← ગુરુદ્રોહ ઈશુ ખ્રિસ્ત
ક્રૂસારોહણ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
૧૯૨૫
પર્વત પરનું પ્રવચન →



ક્રૂસારોહણ

ઈશુને મહાપૂજારી ઘેર લઈ ગયા. ત્યાં એકોતેરી સભા આગળ એના ઉપર મુકદમાનો ઢોંગ ચાલ્યો. એના શિષ્યો પૈકી માત્ર પિટર જ એ તપાસનું પરિણામ જોવા ગયો હતો. પરંતુ એ પણ અધિકારીઓમાં જઈને સગડીએ તાપવા બેસી ગયો હતો. ઘણી વારે બે સાક્ષીઓ ઈશુ સામે જુબાની આપવા ઊભા થયા. તેમણે કહ્યું કે, 'ઈશુએ કહેલું કે હું પ્રભુનું મંદિર તોડીને બીજું ત્રણ દિવસમાં નવું કરી શકું.' આ સાંભળી મહાપૂજારીએ ઈશુને પૂછ્યું, 'કેમ આ ખરું છે કે?' ઈશુએ કશો જવાબ આપ્યો નહિ.

ત્યારે મહાપૂજારીએ કહ્યું, 'હું તને ઈશ્વરની આણ આપીને મારા આ પ્રશ્નનો ઉત્તર આપવા કહું છું. બોલ, તું શું ઈશ્વરનો અભિષિક્ત પુત્ર છે?'

ઈશુએ કહ્યું, ' તમારા શબ્દો સાચા છે. હવે તમે મને પ્રભુને જમણે હાથે બેઠેલા જોશો.'

આ સાંભળતાં જ મહાપૂજારી બોલી ઊઠ્યો, 'જુઠ્ઠો ! નિંદાખોર ! બસ, હવે વિશેષ સાક્ષીનું શું કામ છે ? એણે અહીં જ ઈશ્વરનો દ્રોહ કર્યો છે.' સર્વે સભાએ ઈશુ પર ફિટકરનો વરસાદ વરસાવ્યો. કોઈ મોં ઉપર થૂંક્યા, કોઈકે તમાચા માર્યા અને કોઈ ઠેકડી પૂર્વક પૂછવા લાગ્યા, ' તું ખ્રિસ્ત હોય તો કોણે તને પાછળથી ટપલો માર્યો તે કહે.'

'એને મારી નાંખો, મારી નાંખો.' એવી સર્વે બૂમ પાડી ઊઠ્યા.

पिटरनी कायरता
આટલો વખત પિટર શું કરતો હતો? મહાપૂજારીની એક નોકરડીએ એને સગડી આગળ તાપતો જોઈ કહ્યું, 'આ તો ઈશુનો સાથીદાર છે!' પિટરે કહ્યું, 'તું શું ખોટું બોલે છે? હું તો એને જાણતો પણ નથી.'

એ બહાર નીકળ્યો, ત્યાં બીજી દાસીએ પણ એ જ આક્ષેપ કર્યો. વળી એ બોલ્યો, 'આ શો જુલમ ! હું કાંઈ જાણતોયે નથી !'

અને વળી ત્રીજી વાર એણે સોગંદ લઈ કહ્યું, 'હું એ માણસને મુદ્દલે ઓળખતો નથી.'

તરત જ કૂકડો બોલ્યો અને પિટરનું ચિત્ત જાગ્રત કરી ગયો. ઈશુએ આ સર્વ જોયું હતું. પિટર શરમાઈ ગયો. ત્યાંથી એ મોઢું છુપાવી નાઠો અને ખૂબ રડ્યો. એને અત્યંત પશ્ચાતાપ થયો.'*


