ઈશુ ખ્રિસ્ત
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
૧૯૨૫


ઈશુ ખ્રિસ્ત


ખંડ ૧ લો





જીવન


યહૂદીઓ
पेलेस्टाइननी
भूगोळ
એશિયાના છેક પશ્ચિમ ખૂણામાં પૂર્વાંશ લગભગ ૩૪ અને ૩૬.૫ તથા ઉત્તરાંશ ૩૦.૫ અને ૩૩.૨૫ની વચ્ચે પૅલેસ્ટાઈન અથવા પેલેસ્ટિના નામનો એક પ્રદેશ છે. એ અરબસ્તાનના વાયવ્ય ખૂણામાં આવેલા સીરિયા નામે પ્રાંતનો ભાગ છે. ૧૯૧૪-૧૮ની લડાઈ પહેલાં તે તુર્કસ્તાનની હકૂમત તળે હતો.લડાઈને અંતે થયેલી સુલેહની શરતોથી તેની રાજ્યવ્યવસ્થા કરવાનો અધિકાર અંગ્રેજોના હાથમાં આવ્યો. તેના પર કોની હકૂમત રાખવી તે ખિલાફતની ચળવળનો એક વિષય હતો. હાલમાં કેટલાંક વર્ષથી અરબો અને યહૂદીઓ વચ્ચે એની ઉપર રાજકીય સત્તા કોની અને કેટલી રહે તે બાબત તીવ્ર કલહ ચાલી રહ્યો છે. આ પ્રદેશની લંબાઈ ઉત્તરદક્ષિણ ૧૪૦ માઈલ અને પૂર્વપશ્ચિમ સરેરાશ ૮૦ માઈલ છે. એનું ક્ષેત્રફળ આશરે ૧૧,૦૦૦ ચોરસમાઈલ હશે. એની ચતુ:સીમા પર ઉત્તરે લેબાનાનનો ઘાટ, પૂર્વે અરબસ્તાનનો રણનો ભાગ, દક્ષિણે સિનાઈનો દ્વિપકલ્પ અને પશ્ચિમે ભૂમધ્ય સમુદ્ર આવેલા છે. પૅલેસ્ટાઈનની વચ્ચોવચ થઈને યાર્દેન નામે એક નદી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. માર્ગમાં તે ગૅલિલી અથવા ગેન્નેસૅરેતના સરોવરમાં પડે છે, અને બીજી બાજુથી તેમાંથી પાછી નીકળી મૃતસર (ડેડ સી)ને જઈ મળે છે. મૃતસર સમુદ્ર જેવું એક વિશાળ સરોવર છે. તેનું પાણી એટલું બધું ખારું છે કે તેમાં માછલાં પણ જીવી શકતાં નથી. તેથી જ તેનું નામ મૃતસર પડ્યું છે. એમાં ક્ષારનું પ્રમાણ ઘણું હોવાથી આપણા શરીર કરતાં તેનું પાણી એટલું બધું ભારે છે કે માણસને તરતાં ન આવડતું હોયે તોયે તે તેમાં સહેજે ડૂબી શકે નહિ.

મોટે ભાગે પૅલેસ્ટાઈન પહાડી પ્રદેશ છે.એની આબોહવા વિવિધ પ્રકારની છે. કોઈ ઠેકાણે અતિશય તાપ અને કોઈ ઠેકાણે બહુ જ ટાઢ પડે છે. એકંદરે હવામાં ભેજ વધારે હોય છે, કારણ કે વરસાદ લગભગ ભાદરવાથી ચૈત્ર સુધી એટલે આઠ મહિના પડે છે.બાકીના ચાર મહિના ઉનાળો હોય છે.

