સ્વામી વિવેકાનંદ/કોલંબોમાં આવકાર

← પ્રાચીન રોમનગરમાં અને સ્ટીમરમાં સ્વામી વિવેકાનંદ
કોલંબોમાં આવકાર
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
ભારતવર્ષની ભૂમિ પર →


પ્રકરણ ૪૩ મું – કોલંબોમાં આવકાર.

સ્વામી વિવેકાનંદના આવવાની ખબર આખા હિંદમાં પ્રસરી રહી હતી. કોલંબોથી આલમોરા સુધીનાં સઘળાં મુખ્ય મુખ્ય સ્થળોમાં તેમને માન આપવાને આવકાર મંડળીઓ નીમાઈ રહી હતી. દરેક જાતના અને દરેક પંથના હિંદુઓ તેમના યશસ્વી બાપદાદાઓના ધર્મને અસાધારણ બુદ્ધિથી પ્રતિપાદન કરનાર વિવેકાનંદ તરફ પોતાની લાગણી અને સંતોષ દર્શાવવાને ઉત્સુક બની રહ્યા હતા. જેથી કરીને સિલોનની હિંદુ પ્રજા તેમના આગમનની ખબર સાંભળીને હર્ષઘેલી બની રહે તેમાં આશ્ચર્ય નથી. તારીખ ૧૫ મી જાન્યુઆરીના દિવસે તે આવવાના છે એવો સંદેશો જાણે કે પ્રભુએજ મોકલ્યો હોય તેમ સર્વેને લાગ્યું. તા. ૧૫ મીએ સ્ટીમર કિનારા તરફ આવવા લાગી. બંદર ઉપર હજારો મનુષ્યો એ પવિત્ર સાધુનાં દર્શન કરવાને ઉત્સુક બની રહ્યાં હતાં. એક હિંદુ સંન્યાસી પોતાના પાશ્ચાત્ય શિષ્યોને લઈને આવે એ બનાવ હિંદની તવારીખમાં અપૂર્વજ હતો. તે શિષ્યોની ગુરૂભક્તિ એવી દૃઢ હતી કે એક ક્ષણવાર પણ તે પોતાના ગુરૂને સુના મૂકતા નહોતા. અદ્‌ભુત, યશસ્વી અને સત્તાવાન પશ્ચિમમાં અનુપમ જય મેળવીને સ્વામીજીને પોતાની માતૃભૂમિમાં પાછી આવતા જોઈને ક્યા હિંદુનું હૃદય ગર્વ ધરી રહ્યું નહિ હોય ! ખરેખર, ભારતના ઇતિહાસમાં એ સમય વિરલજ હતો. સ્ટીમર કિનારા આગળ આવી એટલે તેમના ગુરૂભાઈ સ્વામી નિરંજનાનંદ, મી. હેરીસન નામના બુદ્ધ ધર્માનુયાયી સદગૃહસ્થ અને સ્વાગતમંડળીના બીજા બે સભ્યો આવીને તેમને મળ્યા. એક સ્ટીમ લોંન્ચમાં સ્વામીજીને કિનારે લઈ જવામાં આવ્યા. તેમના આગમનનું વર્ણન એક વર્તમાનપત્રે આપેલું, તે નીચે આપવામાં આવે છે.

“તારીખ ૧૫ મી જાન્યુઆરીનો દિવસ કોલંબોના હિંદુઓની તવારીખમાં ચિરસ્મરણીય દિવસ લેખાશે. તે દિવસે અસાધારણ બુદ્ધિ, વિદ્યા અને શક્તિથી અલંકૃત થઈ રહેલા ભારતવર્ષના પવિત્ર સાધુઓમાંના એક અત્યંત પવિત્ર સાધુ વિવેકાનંદને તેઓએ ભારે આવકારથી વધાવી લીધા હતા. તેમના દર્શનથી લોકોમાં એક અપૂર્વ ભાવ ઉત્પન્ન થઈ રહેલા છે અને તે હિંદુઓની ભાવી ધાર્મિક જાગૃતિનું સૂચન કરે છે.”

