હીરાની ચમક/ભક્તિ? કે પ્રભુકૃપા?

← જીવન : પ્રભુપ્રીત્યર્થે હીરાની ચમક
ભક્તિ? કે પ્રભુકૃપા?
રમણલાલ દેસાઈ
૧૯૫૭
દૂધમાંથી અમૃત →





ભક્તિ કે પ્રભુકૃપા ?


પ્રભુને પ્રાપ્ત કરવાના ત્રણ માર્ગ : અને તે એક અગર બીજે નામે પ્રત્યેક ધર્મમાં હોય જ. એક જ્ઞાનમાર્ગ, બીજો યોગમાર્ગ અને ત્રીજો ભક્તિમાર્ગ, ગીતામાં અર્જુનને આ ત્રણ બોધ થાય છે : नहि ज्ञानेन सदृश.पवित्रमिह विद्यते । એમ કહી જ્ઞાનની પરમ પવિત્રતા વર્ણવી છે. तस्साद् योगी भबार्जुन । કહીને યોગની મહત્તા પણ પ્રભુએ ગાઈ છે. અને थो मद्भक्त: स मे प्रिय : । કહીને ભક્તિનાં દ્વાર પણ પ્રભુએ ખુલ્લા મૂક્યાં છે, કઠિન યોગ અને અનેકરંગી જ્ઞાન કરતાં ભક્તિ માર્ગ સરળ, સુગમ અને સર્વસાધ્ય છે. એ અર્થે ભક્તિનો મહિમા મોટો છે, જોકે ત્રણે માર્ગ આપણને લઈ જાય છે તો પ્રભુના પદ પાસે જ.

મધ્ય યુગનો આ એક પ્રસંગ છે જ્યારે ભક્તિમાર્ગની વ્યાપકતાએ અનેક ભારતવાસીઓના ક્લેશ સમાવ્યા હતા. વિપ્ર નારાચણનો જન્મ એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બાળપણમાંથી તેણે વેદાધ્યયન કર્યું. વેદાંગ હાથ કરી લીધાં, અને ષડ્દર્શન પણ તેને જિહ્વાગ્રે થઈ ગયાં, વિદ્વાન તરીકે તેની પ્રતિષ્ઠા ખૂબ જામી. પરંતુ એ વિદ્વતાએ વિપ્ર નારાયણને ચતુર અને વાકપટુ બનાવ્યો ખરો છતાં એ વિદ્વત્તાએ તેને પ્રભુનો સ્પર્શ કરાવ્યો હોય એમ તેને જરા યે લાગ્યું નહિ. વિષ્ણુમંદિરના એક ચોકમાં તેણે વિદ્વતાભર્યું પ્રવચન કર્યું, અને સમગ્ર શ્રોતામંડળ તેની વિદ્વતાથી ચકિત થઈ ગયું. ન ચકિત થયો એક અજાણ્યો સાધુ. જેણે દૂર બેઠે બેઠે વિપ્ર  નારાયણનું વ્યાખ્યાન સાંભળી ત્રણચાર વાર આછું સ્મિત કર્યું હતું. ચકોર વિપ્ર નારાયણની દૃષ્ટિ બહાર સાધુનું વર્તન ગયું ન હતું. સહુનાં વખાણ ઝીલતાં ઝીલતાં બહાર નીકળતા વિપ્ર નારાયણે હજી પણ સ્મિત કરતા સાધુને પૂછ્યું :

‘સાધો ! વ્યાખ્યાન ન ગમ્યું, ખરું ?’

‘ન ગમે એવું એમાં કાંઈ હતું નહિ… ઠીક છે. સરસ વિદ્વાન વ્યાખ્યાન કરે એવું એ વ્યાખ્યાન હતું.’ સાધુએ સ્મિતસહ જવાબ આપ્યો.

‘આપને એમાં ખામી શી લાગી ?’ વિપ્ર નારાયણે સાધુને પૂછ્યું.

‘ખામી તો કાંઈ નહિ, પરંતુ તને ખોટું ન લાગે તો એક વાત કહું.’ સાધુએ જવાબ આપ્યો.

‘જરૂર કહો.’

‘તો સાંભળ. બુદ્ધિને તારું વ્યાખ્યાન બહુ રુચ્યું. પરંતુ એમાં હૃદયને ચોટ લાગે એવું કાંઈ ન જડ્યું.’

‘હૃદયને શી રીતે ચોટ લાગે ? શું કરું તો ચોટ લાગે ?’

‘ભક્તિ કરો, ભક્તિ ! પંડિતજી !... પ્રભુની નિત્ય સેવા ! જાતે અંગમહેનત કરીને ! ... કાંઈ નહિ તો પુષ્પ ચઢાવો પ્રભુને નિયમિત.’ સાધુએ કહ્યું.

સાધુ અને વિપ્રનારાયણ છૂટા પડ્યા, પરંતુ આખી રાત વિપ્રનારાયણને સાધુનું સ્મિત દેખાયા કર્યું. વિપ્રનારાયણની વિદ્વત્તા એક જાણે કોઈ બાળકની રમત હોય; અને બાળકની એ રમત જોઈ વડીલને કૃપાભર્યું સ્મિત આવતું હોય, તેવું એ સાધુનું સ્મિત આખી રાત દમી રહ્યું. વિપ્ર નારાયણને ઊંડે ઊતરતાં સમજાયું કે તેમની પોતાની વિદ્વત્તા એ માત્ર શબ્દની રમત જ હતી. પ્રભુની નજીક લઈ જાય એવી શક્તિ એ વિદ્વતામાં ન હતી.

પ્રભાતમાં ઊઠીને તેમણે નિશ્ચય કર્યો કે વિદ્વતાને બાજુએ મૂકવી અને પ્રભુની સેવામાં તલ્લીન રહેવું. સાધુની શિખામણ હતી કે કાંઈ નહિ તો છેવટે પ્રભુને પુષ્પ પણ ચઢાવવાં. મહાવિદ્વાન વિપ્ર નારાયણ એ પ્રભાતથી મંદિરમાં જઈ પ્રભુને પુષ્પ અર્પણ કરવા લાગ્યા.

