હવે સખી નહિ બોલું
હવે સખી નહિ બોલું દયારામ |
ગરબી ૧૦ મી.
હવે હું સખી નહીં બોલુંરે, કદાપિ નંદકુંવરની સંગે;
મુંને શશિવદની કહીછેરે, ત્યારની દાઝ લાગી છે અંગે. હવે.
ચંદ્રબિંબમાં લાંછન છે વળી, રાહુ ગળે ખટમાસેરે;
પક્ષે વધે ને પક્ષે ઘટે કળા પૂરણ, નિત્ય તે નવ પરકાશે. હવે.
તે કરતાં ચંદ્રવદની કહી તો ઠર્યાં, હું ને ચંદ્ર એકરાસેરે;
ત્યારે મુજ મુખ પાખે શું અટક્યું, છે જોશે ચંદ્ર આકાશે. હવે
નહિ તો શિવને સમીપ રાખશે ને, ભાલે ચંદ્ર દેખાશેરે;
પ્રસંન થઈ પાસે રહેશે નહિ તો, કહેવાય નહીં નિજ દાસે. હવે
એવડો શ્રમ પણ શીદ કરે જુઓ, ચંદ્ર પોતાની પાસે;
વામ ચરણમાં ઈંદુ અચળ છે, શીદ રહે અન્યની આશે. હવે.
દયાના પ્રીતમને કહેસખી જુઓ, શશિમુખ સરખુંસુખ પાસે;
કોટી પ્રકારે હું નહીં આવું, એવા પુરુષની અડાસે. હવે.
અન્ય સંસ્કરણ
ફેરફાર કરોહવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે,
હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે.
કદાપિ નંદકુંવરની સંગે,
હો મુને શશીવદની કહી છેડે,
ત્યારની દાઝ લાગી છે રે મારે હૈયે.
હવે સખી નહિ બોલું, નહિ બોલું….
ચંદ્રબીંબમાં લાંછન છે વળી રાહુ ગળે ખટ્ માસે રે,
પક્ષે વધે ને પક્ષે ઘટે કળા,
પક્ષે વધે ને પક્ષે ઘટે કળા નિત્ય ન પૂર્ણ પ્રકાશે રે.
હવે સખી નહિ બોલું, નહિ બોલું….
તે કરતાં ચંદ્રવદની કહી તો ઠર્યાં હું ને ચંદ્ર એક રાશે રે;
ત્યારે મુજ મુખે પાખે શું અટક્યું રે?
જોશે ચંદ્ર આકાશે રે.
હવે સખી નહિ બોલું, નહિ બોલું….
નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે.
નહીં તો શિવને સમીપ રાખશે, ને ભાલે ચંદ્ર દેખાશે રે;
પ્રસન્ન થઇ પાસે રહેશે, નહીં તો
કહેવાય નહીં નિજ દાસે રે.
હવે સખી નહિ બોલું, નહિ બોલું….
નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે.
એવડો શ્રમ પણ શીદને કરે? જુઓ, ચંદ્ર પોતાની પાસે રે;
વામ ચરણમાં ઈંદુ અચળ છે,
શીદ રહે અન્યની આશે રે?
હવે સખી નહિ બોલું, નહિ બોલું….
નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે.
દયાના પ્રીતમને કહે સખી જ્યું શશીમુખ સરખું સુખ પાશે,
કોટિ પ્રકારે હું નહિ આવું,
કોટિ પ્રકારે હું નહિ આવું એવા પુરુષથી અડાશે રે.
હવે સખી નહિ બોલું, નહિ બોલું….
નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે.