હાલ્ય વાલ્ય ને હુવા
હરિશ્ચંદ્ર ભટ્ટ
ઊર્મિકાવ્ય




હાલ્ય વાલ્ય ને હુવા

હાલ્ય વાલ્ય ને હુવા,
લાડવા લાવે રે ભાઇના ફુવા ;
ફુવાના શા છે ફોક,
લાડવા લાવશે ગામનાં લોક ;
લોકની શી પેર,
લાડવા કરશું આપણે ઘેર ;
ઘરમાં નથી ઘી ને ગોળ,
લાડવા કરશું રે પોર ;
પોરનાં ટાણાં વયાં જાય -
ત્યાં તો ભાઇ રે મોટો થાય !…
ભાઇને ઘેરે ગાડી ને ઘોડાં,
ઘોડાંની પડઘી વાગે,
ભાઇ મારો નીંદરમાંથી જાગે ;
ઘોડાં ખાશે રે ગોળ,
ભાઇને ઘેર હાથીની રે જોડ !…
ભાઇ ભાઇ હું રે કરું,
ભાઇ વાંસે ભૂલી ફરું ;
ભાઇને કોઇએ દીઠો,
ફૂલની વાડમાં જઇ પેઠો ;
ફૂલની વાડી વેડાવો,
ભાઇને ઘેરે રે તેડાવો !…
હાલરડાં