ભક્તિમાર્ગની ખૂબી જ એ છે કે સેવાકાર્ય આપોઆપ જ વિસ્તાર પામતું જાય, અને ભક્તનું હૃદય વધારે ને વધારે પ્રભુમય બનતું જાય. પહેલે દિવસે વિપ્રનારાયણે પ્રભુની મૂર્તિના ચરણ પાસે પોતાને ગમતાં સારામાં સારાં પુષ્પો ધરાવ્યાં. બીજે દિવસે એટલાં પુષ્પો તેમને ઓછાં લાગ્યાં, એટલે તેમણે પુષ્પનો એક ઢગલો સાથે રાખ્યો અને પ્રભુને ચરણે ધરાવ્યો. ભક્તિએ તેમનું હૃદય ખોલવા માંડ્યું. બીજે દિવસે તેમને લાગ્યું કે સર્વાર્પણને યોગ્ય પ્રભુને આમ અવ્યવસ્થિત પુષ્પોનો પૂંજ ચઢાવવો અને તેમના ચરણને રૂંધી નાખવા એના કરતાં તેમનાં સુકોમળ ચરણને સહજ પણ કષ્ટ ન થાય એવી રીતે વ્યવસ્થિત ઢબમાં પુષ્પના મુકુર બનાવી ચઢાવવા એ વધારે સાચો માર્ગ છે, માળીને ત્યાં તો અનેક પ્રકારની પુષ્પાકૃતિઓ મળતી હતી. એવી વેચાતી લીધેલી પુષ્પાકૃતિઓ કરતાં પોતે જાતે જ પુષ્પની જુદી જુદી આભૂષણ-આકૃતિઓ બનાવે અને પ્રભુના ચરણે ધરાવે એ વધારે સાચી ભક્તિ નહિ ? મહાપંડિતે પોથાં થોથાં બાજુ ઉપર મૂક્યાં, અને પ્રભુના ચરણને શોભે એવી ઢબનાં પુષ્પ-આભૂષણો જાતે જ મંદિરમાં બેસી તૈયાર કરવા માંડ્યાં. પ્રભુના ચરણ કેવા, પ્રભુની અંગુલિ કેવડી, નૂપુર સિવાય બીજાં કયાં કયાં આભૂષણો બનાવી શકાય એમ વિચારમાં રમતા પંડિત વિપ્ર નારાયણનું મન પ્રભુની આકૃતિમાં જ રમવા લાગ્યું. અને વેદવેદાંતનાં જે ઋચાસૂત્રો નહોતાં કહી શકતાં તે પ્રભુલક્ષણો તેમને પુષ્પ-અલંકાર ગૂંથતાં ગૂંથતાં મનમાં પ્રગટ થતાં.

અને પુષ્પ અલંકારો કાંઈ એકલા પગને જ અર્પણ થાય એવું કોણે કહ્યું ? પ્રભુના હાથ, પ્રભુની કમર, પ્રભુનો કંઠ, પ્રભુના વક્ષ, પ્રભુના સ્કંધ, અરે ! પ્રભુના શિરપેચ પણ ફૂલના શા માટે ન બનાવાય ? વિદ્વાન વિપ્ર નારાયણ પ્રભુના પગ માટે પુષ્પ અલંકારો બનાવતા હતા તે હવે પ્રભુની આખી મૂર્તિ માટે પુષ્પ-અલંકારો બનાવતા મંદિરના એક સેવક બની ગયા. પુસ્તકોના વાંચન કરતાં પુષ્પાલંકારની રચના તેમને પ્રભુનું સાન્નિધ્ય વધારે પ્રમાણમાં આપતી હતી; અને જે ઊર્મિલતા વાચનમાંથી નહોતી મળતી તે ઊર્મિલતા હવે તેમને અલંકારરચનામાંની મળવા માંડી.

એક દિવસ અલંકારમાં કાંઈ ભૂલથી પુષ્પનું વજ્ર તેમના પુષ્પ-આભૂષણમાં રહી ગયું, અને એ વજ્ર પ્રભુને ખૂંચ્યા કરતું હોય એમ લાગતાં વિપ્ર નારાયણને ભારે પશ્ચાત્તાપ થયો :

‘અરેરે ! પ્રભુને આખો આખો દિવસ ખૂંચે એવું વજ્ર મેં મારા આભૂષણમાં રહેતા દીધું ! પ્રભુને દુઃખ આપનારો હું પાપી છું.’

આમ તેમના હૃદયમાં પ્રભુ પ્રત્યે અને પ્રભુની જનતા પ્રત્યે ભવ્ય કુમળાશ જન્મી અને પ્રભુપિછાનની પાત્રતા ઉપજાવતી આર્દ્ર વૃત્તિ તેમના હૃદયમાં વ્યાપી ગઈ.

એક સવારે તેમના મનમાં વિચાર આવ્યો :

‘પ્રભુના શણગાર માટેનાં પુષ્પો હું પાડોશીના કે ઓળખીતાના બગીચામાંથી લાવું છું. ત્યાંથી ન મળે તો હું વેચાતાં લાવું છું. કેટલી મોટી ભૂલ ? મંદિરની આસપાસ આટલી મોટી પડતર જમીન પડી છે ! હું જાતે જ અંગમહેનત કરી પ્રભુ માટે એક બગીચો બનાવી એ બગીચાનાં જ પુષ્પની પથારીમાં પ્રભુને સુવાડું તો એ વધારે સાચી સેવા ન કહેવાય ?’

અને આવો વિચાર આવતાં જ તે જ ક્ષણે વિપ્ર નારાયણે ઊભા થઈ મંદિર આસપાસની પડતર જમીન સુધારી, તેમાં બગીચો ઉપજાવવાની યોજના ઘડી કાઢી, અને પોતાને હાથે જ કોદાળા, પાવડા લઈ ખોદકામની શરૂઆત કરી દીધી. વિદ્વાન વિપ્ર નારાયણની વિદ્વતા કે વિદ્વતાનો ઘમંડ ઓસરી જતાં ભક્ત વિપ્ર નારાયણ પ્રભુભક્તિમાં એક મજદૂર બન્યા ! સામાન્યતઃ વિદ્વતાને અને મજૂરીને ભારે બનાવ તો નહિ. વિપ્ર નારાયણને કોદાળી શું, પાવડો શું, ત્રીકમ શું, ટોપલો શું, ક્યારો શું અને ફૂલછોડનું વાવેતર શું, એનો કશો જ 

