ઈશુ ખ્રિસ્ત
ઈશુ ખ્રિસ્ત કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા ૧૯૪૧ |
ઈશુ ખ્રિસ્ત
કિશોર ઘનશ્યામલાલ મશરૂવાળા
નવજીવન પ્રકાશન મંદિર
ઈશુ ખ્રિસ્ત
કિશોર ઘનશ્યામલાલ મશરૂવાળા
નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ
મુદ્રક અને પ્રકાશક
જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ
પહેલી આવૃત્તિ : સન ૧૯૨૫
સુધારેલી વધારેલી નવી આવૃત્તિ, નકલ ૨,૨૫૦
લગભગ ૧૬-૧૭ વર્ષ પર નવજીવનની અવતાર-લીલા લેખમાળાના એક ભાગ રૂપે આ નામનું મારું પુસ્તક બહાર પડ્યું હતું. એ પુસ્તકને લગભગ આખું નવેસરથી લખી તથા તેમાં વધારો કરી આ તૈયાર કર્યું છે. નવા ઉમેરામાં ઈશુનાં પ્રવચનો, રૂપકો અને સુભાષિતો મુખ્યત્વે છે. કેટલીક નોંધો પણ છે. અને છેવટની સમાલોચના.
ચરિત્રની હકીકતોની બાબતમાં બાઈબલનાં મૅથ્યુ, માર્ક, લૂક અને જૉનના પુસ્તકો જ મારો આધાર છે. તે પૈકી કોઈ એકમાંથી જ મેં હકીકતો લીધી નથી, પણ બધામાંથી તારવી છે.
પહેલી આવૃત્તિ છપાયા પછી મને કેટલાક ગુજરાતી ખ્રિસ્તીઓ તરફથી ટીકારૂપે પત્રો મળ્યા હતા. ચમત્કારો વિષે ગૌણપણે ઉલ્લેખ અને ઈશુની કબરમાંથી ઊઠવા વિષે મૌન માટે તેમને તે પુસ્તક નાપસંદ પડ્યું હતું. એ બન્ને બાબતમાં મારા વિચારો સ્પષ્ટપણે પુસ્તકમાં રજૂ કર્યા છે. હું દિલગીર છું કે એથી કદાચ પંથશ્રદ્ધાળુ ખ્રિસ્તીઓને સંતોષ નહિ થાય. પણ તેમાં મારો ઇલાજ નથી. મને જે સત્ય લાગે તે જ માંડવાની મેં મારી શક્તિ અને દ્રષ્ટિ પ્રમાણે અત્યન્ત કાળજી તો લીધી જ છે, છતાં તેથી કોઈની શુભ શ્રદ્ધાઓનું એવી રીતે ખંડન ન થાઓ, કે જેથી એક નજીવી શુભ વસ્તુમાં પણ એને નાસ્તિકભાવ
ઉત્પન્ન થાય. કોઈનો અધોગતિ કરનારો બુદ્ધિભેદ ન થાઓ. જે માર્ગે પોતાનું અત્યન્ત કલ્યાણ મનાયું હોય તે માર્ગને, બુદ્ધિપૂર્વક વિશેષ સારો માર્ગ દેખાયા વિના, છોડવાની પ્રવૃત્તિ ન થાઓ. એવું એક પણ વાક્ય આ દોષો ઉત્પન્ન કરે એવું છે એમ જેને લાગે તે જો કૃપા કરી મને જણાવશે, તો હું એનો વિચાર કર્યા વિના નહિ રહું.
