← કદલી સ્રોતસ્વિની
ભાગીરથી
દામોદર બોટાદકર
અનવસર →


<poem>

ભાગીરથી

( વસન્તતિલકા )

દીઠું ભગીરથ તણા શ્રમનું સુહાતું, હા ! આજ ભવ્ય પરિણામ મનોજ્ઞ મીઠું ! કર્ત્તવ્યનિષ્ઠ, ઉરના જયની સુગીતા, દીઠી મહાર્ણવ સમી સુરવંદ્ય ગંગા.

પૂરો પ્રયાસ મરણાન્ત કર્યો પિતાએ, કીધો હતો સતત પૂજ્ય પિતામહે તે; તેાએ અભીષ્ટ ફળ ના નજરે નિહાળ્યું, ને લક્ષ્યનું ન લવ નામ નિશાન ભાળ્યું.

તેાએ ભગીરથ મધ્યે ત્રિગુણા ઉમંગે, ને દેહની ન દરકાર કરી લગારે; લોભાવતી હ્રદયથી ત્યજી રાજલક્ષ્મી, દીઠા વડા વિભવ ઐહિક સર્વ છોડી.

કાં પામવો વિજય સ્વીકૃત કાર્ય માંહે, કાં પામવું મરણ પૂર્વજના સુધન્યે, એવો ઉરે અચલ નિશ્ચય હોય જેને,

સ્વર્લોક–વૈભવ ન દૂર જણાય તેને.
<poem>

દીઠો નગેન્દ્ર-ઉર ભેદતી લક્ષ ધારે, ને લેાકમાં ઉતરતી પ્રબળા પ્રવાહે; નાના તરંગ થકી નાચતી ભવ્ય ભાવે, સ્વર્લોક-સેવ્ય સરિતા અચિરાય એણે.

દીઠી અને જગતના જનને બતાવી, સંતૃપ્તિ પૂર્વજ તણા ઉર માંહિ આપી; એ વીરના વિજયને જગતે વધાવ્યો, ને દિવ્ય આર્ય-ઈતિહાસ વિષે ગવાયો.

એ સત્યપ્રયાસ, ફળ, સાહસ એ સુભાગી, એ ધૈર્ય, ખંત, દૃઢતા, ઉર એ યશસ્વી; સંસારના હૃદય માંહિ ઠસાવવાને, ને એ સુપન્થ પર નિત્ય ચલાવવાને.

તીર્થત્વ, પાવનકરત્વ, શુચિત્વ રહેજે, એ કાર્યને વિબુધવર્ગ ન કેમ આપે ? ને વિશ્વમાં અમર એ કૃતિ રાખવાને, “ ભાગીરથી ” સદભિધાન ન કેમ આપે ?

એ પ્રાપ્યનો ઉચિત આશય એક અશે, જે આર્યના ઉર વિષે પળ એક પેસે; તે સર્વ પાપ થકી મુક્ત થઈ નિરાંતે,

ગીર્વાણના ગૃહ વિષે જઈ કાં ન બેસે ?
<poem>

સેવી અનેક શ્રમ દૂર થકી ઉમંગે, હા ! આવીએ તુજ પદે અગ્નિ ! માત ગંગે ! ને શૂન્ય માનસ વડે વપુને ભીંજાવી, પાછા ગૃહે વિચરીએ સુરને હસાવી.

મીઠું મહત્ત્વ કદી અંતરમાં ન આવે, એ વીરનું સ્મરણ ના પળ એક આવે; કર્ત્તવ્યનિષ્ઠ બનવા નહિ સ્વાન્ત જાગે, ને અન્યના શ્રમ તણું ફળ આપ માગે.

આરંભી કાર્ય પળમાં અટકી જનારા, ને સ્વલ્પ વિઘ્ન નડતાં ત્યજી નાસનારા; કર્ત્તવ્યસંગ ફલ-દર્શન ઈચ્છનારા, કાં કાર્યનું પ્રથમથી ફળ માગનારા.

જે ભૂમિના અહહ ! આત્મજ હોય એવા, ક્યાંથી સુભાગ્ય પ્રકટે ભાવ માંહિ એના ? એ કયાં થકી ત્રિદિવના પથને નિહાળે ? ને કયાં થકી સુર તણું સુખ સ્વલ્પ સેવે ?