હિંદ સ્વરાજ/૯. હિંદુસ્તાનની દશા–રેલવેઓ

← ૮. હિંદુસ્તાનની દશા હિંદ સ્વરાજ
૯. હિંદુસ્તાનની દશા–રેલવેઓ
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૦. હિંદુસ્તાનની દશા–હિંદુ-મુસલમાન →






હિંદુસ્તાનની દશા–(ચાલુ)


રેલ્વેઓ


वाचक :

હિંદુસ્તાનની શાંતિનો જે મારો મોહ હતો તે તમે લઈ લીધો. હવે તો મારી પાસે તમે કંઈ રહેવા દીધું હોય એમ યાદ આવતું નથી.

अधिपति :

હજુ તો તમને માત્ર ધર્મની દશાનો મેં ખ્યાલ આપ્યો છે. પણ હિંદુસ્તાન કેમ રાંક છે, એ વિશે તમને મારા વિચારો હું જણાવીશ ત્યારે વખતે તમને મારી ઉપર જ તિરસ્કાર છૂટશે; કેમકે જે કંઈ આજ સુધી તમે અમે લાભકારક માન્યું છે તે મને તો ગેરલાભકારક જણાય છે.

वाचक :

એવું વળી શું છે?

अधिपति :

હિંદુસ્તાનને રેલવેએ, વકીલોએ ને દાક્તરોએ કંગાલ બનાવ્યું છે. તે દશા એવી છે કે, જો આપણે વેળાસર નહીં જાગીએ તો ચોમેરથી ઘેરાઈ જઈશું.

वाचक :

આપણો સંઘ દ્વારકા જશે કે નહીં એ વિશે મને ધાસ્તી છે. તમે તો બધું જે સરસ જોવામાં આવ્યું છે, મનાયું છે, તેની ઉપર જ હુમલો શરૂ કર્યો! હવે શું રહ્યું?

अधिपति :

તમારે ધીરજ રાખવી પડશે. સુધારો તે કેવો કુધારો એ તો મુસીબતે માલૂમ પડે તેમ છે. તબીબો તમને કહેશે કે, ઘાસણીના દરદવાળો મોતના હાડા લગી પણ જીવવાની આશા રાખ્યા કરે છે. ઘાસણીનો રોગ ઉપરથી દેખાય એવી ઈજા કરતો નથી. વળી તે રોગ માણસને ખોટી લાલી આપે છે. તેથી રોગી વિશ્વાસે તણાયા કરે છે અને છેવટે ડૂબે છે. તેમ જ સુધારાનું સમજવું, તે અદૃશ્ય રોગ છે. તેનાથી ચેતજો.

वाचक :

ઠીક છે ત્યારે હવે રેલવે પુરાણ સંભળાવો.

अधिपति :

તમને ઊગી આવશે કે રેલવે ન હોય તો અંગ્રેજોનો કાબૂ હિંદુસ્તાન ઉપર છે તેટલો ન જ રહે. રેલવેથી મરકી ફેલાઈ છે. જો રેલ ન હોય તો થોડાં જ માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે અને તેથી ચેપી રોગો આખા દેશમાં નહીં જઈ શકે. સહેજે 'સેગ્રેગેશન' - સૂતક - આપણે પહેલાં પાળતા. રેલવેથી દુકાળ વધ્યા છે, કેમ કે રેલવેની સગવડતાથી લોકો પોતાનો દાણો વેચી કાઢે છે. જ્યાં મોંઘવારી હોય ત્યાં અનાજ તણાઈ જાય છે, લોકો બેદરકાર બને છે અને તેથી દુકાળનું દુઃખ વધે છે. રેલવેથી દુષ્ટતા વધે છે. ખરાબ માણસો પોતાનો ખરાબો ઝપાટાથી ફેલાવી શકે છે. હિંદુસ્તાનમાં જે પવિત્ર સ્થાનો હતાં તે અપવિત્ર થયાં છે. અગાઉ લોકો બહુ મુસીબતે તેવી જગ્યાએ જતા. તેવા લોકો ખરેખર ભાવથી ઈશ્વર ભજવા જતા, હવે તો ધુતારાની ટોળી માત ધૂતવા જાય છે.

वाचक :

આ તો એકતરફી વાત તમે કરી. જેમ ખરાબ માણસો જઈ શકે તેમ સારા પણ જઈ શકે છે. તેઓ કેમ રેલવેનો પૂરો લાભ નથી લેતા?

अधिपति : સારું હોય એ તો ગોકળગાયની જેમ ચાલે છે. તેને તો રેલવેની સાથે ન જ બને. સારું કરનારને સ્વાર્થ હોય નહીં. તે ઉતાવળ નહીં કરે. તે જાણે છે કે માણસની ઉપર સારાની છાપ પાડતાં જમાનો જોઈશે. નઠારું જ કૂદી શકે છે. ઘર બાંધવું મુશ્કેલ છે, પાડવું એ સહેલું છે. એટલે હમેશાં રેલવે એ દુષ્ટતાનો ફેલાવો જ કરશે એમ ચોક્કસ સમજવા જેવું છે. તેથી દુકાળનો ફેલાવો થાય કે નહીં તે વિશે કોઈ શાસ્ત્રકાર મારા મનમાં ઘડીભર વહેમ પેસાડી શકશે, પણ રેલવેથી દુષ્ટતા વધે છે તે તો મનમાં કોતરાઈ ગયું છે તે જનાર નથી.

