સ્વામી વિવેકાનંદ/ઈંગ્લાંડની મુલાકાત

← અમેરિકામાં ઉપદેશક તરીકે સ્વામી વિવેકાનંદ
ઈંગ્લાંડની મુલાકાત
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
અમેરિકામાં પુનરાગમન →


પ્રકરણ ૩૬ મું – ઈંગ્લાંડની મુલાકાત.

સ્વામીજી લંડનમાં આવ્યા તેની અગાઉથી જ તેમની કીર્તિ ત્યાં પહોંચી ગઈ હતી. લંડન આવ્યા પછી પ્રથમ તો ખાનગી રીતે તેઓ પોતાના વિચાર દર્શાવવા લાગ્યા. તેમને માલમ પડ્યું કે અમેરિકનો જેવા ઝટ લઈને સમજે તેવા અંગ્રેજો નથી. પણ સ્વામીજીએ ધીરજ અને ખંતથી પોતાનો રસ્તો કરવા માંડ્યો અંગ્રેજો જોડે તે ભળવા લાગ્યા અને તેમના પ્રજાકીય જીવનની કુંચી શેમાં રહેલી છે તે શોધવા લાગ્યા. તેમને માલમ પડ્યું કે અંગ્રેજો સૌ ધારે છે તેટલા ખરાબ નથી. ઇંગ્લંડના પોતાના અનુભવને સ્વામીજીએ એક ભાષણમાં નીચે પ્રમાણે કહી બતાવ્યો હતોઃ-

અમેરિકાના કાર્ય કરતાં મારા ઈંગ્લંડના કાર્યથી મને વધારે સંતોષ થયો છે. અંગ્રેજો બહાદુર, હિંમતવાન અને સ્થિર મનના છે. અન્ય પ્રજાઓ કરતાં તેમની બુદ્ધિ જરાક જાડી હશે પણ તેમના મગજમાં એક વાર તમે એક વિચાર કરીને તેને મજબુત રીતે ઠસાવો અને પછી જુઓ તો સદાએ તે ત્યાંને ત્યાંજ રહેશે અને તે કદીએ બહાર નિકળી જશે નહિ. અંગ્રેજોની વ્યવહાર કુશળતા અને ઉદ્યોગો જીવન વડે કરીને તે વિચાર વૃદ્ધિને પામશે, ફાલશે અને ફળશે. બીજી કોઈ પ્રજામાં એવું જોવામાં આવશે નહિ. એવી અત્યંત વ્યવહારકુશળતા, પ્રજાજીવનનું એવું સત્ત્વ તમે બીજે કોઈ પણ સ્થળે જોશો નહિ. અંગ્રેજોના જીવનમાં કલ્પના ઘણીજ થોડી જોવામાં આવે છે અને ઉદ્યોગ ઘણો જોવામાં આવે છે. તેમના હૃદયને તો સમજી જ કોણ શકે કે તેમાં લાગણી કેટલી અને કલ્પના કેટલી રહેલી છે ! તેઓ બળવાન અને વ્યવહાર કુશળ પ્રજા છે, પોતાની લાગણીઓને ગુપ્ત રાખી તેને બહાર દેખાવા દેવી નહિ એમ તેમનું શિક્ષણ તેમને શિખવી રહેલું છે. બાળપણથી જ તેમને એ વાત શિખવવામાં આવે છે. તમે કોઈપણ અંગ્રેજને પોતાની લાગણીઓ પ્રદર્શિત કરતા જોશો નહિ, એટલું જ નહિ પણ કોઈ અંગ્રેજ સ્ત્રીને પણ તેમ કરતી જોશો નહિ. મેં અંગ્રેજ સ્ત્રીઓને કામ કરવા જતાં જોએલી છે, કોઈ બહાદુરમાં બહાદુર બંગાળી પણ ન કરી શકે તેવાં કામો તેમણે કરેલાં છે, આટલી બધી વીરતા તેમનામાં હોવા છતાં પણ અંગ્રેજોના હૃદયમાં જે ઉંડી લાગણીઓએ વાસ કરેલો હોય તેનો સ્પર્શ કેવી રીતે કરવો એ તમારે જાણવું જોઈએ. તમે જો ઇંગ્લાંડમાં હો અને તમારે કોઈ અંગ્રેજ જોડે જે સંબંધ હોય તો તેની સાથે ભળી જાવ, તેનું હૃદય ખુલ્લું કરો, અને સદાને માટે તે તમારો મિત્ર, રે, તમારો નોકર બની રહેશે !”

