હીરાની ચમક/દૂધમાંથી અમૃત
← ભક્તિ? કે પ્રભુકૃપા? | હીરાની ચમક દૂધમાંથી અમૃત રમણલાલ દેસાઈ ૧૯૫૭ |
કુલશેખર → |
દૂધમાંથી અમૃત
૧
હિમાલયની બહુ જ નજીક — હિમાલયના પડછાયામાં — વ્યાઘ્રપાદ મુનિનો આશ્રમ. કુલમાતા અંબા તેમનાં પત્ની. ઋષિમુનિઓની પરંપરા પ્રમાણે મુનિ વ્યાઘ્રપાદ ધ્યાન, ધારણા અને સમાધિમાં મગ્ન રહેતા, અને વિદ્યાર્થીઓને રાખી વિદ્યાદાન આપતા હતા. કેટલાક મુનિઓના આશ્રમ આબાદ, સમૃદ્ધ અને વ્યવસ્થિત રહેતા, જ્યારે કેટલાક અતિઈશ્વર પરાયણ મુનિઓના આશ્રમમાં આબાદીની ઝાંખી ઓછી દેખાતી. વળી કેટલાક મુનિઓના આશ્રમ અત્યંત પહાડી જગ્યામાં હોય તો ત્યાં પણ કૃષિ કરતાં કુદરત ઉપર વધારે આધાર રાખવો પડતો હતો. અને વ્યાઘ્રપાદનો આશ્રમ ટેકરા, ટેકરી અને ગુફાઓમાં જ સમાઈ જતો; તે એટલે સુધી કે ત્યાં ગાયોનું પણ પોષણ થઈ શકતું નહિ. અને આર્યોને ઉચિત ગૌશાળા વ્યાઘ્રપાદ આશ્રમમાં વર્ષો સુધી ખાલી રહી.
એક સમયે વ્યાઘ્રપાદનાં પત્ની અંબા પોતાના બાલક ઉપમન્યુને લઈ એક પરિચિત ઋષિના આશ્રમમાં મળવાને માટે ગયાં. ત્યાંનાં ઋષિપત્નીએ મળવા આવેલા બાળકને ગાય દોહી તાજું સુંદર દૂધ પીવાને આપ્યું, અને તે નાનકડા ઉપમન્યુને ખૂબ ભાવ્યું. આવું દૂધ તેણે કદી પણ પીધું હોય એવું તેને યાદ ન હતું. પરિચિત મુનિના આશ્રમમાંથી ઉપમન્યુને લઈ અંબા પાછાં પોતાને આશ્રમે આવી ગયાં. પ્રભાત થતાં ઉપમન્યુને બીજા આશ્રમમાં પીધેલું દૂધ યાદ આવ્યું. તેણે માતાની પાસે માગણી કરી :
‘મા ! પેલા આશ્રમમાં મને આપ્યું હતું તેવું દૂધ તું મને આપ.’
માતા અંબા જરા ચમક્યાં. આશ્રમમાં ગાય તો હતી જ નહિ, એટલે દૂધ મળે જ ક્યાંથી ? ઉપમન્યુએ દૂધ જોયું હતું, અને ચાખ્યું હતું એટલે એને દૂધની ઇચ્છા થાય એ પણ સ્વાભાવિક હતું. ગરીબીમાં તુષ્ટ રહેનાર આર્યાસન્નારીએ બાલકને સંતોષવા યુક્તિ કરી. જવના ધોળા લોટને પાણીમાં પલાળી દૂધ જેવો તેનો દેખાવ કરી માતાએ પુત્ર પાસે લાવીને દૂધ મૂકી દીધું. ઉપમન્યુએ તે પીવા માંડ્યું પરંતુ તેને જોતાં જ શંકા પડી હતી એટલે પીતાં તો તેની ખાતરી જ થઈ ગઈ કે આ પ્રવાહી પદાર્થ દૂધનો ન હતો. મા પાસે જઈને તેણે કહ્યું :
‘મા ! આ કંઈ પેલું પીધું હતું એવું દૂધ ન હોય. તેં મને કંઈ જુદી જ વસ્તુ આપી છે.’
