← કુલ વૃત્તાંત સ્વામી વિવેકાનંદ
ભુવનેશ્વરી
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
જન્મ અને બાલ્યાવસ્થા →


પ્રકરણ ૨ જું – ભુવનેશ્વરી.

વિશ્વનાથની પત્ની – વિવેકાનંદની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તે વિચારવંત, ધૈર્યશીલ અને દેખાવમાં ભવ્ય હતાં. અપવાસ, વ્રતાદિ તે બહુ કરતાં અને અત્યંત ધર્મિષ્ઠ હતાં. સવારે વહેલાં ઉઠીને તે પૂજા, પાઠ કરતાં અને સાંજે પણ ઇશ્વર સ્મરણમાં કેટલોક વખત ગાળતાં. પોતાની તીવ્ર સ્મરણ શક્તિને માટે તે ઘણાં પ્રખ્યાત હતાં. બપોરે ઘરનું કામ પરવાર્યા પછી રામાયણ, મહાભારતાદિ ગ્રંથો તે વાંચતાં હતાં અને તે એટલે સુધી કે તેમાંનાં કાવ્યોના મોટા મોટા ફકરાઓ તેમને કંઠે થઈ ગયા હતા. તેમની યાદદાસ્ત એટલી જબરી હતી કે જો તેમની આગળ એકજવાર એક ગીત બોલવામાં આવે તો તે તેના રાગ, શબ્દો અને ઢાળ એકી વખતેજ ગ્રહણ કરી લેતાં. જીવનના ઘણાખરા પાછલા દિવસો તેમણે જાત્રાનાં સ્થળોમાંજ ગાળ્યા હતા. કુંતાની માફક દુઃખમાં ધૈર્ય ધરવું અને વિપત્તિ સમયે ઈશ્વરમાં શ્રદ્ધા રાખી નીતિ અને ધર્મમાં જરા પણ શિથીલ ન થતાં હિમ્મતથી દુઃખ સામે થવું અને વખત આવે હિંદુ સ્ત્રીઓને યોગ્ય પુરૂષાર્થ દાખવવું એ આ મહાન સ્ત્રીના ખાસ ગુણો હતા. તેમનું બોલવું, ચાલવું એક રાજાની રાણી માફક દેખાતું હતું. અલબત્ત તે એક રાણીજ હતાં. કારણ કે તેમના પતિ–વિશ્વનાથનું જીવન એક રાજા જેવુંજ હતું. હિંદુ સંસારની જાજ્વલ્યમાન પણ બુદ્ધિશાળી, અત્યંત પવિત્ર અને ધમિષ્ઠ, ગંભીર અને ઉચ્ચશૈલીની ગૃહિણીઓ કે જે સર્વદા ગૃહમાં પ્રમુખપદે બિરાજે છે અને રાણી તરીકે ગૃહરાજ્ય કરે છે તેમનાં દર્શન અને સત્સંગ કરવાને જેઓ ભાગ્યશાળી થયા હોય એવા માણસોનેજ ભુવનેશ્વરીના ચારિત્રનો ખ્યાલ આવી શકશે. પ્રભુપરાયણ, વીર, વિદુષી આર્યલલનાઓનાં દૃષ્ટાંતો જેમની દૃષ્ટિ આગળ ખડાં હશે તેમનેજ તે સમજાશે.

ભુવનેશ્વરી દેવીમાં જાહેર હિંમતનો પણ ગુણ હતો. પતિના મરણ પછી કુટુંબ ઉપર એકવાર રાજદ્વારી આફત આવી પડી હતી. તે વખતે આ પ્રૌઢ વિચારની સ્ત્રીએ પરદાનો ત્યાગ કરી, બહાર નીકળી પોતાના વક્તૃત્વ અને ચારિત્રના પ્રભાવથી પોતાનો બચાવ કર્યો હતો. સર્વદા તે પરદો પાળતાં પણ વખત આવે તેનો ત્યાગ પણ કરતાં. પરદામાંજ તેમણે પોતાની બુદ્ધિને ખીલવી હતી, પરદામાંજ તેમણે પોતાનું ચારિત્ર્ય ઘડ્યું હતું અને પરદામાં રહીને જ તેમણે વિવેકાનંદ જેવા અસામાન્ય પુત્રને કેળવી જગતને પોતાના પ્રતિબિંબરૂપે વારસામાં આપ્યો હતો.

