← સુદામા સ્રોતસ્વિની
સુરદાસ
દામોદર બોટાદકર
ઉર્વશીને →


<poem>

સુરદાસ

( વસંતતિલકા )

શ્રષ્ટા તણી સકળ સત્કૃતિ દેખનારી, ને સ્વાન્તને પણ વિવેક બતાવનારી; ચંદ્રાર્કરૂપ તનુરત્ન અમૂલ્ય આંખો, પ્રાણી તણા જીવનની ઉપયુક્ત પાંખો.

તેનો અરે ! કવિશિરોમણિ સુરદાસ ! સૂચ્યગ્રથી ક્યમ કર્યો સહસા વિનાશ ? વૈયર્થ્ય શું નયનનું તુજને જણાયું ? ને અંધકાર મહિં શું કંઈ તત્ત્વ ભાસ્યું ?

હા ! દુષ્ટતા જગતની ન શક્યો નિહાળી, ભૂલ્યો સુપંથ, ભવ–ભેદ અનેક ભાળી; પૂરો પ્રકાશ રવિનો જગમાં જણાતો, તેાએ અનેકવિધ ઠોકર નિત્ય ખાતો.

વસ્તુ સુરમ્ય સમજી ગ્રહવા તણાતો, અંતે અરમ્ય નિરખી રડતો, ઠગાતો; જ્યાં ત્યાં પ્રપંચપરિવર્ધન નિત્ય ભાસે,

જે દેખતાં હૃદય કેવળ ત્રાસ પામે.
<poem>

બાહ્ય સ્વરૂપ જગનું અવલોકનારી, ને વ્યર્થ મેાહ ઉરમાં ઉપજાવનારી, સત્કાવ્યના ઉમળકા અટકાવનારી એની મનોજ્ઞ છવિ સંતત છેદનારી;

વૃત્તિ અનન્ય ઉરની વિનિવારનારી, નિષ્કામ સ્નેહરસસાગર શોષનારી, ભ્રાંતિ અસંખ્ય પ્રકટાવી ભમાવનારી, દૃષ્ટિ તને નવ ગમી જરીએ ઠગારી !

ને પૂર્ણ શાંતિ હૃદયે પ્રકટાવનારૂં, અદ્વૈતવર્ષણ વડે જગ રેલનારૂં; દુર્વાસના સતત દૂર રખાવનારૂં, લાગ્યું તને તિમિરમડળ તેથી સારૂં.

જ્યાં રમ્ય કે નહિ અરમ્ય કશું જણાય, ને એક ભાવ ઉરમાં વિલસે સદાય; જ્યાં વિશ્વનાં વિતથ નર્તન ચિત્ત ભૂલે, આડંબરો છળભર્યા નહિ લેશ ફાવે.

જ્યાં પાપના નવ મળે કદીએ પ્રસંગો, આનંદને ઉછળતે અકૂપાર ઉંડો; ત્યાં સાંપડી પ્રિય ! તને સુરસેવ્ય સૃષ્ટિ,

કોટિ દિવાકર તણી દ્યુતિથી ભરેલી.
<poem>

સૌન્દર્યની પ્રકટ સીમ ન જ્યાં જણાય; ભૂડું અહંપદ ન જયાં ઉરમાં ભરાય; ત્યાં સ્નેહ વર્ષતી સરસ્વતી રાસ ખેલે, કલ્લેાલતી સુકવિતા રસમત્ત ડોલે.

તેના તરંગ સહુ તું ઉર ઝીલી લેતો, ને વિશ્વને વિમળ એ રસ લાવી પાતો; જે ગુહ્ય દૃશ્ય નહિ સૂર્ય શકે નિહાળી, તે દેખતો સહજ તું દૃગ લક્ષ પામી.

એ દિવ્ય દર્શન તણો અધિકાર જેને, દૃષ્ટિ ગમે જગ તણી જડ કેમ તેને ? તે વિશ્વનું ત્યજી વિલોકન અંધભાવે, સંસારમાં રહી સુરત્વ ન કેમ સેવે ?