માતાના મુખ ઉપર સહજ સંકોચ થયો; ગ્લાનિ પણ થઈ. અને પોતાના મોંઘા પુત્રને દૂધ આપી શકાતું ન હતું એ દીનતા પણ તેમના હૃદયમાં ઊપસી આવી. તેમની આંખમાં ઝળઝળિયાં પણ આવ્યાં તપમાં અને અધ્યાપનમાં નિમગ્ન રહેતા મહાસમર્થ મુનિ વ્યાઘ્રપાદ ધારે તો અણખૂટ સમૃદ્ધિ ઉપજાવી શકે એમ હતું. પરંતુ તેમને સુખસમૃદ્ધિની પરવા જ ક્યાં હતી ? પ્રભુમાં લીન તપસ્વીને દૂધ દહીં અને ઘી માખણ જેવી પાર્થિવ વસ્તુઓ ઉપજવવા તરફ પ્રેરવા એ માતા અંબાને કદી ગમ્યું ન હતું. આજે પણ તે તેમને ગમ્યું નહિ. સાથે સાથે પોતાના પુત્ર દૂધ માગીને દૂધ વગરનો રહે એ પણ માતૃહૃદયને કેમ ગમે ? પુત્રે માતાની મુંઝવણ જોઈ – નાનો હતો છતાં અને તેણે પૂછ્યું :
‘મા ! કેમ આમ આંસુ લાવે છે ? દૂધ આપણી પર્ણકુટિમાં નથી શું ?’
‘ના, દીકરા ! આપણો આશ્રમ એવો સમૃદ્ધિહીન છે કે આપણને દૂધ મળી શકે એમ નથી. માતાએ અશ્રુ લૂછતાં જવાબ આપ્યો.
‘એ દૂધ મેળવવાનો કંઈ માર્ગ હશે ખરો, મા ?’ ‘હા દીકરા ! આ જીવનમાં કાંઈ પણ મેળવવું હોય તો હું એક જ માર્ગ જાણું છું, તારા પિતાએ કહેલો : શિવનું પૂજન કરવું અને नमः शिवायનો જાપ જપવો.’ માતાએ કહ્યું.
‘જાપ તો હું જપી લઈશ. પણ શિવની પૂજા કેમ થાય. મા ?’
‘દીકરા ! શિવતત્ત્વ તો સર્વવ્યાપક છે. જ્યાંથી જેવી રીતે પૂજીશ તેવી રીતે તે પૂજા સ્વીકારશે.’ માએ કહ્યું.
‘તો મા ! હું એમ કરું ? તું બતાવે તેમ આ આશ્રમની માટી માંથી નાના નાના ગોળા લઈ આવું અને તું મને શિવની આકૃતિ એમાંથી ઊભી કરી આપ. એટલે હું તેમનું સતત પૂજન કર્યા જ કરીશ – શિવ પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી.’ ઉપમન્યુએ કહ્યું.
માતાને – પુત્રને આ દૃઢ નિશ્ચય વિસ્મયભરેલો લાગ્યો. છતાં માતા અંબા રાજી થયાં અને માટીની કણીઓ લઈ પાર્થિવેશ્વર બનાવવાની રમતમાં ઉપમન્યુને પ્રેર્યો. પ્રાચીન ઋષિકુળોમાં રમત પણ ઈશ્વરને અવલંબીને જ થતી હતી.