લંડનમાં શરૂઆતમાં સ્વામીજીને કેટલીક મુશ્કેલીઓ નડી, પણ તેમની હિંમત, મોહક ચારિત્ર્ય, અકલુષિત પવિત્રતા અને જીવનના મહાન પ્રશ્નોનું નિરાકરણ કરવાની અસાધારણ શક્તિને લીધે તે સર્વત્ર પ્રિય થઈ રહ્યા.

લંડનમાં ગયા પછી ઘણા મિત્રો અને સ્નેહીઓ તેમની પાસે આવવા લાગ્યા. મી. સ્ટર્ડી અને મિસ હેનરીએટા મુલર તેમાં મુખ્ય હતાં. તેમના મિત્રને ત્યાં સ્વામીજી રહેતા હતા. ત્યાં તે ખાનગી રીતે વેદાન્તનો બોધ કરવા લાગ્યા. તેમનું નામ સર્વત્ર પ્રસરવા લાગ્યું, ઘણા સદ્‌ગૃહસ્થો તેમની મુલાકાતે આવવા લાગ્યા, ઘણા લોકો તેમને પોતાને ઘેર બોલાવવા લાગ્યા અને ત્રણ અઠવાડીયામાં તો સ્વામીજીને ઘણું કામ કરવાનું આવી પડ્યું. વેદાન્તની સર્વ સંગ્રાહ્યતા અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિના ચાર માર્ગો વિષે તેમણે બોધ આપવા માંડ્યો. કેટલાંક માસિકોના અધિપતિઓ તેમની મુલાકાતે આવવા લાગ્યા.

સ્વામીજી ખાનગી રીતે પોતાનું કામ કરી રહ્યા હતા, છતાં અનેક માસિકો તેમના કાર્યની નોંધ લેતાં હતાં તેથી કરીને તેમને હવે જાહેરમાં આવીને પોતાનું કાર્ય કરવાની ફરજ પડી. લંડનમાં સઘળા લોકો તેમને “હિંદુ યોગી” કહેતા હતા, એ હિંદુ યોગીને મળવાને હવે હજારો મનુષ્યો આવવા લાગ્યાં. મી. સ્ટર્ડી બધાનું ઓળખાણ કરાવતા હતા. મી. સ્ટર્ડી હિદું તત્ત્વજ્ઞાનમાં ઘણો રસ લેતા હતા. તે હિંદમાં આવીને એક સાધુ તરીકે હિમાલયના પ્રદેશમાં રહેલા હતા, તેથી કરીને વેદાન્તનો પ્રચાર કરવા સ્વામીજીને ઘણી સહાય કરી રહ્યા હતા. તે સુશિક્ષિત અને ધનવાન હતા. સમાજમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી. એમના નામથી પણ ઘણા લોકો સ્વામીજીની પાસે શિખવાને આવવા લાગ્યા. સ્વામીજી હવે વર્ગો ભરવા લાગ્યા હતા, તેમના વર્ગમાં લેડી આઇસાબેલ માર્ગેસન જેવી સુપ્રસિદ્ધ સ્ત્રીઓ અને ઉમરાવ પણ આવતા હતા. સ્વામીજી જરાક પણ આરામ લીધા વગર જે આવે તેને વેદાન્તના સિદ્ધાંતો શિખવતા હતા.

લંડનની સઘળી પ્રજા સ્વામીજીનાં ભાષણાનો લાભ લે એમ ધારીને તેમના મિત્રોએ જાહેર ભાષણાની ગોઠવણ કરવા માંડી. પીકેડીલી નામનો સભ્ય ગૃહસ્થોથી વસેલો લંડનના એક ભાગ છે. ત્યાં પ્રિન્સેસ હૉલ નામનો એક ભવ્ય હોલ છે. તેમાં સ્વામીજીનું પહેલું વ્યાખ્યાન થયું. ભાષણનો વિષય “આત્મજ્ઞાન” હતો. સ્વામીજી ભાષણ આપવાને ઉભા થયા તે વખતે આખો હોલ મનુષ્યોથી ભરાઈ ગયેલો તેમની નજરે પડ્યો. જુદા જુદા દરજ્જાવાળા અને ધંધાવાળા મનુષ્યો તેમાં બેઠેલા હતા. ઈંગ્લાંડના કેટલાક શ્રેષ્ઠ વિચારકો પણ આવેલા હતા. ભાષણમાં સ્વામીજીએ સંપૂર્ણ ફતેહ મેળવી. બીજે દિવસે સઘળાં વર્તમાનપત્રો તેમને ધન્યવાદ આપવા લાગ્યાં. ધી સ્ટેન્ડર્ડ પત્રે તેમના વિષે લખ્યું કે;

