૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/રાક્ષસ અને શાકલાયન

← સંવાહક ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
રાક્ષસ અને શાકલાયન
નારાયણ વિશનજી ઠક્કુર
૧૯૧૨
ચાણક્ય હાર્યો !  →


પ્રકરણ ૩૯ મું.
રાક્ષસ અને શાકલાયન.

દ્યાપિ રાક્ષસે પાટલિપુત્રનો ત્યાગ કર્યો નહોતો, એટલું જ નહિ, પણ તે ધૈર્યથી પાછો પોતાનાં સ્ત્રી અને બાળકોને લઈને પોતાના જ ઘરમાં જઈ રહ્યો હતો. ચન્દનદાસને જે સમયે ચન્દ્રગુપ્તે છોડી દીધો, તે સમયે જ રાક્ષસ પૂર્ણપણે જાણી ગયો હતો કે, “મને ખુલ્લી રીતે મારી નાંખવાની એમની હિંમત છે નહિ, અને બીજા પ્રકારે મને કષ્ટ આપવાની એમની ઇચ્છા નથી, કિંવા એમનાથી એ કાર્ય થવું શક્ય નથી. મારા માટે લોક્પ્ના મનમાં તો એમણે વિપરીત ભાવ ઠસાવી દીધો છે; પરંતુ લોકમત સર્વદા લક્ષ્મી પ્રમાણે કિંવા તો અસ્તાચલમાં જતા સૂર્યથી રંજિત થયેલા મેધ પ્રમાણે ક્ષણિક હોય છે. હું જો આવી જ દૃઢતાથી રહીશ, તો અવશ્ય લોકો મને અનુકૂલ થશે અને નન્દવંશની હું પુનઃ પાટલિપુત્રના સિંહાસને સ્થાપના કરીશ. વિરુદ્ધ પક્ષે જો હું અહીંથી ચાલ્યો જઈશ, તો લોકોના મનમાં ઉપજાવેલા એમના ખોટા વિચારો દિન પ્રતિદિન વધારે અને વધારે મજબૂત થતા જશે, અને તેથી ભવિષ્યમાં મારી એક પણ ઇચ્છા પૂરી થવાનો સંભવ રહેશે નહિ. માટે અહીં રહેવું, એ જ પરિણામે વધારે હિતકારક છે.”

એવો લાંબો વિચાર કરીને જ રાક્ષસ પાછો પોતાના ઘરમાં આવીને રહ્યો હતો. માત્ર પોતાની આસપાસ કયા કયા લોકો છે અને તેઓ કેવા વર્તનના મનુષ્યો છે, એ બધાની સારી રીતે તપાસ રાખીને જ તેણે પોતાનો વ્યવહાર પાછો ચાલૂ કર્યો હતો. આ વેળાએ હિરણ્યગુપ્ત તેના પરિવાર વર્ગમાં હતો નહિ. તેને એકવાર શોધી કાઢીને તેના મુખથી ખરેખરો વૃત્તાંત સાંભળી લેવાની રાક્ષસની ઘણી જ ઇચ્છા હતી. પરંતુ તે તો કોણ જાણે ક્યાંનો ક્યાંય ચાલ્યો ગયો હતો અથવા તો કોઈએ તેને ભગાવી દીધો હતો. “હું અહીં જ હાજર છતાં મારા નામથી અનેક કાર્યભાર થઈ જાય, મારા વિશ્વાસુ મનુષ્યો જ મારાથી વિરુદ્ધ થાય અને તેમના હસ્તે રાજવંશ સંહારાય; છતાં પણ મને એમાંનું કશું પણ ન જણાય, એના કરતાં વધારે લજ્જાસ્પદ વાર્તા તે બીજી કઈ કહેવાય?” એવા વિચારો રાક્ષસના મનમાં વારંવાર આવતા હતા અને તેથી તે મનમાંને મનમાં જ બળ્યા કરતો હતો. પરંતુ એમ બળવાથી શો લાભ થઈ શકે ? કાંઈ પણ કર્તવ્ય કરવું જોઈએ: એવા હેતુથી તેણે વિચાર કર્યો કે, “આપણે તો ઘરમાં જ રહેવું અને દૂરથી સૂત્રસંચાર કરવો. પછી જોઈએ કે શું થાય છે તે !” રાક્ષસનું ઘર જ્યારે પાસે આવ્યું, ત્યારે તે સંમર્દક શાકલાયનને ઉદ્દેશી કહેવા લાગ્યો કે, “મહારાજ! આપને મારે એક મહત્વની વિનતિ કરવાની છે. તે એ કે, મને ચાણક્ય અથવા ચન્દ્રગુપ્તે આ૫ની સેવા માટે મોકલ્યો હતો, એ વાત આપ રાક્ષસને જણાવશો નહિ. જો એ વાત કહી દેશો, તો આપનું જરાપણ કાર્ય સિદ્ધ થશે નહિ. મને ચાણક્યે મોકલ્યો હતો, એ જો રાક્ષસના જાણવામાં આવ્યું, તો અવશ્ય તેના મનમાં શંકા આવશે કે, હું આપને કાંઈક ભેદથી એને ત્યાં લઈ આવ્યો હોઈશ. માટે જો આપ એવું કાંઈ બોલશો નહિ, તો બધું કાર્ય યથાસ્થિત પાર પડશે.” સંવાહકનો એ ઉપદેશ શાકલાયનને સયુક્તિક દેખાયો અને તેણે તેવું કાંઈ પણ ન બોલવાનું કબૂલ કર્યું.

