ઈશુ ખ્રિસ્ત/ઈશુનો જન્મ અને સાધના
← યોહાન | ઈશુ ખ્રિસ્ત ઈશુનો જન્મ અને સાધના કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા ૧૯૨૫ |
પ્રવૃત્તિ → |
જેમ શ્રીકૃષ્ણ વિશે પૌરાણિક કથા છે કે કંસે આકાશવાણી સાંભળીને કૃષ્ણને મરાવી નાંખવા માટે પૂતનાને મોકલી ગોકુળનાં સર્વ બાળકોને મરાવી નાંખ્યાં હતાં , તેમ ઈશુ વિષે પણ કથા છે કે હૅરોદને એના જોશીઓએ કહ્યું કે, 'તારો શત્રુ બેથલેહેમમાં પેદાથયો છે.' તે ઉપરથી વહેમાઈ હૅરોદે તે ગામનાં બે વર્ષની અંદરનાં સર્વે બાળકોને મારી નખાવ્યાં.પણ આ હુકમનો અમલ થતાં પહેલાં યોસેફને તેની ખબર પડી ગઈ, અને તે મા તથા બાળકને લઈ નેઝરેથ નાસી ગયો.
ઈશુનો અને તેના કુટુંબીઓનો માર્ગ નાનપણથી જ જુદો પડતો હોય એમ જણાતું હતું. સગાંવહાલાં અને ગામના લોકોને ઈશુ કાંઈક વિચિત્ર અને અવહેવારુ લાગતો હોય એમ સંભવ છે.
चमत्कारो - જૂના કાળના સંતપુરુષોનાં જીવનચરિત્રો ચમત્કારોનાં વૃતાન્તોથી ભરપૂર હોય છે. અજ્ઞાન પ્રજા તેમ જ વ્યવહારની દૃષ્ટિએ બુદ્ધિશાળી પણ અત્યન્ત સાંસારિક તૃષ્ણાઓથી ભરપૂર માણસો ચમત્કાર કરવાની શક્તિને ઈશ્વર-દર્શનનું આવાશ્યક લક્ષણ લેખે છે. ધનલોભી રાજાઓ કરામત ન કરી બતાવે તેવા સંતોને ઢોંગી કહી પીડતા પણ ખરા. ચમત્કારોની ઊતરી આવેલી વાતોમાં કેટલી સચ્ચાઈ હોય છે એ જાણવાનું થોડા દિવસમાં જ કઠણ થઇ પડે છે, કારણ કે એ હકીકતોની વેલી એટલી ઝપાટાબંધ ફેલાય છે, અને એનાં ફળ પાછળથી એટલાં બધાં વિવિધ અને રસપૂર દેખાડવામાં આવે છે કે મૂળે બીજ પણ હશે કે નહિ એવી શંકા સહેજે ઉત્પન્ન થાય છે.
ચમત્કારોની વાતો કેવળ ખોટી જ છે એમ માનવું એ અશ્રદ્ધાનો છેડો છે. દરેક ચમત્કારિક વાત ગળે ઉતારી લેવી એ અંધશ્રદ્ધાનો છેડો છે. કેટલાક ચમત્કારો સંતોના સત્ય, અહિંસા વગેરે યમોના પાલન તથા અપરિમિત મૈત્રી અને કરુણાના સહજ પરિણામ-રૂપે થઈ જાય છે; કેટલાક યોગાભ્યાસની સિદ્ધિરૂપે હોય છે; કેટલાક ભાવિક લોકોની શ્રદ્ધાને લીધે જ બની આવે છે; અને કેટલાક કેવળ વહેમી માણસોની ભ્રમણામાં જ જણાય છે. એ સિવાય પાછળના અનુયાયીઓની કલ્પનાશક્તિ કેટલાક ચમત્કારોનું આરોપણ કરે છે. આમાંથી પહેલા બે પ્રકારના ચમત્કારોમાં સત્યાંશ હોઈ શકે છે.
પણ્ ચમત્કારોની વાતો સત્ય હોય કે અસત્ય, એ ઈશ્વરમય જીવનનું આવશ્યક લક્ષણ નથી એટલું જ નહિ, પણ સંતો પોતે ચમત્કારો તરફ અણગમાની દૃષ્ટિએ જ જુએ છે. ચમત્કારો કરવાની વૃત્તિ શરૂઆતમાં જણાય તોપણ ધીમે ધીમે એ વૃત્તિ ગૌણ પડી જઈ છેવટે તદ્દન નાબૂદ થઈ જાય છે, એવું દરેક સાધુપુરુષના જીવનનો અભ્યાસ કરતાં માલૂમ પડી આવશે. પોતા દ્વારા થયેલા અથવા પોતામાં આરોપાતા ચમત્કારો માટે કોઈ સંતોને મોહ નથી થતો, અને એ ચમત્કારો બંધ પડે એવી જ એમની વૃત્તિ હોય છે. આનું કારણ સ્પષ્ટ છે. ચમત્કારોની વાતો સ્થૂળ પદાર્થોમાં જ ફેરફાર થતો દેખાડે છે. આંધળાઓને આંખો આપી શકાય અને લંગડાને ચાલતો કરી શકાય; બે રોટલીથી બસેં માણસને જમાડી શકાય અને રણ વચ્ચે પાણી વહેવડાવી શકાય તેથી શું ? એ ચમત્કારોથી જે સુખ થાય છે તે ટકે એવું નથી હોતું. એથી જેને એ પ્રાપ્ત થાય એ શાન્તિ ભોગવે અથવા પુણ્યશીલ થાય એમ પણ ખાતરી નથી. મૂએલાને જીવતો કરે તેને પણ પાછું મરવું તો પડે જ છે. સંતોને એ સુખ આપવામાં શો રસ લાગે ? પાપીને પુણ્યશાળી બનાવવાની, તૃષ્ણાવાનને વૈરાગ્યશીલ બનાવવાની, લોભીને સંતોષી બનાવવાની, વિષયીને નિષ્કામ કરવાની જો કોઈ તત્કાળ ફળ આપનારી કરામત હોય તો સંતો એ સિદ્ધિને ખુશીથી સ્વીકારે. પણ એ વૃત્તિઓને નિર્માણ કરવાનો કોઈ ચમત્કારિક ઇલાજ હજુ સુધી સંતોને હાથ લાગ્યો જણાતો નથી. એને માટે તો સંતોકેવળ ખાતર અને પાણીની ગરજ સારી શકે છે. જ્યાં એ વૃત્તિ મૂળમાં હોય ત્યાં તેને પોષણ આપી શકે છે, વધારી શકે છે; યોગ્ય ક્ષેત્રમાં એનું બીજ પણ નાખી શકે છે. પણ જ્યાં એ વૃત્તિ જ ન હોય અને ક્ષેત્ર અનુકૂળ ન હોય ત્યાં એમનો ઇલાજ ચાલતો નથી. એ વિચારીને જ સંતો અન્ય ચમત્કારો પ્રત્યે ઉદાસીન થઈ જાય છે. ઈશુ ખ્રિસ્તનું જીવન પણ એ જ સાક્ષી પૂરે છે. ચમત્કારો અવતારોના અવતારીપણાનું આવશ્યક અંગ ન હોવાથી એવી વાતોનો આ ચરિત્રમાં સમાવેશ કર્યો નથી. ચમત્કારો સાંભળીને જે મનુષ્ય કોઈને અવતારી પુરુષ માને છે તે અવતારિત્વનું રહસ્ય સમજતો જ નથી.