સ્વામી વિવેકાનંદ/જન્મ અને બાલ્યાવસ્થા

← ભુવનેશ્વરી સ્વામી વિવેકાનંદ
જન્મ અને બાલ્યાવસ્થા
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
સરસ્વતી દેવીને અર્પણ →


પ્રકરણ ૩ જું – જન્મ અને બાલ્યાવસ્થા.

ઘણા લાંબા વખત સુધી ભુવનેશ્વરી દેવીને પુત્રની પ્રાપ્તિ થઈ નહોતી. ઈશ્વરે તેમને બે પુત્રીઓ આપી હતી પણ પુત્ર પ્રાપ્તિ માટે તે ઘણાં આતુર હતાં. પુત્રની પ્રાપ્તિ માટે કાશી જઇ વીરેશ્વરની પૂજા ભક્તિભાવથી કરવી એમ તેમની ઉત્કટ ઇચ્છા હતી, પરંતુ તેમ બની શક્યું નહિં; તેથી કાશીમાં તેમનાં એક વૃદ્ધ બહેન રહેતાં હતાં. તેમને તેમણે તેમની વતી વીરેશ્વર મહાદેવની રોજ પૂજા અને ભક્તિ કરવાનું લખ્યું. તેમનાં બ્હેન તે પ્રમાણે કરવા લાગ્યાં. હાથમાં લાકડી ઝાલીને તે ગંગા કિનારે જતાં અને ત્યાંથી ગંગાજળ લાવી, પુષ્પ અને બિલ્વ પત્રથી તે રોજ મહાદેવની પૂજા કરતાં. ભુવનેશ્વરીને તેમણે આ ખબર લખી મોકલી અને તેમનો જીવ આશામાં પડ્યો. ઈશ્વર પ્રત્યેની તેમની શ્રદ્ધા અડગ હતી. પ્રત્યેક વાતમાં તે ઈશ્વરની સહાય માગતાં. એક ન્હાનું બાળક જેમ પોતાની માતા પ્રત્યે હર વખત જુવે તેમ તે પ્રભુ પ્રત્યે નમ્ર હૃદયે જોતાં અને પુત્રને માટે પ્રાર્થના કર્યા કરતાં દિવસો વ્યતીત થવા લાગ્યા. તેમનો અંતરાત્મા પ્રસન્ન દેખાવા લાગ્યો. તેમનું ચિત્ત કાશીમાં થતી પૂજામાં પરોવાયલું રહેવા લાગ્યું. તેમના વિચાર કાશીમયજ બની ગયા. તેમનું હૃદય શિવમંદિર થઈ રહ્યું ! મનમાં તેમને ભાસ થવા લાગ્યો કે વિરેશ્વર તેમની અરજ જરૂર સાંભળશે ! તેમણે વધારેને વધારે શ્રદ્ધા, ભક્તિથી પ્રાર્થના કરવા માંડી. જેમ ગૌરાંગ પ્રભુને જગન્નાથપુરીના વિચારમાં ભાવસમાધિ થઈ જતી હતી, તેમ તેમને પણ ઘરનું કામ કરતે કરતે વિરેશ્વરના સ્મરણમાં ભાવ સમાધિ થઈ જતી અને તે સ્તબ્ધ બની જતાં. તે વખતે તેમની પાસે રહેલાં કુટુંબનાં મનુષ્યો હાલમાં કહે છે કે, તે સમયમાં આખા ઘરમાં ભક્તિભાવની ઉત્તમ પ્રભા છવાઈ રહેતી હતી. તેઓ તેનું કારણ સમજતાં નહિ; પરંતુ ભુવનેશ્વરી માતા એક સાધ્વી બની રહ્યાં છે એટલુંજ માત્ર તે જાણતાં, વારંવાર ભુવનેશ્વરીનો આત્મા કાશી તરફ વળતો અને તેમનાં વૃદ્ધ બ્હેન “વિરેશ્વર ઉપર જળધારા કરતાં હશે અને પુષ્પમાળા સમર્પતાં હશે” એવા એવા વિચાર મનમાં આણી, ચાલતે અગર કામ કરતે એકદમ વિરેશ્વરના ધ્યાનમાં તેઓ મગ્ન બની જતાં.

