← પ્રવૃત્તિ(ચાલુ) ઈશુ ખ્રિસ્ત
ગુરુદ્રોહ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
૧૯૨૫
ક્રૂસારોહણ →



ગુરુદ્રોહ
वळी पेसाह पर्व
પાછું પેસાહ પર્વનું ટાંકણું આવી લાગ્યું અને ઈશુ છેલ્લી વાર યરુશાલેમ આવા ઉપડ્યો. એણે ઉપદેશ કરવા માંડ્યા બાદ આ ત્રીજું વર્ષ હશે. એનું વય વધારેમાં વધારે ૩૩ વર્ષનું હશે. એણે આટલા ટૂંકા સમયમાં પુષ્કળ આન્દોલન કર્યું હતું. ફૅરિસીઓ અને પૂજારીઓ એના દુશ્મન થઈ બેઠા હતા અને એને મારી નંખાવવા કોઈ પણ ઉપાય લેવા તૈયાર હતા. એના ઉપર બીજા દોષો સાબિત ન થાય, તો છેવટે એને રાજ્યદ્રોહી ઠરાવી સરકાર દ્વારા પણ એનો અન્ત આણવા ઉત્સુક હતા. એટલે એ હેરોદના પક્ષના માણસો સાથે ભળી ગયા. સૅડ્યૂસીઓ એની ઠેકડી કરવામાં મજા માનતા. માત્ર એના પોતાના શિષ્યો તથા બીજા વગ વગરના લોકોને એને વિષે સદ્‍ભાવ હતો; પણ એમનામાંયે નિર્ભયતા નહોતી અને ઐહિક અભિલાષાઓ સ્પષ્ટપણે રહી હતી.


सत्यनी नीडर
उपासना
પેસાહ પર્વ શરૂ થાય તેના છએક દિવસ પહેલાં યરુશાલેમ પાસેના બેથૅની નામે ગામમાં ઈશુ અને તેના બાર શિષ્યો આવી પહોંચ્યા અને પૂર્વે ઈશુને હાથ સાજા થયેલા એક માણસને ઘેર એ લોકોએ મુકામ કર્યો. માથે શત્રુઓનું વાદળ ઘેરાઈ રહ્યું હતું, છતાં એને જે સત્ય લાગ્યું તેનો યરુશાલેમના મન્દિરમાં જઈ ઉપદેશ કરવાનું એણે છેલ્લા દિવસ સુધી છોડ્યું નહિ. પેસાહ પર્વ શુક્રવારની સાંજે શરૂ થાય. ગુરુવારને દિવસે પણ એણે યરુશાલેમના મન્દિરમાં જઇ ઉપદેશ કર્યો. મન્દિરમાં ભરાતાં બજારને વળી ખાલી કરવા ફરમાવતો રહ્યો. એમ સમજાય છે કે, સદ્‍બુદ્ધિ અને સદ્દુદ્દેશ છતાં ઈશુની વાણીમાં તીખાશ વધતી જતી હતી.એનાથી પાપ સહન થતું ન હતું. પાખંડ જોઈને એનું હૈયું ઊકળી રહ્યું હતું, એ પણ તીખાશનું કારણ હોય. પણ તીખાશને લીધે કેટલેક અંશે એ સમભાવ ખોઈ બેઠો.

એનાં આવાં વર્તન માટે પૂજારીએ ઈશુ પાસે શાસ્ત્રનો આધાર માગ્યો. ઈશુએ જે જવાબ વાળ્યો તે એની આધ્યાત્મિક સ્થિતિને અનુસરીને હતો. એ શાસ્ત્રોનો શો આધાર આપે ? એના શુદ્ધ ચિત્તમાં જે સત્ય લાગતું હતું તે પ્રમાણે એ બોલતો હતો. પણ એની સ્થિતિ સમજવા જેટલી પૂજારીઓની શક્તિ જ ન હતી . એ તો દ્વેષથી ભરેલા હતા. ઈશુને એના જ શબ્દોથી કેમ ફસાવી શકાય એ જ તો શોધી રહ્યા હતા.એમની આગળ ઈશુની જ્ઞાનચર્ચા નકામી જ જતી હતી. છતાં એની લોકપ્રિયતાથી તેઓ ડરતા હતા, અને એને પકડવા ઉપાયો ખોળી રહ્યા હતા. એટલામં ઈશુનો શિષ્ય જ એમના હાથમાં ક્રૂસનું લાકડું થવાને ગયો.


