સ્વામી વિવેકાનંદ/અમેરિકામાં ઉપદેશક તરીકે

← સર્વ ધર્મપરિષદ સ્વામી વિવેકાનંદ
અમેરિકામાં ઉપદેશક તરીકે
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
ઈંગ્લાંડની મુલાકાત →


પ્રકરણ ૩પ મું – અમેરિકામાં ઉપદેશક તરીકે.

પરિષદ્‌નું કાર્ય પૂરું થયા પછી સ્વામીજીએ અમેરિકામાં હિંદુ ધર્મના ઉપદેશક તરીકે કાર્ય કરવા માંડ્યું. પુષ્કળ વિચાર અને કામમાં તે આખો દિવસ ગુંથાયલા જણાતા. ધર્મોપદેશની સાથે સ્વામીજી અમેરિકન પ્રજાનું જીવન, વિચાર, રીતભાત સર્વેનું બારીક અવલોકન કરતા અને તેમાંનું કંઈ પણ ભારતવર્ષના મહાપ્રશ્નોનું નિરાકરણ કરવામાં કામ લાગે એવું છે કે નહિ તે જોતા. ભારતવર્ષના કલ્યાણનો વિચાર તેમના મગજમાંથી ક્ષણવાર પણ ખસતો નહોતો.

હવે યુનાઇટેડ સ્ટેટ્સનાં મુખ્ય મુખ્ય શહેરોમાં ભાષણ આપવાને સ્વામીજીને આમંત્રણો આવવા લાગ્યાં. ભાષણો કરાવનારી એક મંડળીએ તેમને પોતાના કાર્ય માટે રાખ્યા અને તેમણે ઘણાં સ્થળોમાં ભાષણો આપ્યાં. પણ કોઈના નોકર થઈને કામ કરવું એ સ્વામીજીને જરાકે ફાવતું નહિ. વળી ખરેખરા જિજ્ઞાસુ હોય તેમનેજ ધર્મના સિદ્ધાંતોનો બોધ કરવો એવો તેમનો વિચાર હતો. તેથી કરીને તે મંડળી સાથે પોતાના સંબંધ સ્વામીજીએ તોડી નાંખ્યા. હવે તે એક સ્થળેથી બીજે સ્થળે સ્વતંત્રપણે બોધ કરતા વિચરવા લાગ્યા અને બોધના બદલામાં કંઈ પણ લેવાનો ઇનકાર કરવા લાગ્યા. કોઈના આગ્રહથી જો કાંઈ તેઓ લેતા તો તે ભારતવર્ષની કોઈ પણ સંસ્થાના નિભાવને માટેજ લેતા અને તે હિંદુસ્થાનમાં મોકલી દેતા. આ પ્રમાણે સ્વામીજીએ ભારતવર્ષની અનેક સંસ્થાઓને આશ્રય આપ્યો છે.

અમેરિકામાં ભાષણ આપતાં સ્વામીજી અમેરિકનોને આ વાત પણ સમજાવવા ચૂકતા નહિ કે ખ્રિસ્તી ધર્મથી તેઓ કેટલા વિમુખ થઈ ગયા છે ? તેમનો સુધારો કેવો સ્વાર્થ અને અધમતાના પાયા ઉપર રચાયેલો છે અને તેમની નીતિ રીતિમાં કેવી ખામીઓ છે ? ધર્મચુસ્ત પાદરીઓ પણ તેમને પોતાનાં દેવાલયોમાં આવીને બોધ આપવાની વિનતિ કરતા. જિસસ ક્રાઈસ્ટના જીવન તથા સિદ્ધાંતો ઉપર સ્વામીજી કંઇક નવુંજ અજવાળું પાડતા. પાદરીઓ જાતેજ ક્રાઈસ્ટના સિદ્ધાંતોને પુરા સમજતા નહોતા અને સ્વામીજી તે તેમને વેદાન્તના સિદ્ધાંતો દ્વારા સમજાવતા. જે સાંભળીને પાદરીઓ ચકીત થઈ જતા અને સ્વામીજીનું કથન અત્યંત માનથી વધાવી લેતા. પરદેશી ભૂમિમાં, પરદેશીઓ આગળ, એકલા છતાં પણ સ્વામીજી કેવી હિંમત અને નિડરતાથી જે સત્ય હોય તેજ કહેતા તે નીચેના તેમના શબ્દોથી સમજાશે. ડેટ્રૉઇટમાં એક ભાષણમાં સ્વામીજીએ બેધડક કહ્યું હતું કે,

“એક બાબત વિષે હું તમને કહેવા માગું છું. હું કોઈ જાતની સખત ટીકા કરવા ઇચ્છતો નથી. તમે મનુષ્યોને પાદરીઓ બનાવવાને માટે ભણાવો છો, કેળવો છો, કપડાં પહેરાવો છો, પૈસા આપો છો. અને આ બધું શેને માટે ?–મારા દેશમાં આવવાને, મારા પૂર્વજોને ગાળો અને શ્રાપ દેવાને, મારા ધર્મને અને મારા બધાને વખોડવાને ! તેઓ મારા દેશમાં આવીને એકાદ દેવાલય આગળ ઉભા રહી કહે છે કે, “ઓ મૂર્તિપૂજકો, તમે અમારા પંથમાં આવો; નહિ તો નરકમાં જશો !” પણ અમે હિંદુઓ નમ્ર છીએ. અમે એ સાંભળીને હશીએ છીએ અને “મૂર્ખાઓ ગમે તેમ બોલે” એમ કહી ચાલતા થઈએ છીએ. અમે લોકો એવી સહનશીલતા દર્શાવીએ છીએ અને તમારા ઉપર જો જરાક પણ ટીકા કરવામાં આવે તો તમે છછણી ઉઠો છો ! પણ તમારે એટલું તો ખાસ યાદ રાખવું જોઈએ કે આખું હિંદુસ્તાન ઉભું થાય અને આખા હિંદી મહાસાગરનો કચરો પાશ્ચાત્ય દેશો તરફ નાંખે તો પણ તમારા પાદરીઓનાં અપકૃત્યના એક લક્ષાંસ ભાગ જેટલું પણ તે નહિ થાય ! ”

“અમારા ધર્મમાં કોઇને લાવવાને અમે તલવાર તો નથીજ ચલાવી, પરંતુ કોઈ ઉપદેશકને પણ તે કામ કરવા માટે અમે બીજા લોકોમાં મોકલ્યો છે ?”

“બીજાઓને તમારા ધર્મમાં લાવવાને તમે અનેક પ્રયાસ કરો છો, પણ તમારા ધર્મમાં રાજી ખુશીથી અને ધર્મ બુદ્ધિથી કેટલા આવ્યા ? તમને જરા કડવું લાગશે, પણ મારે કહેવું જોઈએ કે સઘળી ખ્રિસ્તી નીતિ, સઘળો કેથોલિક ધર્મ બુદ્ધધર્મમાંથી નીકળી આવેલો છે ! અને આ કેવી રીતે થયું હતું ? લોહીનું એક પણ ટીપું પાડ્યા વગર ! તમે ગમે એટલી મગરૂરી ધરાવો પણ તમારો ખિસ્તી ધર્મ તલવાર વગર ક્યાં ફતેહ પામ્યો છે ? આખા જગતમાં એવું એક પણ સ્થળ બતાવો. તમારા ખ્રિસ્તી ધર્મના ઇતિહાસમાં એકજ એવું સ્થળ બતાવો ! મારે બેની જરૂર નથી. તમારા બાપદાદાઓ કેવી રીતે ખ્રિસ્તી થયા હતા? ખ્રિસ્તી થાવ કે મરો, એ સિવાય તેમને રસ્તો નહોતો. આરબો પણ એક વખત એમજ કહેતા હતા કે “જગતમાં અમે એકલાજ છીએ, કારણ કે બીજાઓને અમે મારી શકીએ છીએ !” રોમનો પણ તેમજ કહેતા હતા, પણ તે આરબો કે રોમનો હવે ક્યાં છે? શાંતિપ્રવર્તકોનેજ ધન્ય છે. તેઓજ ખરાં પ્રભુનાં બાળકો છે અને તેમનાંજ કામો જગતમાં અમ્મર બને છે.”

“જોર જુલમ અને દુરાગ્રહથી થએલી બાબતો છેવટે ગબડીજ પડે છે, કેમકે તેઓ રેતીના પાયા ઉપર રચાયેલી હોય છે. જે બાબતનો પાયો સ્વાર્થવૃત્તિ ઉપર રચાયેલો છે, દ્વેષ જેનો જમણો હાથ છે, અને વિષયવાસના જેનું અંતિમ લક્ષ્ય છે, તે સઘળું વહેલું મોડું નાશ પામવાનું જ. માટે તમે પણ જો જીવતા રહેવા ઇચ્છતા હો અને સાચી ઉન્નતિને સમજતા તથા ઇચ્છતા હો તો પાછા ક્રાઈસ્ટ તરફ જ વળો. તમે ખરા ખ્રિસ્તીઓ છોજ ક્યાં ? તમારો ધર્મ તો માત્ર મોજશોખમાંજ છે ! એક પ્રજા તરીકે જો તમે જીવતા રહેવા ઇચ્છતા હો તો આ રીતિને બદલો. તમારા દેશમાં સર્વત્ર દંભજ જોવામાં આવે છે. પરંતુ કદિ પણ તમે પ્રભુ અને દ્રવ્ય, બન્નેને સાથે સાથે ભજી શકો નહિ, ક્રાઇસ્ટ વગરના મોટા મોટા મહેલોમાં રહેવા કરતાં તો, ઓ ખ્રીસ્તિઓ ! ક્રાઇસ્ટની સાથે ચીંથરેહાલ થઈને રહેવું એજ વધારે સારૂં છે.”

સર્વ ધર્મ પરિષદ્‌માં પણ સ્વામીજીએ એવીજ નિડરતા દાખવી હતી. પરિષદ્‌નાં હજારો સુશિક્ષિત સ્ત્રી પુરૂષો આગળ હિંદુધર્મનો બચાવ કરતાં સ્વામીજી પોતાના ભાષણની વચમાં એકદમ અટકી ગયા હતા અને ભારે કટાક્ષથી સર્વને પુછી રહ્યા હતા :– “હિંદુઓનાં પવિત્ર પુસ્તકો જેમણે વાંચ્યાં હોય તે પોતાની આંગળી ઉંચી કરો !” જુવાબમાં ત્રણ ચાર જણાએ જ આંગળી ઉંચી કરી હતી. સભામાં જુદા જુદા દેશોના સઘળા શાસ્ત્રજ્ઞો એકઠા થયેલા હતા. આખી સભા ઉપર દૃષ્ટિ ફેરવીને સ્વામીજી છાતી કહાડીને શ્રોતાજનોને ઠપકો મળે એવા શબ્દોમાં કહેવા લાગ્યા “અને તો પણ તમે અમારા ઉપર ટીકાઓ કરવાની હિંમત કરો છો !”

આ પ્રમાણે સ્વામીજીએ હિંદુધર્મ અને ભારતવર્ષ વિષેના અનેક ખોટા ખ્યાલોને અનેક પાશ્ચાત્યોનાં હૃદયોમાંથી ભૂંસી નાખીને તેમને ભારતવર્ષની પ્રાચીન કીર્તિ અને પ્રાચીન શિક્ષણની મહત્તાનું પુરેપુરૂં ભાન કરાવ્યું છે. ભારતવર્ષ તરફ માનની લાગણીથી જોતા તેમને કર્યાં છે. હિંદ એક જંગલી દેશ છે, તેનો ધર્મ પણ જંગલી છે, અને તેના રીતરિવાજો પણ જંગલી છે; એવા એવા અનેક ખોટા વિચારો અમેરિકન પ્રજાના હૃદયમાં વશી રહ્યા હતા, તે સર્વને તેમણે ઉખેડી નાખીને તેમના પર હિંદુઓના ખરા ધર્મની મહત્તા ઠસાવી છે.

અમેરિકામાં ડેસ મોઈન્સમાં સ્વામીજીએ ત્રણ ભાષણ આપ્યાં હતાં. એ સમયે ઘણા લોકોએ સ્વામીજી સાથે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોની ચર્ચા ચલાવી હતી. એ વિષે લખતાં ત્યાંનું એક પત્ર "ઇઓવા સ્ટેટ રજીસ્ટર ” લખે છે કે-“પણ જે માણસ સ્વામીજીની સાથે તેમના પોતાનાજ વિષયમાં (હિંદુ ધર્મમાં) વાદવિવાદ કરે તેના તો બારજ વાગી જાય ! અને ઘણા માણસો તે પ્રમાણેજ કરતા હતા. સ્વામીજીના ઉત્તરો વિજળીના ચમકારાની માફક તેમના મુખમાંથી નીકળતા હતા અને હિંમત ધરીને પ્રશ્ન પુછવા આવનાર મનુષ્યને તે હિંદુ સાધુની બુદ્ધિ રૂપી તીક્ષ્ણ અને તેજસ્વી બરછીના પ્રહારો સહન કરવા પડતા હતા. તે સાધુના વિચારો એવા તો સૂક્ષ્મ અને ઉજ્જવલ હતા, તે એવા તો સુવ્યવસ્થિત અને સુસંસ્કૃત હતા કે કેટલીક વખત તો તેમના શ્રોતાઓ તેમનાથી અંજાઈ જતા ! પણ તેમનો અભ્યાસ કરવો એ ઘણું જ રસપ્રદ કાર્ય હતું અને ખરા ખ્રિસ્તીઓના મનમાં સ્વામીજી અને તેમના કાર્ય માટે અત્યંત માન ઉત્પન્ન થતું.” સ્વામીજી બને ત્યાં સુધી એક પણ અપ્રિય શબ્દ બોલતા નહિ, તેમનો સ્વભાવજ અત્યંત માયાળુ અને નમ્ર હતો; પણ જ્યાં સખત ટીકાની જરૂરજ તેઓ ધારે ત્યાં તો તે કરવાની તેમનામાં અપૂર્વ હિંમત હતી.

