અખાના છપ્પા/અજ્ઞાન અંગ
← વેદ અંગ | અખાના છપ્પા અજ્ઞાન અંગ અખો |
મુક્તિ અંગ → |
અજ્ઞાન અંગ
અજ્ઞાને જે પહેરે વેષ, બહાર નીકળે દેખાદેખ;
જેમ વાઘ ગૌધણને હાળ્યો, વર્તી તે માંહી રે ભળ્યો;
તેને છે આમીષનો આહાર, પ્રસંગ મળે આખા પ્રતિકાર. ૫૯૪
પ્રવૃત્તિ નિવૃત્તિની અળગી વાત, વિચાર વિના નવ આવે ઘાટ;
જેમ કો ભાડે રથ બેઠો જાય, બળદ મરે રથ કટકા થાય;
નોહે ચિંતા તેને પ્રતિકાર, આખા જેને સતી વિચાર. ૫૯૫
પ્રવૃત્તિ નિવૃત્તિને બેઠો વારી, જેમ વેશ્યા રાખી ગૃહિણી કરી;
પ્રસંગ મળે કરતી તે કરે, વિચાર વિના સૌ એમ ઓચરે;
મન ઇન્દ્રિય ત્યાં ન કરે, આખા એમ એક વાંકું વહ્યું. ૫૯૬
યથારથ વર્તે તો જ્ઞાન, જેમ કો રંક થયો રાજાન;
જેમ કરતો તેમ વળતું કરે, જૂઠું છળ વિક્રમ આચરે;
આખા કરી ન જાણ્યું રાજ, શું થયું જો તો પામ્યો સાજ. ૫૯૭
જો આખા ઓળખે આતમાં, તો સર્વ વાતની ભાગે તમા;
લાલચ લોભ જૂઠો પ્રતિકાર, સૂરિ ધામમાં નોહે અંધકાર;
શીખી સાંભળી વાતો કરે, પોતે અગ્નિ કેમ ટાઢે મારે. ૫૯૮
જ્ઞાન તણો છે સતી ઉપદેશ, ત્યાં જૂઠું ન રહે લેશ;
સાચી કથણી કઠતા જાય, ઉદર અર્થ કરે અન્યાય;
કહે આખો એનું શું ભણ્યું, ગુંજાતાપ વાનરતાપણું. ૫૯૯
જ્યારે જ્ઞાનનો ઊગ્યો રવી, તાત ગઈ રત પ્રગટી નવી;
કૃત્ય જાશે અંધારાતણાં, મોહા નીશામાં ફરતા ઘણા;
આખા નોય દરિદ્રની વાત, અમૃત ભોગ કે લાંઘણ સાત. ૬૦૦
આતમાનું તે કરે અકાજ , સંસારની તે રાખે લાજ;
દેહાસુખને આતમસુખ કહે, જેમાંનું કાંઇએ નવ રહે;
જીવને મૃત્યુ છે જેવડે, એક સતી વાક્યે તે શું તૂટી પડે. ૬૦૧
ધન આયુર વિદ્યા બાળ રૂપ, સ્વર ચાતુરી ન્યાય સિદ્ધ ભૂપ,
જ્ઞાન ભક્તિ વિવેક વૈરાગી, ચારે વ્રત તપ તીરથ ત્યાગ;
આખો કહે સર્વે એ ભાળ, જોતાં આપે આપનો માલ. ૬૦૨
જીવા જીવને રે અનુમાન, તાણયુમ ધનુષ આવીરે કાન;
જે જે દ્વારોમાં જીવ ભળે, તેજ રૂપી કલણમાં કળે;
મૂળગું આખા આદબા છે ઓજ, સમજે તો સમજી લે ચોજ. ૬૦૩
જેને નથી રૂપા ગુણ નામ, જોતાં તેના સઘળા કામ;
પાસર્યું આપ વિચિત્રતા ભાત, વેદે કહી એ મુખની વાત;
બહુ મુખનો મોટો મહારાજ, તો આખો શું કહે તેના કાજ. ૬૦૪
પ્રણવ પ્રકારે ઘાલ્યો ઘાટ, એક બાહેર દેખાડી વાટ;
જે છે તે ત્યાં અસંખ્યાત, શબ્દે કહિયે શબ્દની વાત;
જે છે તેને આખો કેમ કહે, તેની વાત તો તેજ જ લહે. ૬૦૫
કહે આખો મૂકી નિઃશ્વાસ, હું તો છું તારો આભાસ;
તારી વાત કરે છે તું, ઓછાંયા મધ્યે વર્તયો હું;
બહુ તેજ મધ્યે હું રહ્યો, ત્યારે શેષ ઓછાંયો ગયો. ૬૦૬
આખા સઘળા આ વસ્તુ વિનોદ, હાંસી કહો કે તત્ત્વનો બોધ;
પોતાની ઠગ પોતે સાથ, ઇચ્છા અમલ ખાધી તે હાથ;
તારું ઘેલપણું તે હું, સાજો તેતું ત્યાં તુંનો. ૬૦૭
એમ આખા સહીયારી વૃત્ત, હાથો હાથ દીસે છે તર્ત;
નટતણી હાલે આંગળી, હું હાલું જાણે પૂતળી;
તેનો બોલ પોતે નટ કહે, ઊંડે વિચારે અમથું રહે. ૬૦૮