જેમ પાછલી ઉંમરે એક વાર ભારે મંદવાડ વેઠ્યા પછી સાજા થઈએ તો પણ મંદવાડની કાંઈક નિર્બળતા ઘણુંખરું રહી જ જાય, તેમ એક વાર સત્ત્વહિન થયા પછીનો પશ્ચાતાપ ચિત્તને શુદ્ધ કરે તોપણ નિર્બળતાની કાંઈક નિશાની જ રહે છે. એ નિર્બળતાનો
सूबा पासे रवानगी
આ સભાને દેહાંતદંડ કરવાની સત્તા નહોતી. પણ એ દેહાંતદંડને યોગ્ય છે એવું ઠરાવી, એ ઈશુને સૂબા કને મોકલી શકતા હતા. વળી, પેસાહ પર્વની શરૂઆતને દિવસે યહૂદીઓ પોતે નરહિંસા કરવા ખુશી નહોતા, માટે રોમન સૂબાની મારફતે પરભારું ઈશુનું નિકંદન થાય તો સ્મૃતિની આજ્ઞા પળે એવી પણ ઇચ્છા રહી હતી. આ વિચારથી એકોતેરીએ ઇશુને બાંધીને સૂબા પાસે મોકલી દીધો. એને ઘેર પહોંચતાં સુધી રસ્તામાં ઈશુ ઉપર અત્યંત નિર્દય વર્તન ચલાવવામાં આવ્યું.

સંસ્કાર જીવન પર્યંત કનડ્યા કરે છે, અને તેથી એનું ચિત્ત શુદ્ધ થયું હોય તો પણ એનું ઘણું તેજ પડતું નથી. આનો અર્થ એ નથી કે પાશ્ચાતાપની કિંમત નથી, કે એ નિયમને અપવાદ ન હોય. જે વિષયમાં પોતાને હાથે પોતાની સત્ત્વહાનિ થઈ ગઈ હોય તે વિષયમાં સર્વ કષ્ઠો અને પ્રાણની પણ દરકાર રાખ્યા વિના પાછું સત્ત્વ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થાય તો પણ વળી શુદ્ધ સત્ત્વ ઝળકી ઊઠે. જેટલો મલિનતાનો ભેગ થયો હોય તેટલો એને બળવાને બળવાન તાપ જોઈએ. સત્ત્વને પાછું પ્રાપ્ત કરવાની તીવ્ર પ્રવૃત્તિ એ જ એનું પ્રાયશ્ચિત. જેમણે પોતાના જીવનમાં કદી સત્ત્વ ખોયું નથી તે મહાપુરુષોને ધન્ય છે! ભયથી, કાયરતાથી, ખોટું છે એવું ભાન હોય, કરતી વેળાએ જ અન્તહઃકરણનો પોકાર સામે ઊઠતો હોય છતાં માનસિક નિર્બળતાને વશ થઈ કરવામાં આવેલું કર્મ સત્ત્વને હાનિ પહોંચાડનારું છે.

પિટરમાં પણ એને સત્ત્વહાનિની નિર્બળતા જીવન પર્યંત ટકી રહી હતી.
येहूदानुं प्रायश्चित
દરમ્યાન પેલા યહૂદાને એકાએક પશ્ચાતાપ ઉદ્ભવ્યો. કેવળ નિર્દોષ જ નહિ, પણ પોતાની ઉપર જેના અનેક ઉપકારો થયેલા, જેની જોડે એ એક ભાણામાં બેસીને જમેલો, જેણે એને અનેકવાર છાતી સાથે ચાંપેલો, તે પોતાના કૃપાળુ ગુરુને પશુ જેવા માણસોના હાથમાં સોંપી દીધો, એ વિચારે એના હૃદયને કોતરી નાખ્યું. એ સભાસદો પાસે ગયો અને પોતાનું ઇનામ પાછું આપવા માંડ્યું. એ ઇશુને માટે કરગરવા લાગ્યો. પણ સભાસદો કહેવા લાગ્યા, 'હવે અમને શું? તારું પાપ તું જાણે!' યેહૂદાને એટલો શોક થયો કે એણે ફાંસો ખાઈ આપઘાત કર્યો.

