સ્વામી વિવેકાનંદ/પ્રાચીન રોમનગરમાં અને સ્ટીમરમાં

← લંડનથી વિદાયગીરી સ્વામી વિવેકાનંદ
પ્રાચીન રોમનગરમાં અને સ્ટીમરમાં
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
કોલંબોમાં આવકાર →


પ્રકરણ ૪ર મું – પ્રાચીન રોમનગરમાં અને સ્ટીમરમાં.

લંડનથી સ્ટીમર ઉપડી ! સ્વામીજીના મન ઉપરથી એક ભારે બોજો ઉપડી ગયો હોય તેમ હવે તેમને ભાસવા લાગ્યું, કેમકે લંડનમાં ઘણોજ શ્રમ લેવો પડ્યો હતો. લંડન અને અમેરિકામાં રહ્યે રહ્યે પણ ભારતવાસીઓને તેઓ વારંવાર એજ મુખ્ય ઉપદેશ આપતા કે, “સ્વાશ્રયી બનો,” “સ્વાશ્રયી બનો.” પાશ્ચાત્યો કેવા સ્વાશ્રયી બની રહેલા છે, તે સ્વામીજી દર્શાવતા અને તે બાબતમાં તેમનું અનુકરણ કરવાનું કહેતા. હિંદવાસીઓમાં આળસ ઘર ઘાલીને બેઠેલું છે, સમસ્ત પ્રજા અજ્ઞાન, વહેમ અને ગરિબાઈમાં સડ્યા કરે છે, ધનવાનો શુષ્ક હૃદયના છે, વગેરે બાબતો સ્વામીજી પોતાના મિત્રો, શિષ્યો, ગૃહબંધુઓ, વગેરે સાથેના પત્રવ્યવહારમાં ભાર દઈને સમજાવતા. એક શિષ્યના નિરાશા ભરેલા શબ્દો વાંચીને સ્વામીજીએ તેને ઉત્તર આપ્યો હતો કે “બ્હીશો નહિ, મારા પુત્રો, મહત્‌ કાર્યો સિદ્ધ થવાની તૈયારીમાં છે, ધીરજ ધરો. શિયાળામાં હું પાછો હિંદમાં આવનાર છું અને તે વખતે સઘળી બાબતોને હું વ્યવસ્થામાં લાવી મૂકીશ. કામ કરો, બહાદુર પુરૂષો ! કામથી પાછા હઠશો નહિ. ના કહેશો તે ચાલશે નહિ. કામ કરો ! પરમેશ્વર આપણા કાર્યને સહાય કરી રહેલો છે. મહાશક્તિ તમને સહાય કરી રહેલી છે.”

લંડનમાં પોતે જે કાર્ય બજાવ્યું હતું તેનાથી સ્વામીજીને સંતોષ થયો હતો. ઘણા અંગ્રેજોના સમાગમમાં તે આવ્યા હતા. અંગ્રેજ પ્રજાના ભવ્ય ગુણોનો અભ્યાસ કરવાનો તેમને પ્રસંગ મળ્યો હતો. પોતાના એક પત્રમાં તેમણે લખ્યું હતું કે;–

