૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/સંવાહક
← ચાણક્યનો વિચાર(૨) | ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન સંવાહક નારાયણ વિશનજી ઠક્કુર ૧૯૧૨ |
રાક્ષસ અને શાકલાયન → |
શાકલાયન પોતે કાંઈ ચતુરતામાં ન્યૂન હોય, તેવો બ્રાહ્મણ હતો નહિ. પોતે સલૂક્ષસ અને મલયકેતુના દૂતનું કર્મ કરવા માટે તો ખાસ આવેલો જ હતો. પરંતુ એટલું જ કાર્ય કરીને ચાલ્યા જવાનો તેનો વિચાર હતો નહિ. ધનાનન્દ જેવા રાજાનો અને તેના કુળનો નાશ કરીને સિંહાસન પર આરૂઢ થનાર ચન્દ્રગુપ્ત વિશે લોકોનો શો અભિપ્રાય છે, એ પણ જાણી લેવું અને તે જાણી લેવા માટે પોતાને સમય મળી શકે, એટલા માટે પોતાના દૂતકર્મને કેટલાક દિવસ લંબાવવાનો તેણે નિશ્ચય કર્યો. “જે કાર્ય કરવાને હું આવેલો છું, તેટલું જ કાર્ય કરીને જો હું પાછા ચાલ્યો જઇશ, તો ખરી સ્થિતિ શી છે, તે જાણવાનો કોઈ પણ માર્ગ રહેશે નહિ. ચન્દ્રગુપ્ત તો નિશ્ચિત એ જ ઉત્તર આપવાનો કે, તમને ગમે તેમ કરવાને તમે સ્વતંત્ર છો, અને એ જ ઉત્તર મારે ત્યાં પહોંચાડવાનું છે. જેણે આટલું મોટું કારસ્થાન રચીને તેને નિર્વિઘ્ન પાર પાડ્યું, તે ચન્દ્રગુપ્ત એકદમ નમી જાય કે દીનતાયુક્ત ઉત્તર આપે, એ સર્વથા અશક્ય છે. માટે જો તડાક ફડાક કાર્ય કરી નાંખીશ, તો સત્વર જ મારે પાટલિપુત્રમાંથી ચાલ્યું જવું પડશે,” એવા તેના મનમાં નાના પ્રકારના વિચારો આવ્યા. પરંતુ શાકલાયનને તો ત્યાં રહેવાનું હતું. તેથી ચન્દ્રગુપ્તની આજ્ઞા મેળવીને પાટલિપુત્રમાં રાજ-અતિથિઓને જે સ્થાને રાખવામાં આવતા હતા, તે સ્થાનમાં ઉતારો મેળવ્યા પછી થોડીવારે શાકલાયને ચન્દ્રગુપ્તને એમ જણાવ્યું કે, “પ્રવાસના પરિશ્રમથી મારું શરીર એટલું બધું અશક્ત બની ગયું છે કે, બે ચાર દિવસ તો ઊતારામાંથી હું બહાર પણ નીકળી શકીશ નહિ, માટે શીધ્રતાથી રાજસભામાં આવી મહારાજાના દર્શનનો લાભ લઈને મારાથી કાર્યકથન કરી શકાય તેમ નથી, એ માટે મને ક્ષમા કરવી. તબીયત સારી થતાં જ આપનાં ચરણોમાં સ્વામીનો સંદેશો નિર્દિષ્ટ કરીશ.”
એ સંદેશો આવતાં જ ચાણક્ય એના મર્મને તત્કાળ જાણી ગયો અને તેથી શાકલાયન સાથે આવેલા સર્વ મનુષ્યો પર સખત નજર રાખવાનો તેણે પોતાના જાસૂસોને એકદમ હુકમ આપી દીધો. એ હુકમમાં એમ જણાવેલું હતું કે, “એ મનુષ્યો સાંઝ સુધીમાં શું શું કરે છે, ક્યાં ક્યાં જાય છે, કોની સાથે વધારે બોલે ચાલે છે, એ સઘળા સમાચાર પ્રહર પ્રહરે મારીપાસે આવવા જોઇએ; અને પોતાપર આટલી બધી છૂપી નજર રાખવામાં આવે છે, એવી તેમને લેશમાત્ર પણ શંકા આવવી જોઇએ નહિ, બધું કાર્ય ઘણું જ ગુપ્ત રીતે અને ઘણી જ સંભાળથી થવું જોઇએ. તેમના મનમાં એવો જ ભ્રમ રહેવો જોઇએ કે, જાણે આપણે બધા કાંઈ જાણતા જ નથી અને અસાવધ જ છીએ.” ગુપ્ત દૂતોએ તે પ્રમાણે પોતાનું કર્તવ્ય બજાવવા માંડ્યું.