પૂજારીઓએ લાંચના પૈસા પાછા લીધા, પણ પાપના પૈસા પાછા ખજાનામાં નાંખતા અચકાયા. એ પૈસામાંથી એક ખેતર વેચાતુ લેવામાં આવ્યું ને તેને પરદેશીઓના શબ દાટવા મહાજનને સોંપ્યું. પાપના પૈસામાંથી લીધેલું એ ખેતર 'પાપક્ષેત્ર'ને નામે પ્રસિદ્ધ થયું.

सूबा पासे तपास
સુબા પાસે ઇશુની તપાસ ચાલી. મહાપૂજારી અને પૂજારીઓએ ઈશુની વિરુદ્ધ જુબાનીઓ આપી. ઈશુએ બચાવમાં એક શબ્દ પણ કહ્યો નહિ. સૂબાએ તેને પૂછ્યું, 'તું પોતાને યહૂદીઓનો રાજા કહેવડાવે છે એ વાત ખરી કે?'

ઈશુ બોલ્યો, ' આ તારો આરોપ છે કે તું બીજાના કહેવાથી મૂકે છે?'

સૂબાએ કહ્યું, ' હું થોડો જ જાણું છું ! તારી જાતવાળા જ આમ બોલે છે, અને તને મારી પાસે લાવ્યા છે.' આ ઉપરથી ઈશુએ તેને સમજાવ્યું, "હું જે રાજ્ય વિષે બોલું છું તે પૃથ્વીનું ભૌતિક રાજ્ય નહિ, પણ પ્રભુનું આધ્યાત્મિક રાજ્ય છે. હું સત્યનો સાથી છું, સત્યને માટે મારો જન્મ છે અને સત્ય ધર્મનો હું રાજા છું."

આ સાંભળી સૂબો યહૂદીઓ ભણી વળ્યો. એને ઈશુ કેવળ નિર્દોષ માલૂમ પડ્યો, અને તે છતાં એણે કાંઈ ધર્મભંગ કર્યો હોય તો પેસાહ પર્વને ટાંકણે એક યહૂદીની શિક્ષા માફ કરવાના રિવાજ મુજબ એ ઈશુને છોડી દેવા ઇચ્છતો હતો. પણ યહૂદીઓ પોકારી ઊઠ્યા, 'એને નહિ, એને નહિ. બારાબાસને છોડો.' આ બારાબાસ એક લૂંટારો હતો.

हेरोद पासे
સૂબો નાઇલાજ થયો. એણે આ ખટપટમાંથી છૂટવા બીજી યુક્તિ રચી. એને ખબર પડી કે ઈશુ ગૅલિલીનો વતની છે. ગૅલિલીના લોકો ઉપર હેરોદનો અધિકાર હોવાથી એણે ઈશુને એની પાસે મોકલવા ઠરાવ્યું. હેરોદે આ વખતે યરુશાલેમ જ હતો. હેરોદે ઈશુ વિષે બહુ સાંભળ્યું હતું. એણે ઈશુને ચમત્કાર કરી બતાવવા કહ્યું, પણ ઈશુએ તેની ઇચ્છા પાર પાડી નહિ. એને પોતાની પત્નીએના આગ્રહથી યોહાનનો શિરચ્છેદ કરાવ્યો હતો, પણ ઈશુએ એનો કશો અપરાધ કર્યો નહોતો. એટલે એણે ઇશુની ઠેકડી કરવાના ઇરાદાથી એના શરીર પર એક જૂનો શાહી પોષાક નાખી એને સૂબા પાસે પાછો બાંધી મોકલી દીધો.
फटकानी शिक्षा
अने अपमान
સૂબાએ યહૂદીઓને પોતાની હઠ છોડવા વળી વીનવ્યા. એણે એમને ખુશ કરવા ઈશુને ફટકાની શિક્ષા કરી. એના શિર ઉપર કાંટાનો તાજ કરીને પહેરાવ્યો. લોકો સમક્ષ ઊભો કરી, 'જય યહૂદીઓના રાજા જય' કહી તમાચા અને મુક્કા માર્યા અને એટલેથી ઈશુને જતો કરવાની ઇચ્છા દર્શાવી.



