સ્વામી વિવેકાનંદ/હિમાલયમાં પર્યટણ

← પાવરી બાબા સ્વામી વિવેકાનંદ
હિમાલયમાં પર્યટણ
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
દીલ્લી અને અલવર →


પ્રકરણ ૨૬ મું – હિમાલયમાં પર્યટણ.

કલકત્તામાં આવેલા રામકૃષ્ણમઠમાં વિવેકાનંદના ગુરૂભાઈઓ રહેતા હતા. સ્વામીજી તે સર્વના નેતા હતા. તે ગુરૂભાઈઓ હજી બીન અનુભવી અને બાળક જેવા સાદા–ભોળાજ હતા. આથી કરીને વિવેકાનંદને તેમની કાળજી રાખવી પડતી હતી. જ્યાં જ્યાં તે જતા હતા ત્યાં ત્યાં તેમના ગુરૂભાઈઓના વિચાર તેમને આવતા અને કેટલીક વખત કોઈની માંદગીને લીધે તેમને કલકત્તે પાછા જવું પડતું હતું. તેમના ગુરૂભાઈઓમાંના કેટલાએક વિવેકાનંદની માફક પર્યટણ કરવાને નીકળી પડ્યા હતા અને તેઓ કદી આફતમાં આવી પડ્યા હોય તો તેમને મદદ કરવાને માટે વિવેકાનંદને એક ગામથી બીજે ગામ જવું પડતું હતું. આથી કરીને આપણે જોઈ શકીશું કે વિવેકાનંદને ત્રણ કામ સાથે સાથે કરવાનાં હતાં. પોતાના ગુરૂભાઈઓની સંભાળ લેવી, તેમને યોગ્ય શિક્ષણ આપવું અને તેમનો પરસ્પરનો તેમજ પોતાની સાથેનો ભ્રાતૃભાવ ટકાવી રાખી તેમનું એક મંડળ બનાવવું; સાધુ તરીકે પોતાના જીવનને વધારે ઉન્નત અને પરમાત્મ પરાયણ કરતા ચાલવું; અને ભારતવર્ષમાં સર્વત્ર પર્યટણ કરી જનસમૂહનું જીવન જોઈ તેના ઉપર વિચાર કરી ભારતવર્ષના કલ્યાણના માર્ગો યોજવા. આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખીને જ્યારે આપણે તેમના જીવનને તપાસીશું ત્યારેજ આપણને સમજાશે કે સ્વામી વિવેકાનંદનો જીવન પ્રવાહ કઈ દિશામાં વહી રહ્યો હતો.