याद्रशी भावना सिद्धिर्भवती ताद्रशी । માનસશાસ્ત્રનો નિયમ છે કે શુદ્ધ સાત્વિક હૃદયની ભાવના સ્થૂલરૂપે પ્રત્યક્ષ થાય છેજ. યોગ્ય સમય વીત્યા બાદ ભુવનેશ્વરી દેવીને પુત્રનો પ્રસવ થયો. સને ૧૮૬૩ ના જાન્યુઆરી માસની તે બારમી તારીખ હતી. હિંદુઓનો પૌષ માસ, મકરસંક્રાંતિનો દિવસ અને સોમવાર હતો. સવારના સાડા પાંચ વાગે બાહ્ય મુહૂર્તમાં ભુવનેશ્વરી દેવીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. નવા જન્મેલા બાળકનો ચહેરો તેના દાદા દુર્ગાચરણને મળતો છે એમ સર્વ કહેવા માંડ્યાં. “શું પોતાનો યોગ સંપૂર્ણ કરવાને ફરીથી જન્મ લઈને દુર્ગાચરણ તો નહિ આવ્યા હોય !” એમ સઘળાંને લાગ્યું. તેનું નામ પાડવાનો સમય આવ્યો. તે વિષયમાં વાદવિવાદ થવા માંડ્યો. આખરે ભુવનેશ્વરી દેવી બાળકની આંખો સૂક્ષ્મ દૃષ્ટિથી નિહાળીને બોલી ઉઠ્યાં. “તેનું નામ ! એને વીરેશ્વર કહીને બોલાવજો.” વીરેશ્વર મહાદેવના પ્રસાદથી તેનો જન્મ થયો હતો તેથી તેનું નામ વીરેશ્વર પાડવામાં આવ્યું. તે જ્યારે નિશાળે જતો થયો ત્યારે તેનું નામ ફેરવીને તે નરેન્દ્રનાથ – મનુષ્યોના રાજાનો રાજા રાખવામાં આવ્યું.

આ પ્રમાણે ઇશ્વરપરાયણ અને પ્રૌઢ વિચારવાળી માતા, બુદ્ધિશાળી પિતા અને વૈરાગ્યશીલ પિતામહથી ઉતરી આવેલી ઉચ્ચ ભાવનાઓવાળા કુટુંબમાં આપણા ચરિત્ર નાયકનો જન્મ શુભ દીવસે અને અત્યંત શુભ ચોઘડીયે થયો હતો. કહેવત છે કે ‘ત્રીજી પેઢી તારે ડૂબાડે !’ દાદાના ગુણ ત્રીજી પેઢીએ ઉતરે છે. સ્વાભાવિક નિયમ છે કે માબાપના ગુણ છોકરાંમાં અવશ્ય ઉતરીને આવે છે. આ બાળકની બાબતમાં તેમજ થયું. દાદાની વૈરાગ્યવૃત્તિ, પોતાની ઉદારતા અને વિશાળ બુદ્ધિ તેનામાં ઉતરી આવ્યાં હતાં; પણ ભુવનેશ્વરી દેવીએ તેમાં આપેલો હિસ્સો અલૌકિક હતો ! તીવ્ર સ્મરણશક્તિ, ધાર્મિકતા, રામાયણ મહાભારતાદિની ઉત્તમ ભાવનાઓ, સ્વાભિમાન અને હિંદના પ્રાચીન ગૈારવનું ભાન–એટલું તો બાળકને ભુવનેશ્વરી દેવીએજ તેને અર્પેલું હતું, કે જે અપૂર્વ બક્ષિસને લીધેજ નરેન્દ્રસ્વામી વિવેકાનંદ એક અસાધારણ વ્યક્તિ તરીકે પૂજાયા હતા.

બાળકે ત્રણ વર્ષ પુરા કર્યાં ત્યાં સુધી તે ઘણા જક્કી સ્વભાવનું હતું. પોતે ધાર્યું હોય તેજ કરવાને તે મથતું, માતા તેને ધમકાવતાં અને બીક બતાવતાં; પણ તે કશાને ગાંઠે નહિ. આખરે તેને તે પાણીના નળ પાસે બેસાડતાં અને તેના ઉપર નળનું પાણી છોડી મૂકતાં અને બહુ કંટાળે ત્યારે બરબડતાં કે, “શિવ ! શિવ ! મેં પુત્રને માટે પ્રાર્થના કરી અને તેમણે તો મને એક રાક્ષસ આપ્યો !” વળી બાળકને જાણે કે તે કહેતાં હોય તેમ તે બોલે કે, “તું જો સારી પેઠે નહિ વર્તે તો શિવજી તને કૈલાસમાં પેસવા નહિ દે.” વૃદ્ધાવસ્થામાં ભુવનેશ્વરી દેવી પોતાના પુત્રના યૂરોપિયન શિષ્યો પાસે આ બધી વાતો કરતાં અને કોઈ શિષ્ય આતુર થઈને પૂછે કે, “શું તે તમને ત્રાસ આપતા હતા?” તો માતા હસતે વદને જવાબ આપતાં.” અરે ! તેની સંભાળ રાખવાને માટે મારે બે બાઈઓ રાખવી પડતી હતી.”

