હાલરડાં/થેઈ ! થેઈ !
← પારણિયામાં પોઢ્યો | હાલરડાં થેઈ ! થેઈ ! ઝવેરચંદ મેઘાણી |
જુગના આધાર → |
થેઈ ! થેઈ !
[બાળકને ચાલતાં શીખવતી વેળા માતા આ ગીત ગાય છે અને બાળકનો હાથ ઝાલી ડગલાં ભરાવે છે. ગીતનો તાલ બાળકની પહેલવહેલી થેઈ ! થેઈ ! પગલીઓ જેવો જ છે.]
ડગમગ! ડગમગ! ડગલાં ભરતા હરજી મંદિર આવ્યા,
પગમાં ડાક જશોદા માએ ગોકુળમાં ચલાવ્યા.
થેઈ થેઈ ચરણ ભરો ને કાન,
વેંચું મુક્તાફળ ને પાન!
સારી સારી સુખડિયું તારા ગુંજડિયામાં ઘાલું;
મોતીસરના લાડવા તારા હાથડિયામાં આલું રે. – થેઈ થેઈ.
પૌંવા મગાવું દૂધે પલાળું, હરિને ફીણી આલું;
શેરડીનો સાંઠો મગાવું, છોલાવું, મગ ફોલું. - થેઈ થેઈ.
તાલ ટાંચકા શંખ ફેરકણાં ઊભાં ઊભાં મગાવું;
રેશમ દોરી પટવા કેરી ફમક ચોક નખાવું. - થેઈ થઈ.
બાળક એ કશું લેવા ના પાડે છે. એ તો માગે છે આકાશી ચીજો ! :
તારામંડળમાં તકતો દીસે તે મારે ગજવે ઘાલો;
ચાંદલિયો ચૂંટીને મારા હાથડિયામાં આલો રે. – થેઈ થેઈ૦
એવાં રૂપાળાં રમકડાં માતાજી મુજને આલો!
આરા તારા વીણીને મારા ગુંજવડામાં ઘાલો. – થેઈ થઈ૦
અમે પ્રભુજી અલપ જીવડો તમથી લેવાય તો લ્યો રે.– થેઈ થઈ૦
સોના ચકરડી લાલ ભમરડી આકાશેથી ઉતારી;
પ્રભુ તમારી લાલ કસુંબલ મુખડાની બલિહારી!
થેઈ થેઈ ચરણ ધરો ને કાન
વેંચું મુક્તાફળ ને પાન!