ગાઝીપુર, બનારસ, વૃંદાવન, આગ્રા વગેરે સ્થળોમાં પ્રવાસ કરતે કરતે સ્વામીજીનું મન અનેક પ્રકારનું અવલોકન કરી રહ્યું હતું. ભારતવર્ષમાં ધર્મ અને સમાજ વચ્ચે શું સંબંધ રહેલો છે તેની શોધ કરતાં તેમને માલમ પડ્યું હતું કે હિંદમાં ધર્મ અને સમાજ એક બીજાતી સાથે ઓતપ્રોત થઈ રહેલાં છે. હિંદમાં ધર્મ અને સમાજનો ઉદય સાથે સાથેજ છે. તેમણે અનુભવ્યું હતું કે જ્યારે જ્યારે આર્યાવર્ત ઐતિહાસિક દૃષ્ટિએ મહત્તા ભોગવતું હતું ત્યારે ત્યાં ધાર્મિક જાગૃતિ પ્રથમ થયેલી જોવામાં આવતી હતી. તેમણે પોતાના મનમાં એવો દૃઢ સિદ્ધાંત બાંધ્યો હતો અને પોતાના ગુરૂભાઈઓને પણ શિખવતા હતા કે, “ધર્મજ આર્યશિક્ષણનો પાયો છે.” ધર્મવડેજ હિંદ મહત્તા પ્રાપ્ત કરી શકશે અને હિંદનાં સઘળા સામાજીક પ્રશ્નોનો વિચાર ધાર્મિક દૃષ્ટિએજ થવો જોઇએ. હિંદના ધર્મથીજ આકર્ષાઈને સ્વામીજી દેશભક્ત બન્યા હતા અને તેમની સ્વદેશભક્તિને લીધે હિંદુ ધર્મ પ્રત્યે તેમનો ભાવ વધી રહ્યો હતો. ભારતવર્ષના લોકો વિષે અસંખ્ય વિચારો તેમના મનમાં આવતા અને હૃદયને હલાવી મૂકતા. સ્વદેશભક્તિ પણ સનાતન ધર્મનું એક અંગ છે એમ તેમને ભાસતું. આથી કરીને ભારતવર્ષના મહા પ્રશ્નોનું પણ નિરાકરણ કરવું એવા વિચાર સ્વામીજીના મનમાં પ્રેરાઈ રહ્યા હતા. દક્ષિણેશ્વરનો યુવાન નરેન્દ્ર વેદ અને ઉપનિષદોનાં સત્યોને આર્યપ્રજાના જીવનમાં રગે રગે કેવી રીતે ઉતારવાં, તે સત્યો પ્રમાણે આર્યજીવનને કેવી રીતે ઘડવું અને તેને આધુનિક સમયને અનુકુળ કેવી રીતે કરવું, વગેરે બાબતો સિદ્ધ કરવાનાં સાધનોને મનમાં યોજી રહ્યો હતો. પણ તેનીજ સાથે મનની સઘળી શક્તિઓનો નિગ્રહ કરી પુનઃ પુનઃ આત્મસાક્ષાત્કાર કરવો – એ વિચાર પણ વારંવાર તેના મનમાં આવ્યાજ કરતો અને બીજા સઘળા વિચારોને તે દબાવી નાખતો. આથી હવે વિવેકાનંદે મનમાં વિચાર કર્યો કે “આ વખતે મારા પ્રવાસમાં ધ્યાન ધરવાને માટે એક ગુફા હું ખોળી કહાડીશ અને મારા સ્પર્શ માત્રથી હું બીજા મનુષ્યના મનને ફેરવી શકું એવી શક્તિ હું જ્યાં સુધી પ્રાપ્ત નહીં કરૂં ત્યાં સુધી હું મઠમાં પાછો આવીશ નહિ.”

આમ વિચાર કરીને સ્વામી વિવેકાનંદ હિમાલયમાં જવા નીકળ્યા. જતા પહેલા શારદાદેવી – ગુરૂપત્નીનો આશિર્વાદ તેમણે લીધો.

ફરીથી પ્રવાસે નીકળવાથી વિવેકાનંદ હવે મનમાં ખુશી થવા લાગ્યા. હિમાલયમાં ઘણા વખત સુધી અભ્યાસ કરવાથી તેમના મનમાં પરમશાંતિનો વાસ થશે એમ તે ધારવા લાગ્યા. આગગાડીમાં બેસીને તે ગયા નહિ. ગંગા નદીને કિનારે કિનારે પગે ચાલીને જવું કે જેથી કરીને આખી મુસાફરી સાધના અને તપરૂ૫ થઈ રહે એવો તેમનો નિશ્ચય હતો. સ્વામી અખંડાનંદ – એક ગુરૂભાઈ – તેમની સાથે ગયા. રસ્તામાં ભાગલપુર નામના સ્થળમાં તેઓએ પ્રથમ મુકામ કર્યો. તેઓએ જેવાં તેવાં કપડાં પહેર્યા હતાં અને પહેરવશ જોતાં સામાન્ય સાધુ જેવા તે દેખાતા હતા. પણ તેમનું ચલન વલન રાજકુમારોને છાજે તેવું હતું. જ્યારે તેઓ ભિક્ષા માગવાને કોઈને ઘેર જતા ત્યારે સાધુના વેશમાં રાજા આવ્યા હોય તેવો દેખાવ સર્વને લાગતો હતો. ભાગલપુરમાં આવીને નદીને કિનારે તે બેઠા હતા.

તેઓ બંને થાકી થયેલા દેખાતા હતા, છતાં તેમનાં મુખ ઉપર વૈરાગ્યની શાંત પ્રભા છવાઈ રહેલી હતી. તેમના દેખાવથી આકર્ષાઈને ઘણા લોકો તેમની પાસે આવવા લાગ્યા.