ખ્યાલ ન હતો. પાવડા ત્રીકમના ભૂમિપ્રહાર કોઈ કોઈ વાર પગપ્રહાર પણ બની જતા અને તેમની હથેલીઓમાં છાલાં પડી સુકાઈ જઈ તેમાંથી આંટણપણ ઊપસી આવ્યાં. પરંતુ પ્રભુની પુષ્પસેવા સ્વપ્રયત્નથી કરવા ઉત્સુક બનેલા વિપ્ર નારાયણને આ કાળી મજુરીમાં ખૂબ જ આનંદ આવવા લાગ્યો. જમીન તૈયાર થશે, એમાં ફૂલછોડ રોપાશે, સુંદર ફૂલનો હાર આવશે અને એમાંથી પ્રભુને ફૂલના શણગાર હિંડોળા અને શૈય્યા થશે – એ કલ્પનામાં જ વિપ્ર નારાયણને આનંદ આનંદ થઈ રહ્યો. અને ઉત્કટ આવેગમાં તેમની સેવા પ્રત્યે કૃપાભર્યું સ્મિત કરતા પ્રભુ પણ સ્વપ્નમાં ઘણુંખરું દેખાવા લાગ્યા. ભક્તને બીજું શું જોઈએ ? એકાદ વર્ષ વીત્યું નહિ હોય એટલામાં તો મંદિરની આસપાસ વિપ્ર નારાયણનો રચેલો બગીચો તૈયાર થઈ ગયો, અને પ્રભુને એ જ બગીચાનાં પુષ્પોમાંથી અનેકાને પ્રકારના શણગારો રચાવા લાગ્યા, પુષ્પના વાઘા પણ તૈયાર થવા લાગ્યા, પુષ્પશૈય્યાની રચનાઓ રચાવા લાગી, અને લગભગ આખું મંદિર પુષ્પની વિવિધ કલા-આકૃતિઓથી પુષ્પમંદિર જ બની ગયું ! પુષ્પના વિવિધ રંગની પાંદડીઓમાંથી સભામંડપમાં, ચોકમાં અને મંદિરના આંગણમાં અનેકાનેક પુષ્પ સાથિયાઓ પણ પુરાવા લાગ્યા, અને મંદિર આખું પુષ્પનું સ્વર્ગ જાણે બની ગયું હોય એવી રચના થઈ રહી. અને વિપ્ર નારાયણની ભક્તિની સુવાસ સમી પુષ્પસુવાસ મંદિરની આસપાસ ગાઉ સુધી પ્રસરી રહી.

પ્રાચીન દેવમંદિરો એટલે ભક્તિનાં અને શ્રદ્ધાનાં ધામ. ભક્તિ અને શ્રદ્ધાની કક્ષા ભલે પાર્થિવ હોય, પથ્થરની મૂર્તિની આસપાસ એ કેન્દ્રિત થયેલી હોય, છતાં પાર્થિવતા સદાસર્વદા સૂક્ષ્મતાની પ્રતીક બની જાય છે. બ્રહ્માંડવ્યાપી પ્રભુને ઓળખવાનું, એને મળવાનું, એને પ્રાપ્ત કરવાનું પગથિયું એ મૂર્તિ. મૂર્તિ પ્રત્યે હૃદય જેટલા ઉત્કટ ભાવો અનુભવો એટલા ભાવ સૂક્ષ્મ પ્રભુને સ્પર્શ્યા વગર રહે નહિ, પછી ભલે કોઈ યુગને એમાં અંધશ્રદ્ધાનું દર્શન થાય. પ્રાચીન મંદિરોમાં જેમ પ્રભુની મૂર્તિને શણગાર થતા તેમ પ્રભુને પ્રસાદ પણ ધરાવાતો, અને પ્રભુને રીઝવવા માટે ગીતનૃત્ય પણ થતાં. એટલું જ નહિ પરંતુ જેમ પુષ્પાર્પણમાં વિપ્રનારાયણે સર્વાપણ ભક્તિ નિહાળી તે પ્રમાણે ગીતનૃત્યના અર્પણમાં કેટલીક સ્ત્રીઓ પ્રભુભક્તિની અંતિમ કક્ષા નિહાળતી. ભક્તિના આવેશમાં કેટલીક કલાધારીઓ પોતાનાં આખા જીવનને પણ મંદિરાર્પણ કરી દેતી. અલબત્ત, બધા જ ભક્તિઆવેશ પરિપૂર્ણ હોતા નથી, અને સ્ખલન સહુના જીવન સાથે જેમ જડાયેલું હોય છે તેમ ભક્તોના જીવન સાથે પણ જડાયેલું હોય તો તેમાં નવાઈ ન કહેવાય. દેવદાસીનો આવા અર્પણમાંથી ઉત્પન્ન થયેલો પ્રકાર આજ ભલે અશુદ્ધ બની વગોવાયો હોય અને તે નાબૂદ પણ ભલે થાય; છતાં ભક્તિમાર્ગે સાચાં સ્ત્રીજીવન સમર્પણ પણ જોયાં નથી એમ ગોદામ્બા તથા મીરાંબાઈના દૃષ્ટાંત ઉપરથી કોઈ ભાગ્યે જ એ કહી શકશે.

આજ દેવમંદિરમાં બે નર્તકીઓએ પોતાનાં ગીતનૃત્યને સમર્પણ કર્યું હતું. બંને હતી બહેનો. એકનું નામ દેવદેવી અને બીજીનું નામ રૂપદેવી. ગીતનૃત્યનો તે ધંધો કરે અને સવારસાંજ આ મંદિરમાં આવી પ્રભુમૂર્તિ સામે ગીત-નૃત્ય કરી ભક્તિનું પુણ્ય પણ હાંસલ કરે. દેવદેવી અને રૂપદેવીની કીર્તિ ચારે પાસ ફેલાઈ ચૂકી હતી. દેશદેશાંતરના રાજાઓ અને ધનિકો બંને બહેનોના રૂપની કીર્તિ સાંભળી આ નગરમાં આવે અને મોહિત થઈ પાછા જાય. બંને બહેનોને એક પણ હતું : દિવસમાં બે વાર દેવમંદિરમાં કલાનું સમર્પણ કર્યા સિવાય પોતાની કલાનો વિક્રય કરવો નહિ. આટલી પ્રતિજ્ઞા બંને બહેનો પાળી રહી હતી. વિપ્ર નારાયણ પ્રભુને માટે પુષ્પના શણગાર રચતા બેઠા હોય, દેવદેવી અને રૂપાદેવીનાં પ્રભુને પાસે નૃત્યગીત થાય, વિપ્ર નારાયણ તે સાંભળી પ્રફુલ્લિત બને, પરંતુ પ્રભુને અર્પણ થયેલાં ગીતનૃત્યને આકાર આપનારી સુંદરીઓનાં મુખ અને દેહ કેવાં છે એ જોવાની તેમને નવરાશ ન હોય ! કર્ણ કર્ણનું કામ કરે પરંતુ તેમનાં ચક્ષુ તો ફૂલશણગાર ગૂંથવામાં અને પ્રભુની સામે નિહાળવામાં જ રોકાયેલાં હોય.

એક દિવસ દેવદેપી અને રૂપદેવી બંને પોતાના સમય કરતાં જરા વહેલાં મંદિરે આવી ચઢ્યાં. વિપ્ર નારાયણના બગીચાને તેમણે અછડતો જોયો હતો અને તેમની ખાતરી પણ થઈ ગઈ હતી કે પ્રભુમંદિરમાં અર્પણ થતા પુષ્પશણગાર તેમના નૃત્ય અને ગીત શણગાર કરતાં જરા ય ઊતરતા ન હતા. સમય હતો એટલે તેમણે મંદિરના બગીચામાં ફરવા માંડ્યું. બગીચો પણ મંદિર જેવો જ સુંદર હતો. પ્રભુને અર્થે ઉપજાવતા પુષ્પોની ક્યારીઓ પણ પ્રભુને શોભે – પ્રભુને ગમે – એવી જ જોઈએ ને ? બંને નર્તકી બહેનો આખો બગીચો ફરી વળી. બગીચાને છેડે આવેલા એક વૃક્ષ નીચે નાની સરખી એક ઝૂંપડી હતી. બંને બહેનો જોઈ શકી કે આ ભક્ત વિપ્રનારાયણનો મહાનિવાસ ! આ તૂટીફૂટી ઝૂંપડીમાં પેલો પુષ્પતપસ્વી વિપ્રનારાયણ રહેતો હતો, પરંતુ નિત્ય નિત્ય એ પુષ્પનાં નવાં નવાં સ્વર્ગમંદિરમાં રચતો હતો !