लोही तरस्या
जातिबंधूओ
પણ લોકો તો ઝેરી થયા હતા. એમણે 'ઈશુને ક્રૂસ પર ઠોકી દો, ક્રૂસ પર ઠોકી દો,' એવી એક સરખી રાડો ચલાવી. આથી સૂબો ચિંતાતૂર થયો. એને માફ કરવાનો અધિકાર તો હતો જ. પણ યહૂદીઓ કહેતા, 'તું બાદશાહનો વફાદાર નોકર હોય તો ઈશુને ક્રૂસ પર ચડાવી દે.' ઈશુ ઉપર રાજા કહેવડાવવાનો આરોપ હતો. એકોતેરી સભાની ઇચ્છા વિરુદ્ધ એક રાજ્યદ્રોહીને છોડી દે, તો મહાપૂજારી વગેરે વગવાળા લોકો એની ઉપર બાદશાહની ખફામરજી વધારાવે, એનો એને ભય હતો. તોપણ એણે લોકોને કહ્યું, 'તું તમારા રાજાને કેમ મારું?' લોકો ઉશ્કેરાઈ ગયા. એ બોલ્યા, 'બાદશાહ સિવાય અમારે કોઈ રાજા નથી.'


देहान्तदंड
છેવટે પૂજારીઓની માગણીને વશ થઈ સૂબાએ ઈશુને મારાઓને સોંપ્યો. ગ્રીક, લાટિન અને હિબ્રૂ ભાષામાં 'યહૂદીઓનો રાજા નૅઝેરેથનોઇ રહીશ ઈશુ' એવા શબ્દોવાળું એક પાટીયું તેના ક્રૂસ પર લટકાવવા સૂબાએ લખી આપ્યું. પૂજારીઓએ આ શબ્દો સામે વાંધો ઉઠાવ્યો. તેમણે 'રાજા'ની પછી 'કહેવડાવનારો' શબ્દ ઉમેરવા કહ્યું. પણ સૂબાએ કહ્યું કે 'લખાયું તે લખાયું'*


क्रूसारोहण
ઈશુ મારાઓની સાથે લાકડાનો એક મોટો ક્રૂસ ઉપાડીને વધભૂમિ તરફ ચાલ્યો. લોકોનું ટોળું એની મશ્કરી કરતું, મારતું, અપમાન કરતું, એના ઉપર થૂંકતું પાછળ ગયું. બે હાથ અને પગ ઉપર લાંબા ખીલા ઠોકવામાં આવ્યા અને ક્રૂસ પર ઊભો કરવામાં આવ્યો. એનાં કપડાં મારાઓને ઇનામમાં મળ્યાં. તે જ દિવસે બે ચોરોને પણ એ જ શિક્ષા થઈ હતી. એ બન્નેના ક્રૂસ એની બે બાજુએ ઊભા થયા.

એના ક્રૂસ પાસે કોણ ઊભું હતું? એની મા, માશી અને બીજી બે સ્ત્રીઓ, તથા બાર પૈકી એકજ શિષ્ય નાનો યોહાન એના સ્મશાનના મિત્રો થયા હતા. પ્રાણ જતાં પહેલાં ઈશુએ યોહાનને એની માતાની સંભાળ લેવા ભલામણ કરી.

કેટલાક કલાક સુધી તીવ્ર વેદના ભોગવી, 'મારા પ્રભુ, મારા પ્રભુ, તેં મને કાં છોડી દીધો' એવી એણે એક વાર ચીસ પાડી. એનું ગળું સુકાતું હતું. સ્ત્રીઓએ ઊંચે ચડી એના ગળામાં દ્રાક્ષાસવ રેડ્યો. ત્યાર પછી વળી 'મારો આત્મા તને સોંપું છું' એમ એક વાર પોકાર કરી તેણે પોતાના પ્રાણ છોડી દીધા.