બાલ્યાવસ્થામાંથી જ પુત્રની સ્મરણશક્તિ વિશેષ માલમ પડતી હતી. કારણ કે તેનો એક સગો કે જે સંસ્કૃતનો પંડિત હતો તે તેને રાતે સુતી વખતે અમરકોશના કેટલાક શ્લોકો મ્હોડે કરાવતો હતો અને બાળક તે શ્લોકોને થોડા જ સમયમાં કંઠે કરી નાખતું અને આથી કરીને એમ કહેવામાં આવે છે કે, જ્યારે બાળક છ વરસનું થયું ત્યારે લગભગ અર્ધો અમરકોશ તે મોંએ બોલી જતું હતું !

આ અવસ્થામાં પણ પવિત્રતા અને ભક્તિ તરફ તેનું મન આકર્ષાતું અને ધાર્મિક ક્રીયાઓ કરવાને તે આતુર બની જતું. નિશાળેથી પાછા ફરતાં રસ્તામાં તે મુક્તિફોજના માણસોને જતા જુએ તો પુસ્તકોને રસ્તામાં ફેંકી દઈ તેમની પાછળ એક ગાંડા માણસની માફક તે જાય. સાધુ, વૈરાગીને માટે તે અત્યંત પ્રેમ દર્શાવતું અને ભિક્ષા માગવાને માટે જો કોઈ સાધુ તેને ઘેર આવે તો તેને પોતાનું પહેરેલું કપડું પણ તે આપી દેતું. એક વખત તેને નવી ધોતી પહેરાવવામાં આવી હતી. એક સંન્યાસી “નારાયણ હરિ ! નારાયણ હરિ !” બોલતો બોલતો ઘર પાસે આવ્યો. નરેન્દ્રના હર્ષનો પાર રહ્યો નહિ. સાધુએ એક કપડાની ઈચ્છા દર્શાવી. તરતજ નરેન્દ્રે પોતાની નવી ધોતી તેને કહાડી આપી. આથી કરીને કોઈ સાધુ બારણા આગળ આવે તો ભુવનેશ્વરી દેવી નરેન્દ્રને કલાકના કલાક સુધી ઘરમાં પુરી રાખતાં અને આંગણે આવેલા સાધુથી તેને દૂર કરી દેતાં, પણ આથી બાળક રોકાતું નહિ. ઘરમાં પુરી રાખવામાં આવે ત્યારે મેડી ઉપર ચઢી બારીઓ અને જાળીઆમાંથી જે પણ વસ્તુ હાથમાં આવે તેને તે સાધુ તરફ ફેંકતો !

