કલાપીનો કેકારવ/એકપતિપત્નીવ્રત

← પુનરુદ્વાહ કલાપીનો કેકારવ
એકપતિપત્નીવ્રત
કલાપી
સ્મૃતિચિત્ર →


એકપતિપત્નીવ્રત

સુગન્ધી પુષ્પો જે નવીન મકરન્દે મહકતાં
રુચે ત્યાં અર્પે છે નિજ રજ સુગન્ધી રસભરી;
સદા સ્વચ્છન્દી આ બુલબુલ તણા હું સ્વર સુણું,
નવી પાંખો સાથે લથબથ થઈ જે ગહકતાં.

ન આ કેદી ભાસે કુદરત તણાં સ્થૂલ હૃદયો,
બહુ ના દેવાનું પણ દઈ શકે જ્યાં મન ગમ્યું;
મૃદુ મીઠા અંશો નિજ હૃદયના ઉત્તમ બધા
સદા એ રેડાતા અનુકૂલ અને ઉત્તમ મહીં.

તહીં દેવો નાચે - ગગનપડદે સૂક્ષ્મ હૃદયો,
અહો ! એ લ્હાણાં એ નહિ નહિ નકી પિંજર પડ્યાં;
મળી જ્યાં જ્યાં જાવા નિજ હૃદય પ્રેરે કુદરતે,
મળી ત્યાં જાવાની સહુ હૃદયને છૂટ સરખી.

રુચે છે પ્રીતિને ક્ષણ ક્ષણ કંઈ નૂતનપણું,
રુચે છે આત્માને અનુભવ નવામાં વિહરવું;
નકી હૈયુંપ્યાલું હૃદયરસ કો એક જ વતી
ભરાતું ના પૂરૂં, નવ વળી અધૂરૂં રહી શકે.

 જનોનાં હૈયાનાં રુદન કરતાં પાત્ર અધૂરાં,
ઉરો જ્યાં ખેંચે ત્યાં અરર ! નવ સ્થૂલો જઈ શકે;
ઉરો ખેંચી લેવા જનઉર મહીં ના બલ કશું,
ઉરો તો ઊડે છે લથબથ થવા સામ્ય નિરખી.

અરે ! પ્રીતિ એ તો જગત પરનું જીવન ઠર્યું,
દઈ પ્રીતિ ફેંકી ક્યમ ફરી બને પત્થર થવું ?
દિસે પ્‍હાડોમાં એ પ્રણયમય કોઈ રસિકતા,
નવું જોવા થાવા જગત સઘળું યત્ન કરતું.

નવું જોકે કાંઈ જનહૃદયમાં સૂક્ષ્મ સળગે,
જનોની પ્રીતિમાં કંઈક ચમકે દેવ સરખું;
છતાં કૈં કાલોથી જનઉર રમે સ્થૂલ રમતો,
જનોનાં અંગો ને અવયવ સહુ સ્થૂલમયતા.

રહી દૂરે ચાહી જનઉર ન સંતુષ્ટ બનતાં,
ચહાતાં સ્થૂલો સૌ નિકટ બનવા યત્ન કરતાં;
ઉરો, વૃત્તિ, અંગો, શરીર પરનાં રોમ સઘળાં
ઉઠાડે કમ્પાવી લથબથ થવા પ્રેમચિનગી.

અરે ! જૂનો સાથી નવીન નવ જો કૈં દઈ શકે,
નવું વા કૈં જુદી દઈ લઈ શકે જો નવીનતા;
ન કાં તો તે સાથે હૃદય સ્થૂલનું ઐક્ય કરવું ?
અરે ! પ્યાસા પ્યાસા જલમય છતાં કેમ મરવું !

મથે સ્થૂલો સર્વે પ્રતિ પલ વધુ સૂક્ષ્મ બનવા,
ચડાતાં તૃપ્તિથી અનુભવ લઈને પગથિયાં;
ન આડો બન્ધાવી કુદરતક્રમે કૈં ઉચિત છે,
પ્રભુની લીલા તો સરલ સહુ ખીલા વગરની.

દિવાલો કૂદીને નવીન બનવાનું થઈ જશે,
ધસારા મ્હોટાથી તૂટી પડી દિવાલો પણ જશે;
પ્રવાસીને દેવો અઘટિત વૃથા કાં શ્રમ ભલા ?
પ્રવાસીનો આવો સમય લઈ લેવો ક્યમ ભલા ?

૧૮-૭-૯૭