શાકલાયનને પ્રથમ દિવસ કાંઈ પણ કાર્ય ન કરતાં કિંબહુના, રાજાએ તેની સેવા માટે આપેલા સેવકો સાથે પણ ભાષણ ન કરતાં માત્ર વિચારમાં જ વીતાડ્યો. તે આખા દિવસમાં પોતાના ઓરડામાંથી બહાર જ નીકળ્યો નહિ. ચાણક્ય તેના એ કપટને જાણી ગયો અને તેથી તેણે એક યુક્તિ કરી. તેણે પોતાના એક સંવાહકને શાકલાયન પાસે મોકલ્યો અને સંદેશો કહેવડાવ્યો કે, “આ અમારો સંવાહક પોતાની કળામાં ઘણો જ કુશળ છે. માટે આપના શરીરમાં પ્રવાસના શ્રમથી જે પીડા થતી હશે, તે એના કૌશલ્યથી સર્વથા ટળી જશે. શ્રમના કારણથી આખો દિવસ આપ ઓરડો મૂકીને બહાર પણ નથી નીકળ્યા, એવા સમાચાર મળવાથી જ ખાસ આ મનુષ્યને અમે મોકલેલો છે. માટે એની સેવાનો આપે અવશ્ય લાભ લેવો.”
સંવાહકનું આગમન થતાં જ તેની મુખમુદ્રાનું શાકલાયને ધ્યાનપૂર્વક અવલોકન કર્યું અને તેના મનમાં ત્વરિત વિચાર આવ્યો કે, “સંવાહકો બહુધા ઘણા જ ચતુર હોય છે. માટે જો આને મારે ત્યાં રાખીશ, તો મારી બધી વાતો એ જઈને રાજાને કહી દેશે; એટલે એને અહીં તો ન જ રાખવો.” પણ પાછો શીઘ્ર જ તેનો એ વિચાર ફરી ગયો અને તેને ભાસ્યું કે, “એ લોકો જેવા બહુ બોલકણા અને ગપ્પાબાજ પણ બીજા કોઈ હોતા નથી, એટલે વાત પરથી વાત કાઢીને અહીંની વસ્તુસ્થિતિ શી છે, તે એના મુખેથી સહજમાં જ જાણી શકાશે. એને જરાક ચઢાવ્યો, એટલે પછી એ બધું જ ઓકી કાઢવાનો માટે એને અહીં રાખીને બને તેટલો હેતુ સિદ્ધ કરી લેવો - એ જ વધારે ઇષ્ટ છે.”
એવો વિચાર કરીને શાકલાયને તે સંવાહકને પોતા પાસે રાખ્યો; એટલું જ નહિ, પણ પોતાના અંગનો શ્રમ કાઢી નાંખવા માટે તેણે તેને સંવાહનકર્મ કરવાની આજ્ઞા પણ કરી. એનો હેતુ એટલો જ કે, તે શરીર દાબતો હોય, તે વેળાએ અહીં તહીંના પ્રશ્નો પૂછીને પોતાને જોઈતી વાતો તેની પાસેથી કાઢી શકાય, સંવાહક પણ પોતાને આવતાં જ સેવા કરવાની આજ્ઞા મળવાથી સંતોષ પામીને કહેવા લાગ્યો કે, “મહારાજ ! મારી સેવાનો આ૫ લાભ લેશો, એ જાણીને મને એટલો બધો આનન્દ થયો કે, તેનું આ મુખથી વર્ણન પણ કરી શકતો નથી. હવે આપનો થાક ઉતરી જ ગયો, એમ આપે નિશ્ચિત જાણવું. ધનાનન્દ મહારાજ પોતે પણ મારી સેવાનો જ સ્વીકાર કરતા હતા, હું તેમનું અંગ દાબવાને બેઠો, કે તરત મુરાદેવીને પણ તેઓ એમ કહીને ચીડવતા હતા કે, “તારા હાથ કરતાં પણ આ સંમર્દકના હાથ વધારે કોમળ છે. મહારાજના એ શબ્દોથી મુરાદેવી એટલાં ચીડાતાં હતાં કે, ન પૂછો વાત. પછી મહારાજ હસતા હતા. એ જ મુરાદેવીએ અમારો બધાનો ઘાત કર્યો. સંસારના આવા વ્યવહારને શું નામ આપવું? એના જ પાપથી મહારાજનો ઘાત થયો. એવી તે મહા દુષ્ટ સ્ત્રી હતી. એનો જે હું સમગ્ર વૃત્તાન્ત આ૫ને કહી સંભળાવું તો આખો દિવસ વીતી જાય. પણ હવે એ કર્મકથાનો વારંવાર ઉચ્ચાર કરવાથી લાભ શો થવાનો છે? સઘળા નંદો મરાયા અને તે પોતે પણ મરી ગઈ. હવે તો નવું રાજ્ય થએલું છે, એટલે નવા રાજાને જ માન આપવું જોઈએ.” એમ કહીને તે સંવાહકે એક દીર્ધ ઉષ્ણ નિ:શ્વાસ નાંખ્યો, અને શાકલાયનના પગ દાબતાં દાબતાં સર્વથા શોકગ્રસ્ત થયા પ્રમાણે મુખમુદ્રા કરીને તે સ્વસ્થ થઈ ગયો. જાણે તેને વીતેલી બધી વાતોનું એકાએક સ્મરણ થઈ આવતાં તે ઘણો જ સંતપ્ત થઈ ગયો હોયની ! એવો ભાવ તેણે દેખાડ્યો એટલે “ હવે એને કેટલાક પ્રશ્નો પૂછીને અહીંની વસ્તુસ્થિતિ શી છે, લોકોના મનના ભાવો કેવા છે અને નવા રાજાથી વિરુદ્ધ મત ધરાવનારા પ્રતિષ્ઠિત મનુષ્યો કોણ કોણ છે, ઇત્યાદિ કેટલીક માહિતી જો બની શકે તો એના મુખથી મેળવવી, ” એવો વિચાર કરીને શાકલાયને તેને પૂછ્યું કે, “ તમારું નામ શું, સંમર્દક ?”
“હા સ્વામિન, મને સંમર્દકના નામથી જ લોકો ઓળખે છે અને આ અમારો સંવાહકનો વ્યવસાય વંશપરંપરાનો છે.” સંવાહકે ઉત્તર આપ્યું.
“ઠીક ઠીક. તેથી જ તમારા હાથમાં આટલી બધી કોમળતા અને મૃદુતા જોવામાં આવે છે. હજી તો આપના સંમર્દનના આરંભને ઘટિકાના ચતુર્થાંશ જેટલો પણ સમય થયો નથી, એટલામાં તો મારા શરીરમાં કેટલો બધો આરામ થએલો દેખાય છે. વાહ ! રાજગૃહોમાં તો આવા જ ગુણવાન મનુષ્ય હોવા જોઈએ. ધનાનન્દ રાજાને તમારામાં સારો ભાવ હતો, એમ તમે કહો છો, તો તેથી સ્પષ્ટ અનુમાન કરી શકાય છે કે, તે રાજા ઘણો જ ગુણજ્ઞ અને મર્મજ્ઞ હોવો જોઈએ.” શાકલાયને પ્રશંસા કરી.
“હોવા જોઈએ, એમ શામાટે કહો છો ? તેના જેવો ગુણોનો જાણનાર અને ગુણોનું મૂલ્ય આંકનાર બીજો કોઈ હતો જ નહિ, એમ કહેવામાં કશી પણ અતિશયોક્તિ નથી. તેના જેવો બીજો કોઈ થનાર પણ નથી.” સંવાહકે આગળ વધવા માંડ્યું.
“બહુ સારું, પણ સંમર્દક ! એ એટલો બધો ગુણગ્રાહક રાજા હોવા છતાં રાજમાર્ગના મધ્યમાં જ તેની હત્યા કરવામાં આવી, એ બની કેમ શક્યું વારુ ? શું બધા લોકો તે વેળાએ નિદ્રાવશ થઈ ગએલા હતા ! અહીં લોકોનું ગમે તેમ માનવું હોય, પણ બહાર તો એવી જ અફવા ઉડેલી છે કે, લોકો જ ધનાનન્દ મહારાજથી કંટાળી ગયા હતા અને તેથી જ કાર્યસાધુ પુરુષો પોતાના પ્રપંચમાં સહજ રીતે ફાવી ગયા.” શાકલાયને પોતાનો હેતુ કાઢવાનો આરંભ કર્યો.