ભાગલપુરમાં મન્મથનાથ બાબુ નામનો એક નામાંકિત પુરૂષ સ્વામીજીનો ખરેખરો શિષ્ય થઈ રહ્યો. આ મન્મથનાથ પ્રથમ બ્રહ્મસમાજનો અનુયાયી હતો, પણ વિવેકાનંદના ઉપદેશથી તે સનાતન હિંદુ ધર્મને બરાબર સમજ્યો અને હિંદુધર્મનો ચુસ્ત હિમાયતી બની રહ્યો. સ્વામીજી વિષે તે લખે છે : “સને ૧૮૮૦ ના ઓગસ્ટ માસની એક સવારે સ્વામી વિવેકાનંદ અને સ્વામી અખંડાનંદ એકાએક મારે ઘેર આવી ચ્હડ્યા. તેમને સામાન્ય સાધુઓ ધારીને મેં કંઈ પણ માન આપ્યું નહિ. બપોરે ભોજન લીધા પછી અમે બધા બેઠા હતા. તેમને અજ્ઞાની વેરાગીઓ ધારીને મેં તેમના જોડે કંઇ પણ વાતચીત કરી નહિ અને બુદ્ધધર્મના સિદ્ધાંતોનું એક અંગ્રેજી ભાષાંતર વાંચતો હું બેસી રહ્યો. થોડા વખત પછી વિવેકાનંદે મને પૂછ્યું, “તમે કયું પુસ્તક વાંચો છો ?” જવાબમાં મેં તે પુસ્તકનું નામ કહી બતાવ્યું અને તેમને પૂછ્યું “તમે અંગ્રેજી ભણ્યા છો ?” તેમણે જવાબ આપ્યો : “હા, થોડું જ.” પછી બુદ્ધધર્મ વિષે મેં વાતચિત કરવા માંડી અને તરતજ મને માલમ પડ્યું કે મારા કરતાં તે હજાર દરજ્જે વધારે ભણેલા છે ! સ્વામીજી અનેક અંગ્રેજી ગ્રંથકારોનાં વચનો માઢે ને મોઢે જ બોલવા લાગ્યા. હું તેમની વિદ્વતાથી ચકિત થઈ ગયો અને ઘણું ધ્યાન દઈને તેમના શબ્દો સાંભળવા લાગ્યો. તેમના જ્ઞાનની કસોટી કહાડવાને મેં પૂછ્યું : “હિંદુ સંન્યાસીઓ જોડે રહીને બુદ્ધે જે સાધનાઓ સાધી હતી તે શું નકામી ગઈ હતી ? ” સ્વામીજીએ જવાબ આપ્યો : “ના, તેમની એક પણ સાધના નકામી ગઈ નહોતી. બુદ્ધ થતા પહેલાં શાક્યસિંહે હિંદુ સંન્યાસીઓ જોડે રહીને જે સાધનાઓ સાધી હતી તેમના વડેજ તે મહાશક્તિઓ પ્રાપ્ત કરી રહ્યા હતા અને એ શક્તિઓવડે તે પોતાના સિદ્ધાંતોને બરાબર પ્રતિપાદન કરી રહ્યા હતા !” આ જવાબ મને ઘણોજ ડહાપણ ભરેલો લાગ્યો.”

“એક દિવસ સ્વામીજીએ મને પૂછયું : “તમે કંઈ સાધના કરો છો ?” અને અમે યેાગ ઉપર વાત કરવા લાગ્યા. આ ઉપરથી મને લાગ્યું કે સ્વામીજી કંઈ સાધારણ વ્યક્તિ નથી, કારણ કે તેમણે યોગ વિષે જે જે કહ્યું તે સઘળું સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યા પ્રમાણેજ હતું. વળી તેમણે એ બાબતમાં બીજી અનેક નવી વાતો કહીં, જે મેં કદીએ સાંભળી નહોતી. પછીથી તેમના ઉપનિષદોના જ્ઞાનની કસોટી કહાડવાને હું કેટલાંક ઉપનિષદો લઈ આવ્યો અને ઘણીજ સૂક્ષ્મ બાબતો વિષે તેમને પૂછવા લાગ્યો. તેમના ઉંડા અર્થભર્યા જવાબોથી મેં ધાર્યું કે શાસ્ત્રોનું જ્ઞાન પણ તે પુરેપુરૂં ધરાવે છે. જે રીતે તે ઉપનિષદનાં વચનોનો ઉચ્ચાર કરતા હતા તે રીત મને ઘણીજ મોહક લાગતી હતી. આ પ્રમાણે તેમનું અંગ્રેજી, સંસ્કૃત અને યોગ વિષયક જ્ઞાન જોઈને મને તેમના ઉપર અત્યંત ભાવ ઉત્પન્ન થયો.