સૌંદર્યના અર્ક સમી બંને બહેનો જ્યારે બાગમાં ફરી રહી હતી ત્યારે વિપ્ર નારાયણ બગીચાના પાણીવહન માટેની એક નાનકડી નહેર સમારી રહ્યો હતો. તેમના હાથ અને પગ – કદાચ મુખ અને છાતી પણ – માટીવાળાં બની ગયાં હતાં. બગીચામાં કોણ ફરે છે તેની વિપ્ર નારાયણને પરવા ન હતી. પાસે થઈને બંને બહેનોએ જવા માંડ્યું, પરંતુ વિપ્ર નારાયણે નહેર સુધારવામાંથી મસ્તક કે આંખ પણ ઊંચકી તેમના તરફ જોયું નહિ ! દેવદેવીએ ટહુકો કર્યો :

‘ભક્તરાજ ! કીર્તનનો સમય થવા આવ્યો છે.’

‘સમય હું નહિ ચૂકું.’ વિપ્ર નારાયણે પોતાનું કામ ચાલુ રાખી જરા પણ ઊંચું જોયા વગર જવાબ આપ્યો.

‘ચાલો ને, અમારી સાથે ! વાર થઈ જશે તમને.’ દેવદેવીએ વધારે આર્જવપૂર્વક આગ્રહ કર્યો. રૂપને અન્યની આંખ આકર્ષવી બહુ ગમે છે. દેવદેવી મંદિર સાથે આટલો સંબંધ રાખતી હતી પરંતુ એને એના રૂપનું અને આવડતનું અભિમાન જરા યે ઓછું ન હતું. એના પ્રશંસકો એ અભિમાનને જીવંત રાખતા હતા. અને મંદિરમાં દર્શને આવનારનો કેવડો મોટો ભાગ પ્રભુના દર્શનની સાથે દેવદેવી અને રૂપાદેવીનાં રૂપદર્શનનો લાભ મેળવવા આવતાં હોય તો તેમાં અસંભવિત કશું ન હતું – આજની માફક ત્યારે પણ.

તૈયાર થવા આવેલી નહેર ઉપરથી દૃષ્ટિ ખસેડી સ્ત્રીરૂપ ઉપર નજર નાખવાની વિપ્ર નારાયણને જરા ય ઈચ્છા થઈ નહિ. તેમને મન નહેરની સુધારણા એ તીવ્ર પ્રશ્ન હતો. એટલે તેમણે કોઈના પણ સામું જોયા વગર એટલું જ કહ્યું :

‘તમે જતાં થાઓ. આટલી ગાર ચણી હું દોડતો આવું છું. એક પણ આલાપ નહિ ચૂકું.’

દેવદેવીની ભ્રુકુટી સહજ વાંકી થઈ; તેની ડોક પણ સહજ નમી. તેણે પોતાનો પગ આછો પછાડ્યો અને તે આગળ વધી. બંને બહેનો હવે આગળ ચાલી. હસીને રૂપદેવીએ કહ્યું :

‘ભોટ લાગ્યો કે બેપરવા ?’

‘એ જે હોય તે ! એનું પતન ચોક્કસ છે.’ દેવદેવીએ ગર્વપૂર્વક કહ્યું.

‘એટલે ?’ રૂપદેવીએ પૂછ્યું.

‘એટલે એમ કે એ ભોટ હોય કે ઋષિમુનિ હોય, તોપણ એના અજ્ઞાનની કે એના તપની ખંડણી એ મારે ચરણે ધરશે.’ દેવદેવીએ કહ્યું.

‘જવા દે, બહેન ! ભક્તોને. આટઆટલા સમયથી આપણે મંદિરમાં આવીએ છીએ. દર્શન કરવા આવનાર જેટલું પ્રભુ સામું જુએ છે એટલું જ આપણી સામું જુએ છે. માત્ર આ વિપ્ર નારાયણને જ ખબર નથી કે એની નજીકમાં જ ગાનારી અને નાચનારીનાં મુખ કેવાં હશે ! ભક્તોની છેડ સારી નહિ.’ રૂપદેવી બોલી.

‘જોતજોતામાં એ ભક્ત મારે ચરણે આ બાગનાં પુષ્પ ન ધરાવે તો જીવનભર તારી દાસી થઈને રહીશ.’ દેવદેવીએ પ્રતિજ્ઞા લીધી.

નિત્યનિયમ પ્રમાણે દેવમંદિરમાં નૃત્યકિર્તન થયાં. સમયસર આવીને વિપ્ર નારાયણ ત્યાં બેઠા ૫ણ ખરા, પ્રભુનું કીર્તન તેમણે ફૂલહાર ગૂંથતાં ગૂંથતાં સાંભળ્યું. ગીત અને નૃત્ય કરતાં કરતાં આ દેવદેવી પ્રભુને બદલે વિપ્ર નારાયણ તરફ વધારે જોતી હતી. અને એના નર્તનની આજ દેવદેવીએ એવી ખિલાવટ કરી હતી કે બે ત્રણ વાર તેનાં વસ્ત્રો નાચતાં નાચતાં વિપ્ર નારાયણને હવા આપી ગયાં. એટલું જ નહિ પરંતુ અટકી પણ ગયાં. છતાં વિપ્ર નારાયણની દૃષ્ટિ પૂષ્પગૂંથનની ક્રિયામાંથી દેવદેવી તરફ વળી નહિ.

એક સંધ્યાસમયે ફૂલછોડને પાણી પાઈ પોતાની ઝૂંપડીમાં પ્રવેશ કરતા વિપ્ર નારાયણે જોયું કે તેમના જ આંગણામાં આછાં હલકાં વસ્ત્રો પહેરેલી, શોક-આચ્છાદિત, એક સુંદરી તેમની જ પ્રતીક્ષા કરતી ઊભી હોય એમને લાગ્યું. વિપ્ર નારાયણને જોતાં તેણે એકદમ નમસ્કાર કર્યા અને તેમના પગ પકડી લીધા. આશ્ચર્યચકિત ભક્તે તેને ઊભી કરી અને પૂછ્યું :

‘બાઈ ! તું કોણ છે ? અહીં શા માટે આવી છે ?’