“મહારાજ ! આપ ભૂલ કરો છો. એ રાજહત્યા માટે તો અદ્યાપિ લોકોના મનમાં સંતાપ થયા કરે છે. જો તે એમ જ બોલતો સંભળાય છે કે, જે કોઈ શાસ્તા હવે ઉત્પન્ન થાય અને તે જો આ રાજઘાતકોને શાસન કરે, તો તેની ઘણી જ આવશ્યકતા છે. લોકોના મનમાં તો ખરેખર અસહ્ય સંતાપ થએલો છે, પરંતુ તેમનાથી શું થઈ શકે વારુ ? જેના હાથમાં સત્તા, તેની બધી મત્તા. એવો જ અહીં સઘળો પ્રકાર થએલો છે. ભગવાન ! હવે તો તું જ આ પાટલિપુત્રનો સંરક્ષક છે.” સંવાહકે વિસ્તાર કર્યો.
“ત્યારે નવા સત્તાધારકોથી લોકો વિરુદ્ધ જ છે કેમ?” શાકલાયને પૂછ્યું.
“વિરુદ્ધ એટલે ? સર્વથા વિરુદ્ધ – આપને આશ્ચર્ય થશે, એટલા બધા વિરુદ્ધ છે. પણ સેનાપતિ ભાગુરાયણ ચન્દ્રગુપ્તના પક્ષમાં છે, એટલે લોકોનો ઉપાય નથી.” સંમર્દકે એક એક પગલું આગળ ભરવા માંડ્યું.
“જો લોકોની ઉપાય કરવા માટેની જ ભાવના હોય, તો બીજા કોઈ રાજાનું સૈન્ય સહાયતા માટે મેળવી ન શકાય કે શું?” શાકલાયને પ્રશ્ન કર્યો.
“બીજો કોણ સહાયતા આપે વારુ ? અને જો કોઈ સહાયતા આપે, તો તેના મનમાં પણ રાજ્યનો લોભ તો હોવાનો જ સર્વથા નિરપેક્ષ બુદ્ધિથી સહાયતા કરનાર કોઈ મળે, એ અશક્ય છે.” સંમર્દકે યથાયોગ્ય ઉત્તર આપ્યું.
“ભાઈ ! જો નિઃસ્વાર્થ બુદ્ધિથી કોઈ સહાયતા કરવાને ન આવે, તો પોતાને જોઈએ તેટલી સહાયતા લઈને પછી તેને નમસ્કાર કરવા,” શાકલાયને ઉપાય બતાવ્યો.
“હા, એ એક ઉપાય છે ખરો, પણ એવી રીતે સહાયતા આપવાને નવરું કોણ બેઠું હશે કે જે કાંઈ પણ જાતિના લાભની આશા વિના વૃથા શ્રમમાં પડે!” સંવાહકે પાછું તેના મતનું ખંડન કરી નાંખ્યું.
“એ બધું ખરું; પણ સંવાહક ! તમારી જાતિ તો મહા ચતુર ગણાય છે. પક્ષીઓમાં કાગડો અને મનુષ્યોમાં સંવાહક ચતુર મનાય છે. તેથી જ તને પૂછું છું કે, એમ ધારો કે, આ મગધદેશના લોકોની પ્રાર્થનાથી નહિ, પણ પોતાની મેળે જ જો કોઈ તમને આ નન્દવંશના ઘાતકોના જુલમમાંથી છોડવવાને અહીં આવે, તો તમે તેને મદદ કરો ખરા કે?” શાકલાયને ગર્ભિત હેતુથી પૂછવા માંડ્યું. “સ્વામિન્ ! અમે ગરીબ માણસો શું મદદ કરી શકીએ વારુ ? પણ તમારી એ વાતનો બીજા લોકોમાં પ્રસાર કરે, એવા કોઈ મનુષ્યને તમે શોધી કાઢો, તો લોકોનું વલણ કાંઈક ફરે ખરું. લોકો એકલા બિચારા શું કરી શકે? તેમનો તો ગાડરિયો પ્રવાહ જ હોય છે – ચાર પ્રતિષ્ઠિત મનુષ્યોએ જે વાત કબૂલ કરી, તે વાતને તેઓ પણ નિઃશંક માનવાના, મહારાજ !” સંવાહકે ઉત્તર દીધું.