ईशुनी पूजा
એક રાત્રે ઈશુ બૅથેનીમાં પોતાના યજમાનને ત્યાં બેઠો હતો, એટલામાં એક સ્ત્રીએ આવી સુગંધી અને મૂલ્યવાન અત્તર એના મસ્તક પર રેડ્યું અને ખૂબ ભાવથી પૂજા કરી. યેહૂદાથી આ જોઈ શકાયું નહિ. તે કહેવા લાગ્યો, 'આ શો બગાડ ! આની સારી કિંમત ઊપજત અને તે ગરીબને આપી શકાત !' ઈશુએ કહ્યું, 'ભાઈ, એની અભિલાષા પૂરી થવા દે. આ શરીરની પૂજા ફરીથી દાટતી વખતે જ થશે.'

એમ લાગે છે કે આ પૂજા કેવળ મૂંગે મોઢે નહિ થઈ હોય. એની સાથે ઈશુનો જયજય કાર બોલાયો હશે, અને કદાચ તે ઘોષણામાં એને યહૂદીઓના રાજા તરીકે વિશેષવામાં આવ્યો હશે. કારણ કે બીજે જ દહાડે જ્યારે યરુશાલેમમાં ખબર પડી કે ઈશુ આવે છે, ત્યારે ઘણા લોકો ઈશુને વાજતે ગાજગે પધરાવવા સામા ગયા, અને મંગળસૂચક ધ્વનિ તથા તાડીનાં પાંદડાંની ધજા ઉડાવવા લાગ્યા ને 'યહૂદીઓના રાજા ઈશુ નો જય' એમ ગર્જના કરવા લાગ્યા.


येहूदानो मत्सर
યેહુદાથી ઈશુને મળતું માન ન દેખી ખમાયું. એનું મન કેટલાક વખતથી ઈશુ વિરુદ્ધ વળ્યું હતું. એણે આ અભિષેક રાજ્યાભિષેકના જેવો જ ગણ્યો. મત્સરથી બળતો તે ફૅરિસી અને પૂજારીઓને જઈ મળ્યો અને સારું ઇનામ મેળવવાની શરતે ઈશુને એમના હાથમાં સપડાવવા તૈયારી બતાવી. ફૅરિસીઓએ આ લાગ તુર્ત જ હાથ કીધો અને એને મોંમાગ્યા દામ ચૂકવી આપ્યા. ઈશુ રાજ્યદ્રોહી છે એમ જુબાની આપવા અને ઈશુને ઓળખાવી પકડાવવા યેહુદાએ વચન આપ્યું.


मरवानी तैयारी
પેસાહ પર્વ શરૂ થયા પછી તે પૂરું થાય ત્યાં સુધી મનુષ્યહિંસા ન થઈ શકે એવું યહૂદી ધર્મનું ફરમાન હોવાથી, તુર્તાતુર્ત જ ઈશુનું કાસળ કાધી નાખવું જોઈએ એમ એના શત્રુઓને લાગ્યું. ઈશુ રાતવાસો બેથૅનીમાં અથવા આજુબાજુના ડુંગરોમાં કરતો. એના શિષ્યો એની સાથે જ રહેતા. એને માથે મોત ઝઝૂમે છે એમ એ સારી પેઠે જાણતો હતો. એ રાતદિવસ ઈશ્વરચિંતનમાં જ ગાળવા લાગ્યો. આ સંકટમાંથી બચાય તો સારું એમ એને લાગી આવતું, પણ 'ઈશ્વરેચ્છા'ને આધિન થવા એ તૈયારી કરતો હતો.