યાર્દેન નદીને લીધે પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ એવા બે વિભાગ પડી જાય

છે. આશરે બે હજાર વર્ષ ઉપર એમાં પાંચ તાલુકા હતા. બે પૂર્વે અને ત્રણ પશ્ચિમે. પૂર્વમાં પીરિયા અને દશનગર (ડેકાપોલીસ) અને ઇટૂરિયાનો સંયુક્ત્ તાલુકો, અને પશ્ચિમમાં યહૂદિયા, સમારિયા અને ગૅલિલી. તે વખતે તે રોમના સામ્રાજયનો એક ભાગ હતો. તેમાં મુખ્યત્વે યહૂદી લોકોની વસ્તી હતી. એનિ રાજધાની યરુશાલેમમાં હતી. જેમ હિંદુઓને કાશી, મુસલમાનોને મક્કા, તેમ યહૂદીઓને યરુશાલેમ. ત્યાં તેમનું મોટામાં મોટું અને જૂનામાં જૂનું મંદિર હતું. આ શહેર યહૂદિયા તાલુકામાં આવેલું હતું, અને તે તાલુકામાં જ ઊંચી જાતના યહૂદીઓની - અથવા તેમની ખાસ - વસ્તી હતી.
यहूदीओनी
प्राचीनता
યહૂદી પ્રજા પૃથ્વીતળની જૂની પ્રજાઓમાંની એક છે. શરીરરચનાની દૃષ્ટિએ તેઓ અરબોની જેમ સેમેટિક જાતિના ગણાય છે. એક કાળે તેઓ બહુ સમૃદ્ધ હતા. તેમની રાજકીય અને સામાજિક રચના વ્યવસ્થિત અને બહોળી હતી. તેમનું રાજ્ય મિસર (ઇજિપ્ત), અરબસ્તાન અને ઈરાન સુધી પહોંચેલું હતું. દાવીદ (દાઉદ) અને શલોમો (સુલેમાન) જેવા રાજાઓનાં શાસન અને નીતિ, થતા મોશે (મૂસા) વગેરે સ્મૃતિકારોના ધાર્મિક થતા સામાજિક નિયમોને માત્ર યહૂદી લોકોએ જ નહિ, પણ આજુબાજુની અન્ય પ્રજાઓએ પણ પ્રમાણરૂપ માન્યાં હતાં. ખ્રિસ્તી પ્રજાઓ ઉપર તેમની સારી પેઠે છાપ રહેલી છે.



पडती
પણ વિક્રમ સંવતની શરૂઆતના કાળમાં આ પ્રજા છેક પડતીની હાલતમાં આવી ગઈ હતી. તેમનો એક રાજા હતો ખરો. પણ તેની સત્તા આપણા દેશી રાજાઓના જેવી હતી. એટલે કે, પોતાની પ્રજા ઉપર જુલમ કરવાની અને રોમના સૂબાઓની ગુલામગીરી કરવાની તેમને છૂટ હતી. વિક્રમ સંવતના પ્રારંભકાળે તો તે રાજા યહૂદીયે નહોતો. યહૂદી કન્યા સાથે પરણેલો હતો, તેટલો જ તેનો યહૂદીઓથી સંબંધ હતો. તેને રોમના સમ્રાટને નજરાણું મોકલવું પડતું, અને તેની પ્રજાને સામ્રાજ્ય માટે કર ભરવા પડતા. ભારે શિક્ષા કરવાનો તેને અધિકાર નહોતો.
यहूदी धर्मपंथो
યહૂદીઓનો ધર્મ મૂસા વગેરે કેટલાક મહાપુરુષોની સ્મૃતિઓને આધારે રચાયેલો છે. તેમાંના બે મુખ્ય ધાર્મિક સંપ્રદાયોહતા: ફૅરિસીઓનો અને સૅડ્યૂસીઓનો. ફૅરિસીઓ બહુ કર્મકાણ્ડી હતા. વિધિ પ્રમાણે યજ્ઞો, વ્રતો અને ઉત્સવોની ક્રિયાઓ કરવામાં અને જ્ઞાતિભેદો સાચવવામાં તેમનો ધર્મ સમાઈ ગયો હતો. પોતાના જૂના રીતરિવાજોમાં જરાયે ફરક ન પડવા દેવાની તે બહુ કાળજી રાખતા. યુનાની (ગ્રીક), રૂમી (રોમન)વગેરે લોકો તેમની દૃષ્ટિએ મ્લેચ્છ જેવા હતા. તેઓના રિતરિવાજોનો બહિષ્કાર કરવામાં તેઓ બહુ સાવધાન રહેતા. સમય પ્રમાણે ફેરફારને તેમના સંસ્કારોમાં સ્થાન નહોતું.