“સંવાહક ! તમે ઘણા જ ચતુર હો, એમ દેખાય છે. તમે માત્ર પોતાના આ સંવાહનકર્મમાં જ નહિ, કિન્તુ રાજનીતિમાં પણ મહાકુશળ છો,” શાકલાયને કહ્યું.
“હું કુશળ શાનો મહારાજ ? હું જો એવો કુશળ હોત, તો ધનાનન્દ રાજાનો અને તેના વંશનો આવી રીતે આકસ્મિક ઘાત કેમ થવા દેત ? એ તો અમારી જાતિ બહુબોલકણી હોવાથી જ આપને એમ જણાય છે.” સંવાહકે નમ્ર ઉત્તર દીધું.
“અહાહા ! તારા આ સુંદર સંમર્દનથી મારું શરીર કેવું શ્રમહીન થઈ ગયું છે ! નસેનસ છૂટી થઈ ગઈ શાબાશ ! લે આ ઇનામ.” એમ કહીને શાકલાયને તેને એક સિંહમુખી સુવર્ણવલય આપ્યું.
એ સુવર્ણવલયને જોતાં જ સંવાહકનાં નેત્રો વિસ્તૃત થયાં. તેના હૃદયમાં ઘણો જ આનન્દ થયો. માત્ર મુખથી “નહિ-નહિ.” નો તેણે ઉચ્ચાર કર્યો અને તે કડું પોતાના હાથમાં પહેરી લીધું. પોતાના આપેલા ઈનામથી સંમર્દકને સંતોષ થયો, એ જોઈને શાકલાયનના મનનું પણ સમાધાન થયું.
ત્યાર પછી પાછો તે સંવાહકને કહેવા લાગ્યો કે, “ સંવાહક ! અહીંના લોકોનો પક્ષપાત કરી જો કોઈ અહીં લડવાને આવે, તો તેને સારી સહાયતા આપી શકે, એવો કોઈ પુરુષ અહીં છે ખરો કે ? કાંઈ પણ સંકોચ કરીશ નહિ, જે હોય તે ખુલ્લી રીતે મને જણાવજે. તારી આ વાત બીજા કોઈના પણ કાને જવા પામશે નહિ. હાલમાં તમારા માગધી જનોના મનની શી સ્થિતિ છે, તે મારે જાણવાની છે ?” શાકલાયને પોતાના હેતુનો સ્પષ્ટ નિર્દેશ કર્યો.
“મહારાજ ! કૃપા કરો. હાલનો વખત એવો છે કે, ભીંતોને પણ કાન થએલા છે. કોણ સાધારણ પ્રજાજન છે અને કોણ ગુપ્ત રાજદૂત છે, એ પણ જાણી નથી શકાતું; એટલી બધી ગુપ્ત રાજદૂતોની પુષ્પપુરીમાં વિપુલતા થએલી છે. મારા મસ્તિષ્કમાં તો એવો જ ભ્રમ થઈ ગયો છે કે, પુષ્પપુરીમાંનો પ્રત્યેક મનુષ્ય જાસૂસ છે અને તે પેલા દુષ્ટ બ્રાહ્મણ- ચાણક્યને જ્યાં જ્યાં જે જે વાત બને છે, તે સઘળી જઈને કહી સંભળાવે છે. માટે આવી કોઈ વાત વિશે દયા કરીને આપ મને કાંઈપણ પૂછશો નહિ. હું આપને એનું ઉત્તર પણ આપીશ નહિ. આપ પોતાની જે કાંઈ પણ સેવા કરવાની મને આજ્ઞા કરો, તે સેવા કરવાનું મારું કર્તવ્ય છે અને તે હું અહોરાત્ર કરીશ.” સંવાહકે પોતાનો ભાવ વધાર્યો.