* આવું પાટિયું લખવામાં સૂબાનો ઉદ્દેશ પોતાનો રાજ્યપદ દર્શાવી યહૂદીઓનું અપમાન કરવાનો જણાય છે. 'કહેવડાવનારો' શબ્દ ઉમેર્યો હોત તો યહૂદીઓને અપમાન ન લાગત. પણ સૂબાને તો જણાવવું હતું કે, 'હું તો તમારા ખરા રાજાના પણ આવા હાલ કરી શકું; મને કાંઈ તમારી પરવા નથી.'
उपसंहार
એના બલિદાનની અસર ભારે થઈ; જોકે એની પાસે રહેવાની હિંમત તે વખતે બે ચાર સ્ત્રીઓ અને નાનો યોહાન સિવાય કોઈ તે સમયે બતાવી શક્યું નહિ, તોપણ એના મરણ પછી એના શૌર્યનો વારસો એના અનુયાયીઓમાં ઊતર્યા વિના રહ્યો નહિ. એણે વાવેલું નવયુગનું બીજ ફાલીને ભારે મોટું વૃક્ષ થયું. એના મરણ પછી ઘણા યહૂદી પણ ખ્રિસ્તી થયા અને ઘણાઓએ સત્યને માટે પ્રાણાર્પણ કર્યું. જે સામ્રાજ્યસત્તાએ એને દેહાન્તદંડ ફરમાવ્યો તે સત્તા પણ એ નવા ધર્મમાં લીન થઈ ગઈ. પણ ખ્રિસ્તીઓ અને યહૂદીઓ વચ્ચે તીવ્ર વેર બંધાયું, અને ખ્રિસ્તીઓના હાથમાં સત્તા આવતાં યહૂદીઓના ઘણા હાલહવાલ થયા. એ દેશ વિનાના ભટકતા થઈ ગયા, અને આજેયે તેમની સ્થિતિ ઘણી દયામણી જ છે. પણ બીજી રીતે એમનોયે વારસો કાંઈ નાશ પામ્યો નહિ. ધન, તીર્થ, વિધિઓ અને દ્વેષની એમની જડ ઉપાસના ખ્રિસ્તીઓમાં ઊતરી રહી. દૈવાસુર સંપત્તિ વચ્ચેની લડાઈ આળસી નહિ જ. યરિશાલેમનું તીર્થસ્થાન, જે ક્રૂસ પર ઈશુનો પ્રાણ ગયો તે લાકડું, ક્રૂસનો આકાર, એ સર્વે પૂજ્યતાને પામ્યાં પછીના કાળમાં એ જડ પૃથ્વીના કટકા ઉપર સત્તા મેળવવા અનેક વાર લોહીની નદીઓ વહી અને હજુ એ જગ્યા માટેના ઝઘડા મટ્યા નથી. પણ એનો ઉપદેશ? એની સત્યોપાસના ? એનું ધર્મરાજ્ય ?. . . સર્વેને પ્રભુના ધામમાં પહોંચવું છે. પણ કેવી રીતે ? પોતાના વિકારોનો નાશ કર્યા વિના, ઇન્દ્રિયો અને મનને જીત્યા વિના, ચિત્તને શુદ્ધ કર્યા વિના, ભોગોના ત્યાગ વિના, સ્વાર્થવૃત્તિમે અને વિલાસની તૃષ્ણાને છોડ્યા વિના, જ્ઞાન વિના, પુરુષપ્રયત્ન વિના, નિરહંકારિતા વિના કેવળ કોઈ બીજો સ્વર્ગમાં લઈ જાય તો તેમાં કૂદકો મારી દેવાની ઇચ્છા છે ! સંત થયા વિના સંતની સાથે બેસવું છે. એ કેમ બનશે? જેમ ઉષ્ણતા વિના અગ્નિપણું સંભવે નહિ તેમ સાધુતા વિના શાન્તિ ન જ મળે. જેમ પોતાની ભૂખ ભાંગવા પોતાનાં જ જડબાં હલાવવાં પડે તેમ પોતાનો ઉદ્ધાર પોતા વડે જ થવનો. પોતે સંતતા પ્રાપ્ત કર્યા વિના પ્રભુનું ધામ ન જ મળે, એ સત્ય જ્યાં સુધી આપણા હૃદયમાં ઠસે નહિ ત્યાં સુધી પોતાના ઇષ્ટ દેવ પરની તારક તરીકેની અખૂટ શ્રદ્ધા પણ મૂઢપણાની જ રહેવાની. સંતોનાં ચરિત્રો સંતતા પ્રાપ્ત કરવા માટે માત્ર માર્ગદર્શક છે, ઉદ્ધાર પોતે સંત થવામાં છે; સંતની મૂર્તિઓ કે એમની પ્રસાદીનાં સ્થાનો કે ચીજોને કેવળ પૂજવામાં નથી. સંતની કેવળ પૂજા એ બસ નથી. સંત પ્રિય બને, એ વહાલો બની જાય, એના ગુણો સાથે એ આપણા હૃદયમાં નિવાસ કરે, એની અને આપણી વચ્ચે અન્તર ન રહે, તો જ એનું જીવન સાર્થક, આપણો મોક્ષ અને જગતનું કલ્યાણ. અસ્તુ.
નોંધ