સંવાહક અને વેશધારી સંવાહક શાકલાયન રાક્ષસને ઘેર જઈ પહોંચ્યા. ત્યાં પ્રથમ અંત:પ્રવેશ કરવામાં અને રાક્ષસ પર્યન્ત પોતાના આગમનના સમાચાર પહોંચાડવામાં ઘણી જ પંચાત થઈ પડી. કારણ કે, “કોઈપણ નવીન મનુષ્ય આવે, તો પ્રથમ તેની પૂછપરછ કર્યા વિના તેને અંદર આવવા દેવો નહિ.” એવી રાક્ષસે પોતાના અનુચરોને સખત તાકીદ આપી મૂકી હતી; પરંતુ રાક્ષસને જ્યારે “આપના દર્શન માટે બે સંવાહકો આવેલા છે. તેમનું આપની સાથે એક ઘણું જ મહત્ત્વનું કાર્ય છે - માટે દર્શનનો લાભ આપે આપવો, એવી તેમની વિજ્ઞપ્તિ છે.” એવી પ્રાર્થના કરવામાં આવી, ત્યારે રાક્ષસે પ્રથમ તો ક્ષણ માત્ર વિચાર કર્યો. ત્યાર પછી તે કિંચિત્ હસ્યો અને તેમને અંદર લઈ આવવાની તેણે પ્રતિહારીને આજ્ઞા આપી.

પ્રતિહારી તે બન્નેને જેવો અંદર લઈ આવ્યો, તેવો જ રાક્ષસ તેમનાં મુખોને ધ્યાનપૂર્વક જોવા લાગ્યો અને પોતાના મનમાં શંકા આવી હતી, તે સત્ય ભાસતાં પોતાનું ડોકું ધુણાવવા લાગ્યો. પછી તેણે તે બન્નેને સવાલ કર્યો કે, “તમે જો ખરેખર સંવાહક હોત, તો તમને “આવો બેસો એમ કહીને માન આપવામાં જરા વાંધો આવત ખરો. પરંતુ તમે સંવાહકો નથી; કિન્તુ આ કૃત્રિમ વેશ ધારીને કોઈ ખાસ હેતુથી મારે ત્યાં આવેલા છો, એ હું સમજી ગયો છું; અને તેટલા માટે જ તમને “આવો બેસો.” કહીને માન આપું છું. બેસો અને જે કાર્ય હોય તે નિઃશંક થઈને કહો. જો કે મારાથી થઈ શકે એવું કાર્ય તો આ વિશ્વમાં હવે કોઈ રહ્યું જ નથી. છતાં જ્યારે કાંઈ પણ આશાથી જ તમે મારે ત્યાં આવેલા છો ત્યારે તમારી વાત મારે સાંભળવી તો જેઈએ જ.”

રાક્ષસનું એ ભાષણ સાંભળીને બન્ને સંહવાકો એકબીજાના મુખ સામું જોઈ રહ્યા. રાક્ષસે તત્કાળ પોતાના છદ્મવેશને એાળખી લીધો, એથી શાકલાયનના મનમાં ઘણું જ આશ્ચર્ય થવા લાગ્યું; પરંતુ તે આશ્ચર્ય વિશે વિશેષ કાંઈ પણ ન બોલતાં તે રાક્ષસને ઉદ્દેશી કહેવા લાગ્યો કે, “આપે અમારા છદ્મવેશને ઓળખી કાઢ્યો, એમાં આશ્ચર્ય જેવું કાંઈપણ નથી. કારણકે, કોઈના પણ છદ્મવેશ એાળખવા અને તેમને ન્યાય કરવો, એ તો આપનો પરંપરાનો ધર્મ જ છે. હું એ વિશે વધારે બેાલવું યોગ્ય નથી ધારતો. માત્ર એટલું બોલવું જ બસ થશે કે, ખુલ્લી રીતે આપને ત્યાં આવવામાં જરા ભયનો સંભવ હોવાથી આ મારા સંવાહકની સહાયતાથી આ વેશે હું આપનાં દર્શનમાટે આવેલો છું. હું કોણ છું અને કોણ નહિ, એની એળખાણ આપવા પહેલાં આ સ્થાનમાં એવી ગુપ્ત વાર્તા કરવામાં કશી ભીતિ નથી, એવું આશ્વાસન મળવું જોઈએ.”