આટલો દોષા થયા વિના કોઈની અંધશ્રદ્ધાને ધક્કો પહોંચે, અને એના દ્રષ્ટિબિન્દુને નવું વળણ મળે એ ઇષ્ટાપત્તિ જ છે. આપત્તિ એટલા માટે કહું છું કે એક ભાવનામાંથી બીજી ઉચ્ચતર ભાવનામાં પહોંચવાનો માર્ગ અત્યન્ત કષ્ટ ભોગવાવનારો છે. બુદ્ધિને એક નવી વસ્તુ સત્ય તરીકે સમજાય, અને તેમાં મન, વાણી અને શરીરથી નિષ્ઠા થાય, એ બેની વચ્ચે લાંબો કાળ જાય છે. અને એ કાળ જૂના સંસ્કારો અને નવીન સંસ્કારો વચ્ચેના ઝઘડા લડવામાં વીતે છે. એ લડાઈનું દુઃખ તીવ્ર હોય છે. પણ એ દુઃખ ભોગવ્યા વિના બાળકનું મુખ માતા જોઈ શકતી જ નથી; જેટલું પૂર્વારોગ્ય સારું એટલી પીડા ઓછી એટલું જ. તેમ કોઈનો ઝઘડો દીર્ઘ કાળ ચાલે, કોઈને ટૂંકો સમય. પણ ઝઘડો લીધે જ છૂટકો. ઉન્નતિની તીવ્ર ઇચ્છા રાખનાર પુરુષને એ યુદ્ધ માટે આવશ્યક ધૈર્ય મળી રહે છે, એ જ મનુષ્યને મળેલી શુભ સામગ્રી છે. એ વેદના કરાવવામાં હું નિમિત્તભૂત થાઉં તેનુંયે મને દુઃખ લાગે છે; પણ એ વિષે નિરુપાય છું. એ દુઃખને તીવ્રપણે અનુભવી ગયેલાનો એની સાથે સમભાવ રહેલો છે. એટલું જ એને હું આશ્વાસન આપી શકું.
જો ખ્રિસ્તીભાઈઓ આવા વિશ્વાસપૂર્વક આ પુસ્તક વાંચશે તો તેમનેયે આ પુસ્તક ઉપયોગી જ માલૂમ પડશે, અને ધર્માન્તર કરાવવાની ભાંજગડમાં પડ્યા વિના ખ્રિસ્તીધર્મની વિશેષતાનો જગતને લાભ આપી શકશે. તેઓ પોતે પાર્થિક શ્રદ્ધાની સંકુચિતતામાંથી નીકળી જશે, અને છતાં સાચા અર્થમાં ખ્રિસ્તી ધર્મત્ત્વને રાખી શકશે. તેમને માટે હિંદુધર્મની જ્ઞાનદ્રષ્ટિની એટલી જ જરૂર છે, જેટલી હિંદુઓને ખ્રિસ્તીધર્મની માનવસેવા દ્વારા ઈશ્વરોપાસનાની. પણ એની હવે અહીં વધારે ચર્ચા કરવાની જરૂર નથી.
બાઈબલમાં આવતાં યહૂદી નામોના શુદ્ધ ઉચ્ચારો મેં એક યહૂદી સજ્જન ડૉ. એબ્રાહમ પાસેથી જાણ્યા છે. પણ અંગ્રેજી ઉચ્ચારોથી પરિચિત વાચકોને માટે છેવટે શબ્દસૂચિ આપી છે. આ ઉપરાંત બંગલૂરમાં રહેતા મારા એક મિત્ર શ્રી રાલ્ફ રિચર્ડ કૈથાન તરફથી કેટલીક મહિતી મેળવી છે. એ બન્ને સજ્જનોનો આભાર માનું છું.
આ નાનકડી પુસ્તકમાળામાં કેટલાક અવતારી પુરુષોનો ટૂંકો જીવનપરિચય કરાવવા ધાર્યું છે. આ પરિચય કરાવવામાં જે દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખ્યું છે એ વિષે બે શબ્દ લખવા આવશ્યક છે.
અવતારી પુરુષ એટલે શું? હિન્દુઓ માને છે કે, જ્યારે પૃથ્વી પરથી ધર્મનો લોપ થાય છે, અધર્મ વધી પડે છે, અસુરોના ઉપદ્રવથી સમાજ પીડાય છે, સંતતાનો તિરસ્કાર થાય છે, નિર્બળનું રક્ષણ થતું નથી, ત્યારે પરમાત્માના અવતારો પ્રકટ થાય છે. પણ અવતારો કેવી રીતે પ્રકટ થાય છે, એ પ્રકટ થાય ત્યારે એમને કેવે લક્ષણે ઓળખવા, અને એમને ઓળખીને અથવા એમની ભક્તિ કરીને આપણા જીવનમાં કેવા ફેરફાર કરવા, એ જાણવું જરૂરનું છે.