“સાયંકાળનો સમય ધીમે ધીમે પસાર થતો હતો. રાત પડવાને થોડીવાર હતી. હિંદુ શાસ્ત્રોએ પ્રભુભક્તિને માટે ઉત્તમ ગણેલો “સંધ્યા” સમય પ્રાતઃકાળના ભવ્ય બનાવોનું જાણે કે સૂચન કરતો હોય તેમ આગળથી આવીને સર્વત્ર પ્રસરતો હતો. તે વખતે ભવ્ય આકૃતિ, શાંત મુખાર્વિંંદ અને વિશાળ અને તેજસ્વી નેત્રોવાળા પવિત્ર સાધુ–સ્વામી વિવેકાનંદ આવી પહોંચ્યા. તેમણે ભગવાં વસ્ત્ર ધારણ કરેલાં હતાં. તેમની સાથે સ્વામી નિરંજનાનંદ અને બીજા કેટલાક પુરૂષો હતા. સ્ટીમ લોંન્ચમાં બેસીને આવતા વિવેકાનંદને જોઈને પ્રેક્ષકોનાં હૃદય હર્ષથી ઉછળી રહ્યાં. તેમના મુખમાંથી ખુશાલીના પોકારો નીકળી રહ્યા. સ્વામીજીનાં દર્શનથી લોકોના મનમાં કેવી લાગણીઓ ઉભરાઈ રહી હતી તેનું વર્ણન આપવું અશક્ય છે. ખુશાલીના પોકારો અને તાળીઓના ગડગડાટમાં સમુદ્રના મોજાંનો ધ્વનિ પણ ઢંકાઈ ગયો ! ધી ઓનરેબલ પી. કુમારસ્વામી જરાક આગળ ગયા. તેમની પાછળ તેમના ભાઈ પણ ગયા. તેઓએ સ્વામીજીને આવકાર આપ્યો અને એક સુંદર હાર તેમને પહેરાવ્યો. પછી તો લોકોની ભીડ બહુજ વધી ગઈ. ગમે તેમ કરે પણ લોકો કબજામાંજ રહે નહિ. કેટલાકની ટોપીઓ તો કેટલાકના રૂમાલ ખોવાયા. સ્વામીજીને એક સુંદર ઘોડાગાડીમાં બેસાડીને બાર્નીસ સ્ટ્રીટમાં લઈ જવામાં આવ્યા. ત્યાં એક મંડપ બાંધવામાં આવ્યો હતો. બાર્નીસ સ્ટ્રીટને નાકે સ્વામીજી ગાડીમાંથી ઉતરી પડ્યા. ત્યાંથી તેમનો વરઘોડો કહાડીને લઈ જવામાં આવ્યા. હિંદુઓ પોતાના ધર્મગુરૂને ધજાપતાકા અને છત્ર ધરીને માન આપે છે. સ્વામીજીને માટે પણ તેમજ કરવામાં આવ્યું. તેમના માર્ગમાં શ્વેત વસ્ત્રો પાથરવામાં આવ્યાં. એક સુંદર બેન્ડ સારા સારા રાગો વગાડી રહ્યું. તે મંડપમાં આવ્યા પછી સ્વામીજીને એક બીજા મંડપમાં લઈ જવામાં આવ્યા. તે મંડપ પાએક માઇલ દૂર હતો. તે મંડપમાં જવાના રસ્તાની બંને બાજુએ સુંદર કમાનો ઉભી કરેલી નજરે પડતી હતી. તે મંડપની પાસેના એક બંગલામાં સ્વામીજીનો ઉતારો આપવાનો હતો. બીજા મંડપના દ્વારમાં સ્વામીજીએ પગ મૂક્યો કે તરતજ મંડપના દ્વારમાં લટકતું એક સુંદર કમળ પોતાની પાંખડીઓ તેમના મસ્તક ઉપર ખુલ્લી કરી રહ્યું હતું તેમાંથી એક પક્ષી બહાર આવ્યું. તે આમતેમ ફરવા લાગ્યું. છતાં ત્યાં ભરાયેલા સઘળા મનુષ્યોનું લક્ષ્ય મંડપની શોભા કે ત્યાં થતા તમાશાઓ તરફ નહોતું. દરેક જણ સ્વામીજીનાં દર્શન કરવાનોજ યત્ન કરી રહ્યાં હતાં. સ્વામીજી અને તેમના શિષ્યોએ પોતાની બેઠકો લીધી. તેમના ઉપર પુષ્પોની વૃષ્ટિ થઈ રહી. થોડીવાર પછી એક ગવૈયાએ પોતાની સારંગી હાથમાં લીધી અને સુંદર ગાયન ગાવા લાગ્યો. પછીથી સ્વામીજીના માનમાં રચેલો એક શ્લોક બોલવામાં આવ્યો. પછીથી ઓનરેબલ પી. કુમારસ્વામી આગળ આવ્યા અને હિંદુઓના રિવાજ પ્રમાણે સ્વામીજીને નમન કરી સ્વામીજીને આપવાનું માનપત્ર વાંચવા લાગ્યા. તે માનપત્ર નીચે પ્રમાણે હતું:—

“શ્રીમત્‌ વિવેકાનંદ સ્વામી.”

“કોલંબોના સઘળા હિંદુઓએ એકઠા મળીને ઠરાવ કર્યા પ્રમાણે અમે આપને આ બેટમાં અંતઃકરણપૂર્વક આવકાર આપીએ છીએ. પશ્ચિમમાં તમારૂં કાર્ય કરીને માતૃભૂમિમાં પાછા આવતાં તમને પ્રથમ અમે માન આપીએ છીએ અને તેથી અમારી જાતને ધન્ય ગણીએ છીએ.”

