← ખાકદિલ કલાપીનો કેકારવ
પરવાર્યો
કલાપી
અતિ દીર્ઘ આશા →


પરવાર્યો

દુઃખી દિલદર્દને ગાતાં, જિગરની આહમાં લ્હાતાં,
ફના ઇશ્કે સદા થાતાં હવે હું આજ પરવાર્યો !

ન લૂછું એક આંસુ વા કહું હું લૂછવાનું ના !
હવે છો ધોધ ચાલે આ ! રડી રોતાં હું પરવાર્યો !

હવે આ આંખમાં ના છે કંઈ દાવો, કંઈ ફરિયાદ,
ગમીના જામ એ પાતાં અને પીતાં ય પરવાર્યો !

હવે આ ઝેરનું પ્યાલું છુપાવી શીદ પી જાવું ?
તું જો કે રો ! ગમે તે હો ! તમાથી છેક પરવાર્યો !

હતો મારો ચલાવ્યો ત્‍હેં જિગરને મારતાં હસતાં !
મરે ખોખું તહીં રો તો રહમથી હું ય પરવાર્યો !

હું પરવાર્યો ! ન છે પરવા ! સુખે તે ને સુખે તું જા !
ખુદાની બન્દગી કરજે ! હું તો એથીય પરવાર્યો !

હતું તેને સદા રોવું ! નવું તો કૈં ન છે દેવું !
જતાં જૂનું નવું રોશે ! પછી તેથી ય પરવાર્યો !

હતું હૂલાવવું ખંજર દિલે એ હાથ મ્હારાથી !
કરી ઉમેદ એ ત્‍હારી હવે પૂરી હું પરવાર્યો !

હુકમ જલ્લાદ થાવાનો બજાવ્યો આખરે, દિલબર !
હવે એ હુન્નરે કાબિલ થી તુંથી ય પરવાર્યો !

ભણ્યો ત્‍હારી તુફેલે તે હવે અજમાવવું તું પર !
છુરી નીચે નમી તો જો ! કરૂં ઘા ને હું પરવાર્યો !

ખુદાની આંખ ત્યાં રાતી ! મ્હને તેની ન છે દરકાર !
ખુદાથી, ઇશ્કથી, સૌથી, મગજ, દિલથી ય પરવાર્યો !

સનમ ! તેનો અને તુજ તે બને જલ્લાદ છો મ્હારો !
વહે ત્રણ ખૂનની નીકો ! તહીં હું ન્હાઈ પરવાર્યો !

અરે ! આ હાથ મ્હારાથી દિલે મ્હારી છુરી વાતાં !
ન તડકું વા ડરૂં હું ના ! દરદડરથી હું પરવાર્યો !

અદલ ઇન્સાફની ગાદી ખુદાની ત્યાં ચડી જોઉં !
પછી આહા ! અહાહાહા ! અહોહોહો હું પરવાર્યો !

૮-૮-૯૭