શિકાગોથી સ્વામીજી બોસ્ટન ગયા. ત્યાંના તેમના કાર્ય અને પરિચયને પરિણામે જ "બોસ્ટન ઇવનીંગ ટ્રાન્સ્ક્રીપ્ટ” તેમના વિષે લખે છે કે: – “વિવેકાનંદ એક ખરેખરા મહાપુરૂષ છે. તે સાદા, ઉદાર, પ્રમાણિક અને આપણા વિદ્વાનો કરતાં વધારે વિદ્વાન છે. આપણા વિદ્વાનોને તો તેમની સાથે સરખાવી શકાય તેમજ નથી." બોસ્ટનથી સ્વામીજી ડેટ્રૉઈટમાં ગયા. અહિંના રહેવાસીઓ ઉપર પણ સ્વામીજીના ઉપદેશોની ઘણીજ ઉંડી છાપ પડી રહી. સ્વામીજીએ સર્વને સમજાવ્યું કે ભારતવર્ષ આધ્યાત્મિક દેશ છે. જો કે તે અત્યારે પરતંત્રતા ભોગવે છે, પરંતુ તેને પણ તે પોતાની આધ્યાત્મિક સમજણને લીધેજ સહન કરી રહેલો છે. પોતાનો કર્મનો ભોગ પુરો થતાં એ દેશ એવો તો જાગી ઉઠીને પોતાના આધ્યાત્મિક બળનો મહિમા દર્શાવી આપશે કે જે જોઈને જગત ચકિત થશે. હિંદુઓ એમ માનનારા છે કે સ્વાર્થનો ત્યાગ કરવો એજ સારું છે, અને તેને પોષવો એ નઠારું છે. હિંદુઓ કહે છે કે પોતાને માટેજ ઘર બંધાવવું એ ખોટું છે અને તેટલા માટે તે પ્રભુની પૂજા માટે અને અતિથિઓના આતિથ્યને માટેજ ઘર બંધાવે છે. પોતાને માટેજ રસોઈ કરવી એ પાપરૂપ માનીને હિંદુઓ અતિથિઓ અને ગરિબોને માટે ઘરમાં રાંધે છે. ”

પ્રવાસ દરમ્યાન સ્વામીજીએ કેટલેક સ્થળે સુશિક્ષિત અમેરિકનોને પુછ્યું હતું કેઃ “સુધારા એટલે શું ?” કેટલીક વખત એનો એવો જવાબ દેવામાં આવ્યો હતો કે “અમે જે સ્થિતિમાં છીએ એજ સુધારો !” પણ સ્વામીજી હમેશાં તેમનાથી જુદોજ મત ધરાવતા હતા. તે કહેતા કેઃ “કોઈ એક પ્રજા સમુદ્રના મોજાંને વશ કરે, કુદરતનાં તત્ત્વોને તાબે કરી દે અને મનુષ્યના આયુષ્યને હજાર વર્ષ જેટલું લંબાવી શકે, તોપણ તે ખરા સુધારાનાં ફળ ચાખવાને શક્તિમાન થાય નહિ.” સ્વામીજીના મત પ્રમાણે ખરો સુધરેલો મનુષ્ય તેજ છે કે જેણે પોતાની જાતને-પોતાનું મન અને ઇન્દ્રિયોને જીતી છે. સ્વામીજીએ સાબીત કરી બતાવ્યું કે હિંદમાં હજી પણ એવા સુધરેલા અનેક મનુષ્યો જોવામાં આવે છે. અને તેનું કારણ એજ છે કે હિંદમાં આર્થિક સુધારાની મહત્તા આધ્યાત્મિક સુધારા કરતાં ઓછી ગણવામાં આવે છે. તેથી જ કરીને હિંદુઓમાં બીજી પ્રજાઓ કરતાં જગતનાં દુઃખો વેઠવાની સહન શક્તિ તેમજ આધ્યાત્મિક જ્ઞાન અને સામર્થ્ય વધુ પ્રમાણમાં રહેલાં છે. તેમની આધ્યાત્મિકતાના ભાનને લીધેજ હિંદુઓ ઉપર હજારો વર્ષો થયાં તો પણ ગ્રીક, પરશીઅન, મુસલમાન કે ખ્રિસ્તી, કોઈ પણ લોકોના બાહ્ય વિચારો અસર ઉપજાવી શક્યા નથી. ઈજીપ્ત અને બેબિલોનનાં જુનાં રાજ્યો નાશ પામ્યાં અને ગ્રીસ તથા રોમની ખુબીઓ હવે માત્ર કવિની કવિતામાં અને કારીગરની કળામાંજ અસ્તિત્વ ધરાવે છે; જ્યારે હિંદમાં છ હજાર વર્ષ પૂર્વે જે જીવન પ્રચલિત હતું તેનું તેજ જીવન અત્યારે પણ અનેક ઠેકાણે જોવામાં આવે છે. સ્વામીજીએ એક ભાષણમાં કહ્યું હતું કે, “બીજી બધી વસ્તુઓ કરતાં દ્રવ્યને તમે ( અમેરિકન ) વધારે ગણો છો, પરંતુ તમારા લોકોએ હજી ઘણું શિખવાનું છે. ભૌતિક લોલુપતાનાં પરિણામો અનુભવીને જ્યારે તમારી પ્રજા અમારી પ્રજા જેવી જુની થશે ત્યારે જ તેનામાં વધારે ડહાપણ આવશે.” એક જણે પુનર્જન્મ વિષે પ્રશ્ન કર્યો. તેના જવાબમાં સ્વામીજી બોલ્યા કે “વિજ્ઞાનશાસ્ત્રીઓ માને છે કે જગતની શક્તિ સર્વદા તેટલી ને તેટલીજ રહે છે, અને તેમાં કાંઈ ઓછુંવત્તું થતું નથી. એ ધોરણ ઉપરજ પુનર્જન્મની કલ્પના રચાયેલી છે. આ કલ્પના પ્રથમ અમારા દેશના એક તત્વવેત્તાએ શોધી કહાડેલી છે. હિંદુઓ સૃષ્ટિવાદમાં માનતા નથી. સૃષ્ટિ એટલે શુન્યમાંથી યાને કાંઈ પણ ન હોય તેમાંથી કંઇ પણ રચવું યા ઉત્પન્ન કરવું તે. પરંતુ એમ થવું તદ્દન અશક્ય છે, માટે જેમ કાળ અનાદિ છે તેમ સૃષ્ટિ પણ અનાદિજ છે. સઘળાં સુખો અને દુઃખો આપણે કરેલાં કૃત્યોનો માત્ર પ્રત્યાઘાતજ છે. પાશ્ચાત્યોએ હિંદ પાસેથી “સહિષ્ણુતા” ખાસ કરીને શીખવાની છે. તેમણે શીખવાનું છે કે સઘળા ધર્મો ખરા છે; કારણ કે તેમનાં સત્ય એકજ છે.

એક સ્ત્રીએ સ્વામીજીને સવાલ પુછ્યો કે “હિંદુસ્તાનની સ્ત્રીઓ વધારે સુશિક્ષિત કેમ નથી ?” સ્વામીજીએ ઉત્તર આપ્યો કે “જંગલી લોકોએ હિંદ ઉપર વારંવાર હુમલા કરેલા છે તેથી કંઈક તેઓ પછાત છે અને કંઈક હિંદના લોકોનો પણ વાંક છે.” છતાં સ્વામીજીએ અમેરિકાની સુધરેલી ગણાતી સ્ત્રીઓ ઉપર પણ સખત ટીકા કરી. અમેરિકાની સ્ત્રીઓ નવલકથાઓ ઘણી વાંચે છે અને બૉલમાં જવાનું વધારે પસંદ કરે છે. સ્વામીજી બોલ્યા કે “તમે તમારા સુધારાને માટે ઘણાં મગરૂર છો, પણ આવા સુધરેલા દેશમાં આશા રાખીએ તેટલી આધ્યાત્મિક્તા અહીં ક્યાં છે ? અહીં અને સ્વર્ગમાં એ શબ્દો માત્ર બાળ જીવોનેજ માટે છે. ખરી વાત તો એ છે કે સઘળું અહીં જ છે. અહીં છતે શરીરેજ પ્રભુમાં વાસ કરવો અને પ્રભુમય જીવન ગાળવું અને સઘળી સ્વાર્થ વૃત્તિઓ તથા વ્હેમોનો નાશ કરવો જોઈએ. આ કંઈ કલ્પનાજ નથી; પણ આવા મનુષ્યો ભારતવર્ષમાં અનેક વસે છે. અમેરિકામાં એવા મનુષ્યો ક્યાં છે ? વળી તમારા ધર્મોપદેશકો કલ્પનામય જીવનની વિરૂદ્ધ બોધ આપે છે; પરંતુ તમારા દેશમાં કલ્પ્નામય જીવન ગાળનારાઓ વધારે હોત તો અહીંના લોકો વધારે સુખી થાત. હિંદુસ્તાનનું કલ્પનામય જીવન અને ઓગણસમી સદીમાં તમે જેના વિષે મગરૂરી ધરાવી રહ્યા છો તે બંને વચ્ચે ઘણોજ તફાવત છે. અખિલ વિશ્વમાં એકલો પ્રભુજ વ્યાપી રહેલો છે; જ્યારે તમે તો પોતામાં ને સર્વત્ર પાપજ ભરેલું હોવાનું શીખ્યા છો ! ચાલો, આપણે એક બીજાને સહાય કરીએ; એક બીજા તરફ પ્રેમથી વર્તીએ.”

બ્રુકલીન એથીકલ સોસાયટીમાં સ્વામીજીએ વૈદિક રૂષિઓના સિદ્ધાંતો કહી સંભળાવી શ્રોતાઓનાં મન આકર્ષી લીધાં હતાં, સર્વે શ્રોતાઓનાં મનમાં ખાત્રી થઈ કે ઘણા પ્રોફેસરોના એકત્ર જ્ઞાન કરતાં પણ એમનું જ્ઞાન અધિક હોવાનું જે તેમણે સાંભળ્યું હતું તે બરાબર છે, અને તેમણે પોતાના ધર્મના સંરક્ષણ માટેજ સંસારસુખનો ત્યાગ કરેલો છે.

શ્રોતાઓ તેમને ગાંડા ઘેલા સવાલો પણ પુછતા. પાદરીઓએ અમેરિકનોના મનમાં હિંદ વિષે જે અનેક ખોટા ખ્યાલ ઉત્પન્ન કર્યા હતા તેને લગતા સવાલોનો ઉત્તર સ્વામીજી કોઈ વાર મશ્કરી રૂપે આપતાં તો કોઈ વાર સખત ટીકાઓના પ્રહાર પણ કરવા ચુકતા નહિ. એકવાર એક જણે પુછ્યું કે “હિંદુ માતાઓ પોતાનાં છોકરાંને નદીમાં ફેંકી દે છે અને મગરને ખાવા આપે છે. એ વાત ખરી છે? ” (કેમકે ખ્રિસ્તી પાદરીઓ આવી આવી વાતો અમેરિકનોને શિખવી રહ્યા હતા.) સ્વામીજીએ મશ્કરીમાંજ તેનો જવાબ આપ્યો કે: “હા, બહેન ! તેઓએ મને પણ નદીમાં ફેંકી દીધો હતો, પણ હું તો તરીને બહાર નીકળી આવ્યો !” પછી પાશ્ચાત્ય સુધારા વિષે બોલતાં સ્વામીજીએ કહ્યું: “હું સ્પષ્ટ વક્તા છું; પણ મારો ઇરાદો શુદ્ધ છે. મારે તમને સત્યજ કહેવાનું કે હું અહીં તમારી ખુશામત કરવા આવ્યો નથી. જો મારે તેમ કરવું હોત તો મેં ન્યુયોર્કમાં એક મ્હોટું દેવળ બાધ્યું હોત. તમે મારાં બાળક છો. તમને તમારી ભુલ, તમારી ખોડો અને તમારી બડાશોનું ભાન કરાવીને મારે તમને ઈશ્વરતરફ લઈ જવાના છે; અને તેથી કરીને તમે મને ખ્રિસ્તી ધર્મ વિષે કે તમારા સુધારાના આદર્શો વિષે અથવા પાશ્ચાત્યોની નીતિ, રીતિ, જીવન અને ચારિત્ર્ય વિષે હમેશાં સારૂંજ બોલતો જોશો નહિ.” એક વખત ડેટ્રોઇટમાં સ્વામીજીએ જરા સખત થઈને પુછ્યું હતું કે, “તમારો ખ્રિસ્તી ધર્મ ક્યાં છે? આ તમારા સ્વાર્થી જીવનકલહમાં જિસસ ક્રાઈસ્ટને માટે સ્થાનજ ક્યાં છે ? તમે તો હંમેશાં બીજાઓનો નાશજ કરી રહેલા છો ! ખરેખર, જો ક્રાઈસ્ટ આજે અહીંઆં આવે તો એનું મસ્તક મુકવાને માટે એક પવિત્ર પથરો પણ એને જડે નહિ !” એક સંભાવિત પાદરી સ્વામીજીના જિસસ પ્રત્યેના પ્રેમ અને જ્ઞાન જોઈને આશ્ચર્યથી પુછવા લાગ્યો “તમે જિસસ ક્રાઈસ્ટના આદર્શને આવી ઉત્તમ રીતે શાથી સમજો છો ?” સ્વામીજીએ જવાબ આપ્યો “કેમકે. જિસસ ક્રાઈસ્ટ પૂર્વના રહેવાસી હતા અને અમે પૂર્વના રહેવાસીઓજ તેને યથાર્થ રીતે સમજી શકીએ.”