૨
પરંતુ ઉપમન્યુ માટે એ રમત ન હતી. દૂધ મેળવી આપનાર શક્તિશાળી દેવની એ એકાગ્ર ઉપાસના હતી. કામ ન હોય ત્યારે એ બાલક नमः शिवाय મંત્ર ભણે અગર માટીનાં શિવલિંગ બનાવી નિત્ય તેની પૂજા કરે. અલબત્ત, અન્ય શિષ્યોની સાથે તે પિતા વ્યાઘ્રપદ પાસે અભ્યાસ પણ કરતો રહ્યો, છતાં એ અભ્યાસનું કેન્દ્ર અને ધ્યેય બ્રહ્મતત્ત્વ તેને શિવસ્વરૂપે જ ઓળખાયા કરતું હતું, અને તેની શિવપૂજા વય અને અભ્યાસ વધતાં પણ ચાલુ રહી– વય વધતાં એના મનમાંથી દૂધનું મહત્ત્વ ઘટતું ચાલ્યું હતું અને માત્ર શિવતત્ત્વનું મહત્ત્વ સચવાઈ રહ્યું હતું. આમ બાલ્યાવસ્થામાં ઊપજેલી દૂધની તૃષ્ણા સંતુષ્ટ કરવા માટે શિવ સમર્થ છે એ જ્ઞાનમાંથી પાર્થિવ દૂધ બાજુ ઉપર રહી ગયું, અને યુવાન ઉપમન્યુ મહાન શિવભક્ત બની ગયો. એના અભ્યાસનું પણું હાર્દ શિવ, એના પૂજનનું પણ હાર્દ શિવ, અને એના તપ ધ્યાનનું હાર્દ પણ શિવ. વ્યાધ્રપાદના–પિતાના આશ્રમમાં હવે એને જરૂરી એકાંત મળનું ન હોય એમ લાગ્યું. કારણ જેમ જેમ તેનું વય વધતું ગયું તેમ તેમ શિવતત્વને મેળવવાની તેની તાલાવેલી પણ વધતી ચાલી. જે દિવસો જતા હતા તેમાં શિવના ધ્યાનનો વ્યાપાર વધતો જતો હતો, અને પિતાના આશ્રમનું એકાંત પૂરતું ન હોવાથી પાસેના હિમાલયના અરણ્યમાં જઈ ઉપમન્યુએ શિવપૂજન અને શિવતપ આદર્યું.
અરણ્ય સદા સર્વદા સાત્ત્વિક જ હોતાં નથી. આસપાસ હિંસક પ્રાણીઓ પણ હોય, ઝેરી જંતુઓ પણ ફરતાં હોય, અને પ્રેત જેવાં, પિશાચ જેવાં અસંસ્કૃત માનવીઓ પણ ત્યાં વસતાં હોય. પાર્થિવેશ્વર બનાવવા ખાતર માટી ચૂંથતો, અને કાંઈ પણ કામકાજ કર્યા વગર પદ્માસનવાળી, આંખ મીંચી, આળસમાં સમય ગાળતો આળસુ માનવી એ વનમાનવીઓને તો વિચિત્ર જ લાગે, એટલે તેમણે તેને વનમાંથી હાંકી કાઢવા અને તેને ધ્યાનભંગ કરવા બની શકતા બધા પ્રયાસો કર્યા. પરંતુ શિવતત્વની ઉપાસનામાં પડેલા ઉપમન્યુમાં ન હતો ભય કે ન હતો ક્રોધ. સર્વનું કલ્યાણ ઈચ્છતા ઉપમન્યુના વાતાવરણમાં ધીમે ધીમે હિંસક પ્રાણીઓ હિંસા પણ ભૂલ્યાં અને વનમાનવો ધીમે ધીમે આર્યઋષિમુનિઓને માર્ગે ડગ ભરવા લાગ્યા. કહે છે કે પિશાચ જતિનો એક આગેવાન મરીચિ ઉપમન્યુની અસર નીચે એક મહા તપસ્વી પણ બની ગયો.
આ જાતનું તપ, આ સંતનું પૂજન, આ જાતની સાત્ત્વિક ચર્ચા, છતાં શિવનાં પ્રત્યક્ષ દર્શન હજી ઉપમન્યુને થયાં નહિ. શિવનું કલ્યાણ સ્વરૂપ ભલે વ્યાપક હોય, પરંતુ એને તો એક વખત એ સર્વ વ્યાપી તત્ત્વના અર્ક સરખાં શંકર-પાર્વતીને હાજરાહજૂર નિહાળવાં હતાં. પ્રભુના સર્વવ્યાપીપણાનો ભલે તેને ખ્યાલ આવ્યો હોય, એનું તેને ઠીક ઠીક ભાન પણ થયું હોય, છતાં એ વ્યાપક તત્વના વાણાતાણા અતિશય ઢીલા લાગતા હતા, અને ઘણી વાર ધુમ્મસની માફક વ્યાપક તત્ત્વ વેરાઈ જતું હતું. ઉપમન્યુને સુદૃઢ, સુબદ્ધ, નક્કર, જીવતીજાગતી આંખે દેખાય એવું, અને જીવતાજાગતા કાને સંભળાય એવું, વાતચીતને શક્ય બનાવતું ઘટ્ટ, ઘન, શિવસ્વરૂપ નિહાળવું હતું. એ હજી પ્રત્યક્ષ કેમ થતું ન હતું ?
એક દિવસ ઉપમન્યુને ખૂબ વેદના જાગી. એ માગતો હતો શિવસ્વરૂપ હવે પ્રત્યક્ષ ન થાય તો દેહત્યાગ સુધીની તપશ્ચર્યા આદરવી એ નિશ્ચય કરતા ઉપમન્યુએ એકાએક સુંદર દૃશ્ય નિહાળ્યું, એની સામે વનરાજીમાંથી કોઈ પર્વતટેકરી ઉપરથી ઊતરતા સર્વાંગ સુંદરદેવ દૃષ્ટિએ પડ્યા. કલ્યાણકારી દૃશ્યો આંખને જરૂર ખેંચે. દેવ તરફ ઉપમન્યુની દૃષ્ટિ વળી અને તેને લાગ્યું કે દેવ તેના તરફ જ આવી રહ્યા હતા — અરે ! જોતજોતામાં તેની પાસે આવી પણ પહોંચ્યા. સ્મિતભર્યા મુખવાળા એ દેવમાં ઉપમન્યુને શંકરનાં દર્શન થયાં ન હતાં છતાં દેવના કલ્યાણતત્ત્વને નમન કરી ઉપમન્યુ દેવ સામે ઊભો રહી પૂછવા લાગ્યો :
‘દેવ, આપનાં દર્શન દુર્લભ છે. હું કયા કલ્યાણકારી દેવનાં દર્શન કરી રહ્યો છું ?’
‘ઉપમન્યુ ! તું તો વેદપારંગત તપસ્વી છે. દેવોનાં સ્વરૂપને નિત્ય રટનારો છે. મને તું નહિ ઓળખી શકે?’ દેવે પ્રસન્નતાપૂર્વક ઉપમન્યુને આહ્વાન આપ્યું.
‘મંત્રની સ્મૃતિ તો મને કહે છે કે આપ દેવના પણ દેવ ઈન્દ્રદેવ છો. હું દેવાધિદેવને પ્રણામ કરું છું.’ ઉપમન્યુએ શિવમાંથી સ્મૃતિ ખસેડી ઈન્દ્રલક્ષણની ઋચાઓ યાદ કરી કહ્યું.