“નિ:શંક બોલો. આપ કયા દેશમાંથી અને શામાટે આવ્યા છો ? આપ કોઈ સંવાહક નહિ, પણ રાજપુરુષ છો.” રાક્ષસે આશ્વાસન આપીને પ્રશ્નો પૂછ્યા. “અમાત્યરાજ ! જો કે હું રાજપુરુષ છું ખરો, પણ અત્યારે એક સાધારણ મનુષ્ય પ્રમાણે જ મારા સ્વામીના કાર્ય માટે આવેલો છું.” શાકલાયને ઉત્તર આપ્યું.

“તે કાર્ય શું છે ? અને આપનો સ્વામી કોણ ? આપે બધું ભાષણ વિશ્વાસપૂર્વક જ કરવું, એવી મારી સૂચના છે.” રાક્ષસે કહ્યું.

“હવે તો હું વિશ્વાસપૂર્વક જ બોલવાનો. પર્વતેશ્વરનો પુત્ર જે મલયકેતુ તેનો હું - નહિ - તેના તરફથી જ હું આવેલો છું.” ઉત્તરમાં શાકલાયન જરા અચકાયો.

આપણાથી આ કાંઈક છૂપાવવા માગે છે, એ રાક્ષસ તત્કાળ જાણી ગયો, પરંતુ તેવો ભાવ ન દેખાડતાં તે બોલ્યો કે, “આપ તેના તરફથી આવેલા છો ? હા-હા-શાકલાયન નામનો કોઈ મંત્રી તેના તરફથી અહીં આવવાના સમાચાર મારા જાસૂસોએ મને આપ્યા હતા. શું તેના પિતાને પ્રપંચથી અહીં બોલાવીને મેં કારાગૃહમાં નખાવ્યો, એ માટે મલયકેતુના મનમાં કાંઈ પણ સંતાપ નથી થયો ? કે તેણે મને પકડી જવા માટે આપને અહીં મોકલ્યા છે ?”

“ના-ના-અમાત્યરાજ ! હવે એમ બોલવાની કશી પણ આવશ્યકતા નથી. મલયકેતુને આ૫નાપર કોપ છે, એ વાત જો કે ખરી છે; અને તેમ થાય એ સ્વાભાવિક છે; પરંતુ મારા પાટલિપુત્રમાં આવ્યા પછી મને જે જે માહિતીઓ મળી છે, તેના આધારે હું કહી શકું છું કે, પર્વતેશ્વર મહારાજને અહીં બોલાવી મગાવવામાં અને તેમને કારાગૃહમાં નાંખવામાં આપનો જરા જેટલો પણ હાથ હતો નહિ. એ બાબતની ખાત્રી થવાથી જ હું આપને મળવાને આવેલો છું.” શાકલાયને કહ્યું.

“એ માહિતી આપને કેવી રીતે મળી શકી વારુ ? પાટલિપુત્રમાં તો બધાનો એવો જ અભિપ્રાય થઈ ગયો છે કે, મેં જ રાજકુળનો ઘાત કરાવ્યો અને મ્લેચ્છાધિપતિને મગધનું રાજ્ય આપવામાટે મેં જ સર્વ વ્યવસ્થા કરીને તેને અહીં બેાલાવ્યો હતો; પરંતુ ચાણક્ય અને ચન્દ્રગુપ્તની સહાયતાથી મારું એ ભોપાળું બહાર પડી ગયું અને પર્વતેશ્વરને રાજ્યને બદલે કારાગૃહની પ્રાપ્તિ થઈ. તમને એથી વિરુદ્ધ અને મારા લાભમાં જાય એવા સમાચાર કોણે આપ્યા ?” રાક્ષસે પોતાની કર્મકથા સંભળાવી.

“અમાત્યરાજ ! આપને નિર્દોષ ઠરાવે, એવા સમાચાર આપનાર એક નહિ, પણ અનેક જનો છે. આપના હાથે કોઈ કાળે પણ આવું કુકૃત્ય થાય જ નહિ, એમ દૃઢતાથી માનનારા આજે પણ આ પાટલિપુત્રમાં અનેક લોકો છે, અને અદ્યાપિ તેમની આ૫નામાં દૃઢ શ્રદ્ધા રહેલી છે.” શાકલાયને તેની પ્રશંસા કરી.

“ત્યારે અદ્યાપિ મગધદેશમાં કેટલાક વિચારશીલ લોકો છે ખરાં કે ? સારું સારું, પણ આપનો શો વૃત્તાંત છે, તે સત્વર જણાવી દ્યો.” રાક્ષસે કાંઈક આનંદના ભાવથી એ શબ્દો ઉચ્ચાર્યા.

“એ કાવત્રામાં આપનો કાંઈ પણ સંબંધ ન હોવા છતાં વિના કારણ લોકોએ આપના વિશે જે આ અપવાદ ઉત્પન્ન કરેલો છે, તે માટે આપના હૃદયમાં કોપનો અગ્નિ તો પ્રજળેલો હોવો જ જોઈએ અને એ અપવાદને ટાળવા માટે આપ ઉત્સુક હશો જ એમ ધારીને જ મેં અહીં આવવાનું સાહસ કરેલું છે.” શાકલાયને મંગળાચરણ કર્યું.