સ્વામીજી આમ નિડરપણે ખરેખરું કહી દેતા. એથી કરીને કેટલાક સારા પાદરીઓ તો તેમનો બોધ ગ્રહણ કરતા અને સ્વામીજીનો બચાવ પણ કરતા; પણ કેટલાક ધર્માંધ પાદરીઓ અને ખ્રિસ્તીઓને તેથી બહુજ ખોટું લાગતું અને તેઓ સ્વામીજીને ઉતારી પાડવાના અનેક પ્રયાસો કરતાં. વળી સ્વામીજીનો બોધ પાદરીઓના પેટની આડે પણ આવતો હતો અને લોકોમાં તેમનું માન ઓછું કરતો હતો. એથી કરીને તેમને વધારે લાગે અને તેઓ તેઓ તેમની સામે થાય એમાં નવાઇ જેવું પણ નહોતું.

આમ હોવાથી પાદરીઓ હવે તેમને ખરાબ કરવાના અનેક વિચાર કરવા લાગ્યા. તેઓ જેમ કહે તેમજ સ્વામીજીએ ખ્રિસ્તી ધર્મનો બોધ કરવો, એમ તેઓ તેમને કહેવા લાગ્યા. સ્વામીજી તેમનાથી ડરે તેવા નહોતા; તે તો જે સત્ય હોય તેજ કહેતા ચાલ્યા. પાદરીઓ સ્વામીજી વિષે અનેક ખોટી વાતો અને અફવાઓ ઉરાડવા લાગ્યા; પણ આપણા બહાદુર સંન્યાસી તો પોતાનું કાર્ય કર્યાજ ગયા પરિણામ એ આવ્યું કે પાદરીઓની ખોટી અફવાઓથી સ્વામીજીનું નામ અમેરિકામાં ઉલટું વધારે ને વધારે પ્રસરી રહ્યું.

બીજી કોઈ પણ યોજનામાં પાદરીઓ ફાવ્યા નહિ ત્યારે તેમણે યુવાન સ્ત્રીઓને મોકલીને સ્વામીજીને લલચાવવાનો ઘાટ કર્યો. કેટલીક સ્ત્રીઓને તેમની પાસે મોકલવામાં આવી. પણ તે સ્ત્રીઓને શું માલુમ પડ્યું ? સ્વામીજી એક નાના બાળક જેવા સાદા અને પવિત્ર તેમને જણાયા. સ્ત્રીઓએ પાદરીઓની સઘળી યેાજના તેમની આગળ કબુલ કરી દીધી. તેઓ આશ્ચર્ય પામવા લાગી કે આવા મનોનિગ્રહવાળો બીજો કોઈ પુરૂષ તેમણે તેમની જીંદગીમાં કદી જોયોયે નથી. સ્વામીજીની ભવ્ય અને મનોહર આકૃતિથી મોહ પામીને કેટલીક સ્ત્રીઓ તેમની સાથે લગ્ન કરવાની પણ માગણી કરવા લાગી. એક ઉમરાવજાદી તેમની પાસે આવી અને કહેવા લાગી કે “હું મારી જાતને અને મારા સઘળા દ્રવ્યને તમારાં ચરણોમાં અર્પણ કરું છું.”

પરંતુ પરમપૂજ્ય રામકૃષ્ણનો શિષ્ય એ લાલચથી પણ ડગ્યો નહિ. તેમનો વૈરાગ્ય દૃઢ હતો. કાંચન અને કામિનિમાં નહિ ફસાવાનું શ્રીરામકૃષ્ણે તેમને પ્રથમજ શિખવ્યું હતું. અમેરિકાના કરોડાધિપતિઓની તો શું પણ સ્વર્ગના ઇંદ્રાદિ દેવતાઓની લક્ષ્મી પણ બ્રહ્માનંદની એક પળ કરતાં પણ તુચ્છ છે; એમ શ્રીરામકૃષ્ણ પરમહંસે પોતાના બોલ અને ચારિત્ર્યના પ્રભાવથી પોતાના આ વ્હાલા શિષ્યની રગે રગમાં ઠસાવ્યું હતું. સ્વામીજી જેવા બુદ્ધિશાળી પુરૂષે ધાર્યું હોત તો પુષ્કળ દ્રવ્ય અને સ્ત્રી પુત્રાદિ પ્રાપ્ત કર્યાં હોત; પરંતુ તેની તુચ્છતા સમજીને જ તેમણે સંન્યાસ લીધો હતો. શ્રીરામકૃષ્ણ જેવા મહાન ગુરૂનો આવો મહાન શિષ્ય એવાં ભલ ભલાને પણ ભ્રષ્ટ કરે એવાં પ્રલોભનોને પણ ન ગાંઠે એમાં નવાઈ નથી.

શ્રીરામકૃષ્ણ જેવા પવિત્ર મહાત્માના આ વ્હાલા શિષ્ય પ્રત્યે તે ઉમરાવજાદીએ લગ્નની માગણી કરતાં સ્વામીજી બોલ્યા કે “બાઈસાહેબ, હું એક સંન્યાસી છું. લગ્ન મારે શા કામનું છે ? મારે મન સઘળી સ્ત્રીઓ મારી માતાજ છે.”

કેટલાક સાચા અંતઃકરણવાળા પાદરીઓ સ્વામીજીના મિત્રો બની રહી સ્વામીજી ઉપર થતી ટીકાઓને જવાબ આપતા. છતાં સ્વામીજી પોતે તો કોઇને ઉત્તર આપતા નહિ. તે કહેતા કે “મારે સામો જવાબ શા માટે દેવો જોઈએ ? સાધુને એવી રીત પોતાનો બચાવ કરવાની જરૂર નથી. સત્ય પોતે જ પોતાનો માર્ગ કરી લેવાને શક્તિમાન છે.” જ્યારે તેમના ઉપર સખત ટીકાઓ થતી ત્યારે તે માત્ર પ્રભુનેજ યાદ કરતા. તેઓ શાંત અને વિચારવંત દેખાતા; મુખથી “શિવ, શિવ,” કહેતા; મનુષ્યો પોતાના સ્વાર્થમાં કેટલા બધા અંધ બની રહેલા છે તે જોઈને તેમની પ્રત્યે દયા ધરતા. કોઈ વખતે તે એમ પણ કહેતા કે “ટીકા કરનારના શબ્દો પણ પ્રભુનાજ શબ્દો છે.” તેમના મિત્રો ટીકાઓ સાંભળીને ગુસ્સે થાય તો તેમને તે કહેતા કે “નિંદક અને નિંદ્ય, પ્રશંસક અને પ્રશસ્ત બંને એકજ છે (એકજ પ્રભુનાં રૂપ છે), એમ આપણે જાણીએ તો પછી ગુસ્સે થવાનું કારણ શું ? શ્રીરામકૃષ્ણ પોતાની જાતને થયેલો તિરસ્કાર કદી ગણતા નહિ. સારું અને ખોટું સર્વ માતાજીમાંથીજ નીકળે છે.”

પહેલાં જે અમેરિકનો વેદાન્તને કે બહારના કોઈ પણ ધર્મને માત્ર વ્હેમની જાળજ ગણતા હતા અને ખ્રિસ્તી પાદરીઓએ હિંદુસ્તાન અને તેના ધર્મ વિષે અનેક ખોટી વાતો જેમના મનમાં ઠસાવી દીધી હતી તેઓ હવે ભારતવર્ષના આ પવિત્ર સાધુનાં ભાષણોથી ખરી હકીકત જાણીને હિંદ તેમજ વેદાન્ત તરફ પૂજ્યભાવથી જોઈ રહ્યા હતા. અત્યારે પણ ઘણા યુરોપિઅનો અને અમેરિકનો વેદાન્ત ધર્મના અનુયાયીઓ બની રહેલા છે, અને હિંદુ ધર્મ પાશ્ચાત્યોના હૃદયમાં જગતમાંના એક મહાન ધર્મ તરીકેનું માન મેળવી રહ્યો છે. આવા શુભ પરિવર્તનને માટેનું સઘળું માન આપણા ધર્મધુરંધર વીર વિવેકાનંદનેજ ઘટે છે.

વળી અમેરિકનોએ સ્વામીજીની યોગ્ય કદર કરી અને સ્વામીજી પ્રત્યે તેઓ અત્યંત સન્માન અને આતિથ્યની લાગણીથી વર્ત્યા તેને માટે તેઓ પણ પ્રશંસાને પાત્ર છે. અમેરિકનોનું વર્તન આપણને બોધ આપે છે કે આપણે આપણા ધાર્મિક વીરપુરૂષો તરફ કેવી રીતે વર્તવું. તેઓ આપણને શિખવે છે કે આપણે હિંદીઓ આપણા દેશના મહા પુરૂષોની કદર કરવામાં એટલા બધા પછાત છીએ કે પ્રથમ પરદેશમાં આપણા કોઈ તેવા પુરૂષની કદર થાય છે ત્યારેજ આપણે તેની કદર કરી શકીએ છીએ. જ્યારે તેઓ ઓક્સફર્ડ, લંડન કે ન્યુયોર્કમાં જઈને ફતેહ મેળવી આવે છે ત્યારે જ તેમની કદર કરવાને આપણે ઉભા થઈએ છીએ ? આ આપણી કેવી મોટી ખામી છે !

સ્વામીજીને અમેરિકામાં ભોગવવી પડેલી અનેક અગવડો અને વિપત્તિઓ તેમજ તેમના કાર્યને તોડી પાડવાને જે મહત્‌ પ્રયાસો પાદરીઓએ કર્યા હતા, તે તરફ જોતાં સમજાશે કે સ્વામીજીની ફતેહ કોઈ અનુકુળ સ્થિતિને લીધે કે આકસ્મિક નહોતી; પણ તેમની અસાધારણ શક્તિનું જ પરિણામ હતું. જે સ્વામીજીએ પોતાની અસાધારણ શક્તિ, અથાગ મહેનત અને એક ખરા સંન્યાસીને છાજે એવા દૃઢ આગ્રહથી હિંદુ ધર્મના તાત્વિક સિદ્ધાંતોને જડવાદને સ્થાને સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો નહોત તો સર્વધર્મપરિષદ્‌નું પરિણામ શુન્યમાંજ આવી રહ્યું હોત.

તેમનાં ભાષણોમાં કેટલાક માણસો માત્ર ગમ્મતની ખાતરજ આવતા તો કેટલાક તેમને પોતાનું હથીઆર બનાવવાના ઇરાદાથી આવતા. કેટલાક તેમને પોતાનો પંથ સ્વીકારવાને લલચાવવાના ઈરાદાથી આવીને પોતાથી બને તેટલી દલીલો અને લાલચો તેમના આગળ રજુ કરતા. વળી કોઈ કોઈ તો અનેક પ્રકારની ધમકી પણ આપતા ! પરંતુ અંતે તેઓ સર્વને નિરાશાજ મળતી.

સ્વામીજી કોઇથી દબાય કે કશાથી લલચાઈ જાય તેવા નહોતા. દરેકને તે એકજ ઉત્તર આપતા :– “હું હમેશાં સત્યને માટેજ છું, સત્ય કદી પણ અસત્યને તાબે થશે નહિ, આખું જગત મારી સામે થાય તો પણ આખરે સત્યનોજ જય થવાનો !”

અમેરિકામાં નાસ્તિકો, જડવાદીઓ, સંશયાત્માઓ, તર્કવાદીઓ અને ધર્મનિંદકો ઘણા વસતા હતા અને તેઓ સર્વ સ્વામીજીના સિદ્ધાંતોની વિરૂદ્ધ થઈ રહ્યા હતા. પ્રથમ તો તેઓ એમજ ધારતા હતા કે એ હિંદુ સાધુને તેઓ વાદ વિવાદમાં હરાવી શકશે; અને પાશ્ચાત્ય વિજ્ઞાન, પાશ્ચાત્ય સુધારો તથા પાશ્ચાત્ય તત્વજ્ઞાન આગળ હિંદુ ધર્મના સિદ્ધાંતો એક ક્ષણવાર પણ ટકવાના નથી. આમ સમજીને તેઓએ સ્વામીજીને ન્યુયોર્કમાં એક ભાષણ આપવાનું આમંત્રણ આપ્યું. સ્વામીજીએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું અને પોતે એકલાજ ત્યાં ગયા. ભાષણ થયું; અનેક સવાલ જવાબ થયા; પાશ્ચાત્ય ન્યાય અને તર્કોએ પોતાના બને તેટલા ધમપછાડા માર્યા; પરંતુ છેવટે સર્વને ચૂપજ થવું પડ્યું ! સ્વામીજીએ પોતાના અગાધ જ્ઞાન અને સ્મરણશક્તિના પ્રતાપે સર્વને બતાવી આપ્યું કે અદ્વૈતવાદના સિદ્ધાંતો આગળ તેમનું જ્ઞાન અને સાયન્સ કેટલું બધું અપૂર્ણ છે આની સાથે સર્વ કોઈ આ વાત જોઇને પણ દંગજ બની ગયા કે સ્વામીજી પૌર્વાત્ય દર્શનશાસ્ત્રોનું જેટલું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે, તેટલુંજ તેઓ પાશ્ચાત્ય જડવાદનું અને વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતોનું જ્ઞાન પણ પુરેપુરૂં ધરાવે છે, એટલું જ નહિ પણ એ વિષયોમાં તો પાશ્ચાત્યો કરતાં પણ વધારે સંપૂર્ણ માહિતી અને બાહોશી તેઓ ધરાવે છે !”