‘ધન્ય, ઉપમન્યુ ! તેં મને ઓળખ્યો ખરો. તારી ઇચ્છામાં આવે એ વર માગ. હું પ્રસન્ન છું.’ ઇન્દ્રે વરદ મુદ્રા કરી ઉપમન્યુને કહ્યું
‘નહિ, દેવ ! આપનાં દર્શન એ મારે મન મોટું સાફલ્ય છે. આપ કંઈ મને સેવા બતાવો તો તે કરી હું કૃતાર્થ થાઉં,’
‘સેવા? મારી સેવા ? અસંખ્ય દેવતાઓ, સંપ્તાર્ષિ, ગાંધર્વ, અપ્સરા, એ સર્વની સેવા મને પૂરતી થાય છે. મારા દર્શન વ્યર્થ જવા જવું ન જોઈએ. તારે કાંઈ વર માગવો જ પડશે. દેવદર્શન અફળ ન જાય.’ ઈન્દ્રે આગ્રહ કર્યો. અને દેવ તરીકેની પોતાની સ્વર્ગ મહત્તા પણ ઉપમન્યુ આગળ રજૂ કરી. કોઈ તપસ્વી સિદ્ધિ માગે, કોઈ તપસ્વી અપ્સરાનું રૂપ માગે, અગર પૃથ્વી ઉપરના વૈભવો માગે છે એ ખામી ભરેલા તપને ફલિત કરવાનો ધર્મ ઇન્દ્રનો હતો. પરંતુ એવું તપખંડન ઉપમન્યુના તપમાં શક્ય ન હતું. ઈન્દ્રનો આગ્રહ જોઈ તેણે નમ્રતાપૂર્વક ઇન્દ્રને વિનંતી કરી :
‘દેવ ! આપનાં સાચાં દર્શન મને થયાં હોય, અને દર્શન અને ફળ આપનાર હોય તો હું એક જ વર માગું છું.’
‘માગી લે આ ક્ષણે જ, મારું અહીંથી વિસર્જન થાય તે પહેલાં.’ ઈન્દ્રે કહ્યું.
‘દેવ ! જીવનભર શંકરના શિવસ્વરૂપને પ્રત્યક્ષ જોવા મથું છું. મને તેમનાં દર્શન કરાવો.’ ઉપમન્યુએ કહ્યું.
‘ઓ ઘેલા તપસ્વી ! માગી માગીને તેં આ માગ્યું ? નહિ દેવના, નહિ અસુરોના, અર્ધ અસુર સરખા, ભાન વગરના, વ્યસની, સ્મશાનવાસી ઈષ્ટને તું માગે છે? તારી ભયંકર ભૂલ થાય છે...’
‘ભૂલ થતી હોય તો થવા દો, દેવ ! અને શિવસ્વરૂપની નિંદા ઈન્દ્રમુખે ન થાય એવી હું પ્રાર્થના કરું છું.’ ઉપમન્યુએ કાને હાથ દઈ દેવરાજને વિનંતી કરી.
‘માગવું હોય તો રંભા, ઉર્વશી કે તિલોત્તમાને માગી લે. જંબુદ્ધીપ કે લક્ષદ્વીપનું રાજ્ય માગી લે. કોઈથી પરાજિત ન થવાય એવું સામર્થ્ય માગી લે. આ અર્ધ જંગલી, ભૂતપ્રેતના નેતા, ભાંગ મસ્ત, અઘોર, નવસ્ત્રા દેવનાં દર્શન કરીને તું શું પામવાનો છે?’
‘ઇન્દ્રદેવ ! ક્ષમા કરો. મારે શિવતત્વ સિવાય બીજું કાંઈ જ પામવું નથી. આપને મારું તપ વ્યર્થ લાગતું હોય તો આપ ભલે સમેટાઈ જાઓ પરંતુ મારા કાન હવે શિવનિંદા નહિ સાંભળી શકે.’ ઉપમન્યુએ કહ્યું.
‘અને હું શિવનિંદા કરીશ તો તું શું કરીશ ?’ ઈન્દ્રે કહ્યું, ‘કહું હું શું કરીશ તે... નિંદા કરનારને હું ખસેડી ન શકું તો હું જાતે અદૃશ્ય થઈશ.’ ઉપમન્યુએ કહ્યું.