“એક વાત મનમાં હોવી અને તે હાથે કરી બતાવવી, એમાં કેટલું બધું અંતર રહેલું છે, એ તો આપ જાણતા જ હશો, કેમ નહિ?” રાક્ષસે ગર્ભિત પ્રશ્ન કર્યો.

“આવાં વચનો સાધારણ મનુષ્યોનાં હોય છે, આપના જેવા અસાધારણ પુરુષો જો ધારે, તો તેમનાથી ન થઈ શકે એવું કોઈ કાર્ય જ નથી.” શાકલાયને ઉત્તર દીધું.

“હું અસાધારણ શાનો ? હું તો સાધારણથી પણ સાધારણ છું, અને તેનું આ કાવત્રુ નિર્વિઘ્ને પાર પડ્યું, એજ પાકો પૂરાવો છે. પણ આપ અહીં ખાસ શા હેતુથી આવ્યા છો, એ કાંઈ હજી જણાયું નહિ. જો પ્રત્યવાય ન હોય તો તે કહી સંભળાવવાની કૃપા કરશો ?” રાક્ષસે પાછું દબાણ કર્યું.

“હું ચન્દ્રગુપ્તને મલયકેતુનો સંદેશો પહોંચાડવાને આવ્યો છું. તે સંદેશો એવો છે કે, મારા પિતાને એકદમ છોડી દઈને એક કરોડ હોન ખંડણી આપવી અને નહિ તો યુદ્ધ માટે તૈયાર થવું.” શાકલાયને હેતુ કહી સંભળાવ્યો.

“આ૫ આ શું કહો છો? શું આ સંદેશો મલયકેતુએ ચન્દ્રગુપ્તને કહાવ્યો છે?” રાક્ષસે આશ્ચર્યના ભાવથી એ પ્રશ્ન પૂછ્યો.

“હા – તેણે જ કહાવ્યો છે. અને એ સંદેશો ચન્દ્રગુપ્તને રૂબરૂમાં કહેવા માટે મને દૂત તરીકે મોકલાવ્યો છે. કેમ આપને એથી આશ્ચર્ય કેમ થાય છે વારુ ?” શાકલાયને પણ તેટલા જ આશ્ચર્યથી એ વચનો ઉચ્ચાર્યા.

“પતંગિયું દીપજયોતિપર ઝાપટ મારવાની કોશીશ કરે, એ જોઈને કોના મનમાં આશ્ચર્ય ન થાય વારુ?” રાક્ષસે પ્રમાણ આપ્યું. “મલયકેતુને આપ શલભની ઉપમા આપો છો ખરા, પણ તે એવા અવિચારી નથી.” શાકલાયને પોતાના રાજાની મહત્તા દર્શાવી.

“જો તે અવિચારી ન હોત, તો પોતાના એકલાના બળપર જ આધાર રાખીને તેણે ચન્દ્રગુપ્તને આવો સંદેશો કહેવડાવ્યો ન હોત. જો તેને બીજા કોઈ પણ બલાઢ્ય રાજ્યની સહાયતા મળશે તો જ કાર્ય કાંઈક શક્ય થશે.” રાક્ષસે પોતાના અનુભવનું દર્શન કરાવ્યું.

“તેવી સહાયતા મેળવવામાટે તો હું આપને ત્યાં આવ્યો છું. આપની સહાયતા હશે, તો બધું કાર્ય યથાર્થ પાર પડી જશે.” શાકલાયન ગળે પડ્યો.

“હું શી સહાયતા આપી શકું તેમ છે?” રાક્ષસે પૂછ્યું.

“જેવી જોઈએ તેવી સહાયતા કરી શકશો. જો કે લોકોનો અભિપ્રાય આટલો બધો આપનાથી વિરુદ્ધ છે, તો પણ જે આપ કરી શકશો, તે બીજાથી થવાનું નથી.”

"કદાચિત્ એમ ધારો. પણ શાકલાયનશર્મન્! મલયકેતુની પૂઠે બીજો કોણ છે વારુ ?” રાક્ષસે પ્રશ્નોમાં આગળ વધવા માંડ્યું.

“બીજો કોણ હોય?” શાકલાયને રાક્ષસના મુખને આશ્ચર્યથી જોતાં કહ્યું.

“ધ્યાન રાખો. જો આપને વિશ્વાસ હોય, તો વિશ્વાસપૂર્વક જ બોલો. મલયકેતુને બીજા કોઈપણ રાજાની સહાયતા હોવા વિના તે મગધદેશપર ચઢાઈ કરવાનો વિચાર કરે, એ શક્ય જ નથી; અને જેની સહાયતાથી એ કાર્ય શક્ય થઈ શકે એમ છે, તેવો સહાયક એક મ્લેચ્છ ક્ષત્રપ સલુક્ષસ જ છે. કહો - તેણે જ સહાયતા કરવાનું માથે લીધું છે ને?” રાક્ષસે પોતાની દીર્ધદૃષ્ટિનો પરિચય કરાવ્યો.