“રાજા રામમોહનરાય ઈંગ્લાંડમાં આવી ગયા પછી કેશવચંદ્ર સેન શિવાય, બીજો કોઈપણ વિવેકાનંદ જેવા રસીક વ્યક્તિત્વવાળો હિંદુ પ્રીન્સેસ હૉલમાં ભાષણ આપવાને આવ્યો નથી......સ્વામીજીએ બુદ્ધ અને જિસસનાં કેટલાંક બોધવચનો ઉચ્ચારીને, અંગ્રેજોનાં કારખાનાં, યંત્રો અને બીજી શોધખોળોથી માનવજીવન ઉપર કેવી અસર થઈ રહેલી છે તે વિષે ભારે ટીકા કરી હતી. ભાષણ તદ્દન મોઢેથીજ આપવામાં આવ્યું હતું. તેમનો અવાજ મધુર હતો અને કોઈ પણ જાતનો સંકોચ પામ્યા વગર તે સ્વતંત્રપણે પોતાનું ભાષણ કરી રહ્યા હતા.

ધી લંડન ડેલી ક્રોનીકલે લખ્યું કેઃ– “હિંદુ સાધુ વિવેકાનંદ જેનું મુખ બુદ્ધને ઘણુંજ મળતું આવે છે તે આપણી વ્યાપારૂ વૃદ્ધિ, વિઘાતક લડાઈઓ અને ધાર્મિક અસહિષ્ણુતાને ધિક્કારી કહાડે છે અને જણાવે છે કે અનેકના ભોગવડે પ્રાપ્ત કરેલો આપણો સુધારો હિંદુઓને જોઇતો નથી.”

વેસ્ટમિનસ્ટર ગેઝેટનો ખબરપત્રી સ્વામીજીની પાસે આવ્યો અને તેણે તેમની મુલાકાત લીધી. તે ગેઝેટમાં તેના અધિપતિએ “લંડનમાં એક હિંદુ યોગી” એવા મથાળાથી એક લેખ આપ્યો હતો. તેમાં લખ્યું હતું કે,

“સ્વામી વિવેકાનંદ એક અતિ આકર્ષક વ્યક્તિ છે. તેમનો ચહેરો શાંત છે, અને તેના ઉપર માયાળુતા જણાઈ આવે છે. તેમનું મુખાર્વિંદ એક બાળકની માફક ઝળકી રહે છે. તેના ઉપર ઘણી સાદાઇ, પ્રમાણિકતા અને સરળતા નજરે આવે છે.”

વેસ્ટમીનસ્ટર ગેઝેટના ખબરપત્રીએ સ્વામીજીની જોડે ઘણા લાંબા વખત સુધી વાદવિવાદ કર્યો હતો. તે ખબરપત્રીએ સ્વામીજીના સઘળા વિચારો ગેઝેટમાં પ્રદર્શિત કર્યા અને અમેરિકામાં તેમણે મેળવેલી ફતેહનાં ભારે વખાણ કર્યા. સ્વામીજી વિષે લખતાં તેણે અંતમાં લખ્યું હતું કે, “શ્રેષ્ટ નૈસર્ગિક શક્તિવાળા તે મહા પુરૂષની પછી મેં રજા લીધી. તેમના જેવો પુરૂષ મેં ભાગ્યેજ જોયો હશે. તેમની મુલાકાતથી હું મારી જાતને ધન્ય ગણું છું.” ઉપરના લખાણથી એક સાધુ અને ઉપદેશક તરીકે વિવેકાનંદનું નામ આખા લંડનમાં પ્રસરી રહ્યું, અને હજારો મનુષ્યો તેમને જોવાને અને બોધ ગ્રહણ કરવાને તેમની પાસે આવવા લાગ્યાં.