‘અદૃશ્ય થવાની કળા આવડે છે ખરી ?’ ઇન્દ્રે હસતાં હસતા પૂછ્યું.
‘હા, જી ! એના જેવી સહેલી કળા બીજી એકે નથી. જીવ મારો છે, મારે કબજે છે, એને હું આ શરીરમાંથી જોતજોતામાં અલોપ કરી દઈશ. મને મરતાં વાર નહિ લાગે.’
‘એમ? એ બેડોળ ચક્રમ્ દેવ માટે... થોભ, થોભ ઉપમન્યુ ! મૃત્યુનું આહ્વાન બંધ રાખ અને મારી સામે જો !’ ઈન્દ્રે શિવને ગાળ દેવાની પાછી શરૂઆત તો કરી, પરંતુ એ સાંભળી ન શકવાથી ઉપમન્યુએ આગ્નેયી મંત્ર ભણવાની શરૂઆત કરી કે જે દેહને મંત્રોચ્ચાર પૂર્ણ થતાંમાં ભસ્મ કરી નાખે એવી શક્તિ ધરાવતો હતો. ઉપમન્યુએ મંત્ર બોલતાં બોલતાં ઈન્દ્ર સામે જોયું તો ઈન્દ્રનું અસ્તિત્વ જ ત્યાં હતું નહિ ! ઊલટું, ઇન્દ્રને સ્થાને ભગવાન શિવ અને માતા પાર્વતી નંદી ઉપર બિરાજમાન થયેલા ઉપમન્યુએ નિહાળ્યાં. શંકરનું સ્મિતભર્યું મુખ કલ્યાણવાણી ઉચ્ચારી રહ્યું સંભળાયું :
‘ઉપમન્યુ ! તારા ઉપર હું પ્રસન્ન છું. તારી છેલ્લી કસોટી કરવા મેં ઈન્દ્રનું સ્વરૂપ ધારણ કર્યું હતું. માગ માગ, જે માગે તે આપું.’
શંકરનાં દર્શન અને શંકરની વાણી સાંભળી ઉપમન્યુનાં રોમાંચ ઊભાં થઈ ગયાં. બાલ્યાવસ્થાથી જે ઈષ્ટનું એ તપ કરી રહ્યો હતો તે ઈષ્ટ તેની સામે જ પ્રત્યક્ષ ઊભા હતા. આજે તેની તપશ્ચર્યા ફળી. જગદ્વ્યાપી શિવતત્ત્વ ઘન આકાર ધારણ કરી, ભક્તને સંતોષવા માટે સાકાર બન્યું હતું. ભરી ભરી, આંખે ઉપમન્યુએ શિવ-પાર્વતીનાં દર્શન કર્યા. આંખમાં શિવ-પાર્વતીની મૂર્તિ સદાય અંકાઈ રહે એમ તે અવાક્ બની દૃશ્ય જોયા જ કરતો.
‘માગી લે, ઉપમન્યુ ! શિવતત્ત્વ પાસે તું જે માગીશ તે મળશે.’ ભગવાન શંકરે અવાક્ બની ગયેલા ઉપમન્યુની વાણી ઉઘાડવા તેને કહ્યું,
‘પ્રભો ! આપનાં દર્શન પછી કોઈને પણ માગવાપણું રહે જ શું? કલ્યાણતત્વની સાક્ષાત મૂર્તિ મારી આંખમાં વસી ગઈ એ કદી ભૂસાય નહિ એ જ વરદાન મારું હોઈ શકે.’ ઉપમન્યુએ અત્યંત ભાવપૂર્વક વરદાન માગ્યું.
‘એ વર માગ્યું ન કહેવાય. મારું દર્શન થાય એ તો સદા ય તારી આંખમાં કાયમ રહેવાનું જ. એ તારા તપનું ફળ છે. હવે મારી પ્રસન્નતાના ફળરૂપ કંઈ પણ ઈપ્સિત તું માગી લે.’ શંકરે કૃપાભર્યાં વચનો ભક્તને કહ્યાં.