હવે વધારે હા ના કરવાનું વ્યર્થ જાણીને શાકલાયને ત્વરિત કહી દીધું. કે “હા. આપે જે અનુમાન કર્યું, તે જ વાત ખરી છે. જેવી રીતે શલૂક્ષસને તેની બહારથી સહાયતા મળી છે, તેવી જ રીતે અંદરખાનેથી આપે સહાયતા કરવાની છે; એટલી જ મારી આપનાં ચરણોમાં નમ્ર પ્રાર્થના છે. હાલમાં જો કે ઘણા લોકો આપને અનુકૂલ નથી, તો પણ સત્વર જ તે લોકો અનુકૂલ થઈ જશે, એવી તેમની સ્થિતિ જણાય છે. આપ જો અમારા સહાયક થશો તો આપના પણ કેટલાક હેતુ સિદ્ધ થવાનો સંભવ છે. ચાણક્ય અને ચન્દ્રગુપ્ત પાસેથી વૈરનો બદલો વાળી શકાશે, તેમ જ મલયકેતુને પણ જો તેમનો પરાજય થયો, તો પોતાના બાપનું વૈર વાળવાનો પ્રસંગ મળશે.........”

“અને યવન ક્ષત્રપ સલૂક્ષસ નિકત્તરને શો લાભ થશે ?” રાક્ષસે કપાળમાં કરચલીઓ ચઢાવી માથું ખજવાળી અને શાકલાયન પ્રતિ ચમત્કારિક રીતે દૃષ્ટિપાત કરીને પૂછ્યું. એ સવાલ મોઢામાંથી કાઢતી વેળાએ તેનો સ્વર પણ કાંઈક ચમત્કારિક થઈ ગયો હતો. રાક્ષસનું એ ભાષણ તે વ્યાજબી ભાષણ હતું, એ શાકલાયન તત્કાળ પામી ગયો અને તેથી તે કેટલીકવાર સુધી સ્તબ્ધ બની, મૂક મુખે કાંઈ પણ બોલ્યા ચાલ્યા વિના બેસી રહ્યો.

એટલે રાક્ષસે પુનઃ તેને સંબોધીને કહ્યું કે, “કેમ મહારાજ! આપ કાંઈ પણ બોલતા કેમ નથી? સલૂક્ષસ નિકત્તર આજે મલયકેતુને જે આટલી બધી સહાયતા કરવાને કમર કસીને તૈયાર થયો છે, તેમાં એનો પોતાનો પણ કાંઈ હેતુ હોવો જોઈએ ખરો કે નહિ? નહિ તે યુદ્ધમાં વ્યર્થ પરિશ્રમ સહેવાથી એને શો લાભ અને એને વચ્ચે આવવાનું કારણ શું ?”

“લાભ કશો પણ નહિ અને કારણ માત્ર મૈત્રીનું જ.”

એ ઉત્તરથી રાક્ષસ હસ્યો અને શાકલાયન પ્રતિ દૃષ્ટિ કરીને કહેવા લાગ્યો કે, “આપને મલયકેતુ અને સલૂક્ષસ બન્નેએ ચૂંટીને દૌત્યકર્મ માટે મોકલ્યા છે, તો આપનામાં અવશ્ય તેટલી બુદ્ધિ હોવી જ જોઈએ, એ સ્પષ્ટ છે. અર્થાત્ સલૂક્ષસનો એમાં કાંઈ પણ લાભ નથી, એ વાતને આપ કેમ માની શકો છો ? મારી તો એવી જ ધારણા છે કે, મનમાં તો આપ એ વાતને સત્ય નહિ જ માનતા હો - માટે આપનું એ ઉત્તર વ્યર્થ છે. સલૂક્ષસ મહા મહત્ત્વાકાંક્ષી છે - અર્થાત્ મગધદેશને જિતી લેવો, એ જ તેની ઇચ્છા છે. માટે જો તે તમને સહાયતા કરવાને તૈયાર થયો હોય, તો તેમાં નવાઈ જેવું કાંઈ પણ નથી.”

“જો કદાચિત્ એમ હોય, તો પણ શું થયું ?” શાકલાયને કહ્યું.