“પ્રભુના આશિર્વાદથી પશ્ચિમમાં તમારું કાર્ય જે ફતેહ મેળવી રહ્યું હતું તેને અમે ખુશાલી અને આભારની લાગણી સાથે જોયા કરતા હતા. અમેરિકા અને યૂરોપની પ્રજાઓને તમે હિંદુઓની સર્વસંગ્રાહ્ય ધર્મની કલ્પના સમજાવી છે, સર્વધર્મો વચ્ચે પરસ્પર સંબંધ વધાર્યો છે, દરેક આત્માની જરૂરીઆત પ્રમાણે તેને ધર્મનો બોધ આપ્યો છે અને તેને પ્રેમથી પ્રભુ તરફ દોર્યો છે. ભારતવર્ષમાં પ્રાચીન સમયથી અનેક ગુરૂઓ ઉત્પન્ન થતા આવેલા છે. તેમનાં પવિત્ર ચરણકમળથી ભારતભૂમિ પવિત્ર બની રહેલી છે. તેમની હાજરી અને પ્રેરણાથી ભારતવર્ષ અનેક ઉથલપાથલોમાં પણ જગતનું ગુરૂપદ મેળવી રહેલું છે. તેવા ગુરૂઓમાંના એક શ્રીરામકૃષ્ણ પરમહંસ દેવની પ્રેરણાથી અને તમારા સ્વાર્થત્યાગ અને ઉત્સાહથી પાશ્ચાત્ય પ્રજાઓ હિંદનાં આધ્યાત્મિક સત્યોના સમાગમમાં આવવાને ભાગ્યશાળી થયેલી છે. વળી આપણા જે પુષ્કળ સ્વદેશી બંધુઓ પાશ્ચાત્ય સુધારાના તેજમાં અંજાઈ રહેલા હતા તેઓ પણ તેમાંથી મુક્ત થયેલા છે અને આપણા બાપદાદાએ આપેલા યશસ્વી વારસાની મહત્તા સમજવા લાગ્યા છે.”

“તમારા ઉમદા કાર્ય અને દૃષ્ટાંતથી તમે અખિલ વિશ્વને આભારી કર્યું છે અને તેનો કોઈ રીતે બદલો વાળી શકાય તેમ નથી. તમે આપણી માતૃભૂમિ ઉપર નવીન પ્રકાશ નાંખ્યો છે. અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે તે તમને અને તમારા કાર્યને આબાદ રાખે.”

સ્વામીજી ઉપલા માનપત્રનો જવાબ આપવાને ઉભા થતાંજ આખી સભા તાળીઓના અવાજથી ગાજી રહી. તેમણે સાદી, સરળ પણ જુસ્સાદાર ભાષામાં જવાબ આપ્યો. તેમના શબ્દો જો કે સાદા હતા પણ તેની અસર શ્રોતાઓ ઉપર એટલી બધી થઈ રહી કે સર્વે અત્યંત ભાવથી સઘળું સાંભળી રહ્યા.

સ્વામીજીએ હિંદુઓની આધ્યાત્મિકતાની પ્રશંસા કરી, તેની મહત્તા અને તેમાં રહેલું સામર્થ્ય તેમણે સમજાવ્યું. તેમણે કહ્યું કે, હિંદુઓ પ્રાચીનમાં પ્રાચીન ધાર્મિક ગુરૂઓ છે. એક દ્રવ્યહીન સંન્યાસીને તેઓ જે માન આપી રહેલા છે તે દર્શાવે છે કે તેમનામાં જે ધાર્મિકતાએ વાસ કરેલો છે તે દ્રવ્ય કે વૈભવની દરકાર કરતી નથી.

પછીથી સારા ફરનીચર અને હવા ઉજાશવાળા એક બંગલામાં સ્વામીજીને લઈ જવામાં આવ્યા. સ્વામીજી પોતાના આસન ઉપર બેઠા. મંડપમાં જે માણસો એકઠા થયા હતા તે સઘળા ત્યાં આવ્યા અને તેમની સંખ્યા વધતી જ ગઈ. લોકો જાણે કે પાછા ઘેર જવાને ખુશીજ નહોતા ! આવા પવિત્ર સાધુની સંનિધિમાં જેટલો વખત ગળાય તેટલો ઓછો એમ તેમના મનમાં હતું. હિંદમાં સાધુનાં દર્શન અલભ્ય ગણાય છે અને સાધુ સમાગમમાં સમય સમય ગાળવો એ તો વેળી બહુ જ મોટું ભાગ્ય મનાય છે. તેમાંએ વળી સ્વામીજી જેવા પરમપવિત્ર, ધર્મરક્ષક અને તત્વજ્ઞાનમાં નિષ્ણાત સાધુનાં દર્શન અને સમાગમ તો પૂર્વજન્મનું મોટું પુણ્ય હોય તોજ થઈ શકે ! સ્વામીજીની ભવ્ય આકૃતિ જોઇને સર્વ અંજાતા હતા. તેમના મુખ ઉપર વ્યાપી રહેલું તેજ સર્વને આકર્ષતું હતું. તેમના શરીરનો મજબુત બાંધો બ્રહ્મચર્યનો પ્રભાવ દર્શાવી રહ્યો હતો. વદનકમળ ઉપર વ્યાપી રહેલી શાંતિ ઉત્તમ મનોનિગ્રહને દર્શાવતી હતી. તેમની મિષ્ટ વાણી વિદ્યા અને વિનયથી ભરપુર હતી. તેમની સાથે વાર્તાલાપ કરતાં તે પૌર્વાત્ય અને પાશ્ચાત્ય વિદ્યાના ભંડાર છે એમ સર્વને પ્રત્યક્ષ થતું હતું. એવા એક મહાન સાધુના દર્શન માત્રથી લોકોને તૃપ્તિ ન વળે એમાં નવાઈજ શી !

