← પ્રવાસી સાધુ સ્વામી વિવેકાનંદ
પાવરી બાબા
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
હિમાલયમાં પર્યટણ →


પ્રકરણ ૨૫ મું-પાવરી બાબા.

ગાઝીપુરમાં પાવરી બાબા કેવું અદ્ભુત જીવન ગાળી રહ્યા હતા ! એક વખત આખા હિંદમાં મહાપુરૂષોની શોધ કરતાં કેશવચંદ્રસેને આ યોગી વિષે સાંભળ્યું અને તેમનાં દર્શન કરવાને માટે તે ગયા હતા. દક્ષિણેશ્વરના બાગમાં વિવેકાનંદે તેમની હકીકત જાણી અને કાશીપુરથી તેમનાં દર્શનાર્થે ગયા ત્યારે પાવરી બાબાના જીવનથી તેમના મન ઉપર ભારે અસર થઇ રહી હતી.

આ પાવરી બાબા એક બ્રાહ્મણના પુત્ર હતા. નાનપણમાં તેમને ન્યાય અને વ્યાકરણ શિખવવામાં આવ્યાં હતા. રામાનુજ સંપ્રદાયનાં પુસ્તકોના તેમણે અભ્યાસ કર્યો અને પોતાના પાલકના મૃત્યુ પછી તે સત્યની શોધમાં સ્થળે સ્થળે વિચરવા લાગ્યા. ગિરનાર પર્વત ઉપર તે યોગ શિખ્યા. પછીથી તે બનારસ ગયા અને ત્યાં એક સંન્યાસી પાસે અદ્વૈત-વેદાન્તનો અભ્યાસ કરવા લાગ્યા.

કેટલાંક વર્ષ સુધી સંપૂર્ણ ત્યાગીનું જીવન ગાળ્યા પછી આખરે તે ગાઝીપુરમાં આવીને રહ્યા હતા. અહીં નદીને કિનારે તેમણે પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો. આખો દિવસ તેઓ ધ્યાનમાં રહેતા અને રાત્રે શરીરની ક્રિયાઓ કરવા માટે બહાર નિકળતા. માત્ર લીંબડાનાં થોડાં પાંદડાંનો જ તે દરરોજ આહાર કરતા. કોઈ પણ કામ કરવું તે પ્રભુને માટે જ કરવું એ તેમનો સિદ્ધાંત હતો. લોકો તેમને પવન-અહારી અગર પાવરી બાબા કહેતા. દિવસોના દિવસો અને મહિનાના મહિના સુધી તે પોતાના આશ્રમની ગુફામાં ધ્યાનસ્થ થઈ રહેતા અને લોકો તેમના વિષે કંઈ પણ જાણતા નહીં. આખરે એકાદ દિવસ તે બહાર આવેલા દેખાતા અને તે દિવસે લોકો મોટો ઉત્સવ કરતા.

પાવરી બાબા સર્વત્ર પ્રભુનેજ જોતા ! એમના વિષે એવું કહેવાય છે કે એક દિવસ તેમના આશ્રમમાં રાતે ચોર પેઠો હતો. કેટલાંક વાસણ લઇને તે ન્હાસી જવાની તૈયારીમાં હતો એટલામાં પાવરી બાબા જાગી ઉઠ્યા અને પેલો ચોર વાસણ પડતાં મૂકીને ન્હાસવા લાગ્યો. પેલાં વાસણ લઇને પાવરી બાબા દોડતા દોડતા તેની પાછળ ગયા. તેને પકડી પાડી પગે પડી કહેવા લાગ્યા “મને માફ કરજો ! હું તમને કામમાં આડો આવ્યો ! આ વાસણ તમે લ્યો. તે તમારાજ છે ! મારા કરતાં તમારે તેની વધારે જરૂર છે.” આમ કહેતે કહેતે તેમની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. વળી એક વખત તેમને એક કાળો નાગ કરડ્યો; પણ પાવરી બાબા તો તેવાજ હસતા મુખથી કહેવા લાગ્યાઃ “આ તો પ્રભુએ પોતાનો દૂત મોકલ્યો છે !” કોઈ પણ જાતના શારીરિક દુ:ખને તે પ્રભુના આશિર્વાદ રૂપજ ગણતા. તે એક મોટા જ્ઞાની તેમજ પ્રભુના પરમ ભક્ત હતા.