સ્વામીજીના ચારિત્ર્યની અંગ્રેજ લોકો આટલી બધી પ્રશંસા કરે, અને તેમના વિચારો સમજવાને આટલો બધો ઉત્સાહ દર્શાવે એ કંઇ જેવી તેવી વાત નહોતી. લંડનમાં આવ્યાને તેમને ભાગ્યેજ એક મહિનો થયો હશે, પણ એટલામાં તો જે સ્ત્રી પુરૂષો તેમના સમાગમમાં આવ્યાં તેમનાં મન ઉપર ભારે અસર થઇ રહી. તે સ્ત્રી પુરૂષોમાં મિસ મારગરેટ નોબલ પણ હતાં. જેમણે આગળ ઉપર “સીસ્ટર નિવેદિતા” નામ ધારણ કર્યું હતું. સ્વામીજીના વિશાળ અને નવીન ધાર્મિક વિચારો; તત્વજ્ઞાનમાં તેમને ઉંડો, તાજો, બુદ્ધિવંત પ્રવેશ; સુંદરમાં સુંદર અને બળપોષક સિદ્ધાંતો, અને જગતની તુચ્છ વાસનાઓનો ત્યાગ, એ સર્વથી મિસ મારગરેટ નોબલનું હૃદય સ્વામીજી તરફ અત્યંત આકર્ષાયું. તે એક શાળાનાં પ્રીન્સીપાલ હતાં અને કેળવણીના કાર્યમાં ઘણો રસ લેતાં હતાં. કેળવણી વધારવાને સ્થાપેલી સીસેમ ક્લબનાં તે સભાસદ હતાં, બુદ્ધિવંત અને પ્રતિષ્ઠિત સ્ત્રી પુરૂષોના બહોળા સમાગમમાં તે રહેતાં હતાં. વિવેકાનંદના સમાગમમાં આવ્યા પછી તેમના શબ્દે શબ્દ ઉપર તે વિચાર કરવા લાગ્યાં. પ્રથમ તો તેમના વિચારો તેમને અગ્રાહ્ય લાગ્યા; પરંતુ તેમના અનેક તર્કોને સ્વામીજી તેમના ભાવીના શુભ ચિન્હ તરીકે ગણવી લાગ્યા. સ્વામીજી પોતાના મનમાં સમજી ગયા કે એકવાર તેમના મનની સઘળી શંકાઓનું સમાધાન થઈ જશે એટલે મિસ મારગરેટ નોબલ વેદાન્ત વિચારનાં એક ચુસ્ત હિમાચતી બની રહેશે. સ્વામીજી સાથે વાદવિવાદમાં ઘણા મહિના વહી ગયાં. વેદાન્તના અનેક વિચારો અને સિદ્ધાંત સ્વામીજી તેમને સમજાવતા ચાલ્યા. બાઈ બુદ્ધિશાળી હતાં. ધાર્મિક વિષયને તેમણે ખેડેલો હતો. માનસ શાસ્ત્રનો અભ્યાસ પણ તેમણે સારી કરેલો હતો. આથી કરીને એમજ બન્યું કે સ્વામીજી ઈંગ્લાંડ છોડી ગયા તે પહેલાં મિસ નોબલ તેમનાં શિષ્યા બની રહ્યાં અને તેમને “ગુરૂ” કહીને બોલાવવા લાગ્યાં. સ્વામીજી તરફ તેમનો પૂજ્યભાવ એટલો બધો વધી ગયો કે આખરે તે પોતાના દેશનો ત્યાગ કરીને હિંદુસ્તાનમાં આવ્યાં, અને વેદાન્તના સિદ્ધાંતોને કૃતિમાં મૂકવા લાગ્યાં. સ્વામીજીના જીવન અને બોધને અનુસરીને તેઓ પણ ભારતવર્ષમાં અનેક પ્રકારે સમાજની સેવા કરી રહ્યાં. કેળવણી તેમનો વિષય હતો. કલકત્તાની પડદાનશીન સ્ત્રીઓને કેળવવાને તેમણે અનેક પ્રયાસો કરેલા છે અને એક શાળા સ્થાપીને સ્ત્રી કેળવણી વધારવાને તેમણે ઉત્તમ પગલું ભરેલું છે. તે શાળા અત્યારે આબાદીમાં આવેલી છે. પોતાના ગુરૂને પગલે ચાલીને ભારતવર્ષના અનેક પ્રશ્નોનું નિરાકરણ તેમણે કરેલું છે. હિંદમાં તે શ્રેષ્ઠ લેખક તરીકે પ્રસિદ્ધ થયાં હતાં અને પોતાના વિચારોની પ્રસાદી અનેક લેખો અને પુસ્તકો દ્વારા ભારતવાસીઓને તેમણે આપેલી છે. પોતાની કાયા ભારતવર્ષને જ તેમણે અર્પણ કરી દીધી હતી. તેમના ગુરૂની માફક તેમનું બોલવું, ચાલવું, હરવું, ફરવું, લખવું, વિચારવું એ સર્વ હિંદનેજ માટે થતું હતું. હિંદુ ધર્મ પ્રત્યેનો તેમનો સદ્ભાવ, હિંદુ સમાજ પ્રત્યેની તેમની લાગણી, પ્રાચીન ઋષિઓ પ્રત્યેનું તેમનું માન અપૂર્વ હતું. હિંદુત્વ એટલે સઘળી શક્તિ, સદ્‌ગુણ, ઉચ્ચ વિચાર અને પારમાર્થિક જીવનનો સમુદાય, એમજ તે માનતાં હતાં. ખરેખરાં ચુસ્ત હિંદુ તરીકેજ તે પોતાનું આચરણ કરી રહ્યાં હતાં. “હિંદુ” શબ્દની તેમના મનપર જાદુ જેવી અસર થઈ રહેતી. તે કપાળે કોઈવારે ચાંલ્લો કરતાં અને ઘણું ખરું ભસ્મ ધારણ કરતાં, ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરતાં. સંન્યાસીની જેમજ તેમનો પોશાક હતો. પ્લેગમાં અને દુષ્કાળમાં તે અનેક ગરિબોને સહાય કરતાં. તેમનું સાદું અને સેવામય જીવન અમારા અનેક સ્વાર્થી અને વાંદરીયા નકલ કરી જેંટલમેન બની જનારા બડેખાંઓને લજ્જા પમાડે એવું હતું. હિંદુપણા પ્રત્યે તેમનો પક્ષપાત આધુનિક હિંદુઓને શરમાવે તેવો અને હિંદુધર્મ પ્રત્યેની તેમના આસ્થા આધુનિક હિંદુઓની અનાસ્થાને શરમાવે તેવી શ્રેષ્ઠ હતી. તેમનું સમસ્ત જીવન વેદાન્તની મહત્તાનો અને સ્વામીજીની પ્રબળ અસરનો પુરાવો આપી રહ્યું હતું. મિસ નોબલને વિવેકાનંદ સાથે પ્રથમ મુલાકાત થઈ તેનું વર્ણન આપતાં તે લખે છે કે :―

