← એકપતિપત્નીવ્રત કલાપીનો કેકારવ
સ્મૃતિચિત્ર
કલાપી
ખાકદિલ →


સ્મૃતિચિત્ર

હસી મ્હારા વ્હાલા ! જીવિત કડવું મિષ્ટ કરજો,
અનાયાસે આવ્યું વગર દુઃખ તે ત્યાગ કરજો;
પ્રકાશી જે આવે દિવસ સુખના આજ સરખા,
બની ઘેલા ગાળો ભરપૂર સુખે શાન્ત વહતા.

અહો ! હું તો હીંચી મધુર રસીલા પ્રેમઝરણે
બને ત્યાં સુધી તો દુઃખી નવ કરૂં આ જિગરને;
મૃદુ મીઠાં ન્હાનાં સ્વજન મુજના મંડલ તણાં;
ઘણાં આલેખું હું હદય પર ચિત્રો અવનવાં.

મુખારવિન્દો પ્યારાં સ્મરણ કરતાં ના દિલ વસે,
અતિ જો ખેંચો તો હૃદય થકી તે દૂર ખસશે;
સ્વયં સ્ફૂરેલાં તે ખચિત બહુ સાચાં નિવડશે,
અને સૌ એ ચિત્રો હૃદય પડછન્દો ગજવશે.

ઘણાં આવી રીતે પ્રિય મુખ, અહો ! હું ભૂલી ગયો,
બની ચિત્રો ઝાંખાં સરકી સહુ ચાલ્યાં હૃદયથી !
ચિતારાની પીંછી નવ રજ હવે કાર કરતી,
હવે તો યત્નોથી દિલ પર છબી કો ન વસતી.

થતાં જૂદી પ્યારી અગણિત દુઃખોમાં ડૂબી જઈ
રૂપાની ઘંટી શા મધુર સ્વરથી તે લવી હતીઃ
“ગયું તેવું જાશે સુખભર, અહો ! વર્ષ વહતું,
“મળી પાછાં સાથે હૃદયદ્વયના શ્વાસ ઝીલશું.”

અરે ! અસ્તુ ! અસ્તુ ! પણ નવ કદી કો કહી શકે,
થયાં જો જૂદાં તો દુઃખદ દૃઢ ક્યાં બન્ધ નડશે ?
ભરેલો નેત્રે તે પ્રણયરસ નિસ્તેજ બનશે,
ચીરાશે બે હૈયાં, જગત હસતું તે નિરખશે !

અરણ્યે શોભિતું, અગણિત દ્રુમોથી રુચિર, તે
ઉભું એકાન્તે છે શિવસ્થલ રૂડું શ્યામવરણું;
ધ્વજા ફાટેલી છે, ખળભળી ગયો ઘુમ્મટ દિસે,
કરે ઘૂઘાટા ત્યાં અનિલલહરી આફળી વને.

તહીં નીચે નીચે રવિ નિજ કરો ફેરવી ઢળે,
પણે ધીમે ઊંચે ગગનપડદે ચન્દ્ર વિહરે;
ફરે એ ગોળા બે પણ પલ અહીં આજ વિરમે,
અહા ! એકી કાલે રમણીય પ્રભા પાથરી રહે !

અહો ! શાન્તિ શાન્તિ હૃદય મમ ને આ જગ પીએ,
ભર્યાં તિર્યંચો એ ભભકકર આનન્દ ઉભરે;

જડાત્મા વૃક્ષો તો ખિલખિલ હસી હર્ષ સૂચવે,
અને પૃથ્વી માતા ફરતી ફરતી ગાયન કરે !

અહીં આ મન્દિરે, સુખદ સમયે વ્હાલી રહી આ,
દિસે કો યોગિની, શિવવિભૂતિ, સાક્ષાત રતિ વા !
વિશાળાં રાતાં બે અનિમિષ રહ્યાં લોચન રૂડાં,
અને ભાસે સર્વે વીજળીમય અંગો સળગતાં !

કુમાસી સુવાસી લઘુ દ્વય રહે ઓષ્ઠ ધ્રૂજતા,
ભણે સ્તોત્રો મીઠાં પ્રભુપૂજનમાં લીન પ્રમદા;
ધ્વનિ તેની ગાજી વનચર બધાંને વશ કરે,
પિગાળી દે પ્‍હાડો ! નદ નદી ઝરાનાં નીર ઠરે!

કુસુમ્બી સાડીનો પટ સ્તન ગ્રહી ફર્‍ફર ઉડે,
મહા કો રાજાનો જયધ્વજ ફરેરે જ્યમ ઊંચે;
કિશોરીના કેશો શરીર પર શા ચામર કરે !
સ્તવે એ શંભુને, સુભગ પ્રિયને આ દિલ સ્તવે !

તહીં બાંધેલો છે તરુવિટપમાં ઘંટ શિવનો,
ધ્રૂજે શાખા ત્યારે ઘણણણ તે ઘોષ કરતો;
બજાવાને યત્નો વિફલ કરતી પ્યારી સઘળાં,
ફણે ઊભી ઊંચા કર કરી મથે છે પ્રિયતમા.

છુપી, છાનો દોડી, કટી વતી પ્રિયા તો ગ્રહી, અને
'બજાવી લે, પ્યારી!' કહી મુજ રસીલી ઊંચકી મ્હેં;
ગઈ બાઝી વ્હાલા શરમભર છાતી સરસી તે,
અને ચુમ્બી લેતાં મુજ હૃદયમાં હર્ષ ઉભરે.

અરે ! આવાં સ્વપ્નો વિરહી દિલ મ્હારૂં રીઝવતાં,
હવે ના આવે એ મુજ હૃદયમાં સૌ બળી ગયાં;
ગયાં વર્ષો વીતી, મુખ મુજ પ્રિયાનું ભૂલી ગયો !
સખા ! મીઠા ચ્‍હેરા દિલથી સરી ચાલ્યા સહુ, અહો !

તમે, મિત્રો વ્હાલા ! પથરવત વા વજ્ર સરખું,
કહેશો આ હૈયું કઠિન અથવા ના રસભર્યું;
અરે ! આ વાક્યો શું શિથિલ પ્રીતિની સ્થિતિ સૂચવે ?
કવિતા મ્હારી શું હદયજડતા સાબિત કરે !

જુઓને મ્હોં મ્હોટું વિભુ વશ કરે એ વખતનું,
ગળે તે પ્‍હાડોને, સુર, જન અને વિશ્વ સઘળું;
ઉડાડે તે તારા, રવિ, ગ્રહ બધાંને સમ અણુ,
તમારો રાજા એ મુજ પર કરે રાજ્ય સરખું.

અતિ સાચું ઓહો ! વખતનદનો છે પ્રબલ વ્હો,
ખરૂં જે સાચું તે જનહૃદયથી તે લઈ જતો;
સુકાવી દે અશ્રુ, મધુર છબી ભૂંસી દઈ હસે,
અને રોનારાંને મરણશરણે તે ઘસડી લે.

રહે છે જો મીઠું જનકર મહીં સૂક્ષ્મ સઘળું,
બહુ રક્ષાથી તો હૃદય સહ રાખી સુખી થવું;
સ્મૃતિચિત્રો પ્યારાં સ્ફુટ કદિ બને નષ્ટ સઘળાં,
ફીકા સંસ્કારો તો મરણ સુધી સૌ ઇષ્ટ ગણવા.

૨૬-૭-૯૭