પાવરી બાબાની આસપાસ પવિત્રતાનું વાતાવરણ પ્રસરી રહ્યું હતું, પોતાના ઉપર આ સંત પુરૂષનો ભારે ઉપકાર થયેલો છે એમ સ્વામી વિવેકાનંદ માનતા, તેમને ગુરૂ તરીકે ગણતા, અત્યંત ચ્હાતા અને તેમની સેવા કરતા. આ યોગી વિષે વિવેકાનંદ કહેતા “તેમનો અવાજ અત્યંત મિષ્ટ હતો. લગભગ દસ વરસ સુધી તેમણે જગતમાં કોઈને મુખ બતાવ્યું નહોતું. થોડા બટાટા અને થોડું માખણ તેમની મઢીના બારણાં આગળ મૂકવામાં આવતું અને જ્યારે તે ગુફામાં રહેતા ત્યારે તો તેટલું પણ તેમને જોઇતું નહોતું. ગમે તેવું નજીવું કામ હોય પણ તે કરવાને બેઠા તે પછી તેમાં તે પુરેપુરા ગરક થઈ જતા. રઘુનાથજીની પૂજા કરવામાં જેટલી કાળજી તે રાખતા અને ધ્યાન દેતા તેટલી જ કાળજી અને ધ્યાનથી તે એક લોટાને પણ માંજતા ! કોઈ પણ કાર્યમાં ફતેહ મેળવવાનું રહસ્ય તે આ પ્રમાણે દર્શાવતાઃ “કાર્ય કરવાનાં સાધનો અને તેના ફળનું તાદાત્મ્ય સાધો. તે બંને એકજ છે એમ ગણો.” આ સિદ્ધાંતના તે પોતે જીવંત દૃષ્ટાંત રૂપ હતા. તેમનામાં અલૌકિક નમ્રતાએ વાસ કરેલો હતો. હરેક પ્રસંગે તેઓ શાસ્ત્રનું એકાદ સુંદર વચન કહેતા અને પોતાની નમ્રતા અને નિરાભિમાનતા દર્શાવતા.

આવા મહાન સાધુનાં ફરીથી દર્શન કરવાનું મન વિવેકાનંદને થાય તેમાં શી નવાઈ ! સ્વામીજી ગાઝીપુર ગયા અને રાય ગગનચંદ્રને ઘેર મુકામ કર્યો. અહીંઆં અનેક મનુષ્યો તેમને મળવાને આવ્યા અને અનેક વિષયો ચર્ચાયા, સામાજીક સુધારણા વિષે બોલતાં સ્વામીજી કહેવા લાગ્યાઃ “તિરસ્કારથી કે સખત ટીકાઓથી સંસાર સુધારાનું કાર્ય ચલાવવું ન જોઈએ. અત્યંત પ્રેમ અને અત્યંત ધીરજથી અને શિક્ષણના પ્રચારથી તે આગળ વધારવું જોઈએ. શિક્ષણના પ્રચાર વડે કરીને સ્વાભાવિક રીતે અંતઃરણમાંથીજ સુધારો થતો આવશે. આર્યોનું શિક્ષણ આર્યોના આચાર વિચારને અનુકુળજ હોવું જોઈએ. તે શિક્ષણ હિંદુ ધર્મનાં આદર્શનું યોગ્ય રીતે ગૌરવ દર્શાવનારું, તેમનો વિકાસ કરનારું અને તેમની પુરેપુરી સમજ આપનારું હોવું જોઈએ. હિંદુ ધર્મ એક જાતનો ભ્રમ નથી; તમે તેમાં ઉંડી ડૂબકી મારો અને તેની મહત્તા તમને સમજાશે. પરદેશીઓના ખોટા ભપકાથી, શિક્ષણથી કે રિવાજોથી દોરવાઈ જશો નહિ; આપણી માતૃભૂમિનો પુરેપુરો અભ્યાસ કરી, આપણી હિંદુ જાતિ શેને માટે નિર્માણ થયેલી છે તે શોધી કહાડો. આપણને જાદુ કરવામાં આવ્યું હોય તેમ આપણે એમજ ધારીએ છીએ કે હિંદુસ્તાને પોતાના જીવનનું આદર્શ ખોટુંજ માની લીધું છે ! આથી વધારે શોકકારક સ્થિતિ કઈ કહેવાય ? આપણે આપણાં સંસ્કૃતિના આદર્શો જોઈ શકતા નથી એજ આપણી ખરી અને હૃદયભેદક ગરિબાઈ છે. જ્યારે આપણને આપણા ખરા આદર્શોનું પુરેપુરું ભાન થશે ત્યારે આપણા સઘળા પ્રશ્નોનું નિરાકરણ એની મેળેજ થઈ રહેશે.