‘આપનું શરણ લેવા આવી છું.’ સ્ત્રી અત્યંત કરુણ સાદે જવાબ આપ્યો.

‘શરણ પ્રભુનું લે ! પ્રભુ મંદિરમાં બિરાજે છે; ત્યાં જા. હું જ શરણ શોધી રહ્યો છું તે તને ક્યાંથી શરણ આપું ?’

‘હું જાણું છું કે મને શરણું મળશે તો તે આપના ચરણમાં જ. પ્રભુ પણ મળશે તો તે આપની દ્વારા જ !’ કાકલુદીભર્યા સ્વરે સુંદરીએ કહ્યું.

‘તારી કાંઈક ભૂલ થાય છે. તને કોઈએ ખોટી જગ્યાએ મોકલી છે. મારી આ ઝૂંપડી ! એમાં તને રક્ષણ શું મળે ? અને હું ધનિક નથી, સતાધીશ નથી કે પ્રતિષ્ઠાવાન પુરુષ નથી કે જેથી હું તને રક્ષણ આપી શકું. રક્ષણ પ્રભુનું શોધ કે સત્તાનું શોધ.’ વિપ્ર નારાયણે આ જંજાળમાંથી છૂટવા તેને વિનંતી કરી. સૌદર્યસંપન્ન યુવતીએ હવે રડવા માંડ્યું. તેની આંખમાં આંસુ સમાતાં ન હતા. સુંદરીના રુદન સરખી આકર્ષક શક્તિ બીજા કોઈ પણ અભિનયમાં હોઈ શકે નહિ. રડતાં રડતાં એ સુંદરીએ પોતાની કથની વિપ્ર નારાયણને કહી દીધી. તેની માતા કોઈ પણ રીતે તેના સૌંદર્યનો વિક્રય કરવાનો નિશ્ચય કરી બેઠી હતી : કાં તે એક ધનિક સામંતને પોતાનું અખંડ કૌમાર્ય અર્પણ કરી તે જાહેર રૂપજીવિની બની અર્થલાભ મેળવે અગર કોઈ મંદિરમાં દેવમૂર્તિ સાથે લગ્ન કરી દેવદાસી બની પૂજારીઓ અને જાહેર જનતાને પોતાનો દેહ સમર્પણ કરવાની પરિસ્થિતિમાં મૂકી દે. બેમાંથી એક પણ માર્ગ તેને લેવો ન હતો; એને તો માત્ર ભક્તિમય જીવન જ ગાળવું હતું, અને ભલભલી રૂપસુંદરીઓ સામે કદી પણ નજર ન કરનાર ભક્તરાજ વિપ્ર નારાયણના ચરણ સિવાય એને બીજે આશ્રય પણ ક્યાં હોય ? ભક્તરાજની ઇચ્છા પ્રમાણે બગીચાના કોઈ વૃક્ષ તળે પડી રહી તપોમય જીવન ગાળવાની પ્રતિજ્ઞા લઈ એ સુંદરી ફરી વિપ્ર નારાયણના પગને વળગી પડી.

ભક્તનું હૃદય પીગળ્યું. આવી પરિસ્થિતિમાં ભક્તિમાર્ગ ઉપર ચાલી આવતી સુંદરીને તરછોડવી એમાં વિપ્ર નારાયણને ભક્તધર્મનો ધ્વંસ થતો લાગ્યો. અને તેમણે એ સુંદરીને બગીચામાં રહેવાની આજ્ઞા આપી. વિપ્ર નારાયણના માર્ગમાં સહેજ પણ અંતરાય ન આવે એ ઢબે અત્યંત મર્યાદાપૂર્વક એ સુંદરીએ પોતાના દિવસો નિર્ગમન કરવા માંડ્યા; અને વિપ્ર નારાયણને પણ એમ લાગ્યું કે દુર્ગતિમાં ઘસડાતી આ સુંદરીને તેમણે પ્રગતિને પંથે મૂકી છે.

ચોમાસાના દિવસો આવ્યા. આકાશ ઘનઘોર બની રહ્યું. રાત્રિના અંધકારમાં મેઘના અંધકારે તિમિરના પુંજને ચારે બાજુએ ઘટ્ટ બનાવી દીધો. વીજળીના ચમકારા પ્રકાશ વધારવાને બદલે અંધકાર વધારે ભયાનક બનાવતા હતા. અને જોતજોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો. હજી વિપ્ર નારાયણે આશ્રિત યુવતીનું નામ પણ પૂછ્યું ન હતું – જોકે હવે નિત્યના બનેલા અબોલ પરિચયે એના તરફ ધ્યાન સમૂળ ખેંચ્યું ન હતું એમ કહી શકાય નહિ. હજી યુવતી વૃક્ષ નીચે જ પડી રહેતી. એને દેહકષ્ટ કરવું હતું; એટલે એણે ઝૂંપડી પણ પોતાને માટે બાંધી ન હતી. વરસાદની ગર્જનાએ જાગૃત રહેલા વિપ્ર નારાયણને ભર વરસાદમાં પલળતી, વૃક્ષ નીચે બારે મેઘનાં પાણી માથે લેતી, આશ્રિત સ્ત્રી યાદ આવી. અને તેમણે ઝૂંપડીની ઓસરીમાં આવી, બૂમ પાડી, દીવો દેખાડી, તેને ઝૂંપડી પાસે બોલાવી. આશ્રિત સુંદરી પાણીમાં તરબોળ થઈ ગઈ હતી. ભીના વસ્ત્રમાંથી તેનો આખો દેહ લગભગ ઊપસી આવતો હતો. તે થરથર કંપતી હતી. વિપ્ર નારાયણે કહ્યું :

‘અંદર આવ; કપડાં બદલ અને આજે ઝૂંપડીમાં જ સૂઈ જા.’

‘નહિ, પ્રભો ! હું જ્યાં છું ત્યાં જ ઠીક છું.’ યુવતીએ કંપતે સ્વરે કહ્યું.

‘ટાઢે આવી ઘેરી લીધેલી છે, મારાથી તને આવા કાળામેઘમાં પાછી ન જ મોકલાય. આવ અંદર, અને કપડાં બદલી લે.’ વિપ્ર નારાયણે કહ્યું અને હજી પણ ઝૂંપડીમાં આવતાં સંકોચાતી યુવતીનો હાથ પકડી, દેહ પકડી, વિપ્ર નારાયણ તેને ઝૂંપડીના અંદરના ભાગમાં લઈ આવ્યા.

‘મને અંદર તો આપ લાવ્યા, પરંતુ હું કપડાં ક્યાં બદલીશ ? મારાં વસ્ત્રો જે કાંઈ એકબે હતાં તે વૃક્ષ નીચે પલળી ગયાં, પાણીમાં વહી ગયાં. હું તો આપની આરામની જગાને પાણીથી ભીંજવી રહી છું.’ સુંદરીએ વિવેક સાથે સત્યનું ઉચ્ચારણ કર્યું.

