એકતારો/બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ,
← રઝળુ દીકરા ! ઘેર આવજે, | એકતારો બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ, ઝવેરચંદ મેઘાણી |
જી રે બાપુ ! તમને કરાવી પારણિયાં, → |
બીજાને બકરાં કરી, આપ બને ગોવાળ,
બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર;
લ્યાનત હજો હજાર,
એવા આગેવાનને. ૧.
બીજાંને બથમાં લઈ, થાપા થાબડનાર,
પોતાનાં વડિયાં કરે કદમે રમતાં બાળ;
ખમા ખમા લખ વાર
એવા આગેવાનને. ૨.
સિંહણ–બાળ ભૂલી ગયાં, ખુદ જનનીની કૂખ,
આતમ–ભાનની આરસી, ધરી એની સનમુખ,
મુગતિ કેરી ભૂખ,
જગવણહાર ઘણું જીવો ! 3.
પા પા પગ જે માંડતાં, તેને પહાડ ચડાવ
તસુ તસુ શીખવનારના ઝાઝેરા જશ ગાવ;
રાતા રંગ ચડાવ,
એવા આગેવાનને. ૪.
'બમણા વધજો બેટડા ! (અને) શિષ્ય સવાયા થાય!'
એ તો કેહેણી રહ ગઈ, રહેણી કિહાં કળાય ?
પ્યાલા ભર ભર પાય
(એવો) મૂર્શદ તો એક જ દીઠો. ૫.
પગલે પગલે પારખાં, દમ દમ અણઇતબાર,
શાપો, ગાળો, અપજશો ભરિયાં પોંખણ–થાળ;
કૂડાં કાળાં આાળ,
ખમનારા ! ઝાઝી ખમા. ૬.
બાબા ! જીત અજીત સબ, તેં ધરિયાં ધણી–દ્વાર,
મરકલડે મુખ રંગિયાં, દિલ રંગ્યાં રુધિરાળ;
રુદિયે ભરી વરાળ,
હસનારા ઝાઝી ખમા ! ૭.
પૈસે પૈસે ફૂટ–પટી, વાદોની વેચાય,
એ ગજ–પટીએ મુલકના હિમગિરિરાજ મપાય;
દિનડા એ પણ જાય !
જીરવણહાર જીવો ઘણું ! ૮.
- ↑ *ગાંધીજીના ઓગણોતેરમા જન્મદિન નિમિત્તે.