શ્રોતાજનોની આગળ સ્વામીજીએ આ પ્રમાણે કહ્યા પછી તેઓ પાવરી બાબા પાસે જવાને નીકળ્યા. ત્યાં વેદાન્ત અને ભક્તિ ઉપર તે વાતચિત કરવા લાગ્યા. વેદાન્તની વાત કરતે કરતે સ્વામીજી અને પાવરી બાબા સૂક્ષ્મ વિચારમાં એટલા તો ઉંડા ઉતરી ગયા કે તેમની આસપાસના મનુષ્યો તો તેમની વાત સમજી જ શક્યા નહીં. તત્વજ્ઞાનની જુદી જુદી શાખાઓનો આંતર સંબંધ, યોગમાર્ગ, આત્મવિકાસથી બ્રહ્મની પ્રાપ્તિ, આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવાનાં અને તેને વ્યવહારિક જીવનમાં અનુકુળ કરવાનાં સાધનો, વગેરે વિષયો ઉપર તેમની વાતો ચાલી. વારંવાર તેમની પાસે જવાથી અને તેમને મુખે વેદાન્તનાં ગુહ્ય તત્વોનું સૂક્ષ્મ વિવેચન શ્રવણ કરવાથી સ્વામીજીનું મન પાવરી બાબા તરફ વધારેને વધારે આકર્ષાયું. તે તેમને અત્યંત ચ્હાવા લાગ્યા. પરસ્પર વિરોધિ ભાસતાં વેદાન્ત વાક્યની એકવાક્યતા સાધનાર અનેક વચનો તેમના મુખમાંથી ફુલની માફક ઝરવા લાગ્યાં. શબ્દે શબ્દની સ્વામીજી તુલના કરવા લાગ્યા. જ્ઞાનનોના અસ્ખલિત પ્રવાહ વહીજ રહ્યો. પાવરી બાબાનાં વચન પરમાત્મ દર્શનનું ઉંડું રહસ્ય અને સ્વાનુભવ દર્શાવી રહ્યાં હતાં. તેમની પાસેથી સ્વામીજી આધ્યાત્મિક સત્યનું ઉંડું રહસ્ય સમજ્યા. સ્વામીજીએ તેમને પૂછ્યું: “જ્ઞાનનો ઉપદેશ કરવાને તમે બહાર કેમ આવતા નથી ?” બાબાજી બોલ્યા “તમે એમ ધારો છો કે મનુષ્ય મનુષ્યને શરીરથીજ મદદ કરી શકે છે? શરીરની મદદ વગર પણ એક મન અનેક મનુષ્યનાં મનને ગમે તેટલે છેટેથી સહાય આપી શકે છે.” આ ઉત્તરથી સ્વામીજી વધારે માનની લાગણીથી પાવરી બાબા તરફ જોવા લાગ્યા. પાવરી બાબાની પવિત્ર સંનિધિમાં સ્વામીજીએ પરમ સુખ અને શાંતિ અનુભવ્યાં.