વિપ્ર નારાયણ સુંદરીની આ મુશ્કેલી પણ સમજી ગયા. આખી રાત ભીને વસ્ત્રે તો એ યુવતીને બેસાડી રાખી શકાય જ નહિ એમ તેમનું દયાર્દ્ર હૃદય કહેતું હતું. તેમને એક ઉપાય સૂઝ્યો. તેમણે સહજ સ્મિત સહ કહ્યું :

‘તું મારાં – પુરુષનાં – કોરાં વસ્ત્રો અંઘોળમાં છે તે પહેરી લે, અને કોરી થઈ જા, ભીને વસ્ત્રે તો તને જ્વર ચઢી આવશે.’

એટલું કહી વિપ્ર નારાયણે આશ્રિત યુવતીને પોતાનાં પુરુષવસ્ત્રો – નાનકડી લુંગી અને અંચળો આપ્યાં. ઝૂંપડીમાં વસ્ત્ર બદલવાનો ખંડ તો ન જ હોય ! બહુ કાળજીપૂર્વક યુવતીએ સ્ત્રીવસ્ત્રો બદલીને વિપ્ર નારાયણનાં પુરુષ વસ્ત્રો પહેરી લીધાં. પરંતુ પુરુષ વસ્ત્ત્રો સ્ત્રી દેહ માટે રચાયેલાં હોતાં નથી. સ્ત્રીવસ્ત્રોમાં ઢંકાતાં સ્ત્રી દેહનાં અંગ પુરુષ વસ્ત્ર્રોમાં સ્ત્રીત્ત્વનું પ્રાગટ્ય કદી કદી વધારે કરી ઊઠે છે. તેમાં યે ભક્ત વિપ્રનારાયણનાં ટૂંકાં વસ્ત્રો આશ્રિત સ્ત્રીના અવયવોનું સૌંદર્ય વધારે ખીલવી રહ્યાં.

હજી આશ્રિત સ્ત્રીની ટાઢ શમી ન હતી. તે પુરુપવસ્ત્રો પહેરી શરમાઈ ઝૂંપડીને એક ખૂણે બેસી ગઈ હતી, છતાં એના દેહનો થરકાટ હજી મટ્યો ન હતો. કૃપાળુ વિપ્ર નારાયણે પોતાની એકની એક ચટાઈ અને ઓઢવાનો કામળો તેની પાસે પાથરી થરથરતી સુંદરીને તેના ઉપર સુવાડી દીધી. સૂતાં સૂતાં ઠંડીનો ઉચ્ચાર કરતાં વિપ્ર નારાયણના હાથ પકડી ખેંચી આશ્રિત સુંદરીએ વિપ્ર નારાયણને પણ એ જ પાથરણામાં ઘસડ્યા અને કહ્યું :

‘હું એવી સ્વાર્થી નથી કે આપની પથારીનો ઉપયોગ કરી આપને આ કાળઠંડીમાં ખુલ્લા થરથરતા મૂકું.’

‘વિપ્ર નારાયણને પણ ખરેખર ઠંડી લાગતી હતી. તેઓ ઘસડાયા. આશ્રિત સ્ત્રી સાથે શયન કરી તેમણે ઉષ્મા આપી અને ઉષ્મા મેળવી.

પરંતુ તે સાથે તેમનું એ રાત્રે પતન થયું. સૌંદર્યનિધાન, સુખનિધાન, પ્રભુને થોડીક ક્ષણો ભુલાવે એવું સૌંદર્ય અને સુખ નારીદેહમાં પણ હોય છે એ કંપભર્યો અનુભવ ભક્તરાજે આજ પહેલવહેલો કર્યો. અને પ્રભુ ભુલાઈ ગયા. દેવદેવીની પ્રતિજ્ઞા સફળ થઈ અને વિદ્વત્તામાંથી ભક્તની ઉચ્ચ કક્ષાએ ઊડતા આ સાધકનો પગ એટલો બધો લપસ્યો કે તેમણે બગીચાનો નિવાસ પણ છોડી દીધો; પોતાની સંપત્તિ–મિલક્ત જે કાંઈ હતાં તે બધાં દેવદેવીને ચરણે ધર્યાં. અને પ્રભુમાં સંક્રાંત થવા પાત્ર એકાગ્રતાના દેવદેવીના રૂપમાં વાળી દીધી.  પતનના લાંબા વર્ણનની જરૂર ન જ હોય. પ્રભુ પતનને પણ જીવનની ચઢઊતરનાં પગથિયાં બનાવે છે. અને પાપનાં પાતાળ દેખાડીને પણ પ્રભુ માનવીનો ઉદ્ધાર જ કરે છે ! નીચે અને નીચે ઊતરતા જતા વિપ્ર નારાયણને અંતે એક દિવસે પતનનું અટકસ્થાન મળ્યું. તેમની સંપત્તિનું જે દિવસે તળિયું દેખાયું તે દિવસે અનેક પ્રસંગોને વિસારી દેવદેવીએ વિપ્ર નારાયણને પોતાના આવાસમાંથી જરા ય શરમ રાખ્યા સિવાય બહાર ધકેલી મૂક્યા.

વિપ્ર નારાયણને હવે પ્રભુનું મંદિર સાંભર્યું, પરંતુ પ્રભુ સન્મુખ જતાં તેમના પગ ઊપડ્યા નહિ. જે પ્રભુ સામેથી તેમની આંખ ખસતી ન હતી એ પ્રભુ સામે દેવદેવીમાં રચીપચી રહેલી આંખ હવે કેમ કરીને જોઈ શકે ? સંપત્તિ તો હવે રહી ન હતી; વિદ્વત્તાનો દુનિયાને ખપ ન હતો. અને ભક્ત તરીકેની તેમની કીર્તિ ક્યારની યે કલંકિત થઈ ચૂકી હતી. તેઓ ક્યાં જાય ? ક્યાં બેસે ? ક્યાં સૂએ ? ક્યાં જમે ? અને કોણ જમાડે ? મહાન ભક્ત પતન થતાં ભિખારીની સ્થિતિએ આવી પડ્યા. એક વૃક્ષ નીચે પથ્થરની છાટ પડેલી હતી. તેને હાથ વડે સાફ કરી વિપ્ર નારાયણ પોતાની પરિસ્થિતિનો વિચાર કરતા આડા પડ્યા. રાત્રિ વધતી હતી છતાં નિદ્રા આવતી ન હતી. જીવનમાં અનેક નાટકો અર્ધ જાગૃત અવસ્થામાં નિહાળતા વિપ્ર નારાયણને કોઈ માણસે આવી ઢંઢોળ્યા અને જાગૃત કર્યા. જાગૃત કરી તે માણસે વિપ્ર નારાયણને કહ્યું :

‘ચાલો ચાલો, જલદી ચાલો. દેવદેવી તમને બોલાવી રહી છે, અને તમારી સ્મૃતિમાં તેણે નિદ્રા પણ ગુમાવી છે;’

‘મશ્કરી ન કરો, મહાકાય ! હું ત્યાંથી જ ધકેલાઈને અહીં આવ્યો છું. હવે તો પગ લઈ જાય ત્યાં જ જવું છે.’ વિપ્ર નારાયણે જવાબ આપ્યો.