ईशुनुं फरी ऊठवुं- ઈશુના ચમત્કારોમાં મર્યા પછી ત્રીજે દિવસે ફરીથી જીવતા થવું એવો એક ચમત્કાર વર્ણવાય છે, અને તે ખ્રિસ્તી ધર્મની સચ્ચાઈનો એક મોટો પુરવો લેખાય છે. જે આ વાત ન સ્વીકારે તે શ્રદ્ધાળુ ખ્રિસ્તી ન ગણી શકાય. કથા આ પ્રમાણે છે :

ઈશ્વરના યુવરાજના અવતર વિષે યહૂદી ધર્મગ્રંથોમાં જે આગાહીઓ છે, તેમાં યુવરાજને ઓળખવાની જે નિશાનીઓ આપી છે તેમાંની એક એ કહેવાય છે કે, તેને દુષ્ટ લોકો મારી નાંખશે, પણ તે ત્રીજે દિવસે પોતાની કબરમાંથી પાછો ઊઠશે અને પોતાના ભક્તોને દર્શન દેશે. ઈશુ જો સાચે જ ઈશ્વરનો યુવરાજ હોય તો તેના જીવનમાંથી આ આગહી ખરી પડ્યાનું પ્રમાણ મળવું જોઇએ. ઈશુના જીવનચરિત્ર લખનારા કહે છે કે, એ વાત પુરાણોમાં લખ્યા મુજબ બરાબર બની હતી.

ઈશુને ક્રૂસ કર્યા પછી લગભગ નમતે પહોરે તેનો પ્રાણ ગયો. સાંજે પેસાહનું પર્વ શરૂ થતું હોવાથી તે પહેલાં જ તેની દફનક્રિયા થઈ જવી જરૂરી હતી. વિધિપૂર્વક દફન કરવાનો તો વખત નહોતો. છતાં, ઈશુના એક છૂપા પણ લાગવગ ધરાવનારા ભક્તે સૂબાને મળી તેના શબનો કબજો લીધો, અને એક તૈયાર કબરમાં તેને સુવાડી કબરના મોં પર એક શિલા ઢાંકી દીધી.

પૂજારીઓને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે, તેમને પૌરાણિક આગાહીની ખબર હોવાથી, ઈશુના શિષ્યો તરફથી કંઈ કપટ ન થાય તે માટે, કબર આગળ ચોકી પહેરો બેસાડ્યો.