સ્વામીજીએ અમેરિકનોને દર્શાવી આપ્યું કે તેમના બહુમાન્ય પાશ્ચાત્ય સુધારાનો મહિમા સ્વબંધુઓનો નાશ કરવામાંજ સમાઈ રહેલો છે; તેમનું વિજ્ઞાનશાસ્ત્ર જીવનના સૂક્ષ્મ અને અગત્યના પ્રશ્નનો જવાબ આપી શકતું નથી; તેમના વિજ્ઞાનશાસ્ત્રના નિયમો પણ મનુષ્યના અંતઃકરણની બહાર અસ્તિત્વ ધરાવી શકતા નથી; જેને વિજ્ઞાનશાસ્ત્રીઓ જડ કહે છે તેનો પુરેપુરો ખ્યાલ તેના આધ્યાત્મિક મૂળને શોધ્યા વગર આવનાર નથી; અને તેમને જડવાદ પણે આખરે આધ્યાત્મિક તત્વમાંજ જઈને આશ્રય લે છે. પોતાના અજેય તર્ક વડે સ્વામીજીએ સિદ્ધ કરી બતાવ્યું કે તેમને તે જ્ઞાન સત્યજ્ઞાનની આગળજ નહિ, પરંતુ ખુદ તેના પોતાના સ્થાપિત કરેલા નિયમોથી પણ અસત્યજ નિવડશે. શુદ્ધ તર્કને હદ હોય છે જ અને તે દર્શાવે છે કે તેનાથી પર એવું કોઈ તત્વ અવશ્ય રહેલું છે. પોતાના અગાધ વેદાન્તના જ્ઞાનવડે કરીને સ્વામીજીએ સર્વ જડવાદીઓને સમજાવ્યું કે આ જડ જગતથી પર, આ પ્રાકૃતિક શક્તિઓ, ઇંદ્રિયો અને જીવભાવથી પણ પર આત્મા રહેલો છે. “સૂર્ય, ચંદ્ર, અગ્નિ, તારા કે વિજળી, કોઈ પણ તેનો પ્રકાશ કરી શકતું નથી. આત્માના પ્રકાશ વડેજ તે સર્વે પ્રકાશને આપી રહેલાં છે.”

આ પ્રમાણે જડવાદ અને વિજ્ઞાનશાસ્ત્રમાં પણ સ્વામીજી પોતાના કરતાં અધિક જ્ઞાન ધરાવી રહેલા છે એ જોઈને સઘળા જડવાદીઓ અને નાસ્તિકોના આશ્ચર્યનો પાર રહ્યો નહિ.

સ્વામીજીના ઉપલા ભાષણની અસર એટલી બધી થઈ રહી કે બીજે જ દિવસે ઘણા બુદ્ધિશાળી જડવાદીઓ સ્વામીજીની પાસે આવીને નમ્યા અને તેમની પાસે બેસીને ધર્મ તથા ઇશ્વર સંબંધી જ્ઞાન મેળવવા લાગ્યા. તે દિવસથી ઘણા સત્યશોધક અને જિજ્ઞાસુ મનુષ્યો સ્વામીજીના અનુયાયીઓ બનીને તેમની આસપાસ બેસવા લાગ્યા. હવે સ્વામીજીએ લોકોના આગ્રહથી ન્યુયોર્કમાં પોતાના સિદ્ધાંતો વિસ્તારથી કહી સંભળાવવાનું શરૂ કર્યું. સાર્વજનિક સ્થાનોમાં જુદા જુદા વિષયો ઉપર તેમનાં ભાષણો થવા લાગ્યાં. વેદાન્ત અને યોગનું જ્ઞાન નિયમિતવર્ગોદ્વારા ઘણા વિધાર્થીઓને આપવાનું તેમણે શરૂ કર્યું. આમ કરતે કરતે ધીમે ધીમે “વેદાન્ત સમાજ”નો પાયો નખાયો. એ “વેદાન્ત સમાજ” ન્યુયાર્કમાં આજે પણ ઘણીજ આબાદીથી પોતાનું કાર્ય કરી રહેલો નજરે પડે છે. એ જ “વેદાન્ત સમાજ” માં સ્વામીજીએ આપેલાં ભાષણો તે સમાજે પુસ્તકોના રૂપમાં પ્રસિદ્ધ કરેલાં છે. “રાજયોગ,” “કર્મયોગ,” “ભક્તિયોગ” અને “મારા ગુરૂ” એ સ્વામીજીનાં એ સમાજે પ્રકટ કરેલાં મુખ્ય પુસ્તકો છે. જેવી રીતે ખ્રિસ્તીઓ બાઈબલને પુષ્કળ માન આપે છે તેવીજ રીતે ઘણા અમેરિનો આજે “રાજયોગ”ને ઘણાજ ભાવથી પુજે છે. ઘણા સંશયવાદીઓ અને જડવાદીઓને માટે તે હવે શ્રુતિ રૂપ થઈ રહેલું છે. અસંખ્ય મનુષ્યોનાં જીવનને એણે શુભ માર્ગે વાળ્યાં છે. એ પુસ્તકની દરેકે દરેક લીટી વાંચકના આત્માને સ્પર્શ કરે છે અને તેમાં નવીન સામર્થ્ય ઉપજાવે છે. જાણે કે કોઈ મહાન યોગીના પવિત્ર આત્મામાંથી પ્રબળ શક્તિ પ્રેરક ઉદગારો બહાર નીકળી રહ્યા હોય તેમ તેનું દરેકે દરેક વાક્ય વાંચકના અંતઃકરણમાં સચોટ લાગે છે. રાજયોગનું ભાષાંતર ઘણી ભાષાઓમાં થએલું છે; તે ઘણા દેશોમાં પ્રસિધ્ધ કરવામાં આવેલું છે; અને યુરોપ, અમેરિકા તથા એશીઆનાં અસંખ્ય સુશિક્ષિત સ્ત્રી પુરૂષો તેને પ્રેમથી વાંચે છે.×[]

આ પ્રમાણે ન્યુયોર્કમાં ભાષણો કરવાથી સ્વામીજીને અત્યંત માન મળ્યું. ન્યુયોર્કની કેટલીક સમાજોમાં તો તેમનું નામ અત્યંત મોહક થઈ રહ્યું અને પુષ્કળ વિદ્વાનો અને ધનવાનો તેમનાથી આકર્ષાઈ રહ્યા. પણ સ્વામીજીને મહેનત પણ બહુ સખ્ત કરવી પડતી હતી. દિવસમાં તે બે વાર ભાષણો આપતા, લાંબો પત્રવ્યવહાર કરતા, અનેકોને ખાનગી મુલાકાત આપતા, કેટલાકને ઘરમાં બેઠે બેઠે બોધ આપતા અને પોતાના અનુયાયીઓના શિક્ષણને માટે અનેક લેખો તેઓ લખતા. આ બધું કાર્ય કરવામાં સવારથી તે મોડી રાત સુધીનો તેમનો સઘળો વખત ચાલ્યો જતો. આવી સખત મહેનતને લીધે બીજો કોઈ હોત તો તેનું ગમે તેવું સુદૃઢ શરીર પણ બે ચાર દિવસમાં તુટી ગયું હોત; પરંતુ બ્રહ્મચર્ય, નિષ્કામતા અને બ્રહ્મસાક્ષાત્કાર જન્ય કૃતકૃત્યતા તથા કર્તા છતાં - અકર્તાપણાના (गुणै: गुणानुवर्तते ઈત્યાદિ ) અલૌકિક ભાવ, એ સર્વ આવા કાર્ય કર્તાઓમાં જે રસ અને બળ પુરે છે તે વાત તેવાઓજ જાણે છે.

કેટલાએ ધનવાનો, ગરીબો અને વ્યાપારીઓ વગેરે રાત દિવસ પ્રવૃત્તિમાંજ જીવન ગાળે છે; પરંતુ તેમની પ્રવૃત્તિ માત્ર દ્રવ્યનો સંગ્રહ વધારવા માટે તેમજ સ્વાર્થી વાસનાઓને સંતોષવાને માટે જ હોય છે. સ્વામીજીની નિઃસ્વાર્થ પ્રકૃતિએ એવા સર્વ લોકોને સમજાવ્યું છે કે ગમે તેટલી પ્રવૃત્તિ કર્યા કરો, પણ તેમાં તમે જ્યાં સુધી નિષ્કામતા કે નિ:સ્વાર્થતાને જરાક પણ સ્થાન નહિ આપો ત્યાં સુધી તમારી સઘળી પ્રવૃત્તિઓ અધોગતિનેજ પ્રાપ્ત કરાવનારી છે.

ખરો કર્મયોગી કેવો હોય, વેદાન્તના સિધ્ધાંત પ્રમાણે નિષ્કામ કર્મ કયું કહેવાય, વિષયવાસનાઓથી પર થઈ રહેલું ઉચ્ચ જીવન કેવા પ્રકારનું હોય, માનવજાતિને માટે નિઃસ્વાર્થપણે કામ કરનારના અંતઃકરણમાં કેવા નિરતિશય અને અપૂર્વ આનંદનો વાસ થઈ રહેલો હોય છે અને કર્મયોગના જ્ઞાન તથા અભ્યાસ વડે કરીને અસાધ્ય કાર્યો પણ કેવાં સાધ્ય થઈ શકે છે, એ સર્વ સ્વામીજીએ પોતાની જાતના દાખલાથી દર્શાવી આપ્યું છે.

કેટલીક વખત સ્વામીજી બ્રહ્મજ્ઞાની જેવા દેખાતા તો કેટલીક વખત તે પ્રભુના એક ભક્ત જેવા નમ્ર અને ભાવયુક્ત જણાતા. ન્યુયોર્કનાં કેટલાંક સ્ત્રીપુરુષો તેમના ઉમદા વેદાન્ત બોધથી એટલાં બધાં આકર્ષાઈ ગયાં અને તેમના પવિત્ર અને સુખી જીવનથી તેમનાં મન ઉપર એટલી બધી અસર થઈ રહી કે તેઓ સ્વામીજી આગળ પવિત્રતા અને બ્રહ્મચર્યનું વૃત્ત લઈ તેમનાં શિષ્ય બની રહ્યાં. સ્વામીજી પાસેથી દિક્ષા લઈને તેઓએ હિંદુ નામ ધારણ કર્યા. તેઓમાં મુખ્ય અભયાનંદ, કૃપાનંદ અને યોગાનંદ હતા. સંન્યાસી થયા પહેલાં કૃપાનંદ ન્યુયાર્કમાં એક પ્રસિદ્ધ વર્તમાનપત્રના લેખક હતા. સ્વામી અભયાનંદ એક ફ્રેંચ સ્ત્રી હતી. ન્યુયોર્કની સમાજમાં જડવાદ અને સમાજશાસ્ત્રના હિમાયતી તરીકે તે બહુજ પ્રખ્યાત હતી. સ્વામી યોગાનંદ તો ન્યુયોર્કના પ્રસિધ્ધ ડોક્ટર સ્ટ્રીટ હતા. આ સંન્યાસી શિષ્યો શિવાય બીજા પણ અનેક મનુષ્યો બ્રહ્મચર્યવૃત્ત ગ્રહણ કરી રહ્યાં હતાં અને સંન્યાસ દિક્ષા લેવાની આકાંક્ષા ધરાવતાં હતાં. અનેક પ્રસિધ્ધ ગૃહસ્થ પણ સ્વામીજીના શિષ્યો બની રહ્યા હતા. મીસીસ ઓલ બુલ નામની એક પ્રખ્યાત અને ધનાઢ્ય સ્ત્રી સ્વામીજીની ચુસ્ત શિષ્ય બની રહી હતી. સ્વામીજીના અસંખ્ય વિદ્યાર્થીઓમાં પ્રોફેસર વાઇમેન, ડૉક્ટર એલન ડે, વગેરે પણ હતા. ઘણા પાદરીઓ તેમનાં ભાષણો સાંભળવાને દરરોજ આવતા હતા. ન્યુયોર્કમાં આવેલી ડીક્સન સમાજમાં ભાષણ આપવાને સ્વામીજીને વારંવાર બોલાવવામાં આવ્યા હતા. ડોકટર રાઇટ નામના પ્રસિદ્ધ પ્રોફેસર તે કાર્ય માટે તેમની ભલામણ કરી રહ્યા હતા. જે ભૂમિમાં સર્વે મનુષ્યો ઐહિક સુખ અને જગતની મિથ્યા વાસનાઓનેજ વળગી રહેલા હતા અને જ્યાં વૈરાગ્યના નામથી પણ સૌ આઘાં રહેતા હતા, તે ભૂમિના મનુષ્યો આ પ્રમાણે સંન્યાસ ગ્રહણ કરે અને વેદાન્તમય જીવન ગાળી રહે, એ બીના સ્વામીજીની અગાધ શક્તિ અને તેમનાં ભાષણોની અદ્‌ભુત અસરની પુરેપુરી સાબીતિ આપે છે. સ્વામીજીની આવી ફતેહથી કયા હિંદવાસીનું હૃદય ઉછળશે નહિ ?

વળી સ્વામીજીના પ્રયાસથી માત્ર આટલું જ પરિણામ આવ્યું તેમ નહોતું. અનેક વ્હેમો અને ખોટા ખ્યાલોને દૂર કરી સાચા સત્યની શોધમાં વિચરવાની પ્રબળ ઈચ્છા સ્વામીજીએ અમેરિકાનાં હૃદયમાં પ્રગટાવી મુકી છે. આજે અમેરિકનો વેદાન્તનાં પુસ્તકોની માગણી કરી રહેલા છે; વાતચીતમાં પણ તેઓ ઘણા સંસ્કૃત શબ્દો વાપરવા લાગ્યા છે; શ્રીશંકરાચાર્ય, શ્રી રામાનુજ વગેરેનાં નામ હકસલી, સ્પેન્સર વગેરેનાં નામો સાથે અમેરિકામાં સાંભળવામાં આવે છે; અને મેક્સમુલર, કોલબુક, ડ્યુસન જેવા વેદાંતીઓનાં પુસ્તકો અમેરિકનો પ્રેમથી વાંચવા લાગ્યા છે. આ સઘળું સ્વામીજીએ ઉપજાવેલી અસરનું જ પરિણામ છે. ન્યુયોર્કમાં સારા બર્નાર્ડ નામની પ્રખ્યાત નાટકકાર સ્વામીજીને મળવાને આવી અને હિંદુ તત્ત્વજ્ઞાનને માટે પોતાનો અત્યંત ભાવ દર્શાવી તેમાં રસ લેતી થઈ. વીજળી સંબંધી અનેક શોધ કરનાર વિજ્ઞાનશાસ્ત્રી નીકોલા ટેસલા, સ્વામીજીનું સાંખ્ય તત્વજ્ઞાન ઉપરનું ભાષણ સાંભળીને અત્યંત વખાણ કરવા લાગ્યા. તેમણે કબુલ કર્યું કે હિંદુઓનુંજ જગતની ઉત્પત્તિ અને રચના સંબંધીનું જ્ઞાન સૌથી શ્રેષ્ઠ છે. વળી તેમણે જણાવ્યું કે કલ્પ, પ્રાણ, આકાશ વગેરેનો પુરેપુરો અને ખરો ખ્યાલ સાંખ્ય શાસ્ત્રજ આપી શકે તેમ છે. જગતની રચના સંબંધીના પ્રશ્નોનું નિરાકરણ કરવાને આધુનિક વિજ્ઞાનશાસ્ત્રે હિંદુઓના સાંખ્યશાસ્ત્રનાજ આશ્રય લેવો જોઈએ, એમ નીકોલા ટેસલા સર્વેને કહેતા હતા.

ન્યુયોર્કથી સ્વામીજી થાઉઝન્ડ આઈલેન્ડ પાર્ક નામના સ્થળે ગયા. એ સ્થળ એક ટેકરી ઉપર એકાંતમાં આવેલું હતું. અમેરિકન વિદ્યાર્થીઓ અને શિષ્યોમાંના બારેક જણ સ્વામીજીની સાથે હતા. સ્વામીજીનાં ભાષણ સાંભળવાં એ તો એક મહદ્ભાગ્ય હતુંજ, પણ તેમના સમાગમમાં આખો વખત આવવું અને તેમના જીવનના ભાગી થવું એ તો બહુજ શ્રેયસ્કર હતું. તે સ્થળમાં સ્વામીજી સાત અઠવાડીયાં રહ્યા હતા. એ દરમીઆન તે પોતાના શિષ્યોને દરરોજ બોધ આપતા હતા. ઉપરાંત તેમને સ્વામીજીના અદ્ભુત જીવનના ભાગી થવાનો પણ અમુલ્ય લાભ મળ્યો હતો. સ્વામીજીનું જીવન સંપૂર્ણ સુંદર અને સંતુષ્ટ હતું. તે ઘણુંજ ભવ્ય લાગતું, પણ તેની સાથે તેમાં અત્યંત સાદાઈ પણ નજરે આવતી હતી. તેમનું મન સદાએ ઉચ્ચ ભાવો અને વિચારોથી ભરપુર દેખાતું હતું. ૐ, શિવ, રામકૃષ્ણ, જગદંબા તેમજ બીજા પણ ઉચ્ચભાવ પ્રદર્શક ઉદ્‌ગારો સ્વામીજી મુખમાંથી વારંવાર બહાર કહાડતા અને તે ઉદગારોથી શિષ્યોને કંઈક અલૌકિકજ ભાન થતું. કોઈ વખત તે ક્રાઈસ્ટની વાતો કરતા, તો કોઈ વખત શ્રીશંકરાચાર્યનું અદભુત તત્વજ્ઞાન સમજાવતા અને કોઈ વખત શ્રીકૃષ્ણને એક અદભુત યોગી તરીકે પ્રતિપાદન કરતા. આખો દિવસ તેમનું મન કોઈને કોઈ સત્યમાં રમમાણ રહેતું. વખતો વખત તે જ્ઞાનની પરાકાષ્ટાએ પહોંચી જતું અને તેમાંથી કોઈ નવુંજ સત્ય નવીન પ્રકાશ રૂપે બહાર નીકળી આવતું.

સ્વામીજી નિયમિત રીતે કોઈને બોધ આપતા નહોતા. તેમ થવું અશક્ય હતું. ઇશ્વર પ્રેરિત મનુષ્ય જગતને અનેક સત્યોનો બોધ આપે છે, પણ તેમના બોધ નિયમિત હોતા નથી. જેમ જેમ પ્રેરણા થતી જાય છે, અને જેમ જેમ અંતરાત્માના ઉંડા પ્રદેશમાં ઉતરાતું જાય છે તેમ તેમ અનેક સત્યો સ્ફુરતાં ચાલે છે અને કહેવાતાં ચાલે છે. પ્રાચીન રૂષિઓએ તે પ્રમાણેજ સત્યનું શોધન અનેક યત્નોદ્વારા કરેલું છે. ઈશ્વર પ્રેરણા ઉપર તો નિયમિતપણાનો માનવનો કાયદો કેમ લાગુ પડે ! સ્વામીજી પણ તેને માટે કહેતા હતા કે પાશ્ચાત્યોમાં બહુ નિયમિતપણું હોવાને લીધે જ ત્યાં ખરા ધાર્મિક પુરૂષ પાકતા નથી.” એથી કરીને તેમના શિષ્ય તેમની આસપાસ વીંટળાયલાજ રહેતા અને સ્વામીજીના મુખમાંથી જે ઉદગારો નીકળે તે ઝટ ટપકાવી લેતા. મીસ વોલ્ડો નામની એક શિષ્યાએ તેમના સઘળા ઉદગારો ટાંકી લઈ તેમને “ઇન્સ્પાયર્ડ ટોક્સ” (ઈશ્વર પ્રેરિત વાતો) એ નામના પુસ્તક રૂપે પ્રગટ કરેલા છે. એ પુસ્તક વાંચવાથી માલમ પડે છે કે સ્વામીજી એ સ્થળમાં કેવી અદ્ભુત પરાવસ્થા ભોગવી રહ્યા હતા અને ઈશ્વર પ્રેરિત મનુષ્ય તરીકે તે કેવા અલૌકિક ઉદ્‌ગારો કહાડી રહ્યા હતા. એ ઉદ્‌ગાર સ્વામીજીનાં આંતર જીવનનો આપણને ખ્યાલ આપે છે અને ધાર્મિક ભાવનાઓ ઉપર નવોજ પ્રકાશ પાડે છે.

સ્વામીજી તેમના શિષ્યોના ગુરૂ હતા, એટલું જ નહિ પણ પાલક અને રક્ષક પણ હતા. શિષ્યો ઘરનું બીજું કામ કરતા અને સ્વામીજી સર્વેને રસોઈ કરીને જમાડતા ! કેવો તેમના શિષ્યો પ્રત્યે ભાવ ! હિંદુ ભોજનની જુદી જુદી વાનીઓ કરીને તે પોતાના શિષ્યોને ચખાડતા; કેમકે રસાઈ કરવામાં પણ સ્વામીજી ઘણા કુશળ હતા. રસોઈ કરતે કરતે તે રસોડામાંથી બહાર આવતા અને અનેક સત્યોને ઉચ્ચારતા ! આમ રસોઈનું કામ કરતે કરતે તેમનું ચિત્ત તત્વજ્ઞાનના અનેક વિષયમાં લાગી રહેતું અને પ્રસંગે પ્રસંગે તેમાંથી અલૌકિક વિચારો બહાર નીકળી આવતા. થાઉઝન્ડ આઇલેન્ડ પાર્કમાં સ્વામીજીનું જીવન નિહાળવાને અને તેના ભાગી થવાને જેઓ ભાગ્યશાળી થએલા છે તેઓજ માત્ર તેમના જીવનની અદ્ભૂતતા સમજી શકે તેમ છે. મીસ વોલ્ડો લખે છે કે “અહાહા ! કેવું ઉચ્ચ અને પવિત્ર જીવન !”

જીવનના સાદામાં સાદા પ્રસંગોમાં પણ સ્વામીજીને આધ્યાત્મિક સત્યનો ભાસ થતો. તે એકાન્ત વાસમાં હોય કે મોટા શહેરના પુષ્કળ ઘોંઘાટમાં ફરતા હોય, પણ તેમનું ચિત્ત સદાએ તેમના ગુરૂની માફક એકાગ્ર જેવું રહ્યા કરતું અને કોઈ કોઈ વખત તો પોતાની આસપાસ શું થાય છે તેનું પણ તેમને ભાન રહેતું નહિ, આમ વારંવાર બનતું. એ દશાનું વર્ણન કરતાં સીસ્ટર નિવેદિતા-મિસ મારગરેટ નોબલ-લખે છે કે, “સ્વામીજી એક ખુણે બેસીને ધ્યાન કરતા કદી જણાતા નહોતા, પણ તેમનું ચિત્ત વખતો વખત એવી તો એકાગ્રતા પ્રાપ્ત કરી રહેતું કે બીજાને તેઓ સમાધિમગ્નજ લાગે.” એક હિંદવાસી તેમના વિષે લખે છે કે “સ્વામીજી જ્યારે ધ્યાનમગ્ન બને છે ત્યારે માત્ર બે મિનિટમાંજ તે પોતાની આસપાસનું ભાન ભૂલી જાય છે, અને તેમને આખે શરીરે મચ્છરો વળગી રહ્યાં હોય તેની પણ તેમને ખબર પડતી નથી. અમેરિકાના રસ્તાઓમાં ગાડી, ટ્રામો, મનુષ્યો અને બીજી વસ્તુની મોટી ધામધુમ મચી રહી હોય એવે વખતે સ્વામીજીને ટ્રામમાં બેસવાનો પ્રસંગ આવતો ત્યારે પણ તેઓ ધ્યાનગ્રસ્ત થઈ જતા અને ઉતરવાનું સ્થળ પસાર થઈ જવા છતાં પણ ટ્રામમાંજ બેસી રહેલા ઘણીવાર નજરે આવતા ! કેટલીકવાર તો ટ્રામનો નોકર તેમની પાસે ભાડું લેવા આવતો ત્યારે જ તેમને ભાન આવતું. આવા પ્રસંગોથી સ્વામીજી ઘણું શરમાતા અને ફરીથી એવું નહિ થવા દેવા સાવચેત રહેવાનું ધારતા. થાઉઝન્ડ આઈલેન્ડપાર્કમાં પણ તેમની સ્થિતિ તેવીજ હતી. વખતો વખતની એવી ધ્યાનાવસ્થાને અંતે તેમના જે અનેક ઉદ્‌ગારો બહાર આવેલા છે તેં અસંખ્ય વિદ્વાનો અને જિજ્ઞાસુઓને મન અત્યારે મહાન સત્ય થઈ પડ્યાં છે.