ભુવનેશ્વરી દેવી શ્રીરામ અને સીતાની કથા દરરોજ નરેન્દ્રને કહેતાં. તે ઘણા ઉલ્લાસથી આખી કથા સાંભળતો. ભુવનેશ્વરી દેવી અને આખું કુટુંબ શ્રીરામ અને સીતાની પ્રતિમાઓની પૂજા, ચંદન અને પુષ્પ વડે રોજ કરતાં. આ બધું નરેન્દ્ર પ્રત્યક્ષ નિહાળતો. આથી નરેન્દ્રને પણ શ્રીરામની પૂજા કરવાનું મન થયું. માતાએ તેને તે બાબતમાં જરા જરા દોર્યો હતો. પોતાના એક બ્રાહ્મણ મિત્રની સાથે બજારમાં જઈને તે રામ–સીતાની એક મૂર્તિ લઈ આવ્યા. ઘરમાં ત્રીજે માળે એક ન્હાની ઓરડીમાં તે બંને જણ ગયા અને બારણાં બંધ કરી દીધાં. પેલા બ્રાહ્મણ મિત્રે મૂર્તિની સ્થાપના કરાવી અને નરેન્દ્રે તે કરી અને બંને જણ શ્રીરામ અને સીતાનું ધ્યાન ધરવા લાગ્યા. તેઓએ આંખો મીંચી દીધી અને એટલા બધા લીન થઈ ગયા કે કલાકના કલાક વીતી ગયા પણ તે ઉઠ્યા નહિ, રાત્રિ પડી જવા આવી અને કુટુંબના માણસોએ શોધ ખોળ કરી મુકી. કોઈને સુઝી આવ્યું કે ત્રીજો માળ જુવો ! ત્રીજા માળનાં બારણાં બંધ ! હવે શું કરવું ? દ્વારને કુહાડી વતી ચીરવામાં આવ્યાં ! પેલો બ્રાહ્મણનો છોકરો એકદમ ન્હાસી ગયો પણ નરેન્દ્ર પૂર્ણ ધ્યાનમાં હતો. અહો ! બાલ્યાવસ્થાનું ધ્યાન ! ધ્રુવ અને પ્રલ્હાદનાં અકલુષિત હૃદયો ! શુકદેવનું અચલિત ધ્યાન ! ન્હાનપણમાં ચિત્ત નિર્મળ હોય છે અને અડગ શ્રદ્ધાથી ભરપુર હોય છે. નરેન્દ્રની બાબતમાં પણ તેમજ થયું હતું. માણસોએ તેને બોલાવ્યો હલાવ્યો, પણ તે હાલ્યો નહિ; છેવટે બોલ્યો ત્યારે “મને બેસી રહેવા દ્યો” એટલું જ બોલ્યો ! સર્વે પાછાં નીચે ગયાં અને આ બાળયોગીને તેનું ધાર્યું કરવા દીધું.

એક બાજુએ જોતાં નરેન્દ્રમાં સાધુતાનાં બીજ નજરે પડતાં અને બીજી બાજુએ તપાસતાં બચપણની દોડકૂદ અને મસ્તીમાં તે મશગુલ જણાતો. તેની મોટી બ્હેનોને તે વારંવાર ચીઢવતો અને “મને પકડાય છે?” એમ કહેતો કહેતો એવો ન્હાસતો કે તેમના હાથમાં આવતો નહિ. ઘરની ગાય તેને અત્યંત વ્હાલી હતી. તેની બ્હેનો ગૌપૂજન કરે ત્યારે તે પુષ્પ વગેરે લાવવા લાગતો. વળી એક વાંદરો, એક બકરો, એક મોર, થોડાંક કબુતરો અને બે ત્રણ ધોળા ઉંદરો તે ઘરમાં રાખતો. તેમને પોતાને હાથે ખવરાવતો અને વારંવાર તેમની જોડે રમતો. આ પશુ પ્રીતિ તેના હૃદયમાંથી મરતાં સુધી ખશી નહોતી. રસ્તામાં જતી ગાડીઓની લાંબી હાર જોવાનો તેને અત્યંત શોખ હતો. વારે ઘડીએ ઘરમાંથી તે ન્હાસી જાય અને બજારમાં ઉભો ઉભો ગાડીઓને તે જોયા કરે ! ગાડી ઉપર બેઠેલા ગાડીવાનો, તેમના હાથમાં ઝાલેલી ચાબુકો, તેમનો નિસ્પૃહી સ્વભાવ અને તેમનું એકાદ ગીતનું લલકારવું આ સઘળું તેને અત્યંત પ્રિય થઈ પડતું. એક દિવસ ગાડીમાં બેઠે બેઠે વિશ્વનાથે તેની આવી પ્રીતિ જોઈ અને સવાલ કર્યો : “મારા દિકરા, તું મોટો થઇશ ત્યારે કોણ થઇશ ?” નરેન્દ્રે જવાબ આપ્યો : “અલબત, ગાડીવાન !” કેવો બાળકનો નિર્દોષ સ્વભાવ ! જે વાત હાથમાં ધરવી તે વાતમાં તદ્દપ બની તેનેજ શ્રેષ્ઠ માનવી અને મનાવવી ! આ સ્વભાવને લીધેજ નરેન્દ્ર મોટો થયો ત્યારે પણ તે જે જે વિષયને હાથમાં ધરતો તે તે વિષયના શ્રેષ્ઠપણાનું ભાન સર્વને કરાવતો.