“નવેમ્બર માસના એક રવિવારે ત્રીજા પહોરે અમારું મળવું થયું હતું. અર્ધ વર્તુળ બેઠેલા શ્રેતાઓની સામે સ્વામીજી બેઠા હતા. તેમની પાછળ ગરમી માટે દેવતાની સગડી હતી. એક પછી એક પ્રશ્નનો ઉત્તર તે આપી રહ્યા હતા. પોતાના જવાબનું સમર્થન કરવાને તે વારંવાર શ્લોક બોલતા. સંધ્યાકાળનો સમય વીતીને અંધકાર સર્વત્ર પ્રસરી રહ્યો હતો. જાણે કે હિંદુસ્તાનની કોઈ વાડીમાં સંધ્યા સમયે બેઠા હોય અથવા કોઈ ગામના કુવા પાસે કે ભાગોળે એક વૃક્ષ નીચે એક હિંદુ સાધુ બેઠો હોય અને તેની આસપાસ શ્રોતૃવર્ગ વીંટાઈ વળ્યો હોય એવું તેમને તે સમયે ભાસ્યું હશે. ઈંગ્લાંડમાં આવી સાદી રીતે બેઠેલા સ્વામીજીને મેં ફરીથી કદી જોયા નથી. તે વારંવાર ભાષણ આપતા, તેમજ મોટો વર્ગ સભ્યતાથી તેમને સવાલ પૂછતો તેના ઉત્તર આપતા. આ પહેલી મુલાકાત વખતે અમે પંદર કે સોળ જણ હતાં. અમે એક બીજાની સાથે ગાઢ મિત્રાચારી બાંધી રહેલાં હતાં. અમારી વચમાં સ્વામીજી બેઠા હતા. તેમણે ભગવો ઝબ્બો પહેર્યા હતા અને કમ્મરે પટો બાંધ્યો હતો અને જાણે કે પૂર્વના ઘણા દુર પ્રદેશમાંથી અમારે માટે કંઈ ખબર લાવ્યા હોય તેવા તે દેખાતા હતા. વારંવાર તેમના મુખમાંથી “શિવ ! શિવ !” એ શબ્દો નીકળ્યા કરતા હતા. તેમના ચહેરા ઉપર નમ્રતા અને ભવ્યતા દેખાઈ આવતાં હતાં. ધ્યાનાવસ્થાને ભોગવેલા મનુષ્યોના મુખ ઉપરજ એવી નમ્રતા અને ભવ્યતા ઘણુંખરું જોવામાં આવે છે, ચિત્રકાર રફેલે જિસસ ક્રાઈસ્ટનો ચહેરો એવી રીતેજ ચીતરેલો છે. ”