સર્વત્ર એક પરમાત્માની શક્તિ – સત્તા – જ કાર્ય કરી રહી છે. મારામાં – તમારામાં – સર્વેમાં એક જ પ્રભુ વ્યાપી રહ્યો છે. એની જ શક્તિથી સર્વેનું હલન–ચલન–વલણ છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ વગેરેમાં પણ એ જ પરમાત્માની શક્તિ હતી. ત્યારે આપણામાં અને રામ–કૃષ્ણાદિકમાં શો ફેર? એ પણ મારા તમારા જેવા મનુષ્ય દેખાતા હતા; એમને પણ મારી તમારી માફક દુઃખો વેઠવાં પડ્યાં હતાં અને પુરુષાર્થ કરવો પડ્યો હતો; છતાં આપણે એમને અવતાર
શા માટે કહીએ છીએ? હજારો વર્ષ વીતી ગયાં. છતાં શું કામ આપણે એમને પૂજીએ છીએ?
'આત્મા સત્યકામ - સત્યસંકલ્પ છે,' એવું વેદવચન છે. જે આપણે ધારીએ, ઇચ્છીએ તે પ્રાપ્ત કરી શકીએ એવો એનો અર્થ થાય છે. જે શક્તિને લીધે આપણી કામનાઓ સિદ્ધ થાય છે એને જ આપણે પરમેશ્વર - પરમાત્મા - બ્રહ્મ કહીએ છીએ. જાણેઅજાણે પણ એ જ પરમાત્માની શક્તિનું આલંબન - શરણ - લઈ આપણે જે સ્થિતિમાં આજે છીએ તે સ્થિતિ પ્રાપ્ત કરી છે; અને ભવિષ્યમાં જે સ્થિતિ પ્રાપ્ત કરીશું તે પણ એ જ શક્તિનું આલંબન લઇને કરીશું. રામ-કૃષ્ણે પણ એ જ શક્તિનું આલંબન લઈ સર્વેશ્વરપદ - અવતારપદ - પ્રાપ્ત કર્યું હતું. હવે પછી જે અવતારો થશે તે પણ એજ શક્તિનું આલંબન લઈને. આપણામાં અને એનામાં ફરક એટલો કે આપણે મૂઢપણે - અજાણપણે એ શક્તિનો ઉપયોગ કરીએ છીએ; એમણે બુદ્ધિપૂર્વક - શક્તિને પૂર્ણપણે ઓળખીને - એનું અવલંબન લીધેલું.
બીજો ફરક એ કે, આપણે આપણી ક્ષુદ્ર વાસનાઓને તૃપ્ત કરવા પ્રભુનો ઉપયોગ કરીએ છીએ. અવતારી પુરુષની આકાંક્ષાઓ, એમના આશયો મહાન અને ઉદાર હોય છે; એને જ માટે એ આત્મબળનો આશ્રય લે છે.
ત્રીજો ફરક એ છે કે, સામાન્ય જનસમાજ મહાપુરુષોનાં વચનોને અનુસરનારો અને એમના આશ્રયથી તથા એમના ઉપરની શ્રદ્ધાથી પોતાનો ઉદ્ધાર માનનારો હોય છે. જૂનાં શાસ્ત્રો એ જ એમનો આધાર હોય છે. અવતારી પુરુષો કેવળ શાસ્ત્રોને અનુસરનારા નથી હોતા; એ શાસ્ત્રોના રચનારા
અને ફેરવનારા પણ થયા છે. એમનાં વચનો એ જ શાસ્ત્રો થાય છે અને એમનાં આચરણો એ જ અન્યને દીવાદાંડીરૂપ થાય છે. એમણે પરમતત્ત્વ જાણી લીધું છે. એમણે પોતાનું અન્તઃકરણ શુદ્ધ કર્યું છે. એવા સજ્ઞાન, સવિવેક અને શુદ્ધ ચિત્તને જે વિચાર સૂઝે, જે આચરણ યોગ્ય લાગે તે જે સચ્છાસ્ત્ર, તે જ સદ્ધર્મ. કોઈ પણ, બીજાં શાસ્ત્રો એમને બાંધી શકતાં નથી કે એમના નિર્ણયમાં ફરક પાડી શકતાં નથી.