“લંડનમાં મારૂં કાર્ય ઘણીજ ફતેહ મેળવી રહેલું છે. અંગ્રેજ લોકો અમેરિકનો જેવા બુદ્ધિશાળી નથી, પણ એકવાર જો તમે તેમનું મન મેળવી લ્યો તો પછી સદાએ તે તમારી તરફ રહેશે. ધીમે ધીમે હું જય પ્રાપ્ત કરી રહેલો છું. છ મહિનામાં મારા વર્ગમાં એકસોને વીસ વિદ્યાર્થીઓ દાખલ થયા છે. શું આ નવાઈ જેવું નથી ? વળી જાહેર ભાષણો આપું છું તે તો જુદું. અહીંઆં દરેક જણ કામ કરતુંજ જણાય છે. અંગ્રેજો કામ કરનારા છે, માત્ર વાતોજ કરનારા નથી. કેપ્ટન સેવીઅર અને તેમનાં પત્ની તથા મી. ગુડવીન મારી સાથે હિંદમાં આવવાનાં છે. ત્યાં તેઓ મારી સાથે કામ કરવાનાં છે. તેઓ પોતાનું સઘળું દ્રવ્ય હિંદના કાર્યમાં વાપરવાનાં છે. અહીંઆં હજારો મનુષ્યો તેમ કરવાને તૈયાર છે. ઉંચા દરજ્જાવાળાં સ્ત્રીપુરુષો અને યુવાન કન્યાઓ પણ જે એકવાર તેમના મનનું સમાધાન થાય તો સત્યને માટે ગમે તે કરવા તત્પર બની જાય છે.”

“હિંદમાં મારૂં કાર્ય શરૂ કરવાને માટે દ્રવ્યની સહાય મને અહીંઆંથી મળેલી છે અને હજી ઘણી મળશે. અંગ્રેજો વિષેનો મારો અભિપ્રાય તદ્દન બદલાઈ રહેલો છે. હવે હું સમજી શક્યો છું કે પ્રભુએ તેમને શા માટે અન્ય પ્રજાઓ કરતાં વધારે સત્તાવાન બનાવેલા છે. તેઓ સ્થિર મનના છે, અત્યંત સહૃદય છે, તેમનામાં ઘણી ઉંડી લાગણીઓએ વાસ કરેલ છે. અન્ય પ્રજા તરફ કંઇક તિરસ્કારની લાગણી તેમના મુખ ઉપર જોવામાં આવે છે એ વાત ખરી, પણ એટલી લાગણીને જો દૂર કરાવાય તો પછી અંગ્રેજોને તેમના શુદ્ધ સ્વરૂપમાં તમે નિહાળશો.”

વળી બીજે પ્રસંગે સ્વામીજીએ લખ્યું હતું કે:—

“અંગ્રેજો સ્થિર મનના છે. અન્ય પ્રજાઓમાં માંહ્ય માંહ્ય એક બીજાના તરફ અદેખાઈ જોવામાં આવશે, પણ અંગ્રેજોમાં પરસ્પર અદેખાઈ તમે કદીએ જોશો નહિ. તેજ કારણથી તેઓ આખી દુનિયા ઉપર રાજ્ય કરી રહેલા છે. ખરું આજ્ઞાંકિતપણું તેઓ બરાબર સમજે છે, પણ એક ગુલામનું ખુશામતીયાપણું તેમનામાં જરાએ નથી. મોટી સ્વતંત્રતા તેઓ ભોગવે છે, પણ તેની સાથે કાયદાનો કે વિનયનો ભંગ તેઓ કરતા નથી.”