“સંવાહક ! તારી આવી સાવધતાથી મને ઘણો જ સંતોષ થયો છે; માટે લે આ બીજું કડું પણ પહેરી લે. હું તને લોભ દેખાડું છું, એમ આથી તારે સમજવાનું નથી, પરંતુ તારી પાસે આ મારું એક સ્મરણસૂચક ચિન્હ છે, એમ જ ધારવાનું છે. અત્યારે અહીં તારા અને મારા વિના બીજું કોઈ પણ હાજર નથી, તો પછી એ વાત કહેવામાં આટલી બધી આનાકાની શામાટે કરે છે? શંકાનો ત્યાગ કરીને જે હોય તે જણાવી દે ” શાકલાયને પોતાના હેતુની સિદ્ધિનો યત્ન કર્યો.
“શું કહું, સ્વામિન્ ! આપનો જ્યારે આટલો બધો આગ્રહ છે ત્યારે કહ્યા વિના છૂટકો નથી. પણ મારી આ વાત જો બહાર નીકળવા પામશે, તો અવશ્ય મારા પ્રાણનો નાશ થશે, એનો વિચાર કરજો.” સંવાહકે સૂચના આપી.
“હું એની પૂરેપૂરી સંભાળ રાખીશ.” શાકલાયને આશ્વાસન આપ્યું.
“ત્યારે સ્વામિન્ ! સાંભળો. અમાત્ય રાક્ષસ જો તમને મળે, તો કાંઈ પણ ઉપાય થઈ શકે. એનું કારણ એમ છે કે, ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણે મળી ખેાટાં પત્રો લખ્યાં અને તમારા રાજાને અહીં બોલાવ્યો. એ પત્રો હતાં તો જોકે બધાં રાક્ષસના નામનાં, પણ બધાં હતાં બનાવટી જ. રાક્ષસને તો એની ખબર પણ હતી નહિ, પર્વતેશ્વર મહારાજને એવી રીતે પ્રપંચથી બોલાવીને પછી તેમણે તેમની વિનાકારણ ફજેતી કરી. અહીંના લોકોનો પણ એવો જ અભિપ્રાય થઈ ગયો કે, આ બધું રાક્ષસનું જ કારસ્થાન હતું. એટલે કે, ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણે રાક્ષસને પર્વતેશ્વર સમક્ષ અને લોકોમાં ઉભય સ્થળે હલકો પાડ્યો. જો આપનામાં કાંઈપણ ચતુરતા હોય, તો અત્યારે રાક્ષસને પોતાના પક્ષમાં વાળી લ્યો. લોકોના મનમાં પ્રથમ તો જો કે રાક્ષસવિશે ઘણો જ દોષ ઉત્પન્ન થયો હતો, તોપણ જેમ જેમ દિવસ વીતતા જાય છે, તેમ તેમ ચાણક્ય આદિનાં કારસ્થાનો ઉઘાડાં પડતાં જાય છે અને તેથી એમણે જ એ ભયંકર વ્યૂહની રચના કરીને વિના કારણ રાક્ષસના શિરે દોષારોપ કર્યો હતો, એવો તેમનો નિશ્ચય થતો જાય છે. અર્થાત્ ધીમે ધીમે લોકો રાક્ષસને અનુકૂલ થવા લાગ્યા છે. માટે એ રાક્ષસને પોતાના પક્ષનો કરી લ્યો, એથી કદાચિત્ વિજય મળશે.”
સંવાહકનું એ એક મંત્રીને છાજે તેવું ભાષણ સાંભળીને શાકલાયન કિંચિત્ ગભરાયો. “આ સંવાહક હશે કે ચાણક્યે મારા મનના ભાવો જાણવા માટે કોઈ જાસૂસને મોકલાવ્યો હશે ?” એવો તેના મનમાં સંશય થયો અને તેથી કોઈપણ ઉપાય કરીને એને પોતાની દૃષ્ટિથી દૂર ન થવા દેવાનો ને પોતાના મનુષ્યોની એનાપર સખ્ત નજર રાખવાનો તેણે નિશ્ચય કર્યો. ત્યાર પછી તેને તે કહેવા લાગ્યા કે, “તારો ઉપદેશ અક્ષરે અક્ષર સત્ય હોય, એમ મને ભાસે છે. પણ રાક્ષસને મળવું કેવી રીતે? અને તેના સાથે વાત ક્યાં કરવી ?”