થાઉઝન્ડ આઇલેન્ડપાર્કમાં થોડાક દિવસ રહ્યા પછી સ્વામીજી પાછા ન્યુયોર્કમાં આવ્યા. અહીં તે શિષ્યોને વેદાન્તનો અભ્યાસ કરાવવા લાગ્યા. વેદાન્તના શિક્ષણને માટે તે વર્ગો ચલાવવા લાગ્યા. તે વર્ગોમાં સર્વેને આવવાની છુટ હતી. તે વર્ગો વિષે લખતાં એક શિષ્ય લખે છે કે “બ્રુકલીનમાં ત્યાંના જે મનુષ્યો સ્વામીજીનું ભાષણ સાંભળવાને આવ્યા હતા તેમાંના કેટલાક ન્યુયોર્કમાં આવીને રહ્યા અને સ્વામીજીને ઉતારે જઈ તેમના ઉપદેશનો લાભ રોજ લેવા લાગ્યા. સ્વામીજીનો ઉતારો એક નાની ઓરડીમાં હતો, ત્યાં તે વર્ગો ભરાતા. પરંતુ વર્ગોમાં મનુષ્યોની સંખ્યા ઝટ વધવા લાગી. આખી ઓરડી ખીચોખીચ ભરાઈ જવા લાગી. સ્વામીજી જમીન ઉપર બેસતા અને શ્રોતાજનોમાંના ઘણા પણ તેમજ કરતા. શ્રોતાઓની ભીડને લીધે સુવાનો ખાટલો, ખુણામાં આવેલો પાણીનો નળ, વગેરે સ્થળે પણ લોકો બેસવા લાગ્યા. બારણું ઉઘાડું રાખવામાં આવતું અને ઓરડીમાં આવવાના દાદર ઉપર પણ લોકો બેસતા. અહાહા ! તે વર્ગો ! તે કેટલા બધા રસપૂર્ણ હતા ! તે વર્ગોમાં આવવાને જે ભાગ્યશાળી થયું હશે તે તેને કદીએ ભૂલશે નહિ. સ્વામીજી ઘણાજ ભવ્ય દેખાતા હતા, પણ તેમની ભવ્યતામાં અત્યંત સાદાઈ નજરે આવતી હતી. તે ઘણા ગંભીર દેખાતા અને અંતઃકરણપૂર્વકજ બોલતા. તેમની વક્તૃત્વશક્તિ અલૌકિક હતી અને ખીચોખીચ ભરાઇને બેઠેલા વિદ્યાર્થીઓ પોતાને પડતી અડચણો ભૂલી જઈને સ્વામીજીના મુખમાંથી નીકળતા શબ્દે શબ્દને ધ્યાન દઈને સાંભળતા.”

“આવી સાદી રીતે સ્વામી વિવેકાનંદે વેદાન્ત શિખવવાની પ્રથમ ન્યુયોર્કમાં શરૂઆત કરી હતી. સ્વામીજી પોતાના શ્રમને માટે બદલામાં કંઈ પણ લેતા નહોતા. તેમની ઓરડીનું ભાડું ઉઘરાણું કરીને આપવામાં આવતું હતું. જ્યારે ઉઘરાણું બરાબર થતું નહોતું ત્યારે સ્વામીજી હિંદની સામાજિક સ્થિતિ ઉપર જાહેર વ્યાખ્યાનો આપી તેમાંથી મળેલા દ્રવ્યનો ઉપયોગ પોતાના વર્ગોના નિભાવને માટે કરતા. હિંદુ ધર્મોપદેશકોની ફરજ છે કે તેમણે પોતાના વર્ગો અને વિદ્યાર્થીઓનો નિભાવ કરવા અને કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો તેને માટે ઉપદેશકે ખુશીથી ગમે તે જાતનો ભોગ આપવો, એમ સ્વામીજી કહેતા હતા."

"વર્ગો ફેબ્રુઆરીમાં શરૂ થયા અને જુન સુધી તે ચાલ્યા હતા. પણ તે દરમ્યાનમાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલી બધી વધી ગઈ હતી કે નીચેના એક મોટા હોલ અને તેની બહારની જગ્યા પણ ભાડે લેવી પડી હતી. દરરોજ સવારે અને ઘણુંખરૂં સાંજે વર્ગો ભરવામાં આવતા. કોઈ વખત રવિવારે પણ ભાષણો આપવામાં આવતાં. કેટલાકનું માત્ર ભાષણ સાંભળીને સમાધાન થતું નહોતું, તેમને માટે શંકા સમાધાનનો સમય પણ રાખવામાં આવો હતો. ”

હિંદના પ્રાચીન ઋષિઓની માફક સ્વામીજી ધનવાન અને સત્તાવાન અમેરિકનોને વેદાન્તનો બોધ કરી રહ્યા હતા. એ દેખાવ જોઈને કયા હિંદુનું હૃદય ઉછળે નહિ ? અમેરિકનોની પાસે પુષ્કળ દ્રવ્ય હતું અને તે આપવાને તેઓ તૈયાર પણ હતા, છતાં સ્વામીજી બોધને માટે એક પાઈ પણ લેતા ન હતા. ધર્મનો ઉપદેશ કંઇ પણ લીધા વગરજ કરવો જોઈએ; ધર્મ કાંઈ વેચવાની વસ્તુ નથી; એમ સ્વામીજી કહેતા. કેટલાક વર્તમાનપત્રોના ખબરપત્રીઓ અને માસિકોના અધિપતીઓ હિંદ વિષેની માહિતી મેળવવાને તેમની પાસે આવતા અને સ્વામીજીની પોતાની ખાસ ટેવો કયી કયી છે, તેમનો ધર્મ શું છે, પાશ્ચાત્ય સુધારા વિષે તેમનો શો અભિપ્રાય છે, ભવિષ્યમાં તે કેવું કાર્ય કરવા ધારે છે, તેમનો આહાર વિહાર કેવા પ્રકારનો છે, પૂર્વાશ્રમમાં તે કોણ હતા, શું કરતા હતા, હિંદુઓની રીતભાત કેવી હોય છે, હિંદની રાજદ્વારી સ્થિતિ કેવી છે, વગેરે અનેક પ્રશ્નો પૂછતા હતા. વળી દૂરનાં ગામોમાંથી સ્વામીજીને આમંત્રણ આવતાં અને ત્યાં ભાષણ આપવાને તે પગે ચાલીનેજ જતા.

કોઈ કોઈ વખત એક અઠવાડીઆમાં તેમને બાર કે ચૌદ ભાષણો આપવાં પડતાં. શારીરિક અને માનસિક શ્રમ પણ ઘણોજ વેઠવો પડતો. આખું અમેરિકા તેમની પાછળ ગાંડુ ઘેલું થઈ રહ્યું હતું. કેટલાક સ્વામીજીને પોતાને ઘેર બોલાવતા તો કેટલાક જાહેર વ્યાખ્યાન આપવાની અરજ કરતા. અમેરિકામાં સર્વત્ર જડવાદ વ્યાપી રહેલો હતો અને તેથી ઘણા મનુષ્યનો આત્માને સંતોષ થતો નહોતો. હજારો સમાજો અને સંસ્થાઓ ત્યાં ઉભી થએલી હતી, પણ તે સર્વ ઐહિક વિષય સંબંધી જ બોધ કરતી. અમેરિકન પ્રજા વિષયભોગથી તૃપ્ત થઈ રહેલી હતી, જડવાદના સિદ્ધાંતોથી તે કંટાળી રહી હતી. તે પોતાના હૃદયને અને પોતાના આત્માને સ્પર્શ કરી શકે એવા કોઈ મહા સત્યને મેળવવાને ચ્હાતી હતી. જડવાદથી અસંતુષ્ટ બની રહેલા અસંખ્ય મનુષ્યનો હૃદયમાં સ્વામીજીનો બોધ સાંભળીને બાહ્ય પદાર્થોમાં સંતોષ અને ધર્મ જિજ્ઞાસાનો વાસ થવા લાગ્યો. યોગ્ય અધિકારીઓ એથી પણ આગળ વધીને અભ્યાસમાં તેમજ આત્માના પ્રદેશમાં વિચરવા લાગ્યા. અમેરિકનોને મન તે કેવો અપૂર્વ અનુભવ હતો ! કોઈ અતિશય ભુખ્યાને જેમ ખાવાનું મળે, કોઈ મરવા પડેલા તરસ્યાને જેમ પાણી મળે તેમ સ્વામીજીના બોધથી તેમનો આત્મા ઠરતો હતો.

સ્વામીજીનો બોધ અપૂર્વ હતો. તેમનાં વચનો અમેરિકનોને નવાઈ જેવાંજ લાગતાં. આ સમયે સ્વામીજીના સંબંધમાં ન્યુયોર્ક ફ્રેનોલોજીકલ જર્નલ (મસ્તિષ્કવિધા સંબંધી માસિક પત્ર) શું કહી રહ્યું હતું તે જાણવું ઘણું રસ ભરેલું છે. તે માસિકના અધિપતિએ લખ્યું હતું કે; “સ્વામી વિવેકાનંદ હિંદુ જાતિનો એક સુંદર નમુનો છે. તે ઉંચાઈમાં પાંચ ફુટ અને સાડા આઠ ઇંચ છે. તેમનું વજન એકસોને શીત્તેર રતલથી વધુ છે, તેમના મસ્તકનો પરીધ પોણી બાવીસ ઇંચ છે. તેનો વ્યાસ ચૌદ ઇંચ છે. આથી કરીને તે શરીર તથા મગજની બાબતમાં જેવા જોઈએ તેવાજ છે. પોતાની માનસિક શક્તિઓને અનુકુળ થાય એવા સ્થળમાં તે પોતાનો માર્ગ કરી લે છે. તેમની મિત્રતાથી તે તેમના કાર્યમાં મદદ અને ઉત્તેજન આપ્યાનો બદલો વાળે છે. એમના સંસ્કારો એવા છે કે લગ્ન સંબંધી વિચાર તેમાં આવી શકતાજ નથી. તે ખરેખરૂંજ કહે છે કે કોઈ પણ સ્ત્રી સાથે પ્રેમમાં પડવાનો વિચારજ તેમના મનમાં કદીએ આવ્યો નથી. તે વિગ્રહની વિરૂદ્ધ છે અને સંપૂર્ણ નમ્રતાનો બોધ કરે છે. આથી કરીને તેમનું મસ્તક કર્ણ પ્રદેશમાં સંકુચિત હોવું જોઈએ અને તે તેમજ છે. દ્રવ્ય અને તેની માલકી વિષેના પ્રશ્નોનો તે અનાદર કરે છે અને કહે છે કે તેમની પાસે કોઈ પણ પ્રકારની મિલકત નથી અને તે ઉપાધિ તેમને ગમતી પણ નથી. તેમનો આ વિચાર અમેરિકનોના મનને ઘણોજ વિચિત્ર લાગે છે, છતાં પણ આપણે કબૂલ કરવું જ જોઈએ કે સ્વામીજીના મુખ ઉપર જે સંતોષ અને શાંતિનાં ચિન્હો દેખાઈ આવે છે તે અમેરિકાના કરોડાધિપતિઓ “રસેલ રોજ” અને “હેટી ગ્રીન” નાં મુખ ઉપર પણ જણાઈ આવતો નથી. તેમનામાં સ્થિરતા અને સહૃદયતા પૂર્ણ વિકાસને પામી રહેલાં છે. પરોપકારવૃત્તિ તેમના જીવનમાં સ્પષ્ટ જણાય છે. તેમનાં લમણાં પહોળાં છે અને તે તેમનું સંગીતનું જ્ઞાન પ્રગટ કરે છે. તેમનાં ભવ્ય અને વિશાળ નેત્રો તેમની અદ્ભુત સ્મરણશક્તિને અને તેમનાં ભાષણોમાં તેમણે દર્શાવેલી અલૌકિક વક્તૃત્વ શક્તિને સિદ્ધ કરે છે. ટુંકામાં કહીએ તો દયા, અનુકપ્પા, તત્વજ્ઞાનમાં ઉંડો પ્રવેશ અને ઉચ્ચ શિક્ષણ કાર્યમાં જય મેળવવાની ઇચ્છા, એ તેમનાં ખાસ લક્ષણો છે. તે કલકત્તા યુનિવર્સીટિના એક ગ્રેજ્યુએટ છે, છતાં જાણે કે લંડનના રહેવાસી હોય તેમ સારી પેઠે શુદ્ધ અંગ્રેજી બોલે છે. સર્વ ધર્મ પરિષદ્‌માં તેમણે સર્વ મનુષ્યો તરફ આત્મભાવથી જોવાનું શિખવ્યું હતું. માત્ર એટલોજ બોધ કરવાનું તે જારી રાખશે તો પણ તેમનું કાર્ય અમેરિકામાં અતિશય ઉપકારક અને સંમાનનીય થયા વગર રહેશે નહિ.”

અમેરિકામાં સ્વામીજી રહ્યા તે દરમ્યાનમાં સ્વાભાવિકપણેજ જાણે કેટલીક યોગિક શક્તિઓ તે પ્રાપ્ત કરી રહ્યા હોય એમ તેમને જણાતું હતું. પણ તે વિષે તે કોઈને વાત કરતા નહોતા. તેમ તેઓ આવી શક્તિઓને કોઈ પણ પ્રકારની મહત્તા આપતા નહોતા અને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ આગળ તેને તુચ્છજ ગણતા હતા. અભ્યાસી માટે તો તેઓ એવી શક્તિઓને અંતરાયરૂપ અને તેવી શક્તિઓ મેળવવાની ઈચ્છાને ઈશ્વર પ્રાપ્તિની વિરાધીજ કહેતા.