લંડનથી કેલે અને ત્યાંથી ફ્રાન્સ અને આલપ્સમાં થઇને સર્વ ઇટાલીમાં આવી પહોંચ્યાં. મિલાન, પીસા, ફ્લોરેન્સ વગેરે સ્થળો તેમણે જોયાં અને આખરે સર્વે રોમમાં આવી પહોંચ્યા. સ્વામીજી રોમના ઇતિહાસના મોટા અભ્યાસી હતા. જ્યારે તે કોલેજમાં ભણતા હતા અને રોમના બનાવો અને રોમનોનાં ભવ્ય ચારિત્રો વિષે વાંચતા હતા ત્યારથીજ રોમને નિહાળવાની તેમની ઉત્કટ ઇચ્છા થઈ રહી હતી. દિલ્હીની માફક રોમને પણ જગતનું એક મધ્યબિંદુ સ્વામીજી ધારતા. દિલ્હી પૂર્વનું મધ્યબિંદુ છે અને રોમ પશ્ચિમનું છે એમ તે કહેતા. રોમમાં આવી પહોંચતાં પહેલાં સ્વામીજી તેની પ્રાચીન કીર્તિનું વર્ણન કરી રહ્યા હતા અને આબેહુબ ચિતાર શ્રોતાઓનાં મનમાં ખડો થયો હતો. રોમનાં પ્રાચીન ખંડેરો જોવાનું કાર્ય રસમય હતું. વળી પાદરીઓથી ભરેલું રોમ, મધ્યકાળનું રોમ, અર્વાચીન રામ, કળા કૌશલ્ય અને વિદ્યાના વિસ્તારવાળું રોમ, એમ જુદી જુદી દૃષ્ટિથી સ્વામીજી તેને દર્શાવી રહ્યા હતા. રોમમાં એક અઠવાડિયું ગાળી ત્યાંનાં જુદાં જુદાં સ્થળોની મુલાકાત તેમણે લીધી હતી રોમના વિચારોથી સ્વામીજી મસ્ત બની રહ્યા. પ્રાચીન રોમની મહત્તા, પ્રજા, કીર્તિ અને વિદ્યાનું વર્ણન તે અદ્ભુત રીતે આપવા લાગ્યા. શ્રોતાઓ કહેવા લાગ્યા કે “સ્વામીજી ! આ તો નવાઈ જેવું કહેવાય ! રોમના ખુણે ખુણાની વાત તમે જાણો છો.” અર્વાચીન યૂરોપ ઉપર રોમની વિદ્યા અને સંસ્કૃતિએ કેવી ભારે અસર ઉપજાવેલી છે તે હવે સ્વામીજીના શિષ્યો સમજી શક્યા. રોમનાં દેવાલય, મહેલો, રોમન કેથોલીક પાદરીઓની યોજનાશક્તિ, વગેરેનો ખ્યાલ સ્વામીજી આપવા લાગ્યા. સેંટ પીટરના દેવાલયમાં ઘણા ભક્તિભાવથી સ્વામીજીએ પ્રવેશ કર્યો. તેનો ભવ્ય અને વિસ્તારવાળો ઘૂમટ સૌની દૃષ્ટિએ પડ્યો. તેની અંદરનું શિલ્પકામ સ્વામીજી બારિકાઇથી તપાસવા લાગ્યા. ત્યાં ઉભેલી એક બાઈ તેમને કહેવા લાગી કે “આ બધા ભારે ખર્ચને માટે સ્વામીજી તમે શું ધારો છો ! દેવાલયની શોભા વધારવાને આટલો બધો ખર્ચ કરવો એ કેવું ! હજારો ભૂખે મરતાં મનુષ્યોને તેમાંથી ખાવાનું મળે.” સ્વામીજીએ એકદમ જવાબ આપ્યો: “ઇશ્વરને માટે જેટલો ખર્ચ કરીએ તેટલો ઓછોજ છે. આ બધો ભપકો ક્રાઇસ્ટ જેવા મહાપુરૂષના ચારિત્રની ભવ્યતા દર્શાવે છે. તેનાથી લોકો ક્રાઈસ્ટના ચારિત્ર્યની મહત્તા સમજે છે. ક્રાઈસ્ટની પાસે એક પાઈ પણ નહોતી, પણ તેણે પોતાના ચારિત્રના પ્રભાવથી માનવજાતિને આવી ભવ્ય કળાનું ભાન કરાવેલું છે. છતાં આપણે ધ્યાનમાં રાખવું જોઇએ કે બાહ્ય વસ્તુઓ જેટલે અંશે માનસિક પવિત્રતા ઉત્પન્ન કરે છે તેટલે અંશેજ તે અગત્યની છે; જીવનનું સૌંદર્ય જો તે દર્શાવી શકે નહિ તો તેમનો નાશજ કરો.” વળી નાતાલના દિવસોમાં તે એક દેવાલયમાં ગયા હતા. તે વખતે ઘણા ઠાઠથી ધાર્મિક ક્રિયા ત્યાં કરવામાં આવતી જોઇને સ્વામીજી બોલી ઉઠ્યા: “શા માટે આ બધો ઠાઠ અને ડોળ કરવોજ જોઇએ જે દેવાલય આ પ્રમાણે ઠાઠ કરે તે જિસસ ક્રાઈસ્ટનું અનુયાયી છે એમ કેમ કહેવાય ! જીસસ ક્રાઈસ્ટ પાસે તો એક પાઈ પણ નહોતી અને પોતાનું માથું મૂકવા જેટલી જગ્યા પણ નહોતી.” ખરેખર, ધાર્મિક ક્રિયાઓનો બાહ્ય ભપકો અને તેમનું આંતર્ રહસ્ય એ બંને વચ્ચે સ્વામીજી મોટો ભેદ જોતા. સેંટ પીટરના દેવાલયમાં જે ભપકો તેમણે જોયો તેની અને વેદાન્તની સંન્યાસ ભાવનાની તુલના તે કરતા. વેદાન્તીની ત્યાગવૃત્તિ, એકાન્તવાસ અને આત્મદર્શન એ સર્વે પરબ્રહ્મની પ્રાપ્તિમાં ઉપકારક છે એમ તે માનતા. સ્વામી વિવેકાનંદે જો સંસારનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહ્યો હોત નહિ અથવા ખ્રિસ્તી ધર્મગુરૂઓની માફક ભપકાદાર વસ્ત્રોને ધારણ કરવાનો શોખ રાખ્યો હોત તો તેઓ આવી રીતે જગતના મહાન ઉપદેશક બની શકત નહિ.