આ વખતે કેટલાંક કારણોને લીધે સ્વામીજીને કલકત્તા પાછા જવું પડ્યું. પાવરી બાબાનાજ વિચારો તેમના મગજમાં રમી રહ્યા હતા. મઠમાં તે સર્વને પાવરી બાબાનો સિદ્ધાંત “કાર્યનાં સાધનો અને ફલનું તાદાત્મ્ય સાધો” એ સમજાવવા લાગ્યા. શ્રી રામકૃષ્ણની અનુપમ મહત્તા સૌના મનમાં ઠસાવવા લાગ્યા. તેમના દરેક વચન ઉપર પુસ્તકનાં પુસ્તક લખી શકાય એમ તે કહેવા લાગ્યા. એક ગૃહસ્થાશ્રમી ત્યાં હાજર હતો અને તે શંકા કરવા લાગ્યો કે “તેમ શી રીતે બની શકે ?” સ્વામીજીએ કહ્યું: “હા ! ગમે તે બોધવચન લ્યો અને હું તમને બતાવીશ કે તેમ શી રીતે બની શકે !” ગૃહસ્થાશ્રમીએ એક બોધવચન કહેવા માંડ્યું: “એક સાધુએ પોતાના શિષ્યને ઉપદેશ કર્યો હતો કે આ જગતમાં જે જે દેખાય છે તે સઘળું ઈશ્વરજ છે.” શિષ્યે આ વાતનો શબ્દાર્થ ગ્રહણ કર્યો, પણ તેનું રહસ્ય તે સમજ્યો નહોતો. એક વખત રસ્તામાં થઈને તે જતો હતો ત્યારે સામે એક હાથી આવ્યો. શિષ્ય ત્યાંથી ખસ્યો નહિ. તેણે માન્યું કે તે પોતે ઇશ્વર છે અને હાથી પણ ઇશ્વરજ છે ! મહાવતે બૂમ પાડવા છતાં પણ તે દૂર ખસ્યો નહિ અને તેથી હાથીએ તેને ઈજા કરી. શિષ્ય પોતાના ગુરૂની પાસે આવ્યો અને તેમનું વચન જુઠું છે એમ કહેવા લાગ્યો. ગુરૂ બોલ્યા: “તું ઈશ્વર છે અને હાથી પણ ઈશ્વર છે, તો જ્યારે મહાવત રૂપી ઈશ્વરે તને આઘા ખસી જવાનું કહ્યું ત્યારે તેનું કહેવું તે શા માટે માન્યું નહિ !” પુરેપુરા ત્રણ દિવસ સુધી સ્વામીજીએ આ બોધ વચન ઉપર ટીકા કરી અને સર્વને સાબીત કરી આપ્યું કે પૂર્વ અને પશ્ચિમમાં ઘણાએ પંડિતો, તત્ત્વજ્ઞાનીઓ અને ઈશ્વરવાદીઓ દ્વૈતમાર્ગ અને અદ્વૈતવાદ ઉપર જુદા જુદા મત ધરાવી રહેલા છે. પણ તે સઘળા જુદા જુદા મતોનું સમાધાન શ્રીરામકૃષ્ણના ફક્ત આ એકજ બોધ વચનથી થઈ જાય છે.

વળી થોડાક વખત પછી પાછા સ્વામીજી ગાઝીપુર જઈ આવ્યા, ત્યાં પાવરી બાબાનો પુષ્કળ સમાગમ તેમણે કર્યો હતો. આ વખતે ગાઝીપુરમાં કેટલાક યુરોપિયન અમલદારો એમની મુલાકાતે આવ્યા. રોસ નામનો એક અમલદાર હિંદુઓના ઉત્સવો વિષે તેમને પૂછવા લાગ્યો. ખાસ કરીને હોળી અને રામલીલા વિષે તેને વધારે માહિતી જોઇતી હતી. સ્વામીજીએ પ્રકૃતિપૂજા, વીરપૂજા અને ધાર્મિક વિકાસના પરસ્પર સંબંધ દર્શાવ્યા. હિંદુઓના દરેકે દરેક સામાજીક રિવાજની પાછળ આધ્યાત્મિક સત્ય રહેલાં છે એમ તેમણે પ્રતિપાદન કર્યું અને તે એવા જુસ્સાથી, તર્કથી, યુક્તિથી અને ઐતિહાસિક પ્રમાણોથી સમજાવ્યું કે રોસના મનમાં સનાતન ધર્મની મહત્તા ઠસી રહી અને તેને લાગ્યું કે, હિંદુધર્મ એક વિશાળ અને દીર્ઘદ્રષ્ટિથી બંધાયેલું આધ્યાત્મિક આદર્શ છે. રોસે ડીસ્ટ્રીકટ જડજ પેનીંગૃન સાથે સ્વામીજીનું ઓળખાણ કરાવ્યું. તેમણે તેમને હિંદુ ધર્મ, યોગ, વગેરે ઉપર અનેક સવાલ પૂછ્યા. સ્વામીજીએ એમના સિદ્ધાંતોની સત્યતા વિજ્ઞાનશાસ્ત્રનાં તત્ત્વોથી સાબીત કરી અને યોગીઓની સિદ્ધિઓ આધુનિક માનસશાસ્ત્રને અનુકુળ છે એમ પ્રતિપાદન કર્યું. કર્નલ રીવેટ કર્નાક નામનો યૂરોપીયન અમલદાર તેમને વેદાન્ત વિષે અનેક પ્રશ્નો પૂછવા લાગ્યો. કર્નાકને શંકા હતી કે વેદાન્તનાં સત્યો વ્યવહારિક જીવનમાં પાળી શકાય નહી ! ઘણીજ વિશાળ બુદ્ધિથી સ્વામીજીએ કર્નાકના મનનું સમાધાન કર્યું. સ્વામીજીએ દર્શાવ્યું કે મનુષ્ય પ્રયત્ન કરે છે, અનેકવાર ખત્તા ખાય છે, દુઃખ ભોગવે છે, છતાં પણ ઉચ્ચ આદર્શને ધારણ કરી રહે છે. આમ ઉચ્ચ આદર્શ અને વ્યવહારમાં પડતાં અનેક સંકટોની વચમાં તેનું જીવન અથડાય છે અને આખરે આમ પ્રયાસ કરતે કરતે આખું જીવન આદર્શમય આધ્યાત્મિકજ બની રહે છે. તેનો અંતરાત્મા કથી રહે છે “આ સઘળું પ્રભુમયજ છે, આ સઘળું દૈવી છે, ઉચ્ચ અને નીચ સર્વ અનંત પ્રભુનાંજ જુદાં જુદાં સ્વરૂપ છે, સમજદાર અને મૂર્ખ સર્વનું અંતિમ લક્ષ્ય સમજ્યો કે વગર સમજ્યે પ્રભુનીજ પ્રાપ્તિ છે. સુખ, દુઃખ, શુભાશુભ, વગેરે સર્વ તેનાંજ પ્રેરક છે.” જ્યારે જીવનનો આવા ઉંચો ખ્યાલ આવે છે ત્યારેજ અનંતત્વનું ભાન થઈને અનંતત્વ અને નિત્યત્વ સિવાય બીજું કાંઈજ જણાતું નથી. દેશ, કાલ અને વસ્તુના ભેદો માત્ર કહેવામાં જ રહે છે. જ્યારે જીવાત્મા યોગ્ય આધ્યાત્મિક વિકાસને પામે છે ત્યારેજ તેને આ દિક્‌કાલાદિથી અબાધિત પરમતત્ત્વ–સત્યનું દર્શન થાય છે.