“તે સમીસાંજના વખતને આજે દસ વર્ષ થઈ ગયેલાં છે, તે વખતે થએલી વાતચીતના ભાગ્યાતૂટ્યા શબ્દોજ મને અત્યારે યાદ આવે છે, પણ સ્વામીજી જે શ્લોકો બોલ્યા હતા તેમને તો હું કદીએ વિસરનાર નથી. તે પૂર્વના સ્વર પ્રમાણે પણ ઘણી અદ્ભુત રીતે બોલ્યા હતા. તે સાંભળીને એકદમ મને અમારાં દેવસ્થાનોનું ગ્રેગોરીઅન સંગીત યાદ આવ્યું હતું.”

લંડનના કેટલાક ઉમરાવના મહેલોમાં પણ ભાષણ આપવાનો કે ખાનગી રીતે વાતચીત કરવાનો પ્રસંગ સ્વામીજીને આવ્યો હતો. કેટલીક ક્લબોથી પણ તેમને આમંત્રણ આવતાં હતાં. સર્વત્ર સ્વામીજી વેદાન્તના વિશાળ વિચારોનેજ પ્રતિપાદન કરતા હતા. બ્રહ્મજ્ઞાનપ્રાપ્તિનાં સાધનો તે દર્શાવતા. યોગ, કર્મ, પુનર્જન્મ વગેરે વિષયો ઉપર બોલતા અને આત્માની એકતાનું ભાન તે સર્વને કરાવતા હતા. અમેરિકાની માફક ઈંગ્લાંડમાં પણ લોકો તેમને અનેક વિચિત્ર સવાલો પૂછતા અને સ્વામીજી બહુજ ખુશમિજાજથી તેનો ઉત્તર આપતા. પાશ્ચાત્યોની ધાર્મિકતા તરફ તે અવિશ્વાસ દર્શાવતા. ત્યાં ધર્મનો આધાર પણ દ્રવ્ય ઉપર રહેલો છે એમ જણાવતા અને હિંદુઓના ધાર્મિક વિચારોમાં રહેલાં સ્વાતંત્ર્ય અને નિસ્પૃહાની તે ભારે પ્રશંસા કરતા. વૈરાગ્યને તે ઘણું મહત્વ આપતા અને કહેતા કે સ્વાર્થ ત્યાગ વગર વિશુદ્ધ નીતિ પળાઇ શકે જ નહિ.