“એક વખત મેં તેમને ધીમે ધીમે એક ગાયન ગાતા સાંભળ્યા. તેથી મેં પૂછ્યું “તમે ગાઈ શકો છો ?” તે બોલ્યા “થોડું જ.” અમારા આગ્રહથી જ્યારે તેમણે ગાયું ત્યારે મને માલમ પડ્યું કે વિદ્યામાં જેવા તે નિષ્ણાત છે તેવાજ તે સંગીતકળામાં પણ છે. પછી બીજે દિવસે તેમની રજા લઈને મેં ભાગલપુરના ઘણા ઉસ્તાદ ગવૈયાઓને એકઠા કર્યા: સ્વામીજીએ સાયંકાળથી ગાયન શરૂ કર્યું અને તે રાતના બે ત્રણ વાગતા સુધી ચાલ્યું. તેમના ગાયનથી શ્રોતાઓ એટલા મોહિત થઈ ગયા કે સર્વ પોતાનું જમવાનું પણ ભૂલી ગયા. કોઈ પણ મનુષ્ય પોતાને સ્થાનેથી ખસ્યો નહિ કે ઘેર જવાનો વિચાર પણ કર્યો નહિ ! સ્વામીજીની સાથે વાદ્ય વગાડનારના હાથ થાકી ગયા અને તેણે વગાડવાનું છોડી દીધું; પણ સ્વામીજી જરાએ થાક્યા નહિ ! આખરે જ્યારે તેમણે જાણ્યું કે શ્રોતાઓમાંથી કોઈ પણ જવાની ઈચ્છા કરતું નથી ત્યારે સ્વામીજી પોતાની મેળેજ ગાતા બંધ થયા. સઘળાએ ભોજન વગરજ રાત ગાળી. આવી અમાનુષી શક્તિ મેં કોઇનામાં જોઈ નથી અને કદી જોવામાં આવશે એમ હું માનતો નથી.”

“બીજે દિવસે મેં સ્વામીજીને મારી ગાડીમાં બેસાડીને સઘળા ધનાઢ્ય મનુષ્યોને ઘેર લઈ જવાનો વિચાર કર્યો. સ્વામીજીએ ચોખ્ખી ના પાડી ! તે બોલ્યા “ધનાઢ્ય પુરૂષોની મુલાકાત ચાહીને લેવા જવું એ સંન્યાસીનો ધર્મ નથી.” તેમના ઉત્કટ વૈરાગ્યથી મારા મન ઉપર ભારે અસર થઈ રહી. તેમની સંનિધિમાં રહીને હું ઘણી વાતો શિખ્યો છું અને તે વાતો મારા આધ્યાત્મિક આદર્શો રૂપે બની રહેલી છે.”

સ્વામીજી ફરીથી બનારસમાં ! અહાહા ! તે પવિત્ર નગરી સ્વામીજીને કેટલી બધી પ્રિય લાગતી હતી ! ત્યાંના વાતાવરણમાં આર્યોનું ગૌરવ, તેમની શક્તિઓ અને તેમની વિદ્યાનું સ્વામીજીને ભાન થઈ રહેતું હતું. બનારસને જોઈને તેમનો આત્મા સંપૂર્ણ રીતે વિકાસી રહેતો અને તેમાં રહેલી અનેક શક્તિઓ તેમને પ્રત્યક્ષ થતી. એક ખરેખરા સનાતન ધર્મી હિંદુનું આધ્યાત્મિક બળ તે ધારણ કરી રહેતા અને તે બળનો આવિર્ભાવ તેમનાં વચનોમાં પ્રત્યક્ષ જણાઈ આવતો. આવાજ બળથી પ્રેરાઈને પ્રેમદાસ મિત્રને તે જતે જતે કહેવા લાગ્યા : “હવે હું કાશી છોડીને જાઉં છું ! પણ જ્યારે હું પાછો આવીશ ત્યારે જાણે કે હિંદુસમાજ ઉપર એક ગોળો છૂટીને આવતો હોય તે પ્રમાણે આવીશ.”

