ઈશુ ખ્રિસ્ત/સમાલોચના
← સુભાષિતો | ઈશુ ખ્રિસ્ત સમાલોચના કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા ૧૯૨૫ |
શબ્દસૂચિ → |
હિંદુ, મુસલમાન, પારસી વગેરે ધર્મોમાં ઈશ્વરપરાયણતા, શ્રદ્ધા, ભક્તિ, તપ, સંયમ, જીવદયા વગેરેનો દુકાળ નથી. તેમાં જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ (એટલે વર્ણાશ્રમધર્મનું પાલન અથવા અનાસક્તિપૂર્વક સાંસારિક પ્રવૃત્તિઓનું આચરણ), રાજયોગ, હઠયોગ, મંત્રયોગ, તંત્રયોગ, સંન્યાસયોગ વગેરે અનેક પ્રકારના યોગો અસ્તિત્ત્વમાં છે. એ સઘળાનું ધ્યેય તે યોગની પૂર્ણતા દ્વારા ઈશ્વરપ્રાપ્તિનું જ છે. વળી તેમનામાં ખાનગી તેમ જ સાર્વજનિક દાનધર્મથી ઊણપ નથી. પણ દુઃખી, દલિત, પતિત, ત્યક્ત તથા અબૂજ (અભણ-અજ્ઞાન) માનવોની જાતે પ્રત્યક્ષ ઐહિક સેવા બજાવી, તથા તેમને ઈશ્વરમાર્ગે વાળી તે દ્વારા ઈશ્વરની આરાધના કરવી, એવો ઈશ-માનવ-સેવાયોગ હિંદુ, મુસલમાન વગેરે ધર્મોએ ખીલવ્યો છે એમ કહી શકાય નહિ. એ તરફ તેમનું ખાસ લક્ષ જ ગયું નથી, એમ કહેવામાં તેમની નિંદા કરેલી કહી શકાય નહિ. એ ખ્રિસ્તી ધર્મની વિશેષતા છે એમ કહેવું જોઈએ.
પ્રત્યેક માણસ કે જાતિની જેમ, પ્રત્યેક ધર્મની એક એક ખાસ પ્રકૃતિ બનેલી હોય છે. મૂળ સ્થાપકથી શરૂ કરી તેના મોટા મોટા અનુયાયીઓના જીવનમાં તે બળવાનપણે દેખાઈ આવે છે. ઘણી વાર તે ધર્મનો કાંઈક અંશમાંયે સ્વીકાર કર્યા વિના તે પ્રકૃતિ બીજાને પ્રાપ્ત થતી નથી. તેનો સ્વીકાર કરતાં જ અનુયાયીઓમાં તે ઊગવા માંડે છે અને, પ્રયત્ન કરે તો ખીલે છે. મનુષ્યો તથા પ્રાણીઓનાં (ઐહિક) સંકટ અને અજ્ઞાન દૂર કરવાં તથા પોતે સમજેલા સત્યના પ્રચાર માટે ઉત્કટ પ્રવૃત્તિ કરવી એ ઈશુની ખાસ પ્રકૃત્તિ હતી, અને તે તેના મોટા મોટા અનુયાયીઓમાં ઊતરી આવેલી દેખાય છે. આજ સુધી તે પોષાતી આવી છે. ઈશુને માનવપુત્ર તેમ જ ઈશ્વરપુત્ર એવી બેવડી ઉપાધિ લગાડવામાં એ ખાસિયત સૂચવાય છે. ઈશુને પોતાના તારણહાર તરીકે સમજનાર માટે એ બેમાંથી માત્ર એક નો જ સ્વીકાર કરી બીજાનો ત્યાગ કરવો, તે કપૂરે પોતાનો સુગંધ અને કોમળતા છોડ્યાં છતાં કપૂર રહેવું તેના જેવું કઠણ છે.
સૌથી પહેલાં ખ્રિસ્તી ધર્મ આપણા દેશમાં દક્ષિણ હિંદુસ્તાનમાં તામિલ, કેરળ વગેરે પ્રાન્તોમાં હજાર કે તેથીયે વધુ વર્ષો પર સ્થપાયો. તેનો સંબંધ સીરિયાની ખ્રિસ્તી ગાદી (ચર્ચ) સાથે હતો. ત્યાર પછી સોળમા સૈકામાં ફિરંગીઓનાં પશ્ચિમ હિંદુસ્તાનમાં થાણાં નંખાયાં, ત્યારે વળી પાછો તેનો જોરથી પ્રચાર થયો. તેમાં કાંઈક ઉપદેશ તથા કાંઈક સામ, દાન, દંડ, ભેદના ઉપાયો અને રાજ્યાશ્રયનો હાથ હતો. તે ખ્રિસ્તીઓનો સંબંધ રોમની ગાદી સાથે હતો. કાળે કરીને આ બન્ને ગાદીઓના ખ્રિસ્તીઓ રહેણીકરણી અને રૂઢિઓમાંયે ઘણે અંશે હિંદુઓના જેવા જ થઈ ગયા.
પછી અંગ્રેજોના શાશનકાળમાં યુરોપ-અમેરિકાના અનેક દેશોના અને અનેક પંથોના પાદરીઓ દેશભર ફેલાઈ ગયા. રાજ્યની મદદ તો તેમને હતી જ. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર તે સૌના જીવનનું મુખ્ય ધ્યેય હતું. પણ તેના નિમિત્ત સાધનરૂપે અનેક પ્રકારનાં માનવસેવાનાં કાર્યોની તેમણે યોજના કરી. દા.ત. દવાખાનાં, ઇસ્પિતાલ, મહારોગી (રક્તપિત્તી) સેવા, શાળા, કૉલેજ, ઉદ્યોગાલય, અછૂત પછાત વગેરે કોમોનો ઉદ્ધાર, આર્થિક સંકટનિવારણ વગેરે. આ બધી જાતનાં સેવાકાર્યોની હિંદી જનતાને જરૂર હતી જ. તે પ્રત્યે હિંદુ-મુસલમાન ધર્મોનું લક્ષ જ નહોતું. આથી, પાદરીઓના ખ્રિસ્તી ધર્મપ્રચારના પ્રયત્નો તરફ અણગમો લાગે તોયે હિંદુસ્તાનના લોકોએ તેમની સંસ્થાઓનો લાભ એકંદરે રાજીખુશીથી લીધો એમ કહેવું જોઈએ.
છતાં, પોતે માની લીધેલા સત્યનો પ્રચાર કરવાની જોરદાર પ્રવૃત્તિ અથવા પ્રકૃતિ બીજા ધર્મના લોકોને અગવડરૂપ તો થાય છે જ. ખાસ કરીને, જ્યારે સત્ય તરીકે જે આધ્યાત્મિક સિદ્ધાન્તો, માન્યતાઓ, આચારો તથા રૂઢિઓ રજૂ કરવામાં આવતાં હોય, તે બીજા ધર્મના વિચારી અને વિશેષ જ્ઞાન ધરાવનારા લોકોને બહુ મહત્ત્વનાં ન લાગતાં હોય, ઊલટું સંકુચિત પણ લાગતાં હોય, ત્યારે તે પ્રચાર વધારે કઠે છે. તેમાં જ્યારે સામ-દાનાદિક માર્ગોનો અને રાજ્યાશ્રયનો પણ ઉમેરો થાય, ત્યારે તે પ્રત્યે તે થોડો રોષ પણ થાય છે.
વળી, જ્યારે કોઈ ધર્મનો સ્વીકાર માત્ર એટલા જ સ્વરૂપનો હોય કે જે માણસ આજ સુધી રામ, કૃષ્ણ કે શિવને માનતો અને પૂજતો આવ્યો તે હવેથી ઈશુને પૂજવા લાગ્યો છે, અને આજ સુધી કોઈ હિન્દુ આચાર્યની ગાદીને માનતો તે હવે પોપની ગાદીને માનવા લાગ્યો છે, તો તે અસહ્ય ન થાય. પણ જ્યારે તેની સામે એનાં જીવન, રહેણીકરણી, લગ્ન-વારસા વગેરેના કાયદા-કાનૂન તથા ખાન-પાન વગેરેમાંયે એટલો ફેરફાર કરવો જરૂરી સમજવામાં આવે કે તેનાથી પોતાના આગલા સમાજ ભેળા અને તે સમાજથીયે તેને પોતા ભેળા રાખી શકાય જ નહિ, ત્યારે તે ધર્માંન્તર બીજા સમાજને અસહ્ય થઈ પડે છે. ખ્રિસ્તી અને મુસલમાન ધર્મે હિન્દુસ્તાનમાં જે મુશ્કેલી ઊભી કરી છે તે તેમના ધર્મ વિષેના ખાસ સિદ્ધાન્તોના કરતાં તેમણે તે સાથે આણેલી નવી સમાજરચના અને રહેણીકરણી તથા તેની પાછળ રાજબળની મદદને પરિણામે થયેલી છે. 'હું ઘરઘરમાં ઝઘડા કરાવવાયે આવ્યો છું.' એ ઈશુની પ્રતિજ્ઞા જાણે અક્ષરસઃ પાળી બતાવવાનું કામ એના પ્રચારે કર્યું છે.
સત્ય કરતાં બીજું કશુંયે મહત્ત્વનું નથી, અને સત્યને માટે
કુળને ત્યજીએ, કુટુંબને ત્યજીએ, ત્યજીએ મા ને બાપ રે,
ભગિની સુત દારાને ત્યજીએ, જેમ ત્યજે કંચુકી સાપ રે.
એમ નરસિંહ મહેતા વગેરે ભક્તોએ પણ ગાયું છે, અને
ત્યજ્યો પિતા પ્રહલાદ, વિભીષણ બંધુ, ભરત મહતારી;
હરિ હિત ગુરુ બલિ, વ્રજવનિતા પતિ,.....................
એવા દૃષ્ટાંતો પણ છે.
આથી ખ્રિસ્તી ધર્મે જો સત્યના જ્ઞાનની દૃષ્ટિએ કાંઈક સાવ નવા તત્ત્વની ભેટ હિન્દુસ્તાનને કરી હોય, અને તે તત્ત્વને તથા તેમણે દાખલ કરેલી નવી સમાજરચના અને રૂઢિઓને કોઈક જાતનો આવશ્યક સંબંધ હોય, તો તો હિન્દુસ્તાનમાં તેણે ઉત્પન્ન કરેલ ગડબડ, શરૂઆતમાં ક્લેશકર હોય તોયે, આવકારદાયક જ ગણી શકાય.
ઘણાખરા સત્યશોધકો કોઈ ને કોઈ સંપ્રદાયમાંથી પસાર થયેલા હોય છે જ. સાધનકાળમાં તેમને પોતાના જ સંપ્રદાયના ઈષ્ટદેવ, તથા તેમાં માન્ય થયેલી ઉપાસના-પદ્ધતિ સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ લાગે છે. એની એવી શ્રદ્ધાને લીધે જ તે આગળ પણ વધતો જણાય છે. પણ એમ લાગવું અને એવું ખરેખર હોવું, એ બેમાં ફરક છે. અને તે ફરક સમજવાનીયે શક્તિ સાધનાની શરૂઆતમાં હોતી નથી. પણ જ્યારે સાધના ખીલે છે અને ફળ આપવાની તૈયારીમાં આવે છે ત્યારે તેની સંપ્રદાયનિષ્ઠામાં અત્યંત ફરક પડી જાય છે. પછી તેને સાંપ્રદાયિક ઈષ્ટદેવ અને ઉપાસના શાખા-વૃક્ષ-ન્યાયે (બીજના ચંદ્રને જોવા ઝાડની ડાળીના એંધાણ જેવું) નિમિત્ત માત્ર બની જાય છે, અને બીજાને બતાવવા માટે ઝાડની ડાળીને બદલે ઘરનું છાપરું પણ તેટલું જ ઉપયોગી લાગે છે.
આમ કાચી સાધના દરમ્યાન ખ્રિસ્તી ઉપાસકને સ્વાભાવિક રીતે એમ લાગે કે, ઈશુ ખ્રિસ્ત પરમેશ્વરના એકના એક ઔરસપુત્ર હતા; તે ત્રીજે દિવસે કબરમાંથી ઊઠ્યા; અને તેમણે માનવજાતિના ઉદ્ધાર માટે ક્રૂસારોહણ કરી ભક્તોના પાપનું પ્રાયશ્ચિત કર્યું; તથા તેમને પોતાના ઉદ્ધારક તરીકે સ્વીકારવા, તેની નિશાનીરૂપે તેમના ભક્તો સાથે રોટી અને દ્રાક્ષાસવ લેવાં, તથા તેમણે અને તેમના મોટા ભક્તોએ દાખલ કરેલી પદ્ધતિએ ઉપાસના કરવી અનિવાર્ય જ છે. વળી, માણસ બીજા સર્વે નીતિધર્મોનું પાલન કરે, સમાજસેવાનાં કામો કરે, તથા ભગવાનનુંયે નામ લે, પણ જ્યાં સુધી ઈશુ ખ્રિસ્તમાં એને વિશ્વાસ નહિ બેસે, અને તેમને પોતાના તારક તરીકે ખુલ્લે ખુલ્લા ન સ્વીકારે, ત્યાં સુધી તે ગોથાં જ ખાય છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના એક વારના અનન્યનિષ્ઠ અનુયાયી તરીકે આ મનોદશામાંથી હું સારી પેઠે પસાર થઈ ગયો છું, એટલે તે હું સારી રીતે સમજું છું.
જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ,
આજ ધર્મવંશીને દ્વાર, નરનારી - જોઈએ૦
આવો પ્રગટ પ્રભુને પગે લાગવા રે લોલ,
વહાલો તરત ઉતારે ભવપાર, નરનારી - જોઈએ૦
જન્મ મૃત્યુના ભય થકી છૂટવા રે લોલ,
શરણે આવો મુમુક્ષુ જન, નરનારી - જોઈએ૦
શીદ જાઓ છો બીજે શિર કૂટવા રે લોલ,
હ્યાં તો તરત થશો પાવન, નરનારી - જોઈએ૦
ભૂંડા શીદ ભટકો છો મતપંચમાં રે લોલ,
આવો સત્સંગ મેલીને મોક્ષરૂપ, નરનારી - જોઈએ૦
આણો પ્રેમ પ્રતીત સાચા સંતમાં રે લોલ,
થાશે મોક્ષ અતિશે અનૂપ, નરનારી - જોઈએ૦
જુઓ આંખ ઉઘાડી વિવેકની રે લોલ,
કામક્રોધે લગાડી છે રાડ, નરનારી - જોઈએ૦
એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ,
જાશો નરકે વગાડતાં ઢોલ, નરનારી - જોઈએ૦
વહાલો તરત છોડાવે કાળપાશથી રે લોલ,
પ્રેમાનંદ કહે આપે છે હરિ કોલ, નરનારી - જોઈએ૦
આમાં અને ખ્રિસ્તી પ્રચારકની શ્રદ્ધા અને મનોદશામાં ફરક નથી.
આને અંધશ્રદ્ધા કહી ન શકાય, કારણ કે પોતાની શ્રદ્ધાનો એ પ્રત્યક્ષ ફાયદો પણ અનુભવે છે. તે દ્વારા તેની કેટલેક અંશે ચિત્તશુદ્ધિ થાય છે; સંસારની દ્વંદ્વો સહન કરવાની શક્તિ મળે છે; શાંતિ, આનંદ અને ઉત્સાહ પણ અનુભવે છે. અંધશ્રદ્ધા તેને ગણાય કે જે શ્રદ્ધાને પોતે સમજાવી શકતો નથી, જેના ફાયદા પોતે અનુભવ્યા નથી, પણ જે છોડતાં ભવિષ્યનો કોઈ ફાયદો ખોવાની કે નુક્શાન થવાની ધાસ્તી લાગતી હોય, માટે જ તેને પોષતો હોય. પણ આ શ્રદ્ધાને મૂઢ શ્રદ્ધા કહી શકાય. મૂઢ શ્રદ્ધા અમુક હદ સુધી બુદ્ધિ અને ગુણોનો વિકાસ કરવામાં પ્રયત્નશીલ માણસોને ઠીક કામ આપે છે. પણ જો માણસ પ્રયત્નશીલ ન હોય, તો તે તેને બુદ્ધિવાન હોય તો દંભી અને પાખંડી, અને બુદ્ધિવાન ન હોય તો જડ અને ઝનૂની બનાવે છે. જૂનાં શાસ્ત્રોના શબ્દોમાં મૂઢ શ્રદ્ધા ધરાવનારા, અપ્રયત્નશીલ, જડ અને ઝનૂની પૂજારીઓ, તેમ જ દંભી અને પાખંડી ફૅરિસીઓ તથા શાસ્ત્રીઓ, ઈશુનો વધ કરીને જ અટક્યા. અને તે જ ધાર્મિક ઝઘડા અને ઝનૂનની, તથા બીજા પ્રકારની માન્યતા ધરાવવાનું સાહસ કરનારને કરપીણ રીતે રંજાડવાની પરંપરા ખ્રિસ્તી ધર્મમાંયે ઊતરી.
હિંદુસ્તાનમાંયે શૈવ, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ વગેરે ધર્મપંથો એવી સ્થિતિમાંથી એક કાળે પસાર થઈ ચૂક્યા. અને આજેયે તે પરંપરા સાવ તૂટી ગઈ છે એમ ન કહેવાય.
પણ હિંદુસ્તાનમાં મૂઢ શ્રદ્ધાની ભૂમિકામાંથી પસાર થઈ ગયેલા અનેક હિંદુ-મુસલમાન સંતો થઈ ગયા. તેઓ જડતા અને દંભનો નાશ નથી કરી શક્યા. પ્રયત્ન ન હોય અને અજ્ઞાન હોય ત્યાં સુધી જડતા રહેવાની અને સ્વાર્થ હોય ત્યાં સુધી દંભ રહેવાનો. પણ હિંદુસ્તાનની સંસ્કૃતિમાંથી ઝનૂન અને ઝેર કાઢી નાખવામાં તેમણે ઠીક યશ મેળવ્યો કહેવાય.
ખ્રિસ્તી અને મુસલમાન ધર્મોએ તેમ જ હિંદુધર્મના જુદા જુદા સંપ્રદાયના અનન્ય ભક્તોએ હિંદુસ્તાનના હિંદુ તેમ જ મુસલમાન સંતો પાસેથી આ જ્ઞાન મેળવ્યે જ છૂટકો છે. તે વિના તેઓ સાધનાનું ફળ પ્રત્યક્ષ જીવનમાં અનુભવી નહિ શકે, અને મૂઢ શ્રદ્ધાની ભૂમિકામાંથી ઊંચા જઈ નહિ શકે, અને ધાર્મિક ઝઘડાઓનો ઉકેલ પણ નહિ લાવી શકે.
તાત્ત્વિક જ્ઞાન તથા સાંપ્રદાયિક જ્ઞાન એક નથી. તાત્ત્વિક જ્ઞાન અથવા આત્મા તથા ઈશ્વરનો જ વિચાર કરે છે, એને જ મહત્ત્વ આપે છે. સાંપ્રદાયિક જ્ઞાન ઈશ્વર તથા આત્માનો કાંઈક જ વિચાર કરે છે, પણ વધારે વિચાર ઈશ્વરના કોઈ એક ખાસ પ્રતિનિધિ અને તેના ગ્રંથોનો કરે છે, અને તેને જ વધારે મહત્ત્વ આપે છે. એ પ્રતિનિધિને ઈશ્વરનો અવતાર, પેગંબર, પુત્ર, પિતા (પુરુષરૂપ), માતા (સ્ત્રીરૂપ), સગુણ, સરૂપ કે વાણીરૂપ કહે, તેનો ઈશ્વરથી અભેદ માને કે ભેદ માને - બધામાં સાંપ્રદાયિક મનુષ્યનું ધ્યાન ઈશ્વર અને આત્મા કરતાં તેના પર જ વધારે ચોંટેલું રહે છે. 'मारे माटे પ્રભુને પહોંચવાનું આ જ શ્રેષ્ઠ દ્વાર છે' એટલું જ તે માનતો નથી, પણ 'सौ कोईने माटे પ્રભુને પહોંચવાનું આ જ એક દ્વાર છે' એમ તે સમજે છે, અને તે માન્યતામાં એટલો બધો ભેરવાઈ જાય છે કે પછી પોતે પહોંચવાનો પ્રયત્ન બાજૂએ રહી જાય છે, અને બીજાઓને જ તે માર્ગે લગાડવાની તેને વધારે તાલાવેલી લાગે છે. પછી, એક વાર ધ્યેય સ્વપ્રયત્ન પરથી ખસી બીજાને ત્યાં ખેંચવાનું બની જાય એટલે તે માટે સામ, દામ, દંડ, ભેદની ગમે તે રીતો અજમાવવા તે મંડી પડે છે. મરણની ઘટના પછી સ્વર્ગ કે મોક્ષ અને નરક એ બે સનાતન લોભ અને ભય તો હોય જ, પણ ઐહિક લાલચો અને ભયો પણ દેખાડવામાં આવે છે. શ્રદ્ધા ઉપજાવવા ખોટી કથાઓ ઉપજાવવી, બીજા સંપ્રદાયોની નિંદા કરવી, ચમત્કારોની ઝમક બતાવવી ઈત્યાદિ અનેક જૂઠાણાં પેસે છે. આમ જેને પોતે પોતાના મોક્ષનું ઉત્તમ દ્વાર માન્યું હતું અને કરી શકત, તેને બીજાના મોક્ષનું દ્વાર બનાવવાના મોહમાં પોતાના પતનનું દ્વાર બનાવે છે. બીજાનો મોક્ષ તો થવાનો હોય ત્યારે થાય.
પ્રકટ પ્રભાકર હોય મુનિ દૃગ બિન નહીં દેખાત,
સંત બિના ત્યાં પ્રકટ પ્રભુ જનકો નહીં સમઝાત
(કવિ દલપતરામ)
તથા
જેની દેવે પરાભક્તિ તેવી જ ગુરુને વિષે,
જ્ઞાને ને ધર્મનાં તત્ત્વો પ્રકાશે તે પવિત્રને;
(શ્વેતાશ્વતર ઉપનિષદ)
એ વચનો બરાબર છે. પણ તેનો અર્થ જ્યારે અનુયાયી એવો કરવા બેસે કે, 'મારો ગુરુ સર્વથી શ્રેષ્ઠ છે એટલું જ નહિ, પણ એ સિવાય કોઈ બીજો ગુરુ છે જ નહિ, ભૂતમાં થયો નહોતો અને ભવિષ્યમાં થશેયે નહિ; તેના નામની અને શ્રદ્ધાની નૌકા એવી છે કે પછી અનુયાયીને કશું કરવાપણું જ રહેતું નથી; તેના જન્મ પહેલાં કોઈનો અંતિમ મોક્ષ થયો નહોતો, અને હવે પછીયે તેના સ્વીકાર વિના કોઈનો અંતિમ મોક્ષ થઈ શકવાનો નથી,'- ત્યારે તે મૂઢ બની મૂઢતાનો જ પ્રચાર કરવા મંડી પડે છે.
વસ્તુતઃ ઈશ્વર કોઈ એવી વસ્તુ નથી, પરમ ધામ (સ્વર્ગ) કોઈ એવું સ્થાન નથી, અને મોક્ષ કોઈ એવી સ્થિતિ નથી કે જેને મરીને પામવાનું હોય, અને જેને પામવા માટે કોઈ આપણી ઓળખાણ કરાવનાર અને ખાતરી આપનાર દરમિયાનગારની જરૂર હોય. શાસ્ત્રકારોએ તથા કાવ્યપ્રેમી સંતોએ અને ગુરુઓએ એવો ખ્યાલ ઉપજાવનારાં રૂપકો રચીને એક એવી શબ્દમાયા નિર્માણ કરી મૂકી છે કે, સાધકને ઈશ્વર રચિત સંસારની માયા તરી જવા કરતાં એ શાસ્ત્ર-રચિત માયા તરવી વધારે કઠણ થઈ પડે છે. 'ઈશ્વરનું ધામ-મંદિર-તારી અંદર જ છે,' 'ઈશ્વરને તારા હ્રદયમાં જ ખોળ,' 'હું અને ઈશ્વર જુદા નથી,' 'ઈશ્વર, ઈશ્વરપુત્ર અને આત્મા ત્રણે એક જ છે,' એવા શબ્દો તેમણે પોતે કહ્યા હોય, તોયે પેલાં સ્થૂળ વર્ણનોને હઠાવી શકવા તે અસમર્થ નીવડે છે.
'કયામતને દિવસે ઈશ્વર ન્યાય કરશે, અને તે વખતે હું જેનો સ્વીકાર કરીશ (અથવા જેણે મારો સ્વીકાર કર્યો હશે) તેમને સ્વર્ગ મળશે, અને જેનો હું ઈન્કાર કરીશ (અથવા જેણે મારો ઈન્કાર કર્યો હશે ) તેમને અનંત નરકવાસ મળશે,' અને 'કયામતને દિવસે હું પરમેશ્વરના સિંહાસન પાસે બેઠેલો હોઈશ, અને કોઈને મારા જમણા હાથ પર બેસાડીશ અને કોઈને ડાબા હાથ પર;' એવાં એવાં વાક્યોનો શો અર્થ? શું એ વાક્યો ખોટાં? શું સ્વર્ગ, વૈકુંઠ, ગોલોક, અક્ષરધામ તથા નરકકુંડોની વાતો ખોટી? પવિત્ર સત્યવાદી સંતોએ શું કામ દેવાદિકનાં અને તેમના સ્થાનોનાં વર્ણન કર્યાં છે? શું કામ ફિરસ્તાઓ, તથા જય, વિજય, શ્રીદામ, પીટર વગેરે દ્વારપાળોની વાતો કરી છે? શું કામ લક્ષ્મી અને વિષ્ણુનો વૈકુંઠવિહાર અને રાધા અને કૃષ્ણનો ગોલોકવિહાર, અક્ષર મુક્તોનો અક્ષરવિહાર વગેરે વર્ણવ્યાં છે? શું કામ સાધના અને પુરુષાર્થ કરતાં પરમેશ્વરના કોઈ ખાસ પ્રતિનિધિ દ્વારા મેળવેલા અનુગ્રહ અને તેની તારક શક્તિ પર વિશ્વાસ રાખવા ભાર મૂકે છે?
આવા આવા પ્રશ્નો વિચારી અનુયાયીને મૂંઝવે છે. તેમાં નવાઈ પણ શી? જેને સત્પુરુષ અથવા સદ્ગ્રંથ તરીકે રજૂ કરો. તેના એક વચન પર વિશ્વાસ રાખવો અને બીજાને ઉડાડી દેવું એ કેમ બને?
પણ આપણે ઉલટો પ્રશ્ન પૂછીએ કે શું કામ એમ ન કરી શકાય? ગમે તેવો મોટો ખ્રિસ્ત, પેગંબર કે અવતાર હોય, અને ગમે તેવું પ્રાચીન અને આદર પામેલું શાસ્ત્ર હોય, શું કામ તેમને વિશે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી ન શકાય? શું કામ તે અંધ કે મૂઢ શ્રદ્ધાથી માનવું જ જોઈએ?
અનુયાયી કહેશે: આપણે પામર માણસ; આપણી બુદ્ધિ અલ્પ અને મલિન; આપણી બુદ્ધિને જે અગમ્ય લાગે તે ન જ માનવાને આગ્રહ રાખીએ અને, ધારો કે, તેમાં આપણી ભૂલ થાય તો? જે વાતો ગ્રંથોમાં લખી છે તે અક્ષરસઃ સાચી હોય, અને આપણે તેને છોડીએ તો આપણા ભવિષ્યમાં કેવા હાલ થાય? આપણી અવગતિ થાય તો?
આમ અવગતિનો ડર એ જ વિવેકબુદ્ધિને શુદ્ધ કરવામાં અંતરાયરૂપ થાય છે. મનુષ્યને મરણ પછી પોતાનું અસ્તિત્ત્વ જાળવી રાખવાની અને તેનેયે ઐશ્વર્યવાન અને સુખમય કરવાની એટલી બધી હોંશ છે કે, તે તેને માટે અનેક પ્રકારની સુખદુઃખની રમ્ય કે ભયાનક સૃષ્ટિઓ કલ્પનાથી રચે છે. ઈશ્વરની એને ઝાઝી પરવા નથી, એનાં સ્વર્ગ અને નરકની વધારે ચિંતા છે. અને સ્વર્ગપ્રાપ્તિ અને નરકનિવારણ માટે જ તે ઈશ્વરને સ્વીકારે છે. પણ તે ઈશ્વરને સ્વીકારીને સમજી તો શકતો નથી. તેથી જેને એ કાંઈક સમજી શકે છે તેવા માણસોને વળગે છે. અને તેને ઈશ્વરની જગ્યાએ બેસાડી, તેમનાં વચનોને અનુસરે છે.
પણ જો માણસ સન્માર્ગને - તે વિવેકબુદ્ધિથી સત્ય અને સારો છે તે વિચારથી જ - અનુસરે, અને કુમાર્ગને - તે અસત્ય અને ખરાબ હોવાથી જ - છોડે, અને મર્યા પછી તેનો કશો બદલો મેળવવાની ઈચ્છા કે શું થશે તેની ચિંતા જ ન કરે, તો એને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરતાં કશી મુશ્કેલી ન લાગે. પ્રામાણિકપણે ભૂલ કરતાં એને અચકાવાની જરૂર ન રહે.
ઉપનિષદના ઋષિઓ, વ્યાસ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ, મહમ્મદ, નાનક, કબીર, સૉક્રેટીસ, કોન્ફૂશિયસ, લાઓત્ઝે વગેરે અનેક ધર્માત્માઓ પૃથ્વીતળ પર થઈ ગયા. તેમના પોતાના કે તેમને લગતા અનેક મહાન ગ્રંથો આપણા હાથમાં રહ્યા છે. એ ગ્રંથોમાં મનુષ્યજાતિને હંમેશ માટે ઉપયોગની વિવિધ સામગ્રી પડી છે. એમાં કેટલાંક સનાતન સત્યો અને સિદ્ધાંતોનું નિરૂપણ છે. કેટલીક તે કાળના સમાજને ઉપયોગી વસ્તુઓ પણ છે. દરેકમાં કાંઈક ને કાંઈક ભૂલભરેલા સિદ્ધાંતો અને ઉપદેશો પણ છે. દરેક ધર્માત્મા તેમ જ દરેક ગ્રંથના ગુણ અને દોષોમાં કાંઈ કાંઈ વિશેષતા પણ છે. આપણે માટે એ સર્વે આદરપાત્ર છે. એટલે કે આદરપૂર્વક વિચાર કરવા યોગ્ય છે. પણ એમાંથી એકેય એવા ન કહી શકાય કે એમના જીવન કે વિચારમાં કશું અગ્રાહ્ય ન જ હોય.
ઈશ્વરોપાસકે એ સર્વેને વિષે આદરબુદ્ધિ રાખવી. મનુષ્યની ઉત્તમ પ્રકૃતિ પણ એક પ્રકારની નથી. હીન પ્રકૃતિ પણ એક પ્રકારની નથી. આ ધર્માત્માઓને ઉત્તમ પ્રકૃતિના વિવિધ નમૂનાઓ કહી શકાય. ઉપાસકને તેમાંનો જે કોઈ નમૂનો પોતાને વધારેમાં વધારે અનુકૂળ લાગે, તેના જીવન અને ગ્રંથોનું તે વારંવાર ચિંતન કરે, અનુસરણ કરે અને તેમાંથી પ્રેરણા મેળવે. પણ તે માટે તેને તે પુરુષને વિષે ઈશ્વર, પ્રતિનિધિ કે પયંગબર બુદ્ધિ કે તેના ગ્રંથને ઈશ્વરીવાણી માનવાની જરૂર નથી. તેને પોતાની અને ઈશ્વરની વચ્ચેનો કોઈ જાતનો દરમિયાનગાર માનવાની જરૂર નથી. એ ધર્માત્માના જીવનકાળમાં ઈશ્વર આપણી નિકટ આપણને લાગે છે તે કરતાં તેની વધારે નજીક ભલે રહ્યો હોય. પણ આજે તો ઈશ્વર તેની નિકટ છે તેની કરતાં આપણને ગમે તેવા પામર હોઈએ તોયે આપણી નજીક વધારે છે, એ વાત સમજાવી જોઈએ. કારણ કે, તે ધર્માત્મા આપણે માટે તો તેનું ચરિત્ર સાંભળીને કરેલી એક કલ્પના જ છે. એ ભૂતકાળ સાથે જોડાયેલો છે. ઘણાંખરાંનાં ચરિત્ર દંતકથાઓ અને અલંકારભર્યાં કાવ્યોમાંથી પ્રતિબિંબ પામીને આવ્યાં છે. જેમ અનેક જાતની ગોળાશવાળાં દર્પણોમાં પડતાં પ્રતિબિંબમાંથી કોઈ વસ્તુને જોઈને મૂળ વસ્તુના ખરા રૂપની તદ્દન સાચી કલ્પના નથી કરી શકાતી, તેમ તે ગ્રંથોમાંથી મૂળ નાયકનું સાચું ચરિત્ર જાણવું અશક્ય થઈ પડે છે. એથી ઊલટું, ઈશ્વર કાંઈ એક કલ્પના નથી. તે આપણી (એટલે આત્મા) સાથે એકરૂપ થઈ રહેલી વસ્તુ છે.એ વર્તમાન છે. માટે આજે તો ઈશ્વર આપણી જ વધારે નિકટ છે. જો એ ધર્માત્માનાં ચરિત્રો અને વાણી એ નિકટતા સમજાવી આપે તો તો એ સર્વે ઉપયોગી બન્યાં ગણાય. પણ તેને પરિણામે જો ભક્ત ઈશ્વરને દૂર કરી પોતાના ધર્માત્માને જ કલ્પના બળે નિકટ લાવવાનો પ્રયત્ન કરે, તો તો તે ધર્માત્મા અને ધર્મગ્રંથ તેને માટે ભ્રામક પણ બન્યા ગણાય.
પણ અહીં 'ઈશ્વર' એટલે શું કહેવા માગું છું એ વિષે શંકા ઊઠવાનો સંભવ છે. આ ધર્માત્માઓ અને તેમના ગ્રંથો સિવાય ઈશ્વરનાયે અસ્તિત્વ માટે બીજો શેમાં માનવો છે? જો ધર્માત્માઓએ વર્ણવેલાં સ્વર્ગ, નરક, કયામત, પુનર્જન્મ, અવતારવાદ, પેગંબરવાદ, પુત્રવાદ વગેરેમાં દોષ હોય, તો તેમના ઈશ્વરના અસ્તિત્વ વિષેના વિધાનમાંયે કાં દોષ ન હોય? ઈશ્વર આપણી વધારે નિકટ છે એમ કહેવું એ પણ એમ કહેનારની કલ્પનાને જ સ્વીકારવાનું નથી શું? આપણને (પામર માણસને) તો ઈશ્વરના અસ્તિત્વનોયે ક્યાં અનુભવ છે? કલ્પનાથી, ચરિત્રો દ્વારા, પેલા ધર્માત્માઓની તો કાંઈ પણ મૂર્તિ ખડી કરી શકીએ છીએ. પણ ઈશ્વર વિષે તો કાંઈ કલ્પનાયે કરી શકાતી નથી. ત્યારે ધર્માત્માની સાથે ઈશ્વરનેયે બાજુ પર મૂકી દેવાનો સીધો માર્ગ જ કાં ન લેવો? શું કામ માત્ર સારી સોબત, સારો આચાર, સારાં કર્મ અને પરસ્પર પ્રેમ, બીજા માટે ઘસાવું, બીજાને સેવા કરવી, સમાજ સાથે ન્યાય અને નીતિનો વ્યવહાર રાખવો, વગેરે શુદ્ધ ધર્મ મનુષ્યધર્મ પાળીને સંતુષ્ટ ન રહેવું?
વાત ઘણી સાચી છે. ઈશ્વરની કે આત્માની સર્વ શોધખોળ કર્યા પછીયે એથી બીજો કોઈ મોટો જીવનમાર્ગ છે જ નહિ. પણ મનુષ્યનો શુદ્ધ ધર્મ શો અને તે ધર્મનું પાલન કરવાનું પ્રયોજન શું તે સમજ્યા વિના તેને તૃપ્તિ નથી થતી. શા માટે ઉપર કહ્યો તે જ શુદ્ધ મનુષ્યધર્મ, અને શા માટે સુખથી જીવવું અને ભોગવવું અને તે પ્રાપ્ત કરવા બધા ઉપાયો અજમાવવા એટલો જ મનુષ્યધર્મ નહિ? આમ જ્યાં જીવનના પ્રયોજનનો વિચાર કરવા તે બેસે છે. ત્યાં હું કોણ અને જગત શું એ સવાલ ઊભો થાય છે અને તેમાંથી ઈશ્વર અને આત્માની શોધ નિર્માણ થાય છે. અને એ શોધની ઈંતેજારીમાંથી જ ભક્તિ, યોગ, કર્મ વગેરે ઉદ્ભવે છે. આમ 'ઈશ્વર' - એટલે કે પોતાના તેમ જ સર્વ જગતના મૂળમાં રહેલા આદિતત્ત્વને સૂચવનારો એ અથવા બીજો - શબ્દ ઉત્પન્ન થાય છે. અને તેને વિષેની શ્રદ્ધાનો પ્રચાર થાય છે. તેમાં
ધ્યાનથી દેખતા કોઈ આત્માને નિજમાં સ્વયં,
સાંખ્યયોગ વડે કોઈ, કોઈ તો કર્મયોગથી;
કોઈ તો ન જાણતાં એમ અન્યથી સાંભળી ભજે.
(ગીતાધ્વનિ. ૧૩, ૨૪-૨૫)
એમ જે એની શોધમાં જાતે ઊતરવાની પૂરી સાધના નથી કરી શકતા, તે તેને જાણનારાના શબ્દ પર વધારે વિશ્વાસ મૂકી તેની ભક્તિ કરે છે.
આમ કરવામાં દોષ નથી. કારણ કે એ અસત્ વસ્તુની કે કેવળ કાલ્પનિક વિષયની શ્રદ્ધા નથી. પણ ઈશ્વર જેવી કોઈક ગૂઢ શક્તિ છે એટલું જ સ્વીકારી તે તેની ભક્તિ કરી નહિ શકે એમ જ્યારે તે પોતે અથવા ઉપદેશકો માની બેસે છે, અને તેથી તે ઈશ્વરને કોઈક રીતે સ્થૂળપણે રજૂ કરવા માંડે છે અને તેની જ ભક્તિનો પંથ પકડે છે. ત્યારે દોષો નિર્માણ થાય છે. સમજપૂર્વક જોઈશું તો માલૂમ પડશે કે ધર્મને નામે જે ઝઘડાઓ થાય છે તે ખરેખર ઈશ્વરને માટે નથી હોતા; પણ તેમના દરેકે માનેલા પ્રતિનિધિ, પેગંબર વગેરેને માટે અને નામે હોય છે. જેમ લોકશાહીઓમાં એક રાજાને પદભ્રષ્ટ કરી બીજાને બેસાડવા ઝઘડા નથી થતા, પણ કોણ તેના પ્રધાન થાય તે માટે જ જુદા જુદા પક્ષો વચ્ચે ક્લેશ થાય છે, તેમ દરેકને પોતે સ્વીકારેલા ધર્માત્માને જ પરમેશ્વરના પ્રતિનિધિ કે પેગંબર તરીકે સ્વીકારાવવો હોય છે અને તેની જ આણ ચલાવવી હોય છે. ત્યારે ઈશુ અથવા આ દેશના કે પરદેશના અનેક ધર્માત્માઓ વિષે મનુષ્યે કેવો ભાવ રાખવો?
ઈશ્વર નામના કોઈ એક રાજા જેવું બળવાન દિવ્ય સત્ત્વ કોઈક ચમત્કારી રીતે અવતાર લે છે, અથવા પોતાના કોઈ માનીતા સત્ત્વને ખ્રિસ્ત કે પેગંબર નીમીને મોકલે છે, એમ કોઈનેયે વિષે માનવાની જરૂર નથી. પણ તે જગદ્-વ્યાપી ચૈત-શક્તિ જેમ મહાન સૂર્યમંડળ જેવાં પ્રંચડ પણ જડ રૂપમાં પ્રગટે છે; સિંહ અને હાથી જેવાં પ્રચંડ પણ પ્રાણી-રૂપમાં પ્રગટે છે; તેમ જ વિવિધ પ્રકારની શક્તિઓ ધરાવતા મનુષ્ય રૂપમાંયે પ્રગટે છે. નેપોલિયન અને હિટલર તથા રાવણ અને હિરણ્યકશિપુ જેવા એક જાતનું પરાક્રમ કરનારા પુરુષો પણ એ જ શક્તિમાંથી પ્રગટ્યા છે. અને રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જેવા બીજી જાતનું પરાક્રમ કરનારા પુરુષો પણ એ જ શક્તિમાંથી પ્રગટ્યા છે. પહેલા વર્ગના બળવીરો પણ જગતને કોઈ ને કોઈ જાતનો વારસો આપીને ગયા છે. અને તેમનાં કામોનાં પરિણામો આખા જગતને લાંબો કાળ સુધી ભોગવવાં પડ્યાં છે. બીજા વર્ગના ધર્મવીરોએ પણ કોઈક જાતનો વારસો મૂક્યો છે. અને તેમનાં કામોનાંય પરિણામો જગત ભોગવે છે.
પણ બીજા વર્ગે જે કાંઈ કર્યું છે તેમાં, તેમણે કોઈક વાર ભૂલો કરી હોય તોયે, જગતને તેમને વિષે એવો અનુભવ થયો છે કે, તેમણે પોતાની શક્તિ અને માહિતીજ્ઞાન પ્રમાણે વધારેમાં વધારે શુદ્ધ બુદ્ધિ રાખી માનવના હિતનો જ વિચાર કરીને કામો કર્યાં. પહેલાને વિષે એથી ઊલટો અનુભવ છે. આથી પહેલો વર્ગ દીર્ઘ કાળ સુધી ઈતિહાસમાં યાદ રાખવામાં આવે, તોયે તે સમગ્ર માનવજાતિનો આદરપાત્ર નથી બની શકતો. જ્યારે બીજા વર્ગના પુરુષો બધાયે મનુષ્યના આદરપાત્ર જ રહે છે. તે ધર્માત્મા કહેવાય છે.
ઈશુ, મહંમદ, ગાંધી વગેરે એ ધર્માત્માઓ પૈકી છે. એમનાં કર્મો અને વાણીમાં દોષ હોય તો તે તેમની અપૂર્ણ સમજશક્તિ કે માહિતીજ્ઞાનને લીધે થયો હોય, એમની ખરાબ નિષ્ઠા (દાનત)ને લીધે નહિ. માટે જ તેમનાં ચરિત્ર અને વાણીમાંથી સત્પ્રેરણા મળે છે. એવી સત્પ્રેરણા મેળવવા તેમનાં ચરિત્ર અને ગ્રંથોનું આદરથી મનન કરવું અને વિવેકપૂર્વક તેને અનુસરવું. નાનપણથી તેવાઓનાં ચરિત્ર અને વાણીનો વ્યાસંગ રાખવો અને તેમાંથી પ્રેરણા મેળવવી; પોતાના તથા બીજાઓના અનુભવો અને તેમના અને આપણા કાળ તથા સમાજ વચ્ચેના ભેદોને ધ્યાનમાં રાખી એમણે રજૂ કરેલા વિચારો અને દાખલ કરેલી રુઢિઓ અને પ્રણાલિકાઓનો તારતમ્ય-બુદ્ધિથી સ્વીકાર અસ્વીકાર કરવાની તૈયારી રાખવી. આ જમાનાના એવા અધિકારી પુરુષને ઓળખવા અને અનુસરવા જેટલી બુદ્ધિની તાજગી ધરાવવી. અને તેથી કોઈનેયે ઈશ્વર કે ઈશ્વરના અવતાર, પ્રતિનિધિ કે પેગંબરરૂપે પૂજવા નહિ. ઈશ્વરનાં ધ્યાન અને વિચાર તો અંદર બહાર વ્યાપી રહેલી એક ગૂઢ ચૈતન્યશક્તિના રૂપમાં જ કરવાં. સાકાર કે નિરાકારપણે કોઈ પણ મર્યાદિત સ્થાનમાં તે પૂર્ણપણે છે એવી માન્યતામાં ઈશ્વરને બાંધી મૂકવો નહિ.
ઈશુને 'માનવપુત્ર' અને 'ઈશ્વરપુત્ર' એવાં બે વિશેષણો લગાડવામાં આવે છે. પુત્ર શબ્દનો યહૂદી અને ખ્રિસ્તી પરંપરામાં ગમે તે અર્થ થતો હોય, આપણે તેને વધારે વિશાળ અર્થમાં સમજી શકીએ. પ્રાચીન કાળમાં આપણા દેશમાં ગુલામ સિવાયના બધા સેવકો પુત્ર શબ્દથી પણ સંબોધાતા. શિષ્ય પણ પુત્ર કહેવાતો, અને પુત્રને સેવક તરીકે ઓળખવાનો રિવાજ હતો. માટે માનવપુત્ર અને ઈશ્વરપુત્ર આજની ભાષામાં કહીએ તો માનવસેવક અને ઈશ્વરસેવક. એનો અર્થ એ કે માનવની - જગતની - સેવા દ્વારા ઈશ્વરની આરાધના કરનાર પુરુષ. ખ્રિસ્તી ધર્મનો જે વિશેષ ફાળો છે તે પણ આ જ છે. આગળ કહી ગયા પ્રમાણે બીજાં પ્રાણીઓનાં અજ્ઞાન અને દુઃખનું નિવારણ કરવા માટે પોતાના જીવનને અર્પણ કરવું, એ ખ્રિસ્તી ભક્તો એ વધારેમાં વધારે પ્રમાણમાં વિક્સાવેલો ગુણ છે. ઈશુના જીવનચરિત્રમાંથી એ જ પ્રેરણા વધારેમાં વધારે લેવા જેવી છે. એનો આ લોક માટેનો વૈરાગ્ય કે પરલોક માટેની મમતા રોગી, દરિદ્ર, દુઃખી, પતિતને મદદ પહોંચાડતાં કે બાળક પર પ્રેમ કરતાં મોહનો ડર રાખતાં નહોતાં. એની ધર્મનિષ્ઠા તેવાં કામમાં શબ્બાથના દિવસથી કે આભડછેટથી ડરતી નહોતી. અને તે સાથે જ એવી સેવા કરતાં કરતાં તે માણસોનાં અંતઃકરણને સુધારવાનું તેને વિસ્મરણ થતું નહોતું. આવો ઈશ-માનવ-સેવાયોગ સૌ કોઈએ શીખવા જેવો છે.