એકતારો/હું જુવાન, હું જુવાન,

← કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી ! એકતારો
હું જુવાન, હું જુવાન,
ઝવેરચંદ મેઘાણી
વધે છે અંધારૂં, →



હું બધાયનો ગુલામ !
Ο
ગુલબંકી છંદ
(૧)

હું જુવાન, હું જુવાન
હું તમામનો ગુલામ.
હું સદાય ઝીલતો બીજાં તણાં સડેલ જ્ઞાન;
કોથળી નથી ક્યહીંય ચામડાની હું સમાન !

(૨)

હું સિપાહી જુદ્ધનો
બુધો અને અબુધનો.
નવીન ચેલકાઓ મુંડનાર સર્વ શોખીનો !
મને નિહાળતાંની વાર કાંઈ ઘેલડા બનો !

(3)

હું તમારી ટોપલી
ચિરાડિયાં થકી છલી.
નકામ ચિત્ત—ચીથરાં વિચારનાં વહું ભલી!
તૂટેલ ટાંક, ડાબલી,
હું–માં સમાય : હું તમારી ટોપલી.

(૪)

હું ફૂટેલ ડોલચું :
ભરાય શું ? ઝિલાય શું ?
હરેક વાપરી પછી પછાડતું ફગાવતું.
ફળી વચાળ—હું ફૂટેલ ડોલ ડોલચું !

હું જુવાન ! હું જુવાન !
માફ માગું મે'રબાન !
હું નહિ બનું ગુલામ.