‘દેવદેવી હૃદયહીન છે એમ ન માનશો. એ કુલીન છે, પ્રેમાળ છે અને તમને જ શોધે છે. ચાલો, આટલું દુઃખ વેઠ્યું, દેવદેવીને દ્વારે આટલા ધક્કા ખાધા તો એક વધારે… મારે ખાતર હું જો જૂઠો હોઉં તો.’ આગન્તુકે કહ્યું.

અને મનની તથા શરીરની વિહ્‌વળતામાં વિપ્ર નારાયણ આગંતુકની સાથે દેવદેવીને દ્વારે પહોંચી ગયા. દેવદેવીએ તેમના ઉપર પ્રેમ વર્ષાવ્યો અને વિપ્ર નારાયણે બાકી રહેલી રાત્રિ આનંદમાં વિતાવી. પરંતુ એ આનંદ હવે તેમને વાગતો હોય એમ લાગ્યું. શૂળી ભોંકતા આનંદે તેમને દેવદેવીના ઘરમાં પણ મંદિરની અને દેવમૂર્તિની સ્મૃતિ કરાવી. અને ગૂંગળાવતા આનંદને બદલે પ્રભુભક્તિના પ્રફુલ્લ આનંદમાં હવે પછીનું જીવન વિતાવવા તેમની પાસે પ્રતિજ્ઞા લેવડાવી – એક નર્તકીની શય્યામાં સૂતાં સૂતાં !

પ્રભાતનો સમય થતાં પહેલાં દેવદેવીના ઘરને રાજસિપાઈઓએ ઘેરી લીધું. મંદિરન્નો એક સુવર્ણથાળ મંદિરના ભંડારમાંથી રાત્રે જ ખોવાયેલો માલૂમ પડ્યો. અને મંદિરનો જૂનો જાણકાર વિપ્ર નારાયણ રાત્રે મંદિરની આસપાસ ભટકતો જોવામાં આવ્યો હતો, એટલે એણે જ એ સોનાનો થાળ ચોરી લીધો હશે એવી સ્વાભાવિક રીતે જ સહુને શંકા લાગી. વિપ્ર નારાયણનું સ્થાન હવે સહુ કોઈ જાણતા હતા. એટલે નગર રક્ષપાળોએ દેવદેવીના ઘરને ઘેરી લીધું અને દેવદેવી તથા વિપ્ર નારાયણને કેદ પકડ્યાં. બંને કેદીઓની પૂછપરછ શરૂ થઈ, અને દેવાલયનો સુવર્ણથાળ પાછો આપી દેવા ધમકી અપાઈ. દેવદેવીએ કબૂલ કર્યું :

‘સુવર્ણથાળ મારા મકાનમાં છે ખરો, પરંતુ તે મને વિપ્ર નારાયણનો નોકર આપી ગયો હતો… માટે મેં ઘરમાંથી દૂર કરેલા વિપ્ર નારાયણને ઘરમાં પાછો બોલાવ્યો.’

વિપ્ર નારાયણના મુખ ઉપર હવે હર્ષ કે શોક કાંઈ રહ્યાં જ ન હતાં. તેમને પ્રશ્ન કરવામાં આવતાં. તેમણે તો જવાબ આપ્યો કે :

‘ભાઈઓ ! હું તો ધન, સગાં, સંબંધી અને પ્રતિષ્ઠા બધું ગુમાવી એક ભિખારી બની ગયો છું. મંદિરની આસપાસ હું રખડતો એ વાત સાચી, પરંતુ મંદિરમાં મારો પગ પ્રવેશતાં જ જૂઠો પડી ગયો !.. અને ભિખારી બની ગયેલા મારા જેવાની પાસે નોકર પણ કોણ હોય અને મંદિરના ભંડારમાંથી સોનાનો થાળ ચોરવાની હિંમત પણ કોણ કરે ?’

પરંતુ મંદિરમાંથી સોનાનો થાળ ચોરાયો હતો એ વાત સાચી હતી. દેવદેવીને એ થાળ મળ્યો હતો એ વાત પણ સાચી હતી. વિપ્ર નારાયણનો નોકર એ થાળ દેવદેવીને આપી ગયો હતો એમ દેવદેવી પોતે કહેતી હતી. હવે માત્ર વિપ્ર નારાયણ ના પાડે એટલા ઉપરથી રક્ષકદળનાં માણસો વિપ્ર નારાયણને જતાં કરે એ સંભવિત ન હતું. એક વિચિત્ર વસ્તુ હજી ઊકલી ન હતી. દેવદેવીને મળેલો સુવર્ણથાળ દેવદેવીના ઘરમાં જડતો ન હતો, જોકે એ તેના ઘરમાં આવ્યો હતો એ વાત તે કબૂલ રાખતી હતી. આવી કિંમતી વસ્તુ વિપ્ર નારાયણ અને દેવદેવી મળી ગમે ત્યાં વગે કરી દે એમાં આશ્ચર્ય ન જ કહેવાય. એમ જ માનીને સિપાઈઓએ વિપ્ર નારાયણને તો કેદ કર્યા; ઉપરાંત દેવદેવીએ પોતાને મળેલ સુવર્ણથાળ ગુમ કરવા માટે સિપાઈઓએ દેવદેવીને પણ કેદ કરી. અને બંને જણ પતનની છેલ્લી કક્ષાની સજા ભોગવતાં આખી રાત કેદખાને રહ્યા.

બંનેની આંખના પડળ હવે ખૂલી ગયાં. વિપ્ર નારાયણ એક વખત ભવ્ય ભક્ત હતાં, વિદ્વત્તા મૂકી તેઓ ભક્ત બન્યાં હતાં અને પોતે પ્રભુ સિવાય બીજું કાંઈ જોતા જ ન હતા એવું ભાન – એવું અભિમાન – પણ સેવતા થઈ ગયા હતા. પ્રભુની દુનિયામાં સર્વ કાંઈ પ્રભુમય જ છે, પછી તે પ્રભુમૂર્તિ હોય, પુષ્પ હોય, કે પાપી ગણિકા હોય. સાચા ભક્તને સર્વમાં પ્રભુ દેખાવો જોઈતો હતો. એને બદલે મૂર્તિમાં જ પ્રભુ જોવાની સંકુચિત ટેવ વિપ્ર નારાયણે પાડી હતી. હવે વિપ્ર નારાયણને અત્યારે દેવનું મંદિર, ગણિકાનો આવાસ, પથ્થરની છાટ અને કેદખાનાં સર્વ સરખા જ પ્રભુમય લાગ્યાં. એટલે તેમને ગણિકાગમન, ચોરીનો આરોપ અને કેદખાનાનો વસવાટ એ ત્રણેમાં પ્રતિષ્ઠાહાનિને બદલે પ્રભુની કૃપા જ દેખાવા લાગી.  અને દેવદેવીને તો સો સો વીંછીના ડંખ વાગ્યા હોય એવો પશ્ચાત્તાપ થઈ રહ્યો. જે પવિત્ર પુરુષને ગુરુસ્થાને બેસાડી પ્રભુ પાસે પહોંચાય એમ હતું એ પુરુષને સૌંદર્યના ગુમાનમાં દેવદેવીએ પતિત બનાવ્યો એ ભયંકર પાપની સજા દેવદેવી અત્યારે ભોગવી રહી હતી એવી તેને ખાતરી થઈ. અને વારંવાર માનસિક ક્ષમાયાચના પ્રભુની અને વિપ્ર નારાયણની કરી લીધી.