ઘણા લોકો બહાર ઉભેલા છે અને ફરીથી દર્શન કરવાની ઇચ્છા રાખે છે એમ જાણીને સ્વામીજી બંગલાની બહાર આવ્યા અને સર્વેને નમસ્કાર કરીને ઘેર જવાનું કહેવા લાગ્યા. બીજે દિવસે પણ લોકોનાં ટોળે ટોળાં ત્યાં આવવા લાગ્યાં અને સ્વામીજી જે બંગલામાં ઉતર્યા હતા તે બંગલો સર્વેને મન યાત્રાનું સ્થાન બની રહ્યો. સ્વામીજીના સ્મારકમાં તે બંગાલાનું નામ “વિવેકાનંદ લોજ” પાડવામાં આવ્યું અને હજી પણ તે નામથીજ તે બંગલો ઓળખાય છે. હિંદમાં ગુરૂભક્તિ કેવી હોય છે તેનો ખ્યાલ જેને નથી તેને સ્વામીજીને મળેલા માનનો ખ્યાલ આવી શકવો મુશ્કેલ છે. અખિલ વિશ્વમાં હિંદ એકલુંજ એ બાબત જાણે છે કે ગુરૂભક્તિ કેવી હોય ! એ ગુરૂભક્તિ અહીંઆં અત્યંત ભાવથી દર્શાવવામાં આવતી હતી. સિલોનના મોટામાં મોટા અમલદારોથી તે ગરિબમાં ગરિબ મનુષ્ય સુધી સઘળા સ્વામીજીનાં દર્શને તેમજ મુલાકાતે આવી ગયા. સ્વામીજી આધ્યાત્મિકતાની તેજસ્વી મૂર્તિ હતા. તેમની શાંત પણ પ્રબળ પ્રભા સર્વે ઉપર પ્રસરી રહેતી હતી. સ્વામીજી અને સામાન્ય વર્ગનાં મનુષ્યો વચ્ચે રસભર્યો વાર્તાલાપ ચાલી રહેતો. સ્વામીજી જેવા એક જગદ્‌ગુરૂ અને એક ગરિબ વૃદ્ધ સ્ત્રી વચ્ચે થયેલો વાર્તાલાપ અહીંઆં આપવો આવશ્યક છે; કારણ કે હિંદમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી રહેલા ગુરૂનું વર્તન ગરિબમાં ગરિબ મનુષ્ય તરફ પણ કેવા પ્રકારનું હોય છે તેનો ચિતાર તે આપે છે.

એક વૃદ્ધ સ્ત્રી સ્વામીજીનાં દર્શન કરવાને આવી. કેટલાક ધાર્મિક પ્રશ્નોના ખુલાસા મેળવવા એવો પણ તેનો વિચાર હતો. તે પોતાનું જીવન ધર્મ અને પવિત્રતામાં ગાળવાને ઈચ્છતી હતી. સ્વામીજીએ તેને ભગવદ્‌ગીતા વાંચવાનું કહ્યું અને તેના મનમાં દૃઢ ઠસાવ્યું કે ગૃહકાર્ય કરવામાં અને સંસારમાં પોતાનું કર્તવ્ય બરાબર બજાવવામાંજ ખરો ધર્મ સમાઈ રહેલો છે. તે વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો. તેના જવાબમાં ઘણો અર્થ સમાયલો હતો. તેણે કહ્યું કે “હું તે વાંચીશ, પણ વાંચું અને સમજું નહિ તો પછી એ વાંચ્યાનો અર્થ શો !” તે વૃદ્ધ સ્ત્રીનો જવાબ સુચવતો હતો કે ધર્મ માત્ર પુસ્તક વાંચવામાંજ સમાઈ રહેલો નથી, પણ ધર્મના સિદ્ધાંતો સમજી તે પ્રમાણે વર્તન કરવામાંજ રહેલો છે. વળી તે દર્શાવતો હતો કે હિંદમાં ગરિબમાં ગરિબ મનુષ્યના અંતઃકરણમાં પણ ઉંડી ધાર્મિક લાગણીઓએ વાસ કરેલો હોય છે. તે ગમે તેવા પ્રતિકુળ સંજોગોમાં મુકાયા હોય કે દારિદ્ર્‌યમાં સડતો હોય, છતાં તે પોતાની ધાર્મિક ભાવનાઓને ત્યજતો નથી. અન્ય પ્રદેશમાં જેમ થાય છે તેમ હિંદમાં ધર્માચરણ દ્રવ્ય કે સત્તા ઉપર અવલંબીને રહેતું નથી. ઉપર ઉપરથી જોતાં ભારતવર્ષની પ્રજા અણકેળવાયલી ભાસે છે, પણ તેના હૃદયમાં ઉંડી ધાર્મિક લાગણીઓ રહેલી છે. હિંદુઓની દૃષ્ટિમાં ઉત્તમ મનોનિગ્રહ અને ઈશ્વરભક્તિવાળા મનુષ્યોજ મોટા ગણાય છે. પ્રજાઓ કે મુલકોના જીતનારાઓ તેમને મન પ્રભુભક્ત કરતાં ઉતરતા છે. પ્રભુના ભક્તને રાજા પણ માન આપે છે. હિંદુઓ “નમો નારાયણ” કહીને સાધુને નમે છે અને સાધુ બાળક જેવી સાદાઈ અને નમ્રતાથી સામામાં પ્રભુભાવ દર્શાવવાને માટે “નારાયણ” એવો પ્રત્યુત્તર આપીને તેનો સ્વીકાર કરે છે.