સ્વામીજી હવે ખાનગી અને જાહેરમાં બોધ આપવા ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓને ધ્યાન અને બીજી યોગની ક્રિયાઓ પણ શિખવવા લાગ્યા. ધ્યાનાવસ્થા તેમને સ્વાભાવિક હોવાથી પોતાના વિદ્યાર્થીઓને ધ્યાન ધારણાદિ શિખવતાં પણ સ્વામીજી ધ્યાનસ્થ બની જતા અને એવે વખતે તેમના વિદ્યાર્થીઓ તેમને તેવી જ સ્થિતિમાં મૂકીને ચાલ્યા જતા. કોઈ કોઈવાર ધીમેથી તે સંસ્કૃત શ્લોક અને વેદો કે ઉપનિષદોનાં વાક્યોને ઉચ્ચારતા. આધ્યાત્મિક સત્ય અને આનંદનું જે વાતાવરણ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણની આસપાસ ફેલાઈ રહ્યું હતું તેવું જ આધ્યાત્મિક વાતાવરણ અમેરિકાના દૂર પ્રદેશમાં સ્વામી વિવેકાનંદની આસપાસ પ્રસરી રહ્યું હતું. તેમની પાસે જે અમેરિકનો આવતા તે અત્યંત શાંતિ, શક્તિ, આનંદ અને વિકાસને અનુભવતા. તે વખતે એક પ્રસિદ્ધ લેખકે સ્વામીજીના ચારિત્ર્યનું વર્ણન નીચે પ્રમાણે કર્યું હતું:- “જે મનુષ્ય સ્વામી વિવેકાનંદને મળેલા છે અને જેમણે તેમનાં ભાષણ સાંભળેલાં છે તેઓ સ્વામીજીની મોહક વ્યક્તિ, સુંદર અને બુદ્ધિવંત ચહેરો, દિવ્ય તેજથી ભરેલું અને એક બાળકની માફક નિર્દોષ હાસ્ય કરતું તેમનું મુખારવિંદ, સંગીત જેવો મધુર અવાજ, અસાધારણ વક્તૃત્વશક્તિ, અદ્‌ભુત વાક્ચાતુર્ય અને બીજા જે જે ગુણો વડે શ્રોતાજનો તેમને ઈશ્વર પ્રેરિત વક્તા કહે છે-તે સર્વ કદીએ વિસરશે નહીં.”

સ્વામીજીની અપૂર્વ ફતેહની ખબર આખા હિંદુસ્તાનમાં પહોંચી વળી. હિંદનાં વર્તમાનપત્રો અને માસિકોમાં સ્વામીજીના પ્રસિદ્ધ ભાષણની નોંધ લેવાઈ અને તે વિષે અગ્રલેખો પણ લખવામાં આવ્યા. મદ્રાસથી આલમોરા અને કલકત્તાથી મુંબઈ સુધીના સઘળા હિંદુઓ તે પ્રસિદ્ધ ભાષણને વાંચીને તેનું મનન કરવા લાગ્યા. તેને વાંચતાં તેમનાં હૃદયમાં અત્યંત હર્ષની લાગણી ઉત્પન્ન થઈ અને પોતાના હિંદુ ધર્મને માટે ગૌરવ લઈ તે ધર્મના ઉપદેશક તરીકે અપૂર્વ ફતેહ મેળવી રહેલા વીરપુરૂષ-વિવેકાનંદ તરફ અત્યંત પૂજ્યભાવ દર્શાવવા લાગ્યા.

આ વખતે સ્વામી વિવેકાનંદનું નામ અખિલ ભારતવર્ષમાં ઘેર ઘેર પ્રિય થઈ રહ્યું હતું. તેમણે પોતાના દેશની અને ધર્મની જે મહાન સેવા બજાવી હતી, તેમજ અમેરિકામાં હિંદુ વિચારોને અને સ્વામીજીને ભારે આવકાર મળ્યો હતો તે સાંભળીને સઘળા હિંદુઓ હર્ષઘેલા થઈ રહ્યા હતા. જે ભૂમિ મગરૂરીમાં ગરક હોઈ હિંદને એક પરતંત્ર દેશ તરીકે ગણતી હતી અને હિંદવાસીઓને વહેમી અને જંગલી ધારતી હતી; તે ભૂમિ (અમેરિકા) ભારતવર્ષની મહત્તા સ્વીકારે, એ બનાવ હિંદુસ્તાનની તવારીખમાં પહેલ વહેલોજ હતો.

સ્વામીજીનું પવિત્ર નામ હિંદના દરેક પ્રાંતમાં સંભળાઇ રહ્યું હતું. એમાં પણ સ્વાભાવિક રીતે મદ્રાસ અને બંગાળા ઈલાકામાં લોકો સ્વામીજી તરફ વધારે પ્રેમ અને માન દર્શાવી રહ્યા હતા. ત્યાં સ્થળે સ્થળે સભાઓ ભરાતી હતી અને સ્વામીજીના ગુણ ગવાઈ રહ્યા હતા. છેક દક્ષિણમાં આવેલા રામનદથી તે ઉત્તરમાં રજપુતાના સુધી દરેક નગરમાં તેમના કાર્યનાં વખાણ થતાં હતાં. હિંદનાં પુષ્કળ સ્થળોમાંથી સ્વામીજીને માનપત્ર મોકલવામાં આવ્યાં હતાં. રામનદના રાજાએ ખુશાલીનો તાર મોકલ્યો હતો. ખેત્રીના રાજા અજીતસિંહ બહાદુરે એક ખાસ દરબાર ભરી તેમાં ઠરાવ કરીને સ્વામીજી પર શાબાશી આપનારો પત્ર મોકલ્યો હતો. મદ્રાસ અને કલકત્તામાં પણ હિંદુઓએ મોટી મોટી સભાઓ ભરી સ્વામીજીને માનપત્રો મોકલ્યાં હતાં. કલકત્તામાં રાજા પ્યારીમોહન મુકરજી સી. એસ. આઈ., ઓનરેબલ જસ્ટીસ ગુરૂદાસ બેનરજી, ઇંડિઅન મિરર પત્રના અધિપતિ નરેન્દ્રનાથ સેન, ઇંડિઅન નેશન પત્રના અધિપતિ એન. એન. ઘોષ, બંગાળી પત્રના અધિપતિ અને સુપ્રસિદ્ધ વક્તા સુરેન્દ્રનાથ બેનરજી વગેરે અનેક સંભાવિત ગૃહસ્થ, રાજાઓ અને જમીનદારો સભામાં એકઠા મળ્યા હતા અને પોતાના હિંદુ ધર્મનું રક્ષણ કરનાર અને ભારતવર્ષની મહત્તા વધારનાર મહાપુરૂષ વિવેકાનંદના ગુણાનુવાદ ગાઈ રહ્યા હતા. કલકત્તા સ્વામીજીની જન્મભૂમિ હતી તેથી ત્યાં લોકોના હર્ષનો પાર રહ્યો નહતો. આ પ્રમાણે પોતાને અસંખ્ય માનપત્રો મળેલાં જોઈને સ્વામીજી જરા પણ કુલાઈ ન જતાં એ સઘળું માન હિંદુ ધર્મને-પ્રાચીન ઋષિઓનેજ મળેલું માનતા. પોતાના કાર્યમાં એ માનથી સમસ્ત ભારતવર્ષે સંમતિ આપેલી તે ગણતા. આ ઉપરથી જુના પુરાણા આર્યાવર્તના હૃદયમાં પ્રાચીન પ્રજાકીય આદર્શ હજી પણ જાગૃત છે, અને ભારતવર્ષના પ્રજાજીવનનો પાયો હજી પણ મજબુત છે, એમ તેમની ખાત્રી થઈ. ભારતવર્ષ વિષે મોટી આશા તેમના મનમાં બંધાઈ અને પોતાની દ્રષ્ટિ સમીપ તેની ઉન્નતિનાં અનેક ભાવિ ચિત્રો તેઓ જોવા લાગ્યા. તેમને નિઃશંકપણે ભાસ આવવા લાગ્યો કે “ભારતવર્ષ એકવાર ફરીથી જાગૃત થયો છે; તેને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે; તેનો પુનરોદ્ધાર થએલો છે અને તે પ્રાચીન સમય કરતાં પણ વધારે કીર્તિ મેળવશે.”

આધુનિક સમયમાં હિંદમાં કલકત્તા વિદ્યા અને બુદ્ધિનું શ્રેષ્ઠ સ્થળ બની રહેલું છે. આથી કરીને સ્વામી વિવેકાનંદને માન આપવાને કલકત્તાના ટાઉન હાલમાં જે સભા ભરવામાં આવી હતી તે આખા હિંદમાં સૌથી વધારે વિશાળ અને ભવ્ય હતી. ઘણાં જુના વિચારના પંડિતો, બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓએ પણ તેમાં ભાગ લીધો હતો. હિંદુ ધર્મને અમેરિકામાં અપૂર્વ માન મળેલું જોઈને સૌ હિંદુઓનાં હૃદય આનંદથી ઉભરાઈ રહ્યાં હતાં. કલકત્તાના ટાઉન હાલમાં ભરાયલી ગંજાવર સભાનું પ્રમુખસ્થાન રાજા પ્યારીમોહન મુકરજીને આપવામાં આવ્યું હતું. પ્રમુખસ્થાનનો સ્વીકાર કરતા તે નીચેના શબ્દો બોલ્યા હતા;-

“આજે આપણે બધા જે સન્માન દર્શાવવાને અહીં એકઠા મળ્યા છીએ તે માન આપણે કોને આપી રહ્યા છીએ ? કોઈ એક રાજ્યની સેવા બજાવનાર અથવા બીજી કોઈ રીતે જય પ્રાપ્ત કરનારા મનુષ્યને નહિ, પણ એક સાદા સંન્યાસીને જ આપણે આ ગંજાવર સભામાં માન આપવાને એકઠા થયા છીએ. તે સંન્યાસીની ઉમ્મર માત્ર ત્રીસ જ વર્ષની છે. તેણે આપણા ધર્મના સિદ્ધાંતો અમેરિકન પ્રજાને અસાધારણ શક્તિ, યુક્તિ અને ચાતુર્યથી સમજાવ્યા છે અને હજારો અમેરિકનોની વાહ વાહ મેળવી છે. (ખુશાલીની તાળીઓ), હિંદુ ધર્મના સિદ્ધાંતો સમજાવીને ભાઈ વિવેકાનંદે, જગતના એક અતિ અગત્યના અને સુધરેલા ભાગની આંખો ઉઘાડી છે. વળી તેની ખાત્રી કરી આપી છે કે ધર્મ અને તત્ત્વજ્ઞાનની બાબતમાં પાશ્ચાત્ય વિજ્ઞાનશાસ્ત્ર કે સાહિત્યમાંથી ઉચત્તમ વિચાર અને સિદ્ધાંત મળી આવશે નહિ, પણ તે આપણાં હિંદુ શાસ્ત્રોમાંથીજ મળી આવશે, (ખુશાલીની તાળીઓ) આપણી માતૃભૂમિને યશ અને અગત્ય અપાવનાર આ મહાપુરૂષ-વિવેકાનંદને માન આપવાને આવી ગંજાવર સભા મળેલી જોઈને હું ઘણોજ ખુશી થાઉં છું.”

સભાનું કામ શરૂ થયા પછી ઇંડિઅન મિરર પત્રના અધિપતિ બાબુ નરેન્દ્રનાથ સેને કરેલા ભાષણમાંથી થોડીક લીટીઓ અત્રે આપવામાં આવે છે. તે આ પ્રમાણે છે:

“આ નગરમાં આવી જાતની સભા આ પ્રથમ મળેલી છે, કારણ કે આપણે ઘણે ભાગે કોઈ રાજદ્વારી પુરૂષને જ માન આપવાને એકઠા મળીએ છીએ, પણ આજે આપણે એક હિંદુ સાધુને માન આપવાને એકઠા થયા છીએ. તે સાધુ સમુદ્ર ઓળંગીને દૂરના પ્રદેશમાં ગએલા છે અને ત્યાં તેણે પોતાની વિદ્યાના પ્રભાવથી અને વકતૃત્વશક્તિથી હિંદુધર્મનો અદ્ભુત બચાવ કરેલો છે અને તેનું ગૌરવ વધારેલું છે. વળી વધારે આશ્ચર્યની વાત તો એજ છે કે તે સાધુની ઉમ્મર ભાગ્યેજ ત્રીસ વર્ષની હશે ! આટલી નાની ઉમ્મરે અમેરિકન પ્રજા જેવી ઘણી આગળ પડતી પ્રજાને જે પુરૂષ એક વિજળીની માફક આંજી ચકિત કરી નાંખે, તે પુરૂષ ખરેખર ઘણોજ અદ્ભુત હોવો જોઈએ અને તેનું ચારિત્ર્ય ઘણું જ ભવ્ય હોવું જોઈએ !...એમની ફતેહથી આપણ હિંદુઓને પ્રજા તરીકે એક નવોજ જુસ્સો પ્રાપ્ત થયો છે. હિંદુ તવારીખનાં અંધકારયુક્ત પાનાં ઉપર તેમણે પ્રકાશનું એક ઘણું જ તેજસ્વી કિરણ નાંખ્યું છે. સ્વામી વિવેકાનંદ જેવા મનુષ્યો હમેશાં પાકતા નથી. આપણી માતૃભૂમિના ઇતિહાસમાં ઘણો અગત્યનો ભાગ ભજવવાને તે ઉત્પન્ન થએલા છે. તેમની શક્તિ અસાધારણ છે. તેમની વિશાળ અને તેજસ્વી આંખોમાંથી ચારિત્રના પ્રભાવનાં કિરણો સર્વત્ર પ્રસરી રહેલાં છે અને તે પોતાના પરિચયમાં આવનારા સર્વેમાં નવીન પ્રકાશ અને નવીન ચેતનની ફુરણા કરે છે.”

