← પરવાર્યો કલાપીનો કેકારવ
અતિ દીર્ઘ આશા
કલાપી
નિમન્ત્રણનું ઉત્તર →



અતિ દીર્ઘ આશા

હું તો માનવી 'હું' ! વિશ્વ ના હું ! બ્રહ્મ ના ! જ્ઞાની નહીં !
હજુ તો ઉછરતા પ્રેમમાં છે અજ્ઞ તું એ હું સમી !

માયા અલકલટ તું તણી;
તુજ ગાલની આ સુરખીઃ
તુજ નેત્રની મીઠી ઝરીઃ
તુજ પાંખ ત્યાં બાંધી પડી !

કોકિલ તણો ચાળો રમી,
તિરછી નમાવી આંખડી,
મુજ કાળજે મીઠી છરી,
દેવી ત્‍હને રુચી રહી !

કુંજે એકલાં બે ચાલવા,
કદિ સ્મિતફુવારે મ્હાલવા,
કદિ પાદમાં આળોટવા,
હજુ આ ઉરે હોંશો ભરી !

આ છાતી પરે કૈં હાંફવું,
આ હાથ ઝાલી હીંચવું,
મુજ બાગનું ફુલડું થવું,
તેમાં ના ત્‍હને તૃપ્તિ હજી ?

મનનું બધું મનમાં ભર્યું,
આ વિશ્વ ત્યાં વચમાં નડ્યું;
હાવાં ગીત એક જ આ રહ્યું,
ગાવું ગીત આંસુડાં ભરી.

'આંસુ' નામ જે અળખામણું,
તેમાં એ નિસાસે દાઝવું,
દુઃખમાં સદા સુખ માનવું !
જો, એ લ્હાણ શી છે આપણી ?

જીવ જાળવી પણ રાખવો,
તે એ એક કૈં આશાભર્યો,
વ્હાલાંએ હુકમ એવો કર્યો;
ઠરી મૈત્રી એવા અન્ધની !

કહે છે, 'લાખ જન્મો પામશો !
'સાથે લાખ જન્મો માનશો !
'હાવાં લ્હાવ રોવાની લીઓ !
'પાણીનું પતાસું ઝિન્દગી !'

પોતાની ન દૃષ્ટિ જ્યાં પડે,
જેને માનતાં પોતે ડરે,
એવી આશ આપણને ધરે ?
લેવી તે ય આભારી બની !

ભૂલી આપવીતી સૌ જતાં !
જ્યારે દર્દ જોવાં પારકાં !
વ્હાલાં દૂરનાં તે દૂરનાં !
જીવ્યું કોણ પર પોતે ગણી ?

કદિ હોય સાચું ત્‍હોય શું ?
આ તો જીવવું એળે ગયું !

ખારાં આંસુમાં ચાલ્યું જવું !
એ સૌ કોણ ભોગવશે પછી ?

નટવો ચડે દોરી પરે,
ચૂકી આંખ તો નક્કી મરે,
મળે મોજ કે ના યે મળે;
એવો દોર આશા આ, સખિ !

પ્‍હેલાં તો મરીને દાઝવું !
ઉન્હી ખાક થઈને ઊડવું !
કાંઈ તે પછી મીઠું ઠર્યું !
તેમાં તું કહે શું ? બોલની !

ત્‍હારાં ભ્રૂ અને તુજ આંખ આ,
ત્‍હારૂં અંગસૌષ્ઠવ આજ આ,
ત્‍હારૂં સર્વ આનું આજ આ,
તેમાં આ જિગરની પ્રીતડી !

બાળ્યા પછી એ કોણ દે ?
વ્હાલાં તો રડી ભૂલી જશે !

ભૂતો આપણાં રોતાં હશે !
એની અન્યને તે શી પડી ?

વર્ષા બધીય વહી જશે,
ત્યારે શું પછી જલદોદયે ?
ના ના માવઠે જગ જીવશે !
તે એ કોણ જાણે ક્યાં વળી !

૧૨-૮-૧૮૯૭