કાશીથી તે નૈનીતાલ ગયા અને ત્યાંથી પગે ચાલતા ચાલતા બદ્રીકાશ્રમ જવાને નીકળ્યા. પર્વતની તળેટીમાં થઈને તે જતા હતા. રસ્તામાં એક મોટું વડનું ઝાડ આવ્યું, પાસે એક ઝરો વહી રહ્યો હતો. તેને જોઈને સ્વામીજી બોલી ઉઠ્યા : “આ જગ્યા ધ્યાન ધરવાને માટે કેવી સુંદર છે !” આમ કહીને ત્યાં તે બેઠા. અને એકદમજ સમાધિ પ્રાપ્ત કરી રહ્યા. તેમનું શરીર એક પાષાણની મૂર્તિ જેવું સ્થિર દેખાવા લાગ્યું, અખંડાનંદ આશ્ચર્યથી જોઈ રહ્યા. થોડા વખત પછી તે જાગ્યા. આ વખતે સ્વામીજીનું વદનકમળ અલૌકિક આનંદ અને આધ્યાત્મિક અનુભવથી પ્રકાશિત બની રહ્યું હતું.

અલમોરાની લગભગ તેઓ આવી પહોંચ્યા. અહીંઆં ગામની બહાર એક ગુફામાં તે કેટલાક દિવસ રહ્યા અને સઘળો વખત અભ્યાસમાં ગાળ્યો. અહીંથી તે ગઢવાલ તરફ ગયા અને ત્યાંથી કર્ણપ્રયાગ, રૂદ્ર પ્રયાગ વગેરે સ્થળોમાં થઇને શ્રીનગર પહોંચ્યા. અહીંઆં અલકનંદા નદીને તીરે એક ઝુંપડીમાં તે રહ્યા અને સઘળો સમય ઉપનિષદો વાંચવામાં ગાળ્યો. અહીંથી તે તિહરી ગયા. રસ્તામાં ઘણી વખત તેમને ભુખ્યા પેટે પણ મુસાફરી કરવી પડતી. અહીંઆંથી તેઓ દેહરાડુન તરફ જવાને નીકળ્યા. રસ્તામાં એક જગ્યાએ હિમાલયની એક ટેકરીના શિખર ઉપર ઉભા રહીને ચારે તરફ નજર નાંખીને તે જોવા લાગ્યા. હિંદુસ્તાનનું દરેક સ્થળ, દરેક ખુણો અને દરેક છેડો જાણે કે તેમની દૃષ્ટિએ પડતા હોય તેમ તેમને લાગ્યું. માતૃભૂમિ વિષેના અનેક પ્રશ્નો વિષે વિચારો કરતા તે ત્યાં ઉભા રહ્યા અને ભારતવર્ષનું ગૌરવ જોઈ રહ્યા. અનેક વિચારો તેમના મનમાં આવી રહ્યા. તેમની દૃષ્ટિએ ભારતવર્ષના અનેક સંતો, સાધુઓ અને તેમના આત્માનુભવો આવી રહ્યા. આસપાસનું સૃષ્ટિસૌંદર્ય શાંતિ અને શોભા પ્રસારી રહ્યું હતું અને તેને નિહાળીને સ્વામીજીનો આત્મા અનેક રીતે વિકાસ પામતો હતો.