સૅડ્યૂસી લોક 'સુધારાવાળા' હતા. તેમણે પોતાના જૂના રિતરિવાજ ઘણે અંશે છોડી દીધા હતા. તેઓ સાંસારિક ઉન્નતિની વિશેષ ચિંતા કરતા, અને રાજ્યની નોકરીઓ, વેપાર વગેરેમાં આગળ પડતો ભાગ લેતા. જ્ઞાતિબંધનો ઢીલાં કરવામાંયે તેમની આગેવાની હતી.

આમ ફૅરિસીઓ પૂજાપાઠમાં મશગૂલ હતા, અને સૅડ્યૂસીઓ પૈસા પાછળ પડેલા હતા. ફૅરિસીઓમાં શુદ્ધ વર્તન પર કાંઈક લક્ષ હતું, પણ વિચારનું અને કર્તૃત્વનું બળ ઓછું હતું, તથા અંધશ્રદ્ધા અને અસહિષ્ણુતા ઘણાં હતાં. પરિણામે ઝનૂની પણ હતા. સૅડ્યૂસીઓમાં વિચાર પર જોર હતું ખરું, પણ એમને પરદેશી તેટલું સારું લાગતું. પૂરેપૂરા યુનાની કે રૂમી થવા તરફ તેમનું વળણ હતું.
पूजारीवर्ग
ઉપર કહ્યું કે યહૂદીઓનું મૂખ્ય મંદિર યરુશાલેમમાં હતું. એ મંદિરમાં બલિદાન ચડાવવાનો અધિકાર એક ખાસ પૂજારીવર્ગનો હતો. ગામેગામ નાનાં મંદિરો (સિનૅગૉગ) પણ રહેતાં. પણ ત્યાં પૂજાવિધિ કે બલિદાન થતાં નહિ. પૂજારીઓના પૂજાના વારા બાંધેલા હતા, અને તે પ્રમાણે તેઓ પૂજા કરવા યરુશાલેમ જતા. આ પૂજારીને યહૂદી (હિબ્રુ) ભાષામાં કોહેન કહે છે, અને તેમના આચાર્ય અથવા મહાપૂજારીને કોહેનહમ્માદોલ કહે છે. તેની નિમણૂક પૂજારીઓની ચુંટણીથી થતી. પણ ઈશુના જન્મસમયે તો રૂમી સામ્રાજયનો વગ એટલો બધો વધી ગયો હતો કે એમાંયે એમનો જ માનીતો માણસ આવી શકતો.


शास्त्रीवर्ग
ત્યાર પછીનો બીજો મહત્ત્વનો વર્ગ શાસ્ત્રીઓનો હતો. તેમનો જ એક વર્ગ લેખકનું કામ કરતો. તેઓ ધર્મ અનેઆચારના વિષયમાં નિર્ણય આપતા, અને તેમનો નિર્ણય કાશીના શાસ્ત્રીઓના જેવો માન્ય ગણાતો. બહુ વિદ્વાન શાસ્ત્રીને રૅબ્બી કહેતા.


एकोतेरी सभा
યહૂદીઓના જે કાંઈ ધાર્મિક, સામાજિક કે રાજકીય હક્કો રૂમી સામ્રાજયમાં બાકી રહ્યા હતા, તે એકોતેર માણસનીએક સભાને સોંપાયેલા હતા. મહાપૂજારી, પૂજારીઓ અને બીજા કેટલાક વિદ્વાન યહૂદીઓને આ સભામાં બેસવાનો અધિકાર હતો. પણ એને રોમના સૂબાને અધીન રહેવું પડતું, અને એની રાજકીય મહત્તા નામની જ હતી.
दाणीवर्ग
આ સિવાય દેશમાં કર ઉઘરાવનારા દાણીઓનો એક વર્ગ હતો. જેમ વૉરન હેસ્ટીંગ્સના વખતમાં બંગાળમાં કર ઉઘરાવવાનો હક્ક લિલામથી વેચવામાં આવતો, તેમ રૂમી સામ્રાજયમાં પણ ઇજારદારો જુદાં જુદાં ગામોના કર ઉઘરાવવાનો હક્ક વેચાતો લેતા. પછી પોતાનો નફો કાઢવા માટે તેઓ પ્રજા પાસેથી વધારે રકમો ઉઘરાવતા. આથી, સ્વાભાવિક રીતે એ વર્ગ પ્રજાને ઘણો અળખામણો લાગતો. પ્રજા તેઓ તરફ તિરસ્કારની દૃષ્ટિએ જોતી, અને તેઓ પાપી અને દેશદ્રોહીઓ ગણાતા. અલબત્ત, તેમાં કેટલાક સારા માણસોયે હતાં. છતા, દાણીઓનો સોબતી કલાલના સોબતીની જેમ વહેમનું પાત્ર બનતો.*[]
व्रतो अने
उत्सवो
આ સાથે જ યહૂદીઓનાં કેટલાંક વ્રતો અને ઉત્સવોની માહિતી આપવી ઠીક થશે.ઈશુ ખ્રિસ્તના જીવનમાં એમનો ઉલ્લેખ કરવો પડશે.

.

.


शब्बाथ
જેમ ખ્રિસ્તીઓ રવિવાર અને મુસલમાનો ગુરુવારની સાંજથી શુક્રવારની સાંજ સુધીનો દિવસ પવિત્ર ગણે છે, તેમ યહૂદીઓમાં શુક્રની સાંજથી શનિવારની સાંજ સુધીના ચોવીસ કલાક શબ્બાથ (વિશ્રાન્તિવાર) ગણાય છે. તે દિવસે કાંઇ પણ ઉદ્યોગ કરવાથી વ્રતભંગ કર્યો મનાય છે..*[]
  1. *એમ જણાય છે કે ઘણું ખરું કલાલીનો અને દાણીનો ધંધો સાથે જ થતો.
  2. +યહૂદી, અરબ વગેરે સેમેટિક પ્રજાઓમાં સાધારણ રીતે દિવસ, માસ અને વર્ષની ગણતરી ચંદ્રને અનુસરે છે. આથી સૂર્યોદયથી સૂર્યોદય અથવા મધરાતથી મધરાત, કે મધ્યાહ્નથી મધ્યાહ્ન તિથિ કે વાર નથી ગણાતાં , પણ સૂર્યાસ્તથી સૂર્યાસ્ત સુધી એક તિથિ તથા વાર ગણાય છે.
पेसाह
માર્ચ અથવા એપ્રિલ મહિનામાં યહૂદી લોકોનું મોટામાં મોટું પેસાહ.*[] એટલે ઉદ્ધાર નામે પર્વ આવે છે. ખ્રિસ્તીઓના ગૂડ ફ્રાઈડે તથા ઈસ્ટરના તહેવારો અને પેસાહના પર્વના દિવસો તે એક જ. યમે યહૂદીઓનાં ઘરોને છોડીને માત્ર મિસરીઓનો નાશ કર્યો, અને યહૂદીઓ સહીસલામત રણને ઓળંગી પૅલેસ્ટાઈન આવી પહોંચ્યા તેની યાદગીરીમાં એ તહેવારો મનાય છે. એ પ્રસંગે કેટલાક દિવસો સુધી યરુશાલેમમાં ઓચ્છવ થતો, અને લગભગ બધા યહૂદીઓ તે ટાણે મુખ્ય મંદિરની યાત્રાએ જતા.


