કલાપીનો કેકારવ/ખાકદિલ
← સ્મૃતિચિત્ર | કલાપીનો કેકારવ ખાકદિલ કલાપી |
પરવાર્યો → |
ખાકદિલ
આ ખાકદિલ અંગારમાં ભારી હવે તું શું કરે ?
છેલ્લું થવું વીતી ગયું તેને હવે તું શું કરે ?
બાળે તપાવે ખાકને શું ખાકથી બીજું મળે ?
આલમ થકી બાતલ ઉડે તેને હવે તું શું કરે ?
બસ કર ! અયી બેગમ ! હવે અંગાર ત્હારો ફુંકવો !
એ ખાકને બાળે નહીં ! એ ખાક થાશે ! શું કરે ?
છે ખાકથી એ કામ ? તો તો હાથ લે ઝોળી હવે !
આરામની કફની વગર તેને મગર તું શું કરે ?
ત્હારી પછાડી આંસુડાં ! તું માગતી હસવું ફરે ?
એ આંસુડાં ના લૂછતી ! તો વ્યર્થ ઢૂંઢ્યા શું કરે ?
આ ઝિન્દગીનું પૂછવા મ્હારો હવે હક ના રહ્યો !
ફરિયાદ વિણ રોયા કરે તેને સનમ ! તું શું કરે ?
અવધૂતની માળા મહીં પારો ફરી લાખો ગયા !
આ એક પારો ઝિન્દગીનો ફેરવી તું શું કરે ?
અવધૂત હું તેને બખીલી એક પારામાં નહીં !
લાખો કહે, લાખો દઉં ! પણ મંત્ર વિણ તું શું કરે ?
આ ખાકના પારા પરે કો ઇલ્મ સાધી જાણતું !
તે હસ્તથી આ લૂંટ આવી તું કરીને શું કરે ?
આ ખાકને ખાખી સહે યારી હતી જૂની કંઈ !
તું તો નકામી ખાકથી મેલી બનીને શું કરે ?
આ ખાક રોતી એટલું ! ખાખી રડે તે એ જ છે !
બાજીગરે બાજી મગર એવી રચી ! તું શું કરે ?
રાખું સબૂરી ! રાખજે તું એ સબૂરી ઓ સનમ !
ત્હોયે રહે ના આંસુડાં ! કોની સબૂરી શું કરે ?
૩૧-૭-૧૮૯૭