પરદામાં રહ્યે રહ્યે પણ આર્યલલના શું શું કરી શકે તેનું ભુવનેશ્વરી દેવી એક જ્વલંત દૃષ્ટાંત છે. સ્વભાવે તે આનંદી હતાં. તેમનો બાહ્ય દેખાવ દમામવાળો જણાતો પણ તેમની આંતર્વૃત્તિ શ્રદ્ધાળુ, દયાળુ અને ઘણીજ નમ્ર હતી. જ્યાં જ્યાં જાય ત્યાં અન્ય સ્ત્રીઓ તેમને માર્ગ આપતી અને તેમના પ્રૌઢ વિચારોને ગ્રહણ કરતી. આ હિંદુ સ્ત્રીના મુખ ઉપર સૌંદર્ય, ગાંભીર્ય અને સત્તાની સાધારણ પ્રભા છવાયેલી રહેતી. જીંદગીના પાછલા દિવસો તેમને દારિદ્ર્યમાં ગાળવા પડ્યા હતા, છતાં તેમના મુખ ઉપરથી એ પ્રભા જરા પણ ઘટી નહોતી. એમની સંનિધિમાં બેસનારને જાણે કે તે કોઈ સાધ્વી રાણીની પાસે બેઠો હોય તેમ ભાસ થતો. રામાયણ, મહાભારતાદિ જે આર્યગ્રંથો આર્યજાતિની ઉત્કૃષ્ટ ભાવનાઓ, ચારિત્ર્ય અને શિક્ષણથી ભરપુર છે તે આ આર્યમહિલા ભુવનેશ્વરી દેવીને કંઠાગ્ર હોવાથી તેમાંના ઉત્તમ આદર્શો, ભાવનાઓ અને આર્યગૌરવનો ઝરો તેમના હૃદયમાં સ્વાભાવિક રીતે વહ્યાજ કરતો અને તે એવા ભાવ અને જુસ્સાથી વહેતો કે તેમના સમાગમમાં આવનારને તરબોળ કરી મૂકતો અને તેની ઊંડી છાપ તેના હૃદયમાં સદાને માટે પડી રહેતી. આર્યગ્રંથોના ફકરાને ફકરા પ્રસંગ આવતાં તે મ્હોડે બાલી જતાં અને તેમના સમાગમમાં આવનારને તેનો પાસ સચોટપણે લાગી જતો. આ વિચારોનો ખજાનો તેમણે તેમનાં છોકરાંને અમૂલ્ય વારસા તરીકે આપ્યો છે. સ્વામી વિવેકાનંદના ચારિત્રમાં પણ માતાએ અર્પેલો આ અમૂલ્ય વારસો, જાતિ અભિમાન અને જાતિગૌરવ સ્પષ્ટપણે દેખાતાં હતાં. અમેરિકામાં વેદાન્તનો બોધ કરતાં વિવેકાનંદ જે અનેક કથાઓ દૃષ્ટાંતરૂપે કહેવાને ભાગ્યશાળી થયા હતા, તે સર્વ કથાઓ – તેના શબ્દો – તે કહેવાની શૈલી તેઓ આર્યમાતા ભુવનેશ્વરીના ખોળામાંજ શિખ્યા હતા ! અને શિકાગોની સર્વ ધર્મ પરિષદ્‌માં પહેલેજ દિવસે જે છટાથી દસ હજાર પરદેશીયોનાં મન હરી શક્યા હતા, તે છટામાં પણ ભુવનેશ્વરી દેવીનોજ હાથ હતો ! ભુવનેશ્વરી દેવી જો ન હોત તો વિવેકાનંદનો એ વિજય અપૂર્ણજ રહ્યો હોત ! આર્યમાતા આથી વધારે શું કરી શકે ? કુટુંબને શિક્ષણ આપવું અને તેનું ચારિત્ર ઘડવું એ પવિત્ર ફરજ આર્યમાતાની છે. ભુવનેશ્વરી દેવીએ કોલેજ અગર હાઇસ્કુલમાં શિક્ષણ લીધા વગર તે પવિત્ર ફરજ પૂર્ણપણે બજાવી છે એમ સ્વામીજીના જીવન ઉપરથી કહી શકાય ! ધન્ય છે એ માતાને !