સાયંકાળે સ્વામીજીએ ફ્લૉરલ હૉલમાં એક સુંદર ભાષણ આપ્યું. ભાષણનો વિષય “હિંદ પુણ્યભૂમિ છે” એ હતો. ભાષણથી શ્રોતાઓના મન ઉપર ઘણી જ અસર થઈ રહી. સ્વામીજીએ કહ્યું કે “આજે અહીં ઉભો રહીને હું ખાત્રીથી કહું છું કે જગતમાં કોઈ પણ દેશ પુણ્યભૂમિ હોવાનો દાવો કરી શકે તેમ હોય તો તે ભારતવર્ષજ છે. જે કોઈ પણ ભૂમિએ નમ્રતા, ઉદારતા, પવિત્રતા, શાંતિ, આત્મદર્શન અને આધ્યાત્મિકતામાં જગતમાં સર્વથી શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું હોય તો તે આ ભારતવર્ષજ છે. અહીંઆં ઘણા પ્રાચીન સમયથી મહાન ધર્મ પ્રવર્તકો ઉત્પન્ન થતા આવ્યા છે અને તેઓએ વારંવાર શુદ્ધ આધ્યાત્મિક સત્યો અખિલ વિશ્વમાં પ્રસરાવી મૂક્યાં છે.” સ્વામીજીએ અનેક દૃષ્ટાંતો આપીને પોતાના કથનની ખાત્રી કરી આપી હતી.

બીજો દિવસ રવિવારનો હતો. તે દિવસે સાંજે સ્વામીજી મહાદેવના દેવળમાં દર્શન કરવાને ગયા. તેમની સાથે ઘણા લોકો પણ ગયા હતા. જે રસ્તે થઈને તે જવાના હતા તે ઉપર આવેલા મહોલ્લાઓને વાળી ઝુડીને સાફ કરવામાં આવ્યા હતા અને રોશની કરવામાં આવી હતી. આજુબાજુનાં ગામડાંમાંથી પણ ઘણા લોકો ત્યાં આવીને એકઠા થયા હતા. સર્વે તે મહાપુરૂષનાં દર્શન કરવાને ઉત્સુક બની રહ્યા હતા. રસ્તામાં સ્વામીજીની ગાડીને વારંવાર રોકવામાં આવતી હતી; કારણકે ઘણા હિંદુઓ ફુલ ફળાદિ હાથમાં લઈને સ્વામીજીને ભેટ કરવાને માર્ગમાં ઉભા થઈ રહ્યા હતા. કેટલાક પુષ્પની માળાઓ સ્વામીજીના ગળામાં પહેરાવતા અને કેટલાક ચંદન, પુષ્પ વગેરેથી તેમનું પૂજન કરતા. સ્વામીજી શિવાલયમાં પેઠા એટલે તેમને “હર હર મહાદેવ” ના જયઘોષથી વધાવી લેવામાં આવ્યા.

સોમવારે સ્વામીજી રા. રા. ચીલીઆ નામના એક સદ્‌ગૃહસ્થને બંગલે પધાર્યા. રા. રા. ચીલીઆનો બંગલો ખાસ કરીને શણગારવામાં આવ્યો હતો. સ્વામીજી ત્યાં પધારવાના છે એમ જાણીને અસંખ્ય મનુષ્યો આગળથી તે બંગલે ગયા હતા. સ્વામીજીને ત્યાં આવતા જોયા એટલે તેઓ ખુશાલીના પોકારો કરવા લાગ્યા. જેમ જેમ સ્વામીજી પાસે આવતા ગયા તેમ તેમ તે પોકારો વધતા ગયા. સ્વામીજી બંગલામાં આવ્યા એટલે હાર અને પુષ્પોનો વરસાદ તેમના ઉપર વરસી રહ્યો. એક ખાસ બનાવેલી બેઠક ઉપર સ્વામીજી બેઠા. પછીથી પવિત્ર ગંગાજળ તેમના ઉપર છાંટવામાં આવ્યું. સ્વામીજીએ સર્વેને જરા જરા પવિત્ર ભસ્મ પ્રસાદ તરીકે આપી. અત્યંત ખુશીથી લોકોએ એ પવિત્ર ભસ્મનો સ્વીકાર કર્યો. પોતાના ગુરૂ શ્રી રામકૃષ્ણ પરમહંસની સુંદર છબી સામે ભીંત ઉપર ટાંગેલી સ્વામીજીના જોવામાં આવી. એકદમ તે પોતાના આસન ઉપરથી ઉઠ્યા અને તે છબી પાસે જઈને તેને પૂજ્યભાવથી પ્રણામ કર્યા. રા. રા. ચીલીઆનો બંગલો સાધુ સંતોને માટેજ બંધાવેલો છે એમ જાણીને સ્વામીજીએ ઘણોજ સંતોષ દર્શાવ્યો. છેવટે કેટલાંક ભજનો ગાવામાં આવ્યાં અને ત્યાંનું કાર્ય પુરૂં થયું.

તેજ દિવસે સ્વામીજીએ સાર્વજનીક હૉલમાં “વેદાન્ત” ઉપર ભાષણ આપ્યું. એ ભાષણ સાંભળવાને કેટલાક હિંદુઓ યૂરોપીયન પોશાક પહેરીને આવેલા હતા. તેમને આ ભાષણ દરમ્યાન સ્વામીજીએ ખૂબ ઠપકો આપ્યો હતો. સ્વામીજી કોલેજમાં અભ્યાસ કરતા ત્યારે પણ જે કોઈને પરદેશી પોશાકમાં જોતા તો તેને સખત ઠપકો દેતા અને એવા અનુકરણ અને ટાપટીપને બાયલાપણું કહેતા. શિકાગોમાં સર્વધર્મ પરિષદમાં હિંદુધર્મનાં ભિન્ન ભિન્ન સ્વરૂપોને પ્રતિપાદન કરવાને હિંદુસ્થાનથી બીજા પણ કેટલાક પ્રતિનિધિઓ આવેલા હતા, તેઓ પરદેશી પોષાકમાં સજ્જ થયેલા હતા; પણ ઉત્કટ સ્વદેશાભિમાની સ્વામી વિવેકાનંદ તો પોતાના દેશી પોષાકમાંજ હાજર થયા હતા અને તેથી કરીને શ્રોતાઓનાં મન ઉપર તે સૌથી વધારે અસર ઉપજાવવાને શક્તિમાન થયા હતા. સ્વધર્મનું પ્રતિપાદન વિદેશી પોષાકમાં સજ્જ થઈને કરવું, એ સ્વામીજીને વિચિત્ર લાગતું હતું. બુદ્ધિશાળી અમેરિકન પ્રજા પણ સ્વામીજીનો એ હેતુ સમજી ગઈ હતી અને તેથી તેમને સૌથી વધારે માન આપતી હતી. સ્વામીજીનો અનુપમ બોધ સર્વને આકર્ષતો હતો, છતાં તેમાંએ તેમનો સ્વદેશી પોષાક ઘણો ઉમેરો કરતો હતો. અમેરિકાનાં વર્તમાનપત્રો તેમની શક્તિનાં ભારે વખાણ કરતી વખતે પણ તેમના પોષાકથી ઉપજતી અસરનું વર્ણન આપવાનું ચૂકતાં નહિ. સ્વામીજીનાં ભગવાં વસ્ત્ર અને શરીરનો મજબુત બાંધો દરેક વર્તમાનપત્રનો વિષય બની રહ્યાં હતાં. હિંદુ આચાર વિચારને માટે સ્વામીજીને એટલો બધો આગ્રહ હતો કે પોતાના પાશ્ચાત્ય શિષ્યોને પણ તે વારંવાર કહેતા કે ખરેખરા હિંદુ તમે ત્યારેજ કહેવાઓ કે જ્યારે છરી કાંટાને બદલે હાથવતેજ જમતાં શીખો.

ભાષણમાં પેલા હિંદુઓના વિદેશી પોષાક ઉપર પણ સ્વામીજી ઠપકા રૂપે કેટલુંક બોલ્યા હતા. અંગ્રેજી ભણનારા હિંદુઓ કંઈ પણ વિચાર કર્યા વગરજ યૂરોપીયનોનું બાહ્ય અનુકરણ કરે છે અને તેમના રીત રીવાજોને વખાણે છે તે કેવું નુક્સાનકારક છે, તે સમજાવવાને માટેજ સ્વામીજીએ એ ટીકા કરી હતી.

 ઘણાં આગ્રહભર્યાં આમંત્રણોને લીધે સ્વામીજીને સીલોનના બીજા ભાગોમાં પણ જવું પડ્યું હતું, સિલોનથી તેઓ કેન્ડી અને ત્યાંથી મતીલા તેમજ અનુરાધાપુર ગયા. આ દરેક સ્થળે સ્વામીજીને અપૂર્વ માન મળ્યું હતું.