“શું થયું? અરે થયું તો બહુએ. વળી શું થયું, એમ પૂછો છો ?” રાક્ષસે તેને કઠોરતાથી ઉત્તર આપ્યું. અને તેને તે કઠોર દૃષ્ટિથી જોવા લાગ્યો. તે વળી પણ તેને કહેવા લાગ્યો, “અરે એ યવનોના મનમાં સમસ્ત આર્યાવર્ત અને સકળ આર્યોનાં રાજ્યોને પોતાની સત્તામાં લઈ લેવાની પરમ મહત્ત્વાકાંક્ષા છે, એ આપ કેમ ભૂલી જાઓ છે ? ઉપરાંત તેમણે પર્વતેશ્વરને એકવાર જિતીને પુનઃ તેને પોતાનો માંડલિક તરીકે રાજ્ય કરવા દીધું હતું કે? તેમ જ પર્વતેશ્વર પાસે પોતાના યવન અને મ્લેચ્છ સૈનિકો રાખ્યા હતા કે? એ લોકોનું સામંતત્વ કરવામાં પર્વતેશ્વરને ગમે તે હિત દેખાયું હોય, પણ મારા વિચાર પ્રમાણે તો એમાં કશું પણ સાર જેવું નથી.”

“સાર જેવું કેમ નથી વારુ? આપના હાથે જ જો સકળ વ્યવસ્થા...”

“શાંતં પાપં ! અરે આ તમે શું બોલો છો ? મારું નામ ન લ્યો - જો પોતાના હાથેજ સઘળી વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય, તો પોતાના બરોબરિયા અને સજાતીય જનોની સહાયતા લ્યો; પરંતુ પરકીયોને - અને તેમાં પણ ખાસ કરીને એલેકઝાંડરે અહીં નીમેલા ક્ષત્રપોને પોતાની કુમકે ન બોલાવો. એમની સહાયતાથી શત્રુઓના નિર્દલનની આશા રાખવી વ્યર્થ છે.” રાક્ષસે વચમાં જ કહ્યું.

“એ વિના બીજો માર્ગ જ નથી.” સાકલાયન બોલ્યો.

“સ્વસ્થ થઈને બેસી રહેવું એ બીજો માર્ગ છે, એથી ઉત્તમ બીજો કયો માર્ગ હોઈ શકે વારુ ?” રાક્ષસે ઉત્સાહહીન શબ્દો ઉચ્ચાર્યા.

“એટલે કે તમારી સહાયતા તો અમને નહિ જ મળે ને?” શાકલાયને પૂછ્યું.

કદાપિ નહિ, આ દુષ્ટોએ રાજકુળનો ઘાત કરીને મારા નામને કલંકિત કરેલું છે, એનું વૈર વાળવાની જો કે મારા મનમાં તીવ્ર ઇચ્છા છે, તોપણ તે ઇચ્છા તૃપ્ત કરવા માટે હું એ સલૂક્ષસ નિકત્તર જેવાઓની સહાયતા કોઈ કાળે પણ માગવાનો નથી. શિવ ! શિવ ! એવી બુદ્ધિ ઉપજી કે સર્વથા આપણો નાશ થયો જ જાણવો.” રાક્ષસે ઉત્તર દીધું.

“પણ ક્ષત્રપના હૃદયમાં કોઈ પણ પ્રકારનો કપટભાવ નથી. કેવળ મલયકેતુના પિતાનું જે અપમાન થએલું છે, તેનું વૈર વાળવા માટે જ તેને સહાયતા કરવી, એટલો જ તેનો હેતુ છે. તેની બદલો મેળવવાની ઇચ્છા નથી.” શાકલાયને કહ્યું.

“મંત્રીવર્ય ! રાજખટપટની બાબતમાં આપ કાંઈ પણ નથી સમજતા, એમ કહેવું એ એક જાતિનું સાહસ છે, માટે તેમ હું કહી શકતો નથી અને તેમ મને ભાસતું પણ નથી. આપ સર્વ જાણો છો; પરંતુ આપ તેના સેવક છો, તેથી જ આપને એમાં તેનો કપટભાવ દેખાતો નથી. જો સમસ્ત ભારતવર્ષને સલૂક્ષસ પાદાક્રાન્ત કરી નાંખે, તો પણ તેમાં એનો દોષ છે, એમ આપને ભાસવાનું નથી જ. પણ મારા મનની અદ્યાપિ એવી દશા થએલી નથી. મગધદેશમાં યવનોનું રાજ્ય થાય અથવા તો યવનોના સામંતપદથી આનંદ માનનારા પર્વતેશ્વરનો અધિકાર જામે, એવી મારી ઇચ્છા નથી. માટે આ કાર્યની સિદ્ધિના પ્રયત્નમાં હું કશી પણ સહાયતા કરવાનો નથી જ. મલયકેતુના પિતાની અને સલૂક્ષસની મગધદેશ પર ઘણા દિવસથી દૃષ્ટિ લાગી રહેલી છે, એ શું હું નથી જાણતો? જાણું છું જ. માટે મગધદેશ લેવાના કાર્યમાં હું તેમનો સહાયક કેવી રીતે થઈ શકું વારુ?” રાક્ષસે સ્પષ્ટતાથી પોતાના વિચારો વ્યક્ત કર્યા.

“ત્યારે આ રાજઘાતકોના અધિકારમાં જ મગધનું રાજ્ય રહે, એ જ આપને ઇષ્ટ દેખાય છે કે શું?” શાકલાયને માર્મિક પ્રશ્ન પૂછ્યો.