 સ્વામીજી જેવા રસજ્ઞ અને વિશાળ હૃદયના મનુષ્યને રોમમાં ઘણું જોવાનું અને જાણવાનું મળ્યું. રોમન પ્રજાનું ઐહિક અને ધાર્મિક જીવન, તેના આચાર વિચાર, રોમન દેવાલયોમાં થતી ધાર્મિક ક્રિયાઓનો ઠાઠ અને તેનો ગંભીર દેખાવ, સર્વેને સૂક્ષ્મ દૃષ્ટિથી તેઓ અવલોકવા લાગ્યા. રોમનું પ્રાચીન ગૌરવ અને કળા જોઈને સ્વામીજીને અત્યંત આનંદ થયો. રોમનો ગંભીર દેખાવ અને ભવ્યતા સ્વામીજીના હૃદયની ગંભીરતા અને ભવ્યતાને ઘણાંજ અનુકુળ થઈ રહ્યાં હતાં.

સ્વામી વિવેકાનંદનું જીવન નવું અને જુનું, પ્રાચીન અને અર્વાચીન, બંનેની વચમાં વહી રહ્યું હતું. જુની શ્રેષ્ઠ ભાવનાઓના ભવ્ય પાયા ઉપર નવીન ભાવનાઓ રૂપી ઈમારતને ચણવાનું કાર્ય તે કરી રહ્યું હતું. એ બંનેનું અપૂર્વ સંમેલન કરવામાં તેમણે અતિ વિશાળ બુદ્ધિ વાપરેલી છે. બંનેની વચ્ચે ઉત્તમ માર્ગ તેમણે કહાડી બતાવેલો છે; તેથીજ વિવેકાનંદને ભારતના સર્વ સુધારકો અને દેશોદ્ધારકોમાં શ્રેષ્ઠ પદ મળેલું છે. રોમની પ્રાચીન સંસ્કૃતિએ યૂરોપના અર્વાચીન વિચારો ઉપર ભારે અસર ઉપજાવેલી છે.

