હાલરડાં/જનેતાના હૈયામાં
← દ્યો ને રન્નાદે | હાલરડાં જનેતાના હૈયામાં ઝવેરચંદ મેઘાણી |
આપણે આંગણીએ → |
[સાચી વાત તો એમ છે કે કૃષ્ણ દેવકીજીને પેટ કંસના કેદખાનામાં જન્મેલા, ને પછી એના પિતાજી વસુદેવ એમને છાનામાના નંદ-જશોદાને ઘેર મૂકી આવેલા. પણ આ ગીતમાં તો ઈતિહાસ અળગો મુકાયો છે. મુખ્યત્વે તો આ ગીતમાં સગર્ભા માતાનું ચિંતાતુર ચિત્ર ઊભું કરવાનો આશય છે. મહિને મહિને શાં-શાં ચિહ્નો જણાય, અને બાળના જન્મસમયે શી-શી વિધિઓ કરાય તેનું વર્ણન છે.]
એક દેવકી જશોદા બે બેનડી, હરનું હાલરડું;
બે બેની પાણીડાંની હાર્યું રે ગોવિંદજીનું હાલરડું.
દેવકી પૂછે જશોદા કેમ દૂબળાં રે, હરનું હાલરડું,
બાઈ, તારે તે કેટલા માસ રે ગોવિંદજીનું હાલરડું.
મેં તો સાત જણ્યાં તોય વાંઝિયાં રે, હરનું હાલરડું,
હવે આઠમાની કરવાની શી આશ રે ગોવિંદજીનું હાલરડું.
પે′લે માસે તે જાણ્યું અજાણ્યું રે. હરનું હાલરડું,
બીજે માસે તે હૈયડામાં જાણ્યું રે ગોવિંદજીનું હાલરડું.
ત્રીજે માસે સૈયરને સંભળાવિયાં રે, હરનું હાલરડું,
ચોથે માસે તે ચૂરમાંના ભાવા રે ગોવિંદજીનું હાલરડું.
પાંચમે માસે તે પંચમાસી બાંધી રે, હરનું હાલરડું,
છઠે માસે તે મૈયર કાગળ મેલ્યા રે ગોવિંદજીનું હાલરડું.
સાતમે માસે તે ખોળલા ભરિયા રે, હરનું હાલરડું
આઠમે માસે મૈયરીએ વળાવ્યાં રે ગોવિંદજીનું હાલરડું.
નવમે માસે તે કાનકુંવર જલમિયા રે, હરનું હાલરડું,
સોના-છરીએ તે નાળ વધેર્યા રે ગોવિંદજીનું હાલરડું.
એ તો રૂપલાની કોશે ભંડાર્યા રે, હરનું હાલરડું,
પાણી સાટે દૂધડીએ નવરાવ્યાં રે ગોવિંદજીનું હાલરડું.
હીર સાટે તે ચીરમાં વીંટાળ્યાં રે, હરનું હાલરડું,
ચોખા સાટે મોતીડે વધાવ્યાં રે ગોવિંદજીનું હાલરડું.
બાર વાસાનું બાળક બોલિયું રે, હરનું હાલરડું,
માડી મને રમકડાં લૈ આલો રે ગોવિંદજીનું હાલરડું.
સોનાગેડી ને રૂપલા દડૂલિયો રે, હરનું હાલરડું,
જળ જમનાને કાંઠડે દોટાવ્યો રે ગોવિંદજીનું હાલરડું.