આગળ ચાલતે ચાલતે સ્વામી તુરીયાનંદ – એક ગુરૂભાઈ – નો ભેટો થયો. સ્વામીજીના ગુરૂભાઈઓ પણ હવે એક પછી એક પ્રવાસે નીકળી રહ્યા હતા અને વખતે તેઓ કોઈ કોઈ સ્થળમા ભેગા થઈ જતા હતા. તુરીયાનંદને જોઇને સ્વામીજીને ઘણો હર્ષ થયો. પછીથી બધાએ દેહરાડુન ગયા. અહીં અખંડાનંદ માંદા પડ્યા અને સ્વામીજીને તેમની સારવાર કરવામાં ઘણું કષ્ટ સહન કરવું પડ્યું. આખરે તેમને અલ્હાબાદમાં એક મિત્રને ઘેર મોકલી દીધા અને સ્વામીજી હૃષીકેશ ગયા.

ફરીથી એકવાર હૃષીકેશમાં ! આ સ્થળ હિંદુધર્મની પવિત્ર દંતકથાઓથી ભરપુર છે. એમ કહેવાય છે કે વ્યાસજીએ અહીંઆં આશ્રમ બાંધ્યો હતો અને તેમાં રહીને તેમણે ચારે વેદના ભાગોને એકઠા કરીને બરાબર ગોઠવ્યા હતા. હૃષીકેશ એક સુંદર અને એકાંત સ્થળ છે. હિમાલયની તળેટીમાં, પવિત્ર ગંગા નદીને કિનારે તે આવેલું છે. જુદા જુદા પંથના હજારો સાધુ સંન્યાસીઓ શિયાળામાં અહીં એકઠા થાય છે, અને તેમણે પોતાના હાથવડે બાધેલાં ઝુપડાં અહીં–તહીં નજરે પડે છે. હૃષીકેશ એક ખીણમાં આવેલું છે અને તેની આસપાસ નાના ડુંગરો આવી રહેલા છે. પવિત્ર ગંગા લગભગ તેની ત્રણ બાજુએ ફરી વળેલી છે, અને તેના પવિત્ર પારદર્શક ઠંડા પાણીનો ઝીણો અવાજ જાણે કે ભક્તોના કાનમાં “હર, હર” એવા શબ્દો ઉચ્ચારતો હોય એમ ભાસે છે ! અનેક પક્ષીઓ સાધુઓનાં ઝુંપડાં આગળ આવે છે અને તેમના હાથમાંથી રોટલીના કકડા ખાય છે. માછલીઓ પાણીની બહાર આવીને હાથમાંથી અન્ન ઝુંટાવી જાય છે. સઘળુ સ્થળ સાધુઓથી ભરેલું જણાય છે.

હૃષીકેશમાં સ્વામીજી અને તેમના ગુરૂભાઇઓ એક ઝુંપડી બાંધીને રહ્યા. ભિક્ષા માગી લાવીને તેઓ આહાર કરતા. એકવાર સ્વામીજીને સખત મંદવાડ થઈ આવ્યો હતો અને તેને પરિણામે એક ઉંડો અનુભવ તેમને થયો હતો. આ અનુભવ આલ્મોરાની ગુફામાં થએલા અનુભવને મળતોજ હતો. તે ગુફાના અનુભવ વિષે સ્વામીજી કહેતા “તે સમયે મારા કર્તવ્યનું જે ભાન મને થયું તેવું ભાન મારા જીવનમાં મને કદીએ થયું નથી. મારા એકાન્તવાસમાંથી જાણે કે તે મને ઘસડીને પરાણે પરાણે બહાર લઈ જતું હોય અને નીચેના પ્રદેશમાં ધકેલતું હોય તેવું મને લાગ્યું હતું.”