छेल्लुं भोजन
ગુરુવારે સાંજે ઈશુ એના શિષ્યો સહિત યરુશાલેમમાં જ એક ભક્તને ત્યાં ગયો. બીજી સાંજથી વ્રતો શરૂ થાય માટે આગલી રાત્રે ઉજાણી કરવાનો રિવાજ હોય એમ લાગે છે. ભક્તને ત્યાં સર્વે જમવા બેઠા. યેહૂદાના મનમાં કપટ છે એમ ઈશુ ચેતી ગયો હતો, અને એ એણે જમતાં જમતાં કહી પણ બતાવ્યું. સર્વે શિષ્યોને સાવધ અને વફાદાર રહેવા ચેતવ્યા. શિષ્યોની અગવડત વિષે કાંઈક અણવિશ્વાસ પણ સૂચવ્યો. એટલે અગ્રગણ્ય શિષ્ય બોલી ઊઠ્યો કે, 'બધા બેવફા થાય, પણ હું તો ન જ થાઉં.' પણ ઈશુએ ભવિષ્ય ભાખ્યું કે 'કૂકડો બોલે તે પહેલાં ત્રણ વાર તું મારા સાથીપણાનો ઈન્કાર કરીશ.'


टेकरी पर
એ રાત્રે ઈશુ શહેર બહાર ઑલિવની ટેકરી પર પ્રાર્થના કરવા ગયો. સાથે પિટર અને બીજા શિષ્યો રાખ્યા. એણે શિષ્યોને કહ્યું, 'મને હવે કશું ગમતું નથી. જીવન એટલું નીરસ લાગે હે કે કદાચિત્ પ્રાણ નીકળી જાય; માટે હું પ્રાર્થના કરું ત્યારે મને સંભાળજો.' પ્રભુની ઇચ્છાને પ્રતિકૂળ ન હોય તો માથે ઝઝૂમતાં સંકટમાંથી એણે ઊગરવા પ્રાર્થના કરી, થોડી વાર પ્રાર્થના કરી વળી શિષ્યો આગળ આવ્યો, તો તે ઊંઘતા હતા. ઈશુએ તેમને જગાડ્યા અને રાત્રિ પ્રાર્થનામાં વિતાડવા વીનવ્યા. પાછો એ પ્રાર્થનામાં લાગ્યો, અને શિષ્યો પાછા ઊંઘમાં પડ્યા. એમ ત્રણવાર થયું, અને ત્રીજી વાર પણ શિષ્યોને ઊંઘતો જોઈ તે બોલ્યો, 'તમારી નિદ્રા શાંતિમય થાઓ. તમારો સાથી હવે વિરોધીઓના હાથમાં પકડાય છે.'
धरपकड
એટલામાં યેહૂદા એક હથિયારબંધ ટોળી સાથે ત્યાં ચડી આવ્યો. ટોળીના મુખીને એણે કહ્યું કે જેના હાથને હું ચુંબન કરું તેને પકડી લેવો. એમ કહી, ઈશુ પાસે આવી એને ચુંબન કર્યું. ઈશુએ કહ્યું, 'ભાઈ, તારું કામ કરી લે.' ટોળાંએ એને પકડી લીધો. પિટર એટલામાં જાગી ઊઠ્યો અને પહેલા આવેશમાં તલવાર ખેંચી કાઢીને મહાપૂજારીના નોકર પર ઉગામી. એથી નોકરનો કાન ઊડી ગયો. આ જોઈ ઈશુ બોલ્યો,'ભાઈ તલવાર મ્યાન કર; કારણ કે જે તલવાર ઉગામશે તે તલવારથી જ મરશે. હું બાર લાખ ફરિસ્તાઓને મારા રક્ષણને માટે બોલાવી શકું એમ છું, પણ એ રીતે મારે બચવું નથી. મારું મરણ જ મારી સેવા છે.' પછી ટોળાં તરફ ફરીને કહ્યું, 'આ નકામી ધમાલ શું કામ મચાવી? મંદિરમાં જ તમે મને જકડી શકતા હતા. આટલાં ટોળાંની શી જરૂર હતી? હું કાંઈ ધાડપાડુઓનો સરદાર છું?' પણ આટલી વારમાં પેલા અન્તેવાસીઓ પલાયન થઈ ગયા.