આપણે આપણા આશયોને ઉદાર બનાવીએ, આપણે આકાંક્ષાઓને ઉચ્ચ બાંધીએ અને પ્રભુની શક્તિનું જ્ઞાનપૂર્વક અવલંબન લઈએ તો પ્રભુ આપણામાંયે અવતાર રૂપે પ્રકટ થવા મહેર કરે. વીજળીની શક્તિ ઘરમાં ગોઠવાયેલી છે; એનો ઉપયોગ આપણે એક ક્ષુદ્ર ઘંટડી વગાડવામાં કરી શકીએ, તેમજ તે વડે દીવાના પંક્તિથી આખા ઘરને શણગારી શકીએ. તે જ પ્રમાણે પ્રભુ આપણા પ્રત્યેકના હૃદયમાં વિરાજી રહ્યો છે; એની સત્તા વડે આપણે એક ક્ષુદ્ર વાસનાની તૃપ્તિ કરી શકીએ, અથવા મહાન અને ચારિત્રવાન થઈ સંસારને તરી જઈએ અને બીજાને તારવામાં મદદગાર થઈએ.
અવતારોએ પોતાની રગેરગમાં અનુભવાતા પરમાત્માના બળથી પવિત્ર થવા, પરાક્રમી થવા, પરદુઃખ ભંજન થવા ચાહ્યું. એમણે એ બળ વડે સુખદુઃખથી પર, કરુણા હૃદયી, વૈરાગ્યવાન, જ્ઞાનવાન અને પ્રાણીમાત્રના મિત્ર થવા ઇચ્છ્યું. સ્વાર્થના ત્યાગથી, ઇંદ્રિયોના જયથી, મનના સંયમથી, ચિત્તની પવિત્રતાથી, કરુણાની અતિશયતાથી, પ્રાણીમાત્ર તરફના અત્યંત પ્રેમથી, બીજાનાં દુઃખોનો નાશ કરવા પોતાની સર્વ શક્તિ
અર્પણ કરવા માટેની નિરંતર તત્પરતાથી, પોતાની અત્યંત કર્તવ્યપરાયણતાથી, નિષ્કામતાથી, અનાસક્તિથી અને નિરહંકારીપણાથી, ગુરુજનોને સેવી તેમના કૃપાપાત્ર થવાથી એ અવતારો ગણાયા, મનુષ્યમાત્રને પૂજનીય થયા.
આપણે ધારીએ તો આપણે પણ પણ એવા પવિત્ર થઈ શકીએ, એવા કર્તવ્યપરાયણ થઈ શકીએ, એટલી કરુણાવૃત્તિ કેળવી શકીએ, એવા નિષ્કામ, અનાસક્ત અને નિરહંકારી થઈ શકીએ. એવા થવાનો આપણો નિરન્તર પ્રયત્ન રહે એ જ અવતારોની ભક્તિ કરવાનો હેતુ. જેટલે અંશે આપણે એમના જેવા થઈએ તેટલે અંશે જ આપણે એમનું અક્ષરધામ મેળવ્યું કહેવાય, જો આપણો એમના જેવા થવા પ્રયત્ન ન હોય તો આપણે કરેલું એમનું નામસ્મરણ પણ વૃથા છે, અને એ નામસ્મરણથી એમની સમીપ જવાની આશા રાખવી પણવૃથા છે.
ત્યારે આપણે પરમેશ્વરની ઉપાસના કેવી રીતે કરવી? આપણા જન્મથી આપણે પહેલો સંબંધ માતા જોડે થાય છે, બીજો પિતા સાથે છે, ત્રીજો બંધુઓ જોડે છે, ચોથો ગુરુ સાથે થાય છે અને પાંચમો મિત્રનો છે. આપણે વિવાહિત હોઈએ તો આપણો સંબંધ પત્ની જોડે થાય અને કુટુમ્બી હોઈએ તો બાળકો સાથે પણ બંધાય. પછી તે જ પ્રમાણે પડોશી તથા સમાજ અને પ્રાણીઓ સાથે થાય છે.