બીજા અનેક સંભવિત ગૃહસ્થો, જેવા કે સુરેન્દ્રનાથ બેનરજી, બાબુ એન. એન. ઘોષ વગેરેએ પણ પ્રસંગને અનુસરીને પોતાના વિચારો દર્શાવ્યા હતા અને સ્વામી વિવેકાનંદને માનપત્ર મોકલવામાં સંપૂર્ણ સંમતિ આપી હતી. આ સઘળા વક્તાઓનાં ભાષણો અહીંઆં આપવાં અશક્ય છે. ટુંકામાં એટલું જ કહેવું બસ થશે કે સ્વામીજીની ફત્તેહથી કલકત્તાના હિંદુઓનાં હૃદય ઉછળી રહ્યાં હતાં અને ટાઉન હોલમાં મળેલી સભામાં અપૂર્વ આનંદ અને ઉલ્લાસ સર્વની નજરે જોવામાં આવતો હતો. મદ્રાસ અને બેંગલોરમાં પણ તેવીજ સભાઓ થઈ હતી અને હિંદુસ્તાનના એક ખુણાથી બીજા ખુણા સુધી વિવેકાનંદનું નામ ગાજી રહ્યું હતું. મદ્રાસમાં રાજા સર રામસ્વામી મુડેલીયર અને દિવાન બહાદુર સુબ્રહ્મણ્ય આયર સી. આ. ઈ. જેવા સુપ્રતિષ્ઠિત ગૃહસ્થોએ સભામાં ભાગ લીધો હતો. કુંભાકોનમ અને એવાં બીજાં નગરોમાં પણ સભાઓ ભરવામાં આવી હતી અને સ્વામીજીને માનપત્રો મોકલવામાં આવ્યાં હતાં. ખેત્રીના રાજાએ પણ માનપત્ર મોકલ્યું હતું. તે નૃપવર રાજા અજીતસીંહ બહાદુર જેની નસમાં ખરું ક્ષત્રિય લોહી વહી રહ્યું હતું, તેમણે હિંદુ ધર્મનો પ્રચાર કરાવવામાં કોઈ પણ જાતની પાછી પાની કરી નથી. સ્વામીજીને તે સદાએ સહાય કર્યાજ કરતા હતા. વળી હિંદના એક સાચા ક્ષત્રિય પુત્ર, પ્રાચીન ઋષિઓના પૂજક, યશસ્વી ક્ષત્રિયોના લાયક વંશજ રામનદના રાજા પવિત્ર ભાસ્કર સેતુપતિ પણ સ્વામીજીના શિષ્ય બની રહી તેમને સહાય કરી રહ્યા હતા.

સ્વામીજીએ અમેરિકામાં સ્ત્રી વર્ગ આગળ પણ અનેક ભાષણો આપ્યાં હતાં. એમાંનું એક ભાષણ “હિંદમાં માતૃત્વ”થી અમેરિકન સ્ત્રીઓનાં મન ઉપર એટલી તો પ્રૌઢ અસર થઈ હતી કે તેમણે એક પત્ર સ્વામીજીની માતુશ્રી ઉપર મોકલ્યો હતો અને તેની સાથે મેરીના ખોળામાં બેઠેલા જિસસ ક્રાઈસ્ટનું એક ચિત્ર પણ મોકલ્યું હતું. પત્ર નીચે પ્રમાણે હતો.

“સ્વામી વિવેકાનંદનાં માતુશ્રી”

“વ્હાલાં બાઈસાહેબ, આ નાતાલના દિવસોમાં અહીઆં અમે મેરીના પુત્ર જિસસ ક્રાઈસ્ટની પવિત્ર યાદગીરી ઉજવી રહેલાં છીએ. તે સમયે અમને એક વાત યાદ આવે છે કે તમારો યશસ્વી પુત્ર અમારી વચમાં જે મહદ્ કાર્ય કરી રહેલો છે તેને માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ. તેમણે અમારી આગળ એક ભાષણ આપ્યું હતું અને અમને હિંદુ માતાઓના આદર્શો સમજાવ્યા હતા. ઘણીજ ઉદારતાપૂર્વક તેઓ અહીંઆં પુરૂષો, સ્ત્રીઓ અને બાળકોની સેવા કરી રહેલા છે અને તેને માટે તે તમનેજ કારણભૂત ગણે છે. જેણે તેમનો બોધ સાંભળેલો છે તે તેમની માતા પ્રત્યે પૂજ્યભાવ દર્શાવવામાં પોતાની જાતને ધન્ય અને આશિર્વાદયુક્ત થયેલી ગણે છે. તમારા યશસ્વી પુત્રની મારફત તમે જે કાર્ય કરી રહેલાં છો, તેને માટે અમારી અંતઃકરણપૂર્વક તમને મુબારકબાદી છે. સમસ્ત જગત્‌ પાછું ભ્રાતૃભાવ અને એકતા તરફ વળવા લાગ્યું છે, એ વાતની આ મુબારકબાદી એક નજીવી નિશાની છે”

અમેરિકામાં વેદાન્તનો બોધ કરતે કરતે પણ સ્વામીજી ભારતવર્ષને ભૂલી ગયા નહોતા. ભારતવર્ષની દીનદુઃખી અવસ્થા તેમના મનમાં એક શુળની માફક સાલ્યા કરતી હતી.

હિંદુસ્તાનમાંના પોતાના અનેક શિષ્યોને પણ સ્વામીજી વિસરી ગયા નહોતા. તેમને તે વારંવાર પત્રો લખી અનેક પ્રકારનો બોધ, ઉત્સાહ, દિલાસો વગેરે આપતા અને તેમને આગળ વધવાને ઉશ્કેરતા પાશ્ચાત્ય જીવનની અભિલાષાઓ, અમેરિકાનો અથાગ ઉદ્યોગ અને પ્રવૃત્તિ, વ્યવસ્થિતપણે કાર્ય કરવાની શક્તિ, એકત્ર થઇને વેપાર કરવાની યુક્તિ વગેરેથી તેમને વાકેફ કરતા અને હિંદમાં વ્યવસ્થિતપણું, એકત્ર વિચાર, સંયુક્ત ઉદ્યોગ અને પ્રભુ ઉપર વિશ્વાસ હોવાની તેમજ સ્ત્રી કેળવણીની અત્યંત આવશ્યકતા જણાવતા. તેઓ લખતા કે; “તમે તમારી સ્ત્રીઓની સ્થિતિ સુધારી શકશો ? તે સુધારશો ત્યારેજ જગતમાં તમારું કલ્યાણ થશે, નહિ તો તમે જેવા પછાત છો તેવાને તેવાજ રહેશો.” સ્વામીજી હમેશાં આ બાબતને વધારે લક્ષ્યમાં રાખવાનું કહેતા કે “ધાર્મિકતામાં અમેરિકનો આપણા કરતાં ઘણાજ ઉતરતા છે, પણ તેમની વ્યવહારિકતા આપણા કરતાં ઘણીજ ચ્હડીઆતી છે. આપણે તેમને આપણા ધર્મનો બોધ આપવાનો છે અને તેમની વ્યવહારિકતામાં જે શ્રેષ્ઠ હોય તે આપણે ગ્રહણ કરવાનું છે.”

પૂર્વ અને પશ્ચિમનાં સભ્યતાના નિયમો જુદા હોવાથી સ્વામીજી તે નિયમોને જાણવા તેમજ અનુસરવાને બનતી કાળજી રાખતા; પરંતુ અમેરિકામાં ઘણાં સ્ત્રી પુરૂષો સ્વામીજીના સ્વભાવ અને ચારિત્ર્યને ઓળખી ગયાં હતાં અને વારંવાર તેઓ ધ્યાનગ્રસ્ત બની રહે છે એમ તે જાણતાં હતાં, તેથી સમાજનો કોઈ પણ નિયમ તેમને માટે બાધકર્તા ગણાતો નહિ. સ્વામીજીને અમેરિકાની સુશિક્ષિત સમાજોમાં પણ એક સાધુને છાજે તેવું સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપવામાં આવતું હતું.

આ વખતે અમેરિકામાં વિવેકાનંદને હારવર્ડ યુનિવર્સીટિ તરફથી આમંત્રણ આવ્યું હતું. ત્યાં સ્વામીજીએ વેદાન્ત ઉપર ભાષણ આપ્યું. એ ભાષણમાં તેમણે હિંદુ તત્ત્વજ્ઞાનનો સઘળો ઇતિહાસ કહી સંભળાવ્યો, કેટલે દરજ્જે વેદોને પ્રમાણભુત ગણવામાં આવે છે તે સમજાવ્યું, અને વેદાન્તની ત્રણ શાખાઓ – અદ્વૈત, વિશિષ્ઠાદ્વૈત તથા દ્વૈતની પરસ્પર તુલના કરી બતાવી. તેમણે સમજાવ્યું કે દ્વૈતવાદીઓ જીવથી ભિન્ન રહેલા ઇશ્વરને માને છે; વિશિષ્ઠાદ્વૈતવાદીઓ ઈશ્વર અને પ્રકૃતિને ભિન્ન ગણે છે, પણ પ્રકૃતિ ઇશ્વરનું શરીરજ છે એમ ગણે છે; અને અદ્વૈતવાદીઓ ઈશ્વરને જગતના ઉપાદાન અને નિમિત્ત કારણ તરીકે ઓળખે છે. અદ્વૈતવાદ પ્રમાણે ઈશ્વર અને જગત ભિન્ન નથી. ઇશ્વર જાતેજ જગત રૂપે ભાસે છે, પણ વાસ્તવિક રીતે જોતાં તે ઈશ્વરજ છે અને પ્રતીત થતું જગત્‌ વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતું નથી; ભેદ માત્ર નામ અને રૂપમાં રહેલો છે. અખિલ વિશ્વમાં એકજ આત્મા વ્યાપી રહેલો છે; કારણ કે આત્મા પારમાર્થિક વસ્તુ છે. જે પરમાર્થિક હોય તેજ અનંત હોય અને જગતમાં બે અનંત વસ્તુઓ સાથે સાથે હોઈ શકે નહિ. વેદાન્તની ત્રણે શાખાઓના પરસ્પર સંબંધ અને ભેદ સારી રીતે દર્શાવ્યા પછી તેમની મહત્તા અને સત્યતા સ્વામીજીએ ન્યાય અને યુક્તિથી સાબીત કરી બતાવી. આ ભાષણની અસર એટલી બધી થઈ રહી કે હારવર્ડ યુનિવર્સીટિના સઘળા પ્રોફેસરોએ એકઠા મળીને વિવેકાનંદને પૌર્વાત્ય તત્વજ્ઞાનના પ્રોફેસર થવાની અરજ કરી. પણ પોતે સંન્યાસી હોવાથી સ્વામીજીએ ના પાડી. તેમણે કહ્યું કે સંન્યાસી પોતાના જ્ઞાનને દ્રવ્ય કે કીર્તિને માટે વેચતો નથી. હારવર્ડ યુનિવર્સીટિના રેવરંડ સી. સી. એવેરેટ ડી. ડી. એલ. એલ. ડી. એ તે ભાષણ ઉપર મોટી પ્રસ્તાવના લખી તેની છેવટમાં જણાવ્યું છે કે :—

આ લઘુ પુસ્તક મેં જોયું છે. તેમના કાર્ય તરફ તેમના સ્વદેશી ભાઇઓએ સંતોષ બતાવ્યો છે. પશ્ચિમમાં હિંદુ વિચારનો પ્રચાર તેમણે કરેલો છે તેને માટે તેમણે અનુમોદન આપેલું છે. હિંદવાસીઓએ દર્શાવેલો સંતોષ યથાર્થ છે. તેઓમાંના કેટલાક ધારે છે તેમ અમે અમારો ધર્મ છોડીને હિંદુ ધર્મને માનવા લાગ્યા છીએ એમ નથી, પણ એટલું તો નક્કી છે કે વિવેકાનંદ અને તેમના કાર્ય તરફ અમને ઘણી પ્રીતિ ઉત્પન્ન થઈ રહેલી છે.

‘હિંદુ વિચાર કરતાં વધારે આકર્ષક જ્ઞાનની કોઈ પણ શાખા ભાગ્યેજ હશે. વેદાન્ત જેવા ઘણા લોકોને અસંભવિત લાગતા જ્ઞાનને એક ઘણી વિશાળ બુધ્ધિવાળા મનુષ્યને અત્યંત શ્રધ્ધાથી અને પોતાના જીવંત દૃષ્ટાંતથી પ્રતિપાદન કરતા જોઈને ઘણી ખુશી ઉપજે છે. વળી ખાત્રી થાય છે કે વેદાન્તવાદને માત્ર એક કલ્પના તરીકેજ અવલોકવાનો નથી. હેગલ કહે છે કે સ્પાઇનોઝાના સિધ્ધાંતો સઘળા તત્ત્વજ્ઞાનનું આદિ છે, પણ આપણે હવે ઘણો ભાર દઈને કહી શકીશું કે વેદાન્તવાદજ સર્વ જ્ઞાનનું મૂળ છે.’

આપણે પાશ્ચાત્યો ઐહિક વસ્તુઓને ભજનારા છીએ; પણ એક પારમાર્થિક વસ્તુમાં સઘળી ઐહિક વસ્તુઓ રહેલી છે, અને તે પરમાર્થિક વસ્તુનું ભાન જ્યાં સુધી આપણને થાય નહિ ત્યાંસુધી અને ઐહિક વસ્તુઓનું યથાર્થ જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ નહિ. एकमेवाद्वितियम् – એ મહાસત્યને આપણે પૂર્વ પાસેથી શિખવાનું છે. અને વિવેકાનંદે બહુજ અસરકારક રીતે તે સત્ય આપણને શિખવેલું છે; તેને માટે તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.”

  1. આ સંસ્થા તરફથી પણ હવે જેમ બને તેમ જલદીથી “રાજયોગ”નું ભાષાંતર પ્રસિદ્ધ થનાર છે.