શુક્ર, શનિ રવિ, ત્રણ રાત ગઈ અને સોમવાર (ઈસ્ટરના તહેવારનો છેલ્લો દિવસ) આવ્યો. પેસાહ પૂરું થવાથી, ઈશુનો અંત્યવિધિ તે દિવસે કરવાનો હતો. સવારના પહોરમાં ઈશુની મા અને એક શિષ્યા કબર આગળ જઈને જુએ તો શિલા ખસી ગઈ હતી અને તેમાં શબ ન મળે ! તેઓ આશ્ચર્ય પામી. પછી પાછું વળીને જોતાં, તેમને ત્યાં પ્રકાશમાં બે ફરિસ્તાઓ દેખાયા. તેમણે કહ્યું કે, આગાહી મુજબ ઈશુ કબરમાંથી ઊઠ્યો છે માટે તે સુસમાચાર શિષ્યોને જણાવવા.

તેઓએ તુરત પિટર વગેરેને ખબર આપ્યા. તેમને તેમાં શ્રદ્ધા ન બેઠી. પણ તેટલામાં ઈશુ પોતે જ તેમની વચ્ચે હાજર થઈ ગયો, અને તેમની ખાતરી કરાવી આપી. પછી કેટલોક સમય સુધી તે તેમની સાથે જ રહી અદૃશ્ય થઈ ગયો. આવું ઘણી વાર અને ઘણે ઠેકાણે દેખાયું.

યહૂદીઓ, અર્થાત્, માને છે કે આ બધું ચોકીદારોને લાંચ આપીને યોજેલું કાવતરું જ હતું. શિષ્યોસે તેનું શબ ત્યાંથી ચોરી બીજી જગ્યાએ દાટી દીધું અને પછી આવી કથા ઉપજાવી કાઢી.

આ વાતમાં અર્ધું સત્ય હોવાનો સંભવ છે. ઈશુ કબરમાંથી ગૂમ થયો એમાં સચ્ચાઈ નયે હોય, શિષ્યોને એનું દર્શન થયું એ વાત સાચી હોય. મરી ગયા પછી પોતાના શિષ્યો તેમ જ બીજાઓને પણ મરી જનાર ગુરુનું પ્રતક્ષવત્ દર્શન થયાની હકીકત ઘણા સંતોના ચરિત્રોમાં લખાયેલી છે. એ દર્શનમાં વાતો થવી, સ્પર્શ થવો, કાંઈક પ્રસાદીની વસ્તુઓ મળવી વગેરે હકીકતો આવે છે. ચિત્ત શક્તિનું તે એક ગૂઢ છે એટલું જ કહી શકાય. મરનારે જીવન દરમ્યાન સેવેલી એવી વાસનાને પરિણામે તે બની શકે એ શક્ય છે. એવા ચમત્કારો શરૂઆતમાં જગ્યાએ જગ્યાએ દેખાય છે, પણ ધીમે ધીમે ઓછા થઈ જાય છે. કેટલીક વાર શિષ્યોની તીવ્ર કલ્પનાશક્તિ તેવાં દર્શન નિર્માણ કરે છે.

પણ આવાં દર્શન સાચાં હોય, કલ્પ્નાનિર્મિત હોય કે ગપ હોય, તેના ઉપર તે ગુરુની કે તેના ઉપદેશેલા ધર્મમાં રહેલી સચ્ચાઈને કિંમત આંકવી બરાબર નથી. ચમત્કાર સત્યનું કે સાધુતાનું આવશ્યક ચિહ્ન નથી. ખ્રિસ્તી ધર્માં જે કાંઈ સ્થિત સદ્‌અંશ છે તે ઈશુના ચારિત્રના અને વાણીના તેજનું પરિણામ છે; તેના વર્ણવાયેલા ચમત્કારોનું નહિ.