અનુરાધાપુરથી સ્વામીજી જફના ગયા. જફનાની કોલેજ ત્યાંથી બે માઈલ દૂર છે; ત્યાં સ્વામીજીને માનપત્ર આપવાનું હતું. આ બે માઈલનો આખો રસ્તો રોશનીથી અને કેળનાં ઝાડથી તેમજ ધ્વજા પતાકાથી શણગારવામાં આવ્યો હતો.

લોકોમાં ઘણોજ ઉત્સાહ ફેલાઈ રહ્યો હતો. આખા દ્વીપકલ્પમાંથી હજારો મનુષ્યો સ્વામીજીનાં દર્શન કરવાને આવ્યાં હતાં. સાંજના છથી બાર સુધી સઘળો રસ્તો આવવા જવાના વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. રાતના સાડા આઠે જે ભવ્ય વરઘોડો કહાડવામાં આવ્યો હતો તેમાં પંદર હજાર મનુષ્યોએ ભાગ લીધો હતો. કોલેજ આગળ બનાવેલા ભવ્ય મંડપમાં પહોંચ્યા પછી સ્વામીજીને માનપત્ર આપવામાં આવ્યું અને તેનો તેમણે યોગ્ય શબ્દોમાં પ્રત્યુત્તર આપ્યો હતો. બીજે દિવસે સવારે સાત વાગ્યે હિંદુ કોલેજમાં સ્વામીજીએ “વેદાન્ત” ઉપર ભાષણ આપ્યું હતું. લગભગ ચાર હજાર માણસો ત્યાં એકઠાં થયાં હતાં. સ્વામીજીએ ધર્મના સિદ્ધાંતોનું ટુંકામાં પણ બહુજ સરસ રીતે પ્રતિપાદન કર્યું હતું. આ ભાષણમાં સ્વામીજીએ “પ્રીતિ અને સામર્થ્ય” નો બોધ કર્યો હતો. સગુણ ઈશ્વરની ઉપાસનાથી મનુષ્યના હૃદયમાં અપૂર્વ પ્રીતિનો ઝરો વહી રહે છે, પણ સગુણ બ્રહ્મની ઉપાસનાથી આગળ વધીને મનુષ્યે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવી આવશ્યક છે; કારણ કે બ્રહ્મને સગુણ ઈશ્વર તરીકે ભજવાથી મનુષ્યમાં એક પ્રકારનું દૌર્બલ્ય અને પરાધિનતાનો વાસ થઈ રહે છે. તેમણે કહ્યું કે “આપણા દેશમાં અત્યારે આપણને અશ્રુપાત કરવાની જરૂર નથી; પણ સામર્થ્યની જરૂર છે. જ્યારે સઘળા વ્હેમોને ત્યજી દેવામાં આવે છે અને મનુષ્ય अहं ब्रह्मास्मि એવું જ્ઞાન પ્રાપ્ત કરીને સ્વાવલંબી બને છે ત્યારે તે કેટલું બધું સામર્થ્ય પ્રાપ્ત કરી રહે છે ! એવો મનુષ્ય પોતાના આત્માની શક્તિ ઉપરજ આધાર રાખે છે. એ આત્મા અજર, અમર, અનાદિ અને અનંત છે. તેને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ તેને બાળી શકતો નથી, ઉષ્ણતાથી તે સૂકાતો નથી, પાણીથી તે પલળતો નથી એની મહત્તા આગળ સૂર્ય, ચંદ્ર અને તેમનાં મંડળો સમુદ્રમાં ટીપાં સમાન છે; દિશાઓ શુન્યવત્‌ છે અને કાળનું અસ્તિત્વ નથી. એ કીર્તિવંત આત્માના અસ્તિત્વમાં આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. એ શ્રદ્ધા વડેજ તમે જેવા ધારશો તેવા થઈ શકશો. તમે પોતાને નબળા ધારશો તો નબળા થશો અને સામર્થ્યવાન ધારશો તો સામર્થ્યવાન્‌ થશો. અપવિત્ર ધારશો તો તમે અપવિત્ર થશો અને પવિત્ર ધારશો તો પવિત્ર થશો. આપણે વાસ્તવમાં સર્વ સામર્થ્યવાન્‌, સર્વ સત્તાવાન અને સર્વજ્ઞ છીએ. સઘળું જ્ઞાન, સઘળી સત્તા, પવિત્રતા અને સ્વતંત્રતા આપણામાં છેજ. આપણે તેને શા માટે દર્શાવી શકતા નથી ? કારણ એજ કે આત્માની સર્વ શક્તિમત્તાના અસ્તિત્વમાં આપણને શ્રદ્ધા નથી. તેના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખો અને તેનો આવિર્ભાવ આપણામાં થયા વગર રહેશે નહિ. તેનો આવિર્ભાવ થવોજ જોઇએ. નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન આપણને એ પ્રમાણે શિખવે છે. તમારાં સંતાનોને બાલ્યાવસ્થાથીજ આવું શિક્ષણ આપીને સામર્થ્યવાન્‌ બનાવો. તેમને બીજા હલકા વિચારો આપીને નબળા થવાનું શિખવશો નહિ અને માત્ર બાહ્ય ક્રિયાઓનોજ તેમને બોધ કરશો નહિ. તેમને સ્વાવલંબી અને હિંમતવાન બનાવો. ગમે તેવી સ્થિતિમાં જય પ્રાપ્ત કરવાનું અને સઘળાં સંકટો સહન કરવાનું તેમને શિખવો. પ્રથમ તેમને આત્માનો મહિમા સમજાવો. માત્ર વેદાન્તદ્વારાજ એ મહિમા તમને મળી શકશે. પ્રેમ અને ભક્તિના વિચારો તેમજ અન્ય ધર્મોમાં જે વિચારો છે તે પણ તેમાં છે; પણ તેનો આત્મા સંબંધી વિચાર જીવનનો અત્યંત પોષક છે. તે વિચાર ઘણોજ અલૌકિક છે. વેદાન્તમાં–માત્ર વેદાન્તમાંજ, અખિલ વિશ્વમાં મોટો ફેરફાર કરી શકે એવો આ ભવ્ય વિચાર રહેલો છે. તે વિચાર ભૌતિક અને આધ્યાત્મિક જ્ઞાનની એકવાક્યતા પણ સાધી શકશે.”