પ્રભાતમાં સૂર્યોદય થતાં પહેલાં બંદીપાલે આવી વિપ્ર નારાયણને અને દેવદેવીને એમ બંનેને, કેદખાનેથી છૂટાં કર્યા. વિપ્ર નારાયણે પૂછ્યું :

‘મને ગુનેગારને કયે કારણે છોડવામાં આવે છે ?’

‘જે થાળ ખોવાયો કહેવાય એ થાળ ખરેખર ખોવાયો નથી.’ બંદીપાલે કહ્યું.

‘એ જણાયું શી રીતે ?’ વિપ્ર નારાયણે પૂછ્યું.

‘ભંડારીને તેમ જ મહારાજાને બંનેને સ્વપ્નમાં કોઈ દૈવીપુરુષ દેખાયા અને તેમણે સોનાના થાળ ફરી ગણી જોવા આજ્ઞા આપી. મહારાજા તેમ જ ભંડારીએ બંનેએ રાતમાં ને રાતમાં ભંડાર ખોલી સુવર્ણથાળ ગણી જોયા. એકે થાળ ગુમ થયો દેખાયો નહિ. એટલે એ દેવીપુરુષની ઇચ્છાનુસાર આપ બંને ગુનેગારોને નિર્દોષ માની છૂટા કરવાની રાજાજ્ઞા થઈ છે.’ બંદિપાલે કહ્યું અને વિપ્ર નારાયણને છૂટા મૂક્યા.

એ જ પ્રમાણે દેવદેવીને છોડનાર બંદીપાલ સાથે દેવદેવીને પણ વાતચીત થઈ, અને દેવદેવીને છોડી મૂકવામાં આવી. પરંતુ દેવદેવીના મનની એક સમસ્યા ઊકલી નહિ. તેણે તો બંદીપાલને આગ્રહપૂર્વક કહ્યું પણ ખરું :

‘પણ એ સુર્વણથાળ મારા હાથમાં – મારા સગા હાથમાં – મુકાયો હતો એ હું હજી પણ કહું છું. મારે ઘેર પછીથી જડ્યો નહિ એ વાત સાચી. પરંતુ મેં મારા ઘરમાં એ સુવર્ણથાળ લઈ અને ઠેકાણે મૂક્યો હતો એ હકીકત એથી પણ વધારે સાચી છે. ‘એ અમે કશું ન જાણીએ. ચોરાયેલો કહેવાતો માલ મળી ગયો અને તે પોતાને સ્થાને જ મળી ગયો, એટલે તમને અમે ગુનેગાર ગણી શકીએ નહિ.’ બંદીપાલે કહ્યું અને દેવદેવી બંદીગૃહમાંથી છૂટી થઈ બહાર પડી. એને એક વિચાર આવ્યો :

‘ભક્ત વિપ્ર નારાયણના નોકર તરીકે સુવર્ણથાળ લઈ આવેલી વ્યક્તિ એ સાક્ષાત્ પ્રભુ તો ન હોય ?— જે પ્રભુએ મહારાજાને અને મંદિરના ભંડારીને સ્વપ્ન આપ્યું.’

પછી તો વિપ્ર નારાયણ પ્રતિષ્ઠા, ભક્તિભાવ અને અહંભાવ સઘળું વીસરી પાછા પોતાના મંદિરમાં આવ્યા. પ્રભુની દયા ઉપર – નહિ કે પોતાની ભક્તિ ઉપર આખું જીવન સમર્પણ કર્યું અને ઊજડી ગયેલા બગીચાને સજીવન કરી પુષ્પ અર્પણનો પોતાનો પ્રયોગ પાછો શરૂ કર્યો.

દેવદેવીએ પણ એ જ બગીચામાં આવીને વૃક્ષતળે પોતાની નિવાસ પાછો શરૂ કર્યો અને પ્રભુની પાસે પોતાની નૃત્યકળા અને સંગીતકળાનું સમર્પણ કર્યું. વરસાદ આવતો ત્યારે હવે તે ભીંજાતી વિપ્ર નારાયણની ઝૂંપડીમાં જતી નહિ. ભીંજાતા પહેલાં જ તે વિપ્રનારાયણની ઝૂંપડીમાં ચાલી જતી. પરંતુ એ ઝૂંપડીએ ફરી વિપ્રનારાયણનું કે દેવદેવીનું પતન જોયું નહિ. ભક્તિરસમાં તલ્લીન રહેતાં, પ્રભુની કૃપા ઉપર પોતાના જીવનની નૌકા ચલાવ્યે જતાં, બંને મુક્તિપથગામી બની ગયાં.

દેવદેવીએ પોતાની આખી મિલકત મંદિરને સમર્પણ કરી દીધી.

વિપ્ર નારાયણ પાસે સમર્પણ કરવાને કશું રહ્યું જ ન હતું, સિવાય કે પોતાનું જીવન. સહુએ તેમને પાછા ભક્તરાજ તરીકે સંબોધવા માંડ્યા પરંતુ એમણે ભક્તરાજ અને વિપ્ર નારાયણ એ બંને નામો જતાં કરી પોતાનું નામ ‘ભક્તપદરેણું’ ભક્તિની પણ ચરણરજ – રાખ્યું. અને પરમભક્ત તરીકે તેઓ અલ્વારની મહાન ભક્તશ્રેણીમાં સ્થાન પામી ચૂક્યાં. તેમની પુષ્પભક્તિ હવે એવી તો સો ટચ બની રહી કે એ યુગની દુનિયા તેમને પ્રભુની વૈજયંતીમાલાનો અવતાર માનવા લાગી.

ભક્તિમાં – સાચી ભક્તિમાં – પ્રભુભક્તિનું અહં પણ રહેવા ન દે. કેવળ પ્રભુકૃપા ઉપર જીવનને છોડી મૂક્યા સિવાય ભક્તિ પણ અધૂરી રહે છે.