“એ ઈષ્ટ કેમ દેખાય વારુ ? પરંતુ યવનોના અથવા તો જેઓ યવનોના સેવકેા થએલા છે, તેમના હાથમાં મગધનું રાજ્ય જાય, તેના કરતાં તો એમના અધિકારમાં રાજ્ય હોય, એ સારું છે; એમ તો મને ભાસે છે ખરું, ” રાક્ષસે પાછો તેને તોડી પાડ્યો.

“અમાત્યરાજ ! આપ આવાં ઉત્તરો આપશો, એવી મેં કલ્પના પણ કરી નહોતી. મારા મનમાં તો એવી જ આશા હતી કે, આપને પ્રાર્થના કરતાં જ આપ તત્કાળ અમારી ઇચ્છાને સ્વીકારી અમને સહાયતા આપવાને તૈયાર થશો જ. પરંતુ આપનાં આ ઉત્તરોથી આપના વિચારો સર્વથા ભિન્ન હોય, એમ જ દેખાય છે.” શાકલાયન નિરાશ થયો.

“સર્વથા ભિન્ન દેખાય છે, એમ શા માટે કહે છે ? વિરુદ્ધ પક્ષે આપના વિચારો પણ મારા વિચારો પ્રમાણે જ હોવા જોઈએ, પણ આપે યવનોની સેવાનો સ્વીકાર કરેલો છે, તેથી જ આપના વિચારો ભિન્ન છે. નહિ તો આ આર્યાવર્ત યવનોના અધિકારમાં જાય તો સારું, એવી એક આર્ય જનની ભાવના હોઈ શકે જ નહિ.” રાક્ષસે તેને ગળું પકડીને દબાવ્યો – તે સામો ગળે પડ્યો.

“ખરું; પણ એ અધિકાર નન્દવંશના ઘાતકોના હાથમાં રહેતો સારું, એવી ભાવના નન્દવંશના એકનિષ્ઠ સેવકના મનમાં પણ કેમ હોઈ શકે, એનું જ મને આશ્ચર્ય થયા કરે છે.” શાકલાયને પાછો યુક્તિપૂર્વક જવાબ આપ્યો.

“રાક્ષસ જેવી રીતે નંદવંશનો સેવક છે, તેવી જ રીતે તે મગધદેશનો પણ સેવક છે, અને તેથી જ નંદવંશનો ઉચ્છેદ થયો, માટે મગધદેશનો પણ ઉચ્છેદ કરી નાંખવો, એવી તેની ઇચ્છા થતી નથી.” રાક્ષસે સ્વદેશાભિમાનપૂર્ણ ઉત્તર આપ્યું.

“મલયકેતુ મગધદેશને જિતી લે, તેમાં મગધદેશનો ઉચ્છેદ શો થયો? મલયકેતુ પણ આર્ય રાજા જ છે.” શાકલાયને પોતાને વિચાર પાછો દર્શાવ્યો. “આર્ય રાજા ખરો, પણ તે યવનોના દાસત્વમાં આનન્દ માનનારો આર્ય રાજા છે. અને વળી તે યવનોના ક્ષત્રપની સહાયતાથી મગધદેશને જિતવાનો છે.” રાક્ષસે વળી પણ તાણો માર્યો.

“એથી મગધદેશ યવનોના અધિકારમાં જ જશે, એની શી સાબેતી? શાકલાયને પાછો સવાલ કર્યો.

“સાબેતી તો ખુલ્લી છે – એમાં શંકા જેવું કાંઈ છે જ નહિ; જે શિકારીને મદદ કરે, તે પોતાનો ભાગ પડાવ્યા વિના રહેતો જ નથી. જો આખા શિકારપર તે તરાપ ન મારે, તો મોટાં ભાગ્ય જ સમજવાં - પણ સલૂક્ષસ તો આખા શિકારની જ માગણી કરવાનો. મગધદેશપર એલેકઝાંડર કરતાં પણ એની આંખો વધારે ટાંપી રહી છે. પોતાના સ્વાર્થ પૂરતો તે મલયકેતુને પાસે રાખશે અને સ્વાર્થ સધાયો, એટલે દુગ્ધમાંથી મક્ષિકા પ્રમાણે તેને તે દૂર ફેંકી દેશે. શાકલાયન ! એલેકઝાંડરને આ દેશમાં રહેવું નહોતું, એટલે તેણે પર્વતેશ્વરનો પરાજય કરીને તેને માંડલિક બનાવ્યો અને રાજ્ય પાછું તેને જ આપી દીધું; પણ આ સલૂક્ષસ તો અહીંનો જ નિવાસી છે અને તેટલામાટે એના મનમાં ચક્રવર્તી થવાની અનિવાર્ય ઇચ્છા છે. એની મહત્ત્વાકાંક્ષા મહતી છે. રાજા ધનાનન્દ જો સ્ત્રીવિલાસી અને રંગીલો ન હોત, તો તેના હસ્તે એ સલૂક્ષસને પરાજિત કરાવીને ક્યારનેાએ મેં પંજાબ અને કાશ્મીરની સીમાથી બહાર હંકાવી કાઢયો હોત, અને સર્વત્ર મગધનું સામ્રાજ્ય વિસ્તારી દીધું હોત.” રાક્ષસે કહ્યું.