“એ તો સહજમાં બને તેમ છે. રાક્ષસ અદ્યાપિ પુષ્પપુરીમાં જ છે અને ચાણક્યની પોતાપર સારીરીતે દેખરેખ છે, એ પોતે જાણતો હોવાથી પોતાને ગમે ત્યાં ખુલ્લી રીતે આવે જાય છે. માટે કોઈ પણ વેળાએ આપ એને મળો, એટલે બધું ઠીક થઈ જશે. તમારો અને તેમનો મેળાપ જોઈએ તો હું કરાવી આપું.” હવે સંવાહકે દોરી ઢીલી છોડવા માંડી.
શાકલાયન થોડીકવાર સ્તબ્ધ થઈ બેસી રહ્યો અને ત્યાર પછી બેાલ્યો કે, “સારું-સારું, તું તેની સાથે મારો ભેટો કરાવી આપજે. પછી જોઈશું કે શું થાય છે તે.”
“ભલે - અમાત્ય સાથે તમારી મુલાકાત કરાવી આપવાનું કામ મારા માથે આવ્યું.” સંવાહકે અનુમોદન આપ્યું.
“હું જેના માટે દૂતકર્મ કરવાને આવેલો છું, તે મારું કાર્ય કદાપિ સિદ્ધ થવાનું નથી; આ લોકો પર્વતેશ્વરને સીધી રીતે છોડી દેવાના હોય, એમ લાગતું નથી. એઓ ગમે તેવી ભયંકર ખંડણીની માગણી કરશે જ; અને એ જ કારણ બતાવીને સલૂક્ષસ મલયકેતુને સાથે લઈને મગધદેશ પર ચઢાઈ કરશે. સ્થિતિ નિર્બળ છે, માટે આવી વેળાએ કોઈ પણ પ્રપંચ કરી અહીં કોઈ પણ પ્રકારના ગૃહક્લેશની જ્વાળા સળગાવી મૂકી હોય, તો જ આપણા પક્ષના વિજયની કાંઈક આશા રાખી શકાય; નહિ તો પરાજયનો જ વધારે સંભવ દેખાય છે. અત્યારે રાક્ષસના હૃદયની શી સ્થિતિ છે, એની તેને મળીને માહિતી મેળવવી જોઈએ.” એવો શાકલાયને નિશ્ચય કર્યો. પ્રાચીન કાળમાં સંવાહક જનોની ઘણા જ ખટપટી લોકોમાં ગણના થતી હતી, અને તેમને સર્વ સ્થાને કોઈ પણ જાતિના બાધવિના પ્રવેશ થતો હોવાથી તેમના દ્વારા કોઈ પણ ગુપ્ત સમાચારો મેળવી શકાવાનો વિશેષ સંભવ હતો. એટલા માટે જ શાકલાયને એ સંવાહકની પોતાના કાર્યમાં સહાયતા લેવાનો વિચાર નિશ્ચિત કર્યો હતો.
ઉપર લખ્યા પ્રમાણે શાકલાયન અને સંવાહકનું પરસ્પર સંભાષણ થયા પછી બીજી એક વાત વિશે શાકલાયને તેની સાથે ભાષણ ચલાવ્યું. શાકલાયન કરતાં પણ તે સંવાહક વધારે વાક્ચતુર હોવાથી સર્વ પ્રકારના ભાષણમાં તેણે પોતાનો જ પ્રભાવ પાડયો. ઉપરાંત “મને આ ચાણક્ય અને ચન્દ્રગુપ્ત આદિનાં કૃત્યો જરા પણ ગમતાં નથી મારી ભગવાન્ બુદ્ધના અહિંસા ધર્મમાં વધારે શ્રદ્ધા છે. નન્દવંશનો કેાઈ પણ પુરુષ હવે સિંહાસનરૂઢ નહિ જ થઈ શકે, એ વિષયનો નિશ્ચય થશે, તો પછી મારે તો બુદ્ધભિક્ષુ થવાનો જ મનોભાવ છે. મુરાદેવીની દાસી વૃન્દમાલા તો બુદ્ધભિક્ષુકા થઈ ચૂકી છે. તેણે યોગ લીધો છે અને તેનું અનુકરણ કરવાની મારી પણ ઈચ્છા છે.” એવો પોતાનો અભિપ્રાય તેણે શાકલાયનને વિના પૂછે જ જણાવી દીધો.