વેદાન્ત ઉપરનું ભાષણ સમાપ્ત કરતે કરતે સ્વામીજી હિંદની પ્રાચીન સંસ્થાઓની ઉપયોગિતા વિષે બોધ આપવા લાગ્યા. તેમણે કહ્યું કે એ પ્રાચીન સંસ્થાઓ આપણને પ્રજા તરીકે જાળવી રાખવાને ઘણી જરૂરની છે. જ્યારે એ જરૂર મટી જશે ત્યારે એ સંસ્થાઓ એમની મેળેજ નષ્ટ થઈ જશે. તેમણે લોકોને બોધ આપ્યો કે જે પાશ્ચાત્ય પ્રજાઓએ હજી પોતાની સમાજોનીજ સ્થિરતા પ્રાપ્ત કરી નથી તે પ્રજાઓનું કંઈ પણ કહેવું સાંભળશો નહિ. સ્વામીજીએ કહ્યું કે “એક આજકાલનું બાળક, જે પરમ દિવસે તો મરી જાય તેવી સ્થિતિમાં છે તે મારી પાસે આવીને મને મારી સઘળી યોજનાઓ ફેરવી નાખવાનું કહે અને તેના કહ્યા પ્રમાણે જો હું મારી યોજનાઓને ફેરવી નાંખું તો મારા જેવો મૂર્ખ બીજો કોણ ? આવી બાલકના જેવીજ સલાહ જુદા જુદા દેશોમાંથી આપણને મળતી રહે છે. તેમને હિંમતથી કહેજો કે, “તમે તમારી સમાજોનેજ એક વાર સ્થિર બનાવો અને પછીથી અમે તમારું કહેવું સાંભળીશું. તમે એક વિચારને બે દિવસ પણ વળગી રહેતા નથી, તમે માંહ્ય માંહ્ય લડો છો અને નિષ્ફળ નિવડો છો. વર્ષારૂતુમાં પતંગીયાં જન્મે છે અને પાંચ મિનિટમાં મરી જાય છે, તેવી જ તમારી સ્થિતિ છે. તમે પરપોટાની માફક ઉપર તરી આવો છો અને પાછા પરપોટાની માફક પોતાની મેળેજ નષ્ટ થઈ જાઓ છો. પ્રથમ અમારા જેવા સેંકડો વર્ષ સુધી ટકી શકે એવા નિયમો અને અમારા જેવી ટકાઉ સંસ્થાઓ ઉત્પન્ન કરો. ત્યાર પછીજ તમે અમારી સાથે વાત કરવાને લાયક થશો.”

સ્વામીજીનું ભાષણ સમાપ્ત થયા પછી કેપ્ટન સેવીઅર ઉભા થયા. તેમણે કહ્યું કે તેમના ધર્મમાં તેમને જરાકે શાંતિ મળી નહિ અને જ્યારે સ્વામી વિવેકાનંદ લંડનમાં આવ્યા અને વેદાન્તનો બોધ કરવા લાગ્યા ત્યારે તે અને તેમનાં પત્ની તેમનો બોધ અત્યંત ભાવથી ગ્રહી રહ્યાં. વેદાન્તના સિદ્ધાંતોની સત્યતા વિષે તેમની પક્કી ખાત્રી થઈ છે તેથી તે બંને વેદોની જન્મભૂમિ ભારતવર્ષમાં વેદાન્તના સિદ્ધાંતોને કૃતિમાં મૂકવાને આવેલાં છે.