“ત્યારે હવે તેમ થવું શક્ય નથી કે શું ? મલયકેતુ પ્રથમ સલૂક્ષસની સહાયતાથી મગધનું રાજ્ય જિતે અને પછી તેને હાંકી કાઢે તો તે બની શકે તેમ છે.” શાકલાયને એક નવીન યુક્તિનું દર્શન કરાવ્યું.

એ સાંભળીને રાક્ષસ મોટેથી હસ્યો અને કહેવા લાગ્યા કે, “આપ માત્ર મારી પરીક્ષા કરવાને જ આવા પ્રશ્નો મને પૂછો છો, એમ જ જણાય છે. અરે જો સલૂક્ષસ આવી દક્ષતાથી પોતાની કાર્યસિદ્ધિનો પ્રયત્ન કરે છે, તે પર્વતેશ્વરના અને મલયકેતુના પ્રપિતામહ આવે, તોપણ પરાજિત થાય ખરો કે? કદાચિત્ તે એ પિતા પુત્ર બન્નેનાં રાજ્યોને સ્વાહા કરવાની ઇચ્છા ન કરે, તો તે તેમનાં મોટાં ભાગ્ય જ સમજવાં. યવનોનો તે વળી વિશ્વાસ કેવો? તમારું એક પણ વચન યોગ્ય હોય, એમ મને તો નથી ભાસતું.”

“ખરું છે. મને પણ ભાસે છે કે, આ આપણો વિવાદ નિરર્થક જ છે. માટે હવે આપણે એને બંધ જ કરીએ, માત્ર અત્યારે મને એટલું જ કહો કે, મલયકેતુ જો સલૂક્ષસ સહિત અહીં આવે, તો પુષ્પપુરીના લોકો ચાણક્ય અને ચન્દ્રગુપ્તથી વિરુદ્ધ થઈ તેમનો ઉચ્છેદ કરવાને તૈયાર થશે કે નહિ. અને આપની સહાયતા તેને મળશે કે નહિ?" શાકલાયને તડ ને ફડ કરી નાંખવાના ભાવથી એ પ્રાર્થના કરી.

“પુષ્પપુરીના લોકો મલયકેતુને રંચમાત્ર પણ ઉત્તેજન આપશે નહિ, તેમ જ આ રાક્ષસ, ચાણક્ય, ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણ માટે મનમાં ગમે તેટલો દ્વેષ ધરાવતો હશે, તોપણ મગધદેશને મ્લેચ્છોના અધિકારમાં જવાના કાર્યમાં તે કોઈ કાળે પણ સહાયતા કરનાર નથી. બે જણના પરસ્પરના વિરોધમાં વચ્ચે ત્રીજો ચોર આવીને તે બન્નેનો માલ પચાવી પાડે, એ રાક્ષસને માન્ય નથી. હું જો કાંઈ પણ કરીશ, તો તમારા ઉપદેશથી વિરુદ્ધ જ કરીશ. અર્થાત્ કરી શકાશે તો હું ચન્દ્રગુપ્તને જ સહાયતા કરીશ ને નહિ તો શાંત થઈ બેસી રહીશ, પણ મ્લેચ્છાધિપ પર્વતેશ્વર અથવા તે યવન ક્ષત્રપ સલૂક્ષસ એ બન્નેમાંથી કોઈના પણ હાથમાં મગધદેશનું રાજ્ય હું જવા દેવાનો નથી. હવે પાછા પોતાની આર્યજિહ્વાથી આપ મને યવનોને સહાયતા કરવા માટેની વિનતિ કરશો નહિ. જે સ્થાનેથી આપ આવ્યા છો, ત્યાં પાછા ચાલ્યા જાઓ. એ યવનોના અધિકારકુઠારનો આ મગધરાજ્ય વૃક્ષના સ્થાણુમાં એક કુંતલ માત્ર પણ પ્રવેશ થવા દેવો, એ રૌરવ નરકના અધિકારી થવા જેવા પાપ સમાન છે. એમની કોદાળીનો ઘા પયો, એટલે સમસ્ત વૃક્ષનો ઉચ્છેદ થયો જ સમજવો. માટે કૃપા કરીને જાઓ.” રાક્ષસે કંટાળીને અંતે તેનું અપમાન કરી નાંખ્યું.

શાકલાયન એ રોકડા જવાબથી આશ્ચર્યચકિત થઈ ગયો. એક શબ્દ પણ ઉચ્ચારવાની તેનામાં હિંમત રહી નહિ, એટલે તત્કાળ પોતાના સાથી સંવાહકને લઈને તે ત્યાંથી છ પાંચ ગણી ગયો.