શાકલાયને સંવાહકને જવાની રજા આપી, પણ એમ કહીને કે, “હાલ તરત તારે અમારા આ ઉતારામાંથી બહાર જવું નહિ; કારણ કે હમણાં જ મને તારી જરૂર પડશે. તારી સહાયતાથી જો અમને, વિજયની પ્રાપ્તિ થશે, તો તેથી તારું પણ કલ્યાણ થશે.” એમ કહીને તેણે પોતાને ત્યાં રહેવા માટેની સંવાહકને સર્વ જાતિની યોગ્ય વ્યવસ્થા કરી આપી અને ત્યારપછી એકાંતમાં પોતાના કરવા ધારેલા કાર્યવિશેના અનેક-વિધ વિચારોમાં તે લીન થઈ ગયો.
“રાક્ષસને મળવું કયે સ્થાને? રાક્ષસને અહીં બોલાવવો, એ તો અનિષ્ટ જ થવાનું; અને હું પોતે ચાલી ચલાવીને તેને ત્યાં જાઉં, તો તે પણ એમ જ. માટે હવે બીજો એને મળવાનો શો ઉપાય કરવો ? ઉપાય તો કદાચિત્ મળશે, પણ તેમાં વિલંબ થવાનો સંભવ છે: અને સલૂક્ષસ તથા મલયકેતુએ મારું કાર્ય આટોપીને મને જલ્દી પાછા ફરવાની વારંવાર સૂચના કરેલી છે; માટે વિનાકારણ ઉચ્છંખલતા કરીને વધારે દિવસો પણ વીતાડી શકાય તેમ નથી. વળી માર્ગમાં થએલા શ્રમથી અશક્ત હોવાનું નિમિત્ત પણ કેટલા દિવસ ચાલવાનું? એટલે કે કોઈ પણ રીતે વધારે રોકાઈ શકાય, તેમ પણ નથી–માટે તડને ફડ કરી નાંખવું. જે કરવાનું હોય તે સંવાહકની સહાયતાથી વેશ બદલીને તે છદ્મ વેશમાં જ રાક્ષસને મળવું અને જે પૂછવાનું હોય તે પૂછવું.” એવો નિશ્ચય કરીને શાકલાયને સંવાહકને પાછો બોલાવ્યો, અને તેને પોતાનો બધો મનોભાવ કહી સંભળાવ્યો. સંવાહકને તેનો એ વિચાર ઘણો જ પસંદ પડ્યો. તેણે તેને સંવાહકનો વેશ લેવાની જ સૂચના કરી. એ વેશ લેતાં પ્રથમ તે શાકલાયનનું મન ઘણું જ અચકાયું – પોતે જાતિનો બ્રાહ્મણ હોવાથી એક નીચ સંવાહકના વેશમાં ક્યાંય પણ જવાનું તેને ઉચિત ભાસ્યું નહિ. પરંતુ રાજકીય પ્રકરણમાં એકવાર પ્રવેશ કર્યો, એટલે પછી સર્વ પ્રકારના પ્રતિબંધો અને સર્વ પ્રકારના સંકોચો દુર જ કરવા જોઈએ, એ નીતિને અનુસરીને જ આ પ્રસંગે તેણે વર્તન કરવાનો નિશ્વય કર્યો. અર્થાત્ શાકલાયને સંવાહકના ઉપદેશને માન્ય કરીને તત્કાળ પોતે વેશ બદલવાની તૈયારી કરી. બીજા કોઈના મનમાં કોઈ પણ જાતની શંકા આવવા ન પામે, તેટલા માટે તે સંવાહક પોતામાંના એક બીજા સંવાહકને બોલાવી આવ્યો અને તેને શાકલાયનના ઉતારામાં બેસાડ્યો. તેનાં વસ્રો શાકલાયને પહેર્યા અને એક ખરો અને બીજો ખેાટો એવી રીતે બે સંવાહકો ઘરમાંથી બહાર નીકળ્યા. તેઓ જ્યાં રાક્ષસનો નિવાસ હતો, ત્યાં જઈ પહોંચ્યા.
સંવાહકના વેશમાં આવેલા શાકલાયનની અને રાક્ષસની પરરપર મુલાકાત થઈ. તેમનું જે ભાષણ થયું, તે ઘણું જ રહસ્યમય અને મનોરંજક હતું. રાક્ષસના મંત્રિત્વનું મૂલ્ય એથી શાકલાયનને સારીરીતે જણાયું.