સ્વામીજી અને તેમના શિષ્યો હવે નેપલ્સ ગયા. વિસુવિઅસ પર્વત ઉપર તે ચ્હડ્યા. બીજે દિવસે તેઓએ પૉમ્પીની મુલાકાત લીધી. પછીથી પાછા નેપલ્સમાં આવીને તે સ્ટીમરમાં બેઠા. તેમાં બેઠા પછી સ્વામીજી બોલી ઉઠ્યા: “હવે હિંદુસ્તાન આવશે ! મારૂં ભારતવર્ષ આવશે !”

સ્ટીમરમાં બેઠા પછી એક વિચિત્ર બનાવ બન્યો. સ્ટીમર એડનથી ઉપડીને કોલંબો જતી હતી. બે ખ્રિસ્તી મિશનરીઓ તેમાં ઉતારૂઓ તરીકે હતા. સ્વામીજી જોડે તેઓ વાતચીત કરવા લાગ્યા. ખાસ કરીને હિંદુ ધર્મની ખ્રિસ્તી ધર્મ સાથે તુલના કરવી અને હિંદુ ધર્મ ઉપર સખત ટીકા કરવી એ તેમનો ઇરાદો હતા. તેઓ વાદવિવાદ કરવા લાગ્યા. ઘણા પાદરીઓ કરે છે તેમ પોતાની ધર્માંધતા તેઓ દર્શાવવા લાગ્યા; પરંતુ સ્વામીજી સાદા શબ્દોમાં જ તેમને જવાબ આપતા હતા. આમ છતાં જ્યારે વાદવિવાદમાં તેઓ હારી ગયા ત્યારે તેમનું વર્તન અસભ્ય બની રહ્યું. હિંદુઓની અને હિંદુ ધર્મની તેઓ નિંદા કરવા મંડી પડ્યા. તેમની અસભ્યતા એટલી બધી વધી ગઈ કે સ્વામીજીથી હવે વધારે વાર તે સહન થઈ શકી નહિ. તેઓ એકદમ ઉભા થઈને એક મિશનરીની પાસે ગયા અને તેના ગળાનો કૉલર પકડીને જરા કરડી નજરથી બોલ્યા કે, “જો તમે તમારી હલકટ ગાળો અને જુઠી નિંદા હવે વધુ ચલાવશો તો તમને દરિયામાંજ ફેંકી દઈશ !” સ્વામીજીનો કરડો દેખાવ જોઈને પેલો મિશનરી થર થર ધ્રુજવા લાગ્યો અને કહેવા લાગ્યો કે; “સાહેબ, મને જવા દ્યો; હું ફરીથી એવું કરીશ નહિ.” તે દિવસથી પેલો મિશનરી સ્વામીજી તરફ માનની લાગણીથી જોવા લાગ્યો અને માયાળુતાથી પોતાના સભ્ય વર્તનનો બદલો વાળવા લાગ્યો.

કલકત્તામાં એક શિષ્ય જોડે વાત કરતાં સ્વામીજી બોલ્યા હતા કે “હિંદમાં સઘળાં કાર્યોનું કેન્દ્રસ્થાન ધર્મજ હોવો જોઈએ, હિંદમાં જે વીરતાના જુસ્સાની જરૂર છે તે પણ ધર્મભાવનાની જાગૃતિ વગર આવવો અશક્ય છે.” સ્વધર્મ પ્રત્યે મનુષ્યનો ભાવ કેવો જોઈએ તે સમજાવતાં તે બોલ્યા હતા કે, “મારા વ્હાલા શિષ્યો ! કોઈ મનુષ્ય તમારી માનું અપમાન કરે તો તમે શું કરો ?” શિષ્યે જવાબ આપ્યો “બાપજી, હું તેને પકડું અને શિક્ષા કરૂં.” સ્વામીજીએ કહ્યું કે “એજ પ્રમાણે જો તમારા હૃદયમાં સ્વધર્મને માટે સાચી લાગણી હોય તો તમે એકે હિંદુને ખ્રિસ્તી થવા દ્યો નહિ. પણ તમારા દેશમાં તો તે હમેશાં ચાલુ છે ! તમે તે તરફ બેદરકારજ છો ! ભાઈ, તમારો ધર્મ ક્યાં રહ્યો છે ! ક્યાં છે તમારી શ્રદ્ધા ! ક્યાં છે તમારું સ્વદેશાભિમાન ! તમારી દૃષ્ટિ આગળજ ખ્રિસ્તીઓ તમારા ધર્મને નિંદે છે, તોપણ તમારામાંના કેટલાનું લોહી તેથી તપે છે !”