वाचक : પણ રેલવેનો મોટામાં મોટો લાભ બીજા ગેરફાયદાને ભુલાવી દે છે. રેલવે છે તો આજે હિંદુસ્તાનમાં એક પ્રજાનો જુસ્સો જોવામાં આવે છે. એટલે હું તો કહું છું કે રેલવે ભલે આવી.

अधिपति :

આ તમારી ભૂલ જ છે. તમને અંગ્રેજે શીખવ્યું છે કે તમે એક-પ્રજા ન હતા, ને થતાં સેંકડો વર્ષો જશે. આ વાત તદ્દન પાયા વગરની છે. જ્યારે અંગ્રેજો હિંદુસ્તાનમાં ન હતા ત્યારે આપણે એક-પ્રજા હતા, આપણા વિચારો એક હતા, આપણી રહેણી એક હતી ત્યારે તો તેઓએ એકરાજ્ય સ્થાપ્યું. ભેદ તો પછી તેમણે જ પાડ્યા.

वाचक :

આ વાત વધારે સમજવી પડશે.

अधिपति :

હું જે કહું છું તે વગર વિચાર્યે નથી કહેતો. એક-પ્રજાનો અર્થ એવો નથી કે આપની વચ્ચે અંતર ન હતું; પણ આપણા મુખ્ય માણસો પગપાળા કે ગાડાંમાં આખા હિંદુસ્તાનમાં ફરતા, તેઓ એક-બીજાની ભાષા શીખતા ને તેઓની વચ્ચે અંતર ન હતું. જે દીર્ઘદર્શી પુરુષોએ સેતુબન્ધ રામેશ્વર, જગન્નાથ અને હરદ્વારની જાત્રા ઠરાવી તેઓનો શો વિચાર હતો એમ તમે માનો છો? તેઓ મૂર્ખ ન હતા એમ તમે કબૂલ કરશો. તેઓ જાણતા હતા કે ઈશ્વરભજન તો ઘેર બેઠાં થાય છે. તેઓએ જ આપણને શીખવ્યું છે કે મન ચંગા છે તેને ઘેર બેઠે ગંગા છે. પણ તેઓએ વિચાર્યું કે હિંદુસ્તાન તેઓએ એક મુલક બનાવ્યો છે તે એક-પ્રજાનો હોવો જોઈએ. તેથી તેઓએ જુદાં જુદાં સ્થાનકો ઠરાવી લોકોને એકતા નો ખ્યાલ એવી રીતે આપ્યો કે, જેવું દુનિયામાં બીજી જગ્યાએ નથી. બે અંગ્રેજ એક નથી તેટલા એક આપણે હિંદી હતા અને છીએ. માત્ર તમે અમે જે સુધર્યા છીએ તેને મન જ હિંદુસ્તાનમાં જુદી જુદી પ્રજા છીએ એમ આભાસ આવ્યો. રેલવેથી આપણે જુદી પ્રજા માનતા થયા ને રેલવેથી આપણે એક-પ્રજાનો ખ્યાલ પાછો લાવતા થયા છીએ એમ માનો તો મને બાધ નથી. અફીણી કહી શકે છે કે અફીણના ગેરફાયદાની આપણને ખબર પડી, વાસ્તે અફીણ એ સારી વસ્તુ છે. આ બધું તમે ખૂબ વિચારજો. તમને હજુ શંકાઓ ઊઠશે. પણ તે બધીનો નિર્ણય તમારી મેળે તમે કરી શકશો.

वाचक : તમે કહેલું હું વિચારીશ. પણ એક સવાલ તો મને હમણાં જ ઊઠે છે. મુસલમાન હિંદુસ્તાનમાં દાખલ થયા તે પહેલાંના હિંદુસ્તાનની તમે વાત કરી. પણ હવે તો મુસલમાનોની, પારસીની, ખ્રિસ્તીની એમ મોટી સંખ્યા છે. તે એક-પ્રજા હોય નહીં, હિંદુ-મુસલમાનને તો હાડવેર છે એમ કહેવાય છે. આપણી કહેવત પણ તેવી જ છે. 'મિયાંને ને મહાદેવને ન બને.' હિંદુ પૂર્વમાં તો મુસલમાન પશ્ચિમમાં પૂજે, મુસલમાન હિંદુને બુતપરાસ્ત - મૂર્તિના પૂજનાર - ગણી તેમનો તિરસ્કાર કરે. હિંદુ મૂર્તિ-પૂજક છે, મુસલમાન મૂર્તિનું ખંડન કરનાર છે. હિંદુ ગાયને પૂજે, મુસલમાન તેને મારે. હિંદુ અહિંસક, મુસલમાન હિંસક. આમ ડગલે ડગલે વિરોધ છે તે ક્યાંથી મટે ને હિંદુસ્તાન ક્યાંથી એક થાય?