હિંદના પ્રાચીન શિક્ષણમાં ચારિત્ર્યને સૈાથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવેલું છે. બોધ કરનાર ગુરૂ પોતાના બુદ્ધિબળવડે શિષ્યોની બુદ્ધિ ખીલવે છે, પરંતુ શિષ્યના ચારિત્રનું બંધારણ તો તે પોતાના ચારિત્રથીજ બાંધે છે. જેમાં ગુરૂના ચારિત્રની છાપ પડતી ન હોય તે બોધ હિંદમાં નકામો ગણાય છે. ચારિત્ર વગરનો ગુરૂ ગુરૂ તરીકે લેખાતો નથી. બોધ કે વિદ્યા કરતાં ચારિત્રને હિંદમાં વધારે માન આપવામાં આવે છે. ચારિત્રના પ્રભાવથી ગુરૂ શિષ્યના મન ઉપર ઘણી અસર ઉપજાવી શકે છે. પાશ્ચાત્ય પ્રદેશમાં વેદાન્તનો બોધ કરતાં સ્વામીજી પણ પોતાના ચારિત્રનેજ મોખરે રાખતા અને તેમના બોધ કરતાં તેમનાં ચારિત્રથીજ પાશ્ચાત્યો વધારે આશ્ચર્ય પામતા. તેમનાં નેત્રોમાં ઉંડા જ્ઞાનનો પ્રકાશ પ્રકાશી રહેતો. એકાદ ભવ્ય વિચાર તે દર્શાવતા અથવા કોઈ કાર્ય વિષે તે ટીકા કરતા તે સમયે તેમના મુખ ઉપર-રે, આખા શરીર ઉપર ઉચ્ચ વિચારોની સત્તા વ્યાપી રહેલી દૃશ્યમાન થતી. આત્મા અને પરમાત્માની વાતો સાંભળવા સમયે શ્રોતૃવર્ગ કોઈ જુદાજ પ્રદેશમાં વિચરી રહેલો પોતાને અનુભવતો અને વક્તા તથા શ્રોતૃવર્ગ પોતાના દેહનું ભાન પણ ભૂલી જતો.

એક વખત સ્વામીજી લંડનની ઘણીખરી સભ્ય અને સુશિક્ષિત સ્ત્રીઓ આગળ પ્રેમમાં કેટલો બધો સ્વાર્થત્યાગ સમાઈ રહેલો છે અને પ્રેમમય જીવનથી આત્માની શક્તિઓ કેટલી બધી ખીલી રહે છે તે વિષે વિવેચન કરી રહ્યા હતા. પોતાના સિદ્ધાંતો સમજાવતાં સ્વામીજી બોલ્યા કે “ધારો કે આ મહોલ્લામાં એકાએક એક વાઘ આવી પહોંચે તો તમે કેટલાં બધાં ભયભીત થઈ જાવ અને તમારી જીંદગીને માટે નાસી જવાને તમે કેવાં આતુર બની રહો ?” પણ અહીં ભાષણની મધ્યમાં સ્વામીજી એકદમ અટકી ગયા, તેમનો અવાજ બદલાઈ ગયો તેમના મુખ ઉપર આધ્યાત્મિક પ્રકાશ, બળ અને નિર્ભયતાના ચિન્હ વ્યાપી રહ્યાં અને તે બોલ્યા, પણ ધારો કે વાઘના રસ્તામાંજ તમારું છોકરું આવી ગએલું છે, તો તે વખતે તમે ક્યાં જશો? વાઘના મુખ તરફજ-તમારામાંનું કોઈ પણ એવે વખતે તેમ કર્યા વગર રહેશો નહિ.” આવાં અસરકારક વચનોથી સઘળો શ્રોતૃવર્ગ ચકિત થઈ ગયો. શ્રોતૃવર્ગની આધ્યાત્મિક વૃત્તિઓ જાગૃત થઈ રહી. આત્મિક શક્તિઓનું તેમને ભાન થવા લાગ્યું. કેટલે દરજ્જે આધ્યાત્મિક સ્વભાવને જાગૃત કરી શકાય તેનો ખ્યાલ તેમને આવવા લાગ્યો. વિચાર અને ચારિત્રનો તેમનો પ્રૌઢ પ્રભાવ, દૃષ્ટાંતનું સચોટપણું, વિચારોની સરળતા અને દીર્ઘદષ્ટિ એને લીધે તેમનાં કથનો જનસમૂહના મનમાં અત્યંત ઠસી જતાં. સભ્યમાં સભ્ય મનુષ્યો તેમના ચુસ્ત શિષ્ય બની જતા અને તેમને “ગુરૂ” તરીકે માનતા.