હૃષીકેશથી સ્વામીજી હરદ્વાર ગયા અને ત્યાંથી મીરત ગયા. મીરતમાં એમને એમના ઘણા ગુરૂભાઈઓ આવી મળ્યા અને તેમનો મુકામ કલકત્તાના મઠ જેવો બની રહ્યો. સ્વામીજી સર્વને વિષ્ણુપુરાણ, કુમારસંભવ વગેરે સંસ્કૃત પુસ્તકો વાંચી સંભળાવતા હતા. પણ આ પ્રમાણે સમય ગાળવામાં સ્વામીજીને સંતોષ થતો નહોતો. હૃષીકેશ અને હરદ્વારમાં રહીને પોતાનું જીવન એકાંત તથા તપાચરણ અને અભ્યાસમાં ગાળી રહેલા અનેક સાધુઓના સ્વાતંત્ર્યનો વિચાર તેમને વારંવાર થઈ આવતો. હિમાલયમાં અન્ય યોગ્ય સ્થાન તે ખોળી રહ્યા હતા. એકાંતવાસ, તપાચરણ, યોગ, સાધના – આને માટે તે સર્વદા ઝંખના કરી રહ્યા હતા. જગતમાં તેમણે અનેક કાર્યો કર્યા છે, પણ ક્ષણે ક્ષણે તેમને કાર્ય છોડીને એકાંતવાસમાં આત્મમયતા પ્રાપ્ત કરવાનું મન થઈ આવતું. વારંવાર તે પવિત્ર ગંગાને કિનારે જઇને બેસવાની ઇચ્છા કરતા. સાધુતા અને વૈરાગ્ય તેમના જીવનમાં ઓતપ્રોત થઈ રહેલાં હતાં. તે જે કાર્ય કરતા તે નિષ્કામપણે કરતા અને ત્યાગની શ્રેષ્ઠતા તેમની રગેરગમાં ઘર કરી રહી હતી. કઈ વખતે તે કોઈપણ કાર્યનો ત્યાગ કરશે અને ગંગાને કિનારે જઇને બેસશે તે કોઇથી કહી શકાતું નહીં. સ્વામીજીનું જીવન સમજવાને એટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તેમણે અનેક પ્રવૃત્તિમય જીવન ગાળ્યું હતું તોપણ સર્વદા તેમનું ચિત્ત પ્રભુ તરફ જ લાગેલું રહેતું અને તે ક્ષણે ક્ષણે એકાંતવાસ તથા નિવૃત્તિમય જીવનની ઇચ્છા કરતા. એવા જીવનની સર્વોપરિતા અને મહત્તા તે સ્વીકારતા અને તેવીજ ભાવનાઓમાં રમમાણ રહેતા. સ્વામીજી કહેતા “હૃષીકેશમાં મેં ઘણા મહાપુરૂષો જોયા છે. એક સાધુ ગાંડા જેવો દેખાતો હતો. તે નગ્ન શરીરે ફરતો હતો. કેટલાક છોકરાઓ તેની પાછળ પડીને તેને પથ્થર મારતા હતા. તે સાધુની ગરદન અને મુખ ઉપરથી લોહી વહ્યા કરતું હતું. છતાં પણ તે સાધુ હસ્યાજ કરતો હતો. હું તેની પાસે ગયો અને તેના ઘા ધોઈ નાખી રૂના પુંમડાથી ચેવી નાંખ્યું. હું ચેવતો હતો ત્યારે તે સાધુ ખડખડ હસતો હતો અને પથરા ફેંકનાર છોકરાઓની જોડે તેણે ઘણીજ ગમ્મત કરી એમ તે કહેતો હતો ! ઘણા સાધુઓ અહિં એકાન્તવાસમાંજ રહે છે. લોકોની વસ્તી તેમને માટે વિઘ્નરૂપ થઇ પડે છે તેથી એક સાધુએ તો પોતાની ગુફાને મોઢે હાડકાં લટકાવ્યાં હતાં !” આવું એકાન્ત જીવન સ્વામીજી પોતે વખાણતા અને ચ્હાતા હતા. તેમના ગુરૂભાઈઓ તેમની સાથે આવે તે પણ તેમને ઉપાધિ લાગતી હતી, જ્યારે અખંડાનંદે સાથે આવવાને માટે ઈચ્છા દર્શાવી ત્યારે સ્વામીજી બોલ્યા “ગુરૂભાઈઓની માયા પણ માયાજ છે ! આથી મનુષ્ય પોતાની ધારણાઓ પાર પાડવામાં અને સુખસ્વાતંત્ર્યમાં પાછો પડી જાય છે.” એક દિવસ સવારે સ્વામીજી પોતાના ગુરૂભાઈઓને કહ્યા વિનાજ એકલા દીલ્લી જવા નીકળી પડ્યા. ઉત્કટ વૈરાગ્ય અને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જગતને મુક્ત કરવાની પ્રબળ ઇચ્છા – આ બે બાબતોની વચ્ચે તેમનું મન હવે અથડાઈ રહ્યું હતું.