‘હવે મારે કાંઈ પણ ઈપ્સિત રહ્યું જ નથી. છેલ્લો પુરુષાર્થ મને સાધ્ય થઈ ગયો. હવે માગવાનું કાંઈ બાકી રહેતું નથી.’ ઉપમન્યુએ કહ્યું. અને શંકર-પાર્વતીને નમન કરતો તે ઊભો રહ્યો. માતા પાર્વતીના મુખ ઉપર સ્મિત ફેલાયું, અને તેમની વીણા સરખી વાણી ઉપમન્યુએ સાંભળી :
‘ઉપમન્યુ ! તને યાદ છે તેં શી ઇચ્છાથી શંકરનું તપ આદર્યું હતું તે?’
ઉપમન્યુને પોતાનું બાળપણ યાદ આવ્યું, માતા પાસે દૂધ માગેલું હતું તે યાદ આવ્યું, અને તે ન મળતાં બાળચેષ્ટામાં પરંતુ એક તપસ્વીના દૃઢ નિશ્ચયથી તેણે શંકરની આરાધના કરી હતી તે સાંભર્યું. ઉપમન્યુ એ બાલવાંછનાની સ્મૃતિથી સહેજ લજ્જિત થયો, અને તેણે સંકોચપૂર્વક કહ્યું :
‘જગતજનની ! એ બાલચેષ્ટા યાદ કરી હું સંકોચ પામું છું. આપનાં દર્શનમાં મને દૂધ જ નહિ પરંતુ અમૃત મળી ચૂક્યું છે. હવે તેની તૃષ્ણા રહી જ નથી.’
‘પરંતુ હું તારે માટે મારે હાથે જ તૈયાર કરેલું દૂધ લાવી છું. અને મારે હાથે જ એ હું તને પાવાની છું. આવ મારી સમક્ષ, અને આ દૂધનો કટોરો હું પાઉં તેમ પી જા !’ પાર્વતીએ કહ્યું. શંકરના દર્શનથી જે હર્ષાશ્રુ તેની આંખમાં નહોતાં આવ્યાં તે પાર્વતીના આ માતૃઅભિનયથી આવી ગયાં. હર્ષાશ્રુથી ઊભરાતી આ જગન્માતાએ તેની સામે ધરેલો દૂધનો કટોરો તેણે પી લીધો. એ સદ્ભાગ્ય બહુ જ થોડા ભક્તોને પ્રાપ્ત થઈ શકે, ઉપમન્યુનું જીવન આજ સફળ થયું. અંતર્ધાન થતાં થતાં શિવજીએ તેને આશીર્વાદ આપ્યો :
‘ક્ષીરસાગરનો હું તને અધિપતિ ઠરાવું છું.’
પરંતુ સાક્ષાત્ શિવસ્વરૂપનાં દર્શન કરી ચૂકેલા ઉપમન્યુને ક્ષીરસાગર શું પ્રલોભન આપી શકે? શંકરની છાયા ધારણ કરતા હિમાલય ઉપર ઉપમન્યુએ નિવાસ કર્યો અને શંકરનું ધ્યાન ધરતાં ધરતાં તેણે અનેક સ્તોત્રો રચ્યાં અને શિવસ્મૃતિ પણ તેણે રચી. એના આશ્રમમાં નિત્ય ગુંજન થતું હતું કે,
ध्याये नित्यं महेशं रजतगिरिनिभं चारुचंद्रावतं सं
रत्नांकल्पोज्ज्लांगं परशुमृगवराभीतिहस्ते प्रसन्नम् ।
पद्मासीनं समन्तात् स्तुतममरगणैव्यर्धिकृत्ति वसानम्
विश्वाद्यं विश्ववं द्यं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रम् ।।