હવે આઘેથી સિલોનનો કિનારો જણાવા લાગ્યો. નાળીએરીનાં ઝાડથી છવાયલું કોલંબો બંદર દૃષ્ટિએ પડવા લાગ્યું. તેને જોઈને સ્વામીજીને જે આનંદ થયો, તેવો આનંદ સ્ટીમરમાં બીજા કોઈને ભાગ્યેજ થયો હશે. સ્વામીજીના હર્ષનો પાર રહ્યો નહિ. બંદર ઉપર હજારો માણસો એકઠાં થયાં હતાં. હિંદમાં પાછા સ્વામીજી આવે છે એવી ખબર આખા હિંદુસ્તાનમાં પ્રસરી રહી હતી. હિંદુઓ મહાન સંન્યાસીને માન આપવાને સર્વત્ર તૈયારી કરી રહ્યા હતા; કારણકે સ્વામીજી હિંદુ ધર્મના રક્ષક હતા, એટલુંજ નહિ પણ તેમના પ્રયાસથીજ ભારતવર્ષ પાશ્ચાત્યની દ્રષ્ટિમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી રહ્યું હતું.

ખ્રિસ્તી મિશનરીઓએ પાશ્ચાત્યોને એવુંજ અત્યાર સુધી સમજાવ્યા કર્યું હતું કે હિંદ અજ્ઞાન અને દુષ્ટ રિવાજોથી ભરપુર દેશ છે. મિશનરીઓના આવા અવળા બોલનાં જે અનેક પડ તેમના હૃદયપર ચ્હડી ગયાં હતાં તે સઘળાં ભૂસી નાંખીને ભારતવર્ષનો સત્ય ખ્યાલ તેમના મનમાં ઠસાવવો, એટલું જ નહિ પણ હિંદનું પ્રાચીન ગૌરવ સમજાવી ભારતવર્ષ સકળ માનવજાતિનો ગુરૂ થવાનેજ સરજાયું છે એમ તેમની ખાત્રી કરી આપવી; એ કાર્ય કંઈ નાનું સુનું નહોતું. તે મહત્‌ કાર્ય સ્વામીજીએ ઘણીજ હોશિઆરીથી બજાવ્યું હતું. એવા એક અપ્રતિમ કર્મવીર અને દેશભક્તને સમસ્ત ભારત માન આપી રહે એમાં આશ્ચર્ય શું ?