વક્તા–વિવેકાનંદ આ વાત કહેતાં અત્યંત ઉલ્લાસમાં આવી ગયા. તેમના મુખ ઉપર અત્યંત તેજ છવાઈ રહ્યું. તેમની સાધુતા, વૈરાગ્ય, જ્ઞાન, શક્તિ અને ચારિત્ર્ય પોતાનો પ્રભાવ દર્શાવી રહ્યાં. અદ્વૈતવાદની જાણે કે સાક્ષાત્‌ મૂર્તિ હોય તેમ તે કર્નાક સાહેબને અને સર્વને દેખાવા લાગ્યા.

હિંદુઓનું જીવન અને આ પરમ આદર્શ વચ્ચે શો સંબંધ રહેલો છે તે હવે સ્વામીજી દર્શાવવા લાગ્યા. હિંદુઓ જે રીતે ખાય છે, વસ્ત્ર ધારણ કરે છે, લગ્ન કરે છે, પોતાનાં છોકરાંને ઉછેરે છે અને પ્રેતને જે દૃષ્ટિથી જુએ છે, તે સર્વ, તેમનામાંથી દેહાત્મ ભાવ દૂર કરી આત્મભાવ ઠસાવવાનાં અનેક સાધનો રૂપે જ છે. હિંદુઓના દેવતાઓ પરમતત્ત્વનાં જુદાં જુદાં મૂર્તિમંત લક્ષણો છે. જ્યાં સુધી મનુષ્ય અમુક બંધનમાં બંધાઈ રહે છે અને પરમતત્ત્વને ઓળખતો નથી ત્યાં સુધી જ આ દેવતાઓનું પૂજન કરે છે. સર્વ ધર્મ પરમતત્ત્વને પહોંચવાના જુદા જુદા માર્ગરૂપજ છે. આધ્યાત્મિક દર્શન અને માનસિક વિકાસની અવસ્થા અસંખ્ય છે. લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, કાળી, શિવ, ઉમા, રાધા, કૃષ્ણ, સીતા, રામ, હિંદુઓની સઘળી દંતકથાઓ, રિવાજો અને સમાજનું બંધારણ – આ સર્વ પરમતત્ત્વની પ્રાપ્તિનાંજ અનેક સાધનો છે.

આ સાંભળીને કર્નાક સાહેબ જાણે તેમના બાઈબલનાંજ વચનો ઉચ્ચારાતાં હોય; જાણે કોઈ નવીનજ પ્રકાશ હૃદયમાં આવી પડતો હોય અને અંધકારને નષ્ટ કરતો હોય; જાણે કે આધ્યાત્મિક બુદ્ધિની ઉચ્ચાવસ્થામાંથી પરમ દૈવત્વને પ્રગટ કરાતું હોય તેમ અનુભવવા લાગ્યા. સર્વે શ્રોતાજનો ધારવા લાગ્યા કે, “આ એક ખરેખર સ્વદેશ ભક્ત સાધુ છે !”