← અનવસર સ્રોતસ્વિની
ઉલૂક
દામોદર બોટાદકર
કસ્તૂરી મૃગને →


<poem>

ઉલૂક

( વસંતતિલકા )

સર્વત્ર ગાઢ તમ વ્યાપ્ત જણાય કાળું, એના પિચંડ મહિં વિશ્વ સમસ્ત સૂતું; કાળી નિશા મુખ કરાલ રહી પ્રસારી, મીંચી ગયાં નયન થૈ ભયભીત પ્રાણી.

આ તારલા સ્થિર રહી નભમાં વિમાસે, ભૂલ્યા તમિસ્ર થકી એ નિજ માર્ગ ભાસે; એને સુયોગ્ય પથ સદ્ય બતાવવાને, સપ્તર્ષિ ચિંતન કશું કરતા જણાયે !

નિઃશબ્દ આ વહતી નિર્મળ વ્યોમગંગા, ના થાય નષ્ટ જગની ગણી ગાઢ નિદ્રા; ને મંદ મંદ બની શીત સમીર વાય, સંત્રસ્ત એ તિમિર જોઈ થયો જણાય.

એથી શનૈશ્ચરણ ભૂમિ પરે ધરે છે. ને શોધતો શરણ વ્યાકુલ વિચરે છે; કર્તવ્ય તો પણ નહિ પળ એક ચૂકે,

સંતાઈને ન શ્વસનત્વ કદાપિ મૂકે.
<poem>

જેણે સમર્પિત શરીર કર્યું પરાર્થે, ભીતિ થકી ક્યમ ડરી-અટકી પડે તે ? ઉંચે શિરે રવિ તણી કરતાં પ્રતીક્ષા, નિશ્ચેષ્ટ આતુર બની તરૂ સર્વ ઉભાં.

ક્રીડા અનેક ત્યજીને પરિવાર સાથે, સૂતાં સમસ્ત નભસંગમ નીડ માંહે; શાંતિ અપૂર્વ સઘળે પ્રકટી દીસે છે, તેમાં અરે ! પ્રખર આ સ્વર કયાંથી આવે ?

હા ! હા ! ઉલૂક ! તુજ શબ્દ જણાય એ તો, ગંભીર આ ગિરિ થકી પ્રતિધોષ લેતો; નિદ્રા અરે જગતની ક્યમ તું ત્યજાવે ? શાને નિશીથ સમયે સહસા સતાવે ?

કો દેવ કે અસુરનો પ્રિય દૂત તું છે ? ને તારી ઉક્તિ મહિં ગૂઢ રહસ્ય શું છે ? હા ! મૃત્યુદૂત બલવત્તર તું દીસે છે ! સંદેશ યોગ્ય સમયે અમને શુણાવે.

છોડી પ્રવૃત્તિ જગ સ્વસ્થ બની રહેલું, તેથી રહસ્ય શુણશે થઇ શાંત તારૂં; એવા વિચાર થકી તું વદવા ચહે છે,

ઘેલા ! વિચિત્ર જગને પણ તું ન જાણે !
<poem>

ભાસે તને મનુજના મન માંહિ શાંતિ, સેવે પરંતુ અતિ ચંચળ સ્વપ્નસૃષ્ટિ જેમાં પ્રપંચ જગથી વસતા વધારે, ને દીર્ઘ એ પદવીનો નવ પાર આવે.

તોફાન કૈંક મહિં પ્રાણી સહુ પડેલાં, નિદ્રા તણા પટ તળે રમણે ચડેલાં; સંદેશ એ તુજ તણો શ્રવણે ન ધારે, શાને કરે રૂદન નિર્જન રાન માંહે ?

કો જાગશે જન શુણી કદી શબ્દ તારો, તો માનશે અતિ અમંગલ આ લવારો; એ સાંભળે સ્તુતિ તણાં વચનો સદાય, ને સ્વાર્થનાં કથનથી પરિતુષ્ટ થાય.

આ ગૂઢ મંત્ર નહિ અંતરમાં ઉતારે, તેાએ સદૈવ વદજે અંહિ બંધુભાવે; એથી સ્મૃતિ નિધનની અમને રહેશે, કર્ત્તવ્યમાં ઉલટ એ દિનરાત દેશે.

છોડી પ્રમાદ કરશું ઝટ કાર્ય એથી, ને વ્યર્થ મેાહ ત્યજશું અમ અંતરેથી; વ્હાલાં અનેક સ્વરથી સ્મૃતિ માંહિ આવે, જે શાંતિના હૃદયમાં વિલસે સદાયે. <poem>

કર્ત્તવ્ય જીવન તણાં બહુધા બજાવી, ને પાઠ સત્પ્રણયના અમને બતાવી, સંસારમાં ગમનની સરણિ સુધારી, સૂતાં કૃતાર્થ બની દિવ્ય નિકેત માંહિ.

વાત્સલ્યભાવ થકી આશીષ નિત્ય આપે, પીયૂષપૂર્ણ અમ ઉપર દૃષ્ટિ રાખે. એ ઈષ્ટનું મિલન જે અમને કરાવે, સંદેશ એ નિધનનો પ્રિય કાં ન લાગે ?