તે માટે આપણે પ્રથમ પ્રભુનું માતાપિતા તરીકે ધ્યાન ધરીએ અને સાથે સાથે આપણાં પ્રત્યક્ષ માતાપિતાની એક ચિત્તે સેવા કરીએ તો આપણામાં આદર્શ પુત્રના ગુણો ઊતરે અને સાથે સાથે આદર્શ માતાપિતાના ગુણોનું ધ્યાન થઈ જાય. જે
ગુણોનું ધ્યાન થાય તે ગુણો પણ અપણામાં ઊતરે જ, એટલે માતાપિતાનો વાત્સલ્યગુણ આપણામાં આવતો જ રહે.
આપણે પ્રભુનું બંધુ તરીકે ધ્યાન ધરીએ અને બંધુનીયે સેવા કરીએ, તો આપણે લક્ષ્મણ અને ભરતની બંધુભક્તિ પ્રાપ્ત કરીએ અને રામનો બંધુપ્રેમ સહજ આવી જાય.
એ જ પ્રમાણે પ્રભુની મિત્ર, ગુરુ વગેરે તરીકે, તથા પ્રાણીમાત્રના રૂપમાં ઉપાસના કરવી ઘટે, અને એ ઉપાસના પ્રત્યક્ષ મિત્ર, ગુરુ ઇત્યાદિકમાં ઉતારવી ઘટે.
પત્ની પરની આપણી પવિત્ર દૃષ્ટિ તો મિત્ર તરીકે જ હોય, એટલે મિત્રભાવનાને વધારવી એ જ પત્નીવ્રત ગણાય. પુત્રભાવનાનો વિસ્તાર શિષ્યમાં થાય, બંધુભાવનાનો મનુષ્યમાત્રમાં, માતાપિતાનો વડીલો પ્રત્યે. આપણી પરમેશ્વર પ્રત્યેની ભાવના પ્રત્યક્ષ મનુષ્યમાં ન ઊતરે તો એ ભક્તિ જડ જ છે.
એક જ ચેતવણી આ ઉપાસનાવિધિમાં આપવી ઘટે છે. રામકૃષ્ણ જેવા થવું એટલે રામ-કૃષ્ણની કીર્તિના ઈર્ષ્યાળુ થવું એમ નહિ. આપણા ઉપર કોઈ વાલ્મીકિ કે વ્યાસ કાવ્ય કરે, આપણી મૂર્તિઓ ઘેર ઘેર પૂજાય, આપણા નામના સંપ્રદાયો ચાલે, આપણી જય બોલાતી રહે, એવી જો આપણે આકાંક્ષા ધરી તો રામ-કૃષ્ણ જેવા કદી થવાશે નહિ.
આ જીવન પરિચય વાંચી, વાંચનાર અવતારોને પૂજતો થાય એટલું બસ નથી. એ અવતરોને પારખવા શક્તિમાન થાય અને અવતારો જેવા થવા પ્રયત્નશીલ થાય તો જ આ પુસ્તક વાંચવાનો શ્રમ સફળ થયો ગણાશે.
છેવટમાં એક વાક્ય લખવું ઘટે છે. આમાં જે કાંઇ નવું છે તે વિચારો મને પ્રથમ સૂઝ્યા છે એમ નથી કહી
શકતો. મારા જીવનના ધ્યેયમાં ઉપાસનાના દૃષ્ટિબિંદુમાં પરિવર્તન કરી નાખનાર, મને અંધારામાંથી અજવાળામાં લઈ જનારા મારા પૂજ્યપાદ ગુરુદેવ જ મારે નામે બોલે છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. છતાં એમાં જે ખામી હોય તે મારા જ વિચાર અને ગ્રહણશક્તિની સમજવી.
