રમવું વ્હાલી સંગે ! કદી ન બની શકે; ભવ જલધિને બે નૌકામાં ચઢી ન તરી શકું, વિષમ ગતિથી ડૂબી શાને મહા દરિયે મરૂં ?

પ્રણય જગનો સ્વામી મારે ગૃહે પ્રકટ્યો ખરે ! ભવન ભરતે, ક્રીડા કોટિ કરી રમતેા ફરે; અચળ ઉરથી એને બન્ને અવશ્ય ઉછેરશું, શત સત તણું સાચું દૈવી સદા સુખ સેવશું.