મદ્રાસના એક શિષ્યને પોતાના ઈંગ્લાંડના અનુભવ વિષે સ્વામીજીએ લખ્યું હતું કે, “ખરેખર, ઈગ્લાંડમાં મારું કાર્ય ઘણું જ સારૂં થઈ રહેલું છે. લોકોના ટોળે ટોળાં મારી પાસે આવે છે અને ખુરસીઓ વગેરેની સગવડને અભાવે જમીન ઉપર પલાંઠી વાળીને બેસે છે અને સ્ત્રીઓ પણ તેમજ કરે છે. બીજા અઠવાડીયામાં મારે નિકળવાનું હોવાથી તેઓ ઘણા દિલગીર છે. કેટલાક એમ ધારે છે કે જો હું જલદીથી જઈશ તો મારું કાર્ય બગડશે, પણ હું તેમ ધારતો નથી, હું માણસ કે વસ્તુઓ ઉપર આધાર રાખતો નથી. હું માત્ર પ્રભુ ઉપરજ આધાર રાખું છું. તેજ કાર્ય કરે છે અને હું તો નિમિત્ત માત્રજ છું. ઘણા સખત કામથી હવે હું થાકી ગયો છું. પુષ્કળ આરામ લેવાને હું હિંદુસ્તાનમાં આવવા ઇચ્છું છું.”

એક દૈનિક પત્રનો ખબરપત્રી સ્વામીજીનો બોધ સાંભળવાને તેમના વર્ગોમાં જતો હતો. તે વર્ગોનું વર્ણન આપતાં તેણે લખ્યું છે કે,

“વર્ગમાં ખુરશીઓની અછતને લીધે લંડનની કેટલીક સભ્ય સ્ત્રીઓ પણ જમીન ઉપર પલાંઠી વાળીને બેસતી અને હિંદુ ચેલાઓ જેમ અત્યંત ભક્તિભાવથી ગુરૂનો બોધ સાંભળે તેમ સ્વામીજીનો બોધ સાંભળતી. આ સુંદર દેખાવ ભાગ્યેજ જોવામાં આવ્યો હશે. સ્વામીજી અંગ્રેજોના હૃદયમાં ભારતવર્ષ પ્રત્યે પ્રેમ અને એવી સહાનુભુતિ ઉત્પન્ન કરી રહેલા છે કે જે ભારતવર્ષના હિતમાં ઘણાં જ સહાયભૂત થઈ રહેશે.”

ઈંગ્લાંડમાં સ્વામીજી આ પ્રમાણે પોતાનું કાર્ય કરી રહ્યા હતા અને હિંદુસ્થાન તરફ જવાના વિચાર કરી રહ્યા હતા, પરંતુ એટલામાં અમેરિકાથી અનેક કાગળો તેમના ઉપર આવવા લાગ્યા. અમેરિકામાં વેદાન્તના જિજ્ઞાસુઓની સંખ્યા વધતી જતી હતી અને તેથી કરીને તેમના મિત્ર અને સ્નેહીઓ તેમને ત્યાં પાછા લાવી રહ્યા હતા. એક તરફ અમેરિકન મિત્રો અમેરિકામાં આવવાની અરજ કરી રહ્યા હતા અને બીજી તરફ અંગ્રેજ મિત્રો લંડનમાં હમેશને માટે રહેવાની સ્વામીજીને પ્રાર્થના કરી રહ્યા હતા. ઈંગ્લાંડમાં વેદાન્તના સિદ્ધાંતોનાં બીજ રોપાઈ ચુક્યાં હતાં. તેમને હવે તેમની મેળેજ ઉગી નીકળવાને થોડોક અવકાશ આપવો એવો વિચાર સ્વામીજીને થયો; ફરીથી પાછા આવવાનું સ્વામીજીએ સર્વેને વચન આપ્યું અને તે પાછા અમેરિકા જવાને નીકળ્યા.

વિવેકાનંદની ઈંગ્લાંડની મુલાકાતે સાબીત કરી આપ્યું છે કે ઘણા વિચારવંત અને સુશિક્ષિત અંગ્રેજો વેદાન્તનો બોધ ગ્રહણ કરવાને તત્પર છે; અને જડવાદથી તેમજ ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતથી તેમની આંતરિક ઉચ્ચ વૃત્તિઓને સંતોષ મળતો નથી. સ્વામીજીના વર્ગોમાં જુદા જુદા દરજ્જાના જે પુષ્કળ અંગ્રેજો આવતા તેમાંના ઘણાના મનમાં નિશ્ચય થઈ જતો કે તેમનું જીવન સત્ય માર્ગે વહી રહેલું નથી. સત્ય જીવન તો આત્માના વિકાશમાં અને આત્મા પરમાત્માની એકતા સાધવામાંજ રહેલું હોઇને તે સત્ય જ્ઞાનની પ્રાપ્તિ કરવાને તેમણે ભારતવર્ષ તરફજ જોવાનું છે.