અનુક્રમણિકા
ખંડ ૧લો
જીવન
|
૫. | પ્રવૃત્તિ(ચાલુ) | ૩૦-૩૮ | |
પતિતપાવનતા; કુલટાનો ઉદ્ધાર; લેણદારનું દૃષ્ટાંત ૩૦, વ્યભિચારિણીને માફી ૩૧, ફૅરિસીઓનો દ્વેષ; શિષ્યાઓ; મલિન દૈવતનો આરોપ ૩૨; માતા અને ભાઈઓની અશ્રદ્ધા; દિવ્યની માગણી; શિષ્યોની રવાનગી ૩૩, ફૅરિસીઓની જડતા; પ્રજાનો રોષ ૩૪, શિષ્યોની ઊણપ :નોંધ- પાપોની માફી ૩૫ | |||
૬. | ગુરુદ્રોહ | ૩૯-૪૩ | |
વળી પેસાહ પર્વ; સત્યની નીડર ઉપાસના ૩૯, ઈશુની પૂજા ૪૦, યેહૂદાનો મત્સર; મરવાની તૈયારી ૪૧, છેલ્લું ભોજન; ટેકરી પર ૪૨, ધરપકડ ૪૩ | |||
૭. | ક્રૂસારોહણ | ૪૪-૫૪ | |
તપાસ ૪૪, પિટરની કાયરતા ૪૫, સૂબા પાસે રવાનગી ૪૬, યેહૂદાનું પ્રાયશ્ચિત; સૂબા પાસે તપાસ ૪૭, હેરોદ પાસે ૪૮, ફટકાની શિક્ષા અને અપમાન; લોહીતરસ્યા જાતિબંધુઓ; દેહાન્તદંડ ૪૯, ક્રૂસારોહણ ૫૦, ઉપસંહાર ૫૧: નોંધ- ઈશુનું ફરી ઊઠવું ૫૨ |
ખંડ ૨જો
ઈશુની વાણી
૧. | પર્વત પરનું પ્રવચન | ૫૭-૬૫ |
ધર્મરાજ્યના અધિકારી; સુદેવ શું ? ૫૭, ખોટાં સુખો; જગતના પ્રાણ કોણ? ઈશ્વરના અવિચલ નિયમો ૫૮, અહિંસા ૫૯, અવ્યભિચાર; નિર્મત્સરતા; મન-કર્મનો સંબંધ ૬૧, સોગંદ; |
સાચું શિષ્યત્વ; અનાડમ્બર ૬૨, ખ્રિસ્તી પ્રાર્થના ૬૩, ઈશ્વર અને સેતાન; શ્રદ્ધાનો મહિમા ૬૪, પ્રભુનો માર્ગ ૬૫ | |||
૨. | બીજાં પ્રવરચનો | ૬૬-૭૫ | |
૧. શિષ્યોની વિદાયગીરી ૬૬, ૨. પ્રભુનું ધામ ૬૮, ૩. મોંની બહાઅ અને અંદર ૬૯, ૪. બાલવૃત્તિ ૬૯, ૫. ખરીપૂજા ૭૦, ૬. શાપ આપવા વિષે ૭૧, ૭. લાયક મહેમાન ૭૧, ૮. ભક્તિનું અંદાજ પત્ર ૭૨, ૯. નિષ્કામ સેવા ૭૨, ૧૦. પરિગ્રહી શ્રીમંત ૭૩, ૧૧. અવિવેકી પરોણા ૭૫ | |||
૩. | રૂપકો | ૭૬-૯૩ | |
ખેતરની વાવણી ૭૬, ૨. ઘઉં અને ઘાસ ૭૭, ૩. અપરાધી કારભારી ૭૭, ૪. સરખી મજૂરી ૭૯, ૫. અજ્ઞાધારક અને અજ્ઞાપાલક પુત્રો ૮૦, ૬. દુષ્ટ ગણોતદારો ૮૧, ૭. અભિમાની મહેમાનો ૮૨, ૮. ગફલતી નોકરો ૮૨, ૯. ડાહી અને મૂર્ખ કન્યાઓ ૮૩, ૧૦. કુશળ અને અકુશળ મુનીમો ૮૪, ૧૧. ભલો સૅમેરિઅન ૮૫, ૧૨. આગ્રહી મિત્ર ૮૭, ૧૩ ઉડાઉ દીકરો ૮૭, ૧૪ ચાલાક કરભારી ૮૯, ૧૫. કાજી અને વિધવા ૯૦, ૧૬. ફૅરિસી અને કારકુન ૯૧, ૧૭. ભરવાડ ૯૨, ૧૮ ખોવાયેલું ઘેટું ૯૩ | |||
૪. | સુભાષિતો | ૯૪ |
ખંડ ૩જો
સમાલોચના
સમાલોચના | ૧૦૧ | |
શબ્દસૂચિ | ૧૨૦ |
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |