એકતારો/જી રે બાપુ ! તમને કરાવી પારણિયાં,

← બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ, એકતારો
જી રે બાપુ ! તમને કરાવી પારણિયાં,
ઝવેરચંદ મેઘાણી
ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત-ઝણકાર →



જન્મભોમના અનુતાપ*[]
ભજનનો ઢાળ

જી રે બાપુ ! તમને કરાવી પારણિયાં,
હું થઇ ઉપવાસણી રે જી.
જી રે બાપુ ! ગોઝારાં અમારાં આંગણિયાં,
હું’ દેખ્ય ઠરી ડાકણી હો જી. ૧.

જી રે બાપુ ! નગરી મુને તેં તો માનેલી,
મેં સંઘર્યા'તા ઓરતા રે જી.
જી રે બાપુ ! જાતને જ નહિ મેં તો જાણેલી,
ધોખા એ હૈયે ધીખતા હો જી. ૨.

જી રે બાપુ ! મેંણલાં દૈ દૈને બૌ બાળેલો,
તું વણતેડ્યો આવિયો રે જી,
જી રે બાપુ પગલે ને પગલે પરજાળેલો,
જાકારો સામો કા'વિયો હો જી. ૩.


  1. *રાજકોટ–અનશનના પારણા નિમિત્ત : તા. ૭ : ૩ : ૩૯

જી રે બાપુ ! હીરલાના પરખુ હોંશીલા,
હસતો ને રમતો ઊતર્યો રે જી;
જી રે બાપુ ! કોયલાનાં આંહીં તો દલાલાં,
ભરોસે તું ભૂલો પડ્યો હો જી. ૪

જી રે બાપુ ! ચુમિયું ભરીને ચાટી લીધાં,
લોહીઆળાં જેનાં મોઢડાં રે જી,
જી રે બાપુ ! દૂધ પી કરીને ડંખ દીધા,
વશિયલ એ ભોરીંગડા હો જી. ૫.

જી રે બાપુ ! તમે રે સંભારી જ્યાં સમાધ,
ખાંપણ ત્યાં તો સાબદાં રે જી;
જી રે બાપુ ! તમે કીધા અલખના આરાધ,
પડઘા મેં દીધા પાપના હો જી. ૬.

જી રે બાપુ ! મેંણલાની દિજે બાપ માફી
હું પાપણી ખોળા પાથરૂં રે જી;
જી રે બાપુ ! જતિ ને સતીનાં સત માપી,
પાને પાને પરજળું હો જી. ૭.