सुक्कोथ
સુક્કોથ અથવા તંબૂનિવાસ પર્વ એ પણ યહૂદીઓનું એક મોટું પર્વ છે. તે શરદ ઋતુમાં આવે છે, અને એક અઠવાડિયું ચાલે છે. અને એક કાળે યહૂદીઓને પોતાનાં ઘરબાર છોડી તંબૂઓમાં દિવસો ગાળવા પડેલા અને ભટકતા ફરવું પડેલું, તેની સ્મૃતિમાં આ પર્વ ઉજવાય છે. યહૂદીઓ તે પર્વમાં ઘરબાર છોડી, ગામ બહાર તંબૂ કે ઝૂંપડીઓ બાંધી રહેતા..+[]
  1. *અંગ્રેજીમાં બાઈબલમાં આને માટે 'પાસોવર' (Passover)એટલે 'ટાળણ', શબ્દ વાપર્યો છે, જેનું પેસાહ શબ્દ સાથે સામ્ય માત્ર આકસ્મિક છે.
  2. +અંગ્રેજી બાઈબલમાં આને ટૅબર્નેકલ (Tabernacles)નું પર્વ કહ્યું છે. ટૅબર્નેકલ એટલે મુસાફરીમાં ફેરવવાનું લાકડાનું મંદિર કે તંબૂ
ईशुनो जन्मकाळ
લગભગ બે હજાર વર્ષ ઉપર યહૂદી લોકોની સ્થિતિ આ પ્રકારની હતી. ઈશુ ખ્રિસ્તના જન્મ વખતે (ઈ.સ.પૂર્વે ૭ થી ૪, અથવા વિ.સં. ૪૯ થી પ૨ વચ્ચે.*[]) હેરૉદ નામે એક ક્રૂર અને વહેમી માણસ યહૂદીઓનો રાજા નિમાયો હતો. એ પોતે યહૂદી નહોતો, પણ છેલ્લા યહૂદી રાજાની પૌત્રીને પરણી રાજ્યાધિકારી થયો હતો. તે સત્તાનો લોભી હતો, અને આપખુદી ભોગવવા ઇચ્છતો હતો. રૂમી સમ્રાટને ભારે નજરાણાં મોકલી તથા વચગાળા યહૂદીઓને ઊંચા અધિકાર આપી તે તેમનાં મોઢાં બંધ કરતો, અને પછી પ્રજા પર મનમાન્યો ત્રાસ વર્તાવતો. પૂજારીઓને ખુશ રાખવા તેણે યરુશાલેમનું મુખ્ય મંદિર ફરીને બંધાવ્યું હતું. તે કાળમાં એ મંદિર સૌંદર્ય માટે એટલું વખણાતું કે, એમ ક્હેવાતું કે જેણે એ મંદિર જોયું ન હોય તે સૌંદર્ય શું એ જાણી જ ન શકે.


झेलोतवर्ग
અલબત્ત, યહૂદીઓમાં એક એવો વર્ગ પેદા થયો હતો જ કે જે પોતાના દેશની પરાધીન અવસ્થાથી દુ:ખી હતો, અને તેમાંથી છૂટવા ઉદ્યોગ કર્યા કરતો હતો. તે સામ્રાજયનો વેરી ગણાતો. તેને ઝેલોત કહેતા.

.


  1. *ઈશુના જન્મનું વર્ષ ગણવામાં ચારેક વર્ષની ભૂલ છે એમ એના નામનો સન શરૂ થયા પછી ઘણે વર્ષે માલૂમ પડ્યું. એટલે કે, એનો જન્મ ઈસ્વી સનના પહેલા વર્ષમાં નહિ, પણ તેના ચારેક વર્ષ પહેલાં થયો હતો.