હિંદમાં સ્વામી વિવેકાનંદનું પુનરાગમન, ભારતવર્ષના અર્વાચીન ઇતિહાસમાં એક અતિ અગત્યનો અને ભવ્ય બનાવ હતો; કારણકે અર્વાચીન ભારતે કોઈ પણ વ્યક્તિને કદીએ માન આપ્યું નહિ હોય એવું અપ્રતિમ માન સ્વામી વિવેકાનંદને આપ્યું હતું, સ્વામી વિવેકાનંદના કાર્યથી ભારતવાસીઓમાં એક પ્રકારનો નવીન જુસ્સો વ્યાપી રહ્યો હતો. હિંદુઓ તેમને તેમના જુના પુરાણા પણ અત્યંત તિરસ્કરાયેલા ધર્મના પુનરોદ્ધારક ગણતા હતા. તેમના બોધથી હિંદુ ધર્મનું ખરું સ્વરૂપ ભારતવાસીઓ સમજવા લાગ્યા હતા અને તે સમજવાની સાથે તેમનામાં સ્વાભિમાન અને સ્વશક્તિનું ભાન પ્રગટ થઈ રહ્યાં હતાં. હિંદુધર્મ સર્વે ધર્મોની જનની છે, તેના સેવનથી પ્રાચીન ઋષિઓ મહત્ કાર્યો કરવાને શક્તિમાન થયા હતા અને તેજ ધર્મના સેવનથી તેજ ઋષિઓના વંશજો અમે–ભારતવાસીઓ મહત્ કાર્યો કેમ ન કરી શકીએ ? એવી પ્રબળ ભાવના દરેક હિંદુના મનમાં ખડી થઇ રહી હતી. ત્રણ વર્ષથી ભારતની પ્રજા જોઈ રહી હતી કે સ્વામી વિવેકાનંદ હિંદુઓના પ્રાચીન ધર્મને પાશ્ચાત્ય પ્રજાઓ આગળ સમજાવી રહેલા છે; તેમની અસાધારણ શક્તિના પ્રહાર આગળ વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતો પણ બળહીન થઈ રહેલા છે. અદ્વૈતવાદ એક મજબુત ખડક જેવો છે. તેને આધુનિક વિચારો રૂપી અનેક વહાણો અથડાય છે, છતાં તેની એક રજ પણ ઉખાડી શકતાં નથી અને ઉલટાં તે પોતેજ ભાંગી જાય છે. અમેરિકાનું એક વર્તમાનપત્ર ઠીકજ કથી રહ્યું હતું કે;– “સ્વામીજીની સાથે વાદ કરવાની હિંમત કરનારના તો ભોગજ મળતા ! કોઈ મનુષ્ય એક વસ્તુને જેમ ભાલા ઉપર ઉછાળે તેમ વાદ કરનારના વિચારોને સ્વામીજી તેમના બુદ્ધિ રૂપી પ્રકાશિત ભાલા ઉપર ઉછાળતા !” સ્વામીજીનાં ભાષણો વાંચીને હિંદના પણ પુષ્કળ સુશિક્ષિત મનુષ્યો સ્વધર્મ પ્રત્યે માનની લાગણીથી જોવા લાગ્યા હતા. સનાતન આર્યધર્મની મહત્તા અને ભવ્યતા હવે તેમની નજરે પડવા લાગી હતી. પાશ્ચાત્યો સ્વામીજીના વૈરાગ્ય, બુદ્ધિ અને સ્વદેશ પ્રીતિનાં જે ભારે વખાણ કરી રહ્યા હતા તેને લીધે સમસ્ત ભારતવર્ષ સ્વામીજી તરફ ભક્તિભાવથી જોઈ રહ્યું હતું.

વિવેકાનંદ લંડન છોડી હિંદ તરફ નીકળી ચુક્યા છે, એવી ખબર આવી કે તરતજ આખા હિંદમાં તેમને માન આપવાની તૈયારીઓ થવા લાગી. તેમના બે ગુરૂભાઈઓ તેમને સામા લેવાને સિલોનમાં આવ્યા અને બીજા શિષ્યો મદ્રાસમાં આવીને રહ્યા હતા. એકદમ સઘળાં વર્તમાનપત્રો સ્વામીજીના કાર્યનાં ભારે વખાણ કરવા લાગ્યાં. તેમના અંગત ગુણોનું વર્ણન આપવા લાગ્યાં. પ્રજાનો જુસ્સો આથી વધતો ગયો; સ્વામીજી તરફની તેની લાગણીમાં ઉમેરો થતો ગયો. પોતાના માનમાં આટલી ભારે તૈયારીઓ થઈ રહેલી છે એમ સ્વામીજીને ખબર નહોતી. કોલંબોમાં આવ્યા પછી જ તેમને માલમ પડ્યું કે આખું ભારતવર્ષ તેમને માન આપવાને તત્પર થઈ રહેલું છે.